Aafat - 10 in Gujarati Detective stories by Kanu Bhagdev books and stories PDF | આફત - 10

Featured Books
Categories
Share

આફત - 10

આફત

કનુ ભગદેવ

10: સુનિતાનો આત્મા...!

અમરના પગ તેની નજીક પહોંચીને આગળ વધતા અટકી ગયા.

‘ત...ત...તું?’ જાણે સંમોહન તૂટ્યું હોય એમ એના ગળામાંથી ભય અને આશ્ચર્ય ભર્યો ધ્રુજતો અવાજ નીકળ્યો. ખોફ અને દહેશતથી એની આંખો ફાડી પડી હતી. સુનિતાને જીવતી-જાગતી પોતાની સામે ઊભેલી જોઈને તેના મોતિયા મરી ગયા હતા.

જવાબમાં સુનિતાએ સ્મિત ફરકાવવાનું બંધ કરી, દાંત કચકચાવી, સળગતી નજરે તેની સામે જોઈને કહ્યું, કેમ...?બીજાં લગ્ન કરીને તને મળેલા કરિયાવરનો સ્વાદ તે માણી લીધો? હવે કેમ તારી પત્નિ પાસે નથી જતો? શા માટે તેના પગ નથી દાબતો? જા...જા...તારે તો કરિયાવર જોઈતું હતું ને? તો પછી જા...જઈને તારી પત્નિના પગ દાબ!’

‘હ...હ....હું....હું...’ અમર થોથવાયો. ભયથી એની જીભ તાળવે ચોંટી ગકઈ હતી. એનો દેહ હિસ્ટીરીયના દર્દીની જેમ ધ્રુજતો હતો. એની જીભ પર જાણે કે લકવાનો હુમલો થયો હતો. મદદ માટે બૂમ પાડવાની શક્તિ પણ તેનામાં રહી નહોતી.

સુનિતા ધીમે ધીમે આગળ વધી, તેની એકદમ નજીક પહોંચીને ઊભી રહી ગઈ. પછી એણે તેનું ગળું પકડી લીધું.

‘ કમજાત... સુવ્વર..લબાડ!’ એ પોતાના એક એક શબ્દ પર ભાર મૂકતાં બોલી, એના જવાબમાં ભારોભાર નફરત હતી, ‘તું મને રમકડું માનતો હતો? તારી ગુલામ માનતો હતો? મારી ગરીબ મા તમને કરિયાવરમાં ત્રણ લાખ રૂપિયા નહોતી આપી શકી એટલા માટે તુ મને કઠપુતળીની જેમ મન ફાવે તેમ નચાવતો હતો? જે છોકરીના ગરીબ મા-બાપ લગ્ન વખતે કરિયાવર ન આપી શકે એ છોકરી માત્ર એક કઠપુતળી જ હોય છે? બોલ, જવાબ આપ!’

અમર પાસે તેની વાતનો કોઈ જવાબ નહોતો. અને કદાચ હોય તો પણ ભયથી જીભ તાળવે ચોંટી ગઈ હોવાને કારણે તે કશઉં યે કહી શકે તેમ નહોતો. મર્યા પછી સુનિતા ભૂત બની જશે અને આવીને પોતાની ગરદન પકડી લેશે એની તો તેણે સ્વપ્ને ય કલ્પના નહોતી કરી.

‘તો તારી પાસે મારા સવાલનો કોઈ જ જવાબ નથી ખરૂં ને?’ સુનિતાનો જવાબ ઘાયલ થયેલી ઝેરીલી નાગણના ફૂફાડા જેવો હતો, ‘કંઈ વાંધો નહી. આજે મારી પાસે બધા જ સવાલોના જવાબ છે. સાંભળ, પૈસા અને કરિયાવરના ભૂખ્યા શયતાન સાંભળ! લગ્ન વખતે કરિયાવર ન લાવી શકનાર સ્ત્રી રમકડું નથી હોતી. રમકડું તો એ કમજાત પુરૂષ હોય છે કે જે લગ્ન વખતે મન ફાવે તેટલું કરિયાવર માંગીને, પૈસા માંગીને વેચાઈ જાય છે. તું પણ વેચાઈ ગયો છે. અને આ વાતનો અનુભવ પણ તને થઈ ગયો છે. જા. જઈને તારી નવવધુ સુહાગરાત મનાવવાને બદલે તેના હુકમનું પાલન કરીને એના પગ દાબ અત્યાર સુધી તે ઘણી વખતે એક ગરીબની દિકરી પાસે પગ દબાવી લીધા છે. હવે પગ દાબવાનો તારો વારો આવ્યો છે. આ પૈસાદારની દિકરી કિરણ તમને બધાને મજા ચખાડશે. એની પાસે તમારી પાસે કેટલી હેસિયત છે એ દેખાડશે. પણ...ખેર....તારામાં હિંમત નથી, અત્યારે તને શરાબની સખત જરૂર છે. ખરુંને...? દરરોજ રાત્રે તુ મને તારે માટે પગ તૈયાર કરવાનો હુકમ કરતો હતો. અને હું દરેક વખતે તારી વાતનો વિરોધ કરતી કે મને શરાબ પ્રત્યે સખત નફરત છે. પણ આજે...? આજે હું સામેથી, મારા હાથેથી તને શરાબ પીવડાવીશ... અને એટલો બધો પીવડાવીશ કે ભવિષ્યમાં તું ક્યારેય શરાબનું નામ પણ નહીં લે!’ કહીને એ ઝડપથી નીચે નમી.

એ જ વખતે અમરે પણ નીચે જોયું તો લોનના ઘાસ પર એક-બે નહીં પણ શરાબની પૂરી સાત બોટલ પડી હતી. એ જે બ્રાન્ડની શરાબ પીતો હતો એ જ તે હતી. પછી અચાનક તેને યાદ આવ્યું કે પોતાના કબાટમાં પણ સાત બોટલો જ પડી હતી. જરૂર આ બોટલો એ જ હતી. પરંતુ રૂમમાંથી આ બોટલો અહીં લોનમાં કેવી રીતે પહોંચી ગઈ?’

આ વાત યાદ આવતાં જ અમર પગથી માથાં સુધી ધ્રુજી ઊઠ્યો. એનું આખું શરીર પરસેવે રેબઝેબ બની ગયુ.

પછી અચાનક બોટલનાં કોકને બંને દાંત વચ્ચે દબાવી, ઉઘાડીને પોતાની તરફ સુનિતાને આગળ વધતી જોઈને એણે ચીસ પાળવા માટે મોં ઉઘાડ્યું. પરંતુ એ ચીસ પાડે એ પહેલાં જ સુનિતાએ પોતાના હાથમાં રહેલી ખુલ્લી બોટલનો ઢાંકણ ઉધાડેલો ભાગ તેનાં ઉઘાડા મોંમા મૂકી દીધો. પછી એણે બીજા હાથેથી તેનું નાક દબાવી દીધું.

