Prem - Shakti ke kayarta - 6 in Gujarati Fiction Stories by Dietitian Snehal Malaviya books and stories PDF | પ્રેમ - શક્તિ કે કાયરતા 6

Featured Books
Categories
Share

પ્રેમ - શક્તિ કે કાયરતા 6

(આગળ ના ભાગ માં આપણે જોયુ કે અભય એ તેના મમ્મી-પપ્પા માટે સરપ્રાઈઝ એનિવર્સરી પાર્ટી ઓર્ગેનાઈઝ કરી અને ત્યાં ખૂબ જ ગર્વ થી રીલેટીવ્સ ની સામે મમ્મી પપ્પા નુ માન પાછુ અપાવ્યુ. બીજા દિવસે ઘર ના ચારેય મેમ્બર્સ બ્રેકફાસ્ટ કરવા ભેગા થયા હતા. હવે આગળ..)

બધા નુ સારૂ મૂડ જોઈ ને નિશા કંઈક કહેવા તૈયાર થઈ હોય એવુ લાગ્યુ પણ કંઈક વિચારી ને એ ફરી શાંતિ થી બ્રેકફાસ્ટ કરવા લાગી.

કંઈ કહેવા માંગે છે તુ બેટા?? નિશા નુ મન કળી ને તરત જ નરેશભાઈ એ પુછી લીધુ.

હા, મારે તમને લોકો ને એક વાત કરવી છે પણ એના માટે મને ના નહિ પાડતા પ્લીઝ. આઇ પ્રોમિસ કે આ લાસ્ટ ટાઈમ હશે કે હું બાઈક રેસ માં પાર્ટીસિપેટ કરીશ. પ્લીઝ.. પ્લીઝ!! નિશા બધા ને મનાવતી હોય એવા અવાજ થી કહ્યુ.

નિશા સિવાય બધા ચૂપ થઈ ગયા, એકબીજા ની સામે જોવા લાગ્યા.

હું જાણુ છુ તમને આ બિલકુલ નથી ગમતુ એટલે જ બે વર્ષ થી મેં આ વિશ દબાવી રાખી હતી. મેં વિચારેલુ અભય આવી જાય પછી એક વખત છેલ્લીવાર હુ રેસ માં ઊતરીશ.

જો બેટા, તારો આ ઊતાવળિયો સ્વભાવ આ બાબત માં અમને જરાય નથી ગમતો. તને ના પાડી ને તારી ઈચ્છા ઠુકરાવતા અમને દુઃખ થશે પણ આ રેસ પછી તુ ક્યારેય અમને કન્વીન્સ કરવાનો પ્રયત્ન નહિ કરે, ઓકે?

ઓ વાઉઉ, ઓકે પાપા આઈ પ્રોમિસ !! નિશા લગભગ ખુશી થી ઊછળી પડી.

નિશા ને સ્પીડ થી બહુ લગાવ હતો. રસ્તા પર પણ તેની ફ્રેન્ડસ સાથે કોણ પહેલા કોલેજ પહોંચશે એવી રેસ તે ઘણી વખત લગાવતી અને હંમેશા જીતી જતી. ધીમે ધીમે તે શહેર માં થતી રેસ માં પાર્ટીસિપેટ કરવા લાગી પણ લગ્ન પછી અભય અને મમ્મી-પપ્પા ને આ બધા થી ડર લાગતો એટલે તેણે આ શોખ છોડી દીધેલો.

રેસ નો દિવસ આવી ગયેલો. અભય અને મમ્મી પપ્પા નિશા ને બેસ્ટ વિશ આપી ને સ્ટેડિયમ માં બેસી ગયા. ત્રણેય ના હાથ જોડાયેલા હતા કે નિશા જીતી જાય અને તેની ઈચ્છા પુરી થાય અને ભગવાને સાંભળી લીધી હોય એમ એન્કર નો અવાજ કાને પડ્યો. નિશા જીતી ચૂકી હતી!! ખૂબ જ આનંદ નો માહોલ છવાઈ ગયો હતો. આતુરતા થી ત્રણેય નિશા પાસે પહોંચ્યા. અભય તો નિશા ને બરાબર જોવા લાગ્યો.

