Udhari Smartness in Gujarati Short Stories by Sneha Patel books and stories PDF | Udhari Smartness

Featured Books
Categories
Share

Udhari Smartness

ઉધારી સ્માર્ટનેસ

સ્નેહા પટેલ


sneha.het@yahoo.co.in



© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

અનુક્રમણિકા

•ઉજળિયાત

•ઉધારી સ્માર્ટનેસ

•એક તમારૂં નામ બહુ ગમે છે મને

•ખટકો

•નાનમ - માતૃભાષા

૧. ઉજળિયાતઃ

હતો હું સૂતો પારણે પુત્ર નાનો,રડું છેક તો રાખતું કોણ છાનો ?

મને દુખી દેખી દુખી કોણ થાતું,મહા હેતવાળી દયાળી જ મા તું !

પડું કે ખડું તો ખમા આણી વાણી,પડે પાંપણે પ્રેમનાં પૂર પાણી .

પછી કોણ પોતાતણું દૂધ પાતું, મહા હેતવાળી દયાળી જ મા તું !

-દલપતરામ

શીયાનું અત્યાધુનિક ઘર અત્યારે ૪૬ ડીગ્રીની ગરમીમાં એસીની ઘરઘરાટીથી ગૂંજી રહ્યું હતું. શીયાને એના ઘરમાં સિમ્પલ પણ રીચ લૂક જોઈતો હતો. એણે એના ઘરમાં માર્બલ અને વુડની મદદથી આ એક્સ્ટ્રા ઓર્ડિનરી કોમ્બીનેશનથી પોતાની આ ઈચ્છા સંતોષજનક રીતે પૂર્ણ કરી હતી. એના ઈન્ટીરીઅર ડેકોરેટરે ઘરમાં માર્બલની સિમ્પલીસીટી સાથે વુડન પેનલિંગથી રીચ લૂક આપ્યો હતો. સાદગીની સફેદાઈ અને વુડનનો બ્રાઉન કલર આખા ઘરને એક અલગ જ ચાર્મ આપતું હતું. શીયાને વાંચનનો ખૂબ શોખ હતો. ચોરસ કે લંબ ચોરસ ફ્રેમના બદલે જગ્યા અનુસાર બુકસના પેઈન્ટીંગ કટીંગ કરીને લગાવેલાં. ઘર અદભુત રીતે સુંદર અને સૌમ્ય લાગતું હતું.

શીયા સ્વભાવે પણ એવી જ હતી. પહેરવેશ, બોલ ચાલમાં અત્યાધુનિક પણ ભારતીય સ્ત્રીની મર્યાદા, સંકોચશીલ સ્વભાવ, નાજુકાઈ એનામાં ભારોભાર ભરેલી હતી. ટીવીનું રીમોટ હાથમાં લઈને હજુ તો એ પોતાનો મનપસંદ પ્રોગ્રામ જોતી હતી અને એના ટીનેજરી દીકરા આશિષે આવીને ફ..ટ..ટા..ક દઈને ચેનલ બદલી કાઢી. નોર્મલી તો શીયા આશિષને બહુ ટોકતી નહીં. બને ત્યાં સુધી એ ધીરજ રાખી અને આશિષને સોફ્ટ રીતે પોતાની વાત સમજાવતી પણ આજે એ બહુ કંટાળેલી હતી અને એને માઈન્ડ ડાયવર્ટ કરવા થોડી વાર ટીવી જોવું હતું. ધારત તો એ પોતાના બેડરૂમમાં પણ ટીવી જોઈ શકત, મોબાઈલમાં ગેમ પણ રમી શકત, લેપટોપમાં મનપસંદ સાઈટ્‌સ સર્ફ કરી શકત, વીડીઓસ જોઈ શકતપ.પણ ના, આશિષે જે વ્યવહાર કર્યો એ શીયાને થોડો ઈન્સલટીંગ લાગ્યો.

‘આશુ, આ શું ? આમ બ્લન્ટલી ચેનલ કેમ બદલી કાઢી ? મારે ડીસ્કવરીનો આ પ્રોગ્રામ જોવો છે. રીમોટ લાવ.’

‘હે ય..ચીલ મોમ. આ શું પ્રાણીઓ અને કુદરતની વાતો જોયા કરો છે ? મારી ડબ્લ્યુ ડબ્લ્યુ એફની મેચ આવે છે એ જોવા દો.’

‘આશુ, મમ્મી સાથે વાત કરવાની આ રીત છે ? અમે તમારી ઉંમરના હતા ત્યારે અમારા મમ્મી પપ્પા સામે એક અક્ષર પણ ઉંચા અવાજે નહતાં બોલી શકતાં. અમે તમને ફ્રીડમ -સ્પેસ આપીએ એનો મતલબ એમ નહીં કે તમારે મનમાની કરતાં શીખવાનું’

‘મોમ પ્લીઝ, તમારો જમાનો અલગ હતો અને આ અલગ છે. આવી જૂનવાણી વાતો થકી આપણી બે ય પેઢી વચ્ચેનું અંતર ઘટાડવાના બદલે તમે વધારો છો. અત્યારે તો મા બાપ પોતાના સંતાનોના મિત્ર બનીને રહે છે જ્યારે તમે આ નક્કામી વાતો... હુમ્મ્મ..’ આશિષે નારાજગીનો એક સૂર કાઢ્‌યો.

‘આશિષ, તું સૌપ્રથમ મારૂં સંતાન છે એ પછી મિત્રપઅમારા જમાનામાં તોપ’

‘મોમ પ્લીઝ... અમારા જમાનામાં તો આમ ને તેમ ના કર્યા કરો. તમારો જમાનો આટલો એડવાન્સ નહતો તો અમારો પ્રોબ્લેમ નથી. આમ નાની નાની વાતોને મોટું સ્વરૂપ ના આપો. જમાનાની સાથે બદલાતા શીખો.’

અને આઘાતની મારી શીયા બે પળ સૂન્ન થઈ ગઈ. દીકરાને મિત્ર માન્યો હતો પણ એથી દીકરો થોડો મટી જતો હતો. જ્યાં જરૂર પડે ત્યાં સલાહ તો આપવી જ પડે અને આશિષે એ સલાહનું માન રાખતાં શીખવું જ જોઈએ. મા બાપ મિત્ર બને એટલે સંતાન એમને માન આપવાનું છોડી દે એ ક્યાંનો ન્યાય ? મા બાપ સંતાન સાથે મૈત્રી માટે એક કદમ આગળ વધે તો સંતાનોની ફરજ છે કે એમણે પણ મા બાપના કદમ સાથે કદમ મિલાવતી ચાલ રાખવી જોઈએ. આભમાં ઉડવાના સપના જોવામાં પોતાનું ઘર તોડી નાંખવાનુ ?

