મનસા સાંજે પોતાનાં ઘરનાં વરંડામાં હીંચકા પર નિરાંતે મોક્ષની ફાઈલ હાથમાં રાખીને બેઠી છે. હજી વાંચવાનું ચાલુ નથી કર્યું અને ઊંડા વિચારોમાં સરકી પડી. એને થયું કે કુદરતે કેવું ચક્ર ફેરવ્યું મારા જીવનમાં. મારે વડોદરાથી છેલ્લા વર્ષમાં કોલેજ બદલી અહીં આવવું પડ્યું. પોતાનાં વહાલસોયા પિતાનું વાડી વિસ્તારમાં મૃત્યુ થયા બાદ આગળ ભણવાનું મામાના શહેરમાં નક્કી કર્યું. માએ મને મામાના ઘરે મોકલી. બા અને કાકાકાકી અહીં બાલવ રહ્યા. અહીં વાડી સાચવવાની હતી. મામાનો ઘણો આગ્રહ હતો મનસાને અહીં મોકલો. મામાને કોઈ સંતાન નહોતું, પોતાના સંતાન કરતાં પણ અધિક મને ગણીને ભણાવી. અહીં શાંતાકાકી અને મોહનદાસકાકા પિતા ગોવિંદરામના મૃત્યુ બાદ વાડી ઘર બધું સાચવતા-કેશુબાપા તો વાડીમાં હતા જ. શાંતાકાકીને પણ સંતાન નહોતું. આમ, અહીં ઘરમાં અને મોસાળમાં એ એકલી જ હતી. બધાની લાડકી હતી. અહીં વાડીમાં એના પિતા ગોવિંદરામે 10 એકરની વાડી ખૂબ કાળજીથી ઉછેરી હતી. વાડીના પ્રવેશદ્વારથી ઘર સુધી રસ્તાની બંને બાજુ નાળિયેરની હારમાળા – ઘરની આસપાસ – લીંબુ – નારંગી – મોસંબી – જામફળ – દાડમ – શેતૂર – ફાલસા – બીલી – ગૂંદા – અંજીર વગેરે બધા સુંદર છોડ હતા. પાછળ વાડામાં શાકભાજી ઉગાડતા. બાકીની આખી વાડી આંબાનાં વૃક્ષો હતા. ખાવા માટે શેરડી પણ રાખતાં. આખી વાડીમાં કેરીમાંથી સારી આવક મળી રહેતી – ઉત્તમ જાતની અસલ કલમોનો ઉછેર કરેલ – ના રોગ ના જીવાત – ખૂબ તંદુરસ્ત વાડી હતી – પિતા અને કાકા દેશી અને વિલાયતી બધી પદ્ધતિ અપનાવતા – પરંતુ પાછળના વર્ષોમાં ફક્ત ઓર્ગેનિક પદ્ધતિ અપનાવી સાવ કુદરતી ઉપચાર એનો ખૂબ સારો ઉતારો મળતો હતો. ફળની સંખ્યા વધુ અને ગુણવત્તા ઉત્તમ પ્રકારની હતી. ખરીદવેચાણ સંઘમાં અમારી વાડીની કેરીના ભાવ સૌથી ઊંચા બોલાતા. વાડીમાં જ સુંદર મજાનું વરંડાવાળું 3 બેડરૂમનું વિશાળ મકાન હતું. વરંડામાં હીંચકો તો ખરો જ. બધાનો પ્રિય હીંચકો.
અમારું ગામ બાલવ એક નાનકડા કસ્બા જેવું હતું. માંડ 50-60 ઘર હશે. એમાં અમારા જેવા વાડીમાં જ મકાન હોય એવા 30 ઘર – બાકી દુબળા – વાળંદ – હરિજન – પટેલ બધાનાં 1-1 કે 2 જ ઘર હતા. વાડીમાં બધા જ બ્રાહ્મણ માલિક. બધાને એકબીજા સાથે ખૂબ સારો સુમેળ. આ એક બાલવ ગામ હતું જેમાં બધી વાડી બ્રાહ્મણોની હતી. અમારા ગામના પ્રવેશ પાસે ખૂબ સુંદર અને પવિત્ર મુક્તેશ્વર મહાદેવજી મંદિર છે. પંચાયતનું મકાન અને સહકારી મંડળીનું મકાન છે. સરવાળે બધા સુખી ઘર છે.
