‘’યાદ પિયાની આવે ‘’
ચેતના કે. ઠાકોર
બેંગલોરથી પાછી આવેલી નમીતાએ મુંબઇના એરપોર્ટથી ઘેર પહોંચવા ટેક્સી લીધી. ટેક્સીમાંથી ઉતરી, પૈસા ચૂકવી, બેગ લઈ, પોતાના ગ્રાઉંડફ્લોરનાં ફ્લેટના આંગણાંમાં પ્રવેશતા તેણે ચારે તરફ જોયું. લીલાછમ બાગમાં કેટલી લીલી સૂકી યાદો સમાયેલી હતી .સંબંધની આ આખરી દોર બીજાના હાથમાં સોંપીને ખાલી હાથે અને ભારે હૈયે તે ઘરમાં આવી, પણ ઘરની બંધિયાર હવામા એ ગહેરી એકલતાનો અનુભવ કરવા લાગી. ઘરની અને દિલની બધી જ બારીઓ ખોલી અને તાજી હવાના સ્પર્ષે એને ભૂતકાળમાં ધકેલી દીધી. યાદોના સમુદ્રમાં ઉછળતાં મોજા વચ્ચે એ એકલી તરી રહી હતી.ના કિનારો,ના સહારો, એ તો આ અફાટ સમુદ્રમાં તરંગો ઉપર એકલી જ વહી રહી હતી. આજે ત્રીજી દીકરીને પરણાવીને સાસરે વળાવી, મા હોવાની ફરજ પૂરી કરી. લગ્ન સમારંભ સારી રીતે ઉજવાયો હતો. પહેલી બે દીકરીઓ પરણીને અમેરિકા ગઇ હતી અને ત્રીજીને બેંગલોર પરણાવી આવી. લગ્નબાદ એ બન્નેએ કાલે ત્યાંથી જ અમેરિકા જવા ફ્લાઇટ પકડી. એક અઠવાડિયુ બેંગલોર રહી, એટલામાં તો આબાગનાં છોડ જાણે પાણી વગર રીસાઇ ગયાં હતાં. આ છેલ્લી ઢીંગલી હતી. હવે રમવાનુ બંધ. પણ જિંદગી હતી, ત્યાં સુધી ખેલદિલીથી રમવું જ પડશેને! ગેમ વચ્ચેથી બંધ થોડીને થશે! હવે પતિ સાથેની બેટીંગ શરુ. એને યાદ અવી એ ઘડી ,જ્યારે હોસ્પિટલમા નર્સે ત્રણ ઢીંગલીઓ એના હાથમા મૂકી હતી. ટ્રીપલેટ આવ્યાં હતાં. સમય જતાં ચાલતા શીખતી હતી, ત્યારે ઘરમાં ઝાંઝરનો છનક છન અવાજ આવતો હતો. મોટી થતી ગઇ અને ત્રણેની કિલકારીઓથી ગુંજતુ ઘર અત્યારે એટલુ શાંત થઇ ગયુ હતુ કે એના શ્વાસોશ્વાસનો અવાજ પણ ઘોંઘાટ જેવો ડરાવતો હતો. એ પોતાનુ સર્વસ્વ દાન અપીને આવી હતી. પૈસા ના હોય તો પણ કન્યાદાન તો એવુ દાન છે કે એનુ પુણ્ય માને મળે જ. પોતાના કાળજાના ટુકડાઓનુ દાન કર્યું હતું, અને ખાલી હાથે પાછી ફરી હતી.