‘આશિષ, પરિવર્તન ઈચ્છનીય છે બેટા પણ દરેક પરિવર્તન સારા જ હોય એવું જરૂરી નથી. પરિવર્તનના નામે આંધળૂકીયા ના કરાય. આપણી ભારતીય સંસ્કૃતિની કેટલીક સુંદર વાતો છે, રિવાજો છે જેનાથી આપણે ઉજળિયાત છીએ. પરિવર્તનના નામે એ બધા સામે આંખ આડા કાન કરીને મનસ્વી વર્તન કરવું એ સહેજ પણ હિતાવહ નથી. નવા અને જૂના જમાનામાંથી જે સારી વાતો હોય એટલી વીણી લેવાની અને બાકીની વાતો ઘઉંના કાંકરાની જેમ જીવનમાંથી ફેંકી દેવાની. ગમે એટલો તેજીલો ઘોડો હોય પણ એના મોઢામાં નકેલ જોવા મળશે જ. બે પેઢી વચ્ચેનાં અંતર ઓછા કરવાની ફરજ મા બાપની એકલાંની નથી. મા બાપનું મહત્વ સમજી તમારે પણ મા બાપની ઈ્‌ચ્છા, આશા, લાગણી સમજવાનું, એને માન આપવાનું અનિવાર્ય છે. તાળી બે હાથે વાગે એક હાથ તો હવામાં જપ’

અને શીયાની આંખમાં આંસુ ધસી આવ્યાં , આગળ કશું ના બોલી શકી.

મા ની આંખમાં આંસુ જોઈને આશિષ પીગળી ગયો આખરે એનામાં પણ ઉંડે ઉંડે શીયા જેવી મમતાળુ મા ના અંશ ધબકતા હતાં.’સોરી મમ્મા’ બોલીને આગળ વધીને એણે શીયાને પોતાની બાહુમાં સમાવી લીધી.

અનબીટેબલ : પરિવર્તન અપનાવવામાં સમજશક્તિ અને વિવેક જેવી વાતો ભળે તો સોનામાં સુગંધ ભળે.

૨. ઉધારી સ્માર્ટનેસ

છો વેદ વાંચનારાને માનહાનિ લાગે

પ્રસ્વેદ પાડનારા અમને તો જ્જ્ઞાની લાગે

- રઈશ મનીઆર.

બેંક્ની પાસબુક ભરાઈને આવી ગઈ.અખિલેશે એમાં જમા થયેલ રકમ પર પ્રેમથી આંગળીઓ ફેરવી લીધી. ટેરવાંના સ્પર્શ થકી અખિલેશની આંખોમાં સપનાનાં છોડ ઉગી નીકળ્યાં. સ્માર્ટ એલ ઈ ડી ટીવી ના સપનાંનું એક બીજ એના અંતરમાં બે વર્ષથી ઉંડે ઉંડે ધરબાયેલું હતું. એના ફળ, ફૂલ અને મ્હેંક માણવા માટે અખિલેશે તેના તમામ નાના મોટાં ખર્ચાઓ પર ખૂબ જ અંકુશ રાખેલો હતો. હજારો નાની નાની આશાઓનો કચ્ચરઘાણ બોલાવીને ખુડદો કરી દીધેલો. પણ આ બધી તકલીફો એને ખાસ દુઃખી નહતી કરી શકતી કારણ એની પાછળ એની મહાઆશા જેવું સ્માર્ટ ટીવી ઉભેલું હતું. આજે પાસબુકના આંકડા જોઈને એના દિલમાં સંતોષના ફૂલોની કુંપળો ફૂટી હતી. આવનારી ખુશીના સપના લઈને મદભરી આંખોએ અખિલેશે ઘરમાં પગ મૂકતાં જ એની પત્ની જીજ્જ્ઞાને બૂમ પાડી,

‘જીગુ, ફટાફટ તૈયાર થઈ જા તો...’

‘અરે, પણ તમારી ચા મૂકી છે એ તો પી લો.’

‘ના, ટાઈમ નથી.’

‘ચા પીવાનો સમય નથી !’

‘હા, આજે મારે સ્માર્ટ ટીવી લેવા જવું છે. તને ખબર છે ને મેં કેટલાં વખતથી આ સપનું ઉછેરેલું છે એ. આજે એ પૂરૂં કરવા જી રહ્યો છું. જલ્દી ચાલ.’

આટલું સાંભળતાં જ જીજ્જ્ઞાનું મોઢું પડી ગયું. હજી વર્ષ પહેલાં જ ૨૯ ઈંચનું ટીવી કાઢીને સામે ફ્લેટ ટીવી લીધેલું. હવે એ બદલીને સ્માર્ટ ટીવીપઉફ્ફપઆ ડિવાઈસીસ બદલવાના ચક્કરો ક્યાં સુધી ચાલશે ? આ ચકકરો એને કોઈ બચત જ નથી કરવા દેતું.

‘અખિલેશ, આ બધું થોડું વધારે થઈ જાય છે એવું નથી લાગતું ? સ્માર્ટ ફોન, ટચ સ્ક્રીન લેપટોપ, સ્માર્ટ ફ્રીજ અને હવે આ સ્માર્ટ ટીવી ?’

‘જીગુ, લેટેસ્ટ ટેકનોલોજીનો વપરાશ તો કરવો જ જોઈએ ને પઆપણે એવું ના કરી શકીએ તો બીજાઓ આગળ કેવાં ડોબા લાગીએ ? આજકાલ તો બધા સ્માર્ટ સ્માર્ટનો જમાનો છે.’

‘અખિ, ફોન વાત કરવા માટે હોય છે. એ તો આપણે પેલાં લાલ - કાળા ચકરડાંવાળા ડબલાંથી પણ કરી જ શકતાં હતાં ને ? એ પછી જે જગ્યાએ હોઈએ ત્યાંથી કોન્ટેક્ટમાં રહેવા મોબાઈલ આવ્યાં , એ પાછા કલર વાળા થયાં અને હવે નેટ-એપ્લીકેશન્સ વાપરી શકીએ એવા ટચ સ્ક્રીન. એમાં ય સ્ક્રીનની સાઈઝ, ફોન જાડો - પાતળો.. જેવાં ગતકડાં ચાલ્યાં જ કરે ! વળી એ બધું સ્મૂધ ચાલે એના માટે નેટનું કનેક્શન જોઈએ, એની સ્પીડના સારા પ્લાન જોઈએ. આવું જ ટીવીમાંપટીવી પાસે કોમ્પ્યુટરનું કામ લઈ શકો એવા સ્માર્ટ ટીવીપઆ ચકકરો ક્યાં અટકવાનાં ? ક્યાં સુધી ઉત્પાદકોની માલ વેચવાની, નવું નવું શોધીને નવા નવા ગતકડાં કાઢ્‌યા કરવાની રીતોના ગુલામ રહીશું ? હવે આપણાં સંતાનો પણ મોટાં થઈ રહ્યાં છે એમના ભાવિ માટે કોઈ બચત જેવું કરવાનું હોય કે નહીં ?

