Abhigyan Shakuntalam in Gujarati Classic Stories by Kandarp Patel books and stories PDF | અભિજ્ઞાન શાકુંતલમ (Abhigyan Shakuntalam) by Kalidas (કાલિદાસ)

Featured Books
Categories
Share

અભિજ્ઞાન શાકુંતલમ (Abhigyan Shakuntalam) by Kalidas (કાલિદાસ)


મહાકવિ કાલિદાસ વિરચિતમ

અભિજ્જ્ઞાનશાકુંતલમ

કંદર્પ પટેલ

Patel.kandarp555@gmail.com
www.kparticleworld.wordpress.com



© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

અનુક્રમણિકા

૧.અભિજ્જ્ઞાનશાકુંતલમ

૨.પ્રથમ અંક - પ્રથમ અંકનું સમીક્ષાત્મક રસદર્શન

૩.દ્વિતીય અંક - બીજા અંકનું રસદર્શન

૪.તૃતીય અંક - ત્રીજા અંકનું રસદર્શન

૫.ચોથો અંક - ચોથા અંકનું રસદર્શન

૬.પાંચમો અંક - પાંચમાં અંકનું રસદર્શન

૭.છઠ્ઠો અંક - છઠ્ઠા અંકનું રસદર્શન

૮.સાતમો અંક - સાતમા અંકનું રસદર્શન

મહાકવિ કાલિદાસ વિરચિતમ

અભિજ્જ્ઞાનશાકુંતલમ

“કાવ્યોમાં નાટક રમણીય છે, નાટકોમાં શાકુંતલ (અભિજ્જ્ઞાન શાકુંતલ) રમણીય છે. એમાં પણ ચોથો અંક અને તેના ચાર શ્લોકો શ્રેષ્ઠ છે.”

મહાકવિ કાલિદાસના કવિ તરીકેનું આ રીતે વિશ્વના વિખ્યાત સાહિત્યકારો એ કરેલું ગૌરવ યોગ્ય જ છે. મહાકવિ કાલિદાસનું વિશાળ અને ઊંંડું જીવનદર્શન એમની કલાકૃતિઓમાં ખુબ સારી રીતે સાકાર થયું છે. વાર્તાનો ‘રસ’ જ કાવ્યનો આત્મા છે અને તે જ નાટકને આગળ ધપાવે છે, તે કાલિદાસ એ સાબિત કરી બતાવ્યું. મનોરંજનના મહત્વના માધ્યમ તરીકે નાટકની સમાજમાં એટલી મોટી પ્રતિષ્ઠા હતી કે ‘નાટકાન્ત કવિત્વમ’ (કવિત્વ તો નાટક રચે ત્યારે જ..!) એમ કહીને પ્રાચીન કાળમાં નાટકનું ગૌરવ વધારાયું હતું.

ભારતીય તત્વજ્જ્ઞાન જીવનને મંગલમય અને સુખના સમાનાર્થી તરીકે નિહાળે છે. જીવન સંઘર્ષથી ભરેલું હોવા છતાં અંતે સહુને સુખ પ્રાપ્ત થાય તે પ્રકારે જ નાટકનો અંત થવો જોઈએ તે અસર કાલિદાસના નાટકોમાં જોવા મળે છે. નાટકના અંતે શાંતિ અને સુખ એ આદર્શ પરિસ્થિતિ હોવાથી યુદ્ધ કે મૃત્યુના પ્રસંગોના ઉલ્લેખ કરવા પરંતુ ક્યારેય તેને મંચ પર ભજવવા નહિ તે નાટકોની મર્યાદા હતી.

‘અભિજ્જ્ઞાન શાકુંતલ’ની એકમાત્ર મહત્તા એને લીધે છે કે, નાટકની કોઈ પણ મર્યાદાનો આ નાટકને લાગુ પડી નથી. કાવ્ય ખુબ સારા પ્રમાણમાં છે પરંતુ સંવાદો અને ગદ્યનો અભાવ બિલકુલ નથી. ચરિત્રનું આલેખન કોઈ જગ્યાએ નાટકના પ્રવાહને અટકાવતું નથી. રાજદરબારનો માહોલ હોવા છતાં પ્રકૃતિ અને સામાન્ય માનવીના દરેક ભાવોને પ્રદર્શિત કર્યા છે. નાટકમાં દર્શાવેલો સંઘર્ષ સામાન્ય વ્યક્તિના હૃદયને સ્પર્શે તેવી રીતે દર્શાવાયો છે. દરેક સંવાદો હૃદય સાથે જોડાય છે અને પ્રેક્ષકોના મનમાં ભાવનાઓ અને લાગણીઓના પૂર ઘુઘવાટ કરે છે. શૃંગારરસનું પ્રેમમાં તરબોળ કરતુ વર્ણન છે અને પ્રેમને ન પામી શકવાની પીડા પણ છે. મહાકવિના ભવ્ય જીવન વિષે આ નાટક પરથી અંદાજ લગાવી શકાય છે. પ્રાચીન કાળથી વિદ્વાનોએ જે કાલિદાસની પ્રસંશા કરી છે તે ‘અભિજ્જ્ઞાન શાકુંતલ’ નાટકને લીધે જ છે.

મહાકવિ કાલિદાસની ઉંચાઈ આ પ્રસંગ પરથી સમજાય છે.

કાલિદાસના લગ્ન પછી તેઓ પોતાની પત્ની સાથે રાજમહેલમાં ઉભા હોય છે. ત્યાંથી એક ઊંંટ પસાર થાય છે. તરત જ કાલિદાસ બોલી ઉઠે છે, ‘ઉટ્ર.. ઉટ્ર’. પત્ની સમજી જાય છે કે પોતાનો પતિ મહામુર્ખ છે. કારણ કે, ઊંંટને સંસ્કૃતમાં ‘ઉષ્ટ્ર’ કહેવાય. તેથી પત્ની કાલિદાસને મહેણું મારે છે. જે ખુબ લાગી આવતા કાલિદાસ મહાશક્તિની ઉપાસના કરે છે અને જીહ્‌વાગ્રે (જીભના ટેરવે) સરસ્વતીની સ્થાપન કરે છે. પરત ફરેલા કાલિદાસને પત્ની માત્ર આટલું જ પૂછે છે, “અસ્તિ કશ્ચિદ્‌ વાગ વિશેષઃ ?” (વાણીમાં કોઈ વિશેષ સુધારો છે કે?) આ પ્રશ્નના ત્રણ શબ્દો પરથી ત્રણ મહાકાવ્યો લખનાર એ કાલિદાસ. ‘અસ્તિ’ શબ્દથી શરૂ થતું કાવ્ય ‘મેઘદૂત’, ‘કશ્ચિદ્‌’ શબ્દથી આરંભાતું ‘ૠતુસંહાર’ અને ‘વાગ’ શબ્દથી પ્રયોજાતું ‘રઘુવંશ’. આથી જ તેઓ ‘મહાકવિ’ કહેવાયા.

પ્રથમ અંક

પ્રથમ અંકનું સમીક્ષાત્મક રસદર્શનઃ

પ્રથમ અંક યુવાનીની ચંચળતાથી ભરેલો છે. યુવાનીમાં અપ્સરા જેવા રૂપથી છલકાતી ૠષિકન્યા, આનંદ-પ્રમોદ કરતી બે સખીઓ, ૠષિકન્યાને અત્યંત પસંદ તેવો ‘જ્યોત્સના’ નામનો સુગંધિત છોડ, એ સુગંધથી આકર્ષાયેલ ભમરો, વૃક્ષના ટેકે ઉભો રહીને આ દ્રશ્ય નિહાળતો રાજા. આવું એક સૌંદર્યથી ભરેલું એક અદ્‌ભુત દ્રશ્ય છે.

પ્રેક્ષકોના મન અને હૃદયને ખુશીથી ભરી દેતું એકદમ લાગણીસભર દૃશ્ય સર્જાય છે. રાજા કણ્‌વનો આશ્રમ, હરણની પાછળ પડેલા રાજાનું કણ્‌વ ૠષિના આશ્રમમાં પ્રવેશ, આશ્રમના તપસ્વીઓ દ્વારા તેમનો પ્રતિરોધ, કણ્‌વ ૠષિની આશ્રમમાં ગેરહાજરીનું સૂચન, શકુંતલા સહિત સખીઓનું વૃક્ષોને પાણીનું સિંચન અને દરેકના ચિત્તનું હરણ, ભ્રમરબાંધા પ્રસંગ (ભમરા દ્વારા વ્યાકુળ થયેલી શકુંતલા માટે આ પ્રસંગ ‘ભ્રમરબાંધા’ તરીકે ઓળખાય છે), શકુંતલા અને રાજાનો પહેલી નજરનો પ્રેમ અને અંતે તોફાને ચઢેલા હાથીના પ્રવેશથી તમામ પાત્રોની વિદાય. આ દરેક પ્રસંગો કવિએ મૌલિક રીતે દર્શાવ્યા છે.

