Bhadram Bhadra - 27 in Gujarati Comedy stories by Ramanbhai Neelkanth books and stories PDF | ભદ્રંભદ્ર - પ્રકરણ - 27

Featured Books
Categories
Share

ભદ્રંભદ્ર - પ્રકરણ - 27

ભદ્રંભદ્ર

રમણભાઈ મ. નીલકંઠ

૨૭. નાતનો જમણવાર

ભોજનનું સ્થળ શેરીમાં ખુદ ધરતીમાતા ઉપર હતું.માણસે બાંધેલાં મકાન પૃથ્વી જેટલાં પવિત્ર નથી હોતાં તે માટે રસ્તામાં જમવા બેસવાનું આર્યધર્મના શાસ્ત્રમાં લખ્યું છે એમ ભદ્રંભદ્રે ઘણી સભાઓમાં સાબિત કર્યું હતું. જડવાદી સુધારાવાળાની શંકાના ઉત્તરમાં તે એ પ્રમાણ આપતા હતા કે પૃથ્વી પર ગંગાદિ નદીઓ વહે છે અને ઘરમાં તેવી નદીઓ વહેતી નથી માટે પૃથ્વી વધારે પવિત્ર છે. આ આર્ય સિધ્ધાંતનો સાક્ષાત્કાર આ પ્રસંગે થઇ રહ્યો હતો.સામસામાં ઘરના ખાળકૂવામાંથી વહેતી અનેક ગંગાઓ ભોજનસ્થળને પવિત્ર કરી રહી હતી. ભૂદેવોની સગવડ ખાતર કેટલાક પ્રવાહ આડા લઇ જવામાં આવ્યા પણ તેથી તે સ્થળે વ્યાપી રહેલી પવિત્રતા જતી રહી નહિ. એ જળપ્રવાહમાં કેટલોક મેલ હતો ખરો, પણ સનાતન ધર્મના સિધ્ધાંત પ્રમાણે જલ સર્વને પવિત્ર કરે છે તેથી ભોજનસ્થળની શુધ્ધતા અકલંકિત હતી.સ્થળની રમણીયતામાં જે કંઇ ન્યૂનતા હતી તે પૂરી કરવા ભૂદેવોએ ત્યાં સ્નાનવિધિનો આરંભ કર્યો.આ સ્નાનવિધિ એક સ્થળે બેસીને કે ઉભા રહીને નહિ કરતાં ફરતાં ફરતાં કરવામાં આવતો હતો.ગ્રીસનો પ્રખ્યાત ફિલસૂફ એરિસ્ટોટલ શિષ્યોને ઉપદેશ કરતી વેળા આમતેમ પરિક્રમણ કરતો હતો અને તેથી તેની શાખાનું ઉપનામ 'પેરિપેટેટિક' પડ્યું. તે સર્વ હિંદુસ્તાનની પુરાતન પધ્ધતિઓનું અનુકરણ છે તેમ અમેરિકાના થીયોસોફીસ્ટોએ પોતે શોધી કહાડ્યુ છે અને જાતની ખાતરીથી એ વાત તેઓ પ્રસિધ્ધ કરે છે માટે તે સત્ય છે એમ વલ્લભરામના ગ્રંથોમાં વાંચેલું અને તેને આધારે ભદ્રંભદ્રે અનેક ભાષણોમાં પ્રતિપાદિત કરેલું, તેનું પ્રમાણ આ સ્નાનવિધિમાં પ્રત્યક્ષ જોવામાં આવ્યું. ભૂદેવોની પવિત્રતા જન્મથી અને જાતિથી સ્વતઃ સિધ્ધ છે, જલ તેમને વધારે પવિત્ર કરી શકતું નથી. માત્ર શાસ્ત્રવિધિનું અનુસરણ કરવા સારુ જલનો ત્વચાને સ્પર્શ થવો જોઇએ.આપોશન જેમ દેવોની આહારશક્તિના પ્રમાણમાં બહુ થોડું છતાં તેમનાં ઉદરનું પૂરણ કરે છે તેમ દૂંદાદિને લીધે બ્રાહ્મણોનાં શરીરનો વિસ્તાર ઘણો છતાં તથા તે ઉપર મેલ એકઠા થવાનાં કારણસર ખોબાપૂર પાણીથી તેમની સ્નાનક્રિયા પૂરી થાય છેઃ એ સિધ્ધાંતને અનુસરી ભદ્રંભદ્ર અને ઘણા ભૂદેવોએ એકેક લોટી ભરીને પોતાના આખા શરીરને પાણી ઘસી ઘસીને ભીનું કર્યું તથા સૂર્ય જેવું ઉજળું,અને ચળકતું કર્યું.જે અદભૂત કસર આર્યધર્મના અનુયાયીઓને જ આવડી શકે છે તેને બળે એક હાથ પનાનાં પંચિયાં પણ તેમણે આટલાં પાણીમાં ભીનાં દેખાતાં કર્યાં.પરંતુ કેટલાક જુવાનો પાણીના વધારે શોખીન હતા અને તેમણે ફરતાં ફરતાં ઘડા પોતાના શરીર પર ઠાલવ્યા. આથી ભોજનસ્થાનમાં નદીઓ સાથે સરોવર અને સાગરનો પણ દેખાવ થઇ રહ્યો.