‘જીગુ... એ તો... એ તો...’

અખિલેશ પાસે કોઈ દલીલ નહતી. એની નબળાઈ એને પણ ખ્યાલ હતી અને જીજ્જ્ઞા જે કંઈ બોલી રહી છે એ વાત સાથે એ પણ સહમત જ હતો.

‘અખિ, તું ઈનફ સ્માર્ટ છે જ. આમ ડિવાઈસીસ, અતિઆધુનિક ટેકનોલોજીનો આધાર લઈને તારી સ્માર્ટનેસ બતાવવાના ચક્કરોમાં હતાશા, ડિપ્રેશન, બેફામ ખર્ચા જે કદાચ દેવામાં પણ પલટાઈ શકે એના સિવાય કંઈ જ હાથ નહીં લાગે. હું ટેકનોલોજી કે વિકાસની વિરોધમાં નથી પણ એની પાછળ આંધળૂકિયાં કરવાના વિરોધમાં છું. તમારી લગન, કોમન સેન્સ, મહેનત,પોતાની જાત પર પૂરતો વિશ્વાસ હોય તો દુનિયામાં તમે ક્યાંય પાછા ના પડો. અત્યારનો સમય આપણે કમાઈને બચત કરવાનો સમય છે જેને બચત કરીને સાચવીશું, સંતાનોના ઉછેર પાછળ વાપરીશું તો ભાવિમાં ઉગી નીકળશે બાકી આમ વાંઝણી સ્માર્ટનેસની પાછળ દોડયાં કરીશું તો આપણી હાલત ધોબીના કુત્તા જેવી થઈ જશે - ન ઘર કા ન ઘાટ કા. પ્લીઝ આખિ, હવે સંભાળ જાતને, કોઈ પણ વાતનો અતિરેક નહીં સારો.’

અને અખિએ એની બેગ ડોઈંગરૂમમાં મૂકીને જીજ્જ્ઞાને કહ્યું.

‘જાવ હવે ચા લઈ આવો, કીચનમાં ઠંડી થઈ રહી છે.’

અનબીટેબલ : જેને વાપરીને પૈસા કમાઈ શકીએ એ ખરી સ્માર્ટનેસ કહેવાય બાકી પૈસા ખર્ચીને સ્માર્ટનેસ નથી ખરીદી શકાતી.

- સ્નેહા પટેલ.

૩. એક તમારૂં નામ બહુ ગમે છે મને

’જબ ભી ખયાલો મે તું આયે,

મેરે બદનસે ખુશ્બુ આયે !’

લાકડાંની ઝીણી કોતરણીવાળી ટિપોઈ પર મારો મોબાઈલ પડયો હતો. એમાં લગાવેલા ’ઈયરફોન’માંથી હું લતા મંગેશકરનું મારૂં મનગમતું ગીત વારંવાર સાંભળી રહી હતી.

હું - એટલે સુગંધી, આ વાત તો તમને ઉપરના ગીતની મારી પસંદગીની લીટી પરથી સમજાઈ જ ગયું હશે. હું - સુગંધી - મારા આશુના પ્રેમમાં તરબોળ યુવતી. હું કાયમ મારી અને મારા આશુની પ્રણયની દુનિયામાં જ મસ્ત રહુ છું, કાયમ એની સાથે વાર્તાલાપ કરૂં છું. જાત સાથે સતત ચાલતી આ સંવાદી - દુનિયાથી વધીને મારા માટે બીજી કોઈ જ સચ્ચાઈ નથી.

ચાલો મિત્રો, તમને પણ આ કોલમ દ્વારા મારી એ નાજુક સંવેદનોની દુનિયાની સફરે લઈ જઉં.

મારી કોલેજની પરીક્ષા નજીક આવી રહી છે અને હું હાથમાં મોટામસ પુસ્તકને લઈને એના પર મારી નજર ફેરવી રહી છું જેને આમભાષામાં તો ’વાંચવું’ જ કહેવાય પણ શું હું વાંચી રહી હતી ? કદાચ હું વાંચુ છું એના કરતાં થોથાં ઉથલાવી રહી છું કહેવું વધુ યોગ્ય રહેશે. નાનપણથી જ કાનમાં ઈયરફોન લગાવીને મ્યુઝિક સાંભળતા સાંભળતા વાંચવાની ટેવ (મારી મમ્મીના શબ્દોમાં કુટેવ) પડી ગઈ હતી. એક ફુલસ્કેપમાં પેન લઈને ઈમ્પોર્ટન્ટ પોઈંટ્‌સ નોટ્‌ડાઉન કરતી જતી હતી. યુનિવર્સ્િાટીની આ છેલ્લી - છેલ્લી પરીક્ષાઓ ચાલી રહી છે. બસ, પછી તો ’ફ્રી બર્ડ’.

’આશુ, તું મારાથી લગભગ ચાર વર્ષ મોટો છે. બે વર્ષ તો તેં દસમામાં જ કાઢ્‌યાં. તારી એ ત્રણ ત્રણ માર્કશીટ સાથે માંડ માંડ પૂરા કરેલા દસમાની વાતો પર હજુ મને ખડખડાટ હસવું આવે છે. કોલેજમાં ય એ જ પરંપરા ચાલુ, છેલ્લાં બે વર્ષથી ‘એટીકેટી’નો ભમરડો ફેરવતો ફેરવતો આખરે આજે મારી સાથે આવીને ઉભો છું. જોકે આ વર્ષોમાં ’ફેલ’ થવાનું તો સકારણ હતું એ મને ખબર છે. મારી જોડે ગાળવા મળતા વધારાના બે વર્ષની તારી લાલચ હું સમજી શકું છું. પણ આશુ, હવે પછી આપણા જીવનની પરીક્ષાઓ ચાલુ થશે.તો તારે હવેથી બધી પરીક્ષાઓમાં પાસ થવાની ટેવ પાડયે જ છૂટકો.એમાં ’એટીકેટી’ જેવો કોઈ શબ્દ નથી એ હવે તારે સમજવાનું રહેશે..સમજી જીશ ને?’

હું એફ.વાયમાં હતી ત્યારે આશુ ટીવાયમાં. અને જ્યારે હું આજે ટી.વાયમાં છું ત્યારે પણ આશુ તો ટી.વાયમાં જ છે. આશુ સાથેનો આ બે વર્ષનો ગાળો અદભુત રીતે પસાર થઈ ગયેલો. આંખ બંધ કરીને ખોલું એવા પલકારામાં જ્સ્તો. આહલાદક સાપેક્ષ સમયગાળો !