પરિણામે અમરને ન છૂટકે શ્વાસ લેવા માટે શરાબ પીવો પડ્યો.

એ નીચે ઘાસ પર પડી ગયો હતો.

એક બોટલ ખાલી થઈ ગયા પછી સુનિતાએ બીજી બોટલ ઉઘાડીને તેનાં મોં એ માંડી દીધી. ત્યારબાદ ત્રીજી...ચોથી...પાંચમી....એમ કરતાં સાતેસાત બોટલો પૂરી કરી નાખી

અમરના ડોળા ફાટી ગયા. હાથ-પગ એકદમ શિથિલ બની ગયા. એક વખત પડ્યા પછી તે ઊભો થઈને થઈ શક્યો નહી.

એની આંખોમાંથી જીવનની ચમક ઊડી ગઈ હતી.

એ મૃત્યુ પામ્યો હતો.

સુનિતા નફરતથી તેના પર થૂંકીને બંગલાનાં અંદરના ભાગ તરફ આગળ વધી ગઈ.

***

અત્યારે રાત્રિના બે વાગ્યા હતા.

કમલા પોતાનાં રૂમમાં જઈને સૂઈ ગઈ હતી.

પરંતુ હિરાલાલે હજુ પણ જે રૂમમાં કરિયાવરનો સામાન પડ્યો હતો, ત્યાંથી ખસવાનું નામ જ નહોતું લીધું. કમલાએ તેને સૂઈ જવાનું કહ્યું હતુ પણ એણે પગલાની જેમ કરિયાવરનાં સામાન પર હાથ ફેરવતાં જવાબ આપ્યો હતો-’તારે સૂવું હોય તો તારા રૂમમાં જઈને સૂઈ જા. મને તો આજે ઊંઘ નહીં જ આવે. જોતી નથી લાખો રૂપિયાનો સામાન પડ્યો છે આ રૂમમાં! આટલો વિશાળ રૂમ હોવા છતાં પણ તે કેટલો નાનો લાગે છે? જો હું સૂઈ જઈશ અને પાછળથી કોઈક કરિયાવરનો આ કીંમતી સામાન ચોરી જશે તો? ના, મારે નથી સૂવું.

કમલા એની વાત સાંભળીને સૂવા માટે પોતાનાં રૂમમાં ચાલી ગઈ. આખા દિવસનો થાક હોવાને કારણે પલંગ પર પડતાં જ તે ઘસઘસાટ ઊંઘી ગઈ.

થાકી તો હિરાલાલ પણ ગયો હતો. પરંતુ એ કરિવારનાં કીંમતી સામાનથી જરા પણ દૂર જવા નહોતો માંગતો. પરિણામે તે રૂમમાં આમથી તેમ આંટા મારતો મારતો વારાફરતી કરિયાવરની ચીજો ઉંચકીને તેનું નિરિક્ષણ કરતો હતો.

અચાનક બંગડીઓનાં ખડખટાથી તે એકદમ ચમકી ગયો.

પહેલાં તો પોતાનો ભ્રમ જ છે એવું તેને લાગ્યું, પણ પછી બીજી વાર ફરીથી એ જ અવાજ સાંભળીને તે એકદમ વ્યાકુળ થઈ ગયો.

‘ક....કોણ છે...?’ એણે એ વિશાળ રૂમમાં ચારે તરફ નજર દોડાવતાં ધ્રુજતા અવાજે પૂછ્યું

પરંતુ તેને કોઈ જ દેખાયું નહીં. અલબત્ત, બંગડીઓ ખખડવાનો અવાજ શાંત વાતાવરણમા હજુ પણ ગુંજતો હતો.

હિરાલાલને પરસેવો વળી ગયો.એના હૃદયના ધબકારા એકદમ વધી ગયા.

પછી એણે પોતાની જાતને વ્યવસ્થિત કરી, કરિયાવરના સામાનની રક્ષા કરવા માટે ખાસ આજે જ પોતાના ગજવામાં રાખેલી રિવોલ્વર ખેંચી કાઢીને હવામાં આમ તેમ ધુમાવતા કઠોર અવાજે જોરથી કહ્યું. ‘કોણ છે? જે હોય તે સામે આવે.... નહીં તો...’

‘નહીં તો તમે શું કરી લેશો મારા પરમ પૂજ્યા સાસરા શેઠ શ્રી હિરાલાલ...?’ જવાબમાં કબાટ પાછળથી, કટાક્ષથી ભરપુર કોઈક સ્ત્રીનો અવાજ આવ્યો. પછી વળતી જ પળે કબાટ પાછળથી સુનિતા બહાર નીકળી.

તેને જોઈને હિરાલાલના હોંશકોશ ઉડી ગયા. આંખોમાં નર્યા-નિતર્યા અચરજ, ખોફ, ભય અને ગભરાટના હાવભાવ છવાઈ ગયા. એના ચ્હેરાનો રંગ પ્રત્યેક પળે બદલાતો જતો હતો. એનું હૃદય જોરજોરથી ઉછળીને પાંસળીઓ સાથે ટકરાતું હતુ. ભયના અતિરકેના કારણે તેના પગ ધ્રુજતા હતા. એનો રિવોલ્વરવાળો હાથ ધ્રુજતો હતો.

‘ત...તું ...’ ભયથી બેબાકળી બની ગયેલી આંખે સુનિતા સામે એકીટશે તાકી રહેતા એણે ધ્રુજતાં અવાજે કહ્યુ, ‘ત...તું હજુ જીવે છે?’

જવાબમાં સુનિતા ધીમે ધીમે આગળ વધીને હિરાલાલની એકદમ સામે પહોંચીને ઊભી રહી ગઈ.

‘ તમે લોકોએ તો એક ગરીબની દિકરી પર જુલમ કરીને તેને મારી જ નાંખી હતી. પરંતુ હું મર્યા પછી પણ આત્માના રૂપમાં જીવતી છું. હું સુનિતા નહીં પણ તેનો આત્મ છું. તમારા બધા સાથે બદલો લેવા માટે મારો આત્મા ભટકે છે. અને એ બદલો લીધા પછી જ મારા આત્માને શાંતિ થશે. પછી જ મારો મોક્ષ હતો. સાંભળો...હું હજુ પણ જીવુ છું.’ સુનિતાનો અવાજ હળાહળ કટાક્ષથી ભરેલો હતો.

હિરાલાલનો ચ્હેરો કાપો તો લોહી ન નીકળે એવો થઈ ગયો.

‘ન...ના...’ એ ધ્રુજતા અવાજે બોલ્યો, ‘અશક્ય...આવું બને જ નહીં...!’

