Hu Tane Joi Laish in Gujarati Short Stories by Yashvant Thakkar books and stories PDF | હું તને જોઈ લઈશ

Featured Books
Categories
Share

હું તને જોઈ લઈશ

‘હું તને જોઈ લઈશ’

લેખકઃ યશવંત ઠક્કર

asaryc@gmail.com



© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

‘હું તને જોઈ લઈશ’

વાચકમિત્રોને...

મિત્રો,

‘હું તને જોઈ લઈશ’ વાર્તા લઈને આવ્યો છું. વાર્તા આજના એક શક્તિશાળી માધ્યમ ‘ફેસબુક’ સાથે સંબંધ ધરાવતી છે. ઈન્ટરનેટથી પરિચિત લોકોનાં જીવનમાં ‘ફેસબુક’ ઘણો મહત્ત્વનો ભાગ ભજવી રહ્યું છે. ઘણું જ ઉપયોગી માધ્યમ છે. આનંદ આપનારૂં છે. નોધારાનો આધાર પણ છે. પરંતુ આ જ માધ્યમનું વળગણ માણસને કટુ બનાવી દે, કજિયાખોર બનાવી દે, દૂર બેઠેલાંની ખાતર નજીક બેઠેલાંની અવગણના પણ કરાવે એવું બનતું હોય છે. આવું જ કાંઈક આ વાર્તાના નાયકના જીવનમાં બને છે. અને, છેવટે શું થાય છે એ વાર્તા દ્વારા જાણો.

- યશવંત ઠક્કરના જય ગરવી ગુજરાત.

નવલિકા હું તને જોઈ લઈશ લેખક : યશવંત ઠક્કર

‘ગુજરાતી ભાષાના પ્રસિદ્ધ સાહિત્યકારોની આખી જમાતને દરિયામાં ફેંકી દેવાનો સમય આવી આવી પહોંચ્યો છે. એમણે બહુ જ માનપાન મેળવી લીધાં છે, હારતોરા પહેરી લીધા છે, નાનાંમોટાં સારાંનરસાં પુસ્તકો છપાવી લીધાં છે. ઈનામો મેળવી લીધાં છે. હવે એ લોકો પાસેથી કશું નવું મેળવવાની આશા રાખવી નકામી છે. શેરડીના સાંઠામાથી રસ નીકળી ચૂક્યા પછી એને વારંવાર પીલવાનો કોઈ અર્થ નથી. એનું સ્થાન કચરા ટોપલીમાં જ હોવું જોઈએ. પ્રસિદ્ધ સાહિત્યકાર કનકરાય પણ આ જમાતનું જ એક નંગ છે.’

અમિતને, ફેસબુક પર પોતાના મનની આ વાત મૂક્યા પછી વીરતાપ્રદર્શનનો આનંદ થયો. એ કમ્પ્યૂટર સામેથી ઊંભો થયો અને બાંયો ચડાવીને ઓરડામાં આમતેમ આંટા મારવા લાગ્યો. પરંતુ એની નજર તો કમ્પ્યૂટરના પરદા તરફ જ હતી. એની ધારણા હતી જ કે હવે ‘ન્ૈંદ્ભઈ’ની સંખ્યા વધતી જ જશે અને પ્રતિભાવનો પ્રવાહ શરૂ થશે. એમ જ થયું. ‘ન્ૈંદ્ભઈ’ના આંકડા ફટાફટ બદલાવા લાગ્યા. ફેસબુક પર લેતીદેતીનો વ્યવહાર જાળવનારા મિત્રો તરફથી પ્રશંસાનાં પુષ્પો વરસવા લાગ્યાં...

- વાહ! વાહ! તમારી તલવાર જેવી કલમને મારી સલામ.

- જોરદાર. લગે રહો અમિતભાઈ.

-તમારી વાત સાથે સો ટકા સહમત. એ લોકોને દરિયામાં નહીં. ગંદા નાળામાં ફેંકવાનો સમય આવી ગયો છે.

-હવે ક્રાંતિની જરૂર છે. તમારા જેવા યુવાન લેખકો જ એ કરી શકે.

પ્રતિભાવનો જવાબ આપવા માટે અમિત ફરીથી કમ્પ્યૂટર સામે ગોઠવાઈ ગયો. પ્રોત્સાહન આપનાર દરેકને વળતો પ્રતિભાવ આપીને એનો આભાર માન્યો.

પરંતુ, એને રાહ હતી એવા પ્રતિભાવની કે જે ફૂલ જેવા કોમળ ન હોય! સનસનતા તીર જેવા હોય! એ પ્રતિભાવમાં પોતાની વાતનો વિરોધ હોય. વિવિધ દલીલો, તર્કો અને ઉદાહરણોથી એવા પ્રતિભાવના વળતા જવાબ આપવામાં અમિતને જંગ લડવા જેવી વીરતાનો અનુભવ થતો હતો. એની પાસે તો ગુજરાતી ભાષાના પ્રસિદ્ધ સાહિત્યકારોનો વિરોધ કરવામાં ઉપયોગી થઈ પડે એવો દારૂગોળો પૂરતા પ્રમાણમાં હતો. એનો ઉપયોગ કરી શકાય એ માટે જંગનું મેદાન મળવું જરૂરી હતું. અને એ ફેસબુક રૂપે મળ્યું હતું!

