Aafat - 12 in Gujarati Detective stories by Kanu Bhagdev books and stories PDF | આફત - 12

Featured Books
Categories
Share

આફત - 12

આફત

કનુ ભગદેવ

12: રાજેશ પણ ગયો....!

હિરાલાલના રૂમમાં અત્યારે હિરાલાલ તથા કમલા હાજર હતા. રાજેશ તથા મધુ પોત-પોતાના રૂમમાં હતા.

‘મને લાગે છે કે...’ કમલા ગંભીર અવાજે બોલી, ‘સુનિતા મરી ગઈ છે કે નહીં એ વિશે પોલીસને શંકા છે!’ એનો સંકેત નાગપાલ તરફ હતો. નાગપાલને તે પોલીસનો જ માણસ સમજતી હતી. અને આમેય એક યા બીજી રીતે પોલીસ ડીપાર્ટમેન્ટ સાથે સંકળાયેલો જ હતો.

‘એનાં દિમાગમાં આ શંકા કોણે નાંખી હશે એની મને ખબર છે.’

‘કોણે...?’

‘પેલા હરામખોર વકીલ જોશીએ...! જરૂર એણે નાગપાલના દિમાગમાં, સુનિતાનું મૃત્યુ વિશે શંકાનું ભૂસું ભરાવ્યું હશે.’ હિરાલાલે ધૂંધવાઈને કહ્યું, એ તો ઈશ્વરનો એટલો ઉપકાર કે સુનિતાનાં અગ્નિસંસ્કારની નોંધ કરાવવાનું આપણને સૂઝી ગયું. એટલે મેં દેવગઢ ફોન કરીને સુનિતાના મૃતદેહનાં અગ્નિ સંસ્કારની બધી વિગતો નોંધાવી દીધી છે. નહીં તો સુનિતા મરી છે કે નહીં, એ પુરવાર કરવું આપણે માટે લોખંડના ચણા ચાવવા જેવું મુશ્કેલ બની જાત.’

‘અને પેલા રહસ્યમય લંગડાએ પણ હદ કરી નાંખી છે! કંઈ નીહ તો ખાડામાંથી સુનિતાનો મૃતદેહ કાઢી ગયો. એને વળી એક લાશનું શું કામ પડયું હશે?’ કમલા ધીમા અવાજે બોલી, ‘ક્યારેય તો મને એવો વિચાર આવે છે કે, પોલીસને આપણે થોડો ફેરફાર કરીને પોલીસને જણાવી દઈએ કે –આપણે સુનિતાની ઘણી સારવાર કરાવી હતી પરંતુ તે બચી શકી નહં અને આપણે તેના મૃતદેહને ભૂપગઢ ખાતેની આપણી વાડીમાં દાટી દીધો હતો અને પાછળથી પેલો રહસ્યમય લંગડો તેના મૃતદેહને ખાડો ખોદીને લઈ ગયો હતો.’

‘તું તો સાવ અકકલની ઓથમીર છો....!’ હિરાલાલે કહ્યું, ‘શાસ્ત્રમાં લખ્યા પ્રમાણે મર્યા પછી હિંદુઓના મૃતદેહનો અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે, દાટવામાં નથી આવતાં એટલું ય તું નથી જાણતી? ઉપરાંત દેવગઢના સ્મશાનમાં આપણે સુનિતાના મૃતદેહના અગ્નિસંસ્કાર કર્યાની જેવાત પોલીસને જણાવી છે. એનો કંઈ ખુલાસો છે તારી પાસે? આપણે સુનિતાના મૃતદેહના અગ્નિસંસ્કાર કરવાને બદલે શા માટે આપણી વાડીમાં જ શા માટે દાટી દીધો એવું જો જણાવીશું તો નાહક જ હાથે કરીને ઉપાધિ વહોરવા જેવું થશે. આપણે પહેલા શા માટે ખોટું બોલ્યા હતા એનો આપણી પાસે કોઈ જ જવાબ નથી.’

‘એ બધું તો ઠીક છે. પણ સાચી હકીકત જાણ્યા પછી પોલીસ આપણને કંઈક મદદ કરશે, સુનિતાના ભૂતથી આપણને બચાવી લેશે એવો વચાર મને આવ્યો હતો. એનુ ભૂત આજે તમને દેખાયું છે. તો ભવિષ્યમાં મને પણ દેખાશે. એનાં ભૂતને જોઈને જ મારું તો હાર્ટફેઈલ થઈ જશે. મને બચપણથી જ આવા ભૂતપ્રેતોની ખૂબ જ બીક લાગે છે....’

