Lachar Pappa in Gujarati Short Stories by Sapana books and stories PDF | લાચાર પપ્પા - ‘National Story Competition

The Author
Featured Books
Categories
Share

લાચાર પપ્પા - ‘National Story Competition

લાચાર પપ્પા

સપના વિજાપુરા

૧૯૭૫ ની વાત છે. હું કુબેરબાગના રસ્તા પર મારા કૉલેજના પુસ્તક લઈ આવી રહી હતી. પ્રેકટીકલ કરી ખૂબ થાકેલી હતી. આમ પણ અમારા ઘરથી કૉલેજ ઘણી દૂર હતી. મેઘદૂત સિનેમા સુધી પહોંચી અને મેં બાજુ વાળા લાભુબેનને ઘભરાયેલી હાલતમાં દોડતાં આવતા જોયા. એમણે મારા હાથ એકદમ પકડી લીધા અને કહ્યું," બાનુ, જલ્દી ઘરે જા તારા ઘર પર ક્યામત ઉતરી છે..હું એમને પૂછતી રહી.શું થયું શું થયું? પણ એમના ગળામાંથી અવાજ નીકળતો ના હતો.મેઘદૂત સિનેમાથી ઘર પાંચ મિનિટ દૂર હતું પણ મને એ પાંચ મિનિટ એક કલાક જેવી લાગી.અમે ઘરે પહોચ્યા. ઘરમાંથી રોવાનો અવાજ આવી રહ્યો હતો. મારા હાથમાંથી પુસ્તક પડી ગયાં. ઘડીવાર માટે એવું લાગ્યું કે બા ને કશું થયું હશે પણ ઘરમાં દાખલ થઈ તો મારી નાની બહેન મને વળગી પડી..અને કહેવા લાગી " નજમા, નજમા." મારો હાથ પકડી વરંડા તરફ લઈ ગઈ!! ત્યાં નજમાનું અર્ધ બળેલું શરીર પડ્યું હતું. નજમાએ પોતાને કેરોસીન છાંટી દીવાસળી ચાંપી દીધી હતી.

મારાં મોઢામાંથી ચીસ નીકળી ગઈ." નજમા, નજમા."!! મારી બહેન નજમા બળેલી હાલતમાં પડી હતી. મારી બાજુમાં રવીન્દ્ર ઊભો હતો.રવીન્દ્ર નજમાનો પ્રેમી હતો. જે નજમાને મળવા આવ્યો હતો. મુસલમાન હોવા છતાં પપ્પાએ આ પ્રેમને સહમતી આપેલી. નજમા અને રવિ એકબીજાને વારંવાર મળતા. પણ અમારા ઘરમાં. ઘરની બહાર મળવાની મનાઈ હતી. આજ પણ રવિ આવ્યો હતો. અને બન્ને વચ્ચે શું વાત થઈ એ ખબર નથી પણ એણે નજમાને શું કહ્યુ કે નજમા વરંડામાં જઈ દીવાસળી ચાંપી દીધી.. એ વાત મને કદી જાણવા નહીં મળે..પણ જે કાંઈ રવિએ કહ્યું એ નજમાથી સહન ના થયું અને આ પગલું ઉઠાવ્યું. હું જ્યારે કોલેજથી આવી તો ત્યાં ચાની તપેલીમાં ચા અને ચાનો કપ પડ્યો હતો. મેં ચા નો કપ રવિ નાં માથાં પર મારી દીધો હતો તો ય મારો ગુસ્સો શાંત થતો ન હતો અને મેં એની સામે ચીસો પાડવાનું શરૂ કર્યુ. એટલામાં મારો નાનો ભાઈ જે તેર વરસનો હતો ત્યાં આવી ગયો અને એનાં હાથમાં છરી લઈ એ રવિ ને મારવા દોડ્યો.પણ રવિ એના મિત્રો અને સગાવ્હાલાની મદદથી ભાગી ગયો અને સીધો બોમ્બેની ટ્રેનમાં બેસી ગયો. ફરી એ કદી અમારા શહેરમાં નજર ના આવ્યો.