અમિતને જેની રાહ હતી એવો પ્રતિભાવ પ્રગટ થયોઃ ‘શ્રીમાન અમિત, તમે તમારી જાતને શું સમજો છો? ગુજરાતી ભાષાના આદરણીય સાહિત્યકારોનું અપમાન કરવાનો અધિકાર તમને કોણે આપ્યો છે? એ લોકો અત્યારે જે મુકામે પહોંચ્યા છે ત્યાં પહોંચવા માટે એ લોકોએ કેટકેટલો સંઘર્ષ કર્યો છે એ વિષે તમને ખબર છે? ગુજરાતી સાહિત્યમાં એ લોકોએ આપેલો ફાળો તો જગજાહેર છે. તમે શું આપ્યું છે એની વાત કરો.’ પ્રતિભાવ આપનારનું નામ હતુંઃ રક્ષિતા દેસાઈ.

‘અબ આયેગા મજા!’ અમીતનું મન પોકારી ઉઠ્‌યું. વળતો પ્રહાર કરતો હોય એમ એણે વળતો પ્રતિભાવ આપ્યોઃ ‘રક્ષિતા, મને લાગે છે કે તમે ગુજરાતી ભાષાના વસૂકી ગયેલા સાહિત્યકારોની ગોવાળણ તરીકે એ લોકોનું લાલનપાલન કરવાની ફરજ નીભાવી રહ્યાં છો. પરંતુ એક વાત સમજી લો કે, એ સાહિત્યકારો આદરણીય હોય તો તમારા માટે, મારા માટે નહીં. એમનાં ગંધાતાં નામ પવિત્ર હોય તો તમારા માટે, મારા માટે નહીં. જે હકીકત છે એ મેં જણાવી છે. એ લોકોએ ભૂતકાળમાં જે ફાળો આપ્યો હોય એના બદલામાં જિંદગીભર એમનાં જ ગુણગાન ગાવાનાં? વર્તમાનમાં એ લોકો શી ધાડ મારે છે એ કહો. રહી વાત મારા ફાળાની, તો જાણી લો કે મેં અત્યાર સુધીમાં પચાસ વાર્તાઓ લખી છે એને એક નવલકથા ‘ખંજવાળ’ લખી છે. તમારા આદરણીય સાહિત્યકારોની જમાત એ નવલકથાની કદર કરે એમ નહોતી એટલે મેં મારા ખર્ચે છપાવી છે. ગુજરાતી ભાષાના દિલદાર વાચકોએ એને દિલ ફાડીને વધાવી લીધી છે. ‘ખંજવાળ’ તમામ જાણીતા બુકસ્ટોલમાં મળે છે. વાંચવાની તસ્દી લેજો અને પછી વાત કરજો. મારી નવલકથા ન મળે તો કહેજો. મારા તરફથી મોકલી આપીશ.’

અમિતના વળતા પ્રતિભાવને એના ફેસબુક મિત્રોએ વધાવી લીધો...

- વાહ! અમિતભાઈ વાહ! બરાબરની ધોઈ નાખી. મને લાગે છે કે આ બહેનને બરાબરની લાય લાગી છે.

- આ બહેનને લાય લાગી છે કારણ એ કનકરાય ની સગલી થાય છે.

- તમારી નવલકથા ‘ખંજવાળ’ વાંચી. મન બાગ બાગ થઈ ગયું! બીજી નવલકથાની રાહ જોઉં છું.

-ખરેખર હવે ગુજરાતી સાહિત્યમાંથી આ ડોસલાઓને તગેડી મૂકવાની જરૂર છે.

પ્રતિભાવ આપનાર દરેકનો આભાર માનીને અમિતે જવાબમાં ઠાવકો પ્રતિભાવ આપ્યોઃ ‘મિત્રો, રક્ષિતા દેસાઈ જેવા અનેક ભોળા વાચકો હજી કનકરાય જેવા દંભી અને ઈનામભૂખ્યા સાહિત્યકારોની આરતી ઉતારવામાંથી જ નવરા પડતા નથી. બંધિયાર હવા એમને એવી તો માફક આવી ગઈ છે કે તાજી હવાની એમને જરૂર જ જણાતી નથી. રક્ષિતા દેસાઈ કનકરાય ની સગલી થતી હશે પણ મારી કલમ ઈમાનદારી સિવાય કોઈની સગલી નથી.‘

ફૂગ્ગામાં હવા ભરાતી હોય એમ નવા નવા પ્રતિભાવનું આગમન થવા લાગ્યુંઃ

- તમારી ઈમાનદારીને સો સો સલામ. ગુજરાતી સાહિત્ય માટે તમે જે કામ કરી રહ્યા છો એ માટે કરોડો કરોડો ધન્યવાદ.

- હવે તો યુદ્ધ એ જ કલ્યાણ!

- ગુજરાતી સાહિત્યના વાચકો ઘેટાં છે. આ રક્ષિતા દેસાઈ પણ એમાનું જ એક ઘેટું છે.