સ્નાનવિધિ થઇ રહ્યા પછી આસનની તૈયારીઓ થઇ. પતરાળાં તરે એટલું જ્યાં પાણી હતું ત્યાં સહેજસાજ સ્વચ્છતાના ઉપાય લીધા પછી જગાની સગવડમાં કોઇ જાતની ખામી રહી નહિ.પરંતુ, માણસોની સગવડ એટલી સહેલાઇથી થઇ જાય તેમ નહોતું. ભોજનના મહાપ્રકરણ માટે ભૂદેવો ત્વરાથી ઠામ પસંદ કરવા લાગ્યા અને તે રોકી લેવા લાગ્યા.આ સ્પર્ધામાં વિરોધ થવા લાગ્યો અને કલહ વધતાં 'પતરાળી-પતિ' મહારાજાઓનાં 'ઠામ રાજ્યો'ના સીમાડાની તકરાર જંગી થઇ પડી. કલ્પવૃક્ષનાં પુષ્પ ઉછાળતો હોય તેમ પૃથ્વી પરના ભૂદેવો મુખમાંથી ટુંકારા અને અપશબ્દોની પરંપરા કાઢી ચારે તરફ ફેંકવા લાગ્યા અને નાતરૂપી આકાશગંગામાં જળક્રીડા કરતા હોય તેમ ઠામે બેઠેલા તથા ઊભેલાના હાથ,પગ તથા કેશ ખેંચવા લાગ્યા. જે ઠામે બેસી ગયા હતા અને ત્યાં ચોંટી રહેવા જેટલા સામર્થ્યવાળા હતા તેમને સ્થાનભ્રષ્ટ કરવા ભારે યુધ્ધ ઠેર ઠેર જામ્યાં. રણભૂમિમાં ઝૂલતા યોધ્ધાઓના નાદ તથા તેમને પાનો ચઢાવનાર ભાટચારણોના હોંકારાથી એવો શોરબકોર થઇ રહ્યો અને શેરીમાંથી દોડી આવેલાં કુતરાંના અવાજ સાથે તે એવો ભળી ગયો કે લડાઇ કોના કોના વચ્ચે થાય છે, ક્યાં ક્યાં બંધ પડી છે તે જાણવું અશક્ય થઇ પડ્યું.

આ ઝઘડામાં કંઇ પણ ભાગ ભદ્રંભદ્રે લીધો નહોતો અને તેમણે પોતાનો ઠામ બે શૌચકૂપની વચમાં આવેલા ખૂણામાં એવો પસંદ કર્યો હતો કે કોઇ જોડે સીમાડાની તકરાર થવાનો કે કોઇની ઈર્ષ્યા ઉત્પન્ન થવાનો સંભવ રહે નહિ.સ્નાન કરી ઠામે આવતાં કેટલાક અસ્નાત મનુષ્યોની છાયા શરીર પર પડવાથી ભદ્રંભદ્રને ફરી ફરી સ્નાન કરવું પડ્યું. આ રીતે પુનઃપુનઃ વિઘ્નોથી પ્રતિરોધ પામતા છતાં અંતે સર્વ પાર ઉતરી ઠામે આવી પહોંચતાં આસનને પાંચ સાત જલબિંદુના પ્રોક્ષણથી પરિપૂર્ણ શુધ્ધ કર્યું અને તે પર ઉપવિષ્ટ થયા. પરંતુ તે જ ક્ષણે પગ તળે સુતરનો કોરો તાંતણો આવેલો જોવામાં આવતાં તેમનાથી એકદમ સખેદ આશ્ચર્યનો ઉદગાર થઇ ગયો. સ્થાનેથી ઉઠી શોક કરવા ગયા અને હર્ષવાક્યો ઉચ્ચારતા શુધ્ધ થઇ પાછા આવ્યા. એક કલાકમાં સર્વ મળી અગિયાર સ્નાન કર્યા પછી ભદ્રંભદ્ર આસને સ્વસ્થ થઇ મુખ મલકાવતા બેઠા.આર્યોચિત સ્નાનશુધ્ધિના થયેલા વિજયથી અથવા ભોજનવેલાના સામીપ્યના વિચારથી અથવા એવા બીજા કોઇ કારણથી તેમનું ચિત્ત પ્રસન્ન થયું હશે, કારણકે આસપાસ મચી રહેલા જંગનો જે દેખાવ નજરે પડતો હતો તે સંતોષની વૃત્તિ ઉપજાવે તેવો નહોતો.આ જંગ વિશે પોતાનો અભિપ્રાય દર્શાવવાની તેમની ઇચ્છા જણાતી નહોતી.મેં ઘણા પ્રશ્ન કર્યા ત્યારે તે બોલ્યા,