મારા જીવનનો સુવર્ણકાળ ! તારી ’જાણી જોઈને નાપાસ થવાની ટેવ’ દિલના એક ખૂણાને બહુ ગમી ગઈ હતી. આવું કેમ, શું હું સ્વાર્થી થઈ ગઈ છું..? તારી હાર, કેરીયરના મહામૂલા સમયના વેડફાટમાં મને આનંદ આવે એ તો ના માની શકાય એવી વાત હતી. બધું બહુ ગૂંચવાયેલું ગૂંચવાયેલું લાગતું હતું. હાથમાં ચોપડી પકડીને હું તારી એટીકેટીના વિચારોમાં ફસાઈ ગયેલી. ત્યાં તો બહારની રૂમમાંથી મમ્મી ટહુક્યાં,

‘સુગંધી બેટા, તારી કોફી બની ગઈ છે, બહાર આવે છે કે ત્યાં જ આપી જઉ?’

અને મારી સ્વપ્નસૃષ્ટી કડડડ..ડ ભૂસ ! હાથમાં રહેલી પેન પણ વિચારો સાથે એક ઝાટકા સાથે અટકી ગઈ. મારી નજર સામે રહેલાં ફૂલ્સ્કેપનાં પાના પર પડી અને હૈયું ધક્ક..આ શું કરી કાઢ્‌યું હતું મેં ? વિચારોના જંગલમાં ભૂલી પડેલી એવી મેં બેધ્યાનપણે સામેના કાગળમાં તારૂં નામ ચીતરી કાઢેલું. આખું પાનું ભૂરાં ભૂરાં ટ્રાફિકથી ચક્કાજામ ! ત્યાં તો આશ્ચ્રચર્યનો ઝાટકો દિલ -દિમાગને હલબલાવી ગયો. આ તારૂં નામ ક્યાં હતું ? આ તો મેં મારૂં નામ લખેલું જે તારા નામમાં સમાઈને સોંસરવું નીકળી ગયેલું, બેમાંથી એક થઈ ગયેલું ! આંખો ફાડીને એ ચાડીયા કાગળને નિહાળી રહી હતી ત્યાં તો મમ્મી કોફી -બિસ્કીટની ટ્રે સાથે બારણામાં દ્રશ્યમાન થયાં અને બધો નશો તીખા સબાકા સાથે છૂપઉ..ઉપઉ.

‘શું થયું બેટાં ?’

અને મારા મુખનો રંગ ઉડી ગયો. આ નાજુક - બિનગુનાકીય ચોરી હમણાં પકડાઈ જ ગઈ સમજો. પણ મગજે ભયના તરંગોને સમયસૂચકતાથી ઝીલીને ત્વરાથી હાથને સંદેશો પાઠવી દીધેલો અને એ બેયના સાયુજયથી થયેલાં કાર્યના પરિણામસ્વરૂપે ફુલસ્કેપ આપોઆપ બંધ થઈ ગયેલો.

‘હાશ..બચી ગઈ..!’ છાતીમાં ભરાઈને બહાર નીકળવામાં નિષ્ફળ રહેલો - ગુંગળાઈ ગયેલો શ્વાસ હેઠે બેઠો.

‘ રાતના બે વાગવા આવ્યાં છે, તારી ચિંતામાં મને ય નીંદર નથી આવતી. લે આ કોફી પી લે એટલે થોડી ફ્રેશ થઈ જીશ, છેલ્લાં સમયે આમ બહુ ઉજાગરા ના કરીશ દીકરા.’

‘હું થોડી વાર રહીને પી લઈશ મમ્મા, તમતમારે જીને નિરાંતે ઉંઘી જાઓ.’

‘ના તું પી લે એટલે હું ટ્રે પાછી લઈને જ જાઉં. વળી એ એંઠો કપ અહીં જ પડયો રહેશે અને એમાં કીડીઓ એમનું ઘર બનાવી લેશે.’

ને મનોમન હું થોડી અકળાઈ ગઈ.

આ મમ્મીઓ સમજતી કેમ નહી હોય કે એમની જુવાન દીકરીઓને થોડું એકાંત જોઈતું હોય છે. એમની લાડકવાયી હવે મોટી થઈ ગયેલી.મનના માનેલા જોડે પ્રણય-પંથ પર ડગ માંડી રહેલી. સામે કોફીના કપની સપાટી પર વરાળના બિંદુઓ બાઝતાં હતાં લગભગ એવા જ બિંદુઓ મારા તન મનના એકે-એક ખૂણે પ્રણયની આંચથી બાઝતા હતા, લોહીમાં ભળી જીને નશો રેલાવતા હતા. દબાયેલી લાગણીઓ મુખ પર પ્રસરવા માટે ઘમપછાડા કરી રહી હતી જેને મહાપરાણે હું દિલમાં સંગોપી રાખતી હતી. એ બધાંને છૂટથી વહેવા માટે મારે મારી જાત જોડે સાવ એકલા રહેવું હતું. પ્રેમ માનવીને થોડો સ્વાર્થી બનાવી દે છે એ તો સનાતન સત્ય. સામે બેઠેલા મમ્મીના મુખમાંથી ઝરતા અસ્ફુટ શબ્દોને આંખથી જોઈ જ શકતી હતી. શું બોલાઈ રહેલું એ સંધુ ય સમજની બહાર જસ્તો. બધી ઈન્દ્‌રિઓએ એકસાથે બળવો પોકારવા માંડેલો. મમ્મીના સતત હાલતા હોઠને જોતાં જોતાં ફટાફટ ગરમાગરમ કોફી ગળા નીચે ઉતારી દીધી. ઉફ્ફ...નાજુક જીભ પર એ કાળી કાળી કોફીએ એનો કેર વરસાવી દીધો. પણ એ પીડા મોઢા પર આવી જાય તો મમ્મી પાછા અહીં વધુ સમય અટકી જાય જે મને સહેજ પણ પોસાય એમ નહતું. દાંત પર દાંત કચકચાવીને વાસી દીધાં અને બધી પીડા એની કેદમાં સમાવી દીધી. મમ્મીને મહા પરાણે વિદાય કર્યા. હાશકારાનો ધોધ વછૂટયો.દિલના એક ખૂણે થોડી ગુનાહિત લાગણીનો શિકાર થઈ જવાયું પણ બે પળમાં બધું ય ભૂલીને પાછી પ્રણયનગરમાં વિહરવા તૈયાર.

ત્વરાથી પેલું નામાંલેખનવાળું પેઈજ ખોલ્યું ને શબ્દો પર આંગળીના ટેરવાં ફરવા લાગ્યાં. ચારે બાજુ તારા નામ સાથે લખાયેલું મારૂં નામ. અહાહા..! અત્યાર સુધી તો હું મારી હથેળીના ડાબા ખૂણે ફક્ત તારા નામનો પ્રથમ અક્ષર ’એ’ જ લખતી હતી, પણ આજે આ અચાનક કાગળમાં શું લખાઈ ગયેલું ?

