Raah in Gujarati Love Stories by Hardik G Raval books and stories PDF | રાહ - National Story Competition-Jan

Featured Books
Categories
Share

રાહ - National Story Competition-Jan

"રાહ"

હાર્દિક રાવલ

એનું નૃત્ય પૂરું થતાં જ આખો હોલ તાળીઓ ના ગડગડાટ થી ગુંજતો હતો. વિદ્યાર્થીઓ 'વન્સ મોર' ની બુમો પાડતા હતા. એ હજી પણ નર્વસ હતી. એની આંખો સામે બેઠેલા વિશાળ પ્રેક્ષક ગણ માં મને શોધી રહી હતી. કોલેજ ના પહેલા જ વરસ માં અને પહેલા જ મહિના માં એણે એક ફંકશન માં સ્ટેજ પર કથ્થક નૃત્ય કર્યું હતું, પારંગત હતી તે તેમાં.

કોલેજ માં મારા સિવાય એની કોઈ સાથે વાતચીત થતી ના હતી, તે સ્વભાવે શરમાળ પણ ! એટલે જ તો એ નૃત્ય કર્યા પછી એની આંખો મને શોધી રહી હતી.

અમે બન્ને આજુબાજુ માં રહેતા. અમારા બન્ને ના ઘર ના સબંધો પણ સારા હતા. અમારું અવારનવાર એકબીજા ના ઘરે કામ થી જવાનું થતું, પણ અમે ઘરે વાત ન કરતા, જાણે એકબીજા ને ઓળખતા પણ ના હોય તેમ વર્તતા. તેનું એક માત્ર કારણ એ હતું કે અમે રહેતા એ શહેર જ વિશાળ હતું, ત્યાં રહેનાર લોકો ની માનસિકતા બહુ જ ટૂંકી /સંકુચિત હતી. તેથી કોલેજમાં જ અમે વાતો કરતાં. કોલેજ કાળ દરમિયાન અમે બેસ્ટ ફ્રેન્ડ બની ગયેલા અને ક્યારે આ મિત્રતા પ્રેમ માં પરિણમી એનો અમને ખ્યાલ પણ ન હતો. અમારી બે અલગ દુનિયા હતી જાણે ! ઘરે અલગ અને કોલેજ માં અલગ.

ખુબજ મસ્તી મજાક, પ્રેમભરી વાતો કરી હતી, પ્રેમ ભરી યાદો કેળવી હતી. જોત જોતામાં કોલેજકાળ ના આ સુંદર ત્રણ વરસ પણ વીતી ગયા. કહેવાય છે ને કે સારો સમય હંમેશા ટકતો નથી તેવી જ રીતે અમારો પણ આ સારો સમય પસાર થઈ ગયો હતો.

એકદિવસ સમાચાર મળ્યા કે એના પિતા ની બદલી થઈ બીજા રાજ્ય માં, આ સાંભળતા જ અમારા બન્ને પર આભ તૂટી પડેલું ! જેમતેમ કરી ને એકવાર મળવા નું થયું - ઘર થી દુર, તેણે કહેલું 'રાહજોજે મારી, હું પાછી આવીશ'. અને તે લોકો જતા રહેલા.

મેં મારા ઘરમાં થતી મારી લગ્ન ની વાતો ફગાવી અને એની રાહ જોવા નું યોગ્ય માન્યું. સમય પસાર થયો, એક વરસ..... બે વરસ... ત્રણ વરસ.... તે ના આવી પાછી. હું રાહ જોતો રહ્યો, ના તે આવી કે ના તેની કોઈ ખબર. બીજું કોઈ સંપર્ક નું સાધન પણ ન હતું એ સમયે ! રાહ જોવા માં અને રાહ જોવામાં બે બીજાં વરસ વીત્યા. હું હવે હાર માની ચુક્યો હતો. નોકરી ચાલું કરેલી, ડબલ શિફ્ટ કરતો, સિગારેટ-શરાબ ની આદત પણ લાગેલી મને ! મારા મગજમાં થી તેની યાદ ભુલાવવા માટે પૂરતા પ્રયત્નો કરતો પણ જેટલા હું પ્રયત્નો ભૂલવાના કરતો એટલી જ તે વધારે યાદ આવતી !

એક દિવસ મમ્મી એ કહેલું કે બાજુવાળા પટેલ ભાઈ આવે છે મકાન ની ડીલ કરવા તો તેમનું ફેમિલી પણ આવશે છેલ્લી વખત. મારા હૃદય ને એક અલગ પ્રકારની જ શાંતિ મળી. હું એને મળીશ પુરા પાંચ વરસે. હું ખુશ હતો, એકલો હસતો, એકલો નાચેલો આખો દિવસ. બીજા દિવસે સવારે વહેલા ઉઠી ગયેલો, નાહી ધોઈ ને મોંઘુ બોડી સ્પ્રે લગાવેલું, હીરો બની ગયેલો અને ઓફિસે રજા પણ લીધેલી.