‘સારૂં....સારૂં...હવે મારી સાથે મગજમારી છોડીને તું થોડીવાર સૂઈ જા! હજુ તો સવારના છ જ વાગ્યા છે. તું સૂઈ જઈશ તો મને પણ કંઈક વિચારવાનો થોડો સમય મળશે. સુનિતા મર્યા પછી કેવી રીતે મારી સામે ટપકી પડી એ મને સમજાતું નથી.’ કહી, પલંગ પરથી નીચે ઊતરી, બંને હાથ પીઠ પાછળ વાળીને હિરાલાલ રૂમમાં આંટા મારવા લાગી.

કમલાએ સૂવા માટે આંખો બંધ કરી પણ તેને જરા પણ ઉંઘ આવતી નહોતી.

***

રાજેશ પોતાના રૂમમાં પલંગ પર આડો પડી, આંખો બંધ કરીને કોઈક ઊંડા વિચારમાં ડૂબી ગયો હતો.

એના જમણા હાથની બે આંગળીઓ વચ્ચે સિગારેટ સળગતી હતી.

એ થોડી વાર પહેલાં જ પોસ્ટમોર્ટમ હાઉસેથી પાછો ફર્યો હતો. અમરની લાશનું હજુ પોસ્ટમોર્ટમ નહોતું થયું. એની પહેલાં બીજી બે લાશોનું પોસ્ટમોર્ટમ કરવાનું બાકી હોય વાર લાગી જાય તેમ હતું એટલે નાગપાલે જ તેને ઘેર જઈને આરામ કરવાની સલાહ આપી હતી.

રાજેશને આરામની જરૂર નહોતી. અલબત્ત, તે શાંતિથી વિચાર કરવા માંગતો હતો એટલે ઘેર પાછો ફર્યો હતો.

અત્યારે પલંગ પર આડા પડીને હવામાં ધુમાડાના ગોડા છોડાતો તે વિચાર હતો કે જો સુનિતા સાચેસાચ જ મરી ગઈ હતી તો પછી એ રાત્રે પિતાજીને શા માટે દેખાઈ? શું મર્યા પછી તે ખરેખર ભૂત બની ગઈ હતી.?

શું આ દુનિયામાં ભૂત-પ્રેતનું અસ્તિત્વ હોય છે ખરું?

તો તો પછી એ જેમ પિતાજીને દેખાઈ હતી તેમ મને પણ દેખાઈ શકે છે. હું પણ તેને ખરાબ નજરે જોતો હતો અને જીદ કરતો હતો કે એ પોતાના હાથેથી જ મને ચા પીવડાવે!

‘ના ભાઈ ના...’ સિગારેટના ઠૂંઠાને એશટ્રેમાં પધરાવતો તે સ્વગત બબડ્યો, ‘મને તો એ ક્યારે ય ન દેખાય તો સારું! એને જોઈને જ મારું તો હાર્ડફેઈલ થઈ જશે.’

વિચારતાં વિચારતાં અચાનક જ, આ રૂમમાં પોતે એકલો જ નથી, બીજુ પણ કોઈક હાજર છે એવો આભાસ તેનો થયો.

પરંતુ કોણ...?

રાજેશના રૂંવાડા ઊભા થઈ ગયા. રૂમમાં જીરો વોલ્ટના બલ્બનો આછો પ્રકાશ ફેલાયેલો હતો. અને એ સિમિત અજવાળામાં એણે દીવાલ પર લટકતી ઘડિયાળમાં જોયું સવા છ વાગ્યા હતા. અત્યારે ચાનો સમય હતો. પંરતુ રાજેશને ચા પીવાની જરા પણ ઇચ્છા નહોતી થતી. એં હૃદય જોર જોરથી ધબકતું હતું. રૂમમાં પોતાના સિવાય બીજું કોઈક પણ હાજર છે એવો તેનો આભાસ પ્રત્યેક પળે વધતો જતો હતો. પરંતુ આજુબાજુમાં જોઈને કોઈ છે કે નહીં એની ખાતરી કરી લેવાની તેનામાં હિંમત નહોતી.

અચાનક શાંત વાતાવરણમાં કોઈકની બંગડીઓ ખખડવાનો અવાજ ગુંજી ઉઠ્યો. જાણે પલંગની સ્પ્રિંગ છટકી ગઈ હોય તેમ રાજેશ ઉછળી પડ્યો.

પછી વળતી જ પળે કોઈકના ઝાંઝરનો અવાજ રણકી ઊઠ્યો.

