એક અનુભવ મારો પોતાનો!
"લખવું એ મારો એક શોખ ને એની સાથે એક એવી શક્તિ છે જે મને જીવવા માટે પ્રેરણા આપે છે અને વાંચવું એ પણ મારો શોખ ને સાથે એક એવી તાકાત છે જે મને જીવનના સંઘર્ષો સામે લાડવા માટેનું જ્ઞાન પૂરું પડે છે. જીવન છે એટલે તકલીફ તો રેહવાની જ. હકીકતમાં તકલીફ પડે ને એટલે જ આપણને બધા જ્ઞાનની જરૂર પડે છે બાકી તો આપણે "બીરબલને પણ સાઈડમાં મૂકી દઈએ એમના છીએ!" શું કેહવું??
હમણાં જ એક એવી વાત અને એવો એક બનાવ જે મારે તમારી સમક્ષ લાવવો છે જે મેં ખુદ અનુભવ્યું છે. થોડા દિવસ પહેલા ઉતરાયણ ગઈ એમાં અમે નક્કી કર્યું કે અમે જરૂરિયાતમંદ લોકોને ફૂલ નહિ તો ફૂલની પાંખડી કાંઈક જે પણ થઇ શકે એ આપીશુ. અમારું એક ગ્રુપ પણ છે જે એમાં જોડાયેલું છે અને પછી બધું નક્કી કરી અમે ફૂડ પેકેટ્સ વહેંચવા નીકળ્યા.
બરાબર રાતનો સમય ને અમે આશ્રમ રોડ પર ગાડી ઉભી રાખી ને એક માસુમ ચહેરો મારી સામે આવી ને ઉભો રહ્યો અને એ ચહેરો એક "નાની છોકરી"નો હતો. ૮-૯ વર્ષની છોકરી, આંખોમાં આશ, શરીરથી નિરાશ (એક હાથ નહતો), કેટલાય દિવસ થી નાહ્યઈ નહતી, વાળ પણ જાણે ઘણા સમયથી ઓળ્યાં નહોતા, અમુક જગ્યાએ થી ફાટી ગયેલા કપડાં અને દિલમાં એક સાચી આશ કે "કયારેક કાંઈક થશે, ભગવાન અમારું સાંભળશે અને બીજું ઘણું બધું..", અને એ જ દિલનું તેજ એના ચહેરા પર એક "મુસ્કાન" બની ને મારી સામે આવી ગયું ને જાણે એક પળમાં એ છોકરી એ મારા મનને હલાવીને મૂકી દીધું. એક નાનું "ચીકી ને ચવાણું"નું પેકેટ્સ પણ એના ચહેરા પર એવી તો મુસકાન લાવી ને ગઈ કે એને જોતા જ મારા હાથ એના માથે ફરી ગયા અને એની સાથે જ એને મારી આંખોમાં આંખ નાખી જોયું ને પછી તો મારુ અંતરમન જોરથી રડી પડ્યું ને એ ઝાકારો મન સહન ના કરી શક્યું એટલે અશ્રુઓની ધારા મારા આંખેથી બધા જ બંધન તોડી વહેલા લાગી જેને હું ચાહવા છતાં રોકી ના શકી.એ ક્ષણની અનુભૂતિ મને જિંદગીભર રહશે.
આ નજારો હું વધારે જોઈ શકું એ હાલતમાં જ નહતી. એક પેકેટ વધારે આપીને હું જલ્દીથી ગાડીમાં બેસી ગઈ ને જેમ ગાડીની સ્પીડ વધતી ગઈ એમ મારી આંખોથી વહેતા આંસુ વધતા ગયા જેને હું બહુ મહેનતે રોકી શકી.
