‘૯૧૬૬ અપ: ગુજરાતના રમખાણોનું અધૂરું સત્ય’
પ્રશાંત દયાળ
પ્રકરણ ૨
હેવાન બને માણસ તો શેતાન પણ શરમાય
મેં ગોધરા છોડી દીધું હતું પણ મારું મન હજી ગોધરામાં જ હતું. કોલસો થઈ ગયેલી લાશો, સળગી ગયેલો ડબ્બો અને જે સળગતા કોચમાંથી જીવતા નીકળ્યા હતા તેમની વાતો મારી આસપાસ ફરતી હતી, કારણ કે મને ગોધરામાં જે કઈ પણ બન્યું અને કેવી રીતે બન્યું તેનો ઉતર મળતો નહોતો. ગોધરા સ્ટેશન ઉપર જયારે સાબરમતી એક્સપ્રેસ આવીને ઉભી રહી ત્યારે તેમાં મુસાફરી કરી રહેલા કારસેવકો તા. ૨૨મીના રોજ અયોધ્યા જવા માટે નીકળ્યા હતા. તેમને કદાચ કલ્પના પણ નહીં હોય કે આ તેમની છેલ્લી મુસાફરી હશે. ગોધરા સ્ટેશન ઉપર સાબરમતી એક્સપ્રેસ આવીને ઊભી ત્યારે ટ્રેનમાં રહેલા કેટલાક ઘસઘસાટ ઊંઘતા હતા, કેટલાક અર્ધજાગ્રત હતા, તો કેટલાક પ્લૅટફૉર્મ ઉપર ઊતરી ચાવાળાને શોધી રહ્યા હતા. મેં આ બધી વાતો ટ્રેનના એસ-૬ કોચમાં મુસાફરી કરી રહેલા અને જીવતા બહાર નીકળેલા કારસેવક કૌશિક પટેલ, ધર્મેન્દ્ર પટેલ અને હર્ષદ પટેલ પાસેથી સાંભળેલી છે. કેટલાક કારસેવકો ચા પીવા માટે ઉતર્યા ત્યારે તેમને કોઈ ચાવાળા સાથે ઝઘડો થયો હોવાનું કહેવાઈ છે. જયારે એક કારસેવકના કેહવા પ્રમાણે સાબરમતી એક્સપ્રેસ સ્ટેશન ઉપર આવી ત્યારે મોટી સંખ્યામાં સ્ટેશન પર મુસ્લિમોની હાજરી હતી, તેમજ એન્જિનની ડાબી બાજુ સ્ટેશનની દીવાલ હતી તે તરફ પણ મુસ્લિમ કતારમાં ઊભા હતા, જે બાબત ઘણી સૂચક હતી. તેના કારણે એક કારસેવક દોડતો સૈયદ નામના એક રેલ અધિકારી સમક્ષ પોતાનો ભય વ્યક્ત કરી આવ્યો હતો. જો કે આવી કોઈ વાતને પોલીસ રેકર્ડમાં સમર્થન મળતું નથી. ત્યાર બાદ ટ્રેન ઊપડી અને હજી માંડ પ્લૅટફૉર્મ છોડયું હશે ત્યારે જ કોઈના દ્વારા ટ્રેનની ચેન ખેંચવાથી ટ્રેન ઊભી રહી હતી. જયારે મને એક કારસેવકે એવું પણ કહ્યું હતું કે, ચેન પુલિંગની ઘટનાની સાથે ટ્રેનને મળેલું સિગ્નલ રેડ થઈ જતા ટ્રેન રોકાઈ હતી. બધી બાબતો ખૂબ ટેકનીકલી અને પોલીસની તપાસના વિષયો છે. ટ્રેન રોકાઈ તેની સાથે ડાબી તરફથી જ્યાં સ્ટેશનની બાજુમાં આવેલો સિગ્નલ ફળિયા નામનો વિસ્તાર છે ત્યાંથી મોટી સંખ્યામાં મુસ્લિમ સ્ત્રી-પુરુષો અને બાળકો ચિચીયારી પડતા ટ્રેન તરફ આવ્યા હતાં. તેમના હાથમાં ઘાતક હથિયારો હતાં અને તેઓ ટ્રેન ઉપર ભારે પથ્થરમારો કરતા હતાં. અચાનક બનેલી આ ઘટનાથી ટ્રેનના મુસાફરો ડરી ગયા અને પારેવાની જેમ ફફડી ગયા હતા, જેના કારણે તેમણે કોચના બારી બારણાં બંધ કરી દીધા હતાં. ટ્રેનની અંદર રહેલા હિંદુ હથિયાર વગરના હતા અને બહાર જાણે મોત તેમની રાહ જોતું હોઈ તેવો માહોલ હતો. ટ્રેન ઉભી રહી હોવાને કારણે ઘાતક હથિયારો સાથે આવેલા યુવાનો બારી-બારણાં તોડી અંદર આવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. અંદર રહેલી સ્ત્રીઓએ રોકકળ કરી મૂકી હતી અને તેમણે પોતાના બાળકોને છાતીસરસાં ચાંપી દીધાં હતાં. કઈ ઘડી એ શું બનશે તેની કોઈને ખબર નહોતી. ટ્રેનના કોચ-૬માં કારસેવકો છે તેની બહારના ટોળાઓને ખબર હોઈ તેવું લાગતું હતું, કારણ કે ટોળાનો મોટો હિસ્સો એસ-૬ પાસે ઉભો હતો. કહેવાય છે કે જ્યારે આ ઘટના બની ત્યારે સ્ટેશન પર રેલ્વે પ્રોટેક્શનના જવાનો હથિયાર સાથે હતા પણ તે અસરકારક સાબિત થયા નહીં અને ટોળું તેમના ઈરાદા તરફ આગળ વધી રહ્યું હતું.