રાજેશનો શ્વાસ ભયના અતિરેકથી રુંધાઈ ગયો. એ બૂમો પાડવા માગતો હતો પણ એની જીભ તાળવે ચોંટી ગઈ હતી.

‘ક કોણ છે...?’ એ રૂંધાતા અવાજે માંડ માંડ આટલું બોલી શક્યો.

‘હું છું દિયર સાહેબ...!’ એના માથા પાછળના ભાગમાંથી કોઈક સ્ત્રીનો અવાજ આવ્યો, પછી તેના હસવાન અવાજ ગુંજ્યો.

એ હાસ્યનો અવાજ સાંભળીને રાજેશનું કલેજું કંપી ઉઠ્યું. પોતાની પાછળ કોણ છે એ જોવા માટે એણે પલંગ પરથી ઊભા થવાનો પ્રયાસ કર્યો પણ એમાં તેને સફળતા મળી નહીં. જાણ પક્ષધાતનો હુમલો થયો હોય તેમ એનું શરીર શિથિલ પડી ગયું. હતું. એ પોતાના સ્થાનેથી સહેજ પણ ખસી શક્યો નહી...!

‘હ...હું કોણ....?’ એણે પોતાની સમગ્ર તાકાત એકઠી કરીને પૂછ્યું.

‘અરે.... એટલી વારમાં મને ભૂલી ગયો...?’ એક હળવા હાસ્ય સાથે ફરીથી એ જ સ્ત્રી સ્વર તેના કાને અથડાયો, ‘ખેર, હું જ તને જણાવી દઉં છું. સાંભળ, હું સુનિતા છું.....!’ કહીને સુનિતા તેની સામે પહોંચીને ઊભી રહી ગઈ. એના હાથમાં ચાનો કપ જકડાયેલો હતો.

‘ત...ત...તું.....?’ એને જોઈને રાજેશના મોતિયા મરી ગયા.

જવાબમાં સુનિતા સ્મિત ફરકાવીને તેની નજીક જતાં બોલી, ‘ચાલો, દિયરે ભાભીને છેવટે ઓળખી તો ખરી? જોકે એક ભાભી તરીકે તે મારી સાથે ક્યારેય વર્તન નથી કર્યું. ભાભી જેવું માન નથી આપ્યું. તું તો મને માત્ર સ્ત્રી જ...ના....ના... સ્ત્રી પણ નહીં તું તો માત્ર રમકડું જ માનતો હતો ખરું ને?’

‘ત...તુ... અહીં શા માટે આવી છો? રાજેશે થોથવાતા અવાજે પૂછ્યું. સુનિતાને જીવતી-જાગતી પોતાની સામે ઊભેલી જોઈને એની આંખોમાં નર્યા-નિતર્યા ભય, ખોફ અને અચરજના હાવભાવ છવાઈ ગયા હતા. એનું દિમાગ ચકરાવે ચડી ગયું હતુ. મતિ મૂંઝાઈ ગઈ હતી. ચ્હેરા પરથી જાણે કોઈક લોહી નીચોવી લીધું હોય એમ તે સફેદ પડી ગયો હતો.

અચાનક જ સુનિતાનો ચ્હેરો અને આંખો ક્રોધથી લાલઘુમ બની ગયો હતો. ચ્હેરા પર ક્રોધ અને નફરતના હાવભાવ છવાઈ ગયા. એક હાથની મુઠ્ઠી વળી ગઈ.

‘હરામખોર....’ એ રોષથી ઉત્તેજીત અવાજે બોલી, ‘જે સ્ત્રીને તું માત્ર રમકડું માનતો હતો. અ જ્યારે પોતાની જાત પર ઊતરી આવે છે ત્યારે શું શું કરી શકે છે તે હું આજે તને દેખાડી દઈશ. મારા હાથેથી ચા પીવાની તને ઘણી ઇચ્છા થતી હતી ને?’ હું મારા હાથેયી તને ચા પીવડાવું તો જ તું પીશ એવા તે સોગંદ ખાધા હતા ને? આજે હું તારી એ ઇચ્છા પૂરી કરવા માટે જ આવી છું કમજાત! લે, પી લે... આજે મારા હાથેથી ચા પી લે....!’ કહીને સુનિતાએ પોતાના હાથમાં રહેલો ચાનો કપ એનો હોઠ પર મૂકી દીધો.

રાજેશની વિરોધ કરવાની શક્તિ ભયને કારણે હણાઈ ગઈ હતી. ઇચ્છા ન હોવા છતાં પણ તે એક પછી એક ઘૂંટડા પેટમાં ઉતારતો ગયો.