’દાદાનો દીકરો, પા –પા પગલી પાડતો જાય, રમતો જાય, હીંચકે બેસી જમતો જાય, બટકુ રોટલી ખાતો જાય.’એના સસરાનો અવાજ યાદોની ગહેરાઇ માંથી સંભળાયો. આ જ હીંચકે બેસાડીને દાદુ યાને એના સસરા, એની ત્રણે દીકરીઓને જમાડતા અને રમાડતા, જ્યારે પોતે આ બાળકોને ઉછેરવાની કૌટુમ્બિક અને આર્થિક જવાબદારીથી ઘેરાઇ ગઇ હતી. એના પ્રેમે અચાનક દગો દીધો અને બાળકોના ઉછેર, પોતાની કેરીઅર અને એકલા પડી ગયાનો અહેસાસ, એવા પહાડ જેવા પ્રશ્નો ઉકેલવાના હતાં. દીકરીઓને માની સાડીનો હૂંફવાળો ખોળો છોડવો પડ્યો હતો પણ દાદાનો ખોળો, વાત્સલ્ય, નાની નાની વાર્તાઓનો ખજાનો અને આ એરકંડીશન હીંચકો, બારે માસ માટે રીઝર્વ થઇ ગયાં હતાં. પોતે પણ નાનપણમાં મમ્મીના સાડલાનો છેડો આંગળીઓમાં વીંટાળતી હતી અને ઉંઘ આવી જતી .પણ પોતાના બાળકોને એ આ હૂંફ નહી આપી શકે એનો ખેદ રહેતો, કારણ આર્થિક જવાબદારી એના શિરે આવી હતી..પણ દીકરીઓ સાત આઠ વર્ષની હતી ત્યારે અચાનક એમનાં દાદુ એમનાં જીવનમાંથી અદ્રશ્ય થઇ ગયાં. બાળકોને સમજ ના પડી શું થયું? એણે દીકરીઓને સમજાવ્યું કે, દાદુ દૂર દૂર ભગવાનને ઘેર ગયા હતા. તે ક્યારેક તારો થઇ આકાશમા દેખાશે .એક મોટો આધાર એને નિરાધાર કરી ગયો. દોષ કોને દેવો? પોતાનો જ રૂપિયો ખોટો હતો. શ્યામ ! ક્યાંથી શરૂ થઇ આ રામાયણ ની કથા? દરેક યુગમા રામે સીતાનો ત્યાગ કરવાનો? સીતાને બે બાળકો હતા અને પોતાને ત્રણ હતાં
શામ એનો પ્રેમી,અનો પતિ, એનો બચપણનો દોસ્ત, એની શાળામા ભણતો હતો અને એના ઘરની પાસે જ રહેતો. સાંજે બન્ને શાળાએથી આવીને, શામને ઘેર, આ જ બાગની ભીની ભીની વનરાજીમાં રમતાં. બાગમાં જામફળ, કેરી, જામ્બુ તોડતાં. જાસૂદ અને કરેણની નીચે બેસતાં. પાકી દોસ્તી હતી પણ કોઇ વિકારની ભાવના ક્યારે પણ ના હતી. સામેના કબાટનાં કાચમાં નાનકડા શામનું જાણે પ્રતિબિંબ દેખાયું. એ સ્વગત જ બોલી.”શ્યામ તને યાદ છે ? જામફળ તોડવા તારી કે મારી ઊંચાઇ પર્યાપ્ત ના હતી એટલે તુ બે હાથનાં અંગળાનાં અંકોડા કરતો અને એના ઉપર હું ઉભી થઇ, ત્યારે છેક જામફળને પહોંચ્યાં અને તોડ્યુ તો ખરું, પણ બન્ને ભોંય ભેગા થયેલા?” એ હસવા લાગી .હસતા હસતા આંખમા પાણી આવી ગયા. ‘’એક જ કાચુ જામફળ અને બે ભાગ કેમ પડે? આ તો, બે બિલાડી અને વાંદરાની વાત થઇ ગઇ. પણ આપણે બન્નેએ લડ્યા વગર એક જ જામફળને એક એક બટકુ વારા ફરતી ભરીને વહેંચી લીધુ. તો હેં શ્યામ, આપણા જીવનમા બે બિલાડી વચ્ચે વાંદરાની વાર્તા કેવી રીતે આવી?”