‘મારી કલમમાંથી વહી રહ્યો છે તું,

શબ્દ બનીને પાને ઉભરી રહ્યો છે તું...’

‘સુગંધી - આશુ...’ ના નામથી આખું પાનું ભરચક. એટલું ઓછું હોય એમ એકની એક જગ્યાએ એને ઢગલો વાર ઘૂંટયા કરેલું..નાનું બાળક કક્કો લખતાં શીખે ને જેમ એકનો એક અક્ષર ઘૂંટે એમ જ સ્તો.

‘એક તમારૂં નામ બહુ ગમે છે મને,

વારંવાર ઘૂંટવું બહુ ગમે છે મને.’

અમુક જ્ગ્યાએ તો આ ઘૂંટાઈથી પાનું ફાટી ગયેલું..એ પણ કેટલું ઘર્ષણ સહન કરી શકે ! પેનની ભૂરી ભૂરી સ્યાહી છેક ચોથા- પાંચમા પાના સુધી રેલાઈ ગયેલી. આટલી બધી પ્રબળતા..નવાઈના સાગરમાં ગોથ મારતા મારતાં વિચાર્યું,

‘આ બે ય નામ સાથે લખવાનું ઈચ્છાબીજ સાવ અજાણતાં જ મનની ધરતીમાં ક્યારે રોપાઈ ગયું ?

તુંપભગવાન તરફથી મળેલ અલભ્ય, અદ્‌વિતીય ભેટ. પ્રભુનો આશીર્વાદ - મારો આશુ !’

‘સુગંધી - આશીર્વાદ... સુગંધી- આશુપમારો આશુ’ અહાહા..નામ બોલતાં - બોલતાં તો બે ય કાંઠે છલકાઈ જવાયું.

પ્રીતના પ્રચંડ વાંસપૂર, એમાં તણાતાં તણાતાં આપણાં નામ એકમેકમાં સમાઈ ગયેલા. બધું ય ભેળસેળ થઈ ગયેલું. શબ્દોમાં અચાનક વસંત બેઠી અને તારી સાથે લખાયેલું મારૂં નામ માદક થઈને મહેંકી ગયું.

દરેક પ્રેમમાં પડતી છોકરીના મગજમાં આવો જ ચક્રવાત ઘૂમરાતો હશે ને.. અવઢવની આવી જ હેલીઓ આવતી હશે ને..દુનિયામાં આવા કેટલાં ‘મારા-તારા -સંયુકત નામ’ના કસુંબા ઘૂંટાયા હશે ? એ બધો નશો ભેગો કરાય તો કદાચ આખી દુનિયા સદીઓ સુધી એના કેફમાં ઝૂમ્યાં કરે.

જે હોય એ, પણ ‘સુગંધી’ જોડે ‘આશુ’ નામ બહુ જ દેદીપ્યમાન લાગતું હતું. હળ્વા હાથે એને સ્પર્શતા હાથના ટેરવામાંથી વીજળીનો કરંટ પસાર થઈ ગયો.અદભુત સંવેગો મગજ પર એનો કાબૂ જમાવતા ગયા. આંખો બંધ થતી ચાલી, વાંચવાનું બાજુમાં રહી ગયું અને હું તો આ હાલી મારા સપનાના પ્રદેશમાં. મારો આશુ મને ત્યાં મળવા બોલાવતો હતો. આતુર નયને મારી વાટ નીહાળી રહેલો. દુનિયા અને પરીક્ષા બધું ય જાય તેલ પીવા..અમે તો અમારી મસ્તીમાં ગુલતાન !

‘આખી રાત તારી સાથે વાતો કરવી છે,

પ્રણયમાં ચકચૂર મુલાકાતો કરવી છે.’

’ગુડમનાઈટમ.’

બેડરૂમમાં હલ્કો નારંગી રંગ રેલાવતો નાઈટલેમ્પ એક પ્રણયઘેલીની ભાન સાન ગુમાવેલી દશાની મજા માણતો માણતો મંદ મંદ હાસ્ય સાથે એકલો એકલો મરકી રહ્યો હતો.

- સ્નેહા પટેલ

૪. ખટકો

દશા પર દાઝનારા ને દશા પર દૂઝનારાઓ,

નથી હોતા ખુમારીથી જીવનમાં ઝૂઝનારાઓ.

- વેણીભાઈ પુરોહિત.

ત્રીજા માળે લિફ્ટનો દરવાજો ખોલીને સપનાએ લિફ્ટની બિલકુલ સામે આવેલાં પોતાના નવા ફ્લેટનાં બારણાં ઉપર મમતાભરી નજર નાંખી. પાઈ પાઈ ભેગી કરીને એણે અને પ્રથમે આ ફ્લેટ ખરીદ્યો હતો. આજે એ ફ્લેટમાં રહેવા આવ્યાં હતાં. ઓછા પૈસામાં સારો એરિયા મળતો હોવાથી સપનાએ પોતાના સપનાના ઘરની ઈમેજમાં થોડી ઘણી બાંધછોડ કરવી પડેલી પણ ઈન-મીન અને તીન એવા એના પરીવાર માટે આ બે બેડરૂમનો ફ્લેટ ઘણી બધી રીતે એની સગવડ સાચવી લેતો હતો. બૂંદ બૂંદ પરસેવાની કમાણી ઘરની ઈંટૉમાં રેડી હતી. સપના એ ઈંટોની મહેંક શ્વાસમાં ભરતી’કને ઘરનાં બારણાં તરફ ગઈ.ચાંદીના નાનકડાં ગણપતિના કીચેઈનમાં ઝુલતી ચાર - પાંચ ચાવીના ઝુડામાંથી સૌથી લાંબી ચાવી લઈને એણે ઘરનું બારણું ખોલ્યું અને ભીના ભીના હૈયા સાથે ઘરમાં પ્રવેશ કરતી જ હતી ત્યાં એની નજર પોતાના ઘરથી ડાબી બાજુ આવેલા ફ્લેટમાં એક વરવું દ્રશ્ય જોયું અને એનો જીવ ખાટો થઈ ગયો.

ફ્લેટની જાળીમાં એક આધેડ બાઈ બ્લાઉઝ અને ચણિયો પહેરીને ઉભી હતી અને એની સામે એકીટશે નિહાળી રહી હતી. સપના હજુ એના આઘાતમાંથી બહાર આવે એ પહેલાં તો એ આધેડ ચહેરાં પાછળ એક બીજો જુવાન ચહેરો ગોઠવાયો. એ કદાચ એની દીકરી હતી. આવા સારા પ્રસંગે આવા લોકો વિશે વધુ વિચારવાનું માંડી વાળીને સપનાંએ પોતાની નજર ત્યાંથી હટાવી અને પ્રથમ અને એની દીકરી ખ્વાહિશ સાથે ઘરમાં પ્રવેશ કર્યો.