કંઈ નથી થયુ મને અભય. એકદમ ફીટ છુ. ડોન્ટ વરી એન્ડ લેટ્સ ડુ પાર્ટી, વુઉઉ... નિશા મોટા અવાજે બોલી.

અભય તુ મમ્મી-પપ્પા ને લઈ ને કાર માં ઘરે પહોંચ, હું તો મારી બાઈક લઈ ને જ આજ રસ્તા પર ઊડીશ.. નિશા એ કહ્યુ.

ઓકે, બટ ટેક કેર બેબી! ધીમે ચલાવજે... અભય એ નિશા ના વાળ ની બે-ત્રણ લટ ને કાન પાછળ કરી તેના કપાળ ને ચૂમી ને કહ્યુ.

અભય..તારા પહેલા ઘરે હું પહોચી જઈશ, જોજે. નિશા થી થોડે દૂર કાર ચલાવતા અભય ને નિશા ફૂલ સ્પીડ માં ચાલતી ગાડી માંથી કહી રહી હતી.

અભય નો અવાજ ગળા માં જ રહી ગયો. નિશા ની સામે વ્રોંગ સાઈડ માં ટ્રક આવી રહ્યુ હતુ અને પોતે કંઈ બોલવા જાય એ પહેલા જ ત્રણેવ ની નજર સામે નિશા ની ગાડી ના ભુક્કા થઈ ગયા અને ઘટના સ્થળે જ નિશા નુ મૃત્યુ થયુ. હસતો ખેલતો પરિવાર પળભર માં વિખરાઈ ગયો. અભય તો નજર સામે જ આ બધુ જોઈ ને બેભાન જેવો થઈ ગયો હતો.

રસ્તા માં ઊભા રહેલા અમુક લોકો એ તેમને ઘરે પહોંચાડ્યા. ઓક્સિજન પર જીવતા કોઈ વ્યક્તિ નુ ઓક્સિજન માસ્ક છીનવાઈ જાય કે કોઈ ડુબી રહેલી વ્યક્તિ ને બહાર ખેંચી રહેલ હાથ પાછો છુટી જાય ને એ અંધકાર ના વધુ ને વધુ ઊંડાણ માં ડૂબતો જાય એવી હાલત થઈ ગયેલી અભય ની. એવી જ તડપ ને એવી જ વેદના!! પણ હવે તો કોઈ અયોગ્ય પગલુ ભરતા અભય ને થપ્પડ મારવા નિશા પણ ન પહોંચશે !!

આ વાત ને હવે મહિનો વીતી ચૂક્યો હતો. આજ યુ.એસ થી અભય નો બેસ્ટફ્રેન્ડ ચિરાગ તેને મળવા આવી રહ્યો હતો. અભય સાથે જે થયુ એ જાણી ને જેમ બને તેમ જલ્દી થી તે અભય ને મળવા આવ્યો હતો. નિશા માટે અભય નો પ્રેમ ચિરાગ થી ક્યાં છુપો હતો! નિશા ના મૃત્યુ ના સમાચાર સાંભળ્યા ત્યારે અભય ની પરિસ્થિતી તેની આંખો મા તદ્દન સ્પષ્ટ ઉપસી આવેલી. પોતાનો મિત્ર કઈ હાલત મા હશે! અને જીવન ના એક અનમોલ સબંધ ને ગુમાવ્યા નો વિચાર કરતા જ તેનુ હ્રદય પીગળી ગયુ.