‘હરામખોર.....!’ સુનિતા પૂર્વવત અવાજે કહેતી ગઈ ‘તમે લોકો મને શું સમજતાં હતાં? માત્ર કઠપૂતળી જ? કે જેને મન ફાવે તેમ નચાવી શકાય? શું હુ ગરીબની દિકરી હતી અને કરિયાવર નહોતી લાવી શકી એટલે તમે બધાં મને તમારી ગુલામ માનતા હતા? શું માત્ર મારા આ એક ગુનાને કારણે જ તું દરરોજ મને તારા પલંગ પર ખેંચવાનો પ્રયાસ કરતો હતો? હું તારા સગા મોટા ભાઈની પત્નિ છું. તારી ભાભી છું. મા સમાન છું. એ વાત પણ હું ભૂલી જતો હતો?’

‘નહીં...’ રાજેશના ગળામાંથી એક કાળી જગરી ચીસ નીકળીને બંગલાના એક ખૂણાથી બીજા ખૂણા સુધી ફેલાઈ ગઈ.

એ તેના જીવનની અંતિમ ચીસ હતી.

ત્યારબાદ તે હંમેશને માટે ઈશ્વરનાં દરબારમાં પહોંચી ગયો. તે મૃત્યુ પામ્યો હતો.

બીજી તરફ રાજેશની ચીસ સાંભળીને હિરાલાલ ચમકી ગયો.

‘અરે...’ એ કમલા સામે જોઈને ધ્રુજતાં અવાજે બોલ્યો, ‘આ ચીસનો અવાજ તો રાજેશનો હતો!’

‘હાં....’ કમલાએ ઝડપથી, પલંગ પરથી નીચે ઉતરતાં કહ્યું, ‘ચાલો, એના રૂમમાં જઈએ. ક્યાંક સુનિતાના ભૂતે તેને કંઈક કરી ન નાંખ્યુ હોય!’

બંને રાજેશના રૂમમાં પહોંચ્યા. પરંતુ અંદરનું ર્દશ્ય જોતાં જ કમલાને ચક્કર આવી ગયા.

હિરાલાલ પણ રાજેશની હાલત જોઈને ભયથી ધ્રુજી ઊઠ્યો.

પલંગ પર રાજેશનો નિર્જીવ દેહ પડ્યો હતો. એની આંખોના ડોળા બહાર ધસી આવ્યા હતા. હોઠના ખૂણામાંથી લીલુ ફીણ બહાર નીકળી આવ્યું હતુ. એનો દેહ પણ ધીમે ધીમે લીલો પડતો જતો હતો.

‘દિકરા રાજેશ...’ કહેતા કહેતા કમલા પલંગ પાસે ઘસી ગઈ. એની પાછળ પાછળ હિરાલાલ પણ હતો. પછી રાજેશ જીવતો નથી એ વાત ધ્યાનમાં આવતાં જ કમલા એક ચીસ નાંખીને તેના મૃતદેહ પર જ બેભાન થઈને ઢળી પડી.

જો હિંમત ન રાખી હોત તો હિરાલાલ પણ બેભાન થઈ ઈશ્વરે ખરેખર જ તેનું હૃદય કાળમીંઢ પથ્થર જેવું બનાવ્યું હતું. માત્ર થોડા કલાકના અંતરમાં જ એણે પોતાના બીજા દિકરાની લાશ જોઈ હતી અને છતાં પણ એની જાણે કે તેના પર કંઈ જ અસર થઈ નહોતી. તે એકીટશે રાજેશના મૃતદેહ સામે તાકી રહીને શું કરવું તેનો વિચાર કરતો હતો.

‘અરે...’ અચાનક પ્રવેશદાર તરફથી કિરણનો ગભરાયેલો અવાજ આવ્યો., ‘આ તો મરી ગયો લાગે છે. હું હમણાં જ પોલીસને ફોન કરું છું. કહીને તે ત્યાંથી જ પાછો ફરી ગઈ.

અડધો કલાકમાં જ નાગપાલ વિગેરે આવી પહોંચ્યા.

‘મિસ્ટર હિરાલાલ....!’ નાગપાલે કઠોર અવાજે પૂછ્યું, ‘અમરની પહેલી પત્ની એટલે કે સુનિતા જો ખરેખર જ ટાઈફોડથી મરી ગઈ હતી તો પછી તમારે તેના અગ્નિસંસ્કાર દેવગઢમાં કરવાની શું જરૂર પડી? તમે એના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે અહીં પણ લાવી શકો તેમ હતા.’