'કેટલું ખાવું એ જ ખરેખરી ચિંતાનો વિષય છે,ક્યાં ખાવું એ વિશે સુજ્ઞો કદી ચિંતા કરતા નથી. ભોજન પેટમાં જાય છે.ભોજનનું સ્થાન પેટમાં જતું નથી. પેટને માત્ર ભોજનનો જ ભાર ઉંચકવો પડે છે. માટે સુજ્ઞો તે ઉપર જ લક્ષ રાખે છે.અન્ન દેવ હોઇ દેશકાલના નિયમથી અતીત છે, માટે અન્નનું ભક્ષણ કરવામાં સુજ્ઞો દેશકાલની ગણના કરતા નથી. જ્યાં ભોજન મળે અને જ્યારે ભોજન મળે ત્યાં અને ત્યારે સુજ્ઞો આહાર કરી લે છે. સ્થાન નહિ પણ પાચન સિધ્ધ કરવામાં સુજ્ઞોની કુશલતા છે.'

મેં કહ્યું,'મહારાજ' આપને વચ્ચે અટકાવવા ઉચિત નથી પણ આ મહાન સિધ્ધાંત બરાબર સમજી લેવો જોઇએ.'સુજ્ઞો' એટલે સારું જાણનાર તેમ જ સારું ખાનાર એવો અર્થ આપ કરો છો?'

'જાણવું તે ખાવું છે અને ખાવું તે જાણવું છે. જાણ્યાથી જ ખાઇ શકાય છે અને ખાધાથી જ જાણી શકાય છે.માટે અન્ન કે ધન ખાઇ શકે તે સુજ્ઞ કહેવાય છે. એ કામ કઠણ છે, માટે શાસ્ત્રમાં માત્ર બ્રાહ્મણને જ જ્ઞાન અને ભોજનનો અધિકાર આપ્યો છે. તો અમુક સ્થાને જ ભોજન કરવું એવો આગ્રહ કરવાથી એ અધિકાર ઓછો થાય છે અને પૂરેપૂરો ભોગવી શકાતો નથી. શાસ્ત્રો સંસ્કૃતમાં હોવાથી એકલા વલ્લ્ભરામ જ શાત્ર જાણે છે એમ તો તેની પેઠે હું છેક નથી કહેતો. પણ હું તથા વલ્લભરામ - અને બીજા કેટલાક - સિવાય શાસ્ત્ર જાણતા નથી એ તો સિધ્ધ છે. તેથી ગમે ત્યાં ભોજન કરવાના આ શાસ્ત્રોક્ત અધિકાર વિશે અજ્ઞાન હોવાથી સુધારાવાળા અને પાશ્ચાત્ય લોકો સ્વચ્છતા અને આરોગ્ય સાચવવાના નિયમને બહાને ભોજનસ્થાનક અમુક પ્રકારનાં હોવા વિશે ગમે તેટ્લો આગ્રહ કરે પણ આર્ય સ્વધર્મ છોડી કદી એવો પરધર્મ સ્વિકારશે નહિ. જે વિશે શાસ્ત્રોમાં આજ્ઞા નથી તેવા પાશ્ચાત્ય પદાર્થ વિજ્ઞાન તથા વૈદકના નિયમો આર્યો કદી પાળશે? કદી નહિ. આ ઊંડી દ્રષ્ટિએ પરીક્ષા કરતાં ઠામ માટે વિગ્રહ કરનારા આ આર્યો આર્યધર્મનું કેવું ઉલ્લંઘન કરનારા ઠરે છે? આર્યધર્મના અભ્યાસમાં કેવું વિઘ્ન કરનારા ઠરે છે!'