‘શું અશક્ય છે...? શું બને નહીં...?’ સુનિતાએ પૂર્વવત અવાજે પૂછ્યું

‘ત...તું...જીવતી હોઈ શકે જ નહીં....!’

‘કેમ....? શા માટે....? તમારી નજર સામે ઊભી છું છતાં પણ તમને એવું શા માટે લાગે છે?’

‘કારણ કે તને ડૉક્ટર આનંદ પાસે ઝેરનું ઇંજેક્શન અપાવીને મેં જ મરાવી નાંખી હતી. અને ત્યારબાદ મેં મારા હાથેથી જ તારા મૃતદેહને ભૂપગઢ ખાતેની મારી વાડીમાં ખાડો ખોદીને દાટી દીધો હતો. તો પછી તું જીવતી કઈ રીતે હોઈ શકે?’

‘એમ....?’ સુનિતાએ કટાક્ષથી પૂછ્યું પછી તે ખડખડાટ હસી પડી, ‘તો તો પછી હું એ ખાડામાંથી નાસી છૂટી હતી એ પણ તમે જાણતા જ હશો. મેં તમારે માટે ત્યાં એક સંદેશો પણ મૂક્યો હતો એ તમને મળ્યો કે નહીં...?’

‘મળ્યો હતો...’ હિરાલાલ કંપતા અવાજે બોલી, ‘પરંતુ અમે તો તેને મારીને ખાડમાં દાટી દીધી હતી તો પછી એમાંથી તું કઈ રીતે બહાર નીકળી? તે કઈ રીતે સંદેશો લખ્યો?’

જવાબમાં સુનિતાના મોંમાંથી પ્રેત જેવું અટ્ટહાસ્ય નીકળીને એ વિશાળ હોલ જેવા રૂમમાં પડધા પાડતું ગયુ.

‘અરે પાગલ...’ અટ્ટહાસ્ય બંધ કારીને એણે કહ્યું, તમે એટલું પણ નથી સમજતા કે હું એક આત્મા છું અને આત્મા માટે કોઈ જ કામ અશક્ય નથી હોતું એ જે ઈચ્છે તે કરી શકે છે. એ ખાડામાંથી બહાર નીકળીને સંદેશો પણ લખી શકે છે અને...’

‘અ...આત્મા...?’ હિરાલાલને ચક્કર આવી ગયા. જોકે સુનિતાને થોડી વાર પહેલાં પણ પોતે આત્મા હોવાનું કહ્યું હતુ. પરંતુ એ વખતે કદાચ ભયના અતિરેકને કારણે હિરાલાલની મગજમાં એ વાત નહોતી આવી, ‘તો....તો તું મર્યા પછી ભૂત બની ગઈ છે....?’

‘હાં....?

‘પરંતુ...પરંતુ અહીં શા માટે આવી છે તું....?’

જવાબમાં સુનિતાનો ચ્હેરો કમાનની જેમ ખેંચાઈને પથ્થર જેવો સખત થઈ ગયો. આંખો લાલઘુમ બની ગઈ. એનો વાળ છૂટ્ટા હોવાને કારણે તે ચુડેલ જેવી જ લાગતી હતી.

‘હું અહીં તમારી સાથે બદલો લેવા માટે આવી છું.’ એણે દાંત કચાવતાં કહ્યું.

‘બ...બદલો...?’ હિરાલાલનું હૃદય થોડી પળો માટે ધબકારા ચૂકી ગયું., ‘શ...શાનો બદલો...?’

‘વાહ....હિરાલાલ વાહ....! હું શાના બદલાની વાત કરું છું એ તમે નથી જાણતા?’ કહીને સુનિતાને આગળ વધી, દાંત કચકચાવીને તેનું ગળુ પકડી લીધું. પછી હિંસક અવાજે બોલી, ‘તમે, તમારા ઘરના લોકોની મદદથી મારું ખૂન કર્યું હતું એની તમને ખબર નથી?’

‘ત...તારું ખૂન અમે નહીં પણ ડૉક્ટર આનંદે કર્યુ હતું....?’ હિરાલાલ માંડ માંડ બોલી શક્યો. એનો શ્વાસ રુંધાતો હતો.

‘બરાબર છે...પણ એણે કોના કહેવાથી મારું ખૂન કર્યું. હતું? બોલો, જવાબ આપો નહીં તો હું હમણાં જ તમારું ગળુ દબાવી દઈશ...!’

‘અ....અમારા કહેવાથી...!’

‘શા માટે કરાવ્યું હતું?’

‘કરિયાવર માટે...!’

‘ઓહ...કરિયાવર માટે...!’ અચાનક સુનિતાને તેની ગરદન છોડી દીધી. પછી તે એકીટશે રૂમમાં પડેલાં કરિયાવરના સામાન સામે તાકી રહેતાં બોલી, ‘તો તમે એક નિર્દોષ વહુનું ખૂન કરીને આટલું બધું કરિયાવર મેળવી જ લીધું એમને....? પરંતુ તમે આ કરિયાવરનું સુખ ભોગવી શકશો એવી કલ્પનામાં જો તમે રાચતા હો તો એ ભૂલી જજો. ના, હિરાલાલ ના...! હું તમને આ કરિયાવરનું સુખ ભોગવવા નહીં. દઉં. તમે બધાં તો સ્ત્રીને એક રમકડું જ માનતા હતા કે જેને મન ફાવે ત્યારે ચાવી ફેરવીને રમાડી શકાય, મન ફાવે ત્યારે તેને જમીનમાં દાટી દેવાય! પરંતુ હવે હું તમને દેખાડી દઈશ શેઠ હિરાલાલ, કે સ્ત્રી માત્ર રમકડું જ નથી. એ જ્યારે પોતાની જાત પર ઊતરી આવે છે ત્યારે પુરૂષને જ રમકડું બનાવી દે છે. અને એ રમકડાંની ચાવી એવી ફેરવશે... એવી ફેરવશે....કે...’ એનું વાક્ય અધૂરૂં રહી ગયું.

‘ચાવી તો હું હવે તારી ફેરવીશ કમજાત...!’ અચાનક હિરાલાલમાં કોણ જાણે ક્યાંથી હિંમત આવી ગઈ. એણે ક્રોધથી ધુંવાફુંવા થતા કહ્યું. ‘અને એવી ચાવી ફેરવીશ કે ભવિષ્યમાં તું ક્યારેય અહીં પગ મૂકવાની પણ હિંમત નહીં કરે!’ કહીને એણે પોતાનો રિવોલ્વરવાળો હાથ ઊચો કર્યો.