‘ અને હું જાણવા માગું છું. કે..’ એની સાથે આવેલા ઈન્સપેક્ટરે ચીસ જેવા અવાજે પૂછ્યું, ‘એના અગ્નિસંસ્કાર કરતી વખતે તમે સુનિતાના કોઈ સગાં-સંબંધીને શા માટે જાણ નહોતી કરી ?પોતે સુનિતાનો મૃતદેહ કે તેના અસ્થિ ફૂલો જોયાં હોય એવો કોઈ જ સાક્ષી તમારી પાસે નથી.’

એની વાત સાંભળીને હિરાલાલની નજર સામે ફાંસીનો માંચડો તરવરવા લાગ્યા. પરંતુ એમ તે હિંમત હારી જાય તો એનું નામ હિરાલાલ ક્યાંથી? એણે પોતાની જાત પર કાબૂ મેળવીને નાગપાલ વિગેરે સામે લડી લેવાનો મક્કમ નિર્ણય કરી લીધો હતો.

‘તમે વારંવાર સુનિતા વિશે જ શા માટે પૂછપરછ કરો છો?’ એ ભાવહીન અવાજે બોલ્યો, ‘રાત્રે મારો મોટો દિકરો અમર ગુજરી ગયો ત્યારે પણ તમે લોકો સુનિતા વિશે જ પૂછતા હતા એને અત્યારે મારો બીજો દિકરો ગુજરી ગયો છે, ત્યારે પણ તમે સુનિતા વિશે જ પૂછો છો શા માટે...?’

‘એટલા માટે મિસ્ટર હિરાલાલ કે...’ નાગપાલે વેધક નજરે તેની સામે જોતાં કહ્યું, ‘રાત્ર જે શરાબની બોટલો અમરના મૃતદેહ પાસેથી મળી આવી હતી તેના પર સુનિતા આંગળાની છાપો છે. અમે તમારા બંગલામાં, સુનિતાના રૂમમાંથી પણ એના આંગળાની છાપો લીધી હતી. અને એ છાપો બોટલ પરથી મળેલી છાપો સાથે આબેહુબ મળતી આવે છે.’

‘ શું....?’ હિરાલાલે આશ્ચર્યથી પૂછ્યું.

‘હા...’ નાગપાલ ઘૂરકતાં અવાજે બોલ્યો, ‘એના પરથી સ્પષ્ટ થાય છે કે અમરે આપઘાત નહોતો કર્યો પણ તેનું ખૂન કરવામાં આવ્યુ છે. અને એ ખૂન સુનિતાએ જ કર્યું છે હવે સવાલ એ ઊભા થાય છે કે તમારા કહેવા પ્રમાણે જો સુનિતા મરી ગઈ હોય અને તેમ દેવગઢના તેના અગ્નિસંસ્કાર કરી નાંખ્યા હોય તો પછી રાત્રે તે અહીં તમારા બંગલાની લોનમાં અમરનું ખૂન કરવા માટે કેવી રીતે પહોંચી ગઈ? અમર શા માટે સાત સાત બોટલો લઈને લોનમાં આવ્યો?’

‘એની....એની મને શું ખબર પડે...?’ હિરાલાલનો અવાજ ભયથી ધ્રુજતો હતો. ‘હું તો માત્ર એટલું જ જાણું છું કે સુનિતા ખરેખર મરી ગઈ છે અને અમે તેના અગ્નિસંસ્કાર દેવગઢના સ્મસાનમાં કર્યા હતા. હવે રહી વાત એના અગ્નિ-સંસ્કાર વખતે તેનાં સગાં-સંબંધી બોલાવવાની! તો તમારી જાણ માટે આ દુનિયામાં એવા એવા કોઈ જ સગાં-સંબંધી નહોતાં કે જેને અગ્નિસંસ્કારમાં બોલાવી શકાય! તમને મારી વાત પર ભરોસો ન હોય તો તમે દેવગઢ જઈને ત્યાંના સ્મશાનમાં ખુશીથી તપાસ કરી શકો છો.’

‘અમે ત્યાં તપાસ કરી ચૂક્યા છીએ. ત્યાંના રજીસ્ટરમાં સુનિતાનાં મૃત્યુની નોંધ લખેલી છે. પરંતુ તેમ છતાંયે સુનિતા હજી જીવે છે અની મને પૂરી ખાતરી છે. નાગપાલે કહ્યું. સ્મશાનનું રજીસ્ટર ખોટું હોઈ શકે છે. ડોક્ટરનું સર્ટીફીકેટ ખોટું હોઈ શકે છે પણ આંગળીની છાપો ક્યારેય ખોટી નથી હોતી.’

હિરાલાલે ચૂપ રહ્યો.