ગોવિંદરામ વાડીમાં કલમો રોપી એની ઘણી સેવા કરી હતી. ખૂબ કાળજીથી ઉછેર કરેલો. મનસાના જન્મ સમયે તો દરેક આંબા અઢળક કેરી આપતા થઈ ગયા હતા. ખૂબ સારો ભાવ આવતો અને આવક પણ સારી હતી. અમારી વાડી સહુથી સમૃદ્ધ ગણાતી. મોહનદાસકાકાની વાડી અમારી વાડીને અડોઅડ હતી તેઓની જમીન 6 એકર હતી. બન્ને પિતરાઈ ભાઈ હોવા છતાં સગાભાઈ કરતાં વધુ પ્રેમાળ સંબંધ હતો. બાપુ અને કાકા બધા કામ સાથે જ કરતાં અને એમનું મકાન નાનું એમની વાડીમાં હતું. છતાં બાપુએ અમારા ભાગે જ રાખેલા – કાકા અને શાંતાકાકીનો સ્વભાવ ખૂબ માયાળુ – મારી મા વિનોદાબા અને શાંતાકાકી સગી બહેનો કરતાં વધારે પ્રેમ હતો. અમારા કુટુંબમાં બસ અમે આટલા જ. ગોવિંદરામના હાર્ટફેઇલથી થયેલા મૃત્યુ બાદ માત્ર મોહનદાસકાકા પર બધી જવાબદારી આવી પડી હતી. હું હજી કોલેજમાં જ આવી હતી. એ સમયે મામાએ મને વડોદરા ભણવા બોલાવી લીધી. પછીના બે વર્ષમાં જ મોહનદાસકાકા પણ ભગવાનને ઘરે ગયા. ત્યારે બાએ મને પાછી બોલવી પછી હું, બા અને શાંતાકાકી ઘરમાં રહેતા અને કેશુબાપા વાડીનું બધું જ કામ સંભાળતા. અને મારે અહીં મહાત્મા ગાંધી શિક્ષણ સંકુલમાં છેલ્લા વર્ષમાં એડમિશન લેવું પડેલ. આચાર્યશ્રી સાથે મામાને સારા સંબંધ હતા એટલે તરત એડમિશન મળી ગયું હતું.
મનસાને બધું જ યાદ આવી ગયું. એણે મોહનદાસકાકાના અવસાન બાદ વડોદરાથી પાછા આવ્યા બાદ મનસાએ વિનોદાબા અને શાંતાકાકીને બેસાડીને કહ્યું, “હું હવે બધું જ સંભાળીશ. વાડીમાં કેશુબાપાને મદદ કરીશ. હું મોટી થઈ ત્યારથી બાપુએ મને વાડીનાં દરેક વૃક્ષની પૂરી ઓળખાણ કરાવેલી ઘરના સભ્યની જેમ એમની કાળજી ઉછેર – આવક – ફળોની સાચવણી ઉતારવાનો સમય, માર્કેટમાં આપવાનો સમય મંડળીમાં ભાવ કરાવવાનું બધી જ સમજ છે. તમે ચિંતા ના કરશો.” હું અહીં છેલ્લા વર્ષમાં ભણતી ભણતી બધું જ સંભાળીશ. આમ, મનસા સ્વગત જ પોતાની વાતો જાણે પોતાને કહેતી અને સમજાવતી હોય એમ ગણગણી ગઇ. 15 મિનિટમાં તો વર્ષો યાદ કરી લીધા.