મનના ઉંડાણમાથી અવાજ આવ્યો , ”તારા વીના શામ મને એકલુ લાગે ,’ અને યાદ આવ્યા ત્રણે દીકરીના દીધેલા કંન્યાદાનના પ્રસંગો , જ્યારે બાજૂમા દીકરીઓના પિતાને બેસવાનો પાટલો ખાલી હતો ફરી ભૂતકાળમાં સરી પડી. શાળા છોડી કોલેજમા પહોંચી. મા, બાપુ અને મામુ કહેતા કે તેણે ભણવાનુ , મોટા માણસ બનવાનુ અને પોતાના પગ ઉપર જ ઉભા રહેવાનું. ક્યારેક એવા દિવસો આવશે, ત્યારે સમાજમા એકલા ઉભા રહેવા જ્ઞાન અને અભ્યાસની જ જરૂર પડશે. ત્યારે તો કાંઇ સમજ પડતી નહી. પણ આજે સમજાયું કે, એકલા ઉભા રહેવું એટલે શુ? દસમાં ધોરણમા એંશી ટકા આવ્યા. બાપુએ સાયંસમા એડ્મીશન લેવડાવ્યુ. કોલેજના કાળમાં પ્રેમની કેમીસ્ટ્રી શીખતાં દાઝવાનો ડર રહેતો. બાયોલોજીમાં શરીરમા ઉદ્ભવતા પાચક દ્રવ્યોને બદલે મગજમા વિચારનાં રસાયણોનો ઉપદ્રવ થતો .આવા ગૂંચવણ ભરેલા સમીકરણોથી મૂંઝાઇ જવાય. ત્યારે શામની દોસ્તી કોલેજમા હિંમત આપતી. આ દરમ્યાન એમની ટોળીમાં તનીશાનો સમાવેશ થયો હતો. કોલેજનાં પહેલા વર્ષમાં ત્રણે ખૂબ જ શીદ્દતથી ભણતાં હતાં. પણ બીજા વર્ષમાં એણે બાયોલોજી લીધું અને શામે ઘરનો ધંધો સંભાળવા બી. એસ. સી. .કરવાનો નિર્ણય લીધો તથા તન્નુએ ઇંડીયામા ગ્રેજ્યુએશન કરી અમેરિકા જઇ એમ.બી. એ. કરવાનો નિર્ણય લીધો. એટલે એક જ સાયંસ કોલેજમાં ત્રણે જૂદી જૂદી વિદ્યાશાખામાં(ફેકલ્ટીમા) ગયાં. નમીતાની મમ્મી ફિઝિઓથેરપીસ્ટ હતી એટલે એણે નમીતાને ફિઝિઓથેરેપીસ્ટ થવાની સલાહ આપી. બારમી પછી ચાર વર્ષનો અભ્યાસ ક્રમ હતો. બધા જ વિઘ્નો ઓળંગીને પાસ થઇ. ઇંટર્નશીપ કરી, માની ગાઇડંસમા પ્રેક્ટિસ શરુ કરી. શ્યામ હમેશાં એની પડખે રહેતો. મૂંઝવણમાં અને મુશ્કેલીઓમાં રસ્તો કાઢવામાં મદદ કરતો.
જીવનનો નવો આધ્યાય શરૂ થયો .એના જેવી ભણેલી છોકરીને માટે ભણેલો વર શોધવાનો. પણ ભણેલો પતિ સમજુ હોય એવી ગેરંટી કોણ આપેછે ? એની સામે પહેલો વિકલ્પ હતો શ્યામ. વર્ષોની દોસ્તી કસોટી પર મૂકવાની હતી. પહેલ કોણ કરે? ખાસ મિત્રની મૈત્રી આવી દરખાસ્તથી ગુમાવવાનો વારો આવે તો? એ પોતાને જીવનસાથીની દ્રષ્ટિથી જૂવે છે કે નહીં ! એ કેમ જાણી શકાય? પણ એમની વચ્ચે તન્નુ હતી. એણે બન્નેને રીઅલાઇઝ કરાવ્યુ કે એ બન્ને એક બીજા માટે જ બન્યાં હતાં. બે દોસ્ત, બે પ્રેમી બન્યાં અને પ્રેમીથી પતિ-પત્ની. વેવિશાળથી લગ્ન સુધીનો સમય કોઇને ઓળખવા પર્યાપ્ત નથી .