ઘરની એક એક ભીંત - બારી - બારણાં પર સપનાંએ પોતાની મમતાળુ આંગળીઓ ફેરવવા માંડી. પ્રથમ પોતાની અતિસંવેદનશીલ પત્નીનો સ્વભાવ જાણતો હતો અને એને આ નશામાંથી બહાર આવતાં પણ ખાસો સમય આવશે એ પણ ખ્યાલ હતો. પ્રેમાળ પતિએ પોતાની પત્નીના અતિસુંદર સમયને ડીસ્ટર્બ કરવાનું યોગ્ય ના લાગતાં કીચનમાં જીને જાતે ચા બનાવવાની તૈયારી કરવા માંડી.થોડીવારમાં તો ચા અને બિસ્કીટ્‌ની ટ્રે સપનાની સામે હતી. આદુ ફુદીનાની તીખી સ્મેલથી મઘમઘતી ચાની વરાળ નાકમાં પ્રવેશતાં જ સપનાનો ઘરનો નશો તૂટ્‌યો અને સામે રહેલાં પતિના પ્રેમની સાક્ષી પૂરાવતા ચા ના નશામાં ડૂબી ગઈ એક પ્રેમાળ સ્મિત રેલાવી અને પતિ પત્ની ચા નાસ્તો કરવા લાગ્યાં.

બે દિવસ સુધી તો આજુબાજુ બહુ હલચલ ના થઈ પણ ત્રીજા દિવસે પેલા અણગમતા ડરેસિંગવાળા ફેમિલી મેમ્બરો સપનાના દરવાજે ડોકાયાં.

આ બે દિવસમાં સપનાએ એ ઘરમાં લગભગ ૭-૮ જાતનાં નવા નવા ચહેરાઓ જોયેલા અને મનોમન એ ઘર વિશે આસ્શર્ય પામતી પોતાના પર ગુસ્સે પણ થયેલી- ઘર પસંદગીમાં આટલી બધી કાળજી રાખી પણ પાડોશીઓ વિશે ઝાઝી માહિતી કેમ ભેગી ના કરી ? પછી ઘર હોય ત્યાં ઉકરડો તો હોવાનો જ કહીને મનોમન જાતને સમજાવી લેતી. આજે પોતાના બારણે એ જ ફેમિલી મેમ્બર ને આવેલા જોઈને એના ચહેરા પર તીવ્ર ઘૃણાની લહેર દોડી ગઈ. આજે પણ એ આધેડ શરીર ચણિયા અને કબ્જામાં જ ફરતું હતું. ચણિયો પણ પગની પાનીથી લગભગ વેંત ઉંચો..એ જ રીતે એની દીકરીની સલવાર પણ પગના ઢીંચણ સુધી ચડેલી અને કુર્તાનું ગળું પણ પઆગળ વિચારતાં જ સપનાને એક ઉબકો આવી ગયો.

‘કેમ છો બુન..તે આ ઘર તમે ખરીદી લીધું છે એમ કે ? ઘરનું વાસ્તું કર્યુ ત્યારે તમે અમને બોલાવ્યાં પણ નહીં. આપણી સોસાયટીમાં તો આખા બ્લોકના લોકોને બોલાવવાનો રિવાજ છે. હશે..તમે રહ્યાં નવા સવાપસમજી જશો અહીંની રીત રસમો.’ એમનાં સતત પાન - તમાકુ ખાતા હોવાની ચાડી ખાતા લાલ -પીળા દાંત જોઈને સપનાને લાગ્યું કે એને હમણાં ઉલ્ટી થઈ જશે. કોઈ જ જવાબ આપવાનો મૂડ ના આવતાં એણે ધરાર એમના મોઢા પર બારણું બંધ કરી દીધું. બે દિવસ પાછું બધું સમૂસુતરૂં ચાલ્યું વળી ત્રીજા દિવસે પેલા ગંદાગોબરા લોકોની પધરામણી થઈ.

“ટીંગ - ટોંગ’ સપના ફરીથી બારણું બંધ કરવાનું વિચારે એ પહેલાં તો એ મા દીકરી ઘરની અંદર સુધી આવી ગયાં. ગુસ્સાથી સપનાના ગોરા ગાલ તમતમે ઉઠ્‌યાં.

‘મારા ઘરમાં આમ ઘૂસી આવવાનું કારણ ?’ બને એટલાં સંયત સ્વરમાં એણે પૂછ્‌યું.

‘જુઓ બેન, આ આપણો જે લિફ્ટ આગળનો પેસેજ છે ત્યાં સુધી તમારે પોતું મારીને સાફ રાખવું પડશે. એ તમારી ફરજમાં - કામમાં આવે છે.’

કોઈ જ ઢંગધડા વગરની વાત અને એમની દાદાગીરી જોઈને સપનાનો પારો છ્‌ટક્યો અને એ બોલી,

‘મારે શું કરવું શું નહીં, ક્યાં પોતું મારવું ને ક્યાં નહીં એ બધું નક્કી કરનારા તમે કોણ ? તમે તમારૂં ઘર સંભાળીને બેસી રહો . મને તમારી સાથે વાત કરવાનો કોઈ જ શોખ નથી.હવે ઘરની બહાર નીકળો.’

અને સપનાએ લગભગ એમનો હાથ પકડીને એમને બહાર તગેડી મૂક્યાં. પેલાં લોકોએ બારણું ખખડાવવા માંડયું અને જોર જોરથી બૂમો પાડીને બરાડવા લાગ્યાં. ડોરબેલ વગાડવા લાગ્યાં.બધાં જ ફ્લેટ્‌વાળા એમને ઓળખતાં હશે એથી ખાસ કોઈ બહાર ના ફરક્યું. છેવટે સપનાંએ બારણું ખોલીને એમની સામે ડોળા તતડાવ્યાં અને બોલી,

‘હવેથી મારા બારણાંને કે ડોરબેલને હાથ પણ લગાડયો તો હું પોલીસને બોલાવીશ.’ અને એણે પોતાનો મોબાઈલ બતાવ્યો.ધમકી અસર કરી ગઈ ને મા દીકરીએ હાલતી પકડી. બીજા દિવસની સવારે સપનાંએ દૂધની થેલી લેવા દરવાજો ખોલ્યો તો આંગણામાં કચરાંનો ખડકલો થયેલો જોયો. એને આજુબાજુ નજર દોડાવી તો બાજુના ફ્લેટમાંથી આધેડ ચહેરાની સાથે બીજા બે - ત્રણ ચહેરાં હસતાં દેખાયાં. સવાર સવારમાં એમની સાથે બોલવાનો કોઈ જ મૂડ ના હોવાથી સપનાએ બારણું બંધ કરી દીધું. બપોરે નવરી પડીને સપના સાંજની રસોઈની તૈયારી કરતાં પાલકની ભાજી સાફ કરી રહી હતી.એકાએક એને શું સૂઝ્‌યું તો એણે શાકનો કચરો ઉપાડીને પેલા પાડોશીના આંગણામાં ખડકી દીધો. હાશપ હવે શાંતિ. એમને પણ ખબર પડશે કે એ કોની સાથે પંગો લઈ રહ્યાં છે. થોડીવાર અપાર હાશકારાની સ્થિતી અનુભવતા સપનાના દિલના એક ખૂણામાં કંઈક ખૂંચવા લાગ્યું.

