Champa Shaakvadi in Gujarati Women Focused by Viral Chauhan Aarzu books and stories PDF | ચંપા શાકવાળી

Featured Books
Categories
Share

ચંપા શાકવાળી

શાક તો ફક્ત ચંપા શાકવાળીના!! તાજા, માટી વગરના, ઓછામાં ઓછા પ્રમાણમાં જંતુનાશક નાખેલા અને વ્યાજબી વળી ઓર્ગનિક તો ખરા જ!! વૃંદાવન સોસાયટીમાં બીજા કોઈ શાક્વાળાને અંદર આવવાની પરવાનગી હતી જ નહિ. અહીં બધા જ ચંપાના ગ્રાહક હતા. ચંપા ફક્ત શાક જ નહિ સાથે સાથે સવારના ગાયનું દોહેલું દૂધ અને કઠોળ તેમ જ ફણગાવેલા કઠોળ પણ લાવતી. રોજના વપરાશમાં આવતી તાજી વસ્તુ ચંપા પાસેથી મળી રહેતી એટલે અહીંના લોકોને ખુબ જ શાંતિ હતી.

અંદાજે સત્યાવીશ વર્ષની ચંપા પતિને ખેતીવાડીમાં મદદ કરતી, હા ખેતીવાડીનું શાક જ તો તે અહીં આવીને વેચતી. વળી વચ્ચે કોઈ બીજા માણસોની સાંકળ ના હોવાથી ખુબ જ વ્યાજબી દરમાં લોકોને તાજું મજાનું શાક મળી રહેતું. તીખા તમતમતાં શાકમાં પણ વૃંદાવન સોસાયટીના રહેવાસી કુદરતી મીઠાશ માણતા. સહેજ શ્યામ એવી ચંપા દેખાવમાં આકર્ષક અને સવારના પહોરમાં ઉઠીને ખેતીએ વળગવાનું હોય એટલે દેખીતી રીતે જ વળાંક વાળી દેહ્યષ્ટિની સ્વામીની હતી, પાછી હસમુખી અને ચહેરે મોહરે નમણી ખરી તાજા ટામેટાની લાલાશ તેના ગાલની સરખામણીએ કદાચ ફિક્કી લાગતી! અને સ્વભાવે શરમાળ હતી પણ જ્યાં શાક વેંચવા આવતી પોતાના શાકના પેટ ભરીને મીઠા બોલે, સુરીલા સાદે જોડકા અને ટુચકા દ્વારા એવા વખાણ કરતી કે ઘડીકમાં ટોપલા ખાલી!

સવારના અગિયાર વાગ્યે અને સાંજના ચાર વાગ્યે એમ બે વાર રેંકડી હંકારીને શાક વેંચવા નીકળતી. ઋતુ પ્રમાણેની ઉપજ અનુસાર શાક હોય; અને એક એક રીંગણ એવું સાફ હોય કે જેને રીંગણ ના ભાવતા હોય તેને ય ખાવાનું મન થાય જાય!!! બટેટા સુદ્ધા ધૂળ માટી વગરના એટલે ખરીદનારને ઓછામાં ઓછો સો ગ્રામનો નફો તો થતો જ હશે!!! લીલાછમ કુમળા કારેલા જોઈએ જ મોં માં પાણી આવે! વજન કરવામાં ચોખ્ખી ચંપા રૂપિયાનો હિસાબ પણ ઝટપટ કરી નાખતી. આ સોસાયટીમાં તેના નક્કી ગ્રાહકો હોવાથી ચંપાના પતિં ઓધવે કોથમીર મરચાનો મસાલો શાક સાથે મફત આપવાનો નિયમ રાખેલો.