‘હિરાલાલ...’ એને પોતાની સામે રિવોલ્વર તાકી રહેલો જોય પછી પણ સુનિતાના ચ્હેરા ભય કે ગભરાટની એક આછી-પાતળી રેખા પણ નહોતી ફરકી. એનો ચ્હેરો એકદમ શાંત હતો. એ ભાવહીન અવાજે તેને એક વચનમાં સંબોધતાં બોલી, ‘તે એક વખત મને મારી નાખી છે છતાં પણ હજુ તને સંતોષ નથી થયો? ખેર, તું પણ હવે બીજી વાર તારી ઇચ્છા પૂરી લે...’ કહીને એણે કટાક્ષભર્યુ સ્મિત ફરકાવ્યું.

વળતી જ પળે હિરાલાલનાં હાથ રહેલી રિવોલ્વરમાંથી આગ વરસાવતી, ભિષણ શોર મચાવતી એક ગોળી છૂટી.

પરંતુ સુનિતા જરા પણ ગભરાટ વગર પોતાની સ્થાને ઊભી ઊભી સ્મિત ફરકાવતી હતી. હિરાલાલની ગોળી તેની છાતી સાથે ટકરાઈને નીચે પડી ગઈ હતી.

ત્યારબાદ ક્રોધથી કાળઝાળ બંનીને હિરાલાલે ઉપરાઉપરી તેના પર ગોળીઓ છોડીને રિવોલ્વર ખાલી કરી નાંખી.

પરંતુ સુનિતા ગોળી છોડવા માટે ટ્રેગર દબાવ્યુ. પરંતુ રિવોલ્વર ખાલી થઈ ગઈ હોવાને કારણે તેની ચેમ્બર ફરીને રહી ગઈ.

‘હા...હા...હા..’ સુનિતાના ગળામાંથી પ્રચંડ અટ્ટહાસ્ય નીકળ્યું.

હિરાલાલનું કાળજું થરથરી ગયું.

‘હિરાલાલ...’ એટ્ટહાસ્ય બંધ કરીને એ કટાક્ષથી બોલી, ‘તું એકદમ મૂરખ છો. બેવકૂફ છો...અરે, હું એક આત્મા છું, શરીર નથી. ગોળીની અસર શરીર પર થાય છે આત્મા પર નહીં. સમજયો? તે નાહક જ તારી ગોળીઓ વેડફી છે. ખેર, હવે હું જઉં છું. હાલ તુરત તો આટલું જ બસ છે.અને હવે ખૂબ જ નજીકનાં ભવિષ્યમાં ફરીથી આપણી મુલાકાત થશે. એ વખતે તુ તારા હાથમાં રિવોલ્વર નહી, મશીનગન રાખજે. જ્યાં સુધી મારો બદલો નહીં લઈ લઉં ત્યાં સુધી હું તને અવારનવાર મળતી રહીશ. ખેર, અત્યારે તો હું એટલું જ કહેવા માગું છું. કે આજે તારા દિકરા અમરના લગ્ન છે. એટલે મારે તને કંઈક ભેટ તો આપવી જ પડશે. હું ભેટ લાવી છું. પરંતુ એ ભેટ તારા બંગલાની લોનમા પડી છે. સમય મળે તો ત્યાં જઈને લઈ લેજે!’ કહીને સુનિતા ઝડપથી બહાર નીકળી ગઈ.

હિરાલાલ કિંકર્તવ્ય વિમૂઢની જેમ તેને બહાર જતી જોઈ રહ્યો. ભય, ગભરાટ અને દહેશતથી તે જડ જેવો બની ગયો હતો. એની રિવોલ્વર ખાલી થઈ ગઈ હતી. એટલે તે બહાર જતી સુનિતા પર ગોળી છોડી શકે તેમ નહોતો. અને કદાચ એકાદ ગોળી હોત તો પણ તે નછોડી શકત કારણ કે પોતે અગાઉ છોડેલી ગોળીની સુનિતા પર કંઈ જ અસર થયેલી ન જોઈને તેની હિંમત ઓસરી ગઈ હતી.

બીજી તરફ ગોળીઓનાં ધમાકા સાંભળીને ઘરનાં દરેક સભ્યો જાગી ગયા હતા. ગોળીઓનો અવાજ કરિયાવરનો સામાન પડ્યો હતો, એ રૂમ તરફથી જ આવ્યો હતો. એટલે સૌ કોઈ ચપ્પલ, કે સ્વીપર પહેર્યા વગર જ એ રૂમ તરફ દોડ્યો.

રાજેશ સૌથી આગળ હતા. વરંડમાંથી પસાર થતી વખતે અચાનક જ તેની નજર કંપાઉન્ડમાંથી દીવાલ તરફ ગઈ.

‘મમ્મી...’ તે ધ્રુજતા અવાજે બોલ્યો, ‘ત્યાં જુઓ...પેલો લંગડો...!’

‘ક...ક્યાં છે....?’ એની પાછળ આવતી કમલાએ પૂછ્યું

‘એ...એ રહ્યો....કંપાઉન્ડની દીવાલ પાસે....! લો...હવે તો તે દીવાલ કૂદીને બીજી તરફ ઉતરી ગયો છે...!’ રાજેશ એકીટશે દીવાલ તરફ તાકી રહેતા બોલ્યો.

‘તો તો જરૂર એ લંગડા પર જ તારા પિતાજીએ ગોળીઓ છોડી હશે! એ....એ લંગડો...’

‘એ તો હવે પિતાજી જ કહેશે એ એમણે ગોળીઓ કોના પર અને શા માટે છોડી હતી? ચાલો, આપણે તેમને જ પૂછી લઈએ...!’ આ અવાજ મધુનો હતો. એ પણ ઉઠી ગઈ હતી.

કિરણ પણ એ બધાની પાછળ જ હતી.

બધા હવે હિરાલાલનાં રૂમ તરફ જતા હતા.

‘પિતાજી...પિતાજી...!’ રાજેશે તેના રૂમમાં દાખલ થતાં જ ઉત્તજીત અવાજે પૂછ્યું, ‘તમે પહેલાં લંગડા પર જ ગોળીઓ છોડી હતી ને? આજે તમે એને જીવતો જ શા માટે જવા દીધો? કમલા કહેવાય, મેં ગોળીઓના અવાજ ગણ્યા હતા. તમે પૂરી છ ગોળીઓ છોડી હતી પરંતુ તેમાંથી એક પણ ગોળી એ લંગડાને લાગી નહીં. તમે તો કહેતા હતા ને કે તમારું નિશાન એકદમ અચૂક છે અને...!’

‘બકવાસ બંધ કર તારો...!’ હિરાલાલ જોરથી તાડૂક્યો, ‘મેં કોઈ લંગડા પર ગોળી નથી છોડી.’

‘શું...?’ કમલાએ ચમકીને પૂછ્યું, ‘તો પછી કોના પર છોડી હતી?’

‘સુનિતા પર...’ કહેતી વખતે હિરાલાલનો અવાજે થોથવાતો હતો. એનો ચ્હેરો ભયથી સફેદ પડી ગયો હતો.