દયા ભાવના આપણને બધા ને જોઈને થાય છે પણ અમુક વાર આપણને "પ્રભુના દર્શન" થાય છે અને એની અનુભૂતિ ભૂલવી અશક્ય છે. એ સમયે મને ઘણા સવાલ થયા. પ્રભુ આટલો નિર્દય કેવી રીતે હોઈ શકે??? દુનિયા બનાવવા વાળા પ્રભુ એ પ્રેમ-લાગણી કૂટીકૂટીને ભરી છે તો આજે એ જ પ્રભુ પોતાના મનની લાગણીઓને ક્યાં મૂકી આવ્યો?? કેમ એને આ બાળકીના આંશુ, સપના, આશાઓ, અભિલાષાઓ ના દેખાઈ?? કેમ એને એ દીકરીનો અવતાર આપીને આમ રસ્તા પર રઝળતી મૂકી દીધી?? એ બાળકીના માં-બાપના જીવનમાં કેમ આટલું મોટું સંઘર્ષ આપ્યું??
જાણે જવાબ પણ મેં જાતે જ શોધ્યા હોય એમ બીજી જ મિનિટ એ મને વિચાર આવ્યો કે પ્રભુ એ સર્જન કર્યું છે તો એ મારા કરતા વધારે વિચારતો હશે ને!! કદાચ ગયા જન્મના "કર્મો" જ હશે, પ્રભુ એ કાંઈક તો સારું વિચાર્યું જ હશે, અને બીજું ઘણું બધું વિચારતા વિચારતા મગજને આરામ આપ્યો..
ગાડી જેટલી સ્પીડમાં આગળ વધતી તી એટલી જ સ્પીડમાં મારા વિચારો પણ.. આપણે દિવસ ઉઠે ને કોઈકને કોઈક વાતને લઈને ભગવાન સામે ફરિયાદ લઈને ઉભા રહી જઈએ છે. પ્રભુ, "૮૦% લાવી આપ તો દીવા કરીશ, બસ પ્રભુ, આ નોકરી મળી જાય તો ચાલતો આવીશ, આ છોકરી સાથે ગોઠવી આપ પ્રભુ તું કહે એ બધું જ છોડી દઈશ પણ મારુ કામ કરી આપ, અને બીજું ઘણું બધું રોજ આપણે ફરિયાદનો પોટલો ખોલીએ જ છીએ અને એમાં તમે નહિ હું પણ આવી ગઈ.. આપણે બધા છીએ તો કાળામાથાના કળિયુગના માનવીઓ જ ને?? કરીએ જ છીએ આવું આપણે..
આ પ્રસંગ જોયા પછી વિચાર આવ્યો કે ભગવાન એ માંગ્યા વગર ઘણું બધું આપી દીધું છે યાર. સહી-સલામત, તંદુરસ્ત શરીર, ઘરબાર, માં-બાપ, સારું કુળ, સારા સંસ્કાર, સારો દેખાવ, સારા કપડાં, સારી રહેણી-કરણી અને બીજું ઘણું બધું.. છતાં આપણી સંતોષની સીમા પાર થતી જ નથી. બસ આપણને જે કઈ પણ મળે છે એ ઓછું જ પડે છે.. વધારે લેવાની લાલશામાં આપણે જે મળ્યું છે એને પણ ગુમાવી દઈએ છે.
અંતમાં બસ એટલું જ કે,
"જીવન છે જીવી લઈએ, ઉમંગ હોય તો માણી લઈએ,
સુખ-દુઃખ આવે હસતા મોઢે સ્વીકારી લઈએ,
સર્જનહાર છે કલાકાર, જીવનનો આપશે આકાર સારો,
ભરોસાનો દિપક પ્રગટાવી રાખીએ, અંધકારને ચીરી નાખીએ."
-બિનલ પટેલ
આપનો અભિપ્રાય આપ જણાવશો જ એવી મને આશા છે.
આપ વોટ્સ ઉપ પણ કરી શકો છે:- 8758536242
મેઈલમાં પણ અભિપ્રાય આવકાર્ય છે:- binalpatel200@yahoo.in / binalpatel844@gmail.com
ખુબ ખુબ આભાર આપનો..
***