એ ઉત્તરાયણનો દિવસ...
પ્રિયંકા કે. સોની
મકરસંક્રાંતિનાં દિવસો હતાં. સૂર્યનું ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રયાણ થઇ રહ્યું હતું. આકાશ રંગબેરંગી પતંગોથી છવાયેલું હતું, પણ પ્રાપ્તિને ક્યાં ખબર હતી કે તેનાં સાસરીનાં માણસો તેનાં એ દિવસને બિનરંગી બનાવીને તેનાં જીવનમાં ઉથલપાથલ મચાવવાનાં હતાં.
પ્રાપ્તિ અને અંજામ એકબીજાનાં પરિવાર દ્વારા મળ્યાં હતાં અને પરણ્યા હતાં. અંજામની ઘરમાં જ સોના-ચાંદીની દુકાન હતી. તે પોતે એક 'અભણ' હોય એવો લાગતો અને મૃત પિતાનાં પૈસે બેસીને ખાય એવો છોકરો હતો, અને પ્રાપ્તિ પરંપરાગત સંસ્કારવાળી શ્રદ્ધાળુ કુંટુંબની દીકરી હતી. તેની સાસરીમાં પ્રાપ્તિ અને અંજામ સાથે તેનાં સાસુ અને ૨ નણંદો રહેતાં હતાં. તેની સાસુ તો તેનાં પતિ કરતાંયે વધુ નપાવટ હતી. એની પાસે ગાળોનો શબ્દકોશ તૈયાર જ હોય. એ મા-બે’ન સમાણી ગાળો વગર વાત જ ન કરે.
અંજામ અને પ્રાપ્તિનું લગ્ન પછીનું એક વર્ષ તો સીધી સપાટ સડક ઉપર દોડતાં વાહનની પેઠે પસાર થઇ ગયું. છેલ્લાં એક અઠવાડિયાથી અંજામ અને તેનાં ઘરનાં નું વર્તન ભેદી લાગતું હતું.
એક શેરીમાં ૪-૫ ઘરો હતાં. તેમાં એક ઘર પ્રાપ્તિનું સાસરું હતું. આખી શેરીમાં તેમનાં કુટુંબની ગણના અભદ્ર લોકોમાં થાય. સંસ્કાર જેવું તો તેમનાં માં કંઈ જ નહિ. પણ પ્રાપ્તિ સંસ્કારી ઘરની દીકરી હતી, એટલે તે દૂધમાં સાકર ભળે તેમ તેમનામાં પોતાના સંસ્કારો સાથે ભળી ગઈ.
અગાશીમાં ‘કાપ્યો છે’ ની બૂમોથી હવા ગાજી ઊઠી. એ સાથે પ્રાપ્તિને ત્યાં ઝઘડાને લઈને બૂમો ચાલુ થઇ ગઈ. ઘાંટાઘાંટ સાંભળીને લોકોનું ટોળું જમા થઇ ગયુ. ‘ઘરનાં કામ’ જેવા ફાલતુ કારણ પર ઝઘડો ચાલુ થયો હતો.
કોઇ પણ સંસ્કારી માણસને ન શોભે એવી ભાષામાં ચારેય જણાએ પ્રાપ્તિને ધમકાવવા માંડી. સાસુની સાથે બંને નણંદો પણ ગાળો બોલવામાં પારંગત હતી એટલે ગાળાગાળી કરીને જ વાતો કરવાની ચાલુ કરી. આ બધું આજુબાજુવાળા જોઈ રહ્યાં હતાં, અને અમે પણ અમારી ગૅલરી માંથી જોઈ રહ્યા હતાં. પ્રાપ્તિનાં પપ્પા એજ દિવસે તેના ઘરે આવ્યા હતાં. તેઓ સગાનાં ઘરે બેસવા ગયા એટલીવારમાં તો ઘરમાં ખેલ રચાવા માંડ્યો. ઝઘડાંનું સ્વરૂપ એટલી હદ વટાવી ગયું કે પ્રાપ્તિ એકલી અને એ ચારેય જણા તેની સાથે મારા - મારી પર ઉતરી આવ્યા. અને એટલામાં પેલી બેવ નણંદો એ પ્રાપ્તિનાં પેટમાં લાત મારી. આથી તે પેટ પકડીને રડતા રડતા કહેવા લાગી કે ‘મારા પેટમાં રહેલા બાળકને તો છોડો’ એમ બોલતા સાથે તો તેને પેટમાં દુખાવો ઉપડતા એ જમીન પર ધસડી પડી.
તેમના કુટુંબનો શેરીમાં કોઈની સાથે સંબંધ ન હોવાથી તેમના ઘરમાં રોજ શું ચાલે છે તે કોઈ ધ્યાનમાં નહોતું લેતું. પણ એ દિવસે ઝઘડાંનું સ્વરૂપ હદ વટાવી ગયું હતું. અમે બધા શેરીનાં લોકો ભેગા થઇને અંજામના ઘરનાને અટકાવવા માંડ્યા અને પ્રાપ્તિને આ હાલાતમાં જોઈ એને પોતાની ઘરે લઇ જવા તૈયાર થઇ ગયા. એ પહેલા જ અંજામે અમને બધાને અટકાવી દીધા અને અવાજમાં તોછડાઇ, આંખોમાં દાદાગીરી અને ધમકીભરી વાણીમાં કહેવા લાગ્યો કે, ‘કોઈ વચ્ચે પડ્યુંને તો બધાને જેલ ભેગા કરી દઈશ અને આ થયેલી બધી લડાઈ તમારા માથા ઉપર નાખી દઈશ.’ એ વાત ચાલતી હતી એટલામાં પ્રાપ્તિનાં પપ્પા આવ્યા, એ ઊંચા અવાજે પૂછવા લાગ્યાં કે આ બધું શું ચાલી રહ્યું છે..? એટલે શારીરિક અને માનસિક પીડામાંથી થોડીક ક્ષણ માટે બહાર નીકળીને પ્રાપ્તિ એ બધું જણાવ્યું… એટલામાં પોલીસને કોઈએ જાણ કરી હશે એટલે પોલીસ આવી ગઈ. પ્રાપ્તિનાં પપ્પા એ તેમને બધી વિગતવાર વાત કરી એટલે પોલીસ સ્ટેશનમાં પ્રાપ્તિના સાસરીવાળા વિરુદ્ધ કેસ નોંધાય ગયો. બધું એટલું જલ્દી બની ગયું કે શેરીના બધા અજંપામાં પડી ગયા.