*****

(પડદાની પાછળથી)

“જે ઈશ્વરનું પ્રથમ સર્જન છે (જળ), જેમાં શાસ્ત્રયુક્ત આહુતિ અપાય છે (અગ્નિ), જે સ્વયં માલિક છે (યજમાન), જે બે અલગ સમયનું નિર્માણ કરે છે (સૂર્ય અને ચંદ્ર), જેના દ્વારા વિશ્વનો વ્યાપ છે (આકાશ), જ્યાં સજીવો જન્મ લે છે (પૃથ્વી), જેને લીધે સૃષ્ટિ છે (વાયુ). આ આઠ સ્વરૂપે મહેશ્વર (શિવ) અમારૂં રક્ષણ કરો.”

(શ્લોક પૂરો થયા પછી)

સૂત્રધાર અને નટીઓ સાથે મળીને નાટકની શરૂઆત કરતા પહેલા નાટકના પાત્રો અને સંવાદો વિષે ચર્ચા કરે છે. દરેક નાટકના પાત્રો સૂત્રધારને વિશ્વાસ અપાવે છે કે, તેમની તૈયારી એકદમ વ્યવસ્થિત છે જેથી થોડી પણ ભૂલ થશે નહિ. સૂત્રધાર અને નટી પ્રેક્ષકોના મનને નાટકમાં જોડવા માટે માટે ગ્રીષ્મૠતુને અનુલક્ષીને ગીત ગાય છે.

સૂત્રધારઃ ગરમીને લીધે પાણીમાં રહેવાનું મન થાય તેવા, પવનને લીધે એ પુષ્પોની સુવાસ સમગ્ર વાતાવરણમાં ફેલાય તેવા, છાયામાં જલ્દી ઊંંઘી જવાય એવા અને સાંજના સમયે સુંદર લાગતા ગ્રીષ્મના દિવસો છે.

નટી : (સાથે ગાય છે) ભમરાઓ વડે સહેજ ચૂમાયેલા, આગળના ભાગે નારંગી રંગ ધરાવતા, શીરીષના પુષ્પને યુવતીઓ કાન પર અલંકાર તરીકે ધારણ કરે છે.

(સૂત્રધાર પ્રસ્તાવના પૂરી કરીને નાટકનો આરંભ કરે છે)

(પડદો ખુલે છે)

(હાથમાં ધનુષ્ય લઈને હરણને અનુસરતો એક રાજા રથમાં બેસીને સારથિ સાથે પ્રવેશે છે.)

સારથિઃ આયુષ્માન..! તમને જોઉં છું ત્યારે હું સાક્ષાત ભગવાન પિનાક (શિવ)ને જોઈ રહ્યો હોઉં એવું લાગે છે.

રાજાઃ આ હરણથી આપણે બહુ દુર ખેંચાઈ આવ્યા છીએ. પરંતુ આ હરણ, ડોક વાંકી વાળવાને લીધે ખુબ સુંદર લાગે છે. બાણ વાગવાની બીકને લીધે તેણે પોતાના અર્ધા શરીરને ઘાસની અંદર છુપાવી દીધું છે. ઉંચી છલાંગ લગાવે છે ત્યારે આકાશમાં વધારે અને જમીન પર ઓછું ચાલતું હોય તેવું લાગે છે. (વિસ્મય પૂર્વક) ઘણા સમયથી હું તેનો પીછો કરૂં છું છતાં એ દેખાતું કેમ નથી?

સારથિ : આયુષ્યમાન...! ખાડા-ટેકરા ધરાવતી જમીનને લીધે મેં રથનો વેગ ઓછો કરી દીધો છે. એ કારણોસર હરણ ખુબ દૂર જતું રહ્યું છે.

રાજા : લગામ ઢીલી કરો અને રથને ભગાવો. ઘોડાઓને દોડવા દો. સાચે જ..! આ બંને ઘોડાઓ સૂર્ય અને ઈન્દ્રના ઘોડાઓને પાછળ રાખી દે તેવા છે. તેથી જે હરણ દૂર છે, તે હમણાં તરત જ દેખાશે. (થોડા સમય પછી) સારથિ...! જો તે દેખાયું. હવે તું આ હરણને મારા હાથે મરતું જો..!(બાણ ચઢાવવાનો અભિનય કરે છે.)

(નેપથ્યમાં)

રાજા કણ્‌વ ૠષિના આશ્રમમાં રથ સાથે પ્રવેશે છે.

અરે..! અરે...! રાજન ! આ તો આશ્રમનું હરણ છે. તેને ન હણાય.

સારથિ : રાજન...આપણા રસ્તામાં આશ્રમના તપસ્વીઓ આવીને ઉભા છે.

રાજા : (ઉતાવળથી) ઘોડાઓને રોકો, ઝડપથી.

તપસ્વી : આ કોમળ હરણનો શિકાર કરવો એ જાણે ફૂલ પર અગ્નિના તણખા નાંખતા હોઈએ તેવું છે. શસ્ત્ર દુઃખી લોકોના રક્ષણ માટે છે, નિર્દોષ પ્રાણીઓને મારવા માટે નહિ.

(રાજા બાણ પાછું ખેંચે છે અને તપસ્વીઓ બંને હાથ ઊંંચા કરીને ચક્રવર્તી પુત્રના આશીર્વાદ આપે છે.)

રાજા અને તપસ્વીઓ આશ્રમમાં પ્રવેશે છે. વાતો પરથી જણાઈ આવે છે કે કણ્‌વ ૠષિ (આશ્રમના કુલપતિ) તેમની દીકરી શકુંતલાને અતિથી સત્કારનું કાર્ય સોંપીને સોમનાથ તેના ભાગ્યના દુઃખોને દૂર કરવા ગયા છે.

(પડદા પાછળ) આ બાજુ, સખીઓ, આ બાજુ.

રાજા : (કાન માંડીને, મનમાં) વૃક્ષોની વાડીની જમણી બાજુએ વાતચીત જેવું કંઈક સંભળાય છે. હું આગળ જાઉં. અરે..! તપસ્વી કન્યાઓ સિંચન માટેના ઘડાઓ પાણીથી ભરીને વૃક્ષોને સિંચવા આવી રહી છે. હું છાંયડામાં ઉભો રહીને તેમની રાહ જોઉં. (શકુંતલા અને સખીઓ સાથે પ્રવેશ કરે છે.)

અનસૂયા : શકુંતલા, તારા પિતા કાશ્યપને આશ્રમના વૃક્ષો તારાથી યે વધુ વ્હાલા લાગે છે. કારણ કે, ફૂલ જેવી કોમળ અને નાજુક છોકરીને પણ ક્યારા ભરવાનું કામ સોંપી દીધું.

શકુંતલા : માત્ર પિતાનો આદેશ છે એટલું જ નહિ, આ વૃક્ષો પ્રત્યે મને મારા સગા ભાઈ-ભાંડું જેવો સંબંધ છે. સખી અનસૂયા, પ્રિયંવદાએ અતિશય કસીને બાંધેલા વલ્કલ વસ્ત્રથી હું તો જકડાઈ ગઈ છું. તું એને જરા ઢીલું કર.

પ્રિયંવદા : (હસીને) મને શા માટે ઠપકો આપે છે? ઠપકો આપવો જ હોય તો તારા વક્ષઃસ્થળ (સ્તન)ને વિકસાવતા તારા યૌવનને જ ઠપકો આપ.

રાજા : (શકુંતલાને નીરખીને) ખભા ઉપર ઝીણી ગાંઠે બાંધેલા અને તેના બે સ્તનોના વિસ્તારને ઢાંકતા વલ્કલથી, પીળા પાંદડાની વચ્ચે રહેલ પુષ્પની જેમ આનું શરીર શોભા વધારે છે. પ્રિયંવદાએ શકુંતલાને સાચું કહ્યું. ખરેખર એનો નીચેનો હોઠ કૂંપળ જેવો લાલ છે. બે હાથ છોડની કોમળ ડાળખી જેવા છે, ફૂલના જેવું આકર્ષક યૌવન છે. હું ઈચ્છું છું કે આ કણ્‌વ ૠષિ દ્વારા બ્રાહ્‌મણ સિવાયની જાતિની સ્ત્રીથી ઉત્પન્ન થયેલી પુત્રી હોય. એ ચોક્કસ ક્ષત્રિયની પત્ની જ થવાને યોગ્ય છે. મારૂં મન એનામાં પરોવાઈ ગયું છે, ખોવાઈ ગયું છે.

(ભ્રામરબાંધા પ્રસંગ)

શકુંતલા : (ગભરાઈને) મારા પાણી છાંટવાને લીધે ગભરાઈને ઉડેલો ભમરો, ફૂલની કળી પરથી ઉડીને મારા ચહેરા તરફ આવે છે. (ભમરાથી હેરાન થતી શકુંતલા અભિનય કરે છે.)

રાજા : (સ્પૃહાથી એકીટશે જોઈને) જ્યાં જ્યાં ભમરો જાય છે, ત્યાં ત્યાં પોતાની ચંચળ આંખો વડે ભમરાને જોયા કરે છે. એની ચંચળ અને વ્યાકુળ આંખોના કિનારા પરની પાંપણને જયારે ભમરો સ્પર્શે છે, તેના હોઠને ચૂમીને ઉડી જાય છે, કાનની નજીક ઘુમીને તે ગણગણાટ કરીને ધીમું ગુંજન કરે છે. હે, ભમરા ! તું તો નસીબદાર છે. (આવું બોલીને ભમરા પ્રત્યે ઈર્ષ્યાનો ભાવ પ્રગટ કરે છે.)

બંને સખીઓ : (શકુંતલાની વ્યાકુળતા જોઈને મજાકમાં) અમે તને બચાવનારા કોણ? દુષ્યંતને બોલાવ. તપોવનો તો રાજા દ્વારા જ રક્ષાવા જોઈએ.

(આ તક રાજા ઝડપી લે છે. સખીઓ અને શકુંતલા તેમને પરિચય પૂછે છે. રાજા તેમનો પરિચય ‘રાજપુરૂષ’ તરીકે આપે છે. સામે પક્ષે શકુંતલાનો પરિચય આપતા સખીઓ કહે છે કે, તે કૌશિક નામના કુળમાં મહાપ્રભાવશાળી રાજાની તરછોડી દેવાયેલી દીકરી છે. આગળ વાત કરતા રાજા જાણી જાય છે કે, શકુંતલા પોતાના માટે યોગ્ય સ્ત્રી રત્ન છે. કારણ કે શકુંતલા બ્રાહ્‌મણ નથી. અંતે શકુંતલા જવાનું વિચારે છે.)

રાજા : સખીઓ...! વૃક્ષોને પાણી પાઈને શકુંતલા થાકી ગઈ હોય તેવું લાગે છે. ઘડો ઉંચકવાથી હથેળી અત્યંત લાલ થઈ ગઈ છે. ખભા ઢળી ગયેલા છે. શ્વાસ ફુલાય છે જેથી સ્તનોમાંથી ધ્રૂજારી ઉત્પન્ન થઈ રહી છે. કાનમાં પહેરેલ શિરીષનું પુષ્પ ચીમળાઈ ગયું છે. હોઠના ઉપરના ભાગમાં પરસેવાનું જાળું બંધાયેલું છે. ગાંઠ છૂટી જવાથી, વિખરાયેલા વાળને તેને એક હાથે પકડી રાખ્યા છે. (એમ કહીને વીંટી આપે છે.)

(પડદા પાછળથી)

હે તપસ્વીજનો...! તપોવનના પ્રાણીઓના રક્ષણ માટે તૈયાર થઈ જાઓ. ઘોડાઓના ડાબલાને લીધે આથમતા સૂર્યના રંગની ધૂળ ચારે તરફ ઉડી રહી છે. જેની ડાળીઓ પર પાણીથી ભીના વલ્કલો લટકે છે તેવા આશ્રમના વૃક્ષો પર તીડના ટોળા બેસી રહ્યા છે. જોરદાર વેગથી એક ઉન્મત્ત હાથી આશ્રમમાં પ્રવેશી રહ્યો છે. વૃક્ષના થડમાં ભરાવાને લીધે એક દંતશૂળ ભરાઈને તૂટી ગયો છે. પગથી ખેંચાયેલ વેલાઓના ગૂંચળા વીંટળાવાને લીધે બંધાયેલ અવસ્થામાં છે. આ હાથી આપણા તપનું વિઘ્‌ન કરી રહ્યો છે અને હરણોના ટોળાને વિખેરીને દોડવા મજબૂર કરી રહ્યો છે.

(રાજા તપોવન બચાવવા માટે જાય છે. તે શકુંતલાના વિચારમાંથી પોતાનું મન પાછું વળવા સક્ષમ નથી.)

પ્રથમ અંક સમાપ્ત

દ્વિતીય અંક

બીજા અંકનું રસદર્શન :

આ અંકમાં નાટકને પૂરતો કાર્યવેગ મળ્યો નથી એવું કેટલાક સાહિત્યકારો માને છે. છતાં, નાટકના વિકાસને લાભ થાય તેવી ઘણી વાતોનું નિરૂપણ છે. અહી મહાકવિ કાલિદાસે બંને પ્રેમીઓની પ્રારંભિક પ્રણયાવસ્થાઓનું અહી નિરૂપણ જોવા મળે છે. રાજા શિકાર પર જવાને બદલે શકુંતલાના અદ્‌વિતીય સૌંદર્ય અને રૂપનું વર્ણન વિદૂષક સમક્ષ કર્યા કરે છે. રાજા વિદૂષક સામે જે વર્ણન શકુંતલાનું કરે છે તેના પરથી કાલિદાસની શૃંગાર વર્ણવવાની આવડતના દર્શન થાય છે. પ્રેમના વેગની દરેકેદરેક સુક્ષ્મ વાતોનું આલેખન છે. બંને પ્રેમીઓ એક સાથે મંચ પર આવતા નથી છતાં બંનેમાંથી પ્રેમનો શૃંગાર રસ ટપકતો રહે છે. શકુંતલા હાજરજવાબી અને હૃદયને તટસ્થ રાખવામાં કેટલી મજબૂત છે તેના દર્શન થાય છે. રાજા પણ પ્રેમને ‘શકુંતલાનો પ્રેમ તો માત્ર મજાક છે.’ એવું કહીને પોતાની જાત સાથે ખોટું બોલીને મન બહેલાવે છે.

*****

(દુઃખી હૃદયે વિદૂષક પ્રવેશે છે)

વિદૂષક : (નિઃસાસો નાખીને) હે ઈશ્વર..! આ એક સમયના શિકારપ્રેમી રાજાની મિત્રતાથી હું કંટાળી ગયો છું. ગ્રીષ્મના બળબળતા બપોરે પણ મારે એમના લીધે વૃક્ષોની વનરાઈમાં પડતા-આખડતા એક જંગલમાંથી બીજા જંગલમાં ભટકવું પડે છે. પાંદડા ભળવાથી સ્વાદવિહીન બનેલ પહાડી નદીઓના પાણી પીવા પડે છે. મોટેભાગે ભાલા પર શેકેલ માંસ જ ખાવું પડે છે. શરીરના સાંધા ઢીલા પડી જવાને લીધે રાત્રે સુઈ પણ શકાતું નથી. થોડી થોડી માંડ ઊંંઘ આવે ત્યાં સુધીમાં તો સવારે પારધીઓના શિકારના અવાજો ઉઠાવી દે છે. ઉપરથી, ગુમડાઓ પર ફોલ્લી થઈ છે. એમાયે આ રાજા શકુંતલાને જોઈ આવ્યા પછી ઘરે જવાનું નામ નથી લેતા. એમના જ ગુણગાન ગયા કરે છે. (આમ કહીને લાકડીને ટેકે ઉભો રહે છે)

રાજા : (સ્વગત) કાશ્યપ કન્યાને યાદ કરીને મારૂં મન શિકારમાંથી ઉઠી ગયું છે. તેને જ યાદ કર્યા કરૂં છું. તેના ભારે નિતંબો સાથે તેણે મારી સામે પાછળ ફરીને જોયેલી ક્ષણ હૃદયને વિહ્‌વળ કરી મુકે છે. એના પ્રેમની અસર એવી થઈ છે કે આ હરણની સામે પણ બાણની પણછ ખેંચી શકતો નથી.

વિદૂષક : તમને આ ૠષિ કન્યા બહુ વધુ પડતી ગમી ગઈ હોય એવું લાગે છે, આર્ય...!

રાજા : મિત્ર ! મને આશ્રમના શણગાર જેવી લાગતી શકુંતલા પરથી મન હટતું નથી.

વિદૂષક : (ટીખળ કરતા) ઉત્તમ ખજૂર ખાવાથી કંટાળેલ કોઈકને આમલીની ઈચ્છા થાય તેવું મને આ સ્ત્રી-રત્નો ભોગવનાર રાજાને થયું હોય તેવું લાગે છે.

રાજા : તે શકુંતલાને જોઈ નથી એટલે તને એમ લાગે છે.

વિદૂષક : તમને પોતાની પાછળ પ્રેમમાં પાગલ કરી મુકે એ સ્ત્રી ચોક્કસ રૂપનો અંબાર સમાન જ હોવી જોઈએ.