‘સ...સુનિતા પર...?’ પોતાની સામે ઊભેલાં ઘોડાને અચાનક શીંગડા ફૂટી નીકળતા જોઈને માણસના ચ્હેરાં પર આશ્ચર્યના જેવાં હાવભાવ છવાય, બિલકુલ એવા જ હાવભાવ કમલાના ચ્હેરા પર છવાઈ ગયા. એણે શંકાભરી નજરે હિરાલાલ સામે જોઈને અવિશ્વાસભર્યા અવાજે કહ્યું. ‘તમારું તો દિમાગ ફરી ગયું લાગે છે, અથવા તો પછી આજે તમને કરિયાવરનો નશો ચડ્યો લાગે છે. સુનિતા મરી ગઈ છે. અને મરેલા માણસ પર કોઈ શા માટે ગોળી છોડે? વળી, સુનિતા અહીં ક્યાંથી આવે?’

‘હા....હું સાચું જ કહું છું....!’ હિરાલાલનો અવાજ હજુ પણ ધ્રુજતો હતો. ‘મારા પર ભરોસો રાખ...! મેં સુનિતા પર જ ગોળીઓ છોડી હતી. પરંતુ એ ગોળીઓની તેના પર કંઈ જ અસર નહોતી થઈ.’

‘પરંતુ એ અહીં શા માટે આવી હતી?’ કમલાએ પૂછ્યું એનું શરીર પણ હિરાલાલની વાત સાંભળીને સૂકાયેલા પાંદડાની જેમ ધ્રુજતું હતું. એના ચ્હેરાના રંગ ઊડી ગયો હતો.

માત્ર એના જ ચ્હેરાનો નહીં, બધાના ચ્હેરાનો રંગ ઊડી ગયો હતો.

સુનિતા અહીં બદલો લેવા માટે આવી હતી એમ હિરાલાલ કહેવા જતો હતો કે ત્યાં જ અચાનક તેની નજર અંદર આવતી કિરણ પર પડી. પરિણામે સ્થિતિની ગંભીરતા પારખીને એ કિરણને ઉદ્દેશીને બોલ્યો, ‘કિરણ, તેં આમ અડધી રાત્રે અહીં આવવાની તકલીફ શા માટે લીધી? આજે તો તારા લગ્નની પહેલી જ રાત છે. તું તારા પતિ એટલે કે અમર પાસે તારા રૂમમાં જા!’

પરંતુ કિરણ તેની વાત પ્રત્યે ધ્યાન આપ્યા વગર અંદર દાખલ થઈ ગઈ. પછી એણે તેની સામે વેધક નજરે તાકી રહેતા પૂછ્યું, ‘તમારી વાત સાચી છે કે આજે મારા લગ્નની પહેલી જ રાત છે. પરંતુ મારો પતિ છે ક્યાં? એ તો ઘણી વારથી મારા રૂમમાં નથી. અત્યારે બાપની જેમ એ પણ કરિયાવરનો સામાન જોતો હશે એમ જ હું તો માનતી હતી. બાપની જેમ એ પણ પૈસા અને કરિયાવરનો ભૂખ્યો છે. પરંતુ અત્યારે એ અહીં કેમ દેખાતો નથી? ક્યા છે એ...?’

કિરણની કટાક્ષ ભરેલી વાતો પીગળેલા સીસાની જેમ હિરાલાલના કાનમાં ઉતરી ગઈ. જો કિરણનાં સ્થાને સુનિતાએ તેમને આવું કહ્યું હોત તો ચોક્કસ જ તે એના પર હાથ ઉપાડી બેસત. પરંતુ કિરણની વાત જુદી હતી. એ સુનિતાની જેમ ગરીબ માની દિકરી નહોતી. એના નામં બેંકમાં પૂરા પચાસ લાખ રૂપિયા જમા પડ્યા હતા. અને આ રૂપિયા તેઓ સુનિતાને ખુશ રાખે તો જ તેમના હાથમાં આવે તેમ હતા. પરિણામે અપમાનનો કડવો ઘૂંટડો ગળે ઉતારી જઈને ભોંઠંપ અનુભવતો એ બોલ્યો, ‘આ.... આ તું શું હે છે વહુ...? અમે કરિયાવરનાં ભૂખ્યા છીએ...?’

‘કેમ...? નથી....?’ કિરણે સામુ પૂછ્યું.

‘કિરણ....?’ અત્યાર સુધી ચૂપ રહેલી કમલા જોરથી બરાડી, ‘આ તુ શું બકે છે, એનું તને ભાન છે? સાસરાનાં ઘરમાં આવી રીતે વાત કરાય?’

જવાબમાં જાણે એને કાચી ને કાચી ફાડી ખાવી હોય એમ કિરણે તેની સામે જોયું પછી દાંત કચકચાવીને એણે જવાબ આપ્યો, ‘તો કેવી રીતે કરાય...?’ સાંભળો... એક વાત તમે બધા કાન ખોલીને સાંભળી લો... મારી સામે કોઈ ઊંચા અવાજે બોલે, તે મને જરા પણ પસંદ નથી માટે ભવિષ્યમાં ધ્યાન રાખજો. તારા જેવી લાલચું સાસુનું મોં બંધ કરવા માટે હું મારાં બાપને ઘેરથી આટલું બધું કરિયાવર લાવી છું, સમજી? અને છતાં પણ જો ભવિષ્યમાં તું મારી સામે જરા પણ મોટા અવાજે બોલીશ તો પછી આ ઘરમાં કાં તો હું રહીશ અને કાં તો તું? અને જો કદાચ મારે જવાનો વખત આવીશ તો મારી સાથે આ બધો કરિયાવરનો સામાન પણ પાછો જશે. અને મારા નામ બેંકમાં જે પચાસ લાખ રૂપિયા પડયા છે એ પણ તમારાં હાથમાં નહીં આવે.’

‘ભાભી...!’ રાજેશથી પોતાની માનું અપમાન સહન ન થતાં તે કાળઝાળ અવાજે જોરથી બરાડ્યો, ‘ખબરદાર...મારી માને તારે કંઈ જ કહેવાનુ નથી નહીં તો....’

‘ફડાફ....’ એની વાત પૂરી થાય એ પહેલાં જ કિરણના હાથની એક જોરદાર ઝાપટ તેના ગાલ પર પડી. પછી એ ક્રોધથી તમતમતા અવાજે બોલી, ‘ નહીં તો ના દિકરાં...! મેં હમણાં જ નહોતુ કહ્યું કે મારી સામે ઊંચા અવાજે વાત કરનાર માણસ મને નથી ગમતા! બનવાજોગ છે કે તું સુનિતા પર તારો રૂવાબ જમાવતો હો, કારણ કે તે એક ગરીબ કુટુંબની દિકરી હતી. પરંતુ હું....? હું તો તારી જીભ જ ખેંચી કાઢીશ! મોટાભાઈની પત્નિને કેવી રીતે બોલાવાય એ હું તને શીખડાવી દઈશ. તું મને શું સમજે છે?’