આંખો ના ખૂણા ઓ સાફ કરી, હિમ્મત ભેગી કરી અભય ના બંગ્લો ની બહાર ઊભેલો ચિરાગ અંદર પ્રવેશ્યો. અભય ના માતા-પિતા ની આંખો મા કોઈ કિમતી હીરો ગુમાવી દેવાની પીડા સ્પષ્ટપણે ચિરાગ જોઈ શક્યો.

અભય ઊપર તેના રૂમ માં છે. અભય ના માતા-પિતા એ ચિરાગ ને ભેંટતા કહ્યુ.

એ મહેલ જેવા ઘર ના દાદર ચઢતા ચિરાગ નુ મન ભારે થઈ રહ્યુ હતુ. દાદર ની દિવાલ પર ફોટો જોઈ ને તો તેની હિમ્મત જ નહોતી થતી આગળ વધવાની. એ ફોટો સાથે કેટલી યાદો જોડાયેલી હતી!

નિશા અને પોતાની છેલ્લી વખત મુલાકાત થયેલી એ ક્ષણો તેને યાદ આવી ગઈ. યુ.એસ જતા પહેલા તે અભય ના માતા-પિતા અને નિશા ને મળવા આવેલો. નિશા ને તે ખૂબ સારી મિત્ર અને નાની બહેન જેવી માનતો, આખરે તેના ભાષણ ને લીધે જ તો અભય અને ચિરાગ ના જીવન માં સુધારો આવ્યો હતો!!

જ્યારે પણ મળતા બન્ને વચ્ચે ખૂબ ખેંચતાણ થતી અને ચિરાગ ની વાતો થી નિશા હંમેશા મોં ફૂલાવી ને બેસી જતી.

ચિરાગ હવે જાય જ છે તો ત્યાં થી મારા જેવી કોઈ સરસ છોકરી શોધી લાવજે નહિતર વાંઢો જ રહી જઈશ.. બંગ્લો ના ડ્રોઈંગરૂમ માં સોફા પર બેઠેલ ચિરાગ ને પોતાની રૂમ માંથી નીચે આવતી નિશા એ દાદર માંથી જ મજાક કરતા કહ્યુ.

તારા જેવી! અને સરસ? ચિરાગ ના મોં માંથી પાણી નો ઘૂંટ બહાર આવતા આવતા રહી ગયો.

શું આંટી આના મગજ માં આ બધા વખાણ તમે ભર્યા છે કે? અભય ની ગેરહાજરી માં તો પાછી માથે ચડાવી રાખી છે તમે બન્ને એ આને..

જોયુ મમ્મી, આમાં તમે કહો છો કે મારે ચિરાગ સાથે ઝઘડવુ ન જોઈએ. ઈન્ડિયા માં ભાર ઓછો આવા લોકો બહાર જાય તો તો!! નિશા એ મોં મચકોડી ને ચિરાગ સામે હાથ જોડતા કહ્યુ.

એય ગુંડી, હવે ઝઘડવા નુ બંધ કર અને જો હું તારા માટે કંઈક ગિફ્ટ લાવ્યો છુ ફટાફટ ખોલ.

નિશા એ ખુશ થઈ ને તરત જ ચિરાગ ના હાથ માંથી ગિફ્ટ ઝૂંટવી લીધુ અને ખોલ્યુ. અંદર તેનો, નિશા અને અભય નો ફોટો હતો જે કોલેજ ના છેલ્લા દિવસે પડાવેલો.

નિશા તેમા વચ્ચે હતી અને તેનો એક હાથ અભય ના ગળે પાછળ થી વીંટળાયેલો હતો અને બીજો ચિરાગ ના! તેમાં નિશા ખૂબ જ ક્યુટ લાગતી હતી અને અભય અને ચિરાગ ના ફેસ ના રીએક્શન નિશા થી ડરી ગયા હોય એવા હતા. આ ગિફ્ટ જોઈ ને નિશા ખૂબ જ ખૂશ થયેલી.