અચાનક એસ-૬ કોચમાં ધુમાડો થવા લાગ્યો હતો. અંદરના લોકો કંઈ સમજે તે પહેલા ધુમાડામાંથી આગની જવાળાઓ લપકારા મારતી કોચમાં આગળ વધવા લાગી હતી. બહાર હથિયાર બંધ ટોળું હતું અને અંદર આગ ફાટી નીકળી હતી. બચવા માટે કોઈ રસ્તો નહોતો. તેમ છતાં બધા મોત સાથે લડી રહ્યા હતા પણ બહુ ઓછાને કંઈક કરવાની તક મળી હતી, કારણ કે આગ એટલી વિકરાળ હતી કે લાલ આગમાં ચીસો વચ્ચે લોકોનો શ્વાસ રૂંધાવા લાગ્યો હતો. ખાસ કરીને સ્ત્રીઓએ મરતા સુધી પોતાના નાના બાળકોને છાતીથી દૂર કર્યા ન હતાં. તેના કારણે જયારે તેમના મૃતદેહો બહાર કાઢવામાં આવી ત્યારે બાળકોની લાશ પોતાની માતાને વળગેલી હાલતમાં જ હતી. એકપણ સ્ત્રી એવી નહોતી કે પોતાના બાળકને મૂકી ટ્રેનની બહાર નીકળી હોય. આમ છતાં ઘણાએ બહાર નીકળવા માટે તનતોડ મહેનત કરી. કેટલાક લોકો બારીના સળિયા તોડી ટ્રેનની જમણી બાજુ કૂદકો મારી બહાર આવી ગયા હતા, જયારે કેટલાક ટોળાનો ડર રાખ્યા વગર મરણીયા થઈ દરવાજેથી બહાર આવ્યા હતા. જેમાં તે ગંભીર રીતે ઘવાયા પણ હતા. તેમને હું રૂબરૂ મળ્યો હતો. મને ત્યાં મળેલાં વિણાબહેનના કહેવા પ્રમાણે તે બારીમાંથી કૂદીને બહાર આવ્યાં ત્યારે ત્યાં પોલીસવાળા ઉભા હતા પણ તેઓ કઈ કરતા ના હોવાથી તેમણે ગુસ્સમાં આવી પોલીસ વાળાને લાફો માર્યો એટલે તેણે પોતાની રાઈફલમાંથી ગોળીબાર કરતા ટોળું પાછુ હટ્યું હતું. તેમને આ વાતો સાંભળેલી,જોયેલી કે અનુભવેલી છે એ હું ચોક્કસપણે કહી શકતો નથી. જો કે તેમાં તથ્યનો અંશ કેટલો હતો તે નક્કી કરવું મુશ્કેલ હતું, કારણકે તેમની વાતમાં તેમની વેદનાની સાથે તેમણે સાંભળેલી વાતો અને માન્યતાઓ પણ હતી. આ વાતોમાં એક વાત બ્લેક એન્ડ વ્હાઈટ જે સ્પષ્ટ હતી કે મુસ્લિમોએ ટ્રેન પર હુમલો કર્યો હતો.