ભોજનના પદાર્થ આસન સમીપ આવી પહોંચતા જોઇ ભદ્રંભદ્ર બોલતા બંધ થઇ ગયા. આર્યોના ધર્મ સમજાવવાનું એકાએક અધૂરું મૂકી પીરસનારના ધર્મ બરાબર બજાવાય છે કે નહિ એ અવલોકન તરફ તેમણે લક્ષ પ્રેર્યું. પીરસનારના આગમનથી ભૂદેવોમાં સર્વત્ર શાંતિ ફેલાવા માંડી હતી અને વિગ્રહ કરતા વિપ્રો ઠામનાં સુખદુઃખ ભૂલી જઇ પરમાર્થ બુધ્ધિ ધરી ગમે તેમ કરી ભક્ષણવ્યવસ્થાને અનુકૂળ થવાય તેવી રચનામાં ગોઠવાઇ ગયા. પીરસનારને સર્વત્ર આવકાર મળ્યાથી ભદ્રંભદ્રનો વિશેષ સત્કાર કરવાનો ધર્મ તેમના ચિત્તમાં સ્ફુર્યો નહિ. તે સ્ફુરે તેવી આવશ્યકતા હતી,પરંતુ ભાષણ કરવામાં કાલક્ષેપ કરી મુખનું ભોજનબળ ઓછું કરવું એ અનિષ્ટ હતું, તેથી ભદ્રંભદ્ર આતુર આકૃતિથી જ ચિત્તમર્મ પ્રકટ કર્યા જતા હતા. એક પીરસનાર અમારા ઠામ પાસે આવ્યા વિના ચાલ્યો જતો હતો તેથી અધીરો થઇને હું તેને બોલાવવા શબ્દોચ્ચાર કરતો હતો. પણ ભદ્રંભદ્રે મને અટકાવી કહ્યું:

'ઉચ્ચારેલો અર્થ તો પશુઓ પણ સમજે છે. પંડિતો વગર કહેલું કળી શકે છે,એ આર્યત્વરહસ્યનું તને કેમ વિસ્મરણ થાય છે?'

પીરસનારને પંડિત કહી શકાય કે નહિ એ વિશે મને શક હતો, પણ એવામાં ભોજનવ્યાપાર એકાએક શરૂ થઇ ગયો અને વાદવિવાદમાં ભદ્રંભદ્રનું મન ચહોંટે એમ નહોતું.વળી,પીરસનારે પશુબુધ્ધિ અગર પંડિતબુધ્ધિ વાપરી;ભદ્રંભદ્રના શબ્દ તેણે સાંભળ્યા,અને ઉચ્ચારેલું અગર નહિ ઉચ્ચારેલું તે સમજ્યો તથા અમારી ઇચ્છા તત્કાલ પૂર્ણ થઇ.

હર્ષપ્રાપ્તિનું પહેલું અંગ મૌન છે અને બીજું અંગ ઉત્ક્રોશ છે - એ કોઇ અંગ્રેજી લેખકનું વાક્ય પ્રસન્નમનશંકર અનેક વાર પોતાનું રચેલું કહી પ્રચલિત કરતા હતા અને ભદ્રંભદ્ર એ પ્રયોગમાં તેનું અનુકરણ કરતા હતા પણ એ વાક્યનું તાત્પર્ય મારા સમજવામાં આવતું નહોતું. આજ સાક્ષાત્કારથી મને તેનો અનુભવ થયો. ભોજનપર તૂટી પડતા વિપ્રો પ્રથમ તો નિઃશબ્દ બની ગયા અને થોડીક વાર સુધી સડકા અને સબડકા સિવાય બીજા અવાજો સંભળાતા નહોતા. કેટલીક વારે 'મૂકજો' 'મૂકજો'ના ઉચ્ચાર કંઇ કંઇ ઊઠવા લાગ્યા અને ધીમે ધીમે એ સર્વવ્યાપી થઇ ગયો. એન્જીનમાં નાખેલા કોયલા કેટલીક વાર રહ્યા પછી વરાળનો અવાજ જોરથી નીકળવા માંડે તે પ્રમાણે ભૂદેવોના પેટમાં મિષ્ટાન્ન્નો કંઇક જમાવ થયેલી સર્વત્ર વાચાલતા પ્રસરી.'મૂકજો'ની સાથે વાનીઓનાં નામ દેવાવા લાગ્યાં. પીરસનારને નામ દઇને સંબંધોન થવા લાગ્યાં. પીરસનારા પ્રતિ સત્કારવચનો, સ્નેહવચનો ઉચ્ચારાવાં લાગ્યાં. પીરસનારા સમીપ આવતાં પ્રથમ અનુગ્રહ થવા માટે જમનારા વચ્ચે રકજક થવા લાગી.એકબીજાના હક સંબંધી જમનારા ભૂદેવોમાં તકરાર થવા લાગી.પીરસનારાઓએ કરેલા નીવેડા વિશે અસંતોષ ઉપાલંભ પ્રકટ થવા લાગ્યા. તુંકારા અને અપમાન વાક્યો ભૂદેવોમાં પરસ્પર પ્રવર્તિત થઇ અંતે પીરસનારા પ્રતિ ઉદિષ્ટ થવા લાગ્યા. ગાલિપ્રદાન અને ગાલિગ્રહણ પ્રચલિત થઇ રહ્યાં.પીરસનારા કુપિત થઇ જમનારાને છાંટા ઊડે એવી રીતે પ્રવાહી પદાર્થો રેડવા લાગ્યા અને સર્વ પદાર્થો થોડા પત્રાળીમાં, થોડા કાદવમાં અને થોડા જમનારાના શરીર પર પડે તેમ ફેંકવા લાગ્યા.સ્પર્શનો પ્રતિશેધ હોવાથી જમનારા ભૂદેવો પીરસનારા પર માત્ર રોડાં ફેંકી પ્રહારની ઇચ્છા તૃપ્ત કરવા લાગ્યા.