પછી તો ગુજરાતી સાહિત્યકારો રહી ગયા બાજુ પર અને તીર છૂટવા લાગ્યાં રક્ષિતા દેસાઈ પર. ...કોણ છે રક્ષિતા દેસાઈ? એણે શું લખ્યું છે? એનું વ્યાકરણ કેવું છે? એનો દેખાવ કેવો છે? ખરેખર કોઈ રક્ષિતા દેસાઈ છે કે પછી કનકરાય નો કોઈ ચમચો, ચમચીના વેષે ફેસબુક પર રાસલીલા રમે છે! રક્ષિતા દેસાઈએ કનકરાય વિષે પીએચડી કર્યું છે. સાહિત્યના કાર્યક્રમોનું એ સંચાલન કરે છે. ચાંપલું ચાંપલું બોલે છે... અને, બીજું ઘણું ઘણું ગરમ તાવડામાં તળાતાં ભજિયાં જેવું.

ફેસબુક પર અમિતના કાલ્પનિક અડડા પર જાણે હોળી પ્રગટી! હોળીમાં નાળિયેર હોમાતાં હોય એમ અવનવા પ્રતિભાવ ખાબકવા લાગ્યા. અમિતને ખાતરી હતી જ કે રક્ષિતા દેસાઈનો નવો પ્રતિભાવ પણ ખાબકશે જ.

ખાબક્યોઃ ‘શ્રીમાન અમિત, તમારે અને તમારા મિત્રોએ એક મહિલા સાથે વાત કરવાના સંસ્કાર કેળવવાની જરૂર છે. ગુજરાતી સાહિત્યના વડીલ સાહિત્યકારોનો વિરોધ કરવાની તમારી રીત બરાબર નથી. એ લેખકોની ઉંમરનો તો મલાજો રાખો. મારા દેખાવની ચિંતા કરનારાઓએ પોતાના આચરણનો વિચાર કરવો જોઈએ. અહીં તમારૂં લખાણ વાંચીને મેં પ્રતિભાવ દ્વારા મારા વિચારો રજૂ કર્યા એટલે હું એ લોકોની ચમચી થઈ ગઈ? તો પછી તમારી તરફેણમાં ઉતરી પડેલા તમારા મિત્રો પણ તમારા ચમચા જ થયાને? રહી વાત તમારી ‘ખંજવાળ’ની. તમારે એ નવલકથા મોકલાવની જરૂર નથી. મને એ એક પસ્તીવાળાને ત્યાંથી મફતના ભાવમાં મળી ગઈ છે! તમે કોઈને ભેટ આપી હશે અને એણે પસ્તીમાં પધરાવી હશે! પંદર પાનાં વાંચતાં જ મને ખ્યાલ આવી ગયો કે તમે આ નવલકથા તમારા મનની ખંજવાળ દૂર કરવા જ લખી છે. એમાં કયાંય સર્જકતાનાં દર્શન થતાં નથી. નર્યો કકળાટ છે. તમારે હજી ઘણું શીખવાનું બાકી છે. બીજા લેખકોની લીટી નાની કરવાની પ્રવૃત્તિ છોડીને પોતાની લીટી મોટી કરવાનો પુરૂષાર્થ કરો. મા સરસ્વતી તમને સદબુદ્‌ધિ આપે.’

રક્ષિતા દેસાઈના આ પ્રહારથી અમિતને વધારે ઝનૂન ચડયું. એણે વળતો પ્રહાર કર્યોઃ ‘રઘવાઈ રક્ષિતા, તમને જો એમ લાગતું હોય કે અમારે તમને માનનીય શ્રી, આદરણીય શ્રી કે પૂજનીય શ્રી જેવાં સંબોધનો કરવા જોઈએ તો તમે ભૂલ કરો છો. એ કામ ગુજરાતી સાહિત્યના તમારા માનીતા ખડુસ વિદ્વાનોનું છે. જે લોકો વારતહેવારે એકબીજાને લળીલળીને વંદન કરે છે. અમે તો તડ ને ફડ કરવામાં માનીએ છીએ. સત્ય હંમેશા આકરૂં લાગતું હોય છે. તમને પણ લાગે એ સ્વાભાવિક છે. તમારા માનીતા કનકરાયો, સુમંતતરાયો, ચિત્તરંજનો, ભીખાભાઈઓ, સગુણાબહેનો, દુર્ગુણાબહેનો વગેરેનો એક જ ધંધો છે, અંદરોઅંદર એકબીજાંને પોંખવાનો. મને વખાણે તું અને તને વખાણું હું. સાહિત્યના કોઈપણ કાર્યક્રમોમાં તમારા માનીતા લેખકો ઠાવકા થોબડાં લઈને ગોઠવાઈ જતા હોય છે. તમને અમારો બિંદાસ વહેવાર માફક નહીં આવે. બિચારી લાગણી દુભાઈ જશે. તમે મારી નવલકથાના હજી પંદર પાનાં વાંચ્યાં ત્યાં તો તમને બળતરા થવા લાગી. સત્ય પચાવવાનું તમારૂં કામ નથી. હા, પુસ્તક બુકસ્ટોલમાંથી ખરીદવાના બદલે તમે પસ્તીવાળાને ત્યાંથી ખરીદો છો એ જાણ્‌યું. કરકસર કરવાની આ ટેવને લીધે તમે કપડાંની ખરીદી પણ દુકાનના બદલે ફૂટપાથ પરથી કરતાં હશો એવું તારણ કાઢવાનું મન થાય છે.’

પછી તો પ્રતિભાવની જાણે કે લૂમ ફૂટી...

-અમિતભાઈ, આ બહેન સંસ્કારની મૂર્ત્િા લાગે છે. એમણે કોઈ આશ્રમ શોધવાની જરૂર છે. જો કે કોઈ આશ્રમવાળા પણ નહીં સંઘરે.

- આશ્રમના બાપુઓ પણ હવે તો સંસ્કારના બદલે સેન્સેક્સની વાતો કરે છે!

- ઈશ્વર આ બહેનની લાગણીને સલામત રાખે.

- અમિત, તમે તો આ બહેનને દર્પણ દેખાડી દીધું.

- સાચી વાત છે. ગુજરાતી સાહિત્યકારો એટલે હું, બાવો ને મંગળદાસ!

- અમિત, મને લાગે છે કે પ્રસિદ્ધ લેખકોનું અપમાન કરવા તમે પોતે પણ એક જમાત ઊંભી કરી છે.

- ગુજરાતીના જૂના લેખકોએ ધાડ નથી મારી તો તમે શું ઉકાળ્યું છે? ખંજવાળથી તમને રાહત થઈ નથી લાગતી. સપટ લોશન મલમ વાપરો.

લિપિ, વ્યાકરણ, જોડણી, ભાષા, રજૂઆત, વિનય, મર્યાદા વગેરેના ગુલામ ન હોય એવા પ્રતિભાવ પણ જાણે કે પહેર્યાં કપડે જ દોડતા આવ્યા. એમાંથી ઘણાખરા પ્રતિભાવને સાહિત્ય સાથે કશું લાગતુંવળગતું નહોતું. પ્રતિભાવનો આંકડો જોતજોતામાં બસોએ પહોંચી ગયો. અમિત માટે આમ તો એ હરખાવા જેવી વાત હતી. પરંતુ એ હરખાયો ન હરખાયો ત્યાં તો દાઝવા લાગ્યો. રક્ષિતા અને રક્ષિતાની તરફેણ કરનારા કેટલાંય મિત્રો આગળપાછળનો હિસાબ ચૂકતે કરતાં હોય એમ હાથમાં જે તર્ક આવે એ લઈને એના પર તૂટી પડયાં હતાં. અમિતે પ્રહારો થશે એવી ગણત્રી તો રાખી જ હતી પરંતુ આટલા આકરા થશે એવી ગણત્રી રાખી નહોતી. આગ લગાડનાર પોતે પણ દાઝે એવો ઘાટ થયો હતો. એની વાહ વાહ કરનારાં મિત્રો વિદાય લેવા લાગ્યાં. રણમેદાનમાં કોઈ યોદ્ધો કેસરિયા કરતો હોય એમ એ વળતા જવાબો આપતો રહ્યો ને ...

પ્રિયાએ ત્રીજી વાર બૂમ પાડી. રક્ષિતાના નામ પર સળગતી નજર નાખતો એ જમવા ઊંભો થયો.

‘કનકરાયની ચેલકી, હું તને જોઈ લઈશ. તારા કનકરાયની સાત પેઢીનો ઈતિહાસ હું જાણું છું અને તારી સાત પેઢીનો ઈતિહાસ પણ જાણીશ. તું મને ઓળખાતી નથી. એ સાલાઓ વર્ષોથી અડડો જમાવીને બેઠા છે. નવા લેખકો માટે જગ્યા કરવાનું તો નામ જ નથી લેતા. અને આ રક્ષાડી જેવાં પાછાં એનાં ગુણગાન ગાવામાંથી નવરાં નથી પડતાં...’ અમિતની પીડા વાણી રૂપે પ્રગટ થવા લાગી.

પ્રિયાને થયું કેઃ ‘એક તો બે કલાકે કમ્પ્યૂટર સામેથી ઊંભા થયા છે, ક્યારના જમવા બોલાવતી હતી પણ આવતા નહોતા અને હવે આવ્યા છે તો શાંતિથી જમે તો સારૂં.’

પરંતુ, અમિતને શાંતિ કેવી? એને ગુજરાતી સાહિત્યમાં ઉથલપાથલ કરવાનું જોર ચડયું હતું. અવારનવાર ફેસબુકના મેદાનમાં ખાબકીને, જૂના અને પ્રસિદ્ધ સાહિત્યકારોનાં ચાહકોને પડકારવાનું એને એને ઝનૂન ચડતું હતું. એને લાગતું હતું કેઃ ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે પ્રથમ કરવા જેવું કાર્ય માત્ર આ અને આ જ છે.

એ ઉતાવળે ઉતાવળે જમ્યો અને ફરી કમ્પ્યૂટર સામે બાંયો ચડાવીને ગોઠવાઈ ગયો.