હવે મારા માટે પ્રશ્ન એ હતો કે સાબરમતી એક્સપ્રેસમાં આવી રહેલા કારસેવકોને સળગાવી દેવાની ઘટના એક અકસ્માત હતો કે આતંકવાદી હુમલો હતો. અમદાવાદ અને ગોધરા જેવા શહેરમાં હિંદુ-મુસ્લિમના તોફાનોમાં પાકિસ્તાનનો હાથ જોવાની કેટલાકની આદત બની ગઈ છે. અમદાવાદમાં તો બે સાઇકલવાળા ટકરાય તેમાં પણ તોફાન થાય, તેથી દરેક ઘટનામાં પાકિસ્તાનની વાત કરવી તે સાંભળવામાં કે બોલવામાં સારી લગતી હશે. પણ તેની ઉપર કેટલો ભરોસો મુકવો તે દરેકે પોતે નક્કી કરવાનું છે. હવે પોલીસની થિયરી એવી છે કે આ એક પૂર્વયોજિત ઘટના હતી. થોડા ઘણા અંશે તે વાત સાથે હું સંમત છું. કેટલાક લોકો સ્ટેશન પર ચાવાળા સાથે થયેલા ઝગડા બાદ બનેલી ઘટના કહે છે તેની સાથે હું પૂરી રીતે સંમત નથી. માની લઈએ કે કારસેવકોને ચાવાળા સાથે ઝઘડો થયો તેના કારણે આ ઘટના બની, તો ઝઘડો થયો અને ટ્રેન ઉપડી તેની સાથે આટલી મોટી સંખ્યામાં મુસ્લિમો બહાર કેવી રીતે આવી ગયા ? તેના કારણે ચાવાળાની થિયરી ગળે ઉતરે તેમ નથી. આ ઘટના પૂર્વયોજિત હોવા અંગે હું થોડા ઘણા અંશે સંમત છું, કારણ કે જો પૂર્વયોજિત ના હોય તો જ ટ્રેન સળગાવવા માટેની પૂર્વતૈયારી કરી શકાઈ હોત. મને હજી પણ એ વાત સમજાતી નથી કે જો આ ઘટના પૂર્વયોજિત હતી અને આ અધમ કૃત્યની જાણ તેમાં સામેલ અનેક લોકોને હતી તો તે વાત પોલીસ સુધી કેમ નહીં પહોચી હોય ? હવે જો પૂર્વયોજિતની વાત સાથે સંમત હોઉં તો મારે તેની પાછળના કારણો પણ આપવાં પડે. જો કે તે કારણોનો કોઈ આધાર નથી છતાં, તે માની શકાય તેવા છે. કારસેવકોની ટ્રેન જયારે મુસ્લિમ વિસ્તારમાંથી નીકળે ત્યારે કારસેવકો શ્રી રામનો જયઘોષ કરતા હતા. રામનામના જયઘોષનો મુસ્લિમોને વાંધો ન હતો અને હોવો જોઈએ પણ નહીં, પરંતુ જયઘોષની સાથે તેઓ મુસ્લિમો અંગે ઘસાતાં ઉચ્ચારણો કરતા હતા. જે કંઈ નવી બાબત નથી. જમાલપુર જગન્નાથ મંદિરથી નીકળી રથયાત્રા જયારે દરિયાપુરમાં પ્રવેશે ત્યારે પણ યાત્રામાં સામેલ હિંદુ યુવાનો મુસ્લિમો ઉશ્કેરાય એવા સૂત્રો બોલે છે. જેના કારણે સાંભળવું પણ નહીં અને દાઝવું પણ નહીં તેવી નીતિ અખત્યાર કરી દરિયાપુરના મુસ્લિમો તેમના વિસ્તારમાં મોટાં માઈક લગાવી તેના ઉપર દેશભક્તિના ગીતો વગાડે છે, જેથી તેમની વિરુદ્ધ થતા સુત્રોચ્ચાર સાંભળવા પડે નહીં.