પીરસનારાના માંહેમાંહેમાંના ઝઘડા,વર્ગાવર્ગીની તકરારો,વાનીઓ પીરસવાની પસંદગી અને અનુક્રમ વિશેના વાદવિવાદ, એકબીજાને અપાતા ઠપકાનાં વચનો,ચાલાકીની સ્પર્ધામાં કહેવાતાં તિરસ્કાર વાક્યો,વીજળીની તારની ગોઠવણો ન હોવાથી દૂર સંદેશા મોકલવા માટે પાડવામાં આવતી બૂમો, એ સર્વથી થતો ઘોંઘાટ વળી પૃથક હતો.સાગરમાં ઘણી તરફથી નદીઓ મળી આવે તેમ છૂટીછવાઇ લડાઇઓના અવાજ મહાન કોલાહલમાં આવી મળતા હતા. એક સ્થળે પીરસનારને કોઇએ 'મહારાજ' કહી સંબોધન કર્યાથી ઊઠેલું યુધ્ધ મચી રહ્યું હતું. એક સ્થળે જમનાર પર પીરસનારે પોતાને અડક્યાનો આરોપ કર્યાથી યુધ્ધ મચી રહ્યું હતું.એક સ્થળે જમનારના દાદાના મામાએ પચાસ વર્ષ પહેલાં જમાડેલી નાતમાં ઓછું ઘી વાપર્યાનો અરોપ બીજા જમનારે કર્યાથી તેમનું યુધ્ધ મચી રહ્યું હતું.

શેરીમાં આવવાનાં જ્યાં જ્યાં મથક હતાં ત્યાં ત્યાં ઢેડ, વાઘરી અને ભિખારીઓનાં ટોળાં ટમટમી રહ્યાં હતાં. કેટલેક નવેણમાંનાં બળતાં લાકડાં સામે ધરીને તેમને પાછા હઠાવવામાં આવતા હતા, કેટલેક ઠેકાણે છૂટી લાકડીઓ ફેંકી તેમના હુમલા પાછા હઠાવવામાં આવતા હતા અને કેટલેક ઠેકાણે માત્ર અતિશય બીભત્સ ગાલિપ્રદાનથી તેમને આવતા રોકવાનો પ્રયત્ન થતો હતો.

હું અને ભદ્રંભદ્ર આ સર્વ દેખાવ શાંત ચિત્તે જોતા હતા અને કોઇ પણ ખલેલ થવા દીધા વિના ભોજનનું કાર્ય ચલાવ્યા જતા હતા.કેટલાક કઠણ કોળિયા પૂરા કરવા જતાં વખત જતો, ત્યારે ભદ્રંભદ્ર કદી કદી ભોજનની સ્વદિષ્ટતા તથા આર્યધર્મની ઉત્તમતા વિશે ટુંકાં વ્યાખ્યાન કરતા હતા. આર્યત્વયુકત 'મહારાજ' પદ અપમાનજનક અને તેનો અર્થ 'રસોઇયો' અથવા 'ભિખારી' થાય છે એ સુધારાવાળાએ પ્રવર્તાવેલા 'મિસ્ટર' પદનું પરિણામ છે, - એ વિશે ભદ્રંભદ્ર આ રીતે કોળીયાના અંતરમાં વિવેચન કરતા હતા, એવામાં એક ઠેકાણે કનાત પાડી નાખી એક અધીરી થઇ રહેલી ગાય અંદર પેઠી અને નાતની વચ્ચે દોડવા લાગી.તેને હાંકી કાઢવા પડેલી બૂમોથી ગાય ભડકી અને પતરાળાં અને પતરાળાંના અધિપતિઓને ઉથલાવી પાડવા લાગી. જમવાનું મૂકીને નાસી જવાનો નિષેધ હોવાથી શબ્દોચ્ચાર સિવાય ભૂદેવોને રક્ષણોપાય રહ્યો નહિ. પીરસનારામાંના ઘણાખરા પાસેના ઓટલા પર ચઢી ગયા અને બાકીના ગાયને ભડકાવી તથા દોડાવી ગમ્મત કરવા લાગ્યા.