મિસિસ બ્રિગેન્ઝા, દિશા , લતાબેન, સકીના બાનું, માધુરી અને તેના જેવી ઘણી ખરી સ્ત્રીઓ જે વૃંદાવન સોસાયટીમાં રહેતી હતી, તે ચંપાના રોજિંદા ગ્રાહકો. મિસિસ બ્રિગેન્ઝા, દિશા, લતાબેન, સકીના બાનું, માધુરી પાક્કી બહેનપણીઓ, પણ સ્ત્રી જાત હોવાથી ઈર્ષ્યા, અદેખાઈ, દેખાદેખી અને એકબીજાની ચોવટ કરવી એવું તો હોવાનું જ… કોઈ ચંપાની આકર્ષક દેહ્યષ્ટિની ઈર્ષા કરતુ, તો કોઈ તેના જેવી નમણાશના વખાણ કરતુ. સાવ સાદી કોટનની સાડી શરીરે લપેટેલી હોય તોય સુડોળ કમર જોઈને દિશા પોતાની જાતને કોસતી. આવી કમર માટે તે કેટલી કસરત કરતી, ખાવાની જાતજાતની પરેજી પાળતી પણ પરિણામ મળતું નહોતું !!! તો વળી માધુરી કેટલાયે બ્યુટી પાર્લર બદલતી પણ મનમાં એમ લાગતું કે ના આ શાકવાળી જેટલી સુંદર તો નથી જ લાગતી. મીઠું મધુરું બોલીને શાક વેંચતી ચંપાને જોઈને લતાબેન વિચારતા કે આની જેમ બોલવા માટે તેના પતિએ એક એમબીએ થયેલા યુવકને પચાસ હજારના પગાર સાથે નિયુક્ત કર્યો છે જે બાકીના કર્મચારીને બિઝનેસ પ્રોડક્ટ કેવીરીતે સેલ કરવી તે શીખવે. તો સામે પક્ષે ચંપા પણ લતાબેનની મોંઘી મોંઘી સાડી જોઈને લલચાતી. દિશા જેવી ટીપટોપ બનીને ફરવાનું મન થતું. માધુરીની જેમ બ્યુટીપાર્લરમાં જવાના સપના જોતી લાડવો હંમેશા પારકે ભાણે જ મોટો દેખાય! મિસિસ બ્રિગેન્ઝાને તો વળી પોતાના સ્ટેટ્સ અને મોટા પગારની જોબનું ગુમાન હતું. મિત્રવૃંદમાં પોતાની છોકરી ટિયા જયારે ફાંકડું અંગ્રેજી બોલતી અને લોકો લંગડાતી ભાષા બોલતા ત્યારે તે ગર્વથી મોં ઊંચું કરીને કહેતી અમારી ટિયા બહુ જ હોશિયાર છે, તે હંમેશા વટ મારતી મેં મારી પુત્રીના ઉછેરમાં આજ સુધી કોઈ જ પ્રકારની બાંધછોડ કરી નથી. દરેકે દરેક સુવિધા પ્રાપ્ત કરાવી છે એક વખતમાં બધું જ ગ્રહણ કરી લે છે અને મારી તો જોબ છે જ એકદમ હાઈ સ્ટેટ્સની એટલે દેખીતી રીતે જ તેનું પાલનપોષણ ઊંચા દરજ્જાનું જ હોવાનું.

સાગના સોટા જેવી સ્ફૂર્તીલી હંમેશા હસતી રહેતી ચંપા આજે સોસાયટીમાં આવતાવેંત જ બેસી ગઈ આજે શાકના વખાણ પણ નહોતી કરતી તેનું ધ્યાન પણ ફક્ત શાક જોખવામાં જ હતું. લતાબહેને કહ્યું, “કેમ આજકાલ તું થોડી થાકેલી રહે છે તબિયત ઠીક નથી કે શું ??” સાડલાથી ચહેરો લૂછતાં ચંપા બોલી, “બેન મારે સારા દિવસો જાય છે હવે થોડો થાક લાગે છે !!!” તરત જ લતાબહેનની નજર તેના પેટ પર પડી, સ્ત્રીવૃંદમાંથી કોઈએ શુભેચ્છા પાઠવી તો કોઈએ કાળજી રાખવાની સલાહ આપી તો કોઈએ શું ખાવું શું ના ખાવું તેની એક યાદી જ બનાવીને આપી દીધી.