‘એ લોકો આવું વર્તન કરે એટલે મારે પણ એવું કરવાનું ? જેવા સાથે તેવાની કહેવત તો સાચી પણ એને અનુસરવામાં પોતે એક પગથિયું નીચે ઉતરવાનું કેટલું યોગ્ય? આપણાંથી એમના જેવા ના થવાય જેવી સૂફિયાણી વાતો બાજુમાં મૂકી દઈએ તો પણ આ કામ કર્યા પછી પણ એને પોતાના વર્તન માટે દુઃખ કેમ થતું હતું ? એના સિવાય આ કૃત્યની કોઈને ખબર નહ્‌તી. વળી એની છાપ પણ ‘સ્ટ્રેઈટ ફોરવર્ડ’ હતી એટલે એની તરફ તો કોઈને શંકા જાય એમ જ નહતું. એમ છતાં પોતાનું આ વર્તન યોગ્ય તો નથી જ એવું સતત ફીલ થતું હતું. પોતે આજે એક વાર જેવા સાથે તેવા થવાની વૃતિમાં એક પગથિયું નીચે ઉતરી. કાલે બીજું ઉતરવું પડશે, પરમ દિવસે ત્રીજુંપઆનો તો કોઈ અંત જ નહતો ને. પણ જો પોતે બધાં પગથિયાં ઉતરી જશે તો એ પછી તો ખીણનો વારો જ આવશે નેપવળી એને આવી ટેવ પડતી જશે તો આ વાત એના સ્વભાવમાં પણ વણાતી જશે અને એનો સામનો ધીમે ધીમે એના ફેમિલી મેમ્બરને પણ કરવાનો આવી શકે ને ? દરેક મનવીમાં એક રાક્ષસ સૂતેલો હોય છે, પોતાના આ વર્તનથી તો પોતાની અંદરનો એ રાક્ષસ જાગી જશે અને બેફામ બની જશે જેના માઠા પરિણામોના વિચારથી જ સંવેદનશીલ સપનાંને માથું ફાટી જવાની બીક લાગી અને એ તરત ઉભી થઈને સાવરણી લઈને કચરો સાફ કરી દીધો.

આજુબાજુ નજર નાંખીને જોયું તો પોતે કચરો નાંખ્યો હતો એ જોનાર કોઈ સાક્ષી નહતું એમ એણે એ વાળ્યો એનું પણ કોઈ સાક્ષી નહતું. એક હાશકારો અનુભવતી સપના પોતાના કામે વળગી.

અનબીટેબલ : સારા - નરસા કાર્યોના પરિણામ અંતે સારા- નરસા જ આવે છે.

-સ્નેહા પટેલ

૫. નાનમ - માતૃભાષા

ઝંઝટ તમામ પડતી મૂકી, બેસ થોડીવાર

સાંભળ ભીતરનો સાદ જરી, બેસ થોડીવાર

અસ્તિત્વ તારૂં ડૂબી રહ્યું અંધકારમાં

અંતરમાં એક દીવો કરી, બેસ થોડીવાર

- પંકજ વખારિયા

‘સહાયેબ, તેલનો પતરાનો ખાલી ડબો પડયો હોય તો દીયો ને.’

‘હું એક અગત્યના કામમાં છું તેજુ, ડબો ગેલેરીમાં છે જાતે લઈ લે.’ વિવેકભાઈએ જવાબ આપ્યો.

‘એ સહારૂંપતમે બેહી રો..ઈ તો મીં જાતે જ લેઈ લઉં સ ‘

વિવેકના ડરાઈવર તેજુએ ગેલેરીમાંથી ડબ્બો લીધો અને પાછો વળતો હતો ત્યાં વિવેકભાઈની પંચાતિયાવૃતિ સળવળી ને ‘એ ડબ્બાનું શું કામ પડયું’ એવો પ્રશ્ન પૂછી જ લીધો.

‘ઈમાં એમ સે ને વિવેકભાઈ, આ મારી ગજરૂં (એની દસ મહિનાની દીકરી) આજકાલ્ય રાતે બહુ રૂવે સે. તે મીં કું કે એના હાટુ કોઈ રમકડું ઘડી દઊંં તો રાત્યે ઘડી બે ઘડી એનો જી એમાં લાગે ને થોડી ઝપે.’

‘આમાંથી તું શું બનાવીશ પણ ?”

‘ઈ મારી સહાયકલ સે ને એના વિલ માથે પંખાના પાંખિયા ફીટ કર્રી અને હેઠે તેલનો આ ડબો મેકી દે’શ. વિલમોં લોઢાની તત્ણ કડીઓ લગાવી દે’શ.વાયરો આવશે ની એ સક્ડી ગોળગોળ ફરશે ની એની કડીયું નીચેના ડબ્બા પર ભટકાણા કરશે ની ડબ્બો ‘ઢમ ઢમ ઢમ’ વાગ્યા કરસીં.’

એક ગામઠી પિતાનું એ અપાર વ્હાલ અને કાળજી વિવેકને બહુ સ્પર્શી ગઈ. વળતી જ પળે એમનું ધ્યાન તેજુની મીઠી મધ જેવી બોલી પર ગયું. ઘણી વાર એને મન થતું કે તેજુ બોલ્યા જ કરે અને એ સાંભળ્યા જ કરે. અમુક સમયે તો એ પોતાની બોલચાલમાં તેજુની એ બોલીને વાપરતો પણ ખરો ને મજા કરતો. અચાનક વિવેક્ભાઈને વિચાર આવ્યો કે તેજુની બોલી બોલતાં એને મજા કેમ આવે છે ? વળી એ બોલી શીખવા એણે ખાસ કોઈ પ્રયત્નો પણ નથી કરવા પડતાં. એ તો સહજ રીતે જ પોતાની મેળે જ આવીને ચૂપચાપ એની વાણી એના ભાવમાં ભળીને એકરૂપ થઈ જાય છે. સહજ -સરળ ને પોતીકી ભાષાપવિચારતાં વિચારતાં એક આનંદની લહેરખી ઉઠી અને વિવેકની આંખો બંધ થઈ ગઈ. થોડી વાર રહીને આંખો ખોલી અને વિવેકે અનુભવ્યું કે આ તો પોતાની માતૃભાષાની સગી બેન જેવી ભાષા છે એટલે જ દિલની -જુબાનની આટલી નજીક છે.