પ્રાપ્તિનાં પપ્પા એ અંજામ અને તેના ઘરનાને ધમકી આપી કે ‘તમને હું અદાલતમાં લઇ જઈશ, ચારેયને સજા અપાવીશ.’ અને તુરંત જ પ્રાપ્તિને તેઓ નજીકની હોસ્પિટલમાં લઈ ગયા, ડોક્ટરે બધું ચેક અપ કર્યા બાદ તેમને એબોર્શનની સલાહ આપી, પ્રાપ્તિ ના છૂટકે સંમત તો થઇ. ડોક્ટરે એના પેટનો ભાર ઓછો કરી આપ્યો. પણ એના મનનો ભાર તો એ સમયે ઓછો ન થયો. સારવાર કરાવી તેના પપ્પા તેને ઘરે લઇ ગયા. પ્રાપ્તિ સાથે આવા ખરાબ બનાવ ને લઈને એના ઘરનાં ઉપર જાણે આકાશ તૂટી પડ્યું હોય તેવું વાતાવરણ ઉભું થયું , આ સમયે સગાઓ એ પણ મોં ફેરવી લીધું.
આ લગ્ન એ પ્રાપ્તિ માટે અભિશાપ બન્યા. તેની અને અંજામ વચ્ચે વિરોધાભાસોની ખાઇ હતી, જે રોજેરોજ પહોળી થતી જતી હતી. પણ પ્રાપ્તિ પડ્યું પાનું નિભાવ્યા કરતી હતી. અસભ્ય સાસુ, લંપટ પતિ અને દુ:ખોના ઝાડ જેવું સાસરિયું તેને મળ્યું હતું. તેનું દર્દ એ દિવસે હદ વટાવી ગયું હતું. ભારતીય પરંપરા, સંસ્કૃતિ અને રીત-રિવાજનાં નામે પ્રાપ્તિ આ જેલ જેવું લગ્નજીવન ખેંચવા નહોતી માંગતી.
આ વખતે સત્યની ઇમારત અને સાબિતીનાં પાયા સાથે પ્રાપ્તિ અને તેના ઘરનાં અદાલતમાં ઉપસ્થિત થયા હતાં. અંજામનાં ઘરનાં પાસે માત્ર શરમ સાથે નજર નીચી કર્યા સિવાય કશું ન હતું તેમ છતાં દંભીવૃત્તિ સાથે તેઓ અદાલતમાં ગયા. પછી તો તારીખ પર તારીખ અને એની ઉપર પણ તારીખ પડતી રહી. પ્રાપ્તિનાં વકીલે તો એને એવું કહ્યું હતું કે ‘એક, બે ને ત્રણ મુદતમાં તો તમારા છુટાછેડા કરાવી આપીશ. પણ દિવસ ગણતાં માસ ગયા અને માસ ગણતાં વરસ વીત્યું, પણ છુટાછેડા નામની ગૂંચવાયેલી દોરીનો છેડો જડતો ન હતો. આખરે એક વર્ષનાં અંતે કેસનો ચુકાદો આવ્યો. પ્રાપ્તિને ખાધા - ખોરાકીના કેસમાં ૫ લાખ મળ્યા. પણ ન્યાય ના મળ્યો. પ્રાપ્તિનાં ઘરના એ નક્કી કર્યું કે ફરિયાદ તો ચાલુ જ રાખવી. અપરાધીઓને સજા તો થવી જ જોઈએ, સૌના સૂરમાં એકમત ઝલકતો હતો. ફરી પાછું તારીખ પર તારીખ… તારીખ પર તારીખ! અઢી વર્ષ પસાર થઇ ગયાં. નિકાલ આવતો ન હતો. અંતે અદાલતનો ચુકાદો આવ્યો કે અંજામને એક વર્ષની કેદ અને તેની બન્ને બહેનોને સ્ત્રી કેળવણીમાં મોકલવી. આખરે પ્રાપ્તિને હવે ખરા અર્થમાં ન્યાય મળ્યો. અને અંજામનો “અંજામ” સારો ના આવ્યો. પણ પ્રાપ્તિને તેના જીવનમાં તેને વિચારી ન હતી તેટલી ખુશીઓ “પ્રાપ્ત” થઇ.
પ્રાપ્તિ માટે સારા-સંસ્કારી ઘરનાં મુરતિયાનું માગું આવ્યું. સમાજમાં માન અને સ્થાન ધરાવતાં પરિવારનું. લગ્નજીવનનાં લાખો ‘સપનાં’ સાથે પ્રાપ્તિના જીવનમાં “સપન” આવ્યો અને તેના સપનાઓને સપન એ સ્વર્ગસમા શણગારીને પ્રાપ્તિનાં જીવનને આનંદ-ઉલ્લાસથી ભરી દીધું.
(સત્ય ઘટના : પાત્રોના નામ બદલ્યા છે. હવે પ્રાપ્તિ અને સપન તેમની જિંદગીમાં ખુશ છે અને તેમને એક સંતાન પણ છે..)
***