કમલા પોલીસ આવી એ દરમિયાન ભાનમાં આવી ગઈ હતી. અત્યારે તે તથા મધુ પણ ચૂપચાપ ઊભાં હતા. અલબત્ત, એ બંનેની આંખોમાંથી આંસુ જરૂર વહેતા હતા. અને શા માટે ન વહે? માએ થોડા કલાકમાં જ પોતાના બે જુવાનજોધ દિકરા તથા બહેને બે ભાઈને ગુમાવ્યા હતા. તેમના દુ:ખનો પાર નહોતો રહ્યો. આઘાતથી તેમની છાતી જાણે કે ફાટી પડતી હતી.

પરંતુ હિરાલાલનું ધ્યાન હજુ પણ, કિરણના નામે બેંકમાં પડેલા પચાસ લાખ રૂપિયા પર જ કેન્દ્રિત થયેલું હતું એ રૂપિયા તથા કિરણે લાવેલું કરિયાવર તે કોઈ પણ ભોગે ગુમાવવા તૈયાર નહોતો. અત્યારે તેની હાલત એ દેડકા જેવી હતી કે જે સર્પનામોંમાં જકડાયેલો હોવા છતાં પણ માખીઓ પકડવાની ચેષ્ટા કરતો હોય!

નાગપાલે થોડી પળો સુધી એકીટશે હિરાલાલ સામે તાકી રહ્યો.પછી એકદમ શાંત અને ગંભીર અવાજે બોલ્યો, ‘જુઓ મિસ્ટર હિરાલાલ, અમરનું ખૂન સુનિતાએ જ કર્યું છે તેની મને પૂરી ખાતરી છે. સુનિતા હજી જીવે છે. બનવાજોગ છે કે ભાનુશંકરની દિકરી સાથે અમરના બીજા લગ્ન કરીને વધારે કરિયાવર મેળવવાની લાલચમાં તમે સુનિતા સાથે કંઈક અજુગતું કરી નાખ્યુ હોય અને હવે સજા થવાની બાકીથી, પોલીસથી સાચી હકીકત છૂપાવતા હો. પરંતુ તમે એટલું યાદ રાખજો કે એકને એક દિવસ પોલીસ જરૂર સાચી હકીકત જાણી જ લેશે. અને ત્યારે કાયદો તમને સખતમાં સખત સજા કરશે. તમારે ફાંસીના માંચડે લટકવું પડશે એમાં શંકરને જરા પણ સ્થાન નથી. એટલે પૈસા અને કરિયાવરનો મોહ છોડીને તમે સુનિતા સાથે શું કર્યું છે તેની સાચી હકીકત પોલીસને જણાવી દો એમાં જ તમારું હિત છે અને....’

‘મારે તમને કેટલી વાર કહેવું કે સુનિતા મરી ગઈ છે....મરી ગઈ છે....મરી ગઈ છે....’ નાગપાલની વાતને વચ્ચેથી જ કાપી નાખીને હિરાલાલે ચીસ જેવા અવાજે કહ્યું.

હિરાલાલને કોઈ રીતે પલળતો ન જોઈને નાગપાલ, કમલા તરફ ફરીને કોમળ અવાજે બોલ્યો, ‘કમલાદેવી, પોલીસ પાસે તમારી પાસેથી સાચી હકીકત જાણવા માટે બીજા ઘણા ઉપાયો છે. પરંતુ તમે લોકો આબરૂદાર છો.... પ્રતિષ્ઠિત છો એટલે તમારી સાથે કડક હાથે કામ લેવાનું મને યોગ્ય નથી લાગતું. સુનિતા વિશે જો તમારે કંઈક કહેવું હોય તો જરા પર અચકાયા વગર કહો. તમારે કોઈનાથી યે ગભરાવવાની જરૂર નથી. અને કહેશો તો તેમાં તમને કંઈક જ નુકસાન નહીં થાય. ઊલટું લાભ જ થશે.’

કમલાં તેને બધું જ જાણાવી દેવા માગંતી હતી. પરંતુ જેવું એણે હિરાલાલ સામે જોયું કે તે તરત જ ચૂપ થઈ. હિરાલાલે નેત્ર સંકેતથી તેને કંઈ કહેવાની ના પાડી હતી.