એના હાથમાં પ્રો. મોક્ષની ફાઈલ હતી. એને થયું. આ ફાઈલ હાથમાં લઈ ક્યાં ને ક્યાં વિચારોમાં પડી ગઈ. પછી ફાઈલ વાંચવાની ચાલુ કરી. અંદરના પાને પાને એ વિચારમાં પડી જતી. મોક્ષ સરને આ બધા વિચાર કેવી રીતે આવતા હશે ? કેટલું બધું વિચારે છે ? એમને કુદરત સાથે, પ્રકૃતિ સાથે કેટલો લગાવ છે – જાણે એમનું રહસ્ય એ જ જાણે છે. દરેક તત્વને ઈશ્વરસ્વરૂપ જાણે છે. દરેક લેખમાં વિજ્ઞાન સાથે અગમનિગમને જોડે છે. ક્યાંથી લાવે છે આવા વિચાર ? મનસાને ઊંડે ઊંડે લાગી રહ્યું હતું કે એ મોક્ષ સરમાં ખૂબ રસ લઈ રહી છે. એમની તરફ એક અગમ્ય આકર્ષણ થઈ રહ્યું છે. મનસાને થતું કે હું વારેવારે મોક્ષ સર પાસે જાઉં, એમને સાંભળ્યા જ કરું એમની પાસે એવું કોઈ ચુંબકીય તત્વ છે જે મને ખેચી રહ્યું છે. મોક્ષ સરના જીવનમાં કોઈ હશે ? પરણેલા હશે ? કુંવારા હશે ? કોઈ સાથે પ્રેમ હશે ? મનસા ધીમે ધીમે મોક્ષના જ વિચારોમાં ગરકાવ થઈ રહી હતી. ફાઈલના બાકીનાં પાનાં એણે વાંચવા માંડ્યા. જેમ જેમ વાંચતી ગઈ તેમ તેમ એને કુદરત માટે એનાં અંગેઅંગમાં આકર્ષણ જાગવા લાગ્યું. જેને એ પદાર્થ સમજતી, કોઈ જડ ચીજ સમજતી એ બધાને જીવંત અને પ્રિય સમજવા લાગી. એને થયું, આવો અહેસાર મને ક્યારેય નથી થયો. મોક્ષ હું તમારા સાંનિધ્યમાં જ રહું તો મને કેવો એહસાસ થાય ? એના મુખ પર એક સ્મિત આવી ગયું.
સવારે કોલેજમાં સ્ટાફરૂમમાં મોક્ષ પોતાનાં પેપર્સ – પુસ્તક જોઈને ડ્રોઅરમાં ગોઠવતા હતા. પોતાની ફાઈલ મનસા પાસે છે તે હજી પાછી ના આપી ગઈ. પ્રો. મોક્ષે પ્યુન સુરેશને બોલાવ્યો અને લાસ્ટ યરના ક્લાસમાંથી મનસાને બોલાવવા કહ્યું. સુરેશ કહે, “સર હું મનસાબહેનને સારી રીતે જાણું છું. એમના ગામની બાજુનાં ગામમાં જ હું રહું છું એમની કેરીની મોટી વાડી છે ખૂબ જ પ્રખ્યાત છે. ખૂબ સરસ કેરી થાય છે.” મોક્ષ કહે, “એમ ! તો જા એમને બોલાવી લાવ મારે કામ છે.” સુરેશ તરત ક્લાસરૂમમાં જઈને પાછો આવ્યો અને કહ્યું, “સર મનસાબેન આજે આવ્યા જ નથી.” મોક્ષ કહે, “ઓહ ! સુરેશ આજે ખાસ કાંઈ કામ નથી. ચાલ, એમની વાડીએ જઈએ. એક સરસ સફર થઈ જશે.” સુરેશ કહે ચાલો સર મારા ગામ વાંસદાની બાજુમાં જ ગામ છે. એમની વાડી રોડ પર છે.
પ્રો. મોક્ષ સુરેશને સાથે લઈને મનસાની વાડી જવા નીકળ્યા. લગભગ 20 મિનિટનાં ડ્રાઈવિંગ પછી એકદમ લીલોતરીવાળો વિસ્તાર આવી ગયો. વાતાવરણ જ જાણે બદલાઈ ગયું. રસ્તાની બંને બાજુ મોટાં મોટાં વૃક્ષો અને ખેતર વાડીમાં આંબા – ચીકુંના વૃક્ષો અસંખ્ય પ્રમાણમાં હતા. ખૂબ આલ્હાદક વાતાવરણ હતું. મોક્ષ તો ખુશ થઈ ગયો. સુરેશને કહે, ભાઈ તમે તો ખૂબ સ્વચ્છ વાતાવરણમાં રહો છો. તબિયત ખૂબ જ સારી રહે. સુરેશ કહે, જી હા સાહેબ આખો વિસ્તાર લીલોછમ છે. સુરેશને મોક્ષ પૂછે કેટલું આગળ છે ? સુરેશ કહે સર બસ હવે ગાડી ધીમી કરો. અહીં ડાબી બાજુ મોટો ગેટ આવશે એ જ એમની વાડી. થોડીવારમાં મોટો ગેટ આવ્યો. ગાડીમાંથી ઊતરીને સુરેશે ગેટ ખોલ્યો. ગાડી અંદર લીધા પછી પાછો ગેટ બંધ કર્યો. સુરેશ કહે, સર તમે ગાડી અંદર જવા દો. હું કેશુબાપાને જાણ કરી ઘરે આવું છું.