આવું જ અયોધ્યા જતા કારસેવકો કરતા હોવાની ફરિયાદ છે અને ગોધરા સ્ટેશનની આસપાસ મોટી સંખ્યામાં મુસ્લિમો રહેતાં હોવાને કારણે તેમને કેટલાક દિવસો સુધી સાબરમતી એક્સપ્રેસ નીકળે એટલે ગાળો સાંભળવી પડતી હતી. બની શકે કે કેટલાંક કટ્ટરવાદીઓએ આ ઘટનાનો લાભ ઉઠાવી નારાજ થયેલા મુસ્લિમોના હાથમાં હથિયાર પકડાવી દીધા હશે. તો પણ આ ઘટનાનાએ આતંકવાદી કૃત્ય હું માનતો નથી, કારણ કે અમદાવાદ-વડોદરા જેવા શહેરમાં વર્ષમાં ચાર વખત કોમી તોફાનો થાય છે તેને આતંકવાદી ઘટના કહી શકાય નહી. ગોધરામાં એવી અનેક વાતોને હું પાછી મૂકી આવ્યો હતો, જેનો ઉત્તર મને અને બીજાને ક્યારેય મળવાનો નહોતો. મારી કાર ગોધરાથી નીકળી હાલોલ થઇ અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે ઉપર આવી ગઈ હતી પણ રસ્તામાં બધું બરાબર હતું, જાણે કંઈ બન્યું જ નથી. પરંતુ હું મારા અનુભવ ઉપરથી સમજી શકતો હતો કે આજે જે શાંત દેખાય છે તે આવતીકાલે નહીં હોય. મારી કારના ડ્રાઈવરે વડોદરા છોડ્યા બાદ કારને જમવા માટે રોકી. અમે જે હોટલમાં જમ્યા ત્યાં પણ શાંતિ હતી. મેં મારો મોબાઈલ ફોન ત્યાં ચાર્જ કરી લીધો, કારણકે ગોધરામાં અનેક લોકોએ મારા ફોનનો ઉપયોગ કરી પોતાના ઘરે પોતે જીવતા હોવાના સમાચાર આપ્યા હતા. જમ્યા પછી અમે ફરી અમારી સફર સુરત તરફ શરૂ થઈ. અમે જયારે સુરત પહોંચ્યા ત્યારે પોણું સુરત સૂઈ ગયું હતું, કારણ કે રાતનો દોઢ વાગ્યો હતો. અમે ઘોડદોડ રોડ ઉપર મારા તંત્રી વિક્રમ વકીલના ઘરે પહોંચ્યા, જે અમારી રાહ જોઈ રહ્યા હતાં.
ગોધરાથી મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી તેમની લાલ લાઈટવાળી કારમાં પાઈલટ અનર એસ્કોર્ટ સાથે અમદાવાદ જવા રવાના થયા હતા. તેમણે ફોન ઉપર રાજ્યના ઉચ્ચ અમલદારોના અમદાવાદ આવી જવા સૂચના આપી હતી, કારણ કે તે બીજા દિવસે પડનારા પ્રત્યાઘાત માટેની બેઠક લેવા માંગતા હતાં. આ બેઠકમાં મુખ્ય સચિવ, ગૃહ સચિવ, પોલીસ મહાનિર્દેશક કે. ચક્રવર્તી અને અમદાવાદના પોલીસ કમિશનર પી. સી. પાંડે પણ ગયા હતા. મુખ્યમંત્રી અમદાવાદમાં આવતા જ સરકીટ હાઉસ ખાતે જ બેઠકનો દૌર શરુ થયો હતો. મુખ્યમંત્રીએ શેરમાં આવતીકાલે ઊભી થનારી સ્તિતિ અંગે ચર્ચા કરી હતી, કારણ કે તારીખ ૨૮મીના રોજ બંધનું એલાન આપવામાં આવ્યું હતું. તેના કારણે પોલીસ બંદોબસ્તની શું સ્કીમ બનાવી હતી તેની જાણકારી તેમને મેળવી હતી. જો કે મુખ્યમંત્રી મોદીએ પોલીસ અધિકારીઓને એ માહિતીથી માહિતગાર નહોતા કર્યા કે વિશ્વહિંદુ પરિષદે બંધનો કોલ આપ્યો તેને ભાજપે ટેકો આપ્યો છે. કદાચ જો તે વાતની પોલીસ ને ખબર પડી હોત તો બીજા દિવસે ઉભી થનારી સ્થિતિ ને પોહચી વળવા માટે વધુ સરળતા રહી હોત. તે બેઠક માં એક મહત્વની વાત બની હતી,જો કે અંગે સત્તાવાર રીતે કહેવા કોઈ તૈયાર નથી. પી. સી. પાંડે એ અગાઉથી ચેતવણી આપી હતી કે અમદાવાદના કારસેવકોના મૃતદેહો અમદાવાદ લાવવા જોઈએ નહીં, તેના બદલે તેની અંતિમ ક્રિયા ગોધરામાં જ કરવી જોઈએ કારણ કે જો તેવું નહી કરવામાં આવે તો સ્થિતિ બગડશે. પરંતુ તેમની વાત ત્યારે સ્વીકારવામાં આવી નહોતી. પી. સી. પાંડે ગુજરાત કેડરના સિનિયર આઈ. પી. એસ. હતા અને તેમણે નેતાઓની સરખામણીમાં અનેક તડકા-છાયડા જોયા હતા.