રાજેશ તેને કોઈક કઠોર વચનો કહેવા જતો હતો પણ હિરાલાલે આંખથી સંકેત કરીને તેને અટકાવી દીધી. પછી હિરાલાલે ઇચ્છા ન હોવા છતાં પણ કિરણ સામે લાગણીથી જોયું. જો કિરણ ચાલી જશે તો તેની સાથે આટલું બધું કરિયાવર અને પચાસ લાખ રૂપિયા પણ ગુમાવવાનો વખત આવશે એ તે જાણતો હતો એટલે એ મીઠાં મધ જેવાં અવાજે બોલ્યો, ‘કિરણ....તું તારા દિયર કે સાસુની વાતનું જરા પણ ખોટું લગાડીશ નહીં. એ બંને તો એકદમ ગમાર અને અક્કલ વગરના છે. પૈસાદાર કુટુંબની દિકરી સાથે કેવી રીતે વાત કરાય એનું તેમને જરા પણ ભાન નથી.’

‘શું કહ્યું...?’ કમલા, હિરાલાલા સામે ક્રોધથી જોઈને બરાડી ઊઠી, ‘હું ગમાર છું. અક્કલ વગરની છું.?’

‘હા...હા...’ હિરાલાલ પણ સામે એટલાં જ જોરથી બરાડ્યો, ‘તું એક વાર નહીં પણ સો વાર ગમાર છે. અક્કલ વગરની છે....અને સાથે સાથે એક નંબરની મૂરખ પણ છો. તું એટલું પણ નથી સમજતી કે જો કિરણ અહીંથી ચાલી જશે તો...તો...’ વાત અધૂરી મૂકીને જાણે કિરણ પોતાની વહુ નહીં, પણ સગી દિકરી હોય એ રીતે તેની સામે જોઈને સ્મિત ફરકાવ્યું, પછી બોલ્યો, ‘તું શા માટે તારી ઊંઘ મને મૂડ, બંને ખરાબ કરે છે? તું તારા રૂમમાં અમર પાસે જા...!’

‘મેં કહ્યું ને....કે અમર મારા રૂમમાં નથી....!’

એની વાત સાંભળીને હિરાલાલના કાનમાં સુનિતાના શબ્દો ગુંજી ઊઠ્યા-લોનમાં મેં તારા માટે એક ભેટ મૂકી છે. સમય મળે તો...’

‘ નહીં....’ વળતી જ પળે એનાં મોંમાંથી ચીસ નીકળી ગઈ. પછી કોઈ કશું યે સમજે એ પહેલાં જ તે ઝડપથી લોન તરફ દોડ્યો.

બધાં તેની પાછળ જ હતા.

એ વખતે વહેલી સવારના ચાર વાગ્યા હતા.

બધા લોનમાં પહોંચ્યા.

લોનમાં બલ્બનો પ્રકાશ ફેલાયેલો હતો. અને એ પ્રકાશમાં લોનના પર ઝાકળનાં બિંદુઓ મોતીની જેમ ચમકતા હતા.

ઘાસ પર અમરનો અકડાઈ ગયેલો મૃતદેહ પડ્યો હતો. સખત ઠંડીને કારણે તેનો મૃતદેહન કદાચ અકડાઈ ગયો હતો.

મૃતદેહ પર નજર પડતાં જ બધાના મોંમાથી ચીસ નીકળી ગઈ.

‘જે લંગડા પર તમે ગોળીઓ છોડી હતી, જરૂર એણે જ મોટા ભાઈનું ખૂન કર્યું હશે.’ રાજેશે હિરાલાલ સામે જોઈને રૂંધાયેલા અવાજે કહ્યું.

‘પરંતુ હિરાલાલે તો હમણાં એમ કહ્યું હતું કે એમણે કોઈ લંગડા પર નહીં પણ સુનિતા પર ગોળીઓ છોડી હતી.’ કિરણ વચ્ચેથી જ બોલી.

‘હા....’ હિરાલાલે કહ્યું. પરંતુ પછી તે તરત જ સાવચેત બની ગયો, અને ધ્રુજતા અવાજે બોલ્યો, ‘ન...ના...મ....મારે સુનિતા પર શા માટે ગોળી છોડવી જોઈએ?એ તો મરી ગઈ છે.અને અમે અમારા સગાં હાથેથી તેના અગ્નિસંસ્કાર કર્યા છે?

‘તો....તો...’ મધુ ધ્રુજતા અવાજે બોલી, ‘તો એનો અર્થ એ થયો કે મર્યા પછી સુનિતા ચુડેલ બની ગઈ છે અને...’

‘શટ અપ...’ કહેતાંની સાથે જ હિરાલાલ જોરથી તેના ગાલ પર તમાચો ઝીંકી દીધો. ‘તને ખબર ન પડતી હોય તો તું તારું મોઢું બંધ રાખ, વચ્ચે વચ્ચે શા માટે પંચાત કરે છે?

મધુ પોતાની ગાલ પંપાળવા લાગી. એની આંખોમા આંસુ ધસી આવ્યા. આજ સુધીમાં ક્યારેય હિરાલાલે આ રીતે તેના પર હાથ નહોતો ઉપાડ્યો.

કિરણે વિચિત્ર નજરે હિરાલાલ સામે જોયું પછી મજાક ભર્યા અવાજે બોલી, ‘તમે કોનું કોનું મોઢું બંધ રાખશો હિરાલાલ! વાત એકદમ દીવા જેવી સ્પષ્ટ છે કે સુનિતા હજુ જીવે છે અને એટલા માટે જ તમે તેના પર ગોળીઓ છોડી હતી. જો એ ખરેખર જીવતી હોય તો તમે લોકોએ મારી સાથે છેતર-પીંડી કરી છે. અને આવી છેતરપીંડી કરવા બદલ હવે હું તમને નહીં છોડું! હું હમણાં જ પોલીસને સૂચના આપું છું કે કરિયાવરનો લાલચને કારણે તમે લોકોએ....’

‘ મે કેટલી વાર કહ્યું કે સુનિતા મરી ગઈછે. મરી ગઈ છે....!’ હિરાલાલે એની વાતને વચ્ચેથી જ કાપી નાંખીસ ચીસ જેવા અવાજે કહ્યુ, એના મૃત્યુ પછી જ તને વહુ બનાવીને આ ઘરમાં લાવવામાં આવી છે.

‘જો તમારા કહેવા પ્રમાણે એ ખરેખર જ મરી ગઈ હોય...’ કિરણ શંકાભરી નજરે તેની સામે જોતાં બોલી, ‘ તો પછી હમણાં થોડીવાર પહેલાં તમે સુનિતા પર ગોળીઓ છોડી હતી એવું શા માટે કહ્યું હતુ?

