“જે ન ચડ્યો ગઢ ગિરનાર, એનો એળે ગયો અવતાર”
ગિરનાર એ પર્વતોનો સમૂહ છે. ગિરનાર ઉપર નેમિનાથ મંદિર, અંબાજી માતા મંદિર, ગોરખનાથ અને દત્તાત્રેય મંદિર આવેલા છે. ગિરનાર પર્વત ગુજરાતનો ઊંચામાં ઉંચો પર્વત છે. એવું કેહવાય છે કે ગિરનારને ૯૯૯૯ પગથીયા છે પણ ખરેખરમાં ૭૦૦૦ કે ૮૦૦૦ પગથીયા જ છે. શ્રદ્ધાળુઓ એવું માને છે કે ખુલ્લા પગે ગિરનારના પગથીયા ચઢવાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે.
૨૮ ડીસેમ્બર ૨૦૧૬ બુધવાર
ખુબ અલકમલકની વાતો ગિરનાર વિશે સાંભળી હતી ત્યારથી જવાની ઈચ્છા ઉગ્ર બની હતી. નાનો હતો ત્યારે એકવાર ગિરનાર પર્વત ચઢ્યો હતો. એ પછી ક્યારેય એવો સંગાથ નહોતો મળ્યો એટલે જવાનું જ રહી ગયું. ગિરનાર પર્વત જોવા કરતા ચઢવાની ખુબ ઈચ્છા હતી. અને આજે મારો પ્રિય સંગાથ મારી સાથે હતો. એટલે મનથી નક્કી કરીને બપોરે અમદાવાદથી જુનાગઢ જવા નીકળી પડ્યા. બીજા દિવસે સવારે વહેલા ગિરનાર પર્વત ચઢવાનું હતું એટલે વચ્ચે આવતાં જોવાલાયક સ્થળો જોવાનું માંડીવાળીને અમે સીધા પ્રેરણાધામ સાંજે ૭:૧૫ વાગે પહોચ્યા. એડવાન્સમાં ફોન ઉપર રૂમ બુક કરાવી લીધી હતી.
પ્રેરણાધામ ચારેબાજુ વૃક્ષોથી ઘેરાયેલો લાલગેબી મહારાજનો આશ્રમ છે. એકદમ શાંત વાતાવરણ, કોઈ વધારાનો ઘોંઘાટ જ નહિ.ચારેબાજુ નીરવ શાંતિ પથરાયેલી હતી. તેનાથી આગળ તો ગીર જંગલ ચાલુ થતું હતું. ત્યાં આશ્રમમાં અન્નશ્રેત્ર પણ ચાલે છે.
સાંજે ત્યાં જમીને સુઈ ગયા.
૨૯ ડીસેમ્બર ૨૦૧૬ ગુરૂવાર
સવારે ૫:૦૦ વાગે ઉઠીને ૬:૦૦ વાગે તૈયાર થઈને અમે ભવનાથ મહાદેવના દર્શન કરીને ગિરનાર તળેટી પહોચ્યા. ગિરનાર તળેટી આગળ અમારા જેવા ઘણા યાત્રિકો ભેગા થયેલા હતા. ત્યાંથી બે લાકડી ખરીદી અને સવારની ચા પણ પીધી.
ગિરનારના પ્રથમ પગથીયા પહેલા પાલખીવાળા યાત્રિકોનું વજન કરીને કેટલા રૂપિયા થશે તે નક્કી કરતા હતા. થોડે આગળ જતા લંબે હનુમાનની ડેરી, અંબાજીમાતાનું મંદિર, દત્તાત્રેયનું મંદિર આવ્યું. ત્યાં આરતી ચાલુ હતી. ત્યાં અચૂક દર્શન કરીને આગળ વધ્યા. પગથીયાની બંને બાજુ ખુબ વધારે ઝાડ હોવાને લીધે ઘનઘોર અંધારું હતું. સવારના ૭:૦૦ વાગવા આવ્યા હતા, આછું આછું અજવાળું થવાની શરૂઆત થઇ રહી હતી. પરસેવો પણ ચાલુ થઇ ગયો હતો. ૬૦૦-૭૦૦ પગથીયા પછી જમણી બાજુ દાતાર પર્વત દેખાવા લાગ્યો. યાત્રિકોમાં ગિરનાર માટેની અતુટ શ્રધ્ધા તેમના ચહેરા પર દેખાતી હતી. થાક ઉતરતા અને પાછા થાકતા એમ કરતા કરતા અમે સવારે ૭:૪૫ વાગે ૧૫૦૦ પગથીયે પહોચ્યા. ઉગતા સુરજના કિરણો સીધા દાતાર પર્વત ઉપર પડતા હતા. રસ્તામાં સામાન માથે રાખીને ચઢતા દુકાનદારો અને પાલખીવાળાઓ થોડો આરામ કરી લેતા હતા ખરેખર ખુબજ મહેનત માગી લે એવું હતું. રસ્તામાં એક વૃધ્ધ દુકાનદાર પાસેથી મોસંબીની ગોળી લીધી, તેમને પૂછતા જાણવા મળ્યું કે તેઓ આમજ ૪૧ વર્ષથી અહી ધંધો કરે છે. તેમનું પૂરું જીવન આમ વ્યતીત થઇ ગયું.