મારી ક્યારેય પણ જરૂર લાગે તો કહેજે, ગમે ત્યા ભટકતો હોય ત્યાંથી આવી જઈશ, ઓકે? અને ચિરાગ એ વિદાય લીધી.

એ ફોટોફ્રેમ દાદર માં ચડતી વખતે જોતા જ ચિરાગ ની આંખ સામે એ દ્રશ્ય જીવંત થઈ ગયુ.

અભય ને એ પીડાજનક અવસ્થામાં કંઈ રીતે જોઈ શકીશ! શું સાંભળીશ? શું કહીશ? એના રૂમ ની નજીક પહોંચતા જ હ્રદય ના ધબકારા પણ ભારે થઈ રહ્યા હતા ચિરાગ ના. આ બધી મુંઝવણ વચ્ચે ચિરાગ ના કાન પર એક જુનુ કર્ણપ્રિય ગીત આવી સ્પર્શયુ. એ અવાજ અભય ના રૂમ માંથી જ સંભળાઈ રહ્યો હતો.

“ તુ જહાં જહાં ચલેગા,

મેરા સાયા સાથ હોગા...”

સાથે સાથે અભય ના ગણગણવાનો અવાજ પણ સંભળાયો. બારણુ ખખડાવતા જ ઊઘડ્યુ.

ઓહ! ચિરાગ, વ્હોટ એ સરપારાઈઝ? તુ ક્યારે આવ્યો?

બસ આજે જ આવ્યો.

ચિરાગ ને પ્રેમ થી ગળે લગાવી ઊત્સાહ થી એ પુછી રહ્યો, મને કોલ કર્યો હોત તો હું તને લેવા પહોંચી જતે! બાય દ વે, બોલ શું છે નવા જૂની?

આ મારે તને પુછવુ જોઈએ! એની પ્રતિક્રિયા ચકાસવા ચિરાગે નિશા ની વાત છેડ્યા વિના જ ઔપચારિક્તા થી પુછ્યુ.

ટેબલ ઉપર ની ફાઈલો માં પરોવાયેલા હાથો વડે એ ખૂબ જ ઊમળકા થી જવાબ આપી રહ્યો, “બસ MBA માં દિલોજાન આપ્યુ છે. પરિણામ ની રાહ જોઉં છુ. પોતાની સ્ટડી નો પૂરે પૂરો ફાયદો પપ્પા ના બિઝનેસ ને આપી ને એને એક નવા મુકામ પર પહોંચાડવો છે.” અભય ની ધ્યેયયુક્ત વાતો થી એ ધગશી, મહેનતુ અને હેતુબધ્ધ નિશા નો ચહેરો ચિરાગ ની આંખો સામે ઊપસી આવ્યો.

‘તને આ રીતે જોઈ ખુબ જ ખુશી થઈ અભય. નિશા વિશે સાંભળ્યુ ત્યારે થયુ કે...’ શબ્દો આગળ વધતા અટકી ગયા.’

એમ જ ને કે અભય ફરી થી હાથ ની નસો કાપી નાખશે, પંખે લટકાઈ જશે, ટ્રક નીચે આવી જશે, ઝહેર પી લેશે, રાઈટ? પણ આ બધુ કરી ને મને શું મળતે મિત્ર?

નિશા તો પાછી ન જ આવતે પણ મારા મૃત્યુ થી બીજા બે શરીર જીવતા જીવત મરી જતે, મારા મમ્મી-પપ્પા! અને જ્યારે પણ મારી તસ્વીર પર હાર ચડાવવા એમના હાથ ઊઠતે ત્યારે મારી મોત પાછળ મારી નિશા ની તસ્વીર તેઓ નિહાળતે.