‘એ તો... એ તો મારા મોંમાંથી અમસ્તુ જ નીકળી ગયુ હતુ.’ હિરાલાલે થોથવાતા અવાજે કહ્યું. જો કિરણને સુનિતાનાં મોત વિશે શંકા આવી જશે અને આ વાત પોલીસ સુધી પહોંચી જશે તો પોતાનો ભાંડો ફૂટી જશે એવો તેને ભય હતો. પોલીસ તરત જ દાટેલાં મડદાં ઉખેડવાનું શરૂ કરી દેશે અને પછી...અને પછી...

આનાથી આગળ હિરાલાલ વધુ કલ્પના કરી શક્યો નહી. ઠંડી હોવા છતાં પણ તેના કપાળ પરથી પરસેવાની ધાર નીતરાતી હતી.

અચાનક રાજેશની નજર ઘાસ પર પડેલી શરાબની ખાલી બોટલો પર પડી.

‘આ...આ.... શરાબની બોટલો....’ એ ભયભીત અવાજે બોલ્યો..

કુલ સાત બોટલો હતી.

‘આ બોટલો તો હું બપોરે મોટાભાઈ માટે ખરીદી લાવ્યો હતો, એ જ છે.’ બોટલ પડી હતી તરફ આગળ વધતાં રાજેશે કહ્યું, ‘મને લાગે છે કે મોટાભાઈએ વધારે પડતોં શરાબ પીને આપઘાત કરી લીધો છે!’

‘ખબરદાર....’ અચાનક કિરણે જોરથી બૂમ પાડી, ‘બોટલને હાથ ન લગાડતો! એ બોટલો પર કાં તો અમરનાં અથવા તો પછી બીજાં કોઈનાં આંગળાની છાપો હશે. જો એ છાપો બીજાં કોઈની હશે તો પછી જરૂર એણે જ તારા ભાઈનું ખૂન કર્યું. છે એ નક્કી થઈ જશે. અને એ ખૂનીને પકડવાનું કામ પોલીસનું છે આપણે હમણાં જ પોલીસને આબનાવની જાણ કરવી જોઈએ. અને પોલીસ ન આવે ત્યાં સુધી એકેય વસ્તુને અડકવાનું નથી.’

‘પ...પોલીસ...?’ હિરાલાલનો શ્વાસ અદ્ધર ચડી ગયો. પોલીસનું નામ પડતાં જ તેનાં મોતિયાં મરી ગયા. તે ભય અને ગભરાટથી બોલ્યો, ‘ તો...તો હવે આ ઘરમાં પોલીસ આવશે? પણ....જો પોલીસ નહીં આવશે તો મારી આબરૂ પર પાણી ફરી વળશે!’

‘તમારામાં લાગણી નામની જોઈ ચીજ નથી લાગતી હિરાલાલ....’ કિરણે ધૃણભરી નજરે તેની સામે જોતાં કહ્યું, ‘અત્યારે તમારી સામે તમારા સગા દિકરાની લાશ પડી છે અને તમે તમારી આબરૂનો ઢંઢેરો પીટો છો? તમારા દિકરાંનો ખૂની પકડાઈ જાય. તેને સજા થાય એમ તમે નથી ઈચ્છતાં?’

હિરાલાલને ભય હતો કે જો પોલીસ આવશે અને સુનિતા વિશે જાતજાતનાં સવાલો પૂછશે. પોતે જો એનાં સવાલોના જવાબ આપવામાં ક્યાંક થાય ખાઈ જશે તો પોતાની સાથે સાથે આખું કુટુંબ જેલનાં સળીયા ગળતું થઈ જશે બસ, માત્ર આ કારણસર જ પોલીસ પોતાના ઘરમાં જ આવે એમ તે ઈચ્છતો હતો,

‘ના, કિરણ...!’ એ બંને હાથ જોડીને કરગરતા અવાજે બોલ્યો, ‘જે થવું હોય તે થાય પણ મારા જીવતાં જીવત આ ઘરમાં પોલીસ નહીં જ આવે. બનવાજોગ છે કે રાજેશની વાત સાચી હોય! અમરે ખરેખર જ આપઘાત કર્યો હોય! તો આ સંજોગોંમાં પોલીસ અહીં આવીને શું કરશે?’

‘ બરાબર છે....અને કદાચ અમરે આપઘાત ન કર્યો હોય, તેનું ખૂન થયું હોય એમ પણ બની શકે તેમ છે ને? કહીને કિરણે ઘૂરકીને તેની સામે જોયું. પછી એ તેની નજીક આવીને બોલી, ‘તમે પોલીસથી આટલા બધાં ગભરાઓ છો શા માટે એ જ મને તો નથી સમજાતું. ક્યાંક દાળમાં તો કંઈ કાળું નથી....ને?’

‘અ....એટલે....? તું કહેવા શું માગે છે.?’ કિરણનાં અણધાર્યા સવાલથી હિરાલાલે ડધાઈને પૂછ્યું. એને માથે તો જાણે કિરણના સવાલરૂપી વિજળી ત્રાટકી હતી.