લગભગ સવારે ૮:૩૦ વાગે ૨૩૦૦ પગથીયે માળી પરબ પહોચ્યા. વચ્ચે વચ્ચે નાસ્તો કરતા કરતા અમે અમારું ચઢવાનું ચાલુ રાખ્યું, જેથી કરીને મોડું ના થાય. અહીંથી વધારે ચઢાણ ચાલુ થાય છે. પગથીયા ઝીગ ઝેગ જેવા હતા. રસ્તામાં બધા યાત્રિકો એકબીજાનો ગિરનાર ચઢવાનો જુસ્સો વધારતા હતા. અમે સવારે ૯:૩૦ વાગે ૩૮૦૦ પગથીયે ગિરનાર કોટ એટલે કે નેમિનાથ ભગવાનની પહેલી ટૂંક પહોચ્યા. જે દુરથી જ દેખાતા અમારા આનંદની કોઈ સીમા ના રહી. અમે પહેલો પડાવ પાર કર્યો. ત્યાં મફત પાણી પીવાની વ્યવસ્થા મંદિર તરફથી કરેલી હતી. રસ્તામાં ક્યાંય આવી કોઈ વ્યવસ્થાનો અભાવ જોવા મળ્યો. પાણી પીધું અને મંદિરમાં નેમીનાથજીના દર્શન કર્યા. મંદિર વિશાળ જગ્યામાં પથરાયેલું છે. મંદિરની ફરતે નાની નાની દેરીઓ આવેલી છે. જેની અંદર ચોવીસ તીર્થકરો બિરાજે છે. મંદિરમાં ગરમ પાણીની પણ વ્યવસ્થા યાત્રિકો માટે કરેલી હતી. અમે હાલ ૩૧૦૦ ફૂટની ઉંચાઈ ઉપર હતા. ઠંડો ઠંડો શીતળ પવન અમને અથડાતો હતો અને જાણે અમને કઈક કેહવા માંગતો હોય એવું લાગ્યું. થાક ઉતારવા માટે ત્યાં મંદિરના કમ્પાઉન્ડમાં જ બેઠા.
સવારે ૧૦:૦૦ વાગે ફરીથી અંબાજી મંદિર તરફ ચઢવાનું શરુ કર્યું. સહેજ આગળ જતા જમણી બાજુએ વસ્તુપાળ તેજપાળના પ્રાચીન અને કલાત્મક દેરાસર આવેલા છે. રસ્તામાં એક ઘટાદાર ઝાડ નીચે એક બહેન પાસેથી છાશ પીધી. ખુબજ મજા પડી ગઈ. પાછું ના રહેવાયું તો થોડી બોટલમાં ભરી લીધી જેથી રસ્તામાં પીવાય. સુસવાટા મારતો પવન જાણે સ્વાગત કરતો હોય એવું લાગ્યું. અહીંથી નીચેનું દ્રશ્ય ખુબજ આલ્હાદક લાગતું હતું. સવારે ૧૦:૧૫ વાગે ૪૧૦૦ પગથીયે ગૌમુખી ગંગા આવે છે. અહિયાંથી બે રસ્તા પડે છે, ડાબી બાજુ નીચે ઉતરતો સીડી માર્ગ શેષાવન તરફ જાય છે. જયારે જમણી બાજુ ઉપર ચઢવાનો સીડી માર્ગ અંબાજી ટૂંક તરફ જાય છે. છાશ પીતા પીતા ગૌમીખીથી ઉપર ચડતા ૪૫૦૦ પગથીયે દત્તાત્રેય ભગવાન તથા મહાલક્ષ્મીનું મંદિર સામસામે આવેલ છે. સામે મળતા શ્રધ્ધાળુઓને પૂછતા કે હજી કેટલું બાકી છે તેઓ કેહતા કે બસ આવી જ ગયું છે. થોડા આગળ પહોચતા વચ્ચે એક બોર્ડ મારેલું હતું કે “મંદિર આવી ગયું છે ૫૦ પગથીયા પછી અંબાજી મંદિર છે.” તે જોઇને અમારો જુસ્સો બેવડાઈ ગયો. ફટાફટ ૫૦ પગથીયા ચઢીને અમે સવારે ૧૦:૪૫ વાગે ૪૮૮૦ પગથીએ શ્રી અંબાજીની ટૂંક પહોચ્યા. ત્યાંથી આકાશ એકદમ સ્વચ્છ દેખાતું હતું. માં ના દર્શન કરીને ધન્યતા અનુભવી. અને આગળ જવાની જાણે શક્તિ પૂરી પાડી હોય એવું લાગ્યું. ત્યાં બેસીને ઘરેથી લાવેલો નાસ્તો કર્યો. ઘણા યાત્રિકો અંબાજીમાંની ક્ષમા માંગી અહીંથી જ પાછા વળી જતા હતા. પણ અમે મન પાકું કરીને જ આવ્યા હતા કે છેક સુધી જાશું. અમારામાંથી કોઈએ હજી પાછા જવાની વાત જ નહોતી કરી. જય ગિરનાર બોલતા અમે આગળની ટૂંક ઉપર જવા આગળ વધ્યા.
અંબાજી મંદિરથી થોડા આગળ જતા જમણી બાજુ મોટો ચોક છે જ્યાં ખાણીપીણીની દુકાનો હતી. ત્યાંથી પગથીયાવાળો રસ્તો સાંકડો થઇ ગયો. જો વધારે ભીડ હોય તો ચાલવામાં તકલીફ પડે. થોડા પગથીયા નીચે ઉતરતા નીચે હસ્નાપુર ડેમ ખુબજ રોચક લાગતો હતો. ત્યાંથી ઝીણાબાવાની મઢી દેખાતી હતી. ગિરનારની પરિક્રમા કરતા તે વચ્ચે આવે છે. હવે થોડા પગથીયા ઉપર ચઢતા ગોરખ ટૂંક આવે છે. મારા પત્ની અને દીકરો ખરેખર ખુબજ થાકી ગયા હતા તેમ છતાં તેઓ મારી સાથે આગળ વધ્યા. અમે સવારે ૧૧:૩૦ વાગે ૫૩૨૦ પગથીયે ગોરખ ટૂંક પહોચ્યા. આ ટૂંક ગિરનારની ઊંચામાં ઉંચી છે જે ૩૬૬૬ ફૂટ જેટલી ઉંચી છે. અહી પાપપુણ્યની બારી આવેલી છે. તેમાંથી દત્તાત્રેયના દર્શન કરવાથી જાત્રા સફળ થાય છે.
અહીંથી દત્તાત્રેય મંદિર ખુબજ રમણીય લાગતું હતું. દુરથી ત્યાં જવાનો કોઈ માર્ગ જ દેખાતો નહોતો. ત્યાંથી નીચે ઉતારવાનો માર્ગ અને કમળકુંડ એકદમ ચોખ્ખું દેખાતું હતું. ગોરખ ટૂંક પછી કોઈ પાણી કે ખાણીપીણી દુકાન આવતી નથી એટલે અમે પાણીની વ્યવસ્થા કરી લીધી. ૧૦ મિનીટ બેઠા પછી સવારે ૧૧:૪૦ વાગે નીચે ઉતારવાની એટલે કમલકુંડ દ્વારે જવાની શરૂઆત કરી. અહીંથી ૮૫૦ પગથીયા નીચે ઉતારવાના હતા. રસ્તામાં પગથીયા ઉપર શ્રદ્ધાળુઓ થાક ઉતારવા બેઠા હતા. સૂર્ય એકદમ માથા ઉપર આવવાની તૈયારીમાં હતો. નીચે ઉતારવાની ખુબ મજા આવી અને ૧૨:૦૦ વાગ્યા સુધીમાં અમે ૬૧૭૦ પગથીયા કમલકુંડ દ્વારે પહોચ્યા હતા. ત્યાંથી બે રસ્તા પડે છે એક ૨૧૦ પગથીયા નીચે જતા કમલકુંડ આવે છે અને ૭૦૦ પગથીયા ઉપર ચઢતા દત્તાત્રેય ટૂંક આવે છે. પાછા ફરતા કમલકુંડ જઈશું એમ વિચારીને આગળ વધ્યા.