‘તમે હોંશમા આવો કમલાદેવી....!’ એને ચૂપ જોઈને નાગપાલ ફરીથી બોલ્યો, ‘અને દિમાગથી કામ લો! જુઓ તમે તમારા બે જુવાનજોધ દિકરાઓ ગુમાવી ચૂક્યા છો. અમરનુ ખૂન સુનિતાએ કર્યું છે. એ વાત ફીંગર પ્રિન્ટનીં રિપોર્ટ પરથી પૂરવાર થઈ ચૂકી છે. અને ચાનો જે ખાલી કપ રાજેશનાં પલંગ પર પડ્યો છે તેના પરથી પણ સુનિતાનાં જ આંગળાની છાપો મળી આવશે અને મને પૂરી ખાતરી છે. જરૂરી એણે જ ઝેર ભેળવેલી ચા પીવડાવીને રાજેશનું ખૂન કર્યું છે. તે તમારા કુટુંબ સાથે કાંઈક કારણસર બદલો લેવા માગે છે. તમે કહો છો કે ચા તમે નથી બનાવી, કિરણ કહે છે કે એણે નથી બનાવી, તો પછી કોણે બનાવી? તોપછી કોણે બનાવીને રાજેશને પીવડાવી દીધી? રાજેશે પોતે જ પોતાના માટે ચા બનાવી. તેમાં ઝેર ભેળવીને પી ગયો હશે એ વાત મારે ગળે નથી ઊતરતી. ખૂની ખૂબ જ ચાલાક છે.બંને ખૂનો એણે આપઘાત જ દેખાય એ રીતે કર્યા છે. પરંતુ ખૂન કરતી વખતે એણે માત્ર પોતાના આંગળી છાપોનું જ ધ્યાન નથી રાખ્યું. નહીં તો પોલીસ કે હું ક્યારેય તમને લોકોને સુનિતા વિશે પૂછપરછ ન કરત! પરંતુ હવે જ્યારે પોલીસને ખબર પડી ગઈ છે કે આ બંને ખૂનો સુનિતાએ જ કર્યા છે. તો પછી તમે જે હોય તે સાચી હકીકત શા માટે જણાવી દેતા! તમે સાચું કહેશો તો અમે જેમ બને તેમ ઝડપથી સુનિતાને શોધી કાઢીશું. એક મૃતદેહ તો કંઈ કોઈનું ખૂન ન જ કરી શકેને? શરાબની બોટલો પરથી મળી આવેલાં સુનિતાના આંગળાનાં નિશાનો પરથી સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે એ હજુ જીવતી છે. મરી નથી!

તમારા પતિ સજાનાં ભયથી હજુ પણ એક જ વાતનું રટણ લઈને બેઠાં છે કે સુનિતા મરી ગઈ છે. હવે સુનિતા પકડાઈ જાય કે પછી તે તમારા કુટુંબના બાકીના સભ્યોના પણ ખૂન કરી નાંખે બોલો, આ બેમાંથી તમે શું ઈચ્છો છો?’

‘નહીં....’ નાગપાલની વાત સાંભળીને કમલાના મોંમાંથી ચીસ નીકળી ગઈ.

પછી વળતી જ પળે તે બેભાન થઈને ઢળી પડી.

‘મિસ્ટર નાગપાલ...’ હિરાલાલે વારાફરતી બધાં સામે જોઈને છેવટે નાગપાલ સામે સ્થિર નજરે જોતા કહ્યું. એનો અવાજ ક્રોધથી તમતમતો હતો, ‘હવે....હવે મહેરબાની કરીને તમે બધાં અહીંથી ચાલ્યા જાઓ. એમને પરેશાન ન કરો, અને જો કરશો તો પછી મારા જેવો ભૂંડો તમને બીજો કોઈ નહીં મળે. મારા હાથ કેટલા લાંબા છે. એની તમને ખબર નહીં હોય. હું તમારા બધાંની વર્દી ઉતરાવી નાંખીશ. એક તો મારા પર મુસીબતોનો પહાડ તૂટી પડ્યો છે. મારા બબ્બે જુવાનજોધ દિકરાઓ મરી ગયા છે. મને આશ્વાસનના બે શબ્દો કહેવાના બદલે એક મડદાને કે જેના ક્યારના ય અગ્નિ સંસ્કાર થઈ ગયા છે. તેને ખૂની તરીકે ઠસાવવાનો પ્રયાસ કરો છો. અરે....હું તમને સો સો વખત કહી ચૂક્યો છુ કે સુનિતા મરી ગઈ છે... મરી ગઈ છે. છતાં પણ તમને મારી વાત પર ભરોસો નથી અને એ જીવતી છે. એવો રાગ આલાપો છે. જો એ જીવતી હોય તો જઈને તેને શોધતા શા માટે નથી? અહીં મારું લોહી શા માટે પીઓ છો? નાહક જ શા માટે અમને પરેશાન કરો છો? તમારા કારણે જ મારી પત્નિ બેભાન થઈ ગઈ છે. અને હવે જો તમે સુનિતા જીવતી હોવાનો જ રાગ આલાપતા રહેશો તો કદાચ હું પણ બેભાન થઈ જઈશ. અથવા તો પછી પાગલ બની જઈશ. માટે તમે હવે મહેરબાની કરીને અમારો પીછો છોડી દો તો સારૂં’સતત બોલવાથી તેને હાંફ ચડી ગઈ હતી.