નવા સળગતા પ્રતિભાવ વળતા જવાબની રાહ જોઈ રહ્યા હતા. એણે પણ વધારે જલદ પ્રતિભાવ આપવાનું શરૂ કર્યું. એ દઝાડતો રહ્યો ને ખુદ દાઝતો રહ્યો...

‘ચાલો ઊંભા થાવ. આંટો મારવા જવું છેને?’ પ્રિયા એની પાછળ આવીને ઊંભી રહી ગઈ.

‘ના. આજે નહીં જવાય.’

‘કેમ?’

‘આજે કામ છે. આ રક્ષાડીને સીધી કરવી પડશે.’

પ્રિયા માટે અમિતના આવા બહાનાની નવાઈ નહોતી. દઝાડવાનો અને દાઝવાનો ખેલ શરૂ થઈ ગયો હોવાનો એને ખ્યાલ આવી ગયો. વાતાવરણ હળવું બનાવવાના ઈરાદે એણે કહ્યુંઃ ‘રક્ષાડી વળી કોણ છે ? કોઈ નવી મિત્ર છે?’

‘ફેસબુક પર એ મારી કહેવાતી મિત્ર છે પણ હકીકતમાં એ કનકરાય ની સગલી છે. ‘

અમિતે આખો મામલો રજૂ કર્યો. પ્રિયા બગીચામાં લટાર મારતી હોય એમ ક્યારેક ક્યારેક ફેસબુકની મુલાકાત લેતી હતી. એ માનતી હતી કે, ફેસબુક એક બગીચા જેવું છે જે ગમે એટલું સારૂં હોય તો પણ એમાં પડયાપાથર્યાં ન રહેવાય. એને પણ ગુજરાતી સાહિત્યમાં રસ પડતો હતો પરંતુ સાહિત્યના નામે થતા વિવાદ એને ગમતા નહોતા. એણે કેટલીય વખત અમિતને આવા વિવાદથી દૂર રહેવાની અને પોતાનાં લખાણમાં ધ્યાન આપવાની સલાહ આપી હતી. પરંતુ, અમિતનું માનવું હતું કેઃ ‘ફેસબુક એક એવો પ્રદેશ છે કે જ્યાં વાદવિવાદ ન કરો તો કોઈ તમારો ભાવ ન પૂછે. શાંતિથી પડયું રહેવું હોય એણે તો ફેસબુકમાં જોડાવું જ ન જોઈએ.’

‘અમિત, આ કકળાટ છોડો અને થોડી વાર માટે બહાર ચાલો. મન હળવું થશે.’ પ્રિયાએ અમિતનો હાથ પકડીને કહ્યું.

‘આ કકળાટ નથી. પ્રિયા, ગુજરાતી સાહિત્યમાં જામેલાં જાળાં સાફ કરવાનું કામ કોઈએ તો કરવું પડશેને?’ અમિતે હાથ છોડાવી લીધો.

પ્રિયાને આ ગમ્યું નહીં.

‘બરાબર છે. પણ, જાળાં સાફ કરવાની તમારી આ રીત મને સારી નથી લાગતી. આ તો જાણે અજાણ્‌યે તમે પોતે જ કોઈ જાળમાં ફસાતા હો એવું લાગે છે. રાત્રે જમ્યા પછી બહાર નીકળવાનું તો હવે નામ જ નથી લેતા.’

‘આજે આ રક્ષાડીએ ઉપાડો ન લીધો હોત તો બહાર નીકળત. મારી બેટી, આજના જમાનામાં જેને કોઈ વાંચતું નથી એવા લેખકોની ફેસબુક પર વાહ વાહ કરે છે. અને એ પણ મારી વૉલ પર.’

‘અમિત, બીજા લેખકો કેવું લખે છે એની પિંજણ કરવા કરતાં તમે તમારી રીતે સારૂં લખવાનો પુરૂષાર્થ ચાલુ રાખો. આજે નહીં તો કાલે, વાચકો તમારી પણ કદર કરશે.’

‘તું મને સાલહ ન આપ. આ વાત તું ધારે છે એવી સીધી નથી. કનકરાય જેવા સાહિત્યકારોએ ગુજરાતી સાહિત્ય પર પોતાનો કબજો જમાવ્યો છે. એ લોકોના ચમચાઓ સિવાય ગુજરાતી સાહિત્યના ગઢમાં કોઈ પ્રવેશી જ ન શકે એવી દશા થઈ ગઈ છે. નવા લેખકો માટે આગળ વધવું મુશ્કેલ થઈ પડયું છે. આ દશા બદલાવી જ જોઈએ. મેં અને મારા મિત્રોએ આ માટે એ સાહિત્યકારો સામે મોરચો માંડયો છે.’

‘એ સાહિત્યકારો તો ફેસબુક પર આવતા નથી. એમના બદલે કેટલાક વાચકોએ તમારી સામે વળતો મોરચો માંડયો છે.’

‘એ લોકોને તો હું પહોંચી વાળીશ.’

‘એટલે તમારો તમામ સમય તો લડવામાં જ જવાનોને? આમાં નવું લખાણ ક્યારે કરશો?’