તેમને ભાજપ સરકારે જ અમદાવાદ પોલીસ કમિશનર તરીકે મૂક્યા હતા પણ ત્યારે મુખ્ય પ્રધાન કેશુભાઈ પટેલ હતા અને ગૃહરાજ્ય મંત્રી હરેન પંડ્યા હતા. પી. સી. પાંડે માનવીય અભિગમ ધરાવતા પોલીસ કમિશનરની છાપ ધરાવતા હતા, કારણ કે તેમને અમદાવાદ પોલીસ કમિશનર તરીકેનો હવાલો સંભાળ્યો તેની સાથે કેટલાક ફેરફાર કર્યા હતા. તેઓ અગાઉ આઈ. પી. એસ. અધિકારી કમાન્ડોથી ઘેરાઈ ને ફરતા હતા. તેમણે કમિશનર થતા જ તમામ કમાન્ડો પાછા ખેંચી લીધા હતા, કારણકે તે માનતા હતા કે જો પોલીસ કમાન્ડોથી ઘેરાયેલી હોય તો આમ નાગરિકનું શું થશે ? આ ઉપરાંત તેમણે કમિશનર તરીકે પોતાની ચેમ્બરના દરવાજા ખુલ્લા મૂકી દીધા હતા. પ્રજાનો પ્રતિનિધિ કે ખુદ કોઈ નાગરિક સમય લીધા વગર તેમને મળી શકતો હતો. પોલીસ કર્મચારીઓ પણ પોતાની વાત લઈને તેમને મળતા હતા, પરંતુ સિનિયર આઈ. પી. એસ. માં કેટલાકની સાથે તેમનું બન્યું ન હતું. પાંડે પોલીસ દ્વારા થતા કહેવાતા એન્કાઉન્ટરના વિરોધી હતા. તે માનતા કે ગુનેગારને જીવવાનો અધિકાર છે. જ્યાં સુધી ગુનેગાર ખરેખર પોલીસ ઉપર હુમલો કરતો નથી, ત્યાં સુધી કહેવાતા હુમલાના નામે પોલીસે તેની હત્યા કરવી જોઈએ નહીં. નહિતર પોલીસ અને ગુંડામાં કોઈ ભેદ જ નહીં રહે. ગુંડાને ન્યાયની દેવી જ સજા આપે તે વ્યાજબી છે, કારણ કે જો પોલીસ બંદૂકના નાળચે ન્યાય કરવા લાગશે તો પોલીસ સમાજ માટે ભયજનક બની જશે. મેં પાંડેને પોલીસ કમિશનર તરીકે કામ કરતા બહુ નજીક થી જોયા હતા. તેમને પોલીસ કમિશનર તરીકે હવાલો સાંભળ્યો ત્યારે હું ‘સંદેશ’માં હતો. મેં તેમના અંગે ખૂબ સાંભળ્યું હતું. તેમણે ચીમનભાઈ પટેલની સરકારમાં ખુદ ચીમનભાઈ પટેલ સામે તપાસ કરી હતી, છતાં ચીમનભાઈ પટેલે તેમના તરફ કિન્નાખોરી રાખ્યા સિવાય તેમને આઈ. બી. વાળા તરીકે મૂક્યા હતા. જો કે તેમાં ચીમનભાઈની પણ મહાનતા હતી. એટલે મને તેમને મળવાની અને તેમનો પ્રોફાઈલ લખવાની ખૂબ ઈચ્છા હતી. મેં તેમના જનસંપર્ક અધિકારી અને મારા વડીલ મિત્ર અશ્વિન જાનીને તેમની મુલાકાત ગોઠવી આપવા માટે સમય માંગ્યો હતો. અશ્વિન જાનીએ જ્યારે પાંડેને એ અંગે વાત કરી ત્યારે તેમણે હમણાં વ્યસ્ત છું એવું કારણ આપ્યું હતું. તેથી હું દર પંદર દિવસે અશ્વિનભાઈ પાસે પાંડેની મુલાકાત માટે સમય માંગતો હતો અને દે વખતે એક નવું કારણ આપી નવી મુદ્દત આપવામાં આવતી હતી. જો કે હું થાક્યો ન હતો. મેં નક્કી કર્યું હતું કે હું તેમનો ઈન્ટરવ્યુ લઈને જ રહીશ... આમ કરતાં-કરતાં મહિનાઓ નીકળી ગયા. એક દિવસ ફરી મેં જાણીને યાદ કરાવ્યું એટલે તે તરત પાંડેને મળવા તેમની ચેમ્બરમાં ગયા. થોડી વાર બાદ તેઓ હસતા હસતા આવ્યા. મેં તેમને પૂછ્યું કે કેમ હસો છો ત્યારે તેમણે કહ્યું હતું, ‘મારી પાસે પ્રશાંતને આપી શકાય તેવું કોઈ બહાનું રહ્યું નથી.’ આખરે તેમણે ઈન્ટરવ્યુ આપવા માટેનો સમય આપ્યો હતો. તેમણે પોલીસ કમિશનરનો હવાલો સંભાળ્યો તેના ૧૪ મહીના બાદ હું તેમનો ઈન્ટરવ્યુ લેવામાં સફળ રહ્યો હતો. જો કે તેમની વાતો તેમના જેટલી સરળ હતી અને સંદેશમાં તંત્રીની મહેરબાનીથી તે ઈન્ટરવ્યુ સરસ રીતે છપાયો પણ હતો. તે વાંચી તેમણે મને હસતા હસતા કહ્યું હતું, ‘તમે મારા મિત્ર હો તો આવું ન કરતા, કારણ કે મારો ઈન્ટરવ્યુ વાંચી મારા દુશ્મનો વધી જશે.’