ત્યાંથી થોડે ઉપર ચઢ્યા પછી સહેજ ઉભા રહ્યા તો પગ એકદમ ધ્રુજવા લાગ્યા. જાણે કોઈએ પગ બાંધી દીધા હોય એવું લાગ્યું અને થોડા સમય માટે ત્યાં બેઠા. સુર્યની ગરમીનો પ્રકોપ વધતો હોય એવું લાગ્યું. ત્યાં એક પરિવાર સાથે આવેલું એક ગ્રુપ મળ્યું, તેમને કીધું કે અમે અહી આવી જ ના શક્યા હોત જો તમારા દીકરાને ના જોયો હોત’તો, જો આ નાનું બાળક આટલું ચઢી શકતું હોય તો અમે કેમ નહિ? અને એને જોઇને અમારામાં પણ હિંમત આવી અને અમે અહી સુધી પહોચ્યા. સાથેના યાત્રિકો જોરજોરથી બુમો પાડીને “હવે આવી ગયું. બસ આ રહ્યું. ચાલો... જય ગિરનાર....” એકબીજાને પ્રોત્સાહિત કરતા હતા. બેસતા આરામ કરતા કરતા બપોરે ૧૨:૩૦ વાગે ૬૮૭૦ પગથીયે અમે દત્તાત્રેય ટૂંક પહોચ્યા. અહી ગુરુ દતાત્રેયના ચરણપાદુકા છે. દર્શન કરતા જ જાણે શરીરમાં કોઈ રોમાંચનો અનુભવ થયો. થોડા સમય માટે એ પણ ભૂલી જવાયું કે અમારે ૭૦૦ પગથીયા ઉતરીને ૮૫૦ પગથીયા ચઢવાના હતા.
હવે પાછા ઉતારવાની શરૂઆત કરી, પગ બંધાઈ જતા હતા અને પગ ઉંચો કરવો પણ મુશ્કેલ હતો. અમે ધીમેધીમે બપોરે ૧:૦૦ વાગ્યા જેવા પાછા કમલકુંડ દ્વારે પહોચ્યા. ત્યાંથી ૨૧૦ પગથીયા નીચે ઉતરતા કમલકુંડ પહોચ્યા. ત્યાં બાવાજી કમંડલથી પાણી પીવડાવે છે માટે તેનુ નામ કમંડલ કુંડ પડયુ. ત્યાં અન્નશ્રેત્ર ચાલે છે. દરેક યાત્રીકોને ખુબજ આદરપૂર્વક જમાડે છે. અમે લાપસી, ખીચડી અને ઢીલા મગ પેટ ભરીને ખાધા. જમવાનું ખુબજ સ્વાદિષ્ટ હતું.
ત્યાંથી જમીને બપોરે ૧:૩૦ વાગ્યા જેવા પાછા કમલકુંડ દ્વારે આવ્યા. ત્યાં એક બ્રાહ્મણ ભાઈ અને બીજા મહારાષ્ટ્રથી આવેલું એક ગ્રુપ અમારી સાથે સાથે ગોરખ ટૂંક તરફ આગળ વધ્યા. બ્રાહ્મણ ભાઈએ ખુબજ સરસ અને રોચક વાતો કરી કે કેવી રીતે હિંદુ અને જૈન ધર્મ અસ્તિત્વમાં આવ્યા, દત્તાત્રેય ટૂંકનું મહત્વ. વાતો કરતા કરતા બપોરે ૨:૩૦ વાગે ગોરખ ટૂંકે પહોચ્યા. હવે તો ૧૦-૧૫ પગથીયા ચઢીએ એટલે પગ જાણે કોઈએ પકડી લીધા હોય તેવું લાગતું અને આપોઆપ જે તે સ્થળે સ્થિર થઇ જતા. એક કુતરું છેક કમલકુંડ દ્વારથી છેક અંબાજી સુધી અમારી સાથે આવ્યું જાણે દત્તાત્રેય ભગવાનનું વાહન અમને પાછા મુકવા આવતું હોય. અમે બપોરે ૨:૫૦ વાગે અંબાજી મંદિરે પહોચ્યા. ત્યાં તળબુચ અને પાઈનેપલની ડીશ ખાધી અને થોડો સમય આરામ કર્યો. ત્યાંથી ઉભું થવાની ઈચ્છા જ નહોતી થાતી. જય ગિરનાર....બોલતા બોલતા ઉભા થયા અને ધીમેધીમે ચાલ્યા નેમિનાથ મંદિર તરફ. રસ્તામાં ઘણા યાત્રાળુઓ સામે મળતા હતા અને પૂછતાં હતા કે હજી કેટલું છે અને અમે કહેતા કે “બસ આ રહ્યું, હવે આવી જ ગયું છે” અને તેમના ચહેરા પર ગઝબની ચમક આવી જતી. ફરીથી પેલું કુતરું અમારી સાથે આવી ગયું. સાંજના ૫:૦૦ વાગ્યા જેવા અમે નેમિનાથ મંદિરે પહોચ્યા.