રાજા : વધારે શું કહું? ભગવાને તેને પહેલા ચિત્રમાં દોરીને તેમાં જીવ મુક્યો હશે કે સૌંદર્ય ભેગું કરીને તેમાંથી બનાવી હશે? ઈશ્વરની સર્જન શક્તિ અને તેના શરીરનો વિચાર કરતા મને તે કોઈક જૂદી જ સ્ત્રી લાગે છે, જે મારા માટે રત્ન સમાન છે. (રાજા શકુંતલાના શરીરને નજર સમક્ષ રાખીને) એ દોષરહિત વણસુંઘાયેલ ફૂલ છે, નખથી ચૂંટાયા વિનાની કુંપળ છે, અણવીંધાયું રત્ન અને ન ચાખાયેલ રસવાળું તાજું મધ અને પુણ્‌યોનું અખંડ ફળ છે. મને ખ્યાલ નથી કે ઈશ્વર શકુંતલાને કોના ભાગ્યમાં મુકશે?

વિદૂષક : (મજાક સાથે) તો તો તરત જ તમે તેને બચાવો. એ ક્યાંક ઈંગુદીના તેલથી ચીકણા માથાવાળા કોઈ તપસ્વીના હાથમાં ન પડે.

રાજા : કેટલાક તપસ્વીઓએ મને ઓળખી લીધો છે, મિત્ર..! હવે ક્યાં બહાને હું આશ્રમમાં ફરીથી જાઉં?

(એટલામાં જ આશ્રમમાંથી ૠષિકુમારો આવે છે)

બંને ૠષિકુમારો રાજાને ફળો ભેટ આપે છે અને તેમના ગુણગાન ગાય છે.

ૠષિકુમારો : આશ્રમમાં મહષ્ર્િા કણ્‌વ હાજર ન હોવાથી રાક્ષસો અમારા યજ્જ્ઞોમાં વિઘ્‌નરૂપ બને છે. તેથી તમારે સારથિ સાથે થોડી રાત્રીઓ માટે અમારા આશ્રમનું રક્ષણ કરવાનું છે.

રાજા : (મનમાં) મારા પર કૃપા થઈ. આશ્રમમાં જવાનું મળી ગયું. એ બહાને શકુંતલા સાથે પણ પ્રેમ પ્રસંગો સર્જાઈ શકશે.

કરભક આવીને રાજાને સૂચના આપે છે કે આજથી ચોથા દિવસે પુત્રપિંડ પરિપાલન નામનો ઉપવાસ છે. તેથી તેમને રાજમહેલમાં હાજર રહેવું પડશે. પરંતુ, એ બંને કાર્યોમાંથી આશ્રમના રક્ષણની જવાબદારી પોતાના પર લે છે.

(સર્વે જાય છે.)

દ્‌વિતીય અંક સમાપ્ત

તૃતીય અંક

ત્રીજા અંકનું રસદર્શન :

રાજા અને શકુંતલાની વિરહ બાદ મળવાની આતુરતા અને ઉત્કંઠા એકસમાન ગતિથી આગળ વધે છે. શકુંતલાનો સંતાપ એટલો વધારે પડતો હોય છે જે તેની માટે ઠંડુ પાણી લાવવું પડે છે. કામપીડાની ગંભીરતા એ રાજા મંચ પર પ્રવેશતાની સાથે જ તેના ચહેરા પર જોઈ શકાય છે. શકુંતલાને મળ્યા પછી જ એ શમશે એ સ્પષ્ટ જણાઈ આવે છે. સુકોમળ પત્રો પર પ્રેમની અભિવ્યક્તિ વ્યક્ત કરવાનું શરૂ થાય છે. શકુંતલા લખે છે કે, ‘કામદેવ રાતદિવસ પોતાને દુઃખ આપે છે’. રાજા આ શબ્દો સંભળાતા જ ત્યાં ધસી આવે છે અને કહે છે, ‘કામદેવ તો તને માત્ર દુઃખ આપે છે પરંતુ મને તો બાળે છે.’ શકુંતલા રાજાને ચાહે છે એ જાણ્‌યા પછી રાજા તેની સમક્ષ ગાંધર્વવિવાહનો પ્રસ્તાવ મુકે છે. કામથી તપ્ત શકુંતલા હોવા છતાં, ‘સખીઓને પૂછીશ..!’ એવું કહીને પોતાના મનની અડગતા દર્શાવે છે. એ સમયમાં રાજા આશ્રમમાં યજ્જ્ઞોનો ધ્વંસ કરતા આસુરી દાનવોને ધનુષ્યના ટંકારથી દૂર કરવામાં સફળતા મેળવ્યે જાય છે. આશ્રમનું જીવન જીવે છે. કામ આતુરતાથી તવાય છે. પરંતુ કણ્‌વ ૠષિ આવે ત્યાં સુધી ‘કામ’નો બંધ ટકી શકે તેમ નથી એ સંજોગોમાં લગ્નની માંગણી મુકાય છે.

*****

(પ્રેમથી વિહ્‌વળ અવસ્થા સાથે રાજા પ્રવેશે છે.)

રાજા : (કામવ્યથા દર્શાવીને ગુસ્સામાં) ભગવાન કામદેવ ! ફૂલ સમાન આનંદ આપતા તમારા પુષ્પોમાં આ કાંટા જેવી તીક્ષ્ણતા ક્યાંથી? સમુદ્રના તળિયે હજુયે દાવાનળ બળે છે તેમ જ તમારામાં પણ શિવના રોષનો અગ્નિ બળે છે. નહિ તો હે પ્રભુ..! તમે મારી જેવાણે ઉષ્ણ થોડા લાગો? મારી પ્રિય શકુંતલાના દર્શન સિવાય મારૂં બીજું કયું શરણ હોઈ શકે? ચંદ્ર ઠંડા કિરણો દ્વારા અગ્નિ વરસાવે છે તેમ તમે પણ પુષ્પ સમાન કોમળતાને વજ્ર જેવી બનાવો છો. શકુંતલા સૂર્યની ગરમીને દૂર કરવા વેલાના માંડવા ધરાવતી માલિની નદીને કાંઠે પસાર કરે છે. માટે ત્યાં જાઉં..!

(આજુબાજુ સ્પર્શ-સુખનો અભિનય કરીને) વાહ...! કેટલી સુંદર પવન ધરાવતી જગ્યા છે. માલિની નદી તરંગોના પરથી પસાર થઈને આવતો આ શીતળ પવન કમળને લીધે સુગંધી બને છે. જે કામથી તપેલા અંગોને ગાઢ-આલિંગન આપે તેવો છે.

(થોડું આગળ ચાલીને શકુંતલાને શોધે છે.) સફેદ રેતીયુક્ત કણો પર, શકુંતલાના ભારે નિતંબને કારણે આગળના ભાગમાં ઉંચી અને પાછળના ભાગમાં દબાયેલી તાજા પગલાની હાર દેખાય છે.

શકુંતલા : શું કરો છો સખીઓ? પવનનો વિંઝણો નાખો છો કે? (પ્રેમની પીડામાં તપ્ત શકુંતલાને સખીઓ દ્વારા નંખાતા પવનની પણ અસર થતી નથી.)

રાજા : શકુંતલાને આ તડકાની અસર હશે? કે મને જે કામ સતત પીડા આપે છે તેની? (કામદેવની હશે) ? (અભિલાષાપૂર્વક નિરીક્ષણ કરીને) સ્તન પર લગાવેલ ચંદનના લેપવાળું, શિથિલ થયેલ વક્ષઃસ્થળ વચ્ચેની જગ્યામાં એક પથ્થર મુકેલ, પ્રિયાનું આ પીડિત શરીર અવર્ણનીય લાગે છે.

(શકુંતલાની બંને સખીઓ રાજાને જોયા પછીની અસર છે, તેવું અનુમાન લગાવે છે. એ સમયે સખીઓ અને શકુંતલાની વાતો સાંભળીને રાજા જાણી જાય છે કે શકુંતલા પણ તેને અત્યંત પ્રેમ કરે છે. શકુંતલા પ્રેમમાં એટલી આગળ વધી ગઈ છે કે તે રાજાનો વિરહ અને વિલંબ સહન કરી શકે તેમ નથી. ત્યારે જ રાજા બંને સખીઓ અને શકુંતલા સમક્ષ પ્રસ્તુત થાય છે.)

શકુંતલા : હું તેમનું હૃદય જાણતી નથી. પણ હે કામદેવ, દુષ્યંતના પ્રેમનો વિરહ મારા અંગોને ખુબ તપાવે છે.