મુખ્યમંત્રી સાથેની બેઠક પૂરી થતા પોલીસ કમિશનર પી. સી. પાંડે, એડીશનલ પોલીસ કમિશનર શિવાનંદ ઝા અને જોઈન્ટ પોલીસ કમિશનર એમ. કે. ટંડન સાથે એક બેઠક કરી જરૂરી બંદોબસ્ત ગોઠવી દેવા અંતે સૂચના આપી. શિવાનંદ ઝાની કડક અધિકારી તરીકે છાપ છે. તેમનાથી ગુંડાઓ તો ઠીક પણ ગુંડાઓથી દોડતી કરનારા પોલીસ અમલદારો પણ ડરતા હતા. શિવાનંદ ઝા સેક્ટર-૧ના એડીશનલ કમિશનર હતા એટલે અમદાવાદની પશ્ચિમે આવેલો વિસ્તાર તેમના તાબામાં હતો, જયારે જોઈન્ટ પોલીસ કમિશનર એમ. કે. ટંડન પાસે પૂર્વ અમદાવાદનાં પોલીસ સ્ટેશનો આવતા હતાં. પી. સી. પાંડેએ શહેરને પોલીસની મદદે એસ. આર. પી. હોવા છતાં તકેદારીરૂપે વધુ મદદ મોકલી આપવા માટે ડી. જી. પી. કે. ચક્રવર્તીને વિનંતી કરી હતી. સામાન્ય રીતે શહેરના સંવેદનશીલ ગણાતા શાહપુર, કાલુપર, દરિયાપુર, ગોમતીપુર, અમરાઈવાડી જેવા વિસ્તારમાં ચાંપતો બંદોબસ્ત મૂકી દેવા આવ્યો હતો, કારણ કે આ વિસ્તારમાં તો પતંગનો દોરો લૂટવાંમાં પણ પત્થરમારો અને ગોળીબાર થતા હોય છે. એટલે કે જુના અમદાવાદમાં સારો એવો બંદોબસ્ત હતો, જયારે નવા અમદાવાદમાં કાયમની જેમ મહત્વની જગ્યા ઉપર એકાદ-બે પોલીસ વાળા મુકવામાં આવ્યા હતા. ગોધરા કાંડ પછી જો કોઈની કફોડી સ્થિતિ હોય તો તે ભાજપના નેતાઓની હતી. ગોધરાની ઘટના બાદ હિંદુઓ ઉશ્કેરાયેલા હતા, કારણ કે ૧૯૦૦થી ભાજપના નેતાઓ હિન્દુત્વના નામે મત માંગી સત્તા હાંસલ કરતા હતા અને તેમના જ શાસનમાં આટલી મોટી સંખ્યામાં હિન્દુઓના મોત થયા હતાં. ભાજપના નેતાઓને ડર હતો કે હિંદુઓનો ઉશ્કેરાટ તેમના ઘર સુધી ના આવી જાય, કારણ કે ગોધરાકાંડે સાબિત કરી આપ્યું હતું કે ભાજપવાળા હિન્દુઓનું રક્ષણ કરવામાં નિષ્ફળ સાબિત થયા છે. આવી જ સ્થિતિ કોંગ્રસના નેતાઓની હતી. તેમને આ ઘટના માટે જવાબદાર ત્તવું સામે કડક કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગણી કરવાની હતી, પરંતુ તેમને ડર હતો કે ક્યાંક તેને કારણે તેમનો મત બેંક ગણાતા મુસ્લિમો તેમનાથી નારાજ થશે. જેથી તેમણે ખોંખારો ખાઈ ઘટનાને વખોડી પણ નહોતી. એટલું જ નહીં તા. ૨૭મી ફેબ્રુઆરીના રોજ વિધાનસભા ચાલુ હતી ત્યારે ગોધરાની ઘટનાના સામાચાર મળ્યા. આ બાબતે મુદ્દો બનાવી સરકારને ભીંસમાં લઈ વિધાનસભાની કાર્યવાહી ખોરવી નાખી આખા રાજ્યનું ધ્યાન પોતાની તરફ દોરી ભાજપને રાજકીય રીતે પરાસ્ત કરવાની તક હતી પણ તેમાં કૉંગ્રેસના નેતા નિષ્ફળ ગયા હતા અને વિધાનસભા ગૃહમાં ભાજપે મૃતકોના પરિવારને વળતર આપવાની જાહેરાત કરી તેનો સંતોષ માની ચુપ બેસી ગયા હતા. તેના બદલે જો આવી ઘટના કોંગ્રસના શાસનમાં બની હોત તો ભાજપવાળા એ વિધાનસભામાં તો ઠીક પણ રસ્તા ઉપર ઉતરી ચક્કાજામ કરી દીધા હોટ, પરંતુ આવું કંઈ કૉંગ્રેસને ના આવડયું તેના કારણે એવી છાપ ઉભી થઈ કે ગોધરાકાંડ પછી પણ કૉંગ્રેસ મુસ્લિમોને છાવરે છે.
જ્યારે આ પ્રશ્ને મુસ્લિમ પ્રજા અને તેમના નેતાઓએ પણ એક અવાજે ગોધરાની ઘટનાનો વિરોધ કરવાનો હતો, પરંતુ એવું તરત થયું નહીં. ગોધરાની ઘટના પછી જયારે હું ગોધરામાં જ હતો ત્યારે મેં મારા એક મુસ્લિમ પ્રોફેસર મિત્રને ફોન કરીને જણાવ્યું હતું કે તે પરિચિત મૌલવીઓને મળી એક પ્રેસનોટ દ્વારા આ ઘટનાને વખોડતી એક જાહેરાત કરાવે, જેથી હિંદુઓ ગોધરાકાંડ માટે તમામ મુસ્લિમોને જવાબદાર ગણે નહી. પરંતુ તેમાં મને અને મારા મિત્રને નિરાશા મળી હતી, કારણ કે અનેક મૌલવીઓ એ વાત સ્વીકાર કરતા હતા કે ગોધરાની ઘટના શેતાની કૃત્ય છે પણ તેને પ્રેસનોટ દ્વરા વખોડવા તૈયાર નહોતા. જો મુસ્લિમોએ એ ડહાપણનું પગલું ભર્યું હોત તો નિર્દોષ મુસ્લિમો એ તેની કિંમત ચુકવવી પડી ના હોત. અમદાવાદ શહેર કેટલાંક વર્ષોથી વિભાજીત થઈ રહ્યું હતું. જ્યાં જેમની બહુમતી વસ્તી હતી ત્યાં અલ્પસંખ્યકો મકાન ખાલી કરી જઈ રહ્યા હતા. તેમાં પણ ખાસ કરીને જુના અમદાવાદમાં પોળો વધારે છે ત્યાં આવું વધારે બનતું હતું. હિંદુઓ વધારે હોય ત્યાંથી મુસ્લિમો જતા રહ્યા અને મુસ્લિમો વધારે હોય ત્યાંથી હિંદુઓ જતા રહ્યા હતા. આ ઘણી ગંભીર બાબત છે, કારણ કે અમદાવાદ સ્પષ્ટ રીતે હિંદુ-મુસ્લિમ વસ્તીને આધારે અલગ થઈ રહ્યું હતું. મુસ્લિમોની સરખામણીમાં હિંદુઓ સુખી હોવાને કારણે જુના અમદાવાદની પોળોનાં તેમના મકાન સસ્તામાં વેચી નવા અમદાવદમાં સ્થાયી થઈ રહ્યા હતા, જયારે જુના અમદાવાદ બહાર રેહતા મુસ્લિમો સલામતી માટે જુના અમદાવાદમાં આવી રહ્યા હતા.