‘એ રીઢા સાહિત્યકારો ખુલ્લા પડશે એટલે નવું સર્જન પણ થશે. અને એ સર્જનની કદર પણ થશે. અત્યારે તો હાલત એવી છે કે નવો લેખક ગમે એવું સારૂં લખે તો પણ એની કદર થતી નથી. કનકરાય જેવા સાહિત્યકારોએ ગુજરાતી સાહિત્યનાં સામયિકો, સંસ્થાઓ, પ્રકાશકો વગેરે પર પોતાની વગ જમાવી દીધી છે. આમાં નવું સર્જન થાય એવું વાતાવરણ જ નથી. અમારો વિરોધ આ વાતાવરણ સામે છે. અને એ વાતાવરણ કનકરાય જેવા સાહિત્યકારો અને એના ચમચાઓને લીધે છે. એટલે એ લોકોનો વિરોધ જરૂરી છે.’

‘વિરોધ માટે હંમેશા આકરી ભાષા જરૂરી છે? ગમે તેવી સ્પષ્ટ વાત પણ સામેની વ્યક્તિનું માનસન્માન જાળવીને ન કહી શકાય?’

‘એ લોકો માનસન્માનને લાયક જ નથી. પ્રિયા, તને સાહિત્યનો ‘સ’ પણ ન સમજાતો હોય તો મહેરબાની કરીને ચૂપ રહે. મને મારૂં કામ કરવા દે.’ અમિતની અકળામણ છલકાવા લાગી.

‘ભલે મને સાહિત્યનો ‘સ’ ન સમજાતો હોય. ભલે મને મનોવિજ્જ્ઞાનનો ‘મ’ ન સમજાતો હોય પણ એટલું તો સમજાય છે કે તમે હવે પહેલાં જેવા નિખાલસ અને આનંદિત માણસ નથી રહ્યા. જ્યારથી તમે ફેસબુક પર વાદવિવાદે ચડયા છો ત્યારથી તમારામાંથી મીઠાશ ઓછી થઈ ગઈ છે અને કડવાશ વધી ગઈ છે.’

‘તું ખોટા તારણો કાઢવાનું રહેવા દે. તું ફેસબુકનો ‘ફ’ પણ નથી જાણતી. ફેસબુક પર ચર્ચા આ રીતે જ થાય. અહીં તારા પ્રસિદ્ધ સાહિત્યકારોની જેમ ચાંપલું ચાંપલું ન લખાય. તું પણ કનકરાય ની સગલી હોય એવી વાત કરે છે.’

‘હું કનકરાયની સગલી હોત તો મને કશો ફેર ન પડત. પણ હું તમારી સગલી છું. માત્ર ફેસબુક પરની મિત્ર હોત તો પણ મને ફેર ન પડત. પણ હું તમારી જિંદગીભરની મિત્ર છું. એટલે મને તમારા વર્તનથી ફેર પડે છે. આ શું? જ્યારે હોય ત્યારે, કાં લડ ને કાં લડનારો દે! ફેસબુક, માત્ર કજિયા માટે છે? આનંદ માટે નથી? મનની શાંતિ માટે નથી?’

‘શાંતિ માટે છે અને ક્રાંતિ માટે પણ છે. ફેસબુક દ્વારા ક્રાંતિ પણ થઈ શકે છે. તને હજી ફેસબુકની તાકાત વિષે ખબર નથી.’

‘ફેસબુક દ્વારા ક્રાંતિ થઈ શકે એની ના નથી. પણ તમે અને તમારા કહેવાતા મિત્રો કેવી ક્રાંતિ કરી રહ્યા છો એની મને ખબર છે. તમારા વિચારો સાથે જે સહમત થાય એ સમજદાર અને સહમત ન થાય એ ડફોળ! મારૂં કહેવાનું એમ છે કે કોઈપણ માણસમાં ખૂબી પણ હોય અને ખામી પણ હોય. એમ કોઈપણ વાર્તા, નવલકથા, ગીત, ફિલ્મ વગેરેમાં સારૂં પણ હોય અને નરસું પણ હોય. વળી, જોનારની પોતપોતાની નજર પણ હોય. એ નજરને માન આપવું પડે. દરેકની પોતપોતાની અલગ અલગ પસંદગી કે નાપસંદગી હોય. એ પણ અવારનવાર બદલાતી રહે. ફેસબુક પર તમે લોકો શું કરો છો? પોતપોતાની પસંદગી કે નાપસંદગી વહેંચવાના બહાને ધિંગાણાં કરો છો અને ફાકો તો એવો રાખો છો કે જાણે મોટો જંગ લડતા હો. કિનારે છબછબિયાં કરીને મધદરિયે નહાતા હોવાનો ભ્રમ રાખો છો.’ પ્રિયાને બોલતાં બોલતાં હસવું આવ્યું.

‘એટલે અમારે કોઈની વાતનો વિરોધ નહીં કરવાનો? એમની ઘરની ધોરાજી ચાલવા દેવાની? ફેસબુકમાં પોતાના વિચારો રજૂ કરવાનો સહુને હક છે. એ જ તો ફેસબુકની ખૂબી છે. પણ તું કનકરાય ની વકીલ થઈ ગઈ છો. એટલે એ ખૂબી તને નહીં દેખાય.’ અમિત ન હસવા જેવું હસ્યો.