બસ અંધારું થાય એ પહેલા નીચે પહોચી જવાય તો સારું એમ વિચારીને નીચે ઉતારવાનું શરુ કર્યું. રસ્તામાં એક છાસવાળા ભાઈ પાસેથી છાસ પીધી. ખુબજ સારી હતી. તેમણે પાંચ રૂપિયામાં આખી બોટલ ભરી આપી. અમે ના પાડી તો પણ બળજબરીથી ભરી આપી, “અરે.. સાહેબ પીતા પીતા નીચે ઉતરજો હજી ૨૧૦૦ પગથીયા બાકી છે.” સાંજે ૬:૪૫ વાગે અમે ૧૦૦૦ પગથીયા બાકી હતા ત્યાં પહોચ્યા અને હું ત્યાં ખાટલા ઉપર તરતજ આડો પડી ગયો અને એવું લાગ્યું કે અહી જ ઊંઘી જવ. અંધારું થઇ ગયું હતું. એવું સાંભળ્યું છે કે અંધારામાં દીપડા અહી પાણી પીવા આવે છે એટલે થોડો ડર પણ લાગતો હતો. રસ્તા પરની મોટાભાગની દુકાનો બંધ થઇ ગઈ હતી. ચારેબાજુ નીરવ શાંતિ પથરાયેલી હતી. નહીવત લોકોજ દેખાતા હતા. સાંજે ૭:૧૫ વાગે ૬૨૫ પગથીય બાકી હતા ત્યાં પહોચ્યા, નજીકમાં એક દુકાનદારનું ફેમીલી રસોઈ બનાવતું હતું અમે પૂછ્યું કે “અમે આવીએ”. તો એમને કીધું “જમી લો” થોડા આગળ વધ્યા ત્યાં રસોઈવાળા બેને કહ્યું કે “કેમ જમવું નથી” અમે હસીને તેમનો આભાર માન્યો અને આગળ વધ્યા. હવે સખત થાક લાગ્યો હતો. નીચે ઉતરવું વધારે કષ્ટદાયક હતું. રાત્રે ૭:૪૫ વાગે અમે લંબે હનુમાનની ડેરીએ પહોચ્યા. ત્યાં ઓટલા ઉપર થોડા સમય માટે બેસી જ રહ્યા. ઉઠીને બહાર આવ્યા ત્યારે એક કાકા-કાકી અમારી નજીક આવ્યા અને પુછવા લાગ્યા કે “તમે ગિરનાર ચઢીને આવ્યા!!!” ત્યાંથી થોડા આગળ ગયા ત્યાં એક બેને પૂછ્યું કે “પગની હાલત કેવી છે? કેવું રહ્યું?” અમે જાણે કોઈ મોટું પરાક્રમ કરીને નીચે ના આવ્યા હોય એમ અમને પુછતા હતા. થોડીવાર રહીને એવું લાગ્યું કે સાક્ષાત ભગવાન દત્તાત્રેય અને અંબા માતા અમને પુછવા આવ્યા હોય એવો ભાસ થયો. ખરેખર જીવનમાં એકવાર તો ગિરનાર ચઢવાનો અનુભવ લેવો જ રહ્યો.
ભવનાથ તળેટીમાં આવીને જમીને અમે રાત્રે ૯:૦૦ વાગ્યા જેવા પ્રેરણાધામ પહોચ્યા. આંખો બંધ કરીએ એટલે ગિરનાર જ દેખાયા કરતો. એ પછી તો અમે જયારે “અરે...રે....રે...” બોલીએ એટલે બાકીના બધા “ઘરે...રે..!!!!!” બોલે અને બધા જોરથી હસવા લાગતા.