સવારથી જ બારી પાસે બેસી ને બારી માંથી તેના ઘર તરફ જોતો રહ્યો, મારી આતુરતા / ઉત્સાહ વધતો જતો હતો. મારા હૃદય ના ધબકારા તેને જોવા ના વિચાર થી જ વધી ગયેલા. હું બેઠો રહ્યો આખો દિવસ બારી માં, ફરીવાર એકવાર નિરાશા સાંપડી ના તે આવી કે ના તેનો પરિવાર.

"મારી રાહ જોજે, હું પાછી આવીશ" મને આ જ સંભળાયા કર્યું આખો દિવસ. હું હવે હિંમત હારી ગયો. ખાટલા માં જઈ ને સૂઈ ગયેલો.

મોડી રાત્રે અચાનક તેના ઘરે લાઈટ થયેલી જોયેલી અને તેના ઘર ની બહાર તેમની ગાડી પણ ઉભેલી જોયી, મારી ખુશી નો પાર ન રહ્યો. હું ખુશી ને ખુશી માં સુઈ ના શક્યો, ત્યાંજ બેસીને તેના ઘર તરફ જોઈ રહેલો, સવાર પડવાની રાહ જોતો હતો હું ત્યાં બેસી ને. વહેલી સવારે મારુ ધ્યાન ગયું તેનો પરિવાર ગાડી માં બેસી રહ્યો હતો, મારી આંખો તેને ગોતી રહી હતી પણ તેના ચહેરા ની ઝલક ના દેખાણી, ખાલી પાછળ થી તેને જોઈ શક્યો. ત્યાં તો ગાડી ઉપડી, હું ઘરની બહાર નીકળીને ગાડી પાછળ દોડ્યો. થોડું દોડતા પડી ગયો ખૂબ જ ગંદી રીતે ! ઢીંચણ છોલાનુ, લોહી નીકળ્યું, છતાંપણ ફરી ઉભો થઈ ને દોડ્યો. ગાડી સુધી પહોંચી તેને મળવું લક્ષ્ય હતું મારુ, તેણે પણ સાઈડ ગ્લાસ માંથી મને જોઈ લીધેલો પાછળ દોડતા, તેણે હાથ બહાર કાઢીને ચોરી થી એક કાગળ બારી ની બહાર ફેંક્યો અને ત્યાંજ ગાડી હાઇવે સાઈડ વળી અને ધીમે ધીમે મને ગાડી દેખાતી બંધ થઈ.

મેં તે કાગળ ઉપાડ્યો અને વાંચવાનું શરૂ કર્યુ. " મને ખબર જ હતી કે તું હજી પણ મારી રાહ જોતો હોઈશ અને તે લગ્ન નહીં કર્યા હોય, પરંતુ મને માફ કરજે, ગયા વરસે ભાઈએ પપ્પાની ઈચ્છા વિરુદ્ધ બીજી જ્ઞાતી માં લગ્ન કર્યાં અને આના કારણે પપ્પાને હાર્ટ એટેક આવેલો. અને ત્યારબાદ ના અનુક મહિના પછી તેમણે મારુ સગપણ પણ મારી જ્ઞાતી માં કરી દીધું છે. હું તેમને તકલીફ આપી તેમની તબિયત ને અસર પહોંચે એવું કાંઈ પણ કરવા નથી માંગતી, હું અહીંયા પરાણે આવેલી, મારે નહોતું આવવું, હું જૂની યાદો ભૂલવા માંગુ છું અને પપ્પાની ઈચ્છા મુજબ નવું જીવન જીવવા માંગુ છું, એટલેજ સ્તો મમ્મીને બધી વાત કરી ને પપ્પાને આવી રીતે રાત્રે આવીને તરત નીકળી જવા માટે મનાવ્યાં....તને પણ હું એટલું જ કહીશ કે ભૂલી જજે મને અને કોઈ સારી છોકરી શોધી પરણી જજે"

આટલું વાંચતા જ હું ત્યાં રોડ વચ્ચે જ બેસી ગયો, પગ માંથી હજુપણ લોહી વહી રહ્યું હતું, દુઃખી રહ્યું હતું ખુબજ પણ તેના કરતા પણ વધારે દર્દ હૃદય માં થઇ રહ્યો હતો. જાણે જિંદગી એ બધું છીનવી લીધું મારી પાસેથી ! હવે ઉભું થઈ ને ક્યાં જવું, શા માટે જવું કાંઈપણ સૂઝતું જ નહતું, બસ આ સમયે આંખો સમક્ષ એક દ્રશ્ય આવતું જેમાં અમારા બન્ને નાં લગ્ન થઈ રહ્યાં છે અને અમારાં પરિવારજનો આ લગ્ન થી ખૂબ ખુશ છે અને અમારા પર ફૂલોની વર્ષા કરી રહ્યા છે.

અને મગજ હૃદય ને જાણે સમજાવી રહ્યુ હોય કે ઘણીવખત 'રાહ જોવાથી' ગુમાવવાનો વારો આવે છે ! એવું લાગી રહ્યુ છે.

***