મોક્ષની ગાડી વાડીમાંથી પસાર થઈ રહી છે. બન્ને બાજુ નાળિયેરનાં વૃક્ષોની હાર છે. પાછળ હરિયાળી વાડી છે. મોર નિઃસંકોચ ફરી રહ્યા છે. મોક્ષ ગાડીની ગતિ ધીમી રાખીને આગળ જઈ રહ્યા છે. ખૂબ નયનરમ્ય દશ્ય જોઈ રહ્યા છે ત્યાં આગળ સરસ બેઠાઘાટનું મકાન આવ્યું. ત્યાં ગાડી ઊભી રાખી. પાછળ ને પાછળ કેશુબાપા અને સુરેશ પણ આવી ગયા. મોક્ષ ગાડી પાર્ક કરીને બહાર આવ્યા. ત્યાં ઘરમાંથી પણ વિનોદાબા અને મનસા બહાર વરંડામાં આવી ગયા કેશુબાપા મનસાને કહે, બહેન કોણ આવ્યું છે ? મનસા તો એકદમ ખુશીથી પાગલ બની ગઈ – એને શું બોલવું સમજાયું જ નહીં. મોક્ષને જોઈને જ હદય જાણે ધબકાર ભૂલી ગયું. મનસાએ સ્વસ્થ થતા કહ્યું, “આવો સર ! મા, આ અમારા સર છે.” વિનોદાબા તરત આગળ આવીને મોક્ષને આવકાર્યા. આવો આવો. મોક્ષ તરત જ વરંડામાં રહેલા હીંચકા પર બેસી ગયા. સુરેશ અને કેશુબાપા વરંડાની પાળી ઉપર બેસી ગયા. ત્યાં પાછળ શાંતાકાકી પણ ઘરમાંથી વરંડામાં આવ્યા.
મનસા મોક્ષને બેસાડી ઘરમાં પાણી લેવા દોડી ગઇ. વિનોદાબાએ કહ્યું મનસા તમારા ક્લાસમાં જ ભણે છે. તમારી ઘણી વાતો કરી છે. નાટકમાં પણ તમારા હાથ નીચે તૈયાર થઈ અને ઈનામ જીતી લાવી. મોક્ષ કહે, મનસા ખૂબ જ હોંશિયાર છે. થોડુંક સમજાવતા ઘણું શીખી જાય છે. એની પાસે મારી ફાઈલ છે લખાણની એ લેવા આવ્યો છું. મારે એમાંથી નોટ્સ લખવાની છે, જે મારા લેખ તૈયાર કરવા માટે જરૂરી છે. વિનોદાબા કહે “હા હા એ બે દિવસથી વાંચી રહી હતી ખૂબ જ વખાણે એ વાંચે ત્યારે બોલાવે તો હોંકારી ના ભણે એટલી તન્મય થાય.” એટલામાં મનસા આવી ગઈ. સાંભળીને શરમાઈ ગઇ. વિનોદાબા મોક્ષને કહે, “અમને તો ભણાવનાર શિક્ષક એટલે કલ્પનામાં પ્રૌઢ વ્યક્તિ જ લાગે પણ તમે તો એકદમ યુવાન વયના ગુરુ છો.” મોક્ષ હસી પડ્યા અને કહે “હવે તો મારી ઉંમરનાં ઘણાં અધ્યાપક કોલેજોમાં ભણાવે છે.”