મારા સબંધી ઓ, પાડોશીઓ અને આખો સમાજ નિશા ને મારી મોત ની જવાબદાર ઠહેરાવતે. નહિ મિત્ર, મારો પ્રેમ એટલો નિર્બળ નથી કે હું મરી જઉં, નિશા મારી નિર્બળતા નહિ પણ મારી શક્તિ છે... હવે તો બસ જીવવુ છે, બધા નિશા ને મારી સફળતા માં ખોજે એવુ જીવવુ છે. મારા દરેક હાસ્ય અને ખુશી પાછળ બધા જ નિશા ને નિહાળે એવી મારી ઈચ્છા છે.

ચિરાગ ની નજીક જઈ ને એ હળવો મજાક કરતા બોલ્યો, અને જો સીધી રીતે નહિ જીવુ તો મારી નિશા નો ભરોસો નહિ, ભુત બની ને પણ મને થપ્પડ મારવા પહોંચી જાય!!

બંન્ને ખડખડાટ હસી પડ્યા. એ વાત જુદી હતી કે બંને ની આંખો આંસુ થી ભીંજાયેલી હતી!! અભય ટેબલ પર થી નિશા નો ફોટો લઈ ને ભીની આંખો થી તેને નિહાળી રહ્યો. એની આંખો માં પ્રેમ ની અનન્ય શક્તિ ચિરાગ જોઈ રહ્યો.

એટલે હવે નિશા સિવાય જીવન માં કોઈ પ્રવેશી નહિ શકે? ધીરે રહી ને હિંમત કરી ને અભય નુ મન કળવા નો ચિરાગ એ પ્રયાસ કર્યો.

પ્રેમ અને મૈત્રી જીવન માં પુછી ને ન આવે. એ તો આવી ચઢે આંધી ની જેમ, તુફાની વાયરા ની જેમ, નિશા ની જેમ!! એની આંખો માં હકારાત્મક ચમક દેખાઈ.

હું ના તો નહી કહુ, પણ આવનાર એ નવી મિત્રતા મને મારી નિશા સાથે જ સ્વીકારે અને પ્રેમ અને સન્માન આપે તો ઘણુ..!! અભય એ કહ્યુ.

અભય ના ખભે ગર્વ થી હાથ મુકાયા અને થોડા કલાક પહેલા નુ વિચલિત મન સંતુષ્ટ અને શાંત થયુ. રૂમ નુ બારણુ બંધ કરી ને તે નીચે ઊતર્યો. એના માતા-પિતા ને આશ્વાસન આપવા ખૂબ જ ટૂંકા શબ્દો નો ઊપયોગ કર્યો “આપ ભાગ્યશાળી છો કે અભય જેવો દીકરો આપને મળ્યો.”

અભય ના પિતા એ ગર્વ થી જવાબ વાળ્યો; “હા...અને નિશા જેવી દીકરી પણ, જેના પ્રેમ એ અમારા અભય ને નિર્બળ નહિ પણ લોખંડ જેવો મજબુત બનાવ્યો!”

પૂર્ણ

Hello friends...first, i want to thanks my all readers.. મારે જે આ વાર્તા માં કહેવુ હતુ એ કહેવાઈ ગયુ છે તેથી વાર્તા અહીં પુરી કરુ છુ.

આજે યંગસ્ટર્સ માં પ્રેમ ની જે ખોટી છબી પ્રચલિત થઈ છે એની સમક્ષ મેં આ વાર્તા દ્રષ્ટાંતરૂપે લાવવાની કોશિશ કરી છે. ફિલ્મી સંવાદો કે ફિલ્મી ગીતો ને ધ્યાન માં લઈ જીવન નુ મૂલ્ય અવગણી ને યુવાનો નિરસ જીવન જીવી કરિયર બનાવવા ના સમય ને વેડફી ને જીવન નો અંત લાવવા પણ અંચકાતા નથી. આ વાર્તા દ્વારા હું ફક્ત એટલુ જ કહીશ કે જે જીવતા શીખવાડે એ શક્તિ જ પ્રેમ, જે નિરાશા, મૃત્યુ તરફ દોરી જાય એ કાયરતા, આકર્ષણ કે ભ્રમણા...!!

***