વિવેકને એક લેકચરમાં જવાનું હોવાથી એના વિચારોને લગામ લાગી ગઈ અને એ તૈયાર થવા લાગ્યો.

સેમીનારમાં પ્લાસ્ટીક ઉધ્યોગમાં લેટેસ્ટ ટેકનોલોજી ઉપર ચર્ચાઓ થતી હતી.ચર્ચામાં અડધા ઉપરની વાતો અંગ્રેજી ભાષામાં થતી હતી. વિવેકનું ગુજરાતી ભાષા પર પ્રભુત્વ સારૂં હતું પણ અંગ્રેજી પર બહુ કાબૂ નહતો. એને ગુજરાતી ભાષા માટે અનહદ ગર્વ હતો પણ જ્યારે એ આવી ચર્ચાઓમાં જતો ત્યારે જાહેરમાં પોતે ગુજરાતી ભાષાની જેમ અંગ્રેજી ફટાફટ બોલીને પોતાની વાત રજૂ ના કરી શક્તો હોવાનું દુઃખ થતું અને અંદર ખાને થોડી નાનમ પણ અનુભવતો. આજે પણ એ જ વાતનું રીપીટેશન થતું હતું. પોતાને ના સમજાતી વાત કોઈને પૂછવાની કે મારા દેશમાં મારી જ ભાષામાં વાત કરો એવું કહેવાની હિંમત એનામાં નહતી. સામે પક્ષે એક ચીની પોતાની જ ભાષામાં બોલતો હતો અને એનો ઈન્ટરપ્રીટર એનું અંગ્ર્‌રેજી તરજુમો કરતો જતો હતો. પળભર તો વિવેકને પણ મન થઈ ગયું કે એ પણ પોતાની સાથે આમ જ ઈન્ટરપ્રીટર લઈને ફરે તો એની બધી તકલીફો દૂર થઈ જાયપવળતી પળે જ પોતાના એ વિચાર પર એને શરમ આવી. ઈન્ટરપ્રીટર રાખવા માટે પોતાને અંગ્રેજી નથી આવડતું એ સ્વીકારવું પડે અને અંગ્રેજી ના આવડે તો તો પોતાની ઈજ્જત જ શું રહે , એની સાથે ધંધો કરનારામાં ઈજ્જત ચાર આનાની થઈ જાય. વળી અંગ્રેજી ભાષા શીખી લેવી તો કોઈ મોટી વાત નથી પણ એ શીખવાનો કોઈ ઉમળકો દિલમાંથી આવતો જ નથી. આ અંગ્રેજીભાષા તો જબરો સ્ટ્રેસ આપે છે. પેલા છછુંદર જેવી હાલત થઈ ગઈ છે નથી ગળાતું કે નથી બહાર કઢાતું. વળી આમને આમ તો પોતાની ગુજરાતી ભાષા એક દિવસ મરી પરવારશે એવી ભીતિ પણ લાગી. એણે પોતાની આ મૂંઝવણ એના ખાસ મિત્ર સલીલને કરી. સલીલ બહુ સૂલઝેલા દિમાગનો માણસ હતો. અચાનક એણે વિવેકને ભગવદ ગીતાના બીજા અધ્યાયનો સત્તરમો શ્લોક કહ્યો,

દૃર્કેાક’ા િૂ હિશ્ ર્કક//ા ;જેશ્ ર્ઙ્મઢકીહટ્ઠ િિીશ્ !

ર્કેાર્’ાીું;ન્;ા; ેશ્ ઙ્ઘક’શ્િ ઙ્ઘિૂઢીખ્તઢકિ !!

વિવેકને ગીતાના શ્લોકોનો -સંસ્કૃત ભાષાનો સારો એવો અભ્યાસ હતો. એણે તરત આ શ્લોકનો અનુવાદ ગુજરાતીમાં કર્યો. ‘ જે સમગ્ર શરીરમાં વ્યાપ્ત છે એને જ અવિનાશી ગણાય. તે અવિનાશી આત્માનો નાશ કરવા કોઈ જ સમર્થ નથી.’

આ વાતનો એની તકલીફ સાથે મતલબ શું એવા પ્રશ્નાર્થચિહ્‌ન સાથે એણે સલીલની સામે જોયું. સલીલે સ્મિત રેલાવતાં કહ્યું,

‘વિવેક, આપણી માતૃભાષા ગુજરાતી એ આપણો આત્મા છે, આપણા શરીરના અણુએ અણુમાં વ્યાપ્ત. આપણા માટે એ કાયમ અવિનાશી જ છે. જ્યાં સુધી આપણે જીવીએ છીએ ત્યાં સુધી એ પણ જીવંત. બાકી તું જ વિચાર કે

તારા ડ્રાઈવર તેજુની બોલી તને આપોઆપ ગમી ગઈ, તું અજાણતાં જ એને અપનાવીને પોતાની બોલીમાં વાપરવા લાગ્યો. કોઈ તને ગામડિયો કહેશે એવો ભય પણ ના લાગ્યો એવું કેમ ? કારણ કે એ તને આનંદ આપે છે. માતૃભાષા કાયમ આનંદ જ આપે અને આનંદ આપે એના થકી ગર્વ કરવામાં સંકોચ શાનો ? અંગ્રેજી બોલવી પડે છે ને નથી ફાવતી તો તારો દુભાષ્િાયાનો નિર્ણય યોગ્ય જ છે. અંગ્રેજી તારી માતૃભાષા નથી કે એ તને ના આવડે તો તારે નાનમ અનુભવવી પડે. અંગ્રેજીની નાનમ એ આપણી માતૃભાષાનું અપમાન કહેવાય. હા, તું ગુજરાતી સારી રીતે ના બોલી -સમજી -વાંચી -લખી શકતો હોય તો તારે ચોકકસ નાનમ અનુભવવી જોઈએ. આપણી ગુજરાતીમાં જ એવા કેટલાં શબ્દો અને અલગ અલગ પ્રકારની બોલી છે. દિલને ના ગમતી હોય એવી અંગ્રેજી શીખવામાં સમય બગાડવા કરતાં દિલને મીઠાશથી ભરી દેતી આપણી ગુજરાતી પૂરી આત્મસાત ના કરીએપઅંગ્રેજી ખપપૂરતી આવડે તો ય ઠીક ને ના આવડે તો ય ઠીકપએના વસવસા ના રખાય દોસ્ત !

અને વિવેક પણ એની વાત સાથે પૂરી રીતે સહમત થયો.

અનબીટેબલ : માતૃભાષા સિવાય કોઈ પણ ભાષા ના આવડે એની નાનમ ના રાખવાનું વર્તન માતૃભાષા પરત્વેનો આપણો આદર - પ્રેમ -પ્રદર્શિત કરે છે.

- સ્નેહા પટેલ.

sneha_het@yahoo.co.in