નાગપાલની સાથે આવેલા ઈન્સપેક્ટર હિરાલાલને કોઈક કઠોર જવાબ આપવા માટે મોં ઉઘાડ્યું. પણ નાગપાલે હાથ ઊંચો કરીને તેને અટકાવી દીધો.

‘તમે શાંતિ રાખો મિસ્ટર હિરાલાલ....’ નાગપાલ સ્મિત ફરકાવતાં બોલ્યો, ‘તમારે આમ પરેશાન થવાની જરૂર નથી. તમે કહો છો તો અમે ચાલ્યા જઈએ છીએ. પરંતુ અમે જરૂર પાછા આપીશું. બલ્કે આવવું જ પડશે. આ ઘરમાં બબ્બે ખૂનો તઈ ગયાં છે. અને ત્રીજું ખૂન પણ ગમે ત્યારે થશે એવું મને લાગે છે. ખેર, જતાં પહેલાં હું તમને છેલ્લો સવાલ પૂછવા માંગુ છું.’

‘પૂછો...’ હિરાલાલે પ્રશ્નાર્થ નજરે તેની સામે જોતાં કહ્યું.

‘રાત્રે જ્યારે તમે ગોળીઓ છોડી હતી, ત્યારે રાજેશ તથા કમલાદેવીએ બંગલાના કંપાઉન્ડમાંથી દીવાલ કુદીને જે રહસ્યમય લંગડાને બહાર જતો જોયો હોત, એ કોણ છે?’

‘ એની મને શું ખબર પડે?’ હિરાલાલે ચીસ જેવા અવાજે જવાબ આપ્યો, ‘પોલીસના માણસો તમે છો હું નહીં! ગુનેગારોનો પત્તો મેળવવાનું, તેને શોધી કાઢવાનું કામ તમારા લોકોનુ છે., મારું નહીં હું તમારા છેલ્લા સવાલનો જવાબ આપી ચૂક્યો છું એટલે હવે મહેરબાની કરીને તમે અહીંથી ચાલ્યા જાઓ.’

‘હું.....’ નાગપાલના ગળામાંથી હુંકાર નીકળ્યો, ‘અમે જઈએ જ છીએ. પણ જતાં પહેલાં હું તમને એક રહસ્યની વાત કરું છું. તે સાંભળી લો તમારો મેનેજર લંગડો જમનાદાસ કે જે વષોર્થી તમારો વિશ્વાસું છે. એ કંઈ સારો માણસ નથી. તમારી આંખોમાં ધૂળ નાખીને તે તમારી મીલોના હિરાબોમાં ગોટાળા કરીને ઘણી વખત મોટી મોટી રકમની ઉચાપત કરી ચૂક્યો છે. અને એ રૂપિયાથી તે તમારા દિકરા અમર સાથે મોજ-મજા કરતો હતો.’

‘બકવાસ બંધો કરો તમારો....!’ હિરાલાલ કાળઝાળ અવાજે બોલ્યો, જમનાદાસને હું તમારા કરતાં વધુ સારી રીતે ઓળખું છું. તે આજે વર્ષોથી મારી સાથે છે. એના જેવો વફાદાર અને વિશ્વાસુ માણસ આજ સુધી મેં કોઈ જોયો નથી. એના પર આવો આક્ષેપ મૂકતાં તમને શરમ આવવી જોઈએ. અને છતાં પણ તમને એમ જ લાગતું હોય તેની વિરુદ્ધ પુરાવાઓ લઈને મારી પાસે આવજો. પરંતુ તેની વિરુદ્ધ તમને કોઈ જ પુરાવો નહીં મળે એની મને પૂરી ખાતરી છે.’

ત્યારબાદ નાગપાલ ત્યાંથી વિદાય થઈ ગયો.

તેમના ગયા પછી હિરાલાલ. કમલાના બેભાન દેહ નજીક પહોંચ્યો.

મધુ અગાઉથી જ પોતાની માનું માથું પોતાના ખોળામાં રાખીને બેઠી હતી.

પછી બંને તેના બે ધ્યાન દેહને ઉંચકીને અંદર લઈ ગયા.

***