રાજા : (એકદમ પાસે આવીને) શકુંતલા ! કામદેવ તને ફક્ત તપાવે છે, પણ મને તો સતત બાળે છે. દિવસ ચંદ્રને જેટલો કરમાવે છે તેટલો પુષ્પને પણ કરમાવતો નથી. હે પ્રિયા ! શું તારી સમક્ષ શીતળ, થાક ઉતારનાર ઠંડા પવનોને કમળના પર્ણમાં ભરીને ઢોળું? હે સુંદર સાથળ વાળી, તારા કમળ જેવા લાલ ચરણોને ખોળામાં રાખીને દબાવું? કમળના પુષ્પના ગોળ પર્ણો વડે સ્તનો ઢંકાયા છે તેવું તારૂં આ શરીર છે. તેને ફૂલની પથારી છોડીને તડકામાં કેવી રીતે લઈ જીશ? આ તારા કોમળ અંગોનું શું થશે?

(શકુંતલા રાજાને વિનય સાચવવાનું કહે છે અને પ્રેમથી સંતપ્ત હોવા છતાં તે સમાગમ માટે તૈયાર થતી નથી. અંતે ગાંધર્વવિવાહનો પ્રસ્તાવ મુકાય છે. શકુંતલા અને રાજા બંને ગંધર્વવિવાહથી જોડાય છે. રાજા પોતાના પાટનગર પાછો ફરે છે. શકુંતલાની વિદાય માટે કણ્‌વ ૠષિની રાહ જોવાય છે.)

તૃતીય અંક સમાપ્ત

ચોથો અંક

ચોથા અંકનું રસદર્શન :

આ અંકમાં મહાકવિ દ્વારા વર્ણવાયેલ દૃશ્ય ખુબ જ કરૂણ છે. દીકરીને સાસરે મોકલતા જીવ કાળજે કપાઈ જાય એ માં-બાપની વ્યથાનું સમયની ગંભીરતા સમજીને કરેલું નિરૂપણ આ અંકમાં છે. મહાકવિ કાલિદાસે માનવજીવનમાં આવતા આ ખુબ જ સંવેદનશીલ, હૃદયસ્પર્શી છતાં મંગલમય પ્રસંગને પુરેપુરી ગંભીરતા અને ગરિમાથી વર્ણવ્યો છે. શકુંતલાને તો માતા અને પિતા બંને કણ્‌વ જ છે. કણ્‌વની માતા અને પિતા બંનેની લાગણીઓને એક સાથે રજુ કરવાનું કપરૂં કામ કાલિદાસે ખુબ જ કુશળતાથી પાર પાડયું છે. તેના અનુસંધાનમાં મહષ્ર્િા કણ્‌વનું બુદ્‌ધિ સંતુલન પ્રેક્ષકોને ખુબ પસંદ પડે છે. ચોથા અંકના ચાર શ્લોકો એ સમસ્ત જગતના નાટકોમાં અજોડ સ્થાન ધરાવે છે.

શકુંતલા આશ્રમજીવન અને વનજીવન ભૂલીને પ્રેમજીવનમાં એટલી ખોવાઈ જાય છે કે તેને દુર્વાસાના શ્રાપનો ભોગ બનવું પડે છે. આ અંકમાં દુર્વાસાના શ્રાપ અને શકુંતલાની વિદાય પ્રેક્ષકોની નજરને મંચ તરફ બંધક બનાવી મુકે છે.

*****

(ફૂલો વીણવાનો અભિનય કરતી બે સખીઓ પ્રવેશે છે.)

યજ્જ્ઞ પૂરો થતાની સાથે જ આશ્રમ પાસે દુર્વાસા મુનિ આવી પહોચે છે. પ્રેમમાં ડૂબેલી શકુંતલાનું ધ્યાન તે તરફ નથી. કણ્‌વ ૠષિ સ્વાગત કરવા માટેની જવાબદારી શકુંતલા પર છોડીને ગયા હોય છે. ત્યારે ખુબ જ ઝડપથી ક્રોધિત થઈ જતા દુર્વાસા મુનિ પોતાને થયેલ અપમાન બદલ શ્રાપ આપે છે, અને રોકી ન શકાય એટલી ઝડપથી પાછા ફરે છે.

દુર્વાસા : અરે, અતિથીનું અપમાન કરનારી ! તું જેના વિચારમાં ખોવાઈને મને લક્ષમાં લેતી નથી, તે જ એક દિવસ તારા યાદ અપાવવા છતાં તને ભૂલી જશે.

અંતે, આભુષણ જોવાથી શ્રાપ દૂર થશે તેમ જાણતા જ રાજાએ આપેલી વીંટી સાથે રાખે છે. જે રાજા સમક્ષ રાખતા જ રાજા શકુંતલાને ઓળખી જશે, તેવું સખીઓ તેને જણાવે છે.

(પડદો પડે છે.)

(ઊંંઘીને આવેલો શિષ્ય પ્રવેશે છે અને કણ્‌વ ૠષિના આગમનના સમાચાર આપે છે.)

કણ્‌વૠષિ આશ્રમમાં પ્રવેશે છે અને શરમથી નીચું મુખ કરીને ઉભેલી શકુંતલાને જુએ છે. અગ્નિશાળામાં પ્રવેશતાની સાથે જ મહષ્ર્િા કણ્‌વ શકુંતલાના ગંધર્વ વિવાહની વાત તાપસીઓની છંદોબદ્ધ વાણીને લીધે સાંભળી જાય છે. બંને સખીઓ સમગ્ર વાત કહી સંભળાવે છે. શકુંતલાને મંગળ વસ્ત્રોમાં સજાવીને લાવવાનો કણ્‌વ ૠષિ આદેશ આપે છે. આશ્રમના દરેક વૃક્ષો પણ કંઈ ને કંઈ ભેટ આપે છે.

સખીઓ : કોઈક વૃક્ષે ચંદ્ર જેવું સફેદ માંગલિક વસ્ત્ર પ્રગટ કર્યું, કોઈકે પગની સુંદરતા માટે યોગ્ય લાક્ષારસ વહાવ્યો, બીજાએ ફૂટતી કૂંપળોની વેલીઓ જોડીને તેના આભૂષણો બનાવીને આપ્યા.

(અલંકારોથી સજ્જ શકુંતલા આશ્રમના પ્રાંગણમાં પ્રવેશે છે. તેની સાથે પિતા કાશ્યપ પ્રવેશે છે.)

કાશ્યપ : આજે શકુંતલા, સાસરે જશે એ વિચારે હૃદય ગમગીન બન્યું છે. રોકેલા આંસુઓ ગળામાં વેગમાં આડે આવે છે. શબ્દો જાણે એ આંસુમાં ઘોળાઈને ખોવાઈ ગયા હોય તેવું લાગે છે. દ્રષ્ટિ ચિંતાથી અચેતન બની છે. જો મારા જેવા એક અરણ્‌યવાસીને પણ પોતાની પુત્રીના સ્નેહને લીધે તેની વિદાય વખતે આવી વિહવળતા હોય તો, ગૃહસ્થીઓ પુત્રી-વિયોગના દુઃખથી કેવા પીડાતા હશે?

(શકુંતલાને આશીર્વાદ આપતા) પોતાના પતિની બહુમાંનીતી થા. સમ્રાટ જેવા ચક્રવર્તી પુત્રને જન્મ આપ.

અરે હે તપોવનવૃક્ષો ! તમે જ્યાં સુધી પાણી પીધું ન હોય ત્યાં સુધી શકુંતલા ક્યારેય પોતે પાણી પીવાનો પ્રયાસ પણ કરતી નથી. શણગારની શોખીન હોવા છતાં તમને દુઃખ થશે એ વિચારે કોઈ ફૂલ તોડતી નથી. નવી કુંપળ રાત્રે ફૂટી હોય તો તેને ફૂલ બનતું જોવા આખી રાત્રી સુતી નથી. જાણે ઉત્સવ હોય એટલી ખુશી એ ફૂલ છોડ પર બેસે ત્યારે મનાવે છે. આજે, શકુંતલા પતિગૃહે જાય છે. તમે બધાં તેને રજા આપો.

પ્રિયંવદા : તપોવનના વિરહથી દુઃખી તું એકલી જ નથી. તપોવનની પણ એવી જ અવસ્થા છે. જેના મુખમાંથી ઘાસના કોળિયા સરકી પડયા છે તેવા હરણો છે. નૃત્ય છોડી દીધેલા મોર છે. ખેરવી દીધેલા પર્ણ ધરાવતી વેલીઓ જાણે આંસુ સારી રહી છે.

(તપોવનનું વાતાવરણ ખુબ જ ગંભીર છે. સરોવરના કાંઠા સુધી દીકરીને વળાવી આખરી સંદેશો આપીને દરેકે આશ્રમમાં પાછા ફરવું જોઈએ તેવી વાત શાડગરવ કહે છે.)