એમ્બ્યુલન્સ આવી નજમાને હોસ્પીટલ લઈ ગઈ. નજમાને એક સ્પેશિયલ બોક્સ માં રાખવામાં આવી હતી. એની અર્ધ બળેલી આંખોમાં જિજીવિષા હતી. આ પગલું ભરવાનો પસ્તાવો હતો.અમારા ઘરનાનાં સભ્યોનાં દિલ ઉપર કરવત ફરી ગઈ હતી. જાણે કોઈએ શરીરનું કોઈ અંગ કાપી લીધું હોય. રાતે પપ્પા જ્યારે ઘરમાં આવ્યા અને જમીન પર ફસકાઈ પડયાં. એમની ભૂરી આંખોમાં પહેલીવાર આંસું જોયા!! પપ્પા જે અમારા રોલ મોડેલ હતાં!! પપ્પા જે હિંમતવાન હતાં!! પપ્પા જેની પાસે અમને સલામતી લાગતી!! પપ્પા જે દુનિયા સામે લડી શકે. પપ્પા જે પહાડ જેવા મજબૂત હતાં !! પપ્પા જે આખા ઘરનાં સ્તંભ હતાં!! મેં એમને કડડભૂસ થઈ જમીન પર ફસકાઈ જતા અને એક નાના બાળકની જેમ રડતા જોયા!! પપ્પા કહે," નજમા મને કહે છે કે પપ્પા મને બચાવી લો!! પપ્પા મને બચાવી લો." મેં નજમાને કહ્યું, હા બેટા હું તને બચાવી લઈશ હું તારો પપ્પા છું ને!! પપ્પા ગમે તે કરી શકે! તને બચાવી પણ શકે!!" પછી નજમાએ પૂછ્યું," પપ્પા, પણ હું પહેલાં જેવી સુંદર બની જઈશને?" પપ્પાએ કહ્યું," હા, બેટા હું તારી પ્લાસ્ટીક સર્જરી કરાવી દઈશ." તું પહેલાં જેવી ખૂબસૂરત બની જશે!! અને હું હોસ્પીટલમાંથી નીકળતો હતો અને ડોકટરે કહ્યુ કે ..પપ્પ્પાના ડૂસકામાં શબ્દો અટવાઈ ગયાં. મેં પહેલીવાર એક મજબૂર અને લાચાર બાપ જોયો જે પહેલીવાર પોતાને એટલો અસહાય માનતો હતો કે શબ્દો એને સાથ આપતા ન હતાં.ડોકટરે નજમાનાં મૃત્યુના સમાચાર આપેલા!! નજમા આ દુનિયાથી રવાના થઈ ગઈ!! અમને સદા માટે તડપતા છોડીને!! પપ્પાની અસહાયતા અને કશું ના કરી શકવાની લાચારી હું જિંદગીભર એમની આંખોમાં વાંચતી રહી!! નજમાએ અમારી સાથે દગો કર્યો!! એક એવી વ્યકિત માટે જીવ આપ્યો જે માણસને એના પ્રેમની કે એની મહોબતની કદર ના કરી!!અને એવી વ્યકિત માટે જીવ આપી પોતાનાં સગા વહાલાઓને દુખ આપવુ એ દગો નહીં તો બીજું શું છે? નજમા દિલને એક સદમો આપી ગુજરી ગઈ..પપ્પાની ભૂરી આંખોમાં આંસું અને બાની સુની આંખોમાં વેરાની મૂકી!!બા ના બધાં વાળ થોડાં સમયમાં સફેદ થઈ ગયાં. હવે બા મોટા ભાગે ચૂપ રહેતા.કોઈ વાતે ગુસ્સે ના થતાં. બસ દિવસો પૂરાં કરતા હતાં. બધાં ના જીવન વેર વિખેર થઈ ગયાં. મારી આંખોનાં સપનાં પણ કરચોમાં ફેરવાઈ ગયાં.જેની કરચો હજું સુધી આંખોમાં ખૂંચે છે.જીવન કદી પહેલાં જેવું ના બની શક્યુંં.

આજ સુધી હું આ દુઃખદ પ્રસંગ ભૂલી શકી નથી અને રવિને માફ કરી શકી નથી!! ઈશ્વર નજમાના મોતનો બદલો એને દુનિયામાં આપી રહ્યો છે. અને હજું વધારે આપશે!! બધાં પ્રેમીઓને એક વિનંતી કે અહીં કોઈ હીર રાંઝા નથી કે નથી લયલા મજનુ!! કોઈ કોઈની પાછળ મરતું નથી!! એટલે નાહક પોતાના જીવથી ના જશો..કારણકે પ્રેમીને તો અસર નહીં થાય પણ તમારા ઘરવાળા તમારા સ્નેહીઓ તમારા પ્રિયજનના હ્ર્દય પર એવો શોક લાગશે કે જિંદગીભર એ આ વાતને ભૂલી નહીં શકે!! જિંદગી ખુદાએ આપેલી સૌથી મહામૂલ્ય ભેટ છે એની જાળવણી કરો!નજમા એક શાયેરા પણ હતી!! રવિન્દ્રના પ્રેમમાં એણે ચાર પુસ્તક અશારના લખ્યા છે!! જેને પ્રકાશિત કરવા હું પ્રયત્ન કરીશ અહીં નજમાના એક શેર સાથે સમાપન કરીશ!!

कोइ इन्सान नहीं होता फितरते बेवफा अज़लसे

पर जहांमे रेहकर वफा निभानी जरा मुश्कील है

કોઈપણ માણસ જન્મથી બેવફા નથી હોતો

પણ દુનિયામાં રહીને વફા કરવી જરાક મુશ્કિલ છે.

***