જ્યારે મળો ત્યારે જીવનની શ્રેષ્ઠ પળોને માણવા મળે, પણ એકબીજાનો ખરો સ્વભાવ સહજીવન પછી જ જાણવા મળે. નમીતાને એવો પ્રોબ્લેમ ના હતો. એ તો શ્યામની રગેરગથી માહિતગાર હતી. આ દરમ્યાન તન્નુ અમેરિકા ભણવા ચાલી ગઇ હતી. હવે એમની વચ્ચે કોઇ ના હતું. સહજીવન શરુ થાય ત્યારે પત્ની સુંદર અને હોશિયાર હોય ત્યારે ઇર્ષ્યા અને ઇગો નડે, પણ નમીતાને ખબર હતી કે શામ એવો ના હતો. લગ્નનાં શરુઆતના વર્ષોમા એમને બાળક જોયતું ના હતું. નમીતાએ ત્યાં સુધીમાં માસ્ટર ડિગ્રી લીધી અને શામ પિતાના ધંધામા આગળ વધ્યો. લગ્ન બાદ,પાંચ વર્ષ સુધી બાળક ના થયું એટલે વડીલોએ એમને ડોક્ટરની સલાહ માટે પરાણે મોકલ્યાં. ના કહેવા જેવી એ પેઢીની હિંમત પણ ના હતી. ડોક્ટરની એક જ સાયકલની ટ્રીટમેંટથી નમીતાએ ટ્રીપલેટ્સ યાને ત્રણ બાળકોનો ગર્ભ ધારણ કર્યો. તબિયતની ખરી કાળજી લેવાની હતી. સંયુક્ત કુટુંબમા આવો સમય સચવાઇ જાય. એના સાસુ સસરા એ જ બિલ્ડિંગમાં ઉપરના માળે રહેતાં હતાં અને મમ્મીનું ઘર પણ નજીકમાં હતુ. પૂરા મહિને એણે ત્રણ પુત્રીઓને જન્મ આપ્યો . અહીંથી જીવનની નવી કસોટી શરુ થઇ .તન્નુ તો વાજતે ગાજતે અમેરિકા પ્રયાણ કરી ગઇ હતી. પણ એનો જીવ હિંદુસ્તાની હતો. ભગવાન જાણે ક્યારે અને કેમ ! તે દર વર્ષે આવતી, ત્યારે એમના આશિયાનામા જ ઉતરતી અને વાવાઝોડાની જેમ પોતાની છાપ છોડી જતી. નમીતા ત્રણ દીકરીઓને ઉછેરવામાં વ્યસ્ત હતી. ત્યારે અવાર નવાર આવતી તન્નુએ એના ઘરમાં અને ત્યાર બાદ બેડરૂમમાં અડ્ડો જમાવ્યો. ત્રણે બાળકીઓ નાની હતી, એટલે લગભગ આખી રાત જાગવું પડતું. શ્યામને તો બીજે દીવસે ઓફિસ જવાનું હોય, એટલે એ બાળકીઓને લઇંને બાજૂના રૂમમાં જતી રહેતી. આ દરમ્યાન તન્નુએ ક્યારે એની જગ્યા પચાવી પાડી એનો અંદાજ પણ ના રહ્યો. સાસુ સસરા ઉપરનાં માળે રહેતાં હતાં. દિવસ દરમ્યાન છોકરીઓને રાખવામાં મદદ કરતાં, પણ રાત્રે ઘરમાં ખેલાતી રાસલીલાથી નમીતા કે સાસુ સસરા અજાણ રહ્યાં. નમીતાએ જ્યારે બન્નેને રંગે હાથ પકડ્યાં, ત્યારે શ્યામે એને ઘરનો દરવાજો બતાવી દીધો. વાત ઘર છોડવા સુધી આવી ગઇ. નમીતાને માથે આભ તૂટી પડ્યું .પણ સાસુ સસરાની સલાહથી અને એમના સહકારથી એણે ઘર છોડવાની ઘસીને ના પાડી. ત્રણ દીકરીઓને ઉછેરવાની, ભણાવવાની, પોતાની પ્રક્ટિસ જમાવવાની, કેટલી લાંબી ડગર તય કરવાની બાકી હતી. ક્યાંથી શરુઆત કરે ? ઘર છોડીને ક્યાં જાય?. પિતાજી ન હતાં, એટલે મા ઉપર ભાર નાખવાનો વિચાર ના હતો. માએ તો પગભર રહેવા તૈયાર કરી હતી. એણે નિર્ણય કર્યો કે તે પોતાના પગ ઉપર ઉભી રહેશે. પતિને જ્યાં જઇને ઘર વસાવવું હોય ત્યાં જાય.પોતે ઘર નહી છોડે અને દીકરીઓના હક્ક માટે એક લાંબી કાનૂની લડત આપશે.સાસુસસરા પણ આ લડતમાં તેની સાથે જ હતાં. શરૂઆતમાં પવનથી બારણાનો અવાજ આવે અને દિલ ધડકે કે શ્યામ પાછો આવ્યો.એક નાની આહટ પણ એને આશાનુ કિરણ આપતી. પણ સમય જતાં આ આશા ઠગારી નીકળી. એનો મિત્ર, પ્રેમી અને પતિ બનેલો શ્યામ, એક સારો પિતા ના બની શક્યો? સાસુસસરા લાંબી જીવન યાત્રા દરમ્યાન, દુનિયા છોડી ગયાં. ફિઝિઓથેરેપીની પ્રક્ટિસ કરતાં કરતાં,એણે સાયંસના ટ્યુશન પણ કર્યા, શનિ- રવિ આર્ટ અને ક્રાફ્ટ્ના ક્લાસીસ ચલાવ્યા, જેથી દીકરીઓને બહાર ટ્યુશન પર મોકલવી ના પડે અને વધુ કમાણી થાય. એક એક દિવસનો હિસાબ આપતી યાદો હતી..