કાશ્યપ : તું અહીંથી પતિને ઘેર જીને વડીલોની સેવા કરજે. રાજાની અન્ય રાણીઓ સાથે પ્રિયસખી બનીને રહેજે. પતિ દ્વારા અપમાન પામેલી હોવા છતાં ગુસ્સાથી વિરૂદ્ધ વર્તન કરીશ નહિ. નોકરો પ્રત્યે ઉદારતા દર્શાવજે. સુખમાં છકી ન જતી. આવું વર્તન કરનારી સ્ત્રી જ ગૃહિણી પદ મેળવે છે.

શકુંતલા : (પિતા કણ્‌વને ભેટીને) પિતાજી તમારૂં શરીર તપશ્ચર્યા કરીને દુબળું પડેલું છે. મારે કારણે વધુ ચિંતા કરશો નહિ.

(કરૂણ પ્રસંગનો અંત થાય છે. દરેક ચાલ્યા જાય છે.)

ચોથો અંક સમાપ્ત

પાંચમો અંક

પાંચમાં અંકનું રસદર્શનઃ

આધુનિક રસિક પ્રેક્ષકોની દ્રષ્ટિએ શાકુન્તલનો પાંચમો અંક ઉત્કૃષ્ટ છે. તેની અંદર દુર્વાસાના શ્રાપને કારણે દુષ્યંતના હૃદયમાં થયેલ શકુંતલાના પ્રેમની વિસ્મૃતિ, તે વિસ્મૃતિને કારણે તેણે કરેલો શકુંતલાનો વિરોધ અને તેથી થયેલ શકુંતલાના હૃદયની વ્યાકુળતા. હૃદયમાં પેદા થતા વિસ્મય, રોષ અને દુઃખ - આ બધા પ્રસંગોની દ્રષ્ટિએ શાકુન્તલનો પાંચમો અંક ખરેખર ઉત્તમ જ છે.

પાત્રો અને પ્રસંગોની ગોઠવણી મહાકવિ કાલિદાસની નાટ્‌યકલાનું એક અત્યંત ઉજળું પાસું છે. વાર્તાનો આખો પ્રવાહ જ કાલિદાસ પોતાની મૌલિકતાને આધારે ફેરવી નાખે છે. અંકના પ્રારંભમાં મુકવામાં આવેલું ‘હંસપાદિકાનું ગીત’ ખુબ ઉપકારક છે. મધનો લોભી ભમરો એવો રાજા દુષ્યંત એ રાણી વસુમતીના સાન્નિધ્યમાં સંતોષ અનુભવવાનું શરૂ કરે છે. દરેક પ્રેમિકાઓને ભૂલી ગયો છે. રાજા શકુંતલાને ઓળખવાનો ઈનકાર કરે છે, ત્યારે પ્રેક્ષકોના મનમાં નાયકનું ગૌરવ ઘટે છે. શકુંતલાનું રૂદન અને કરૂણરસને આ અંક પ્રેક્ષકોના હૃદયમાં પણ દુઃખની છબી ઉભી કરે છે. તે સમયે કાલિદાસ દુષ્યંત રાજાને ધર્મનિષ્ઠ વર્તન કરતો દર્શાવીને ફરી પ્રેક્ષકોના મનમાં સારી છાપ ઉભી કરવામાં સફળતા મેળવે છે. દુષ્યંત અને શકુંતલા બંને પોતાના પાત્રની ગરિમા ઉપસાવી શક્યા છે. ચાર અંકો સુધી તપોવનના શાંત અને સરળ જીવન પછી આ અંકમાં નગરજીવનનો કોલાહલ અને કૃત્રિમતા દર્શાવે છે. અલબત્ત કવિ પાંચમાં અંક પછી અટકી ગયા નથી કારણ કે કવિ માત્ર કારૂણ્‌યને જ જીવન ગણતા નથી. જો કોઈ યુરોપિયન નાટ્‌યકાર હોત તો તેણે અહી નાટક પૂર્ણ ઘોષિત કરી દીધું હોત.

*****

(રાજા હંસપાદિકાનું ગીત સાંભળવા માટે ઉભા રહી જાય છે. તે સમયે કંચુકી પ્રવેશે છે. રાજાની માફી માંગીને કાશ્યપના સંદેશ સાથે વનમાં રહેતા તપસ્વીઓ કોઈ સ્ત્રી સાથે આવ્યા છે.)

રાજા : (શકુંતલાને જોઈને) આ શ્રીમતી, જેનું શરીર સૌંદર્ય પૂરૂં ખીલ્યું નથી તેવી ઘુમટો તાણીને ફિક્કા પાંદડાઓની વચ્ચે રહેલ કુંપળ જેવી અને તાપસીઓની વચ્ચે રહેલ આ સ્ત્રી કોણ હશે? (દુર્વાસાના શ્રાપને કારણે રાજા દરેક વાતોને ભૂલી ગયો છે.)

(તાપસીઓ દરેક વાત રાજાને જણાવે છે. પરંતુ રાજાને તે વાત સ્વીકારતા નથી. શકુંતલા આ વાત જાણતી નથી કે રાજા શ્રાપને લીધે બધું ભૂલી ગયો છે. રાજા મનમાં વિચારે છે કે, ‘હું આ સ્ત્રીને ઓળખું છું એમ ખોટું બોલીશ તો લોકો એવું વિચારશે કે રાજાએ તેનો ઉપભોગ કરવા માટે ઉપયોગ કર્યો છે. ઉપરાંત, આ ગર્ભવતી સ્ત્રીને હું કેવી રીતે સ્વીકારૂં? આવું વિચારીને રાજા શકુંતલાને બેચેન કરી મુકે છે.)

શકુંતલા : પ્રેમ જયારે આવી પરિસ્થિતિમાં જ પહોચી ગયો છે ત્યારે યાદ કરાવવાનો શો અર્થ? હવે નક્કી થઈ ગયું છે કે મારી જાતનો શોક વ્યક્ત કરવો જ રહ્યો. આર્યપુત્ર, હવે જયારે તમને લગ્નમાં જ શંકા છે ત્યારે આવું સંબોધન આચારને અનુરૂપ નથી. હે આર્ય, મને આશ્રમમાં વચન આપીને, છેતરીને, હવે આવા શબ્દોથી મને છોડી મુકવી યોગ્ય છે?

(રાજાને વીંટી બતાવીને તેને યાદ અપાવવાનું જે સખીઓએ કહેલું એ તેને યાદ આવે છે. પરંતુ આંગળી પર વીંટી ગાયબ છે. જે શચિતીર્થના જળમાં સ્નાન કરતી વખતે પડી ગયેલી હોય છે.)

રાજા : સ્ત્રીઓ હાજરજવાબી હોય છે ...! તેમ જે કહેવાય છે તે આનું નામ. (આમ કહીને રાજા શકુંતલાની દરબારમાં મશ્કરી ઉડાવે છે.)

(કપડાના છેડાથી મોઢું ઢાંકીને શકુંતલા રડે છે. તાપસીઓ પણ તેને છોડીને જતા રહે છે. તેઓ જણાવે છે કે શકુંતલાથી આશ્રમમાં પાછુ અવાય નહિ. તેથી શકુંતલાને પતિ રાખે કે નહિ, એની ફિકર કર્યા વિના જ તેઓ પાછા ચાલતા થાય છે. ત્યારબાદ પુરોહિત અને રાજા વચ્ચે શકુંતલાના અનુસંધાનમાં સંવાદ થાય છે.)

પુરોહિત : (રાજાને) આ શ્રીમતી બાળકના જન્મ સુધી મારા ઘરે રહે, કેમ? આર્ય, સાધુઓએ કહ્યું છે કે તમારો પ્રથમ પુત્ર ચક્રવર્તી થશે. જો કણ્‌વનો પૌત્ર આ લક્ષણ ધરાવતો હશે તો શકુંતલાને અભિનંદન આપીને તેને પ્રવેશ આપજો.

શકુંતલા : ભગવતી ! મને માર્ગ આપ. (રડતી રડતી પ્રસ્થાન કરે છે. તપસ્વીઓ અને પુરોહિત સાથે જાય છે. શ્રાપથી ઘેરાયેલો અને સ્મૃતિ ભૂલેલો રાજા તેના વિષે જ વિચારે છે.)

પુરોહિત : (રાજાને) મહારાજ, કણ્‌વના શિષ્યો પાછા ફર્યા ત્યારે પોતાના ભાગ્યને નીંદતી તે છોકરી હાથ ઉછાળીને આક્રંદ કરવા લાગી. અને તરત જ સ્ત્રીના આકારની એક જ્યોતિ શકુંતલાને ઉપાડીને અપ્સરા તીર્થ તરફ લઈ ગઈ.

(બધા આશ્ચર્ય બતાવે છે.)