‘ફેસબુકની એ ખૂબીને તમે ખામીમાં પલટાવી નાખી છે. તમે બધાં પોતપોતાના હકની વાત કરો છો પણ જવાબદારી અને સમજદારી જેવું પણ કશું હોય છે કે નહીં? તમને એમ લાગે છે કે, હું કનકરાય નો પક્ષ લઉં છું. પણ એવું નથી. કનકરાય માં સત્તર ખામીઓ હશે પણ એમાં તમારે શા માટે દુઃખી થવું જોઈએ? તમે એમની લીટી નાની કરવાના બદલે તમારી લીટી મોટી કરોને.’

‘આજે, તેં મને ઉપદેશ આપવાનો કાર્યક્રમ રાખ્યો છે?’

‘ઉપદેશ નહીં, ચેતવણી આપવાનો કાર્યક્રમ રાખ્યો છે. અમિત, ફેસબુક એ ફેસબુક છે અને જિંદગી એ જિંદગી છે. એક આભાસી છે તો બીજી વાસ્તવિકતા છે. બંને વચ્ચે આવનજાવન કરનાર વ્યક્તિ એ જીવતોજાગતો માણસ છે. આવનજાવનમાં ગોથું ખાઈ જાય તો એ ત્રિશંકુ થઈને લટકી જાય. બીજાને સીધા કરવાના ભ્રમમાં તમે હકીકતમાં આડા થઈ રહ્યા છો. ફેસબુક પર સતત વાદવિવાદો કરીને તમારૂં દિમાગ બગાડી રહ્યા છો. ચેતી જાવ તો સારૂં. નહીં તો માનસિક બીમારીનો ભોગ બનશો. ... ચાલો, હું મારાં કામે લાગુ. ઘણા વખતથી તમને જે કહેવું હતું એ આજે કહી દીધું છે. મારી વાત આકરી લાગે તો મનમાંથી ડિલીટ કરી નાખજો. ગુડ નાઈટ.’ પ્રિયા મનનો ઉભરો ઠાલવીને કમરાની બહાર નીકળી ગઈ.

અમિતને આ પ્રહાર પણ અણધાર્યો લાગ્યો. એને લાગ્યું કે, પોતે ખંડિત થઈ રહ્યો છે.

ફેસબુક પર નવા પ્રતિભાવોનું આગમન અટક્યું નહોતું. અમિતે એ પ્રતિભાવના જવાબ આપવા પોતાની આંગળીઓ કીબોર્ડ પર ગોઠવી. પરંતુ, વેરવિખેર થયેલું એનું મન ગોઠવાઈ ન શક્યું. મન વિચારે ચડયું હતું...‘શું હું પહેલાં જેવો નિખાલસ અને આનંદિત નથી રહ્યો?... હું પહેલા નિખાલસ અને આનંદિત હતો ખરો?... હતો. હતો એટલે તો પ્રિયાને ગમ્યો હતો. ... એ તો સીધો સંપર્ક હતો. એ વખતે ફેસબુક પણ ક્યાં હતું?... વેરાન વગડા જેવી જિંદગી હતી. છતાંય કઠતી નહોતી. કારણ કે ખુશ રહેવાની આદત હતી.. વાંચનનો શોખ હતો. દિલમાં માનીતા કવિઓનાં મનગમતાં ગીતો હતાં. માનીતા લેખકોની નવલકથાઓનાં, સંઘર્ષ કરતાં હોવા છતાંય ખુશનુમા મિજાજ ધરાવતાં પાત્રો મારી જાતમાં ઓગળી જતાં હતાં... આજે એજ લેખકો અને કવિઓ મને દંભી અને ખડુસ લાગે છે!... સમય વહેવાની સાથે ચિત્ર બદલાઈ ગયું! હું પણ બદલાઈ ગયો! માત્ર વાચક ન રહેતાં એક લેખક બની ગયો! તેજાબી કલમનો માલિક! સત્યનો પહેરેદાર! જે મનમાં આવે એ તડ ને ફડ કહેવાવાળો! દંભીઓને ખુલા પાડનારો! હું મારી વાત ફેસબુક પર મૂકું એટલે પાણીમાં પણ આગ લાગી જાય! પણ એવું તો નથી બન્યું ને કે, કદરદાન વાચક્માથી તેજાબી કલમના માલિક બનવાની ઉતાવળમાં હું તૈયાર તેજાબ લઈને એને ઉડાડવાના રવાડે ચડી ગયો હોઉં!... કદાચ! કદાચ નહીં, ચોક્કસ એવું જ બન્યું છે...’

કીબોર્ડ પર તેજાબ ઢોળાયો હોય એમ એને પોતાના હાથ ત્યાંથી હટાવી લીધા. એ ઊંભો થઈ ગયો. આમતેમ આંટા મારવા લાગ્યો. એના મનમાં પ્રિયાના શબ્દો હજી ઘૂમરી ખાતા હતા...