ગૌમાતાની આ રીતે અવગણના થાતી જોઇને ભદ્રંભદ્ર અપ્રસન્ન થયા. આર્યત્વનું દ્રષ્ટાંત આપવું આવશ્યક ધારી તે ગૌમાતાની વાટ જોતા બેઠા.ગૌમાતા સમીપ આવતાં ભદ્રંભદે ઠામેથી વાંકા વળી તેમનું પૂછડું ઝાલ્યું અને આંખ તથા કપાળ પર તેનો સ્પર્શ કરવા પોતાનું ડોકું લાંબું કર્યું. પરંતુ આ કરતાં ભદ્રંભદ્ર સ્વસ્થાનેથી ખસી ગયા અને જમીન પર કાદવમાં ઢળી પડતા અટકવાનો પ્રયત્ન કરતાં પૂંછડે લટકી રહ્યા. પગ જમીનને અડકે નહિ તે સારુ ટુંટીયું વાળી તેમણે પગ ઊંચા લઇ લીધા અને એવી સ્થિતિમાં ગૌમાતા તેમને લઇને દોડવા લાગ્યાં. ભદ્રંભદ્રમાં ભરેલી આર્યતાના ભારથી ગૌમાતા ઉશ્કેરાઇ વધારે કુદવા લાગ્યાં અને ભદ્રંભદ્ર માણસો તેમ જ ઓટલા અને ભીંત સાથે અથડાવા-કુટાવા લાગ્યા. છોકરાઓ તેમના પર પત્રાળીમાંના વિવિધ પદાર્થો ફેંકવા લાગ્યા અને બીજા પૂ્છડું મૂકી દેવાની સલાહ ઘાંટા કાઢી આપવા લાગ્યા પણ ભદ્રંભદ્ર કશાથી ડગ્યા નહિ. પૂંછડે લટકતા તે આખી નાતમાં ફરી વળ્યા અને શહેરમાં બીજે પણ ફરવા નીકળી પડત, પરંતુ ગૌમાતા લાતપ્રહારથી તેમને નીચે નાખી દઇ ચાલ્યાં ગયાં. એકલા પડેલા ભદ્રંભદ્ર પાછા સ્વસ્થાને ગયા.

ગૌમાતા વિદાય થયા પછી ભૂદેવો પાછા ભોજનોન્મુખ થયા; પરંતુ ગરબડાટમાં જમનારા ઊભા થઇ ગયા હતા, તેથી એ પ્રશ્ન ઉઠ્યો કે સ્થાનેથી ઉઠ્યા પછી ફરી ભોજન કરવા બેસાય કે નહિ. ભોજન કરવાની ઇચ્છા સર્વની હતી, પણ રૂઢિ વિરુધ્ધ હતી તેથી ગુંચવણ લાગી. સભા ભરાય અને લાંબા વાદવિવાદ થાય એટલો વિલંબ સહન થઇ શકે તેમ હતું નહિ. તેથી તત્કાળ નિર્ણય થયો કે રૂઢિ પ્રતિકૂળ છતાં શાસ્ત્રમાં અનુજ્ઞા હોય તો ભોજન કરવું. શાસ્તર જોવાની પણ જરૂર રહી નહિ, કેમકે ભદ્રંભદ્રે ખાતરી કરી કે 'શાસ્ત્ર પ્રતિકૂળ છે નહિ અને હોઇ શકે નહિ. અન્ન દેવ છે. તેના સમક્ષ ઊભા રહેવાનો નિષેધ નહિ પણ વિધિ હોવો જોઇએ. વળી શાસ્ત્ર તો કામધેનુ છે, જે અને જેવા આધારની ઇચ્છા હોય તે અને તેવા આધાર શાસ્ત્રમાંથી નીકળી શકે છે.'