પાંચમો અંક સમાપ્ત

છઠ્ઠો અંક

છઠ્ઠા અંકનું રસદર્શન :

નાટકને સુખદ અંત આપવા માટે જે કામ કરવું પડે તેમનું મોટા ભાગનું કાર્ય કાલિદાસે આ અંકમાં કર્યું છે. અંકના પ્રારંભમાં આવેલું માછીમારનું દ્રશ્ય નાટકને વળાંક આપે છે. અગાઉના બે ગંભીર અંક પછી પ્રેક્ષકોને હળવાશ આપવી બહુ જરૂરી હતી. જે કામ કાલિદાસે આ અંકમાં કર્યું છે. માછીમાર એ શકુંતલાની ખોવાયેલી રાજાના મુદ્રા ધરાવતી વીંટીને દરબારમાં પ્રસ્તુત કરે છે. તેની સાથે જ રાજાની વિસ્મૃતિ ભૂંસાઈ જાય છે અને રાજાને શકુંતલા યાદ આવે છે. તે ફરીથી વિરહમાં તપે છે. શકુંતલાનો ત્યાગ અને મજાક તેના હૃદયને બાળે છે. રાજા પશ્ચાતાપથી પીડાય છે. શોક અને નિરાશાના ઘેરા અંધકાર નીચે દબાયેલા રાજાનો જુસ્સો શમી જાય છે. એ જુસ્સાને પાછો જગાવવા માટે અને રાજાની તેજસ્વી સ્થિતિ ફરી પાછી લાવવા માટે વર્ણવાયેલ માતલિનો પ્રસંગ મહાકવિ કાલિદાસની બુદ્‌ધિ પ્રતિભા અને મનનું વૈજ્જ્ઞાનિક નિરૂપણ પણ તેમની ચતુરાઈના દર્શન કરાવે છે.

ઘણા સાહિત્યકારો આ અંકને શકુંતલા અને દુષ્યંતને પ્રેમમાં તપીને તેને ઉત્કૃષ્ટ બનાવવા માટે કાલિદાસની બુદ્‌ધિપ્રતિભા ઓળખી બતાવતો અંક કહે છે. તેનું કારણ એ છે કે શકુંતલા અને દુષ્યંત માત્ર શારીરિક પ્રેમથી જ જોડાયા છે, તેવું ભવિષ્યમાં કોઈ કહી ન જાય તે માટે બંનેને એકબીજાના વિરહની આગમાં બાળીને તેમના પ્રેમને કેસરકાઢેલી બાસુંદી જેવો સ્વાદિષ્ટ કરવાનું કાર્ય કાલિદાસે કર્યું છે.

*****

(શચિતીર્થના જળમાં જે શકુંતલાની વીંટી ખોવાઈ તે એક માછીમારને ‘રોહિત’ નામની માછલીના પેટમાંથી આ ઝળહળતી રાજાની મુદ્રા ધરાવતી વીંટી મળી આવે છે. એ વીંટીને વેચીને પૈસા મેળવવા એ માછીમાર બજારમાં જાય છે. ત્યાં રક્ષકો અને કોટવાળ તેને જોઈ જાય છે અને પકડીને રાજાની મુદ્રા ધરાવતી વીંટી ક્યાંથી આવી? એવા પ્રશ્નો પૂછે છે. ત્યારબાદ તેને રાજદરબારમાં રજૂ કરવામાં આવે છે. રાજા એ વીંટી જોઈને બધું યાદ કરે છે. તેને શકુંતલા યાદ આવે છે.)

(સાનુમતી નામની અપ્સરા આકાશ માર્ગેથી પ્રવેશે છે.)

કંચુકી : (સાનુમતીને) જ્યારથી મહારાજને પોતાની વીંટી જોઈને યાદ આવ્યું છે કે, તે તેની પ્રેમી શકુંતલાને અગાઉ ગાંધર્વવિવાહથી પરણ્‌યા છે અને વીંટીના લીધે થયેલા સ્મૃતિ ભ્રમથી તેની અવગણના કરી છે, ત્યારથી પશ્ચાતાપમાં ડૂબેલા છે. મજાક મસ્તીથી દૂર રહે છે. પથારીના છેડા પર આળોટીને, ઊંંઘ્‌યા વિનાના જ રાત્રીઓ પસાર કરે છે. જયારે મહેલની સ્ત્રીઓ સાથે વાત કરવા જાય છે ત્યારે તેમના નામ ભૂલી જાય છે. તેને કારણે તેઓ લાંબા સમય સુધી શરમિંદા બની રહે છે. તેમની આ ઉદાસીનતાને લીધે જ આખા રાજ્યમાં ઉત્સવ ઉજવાયો નથી.

સાનુમતી : (વાત જાણ્‌યા પછી રાજાને) તમે પણ જાણો છો કે આ વીંટીના લીધે જ આપણા રાજષ્ર્િાને બિચારી શકુંતલાના લગ્ન વિષે શંકા પડી. બાકી આવો પ્રેમ એ નિશાનીની અપેક્ષા રાખે ખરા?

રાજા : હું આ વીંટીને ઠપકો આપીશ. એ વીંટી ! તું સુંદર અને કોમળ આંગળીવાળા હાથને છોડીને તું પાણીમાં કેવી રીતે ડૂબી ગઈ? કોઈ પ્રકારના કારણ વિના તરછોડી દેવાયેલ પ્રેમી પછીના પશ્ચાતાપથી દુઃખી થતા આ વ્યાકુળ હૃદય પર દયા કર.

(ચતુરિકા શકુંતલાનું ચિત્ર દોરીને રાજા અને સાનુમતીને બતાવે છે.)

વિદૂષક : (સાનુમતીને) વાળનો બંધ ઢીલો થવાથી જેમાંથી શિરીષના ફૂલો ખરી પડયા છે તેવા ચોટલાવાળી, જેમાંથી પરસેવાના બિંદુઓ બાઝ્‌યાં છે તેવા મુખવાળી, ઢળતા હાથવાળી, પાણી છાંટવાને લીધે ચમકતી તાજી કુંપળોવાળા વૃક્ષની પાસે સહેજ થાકી ગઈ હોય તેવી દોરવામાં આવી છે તે શકુંતલા છે.

રાજા : (વિદૂષકને) ચતુર છે તું મિત્ર..! ચતુરિકા, માલિની નદીના રેતાળ કાંઠે બેઠેલા બે હંસની જોડ દોરવાની છે. તેની બંને બાજુ બેઠેલા હરણવાળી હિમાલયની પવિત્ર ટેકરીઓ દોર. લટકતા વલ્કલોવાળી ડાળીઓ ધરાવતા વૃક્ષોની નીચે કાળા હરણના શિંગડા સાથે ડાબી આંખ ખંજવાળતી શકુંતલા હું ચિત્રમાં બનાવવા માંગું છું.

ચતુરિકા...! કાનમાં ભરાવેલી ડાળખીવાળા અને ગાલ સુધી લટકતા કેસરી રંગના શિરીષના પુષ્પો ચિત્રમાં બનાવ્યા નથી. તેના બે સ્તનો વચ્ચે શરદૠતુના કિરણો જેવું કોમળ, મૃણાલસૂત્ર બનાવ્યું નથી. તે બનાવ.

(એટલામાં જ પ્રતિહારી કોઈક સંદેશો લઈને આવે છે.)

(નગરનો ધનમિત્ર નામનો કોઈ વેપારી દરિયાઈ સફરે મૃત્યુ પામે છે. એ નિઃસંતાન છે તેથી તેની દરેક સંપત્તિ કાયદા પ્રમાણે રાજ્યે જપ્ત કરવાની હોય છે. પરંતુ, ધનમિત્રની એક પત્ની સગર્ભા હતી અને બાળકને નજીકના સમયમાં જ જન્મ આપ્યો છે. તેથી રાજા તે આદેશ સ્થગ્િાત કરીને એ બાળકના નામ પર સંપત્તિ કરે છે. આ પ્રસંગ રાજાને નિઃસંતાનપણાનો અહેસાસ કરાવે છે. સગર્ભા શકુંતલાને પોતે જ હાંકી કાઢી એ વિચારે વ્યાકુળ બને છે અને પોતાને ધિક્કારે છે. એ દુઃખી હૃદયે પ્રેમના વિરહમાં ઉકળીને રાજાનું મન વિશાળ બન્યું છે. )

(માતલિ અને વિદૂષક પ્રવેશે છે.)

માતલિ : અસુરોને હણવા માટે ઈન્દ્રએ તમને યાદ કર્યા છે. કાલનેમિ નામના દાનવનો વંશજ તરીકે ઓળખાતો દુર્જય નામનો દાનવગણ છે. જે તમારા મિત્ર ઈન્દ્ર દ્વારા મૃત્યુ પામે તેમ નથી, કારણ કે તેનાથી એ અજેય છે. રણાંગણમાં તમે ઘાતકી હુમલો કરીને વિજયી બનવા માટે પ્રસિદ્ધ છો તેથી તમને યાદ કરાયા છે. આ ધનુષ્ય વડે તેને મારજો. સૂર્ય જેને દૂર કરવા સમર્થ નથી તે રાત્રીના અંધકારને ચંદ્ર દૂર કરે છે. શસ્ત્રો ગ્રહણ કરીને આપ ઈન્દ્રના રથમાં બેસીને વિજય માટે પ્રસ્થાન કરો.