‘હું જે કહેવા માગું છુ એ તમે બરાબર સમજો છો-તમારી બધી જ વાતો એકદમ શંકાસ્પદ છે. તમારા બધાની જુબાની એકબીજાથી વિરોધ છે. ક્યારેક તમે એમ કહો છો કે સુનિતા મરી ગઈ છે. અને ક્યારેક એમ કહો છો તમે સુનિતા પર ગોળીઓ છોડી હતી. ભલા માણસ, એક મૃતદેહ પર કે જેનો ઘણાં દિવસ પહેલાં અગ્નિસંસ્કાર પણ થઈ ગયો છે, તેના પર કોઈ ગોળીઓ શા માટે છોડે? અને જો તમે સુનિતાર પર ગોળીઓ ન છોડી હોય તો પછી કોના પર છોડી હતી? રાજેશે કોઈક લંગડાની વાત કરતો હતો, તો શું તમે તેના પર ગોળીઓ છોડી હતી? જો હા, તો એ લંગડો કોણ હતો અને તમારે તેના પર ગોળીઓ છોડવાની શું જરૂર પડી? આ બધાં સવાલો એવા છે કે એના જવાબો મને આપી શકો તેમ નથી. અને આપો પણ શા માટે? હું કોઈ પોલીસ ઓફિસર તો નથી જ કે તમારે જવાબ આપવા પડે. હું તો તમારા કુટુંબની વહુ છું. અને આ વહુ પાસેતમે એવી અપેક્ષા રાખો છો કે તે પોતાનું મોઢું બંધ જ રાખે. પણ હું મારું મોં બંધ કઈ રીતે રાખું? અહીં અત્યારે જેનો મૃતદેહ પડ્યો છે, એ માત્ર તમારો દિકરો જ નહીં, મારો પણ પતિ હતો, સુહાગ હતો! તમને તમારા દિકરાની મૃત્યુનું દુ:ખ હોય કે ન હોય, તમે એના ખૂણીને સજા થાય એમ ઈચ્છતા હો કે ન ઈચ્છતા હો, પરંતુ હું જરૂર ઈચ્છું. છું આ કેસ ખૂનનો હોય કે આપઘાતનો, પણ બંને સંજોગોમાં પોલીસને જાણ કરવી અનિવાર્ય છે. અને અત્યારે હું પોલીસને જાણ કરવા જ જઉં છું’’ખેર, પોલીસને ફોન કરતાં પહેલાં હું મારા પતિના એક મિત્રને ફોન કરવા માગું છું. તેઓ ખૂબ જ હોંશિયાર જાસૂસ છે અને સી.આઈ.ડી.માં સર્વીસ કરે છે. તેમનું નામ તો કદાચ તમે લોકોએ સાંભળ્યુ જ હશે. ન સાંભળ્યું હોય તો સાંભળી લો. એનું નામ મેજર નાગપાલ છે. આજ સુધીમાં તેઓ ક્યારેય, એકેય કેસમાં નિષ્ફળ નથી થયા. હું તેમને જ ફોન કરીને બોલાવી લઉં છું. એમનો ફોન નંબર મારી પર્સનલ ડાયરીમાં લખેલો જ છે. તેઓ જરૂર મારો કેસ હાથ પર લેશે એની મને પૂરેપૂરી ખાતરી છે. ગમે તેમ તો યે હું એમના મિત્રની દિકરી છું. કહીને કિરણ પોતાના રૂમ તરફ આગળ વધી.

હિરાલાલે આગળ વધીને તેને અટકાવવાનો પ્રયાસ કર્યો. પરંતુ એ પહેલાં જ રાજેશ તેની સામે પહોંચી ગયો.

‘જતાં જતાં એક વાતનો જવાબ આપતા જાઓ ભાભી....!’ રાજેશ ધીમા પણ ગંભીર અવાજે બોલ્યું. ‘બપોરે તો હું આઠ બોટલ ખરીધી લાવ્યો હતો. કદાચ તેમાંથી એક બોટલ મોટાભાઈએ સાંજ સુધીમાં ખાલી કરી નાંખી હતી અને બાકીની સાત બોટલ અહીં પડી છે.

‘એટલે.....? તું કહેવા શું માગે છે...?’ કિરણે ઘૂરકીને તેની સામે જોતાં પૂછ્યું.

‘હું એમ કહેવા માગું છું. કે મોટાભાઈ આટલી બધી બોટલો લઈને તમારા રૂમમાંથી બહાર નીકળ્યા ત્યારે તમે એ વિશે તેમને કંઈ પૂછ્યું નહીં.?’

‘સાંભળ, તારા મોટાભાઈ જ્યારે મારા રૂમમાંથી બહાર નીકળ્યા ત્યારે એમના હાથમાં બોટલો તો શું, કાચનો એક ટૂકડો પણ નહોતો.’ કિરણે ભાવહીન અવાજે જવાબ આપ્યો.

‘શું....?’ રાજેશે ચમકીને પૂછ્યું. ‘મોટાભાઈ જ્યારે બહાર નીકળ્યા ત્યારે તેમનાં હાથમાં શરાબની બોટલો નહોતી?’

‘ના....’

‘પરંતુ એ બોટલો તો મેં મારા હાથેથી જ બંનેના બેડરૂમમાં મૂકી હતી. જો મોટાભાઈ બોટલો લઈને નહોતાં ગયા તો પછી એ એની મેળે જ કઈ રીતે લોનમાં પહોંચી ગઈ?’

‘મને ખબર નથી. અલબત્ત, નાગપાલ સાહેબ જરૂર આ વાતનો પત્તો મેળવી લેશે એની મને પૂરી ખાતરી છે. હું તેમને જ ફોન કરવા જઉં છું. કિરણે બેદરકારીથી જવાબ આપ્યો.

પછી તે પોતાના બેડરૂમમાં જઈને પોતાની પર્સનલ ડાયરી લઈ આવી.

ત્યારબાદ તેમાંથી નાગપાલનો નંબર શોધી. ડ્રોંઈગ રૂમમાં આવીને એણે તને ફોન જોડ્યો.

જવાબમાં સામે છેડે થોડી પળો સુધી ઘંટડી વાગતી રહી. પછી કોઈકે રિસિવર ઉંચક્યું.

‘હલ્લો...’ સામે છેડેથી એક અવાજ તેના કાને અથડાયો.

‘નાગપાલ સાહેબ છે...? સામે છેડેથી નાગપાલે જવાબ આપ્યો, તમે કોણ બોલો છો?’

‘હું આપના મિત્ર ભાનુશંકરની દિકરી કિરણ બોલું છું.’ એણે પોતાના પરિચય આપતાં કહ્યું. ‘ઓહ...બોલ, તે શા માટે ફોન કર્યો છે? આ વખતે નાગપાલે તેને એક વચનમાં સંબોધી હતી.

જવાબમાં કિરણે તેને અમરનાં બનાવવની વિગતો કહી સંભળાવી. પછી રડમસ અવાજે ઉમેર્યું. ‘નાગપાલ સાહેબ, આજે મારાં લગ્નની પહેલી જ રાત હતી ને આવો બનાવ બની ગયો છે. આપ જેમ બને તેમ ઝડપથી અહીં આવો.’

‘તેં પોલીસને એ બનાવની જાણ કરી દીધી છે?’ સામેથી નાગપાલે પૂછ્યું.

‘ના...’

‘ઠીક છે હું પોલને લઈને એકાદ કલાકમાં જ ત્યાં પહોંચી જઉં છું. સાંભળ, તારા લગ્નનું કાર્ડ મને મળી ગયું હતુ પણ કામકાજની દોડોદોડીમાં હું નહોતો આવી શકયો. ખેર, હું ન આવું ત્યાં સુધી લાશની આજુબાજુમાં પહેલી કોઈ જ વસ્તુઓ તમે સ્પર્શ કરશો નહી. તું મને તારું સરનામું જણાવી દે. હું જેમ બને તેમ ઝડપથી ત્યાં પહોંચવાનો પ્રયાસ કરીશ.

કિરણે તેને હિરાલાલના બંગલાનું સરનામું લખાવી દીધું.

‘ઠીક છે.....’ કહીને સામે છેડેથી સંબંધ વિચ્છેદ થઈ ગયો. કિરણે પણ રિસિવર મૂકી દીધું.

પછી તે પોતાનાં બેડરૂમમાં તરફ આગળ વધી ગઈ.

***