સર્વના ચિત્તનું સમાધાન થયું અને ભોજનવ્યાપાર પાછો પ્રવર્તિત થયો. ધીમે ધીમે પ્રથમની સ્થિતિ પાછી વ્યાપી ગઇ.ભોજનપ્રસંગનો અંત જેમ નજીક આવતો ગયો તેમ પીરસનારાની ઉતાવળ અને જમનારની અધીરાઇ વધવા લાગ્યાં,દોડ્યા જતા પીરસનારને જમનાર ધદી ઘડી પાછા બોલાવવા લાગ્યા અને પીરસનાર મિષ્ટ ભોજન પદાર્થો આપવાને બદલે 'આટલું તો ખાઇ જા'નો કટુ ઉપદેશ આપવા લાગ્યા.ભોજન પૂરું થઇ જવાનો ભય હોવાથી જમનારા ભૂદેવો ઝઘડા ઓછા કરવા તત્પર થયા હતા અને હોલવાઇ જતા દીવાને ઉત્તેજન કરવાની ભલામણ ઉચ્ચારવા જેટલો પણ કાલક્ષેપ કરતા બંધ થયા હતા. 'માબાપ હવે તો ઊઠજો,કંઇ રહેવા દેજો,' એવા ઢેડવાધરીઓના પોકારો ઘડી ઘડી સંભળાતા હતા;ખાલી પાત્રો લઇ ફરતા પીરસનારાઓ વિધ વિધ વાનીઓ 'જાય છે, જાય છે' એવો ઘોષ કરતા હતા અને છેવટની વાનીઓ આવવાની છે એવાં આશાવચનો કહી સંભળાવતા હતા. પીરસનારા પોતાના ભોજનની ગોઠવણ વિશે અરસપરસ સલાહ પૂછવામાં અને આજ્ઞા કરવામાં ગૂંથાયા હતા. છેવટની વાનીઓએ કેટલેક ઠેકાણે પીરસાઇ હતી, કેટલેક ઠેકાણે પીરસાતી હતી અને કેટલેક ઠેકાણે પીરસાવા આવવાની બાકી હતી, એવામાં એકાએક ઢેડવાઘરી-ભીખારીઓ હલ્લો કરી અંદર ધસ્યા અને નાતમાં હૂલકું પડ્યું.જમી રહેલા અને બહુધા સંતોષ વળે એટલું જમી રહેલા ભૂદેવો ઉતાવળે હાથ ધોઇ ઊભા થઇ ગયા. અસંતુષ્ટ રહેલા 'બેસજો, બેસજો' એવી અરણ્યમાં કરેલ રુદન સમાન વ્યર્થ બૂમો પાડવા લાગ્યા. ધસી આવેલાઓ પત્રાળીઓ પર તરાપ મારવા લાગ્યા. ભૂદેવો તેમના પર પાણીના લોટા ઢોળવા લાગ્યા. પણ તેથી શત્રુઓ હઠ્યા નહિ. સ્પર્શ કરવાને અસમર્થ હોવાથી ભૂદેવો નિરુપાય થઇ ગયા અને નાસાનાસી ચાલી રહી. આખરે હું અને ભદ્રંભદ્ર પણ ઠામેથી ઉઠ્યા અને પાસેના ઓટલા પર ચડી ગયા.અમારી પત્રાળીમાંના અવશેષ બે વાઘરણો અને ત્રણ છોકરાં ઝડપથી ખાઇ જતાં હતાં તે હું વૈરાગ્ય ધરી ઉદાસીનતાથી જોઇ રહ્યો હતો.પરંતુ ભદ્રંભદ્ર ક્રોધથી ઉશ્કેરાયા અને બોલી ઉઠ્યા,