આ ઉપરાંત છેલ્લાં કેટલાક વર્ષોથી અમદાવાદની પશ્ચિમે આવેલા જુહાપુરામાં નોંધપત્ર રીતે મુસ્લિમોની સંખ્યા વધી રહી હતી. જુહાપુરામાં સામાન્ય ગરીબ મુસ્લિમથી લઈ કરોડો રૂપિયાના બંગલામાં રેહતા મુસ્લિમો સ્થાયી થવા લાગ્યા હતાં, જયારે નવરંગપુરામાં રહેતા મુસ્લિમો સંપન્ન હોવાને કારણે તે બધાને પોતાનાથી અલિપ્ત રાખતા હતા. ક્યારેય તેઓ કોઈના પક્ષે રેહતા ન હતા, જેના કારણે પોલીસને પણ જ્યાં મુસ્લિમ વસ્તી હતી ત્યાં જ બંદોબસ્ત માટે રાખવાની હતી.
બીજા દિવસે એટલે તા.૨૮મીની સવાર રોજની જેમ સામાન્ય સવાર હતી, બંધનું એલાન આપવામાં આવ્યું હતું. તેના કારણે ભાજપનાં કાર્યકરો સ્કૂટર ઉપર બંધનું એલાન કરાવવા માટે નીકળતા હતા. ઘણા વિસ્તારો તો પહેલેથી જ બંધ હતા. પોલીસ બંદોબસ્તમાં હતી પણ બંધ કરાવનારા ભાજપના કાર્યકરો હોવાને કારણે પોલીસ તેમને રોકતી પણ નહોતી. આમ પણ તેમના બંધની જે વાત હતી તેમાં હિંસાની કોઈ વાત નહોતી. પણ બન્યું એવું કે ગોધરામાં જે લોકો માર્યા ગયા હતા તેમના મૃતદેહો અમદાવાદ સોલા સિવિલ હોસ્પીટલમાં આવી ગયા હતા, જેને જોવા માટે હજારો લોકો ઉમટી પડયા હતા. જે માર્યા ગયા હતા તેમના સ્વજનો મૃતદેહો લેવા માટે પણ આવ્યા હતા અને તેમની રોકકળ જોઈ ત્યાં હાજર લોકો હચમચી ગયા હતા. તેમનો ગુસ્સો જાણે ફાટુ ફાટુ થઈ રહ્યો હતો. આ વાત હજારો લોકો સુધી સીમિત હોત તો પોલીસ માટે તેમને કાબૂમાં લેવા મુશ્કેલ વાત ન હતી પણ હવે જમાનો બદલાયો હતો. સોલા સિવિલમાં જે દ્રશ્ય હજારો લોકો જોતા હતા તે જ દ્રશ્ય ટેલિવિઝન પર લાખો લોકો જોઈ રહ્યા હતા, કારણ કે તમામ ટેલીવિઝન ચેનલના કેમેરા હોસ્પિટલમાં હતા અને મોટાભાગની ચેનલો જીવંત પ્રસારણ કરી રહી હતી. પોતાના જ ઘરમાં ટીવી ઉપર કોલસા જેવા થઈ ગયેલા મૃતદેહો જોઈ પુરુષો તો ઠીક પણ સ્ત્રીઓ પણ ઉશ્કેરાઈ રહી હતી. માત્ર અમદાવાદ જ નહી પણ ગુજરાતનાં ગામડાંના લોકો પણ બધું જોઈ રહ્યા હતા. તેમને લાગ્યું કે સરકાર તેમનું રક્ષણ કરવામાં સદંતર નિષ્ફળ સાબિત થઈ છે. ટેલિવિઝનનો જે ગેરફાયદો છે તે ગુજરાતને પહેલી વાર થયો હોય તેવું હું માનું છું, કારણ કે અમેરિકા વલ્ડ ટ્રેડ સેન્ટરને ફૂંકી મારવામાં આવ્યું ત્યારે તેમાં માર્યા ગયેલા લોકો પૈકી એકની પણ લાશ દુનિયાના કોઈ માણસે ટીવી ઉપર જોઈ નથી. જયારે ગોધરામાં માર્યા ગયેલા મૃતદેહો સતત ટેલીવિઝન ઉપર દર્શાવવામાં આવી રહ્યા હતાં, જે માથામાં વાગતા હતાં. જયારે અખબારોએ કઈ બાકી રાખ્યું ન હતું. તેમાં અનેક મનઘડંત સમાચારો હતા, જેવા કે ટ્રેનમાંથી હિંદુ કન્યાઓને ઉપાડી ગયા, હિંદુ કન્યાઓના સ્તન કાપી નાખ્યા, જેવા ખોટા અને વિકૃત સમાચારો પણ છપાયા હતા. ટીવી અને અખબારો વચ્ચે કોણ વધુ સમાચાર આપે તેની હરીફાઈમાં તેઓએ પ્રમાણભાન ગુમાવી દીધું હતું.
***