(રાજા રથમાં બેસવાનો અભિનય કરે છે અને બધા પ્રસ્થાન કરે છે.)

છઠ્‌ઠો અંક સમાપ્ત

સાતમો અંક

સાતમા અંકનું રસદર્શન :

પ્રેમીઓનું પુનર્મિલન સાતમાં અંકનું મુખ્ય કથાનક છે. સ્વર્ગમાંથી પાછો ફરતા રાજા મારિચ ૠષિના આશ્રમમાં તેમને પ્રણામ કરવાના હેતુસર રોકાય છે. ત્યાં તેને પોતાનો પુત્ર નજરે ચડે છે. પિતા અને પુત્રનું મિલન મહાકવિએ કલાત્મક સ્વરૂપમાં દર્શાવ્યું છે. બાળકના હાવભાવ અને તેના ચહેરા પરનું તેજ જોઈને દુષ્યંતને પોતાના બાળક વિષે થતા પ્રશ્નો અને તેના મિલનનું મહાકવિએ ખુબ જ રસપૂર્વક નિરૂપણ કર્યું છે.

“સિંહ ! ઉઘાડ તારૂં મોં, મારે તારા દાંત ગણવા છે.” એવા તેજસ્વી અને હિંમતવાન બાળકથી કરાવાતો સર્વદમનનો પ્રવેશ પ્રેક્ષકોના મન પર પ્રભાવક અસર ઉપજાવે છે. એ પછી એવા એંધાણ મળતા રહે છે કે જેથી રાજાને પોતાનો જ પુત્ર હોવાની પ્રતીતિ થાય છે. પાત્રલેખનની દ્રષ્ટિએ કવિએ પોતાની મૌલિકતાથી સર્જેલું બાળક સર્વદમનનું પાત્ર સંસ્કૃત સાહિત્યમાં એક અમર પાત્ર છે. આગળ જતા ‘ભરત’ તરીકે પ્રસિદ્ધ થયેલો કુમાર બાળપણમાં સિંહ સાથે રમત કરતો તે હકીકત તેના ચરિત્રને ભારે ઉઠાવ આપે છે. પશ્ચાતાપથી શુદ્ધ બનેલો રાજા અને અજાણતાથી મુક્ત થયેલી શકુંતલાનું મારિચૠષિની હાજરીમાં થતું મિલન ખુબ જ આનંદદાયી બની રહે છે. વળી, પુત્રપ્રાપ્તિથી દાંપત્યજીવનની ધન્યતા વિશેષ પ્રકારે ખીલી ઉઠે છે, શોભી ઉઠે છે.

*****

(રાજા અને માતલિ બંને કાલનેમિના ગણને હરાવ્યા પછી ઈન્દ્રના રથથી પાછા ફરે છે.)

માતલિ : આયુષ્યમાન, આ ખરેખર વર્ષ ૠષિની તપની ઉત્તમ સિદ્‌ધિના ફળરૂપે ઉદ્‌ભવેલો હેમકૂટ નામે પર્વત છે. જુઓ બ્રહ્‌માના પુત્ર મરીચિથી જન્મેલા, દેવ-દાનવોના પિતા એવા જે પ્રજાપતિ છે તે પત્ની સાથે અહી તપ કરે છે.

રાજા : તો પછી માતલિ ! હું એમની પ્રદક્ષિણા કરીને જવા ઈચ્છું છું. (રથ અવાજ કર્યા વિના નીચે ઉતરે છે. માતલિ એમની સાથે વાત કરવાની અનુમતિ લેવા માટે જાય છે. ત્યાં સુધી તે તપોવનની ભૂમિને નિહાળે છે.)

રાજા : (શુકન સૂચવીને) સારા પ્રસંગની માટે હું આશા રાખતો નથી. તો હે હાથ ! તું નકામો કેમ ફરકે છે? (કંઈક સાંભળીને) આ અવિનય માટેનું આ સ્થળ નથી, છતાં કોને અહી રોકવામાં આવે છે? (શબ્દની દિશામાં જોઈને, વિસ્મયથી) અરે, જે ખરેખર સામાન્ય બાળકમાં ન હોય તેવા પ્રભાવવાળો આ બાળક કોણ હશે? બે તપસ્વિનીઓ તેમની પાછળ છે. માતાના સ્તનને અડધું ધાવેલ અને ખેંચતાણથી વીખરાયેલ કેશવાળી ધરાવતી સિંહણના બચ્ચાને પોતાની સાથે રમવા માટે પરાણે ખેંચે છે.

બાળક : મોઢું ઉધાડ સિંહ ! મારે તારા દાંત ગણવા છે.

(બને તાપસીઓ તેને અવિનય ન કરવા માટે સમજાવે છે.)

રાજા : આ બાળક પર સગા પુત્રની જેમ મારૂં મન કેમ પ્રેમ કરે છે? ખરેખર, સંતાન રહિતતા જ મને તેના તરફ પ્રેમભરી નજરથી જોવા માટે લાલચુ બનાવે છે. શું આ બાળક ચક્રવર્તી લક્ષણ ધરાવે છે? ગાલની લાલાશથી આખો ચહેરો તેજસ્વિતાથી ચમકે છે.

(રાજા તેને ૠષિકુમાર સમજી બેસે છે. તાપસીઓ કહે છે કે તે ૠષિકુમાર નથી. બંને તાપસીઓ આશ્ચર્ય પામે છે અને તેમના ચહેરાને રાજા સાથે મળતો આવતો હોવાની વાત કરે છે. તાપસીઓ જણાવે છે કે તે પુરૂવંશનો બાળક છે. રાજાના મનમાં આશા જન્મે છે. રાજા તે બાળકના પિતાનું નામ પૂછે છે, ત્યારે તાપસીઓ જણાવે છે કે, ‘એ ક્રુરનું નામ લેવાનું કોણ વિચારે?’ ત્યારે રાજાને અંદેશો આવી જાય છે કે શકુંતલા આ જ આશ્રમમાં છે અને આ બાળક સર્વદમન પોતાનો જ પુત્ર છે.)

શકુંતલા : (પશ્ચાતાપથી ફિક્કા પડેલ રાજાને જોઈને) આર્યપુત્ર જેવા તો આ નથી, તો પછી મારા પુત્રને અત્યારે કોણ શરીર સ્પર્શથી દુષિત કરે છે?

બાળક : (માતા પાસે જીને) માતા, આ કોઈક પુરૂષ મને ‘પુત્ર’ કહીને ભેટે છે.

શકુંતલા : (દુષ્યંત તરફ વિસ્મયથી જોઈને) હે હૃદય, આશ્વાસન પામ, આશ્વાસન પામ. એક વાર રાજાએ ત્યજી દીધેલી હોવાથી હું અત્યારે ધ્રૂજી રહી છું. આંખો પર વિશ્વાસ નથી. હૃદય વિશ્વાસ કરતા અટકી રહ્યું છે. (થોડા સ્વસ્થ થઈને) જય હો ! આર્યપુત્રનો જય હો. (એમ અડધું બોલીને આંસુભર્યા કંઠ સાથે અટકે છે.)

(રાજા શકુંતલાના પગમાં પાડીને તેની માફી માંગે છે. વીંટી બતાવીને સ્મૃતિ પાછી આવી હોવાનું દુષ્યંત કહે છે. મારિચ ૠષિ આકાશ માર્ગથી મહષ્ર્િા કણ્‌વને સંદેશો મોકલાવે છે કે દુર્વાસાના શ્રાપનો અંત આવ્યો છે. સ્મૃતિ મેળવતા દુષ્યંતે શકુંતલાને સ્વીકારી છે. રાજા અને શકુંતલાને મારિચ ૠષિ આશીર્વાદ આપે છે.)

મારિચ : સર્વદમન.... સ્થિર ગતિ ધરાવતા રથ દ્વારા સાગરને તરીને, સાત દ્વીપખંડો ધરાવતી પૃથ્વીને ચોક્કસ જીતશે. ભવિષ્યમાં ચક્રવર્તી રાજા બનશે. અહી જે પ્રકારે પ્રાણીઓનું દમન કરે છે તેથી ‘સર્વદમન’ કહેવાય છે. પરંતુ સમય જતા તે લોકોનું ભરણપોષણ કરશે અને ‘ભરત’ તરીકે ઓળખાશે.

(સર્વે જાય છે.)

સાતમો અંક સમાપ્ત

સમાપ્તમ ઈદમ અભિજ્જ્ઞાન શાકુંતલમનામ નાટકમ