'શૂદ્રો! ચાંડાલો! અધમ જનો! આકાશમાં તપ કરતા તપસ્વી સ્વર્ગભ્રષ્ટ થઇ ખરતા તારારૂપે નીચે પડે છે ત્યારે જલ, સ્થલ, વાયુ, વ્યોમ, વૃક્ષ, પર્વત, પશુ, પક્ષી, મનુષ્ય સર્વ 'શિવ' 'શિવ' વચનો કહી શોકોદગાર કરે છે. પરંતુ આજે અહીં ભૂદેવો ભોજનભ્રષ્ટ થઇ પલાયન કરે છે,છતાં દુષ્ટો! તમે હર્ષથી પ્રફુલ્લ થાઓ છો તથા તેમના અધિકારનું અન્ન લૂંટી લ્યો છો તે પુનર્જન્મમાં તમારી શી વલે થશે? પુનર્જન્મમાં આ અન્ન તમારે ભૂદેવોને પાછું આપવું નહિ પડે? તો શું કામ હમણાં લઇ લ્યો છો અને વ્યાજ ચઢાવો છો? પેટ ભરાવાનો મિથ્યા સંતોષ લેવા કરતાં બ્રહ્મભોજનનું મહાપુણ્ય લેવાથી તમને શું વધારે લાભ નથી? તમે શું સુધારાવાળાના ઉપદેશથી દૂષિત થયા છો અને એમ માનો છો કે જ્ઞાતિભોજનથી વ્યર્થ ધનવ્યય થાય છે તથા ખરેખરો રુચિકર હર્ષોત્સવ થતો નથી? સુધારાવાળા અજ્ઞાન છે, પણ તમે શું સમજતા નથી કે રૂઢિઓ ધનરક્ષણ માટે અથવા સુખરક્ષણ માટે નથી, પણ જ્ઞાતિરક્ષણ માટે છે? તમે, શું પાશ્ચાત્ય દેશોના વતની છો અને જાણતા નથી કે જ્ઞાતિભોજનના પ્રસંગમાં આહાર કરવો, એ સમાન સુખ સ્વર્ગમાં પણ દુર્લભ છે? સ્વર્ગમાં ભોજન છે, પરંતુ ત્યાં જ્ઞાતિભોજન છે એવો શો પુરાવો છે? જ્ઞાતિભોજનની રૂઢિને અભાવે પાશ્ચાત્ય પ્રજાઓ ભોજનનો સ્વાદ પરિપૂર્ણ રીતે જાણતી નથી એ શું તમને અનુભવસિધ્ધ નથી? એવાં સતિ જ્ઞાતિભોજનસ્ય ખંડનુ કર્તુ મૂર્ખાઃ! મેં કયા શાસ્ત્રાધારે તત્પર થયા છો? જ્ઞાતિભોજન ગંગાજલ સમાન છે, ગમે તેટલી મલિનતા અંદરથી ભરી હોય તો પણ જ્ઞાતિભોજન અને ગંગાજલ અંદરથી પવિત્ર જ રહે છે, અમૃત તુલ્ય મિષ્ટ જ રહે છે. જ્ઞાતિભોજન અને ગંગાજલ વિના જીવન સાર્થક થતું નથી. એ આર્ય સિધ્ધાંત તમારા શ્રવણપથમાં આવ્યા જ નથી? જ્ઞાતિભોજન જમનારને જે ઉગારો થાય તેથી વધારે ખર્ચ તેને પોતાની જ્ઞાતિ જમાડવી પડે છે ત્યારે થાય છે, - એ સુધારાવાળાની દલીલ શું તમે સબળ માની બેઠા છો? સુધારાવાળાની પેઠે તમે પણ શું શાસ્ત્રથી અનભિજ્ઞ છો અને અન્નનું મૂલ્ય ધન વડે કરો છો? પારકું અન્ન મફત મળે તો અમૂલ્ય છે, અને જ્ઞાતિ જમાડવા જે ધન ખરચવું પડે તે પેટમાં મફત પડેલા પારકા અન્ન આગળ કંઇ ગણનાને પાત્ર નથી. તેથી આર્યધર્મશાસ્ત્રને પ્રભાવે જ્ઞાતિભોજનના વિષયમાં પાશ્ચાત્ય અર્થશાસ્ત્રનું બળ ચાલતું નથી - એટલું પણ તમે આર્યો છતાં જાણતા નથી?'

આ સર્વ ઉપદેશનો અનાદર થતો જોઇ અને અન્ન અયોગ્ય મુખોમાં જતું જોઇ ભદ્રંભદ્ર ખિન્ન થયા, તેમનો ખેદ વધતો અટકાવવા હું તેમને ત્યાંથી લઇ ગયો. ચાંડાલોનો સ્પર્શ થવાની બીકથી અને માર્ગમાં પડેલા ઉચ્છિષ્ટ અન્નમાં પગ પડતા અટકાવવા સારુ અમારે કુદકા મારવા પડતા હતા. આ ક્રિયામાં ભદ્રંભદ્ર એક બે વખત ગબડી પડ્યા તથા લપસી પડ્યા, પરંતુ ત્યાં પડ્યા ન રહેતાં ધૈર્ય રાખીને પાછા ઊભા થઇ ગયા.તેમના મનમાં ઊંડું ચિંતન ઘોળાતું હતું. ગુલાંટ ખાવાના પ્રસંગો પૂરા થયા પછી ચાલતાં ચાલતાં તેમણે કેટલીક વારે કહ્યું,

'અમ્બારામ! વિયોગનું દુઃખ અસહ્ય કહેવાય છે તે સત્ય છે. પત્રાળી દેવીનો વિયોગ ખમવો કઠણ છે. એ દેવીનો મુખોચ્છશ્વાસગંધ અવશિષ્ટ રહેલા અન્નની સુગંધ રૂપે ભોજનસ્થાનની સમીપના ઘરવાળાને મળશે. આપણને તો એટલું આશ્વાસન પણ નહિ મળે. આમાં કોઇ સુધારાવાળાની ઉશ્કેરણી છે તેમાં સંશય નથી, પત્રાળી દેવીની પોતાની ઇચ્છા તો જૂદાં થવાની નહોતી જ. તેના આકર્ષણને લીધે જ મારે માર્ગમાં ઘડી ઘડી નમ્ર થવું પડતું હતું.'

ભદ્રંભદ્રના મુખમાંથી પ્રેમવચનો નીકળતાં પહેલી વાર જ સાંભળ્યાં. પણ મુદિત થવાનો આ પ્રસંગ નહોતો. તેમની વિરહવ્યથા દુઃખજનક હતી. માત્ર કાળે કરીને તેમનું ચિત્ત શાંત થયું.ખાધેલું અન્ન પચાવવાના પ્રયાસમાં દિવસો ચાલ્યા ગયા અને વાત વિસારે પડી.

***