એમાં જયારે મિસિસ બ્રિગેન્ઝાને ખબર પડી કે હવે ચંપાને સારા દિવસો જઈ રહ્યા છે, એટલે તેણે ચંપાને પણ ના છોડી, “જો ચંપા તમે લોકો ભણેલા ગણેલા તો છો નહિ એટલે કહું છું એક બાળક બસ થઇ ગયું; તમારા જેવા લોકો તો બાળકોની વણઝાર ઉભી કરી દેતા હોય છે! હા ખેતીવાડીનો ધંધો છે એટલે ખવડાવવાનો તો વાંધો તો નહિ પડે પણ બાળકના ઉછેર માટે તે જન્મે ત્યારથી લઈને તે પગભર થાય ત્યાં સુધી માતાપિતાએ સતત જાગ્રત રહેવું પડતું હોય છે, માટે માટે એક બાળક બસ છે.” ચંપાને થોડું ખરાબ લાગ્યું જુવાન લોહી હતું ને!! પોતે ભણેલી હોત તો આમ શાક વેચવા થોડી આવત. તે ય સપના જોતી કે તેનું બાળક પણ ટિયા જેવું હોશિયાર બને પણ આમ જાહેરમાં અને આવી રીતે બ્રિગેન્ઝા બોલી તે તેને ગમ્યું નહિ. પણ હકીકત તો સ્વીકારવી જ રહી ને કે પોતે છે તો આખરે એક શાકવાળી જ ને??!

ચાર મહિનાથી ચંપાનો પતિ ઓધવ રેંકડી લઈને આવતો રહ્યો. અને આજે તેને સોસાયટીમાં ખુશી સમાચાર આપ્યા કાલે જ ચંપાએ એક સુંદર પુત્રરત્ન ને જન્મ આપ્યો છે. મિસિસ બ્રિગેન્ઝાને થોડો કચવાટ થયો ઓહ છોકરો... પણ મોં પર ભાવ સરખા કરી તરત બોલી ઉઠી, “હા બહુ સારા સમાચાર છે. હવે તો એકાદ મહિના પછી ચંપા આવશે ને ઘણા વખતથી તેના જોડકા અને ટુચકા નથી સાંભળ્યા. તેના વગર જાણે મસાલેદાર શાક પણ જાણે મીઠા વિનાનું!!!” બધાને એ ઉપમા બહુ જ સારી લાગી; અને આતુરતાથી સાંભળી રહ્યા કે હમણાં ઓધવ બોલશે હા હો હવે જલ્દી જ ચંપા કામે ચડી જશે . પણ ઓધવ કઈ બીજું જ બોલ્યો, “ચંપા અમારી છે તો કામઢી, એક જગ્યાએ શાંતિથી બેસે નહિ; પણ એ કઈ હમણાંથી શાક વેચવા નીકળવાની નથી. હજી તો હમણાં છોકરો જન્મ્યો છે, જો એક જ મહિનામાં આમ ઘરની બહાર નીકળી જાય તો બાળક અમૃત સમાન માંના દૂધથી વંચિત ના રહી જાય ?? ચંપા તો છ સાત મહિના પછી જ નીકળશે ઘરની બહાર ત્યાં સુધી ઘરમાં રહીને ખેતીવાડીનું કામકાજ સંભાળશે.” કહેતા તેણે મિસિસ બ્રિગેન્ઝાને શાક જોખીને આપ્યું. તે વિચારતી હતી કે પોતે ડિલિવરી પછી ફિગર મેન્ટેન કરવા જોબના બહાને કેટલી જલ્દી ઓફિસ જોઈન કરી લીધી હતી…. ડગલેને પગલે તેની દરેક જરૂરિયાત પુરી કરવામાં મસ્ત બ્રિગેન્ઝા ટિયાના જન્મસિદ્ધ હક સમાન દૂધ પાવામાં જ પછી પડી ગઈ હતી. જો પાયો જ નબળો રહી જાય અને ઊંચાઈ મજબૂત કરવાનો મતલબ શું ?!

***