‘હું કનકરાય ની સગલી હોત તો મને કશો ફેર ન પડત. પણ હું તમારી સગલી છું. માત્ર ફેસબુક પરની મિત્ર હોત તો પણ મને ફેર ન પડત. પણ હું તમારી જિંદગીભરની મિત્ર છું... ભલે મને સાહિત્યનો ‘સ’ ન સમજાતો હોય. ભલે મને મનોવિજ્જ્ઞાનનો ‘મ’ ન સમજાતો હોય પણ એટલું તો સમજાય છે કે તમે હવે પહેલાં જેવા નિખાલસ અને આનંદિત માણસ નથી રહ્યા... ફેસબુક પર સતત વાદવિવાદો કરીને તમારૂં દિમાગ બગાડી રહ્યા છો. ચેતી જાવ તો સારૂં. નહીં તો માનસિક બીમારીનો ભોગ બનશો...’

એને લાગ્યું કે, પ્રિયાના શબ્દો પોતાના મનમાં જ નહીં પણ ઓરડામાં પણ ઘૂમરી ખાય છે! એ શબ્દોથી છૂટવા એણે ઓરડાની બંધ બારી ખોલી નાખી.

બારીની બહાર નજર કરી ત્યાં તો નજર આસમાની રંગથી રંગાઈ ગઈ!

બારીની બહાર કમ્પ્યૂટરના પરદાથી ક્યાય વિશાળ પરદો ધરાવતું આકાશ ફેલાયેલું હતું. આકાશ! કુદરતે વિજ્જ્ઞાન અને કળાની મદદથી એક અનોખી વેબસાઈટ તૈયાર કરીને મૂકી હોય એવું લાગતું હતું. એનું થીમ અદ્‌ભુત! એના રંગ અદ્‌ભુત! આ વેબસાઈટ પર કુદરતે પોતાનો પરિચય આપવા તસવીર રૂપે મૂકેલો ચંદ્રમા અદ્‌ભુત! અને, એ તસવીરને ન્ૈંદ્ભઈ કરતા હોય એમ ટમટમતા તારા અદ્‌ભુત! દૂરદૂર દેશાવરથી સૂરજે મોકલેલા પ્રતિભાવ રૂપે મોકલેલું તેજ અદ્‌ભુત! ઉપરાંત આ બધાંની સાથે સતત વહેતી શાંતિ અદ્‌ભુત!

અદ્‌ભુત! અદ્‌ભુત! અદ્‌ભુત!

અમિતના ઘવાયેલા મન પર શાંતિનો લેપ લાગ્યો. કમ્પ્યૂટરના પરદાથી થાકેલી આંખોને પોરો ખાવાલાયક ઠેકાણું મળ્યું. માથાની તંગ થયેલી નસો ઢીલી પડવા લાગી. એને લાગ્યું કે, કુદરતની માણવા જેવી એક વેબસાઈટને આજસુધી પોતે અવગણી હતી. એનાથી મનોમન કુદરતની ક્ષમા મંગાઈ ગઈ. કુદરતે પણ જાણે વળતો સંદેશો મોકલ્યો. ઓમ શાંતિ... શાંતિ... શાંતિ!

અમિતના મનમાંથી ન્ૈંદ્ભઈનો સંદેશો છૂટ્‌યો!

એણે કેટલા અરસા પછી નિરાંતે આકાશ જોયું હતું! આમ જુઓ તો આકાશ જોવું બહુ અઘરૂં નહોતું. બસ, જીવનની ઘટમાળમાંથી સમય કાઢવાની વાત હતી. જેવી રીતે ફેસબુક માટે સમય કાઢી શકાય છે એવી રીતે. પરંતુ એ એનાથી થઈ શક્યું નહોતું. આજે થયું.

ખળખળ વહેતા ઝરણા જેવો સમય પસાર થતો રહ્યો.. એ પ્રસન્ન ચિત્ત સાથે આકાશને નીરખતો ઊંભો જ રહ્યો...

એની પ્રસન્નતાનો આંક વધી ગયો જ્યારે એણે પોતાના ખભા પર પ્રિયાના હાથનો સ્પર્શ અનુભવ્યો!

સમાપ્ત

‘ગુજરાતી પ્રાઈડ’ તેમ જ ‘માતૃભારતી’ દ્વારા પ્રકાશિત યશવંત ઠક્કરનાં ઈ-પુસ્તકોની યાદી

૧. આ આવકારો છે

૨. રોકડિયા ચૂકવે ૠણ

૩. આવ મંગળ અમને નડ

૪. જાન ભાડે મળશે

૫. પરમાનંદની ડાયરી

૬. જમાનો કેમ બદલાયો?

૭. વાસ્તવિકતાની ધરતી પર

૮. મારા ગાંધીની ટોપી ખોવાણી, મને મળી

૯. ટમટમનાં પડીકાં

૧૦. ચપટી ભરીને વાર્તા

૧૧. દરિયાની માછલી

૧૨. બાબુ

૧૩. અસર

૧૪. જ્ઞાનમંત્ર

૧૫. શિક્ષા

૧૬. પરીવર્તન

ઉપરાંત ‘મિર્ચી ક્યારો’ના ચાર ભાગ.Yashvant Thakkar

asaryc@gmail.com