એક જ પૈડાથી જીવનરથ ચલાવ્યો હતો. પણ જીવન જીવ્યાનો હવે તો ભાર લાગતો હતો, થાક લાગતો હતો. દીકરીઓને ઉછેરવી, ભણાવવી અને પરણાવવી એ રમતના ખેલ ના હતો.દીકરીની જિંદગીનો પણ એકએક મિનિટનો હિસાબ રાખવો પડતો. કોઇનો પગ ક્યાંય લપસવો ના જોઇએ. જીવનની આ આરાધનામાં, હરએક ડગર ઉપર એના પેશંટો અને ટ્યુશન કર્યા, એ બાળકોનાં માતાપિતાએ ખૂબ આધાર આપ્યો. એક દીકરી પોતાની જેમ ફિઝિઓથેરેપીસ્ટ થઇ અને બે એંજિનિયર. ત્રણે હોંશિયાર હતી. સ્કોલરશીપ પણ મળતી. પતિ ઉઘાડે છોગ તન્નુ સાથે ભાડાના ઘરમાં રહેતો. પણ ક્યારેય છોકરીઓના ભણતરનો કે ઉછેરનો ખર્ચો આપ્યો નહી. જ્યા સુધી એલીમની અને દીકરીઓનો મહિને ખર્ચો ના આપે, ત્યાં સુધી કોર્ટે પણ નમીતાને ઘર ના છોડવાનો આદેશ આપ્યો હતો, શામનાં માતાપિતા પણ એ જ ઇચ્છતાં હતાં કે આવો બીનજવાબદાર પુત્ર ઘરમાં પાછો ના આવે અને એમની પુત્રવધુને ત્રણ બાળકીઓ સાથે ઘર છોડવું ના પડે. કોર્ટનો હુકમ હતો પછી તો શા માટે એ ઘર છોડે? છોકરીઓને ઉછેરેવાનો ખર્ચ એ ના આપે તો પોતે કેમ ડીવોર્સ આપી એને મુક્ત કરે? પતિની હયાતીમા પણ ત્યજાયેલા રહેવાની સજા ભોગવી હતી. પતિને જિંદગીભર કાનુની રીતે લગ્ન ના કરી શકે એવી કાયદાની કલમ કોર્ટે ફરમાવી હતી, જેનો નમીતાને કોઇ અફસોસ ન હતો. એ તો શ્યામના કર્મોની ઉપરવાળા ન્યાયાધીશે આપેલી સજા હતી. તમારું પોતાનું કહેવાય એવુ એક કુટુંબ અને એક ઘર માટે તરસ્યા કરવુ, એ જ શામના જીવનની સજા હતી. જીવનની દરેક કસોટી પાર કરીને આજે નમીતા આયનામાં પોતાની જાતને મુલવી રહી હતી. પોતાની પાસે યાદોનો ખજાનો હતો, બાળકોની સ્ક્રેપબુક હતી. જીવન જીવવા માટે કેટલું વિશાળ યાદોનુ બેલેંસ હતુ ! હજુ પણ જીવનનો ખેલ ખતમ નથી થયો .ઘરની અને નિર્વાહની લડત ચાલુ હતી. કોનો નિર્વાહ? છોકરીઓ તો જીવન એકલવાયુ કરીને વિદાય થઇ. હવે શાની લડાઇ? શું હાથમાં આવ્યું? સસરાએ શામ પાછો ના આવે તો ઘર નમીતાના નામે કરવાની શરત વસિયતમાં લખી હતી. બસ હવે એ નિર્વાહનો કેસ પાછો ખેંચી લેશે. ફક્ત છૂટાછેડા નહી આપે. એવામા એના ઘરના ફોનની રીંગ વાગી અને બે રીંગ વાગ્યા બાદ બંધ થઇ ગઇ. એ ચમકીને વર્તમાનમા આવી.
અરે! કેટલો સમય વીતી ગયો ! બે-ત્રણ કલાકથી આમ જ આયના સામે ઉભી ઉભી શું કરતી હતી ? સાંજ પડવા આવી હતી. ચા પીને નીકળવાનુ હતું. સાત વાગ્યાથી પેશંટ્સને અપોઇંટમેંટ આપી હતી. અને એ ભૂતકાળ ખંખેરીને ક્લીનીક જવા રવાના થઇ. ત્યાં જ એના મોબાઇલ ઉપર વકીલનો ફોન આવ્યો, બીજે દિવસની કોર્ટની મુદતનો સમય યાદ કરાવવા.
લેખિકા:ચેતના ઠાકોર
9920656360.