મોક્ષનેપહેલાં કાંઈ સમજણ જ ના પડી કે શું વાત કરું ? પછી કહ્યું, “તમારી વાડી ખૂબ સરસ છે. દરેક વૃક્ષ તંદુરસ્ત છે. એકદમ દિલ જીતી લે એવી છે. આખું વાતાવરણ કુદરતમાં ડૂબેલું છે. અહીં રહેવું એ નસીબની વાત છે.” મનસા મનમાં હસી રહી. એને વિચાર આવી ગયો કે વાડીએ તમારું દિલ જીતી લીધું કે... ? વિનોદાબા કહે, “મનસા તું જા એમને વાડી બતાવ ત્યાં સુધી અમે ચા-નાસ્તાની તૈયારી કરીએ છીએ.” મનસાને તો જોઈતુ’તું ને વૈદ્યે કીધું એવો ઘાટ થયો. મનસા એકદમ ખુશ થઈ ગઈ. કહે, “ચાલો હું તમને અમારી વાડી બતાવું. અમારું એ કુટુંબ જ છે.” મોક્ષ એ સાંભળીને ખુશ થઈ ગયો. કુદરત સાથેનો આટલો પ્રેમ અને નિકટતા માણસને આનંદ અને સુખમાં જ રાખે. મોક્ષ મનસા સાથે વાડીમાં જવા લાગ્યો. મનસા ચાલતા ચાલતા આંબાનાં વૃક્ષોની હાર તરફ લઈ ગઈ ત્યાં દુબળા લોકો વાડીમાં કામ કરી રહ્યા હતા. મોટાં મોટાં ખામણા બનાવી એમા ખાતર ભેળવીને ખામણા પૂરી રહ્યા હતા. એ રેડિયો વગાડતા વગાડતા કામ કરતા હતા. રેડિયોમાં સરસ મજાનું ગીત રેલાઈ રહ્યું હતું. “કુછ ઈસ તરહ તેરી પલકેં મેરી પલકોં સે મિલા લે”.... મનસા ગીત સાંભળીને મોક્ષ તરફ જોઈ રહી, જાણે એનાં મનની વાત ગીતમાં વ્યક્ત થઈ રહી છે. મનસા એનાં ખૂબ વહાલા આમ્રવૃક્ષ સામેનાં બાંકડા પર બેસી ગઈ. મોક્ષ અને મનસા નિઃશબ્દ હતા છતાં ઘણી વાતો થઈ રહી હતી. મોક્ષ વૃક્ષો પર ઊડાઊડ કરતાં પક્ષીઓ જોઈ રહ્યો હતો. મીઠો કલરવ સંભળાઈ રહ્યો હતો. ખૂબ મનમોહક શાંતિ આપતું વાતાવરણ હતું સાક્ષાત પ્રકૃતિ અહીં વસે છે અને પ્રકૃતિના ધબકારનો અહેસાસ હતો. મોક્ષનાં મન અને આત્માને – દિલને શાંતિ મળી રહી હતી.
અનાયાસે મોક્ષનો હાથ મનસાના હાથને પકડીને અનોખો અહેસાસ કરાવી રહ્યો. એ અદભૂત લાગણીઓથી વશીભૂત થઈ ગયો હતો. એણે મનસાને કહ્યું, “અહીં વાડીમાં પ્રકૃતિ ખૂબ જ જીવંત છે. જાણે ઈશ્વર હાજર છે. આવી સરસ અનુભૂતિ કરાવવા બદલ આભાર.” લાગણીવશ મોક્ષની આંખો નમ થઈ ગઈ હતી. મનસા એટલું જ બોલી શકી, “મારા અહોભાગ્ય !” મનસાનાં શરીરમાં પણ લોહી ખૂબ ઝડપથી દોડી રહ્યું હતું, એ પણ કોઇ જુદી જ લાગણી અનુભવી રહી હતી. એને સમજાતું નહોતું કે એને શું થઈ રહ્યું છે પરંતુ એને ખૂબ ગમી રહ્યું હતું ખૂબ આનંદમાં હતી. એણે મોક્ષને કહ્યું, “મારા પિતાજી, મારા બાપુએ આ બધા વૃક્ષોનો ઉછેર કર્યો છે. ખૂબ દિલથી કાળજી લીધી છે. તેઓ આ વાડી સાથે દિલથી જોડાયેલા હતા. એમનાં માટે વૃક્ષો કુટુંબનાં સભ્યો સમાન છે. તેઓ અહીં આવીને બેસતાં. એમની બધી વાતો વૃક્ષો સાથે કરતાં તેઓ એવું કહેતાં આપણી વાડીમાં તો સંતોનો મેળો છે, આ વાડી એક આશ્રમ છે.” તેઓ ખૂબ મનતાં. મોક્ષ અભિભૂત થઈને મનસાની વાતો સાંભળતો રહ્યો. એટલામાં કેશુબાપાની બૂમ સંભળાઈ, “બા તમને ચા નાસ્તા માટે બોલાવે છે.” મનસાએ કહ્યું, “હા, અમે આવીએ જ છીએ.” મનસાએ મોક્ષને કહ્યું, “બાપુ પછી મારી વાડીમાં પ્રથમવાર કોઈ વૃક્ષપ્રેમી એમને સમજનાર એમનાં પાવરનો એહસાસ કરનાર કુદરતનાં પ્રેમી આવ્યા છે. આજે અહીંનું વાતાવરણ જોઈ વૃક્ષો પણ વિશેષ ખુશ છે. આજે મને મારી જાત માટે ધન્યતા અનુભવાય છે.” વિનોદાબાના હાથનો ગરમાગરમ અને સ્વાદિષ્ટ નાસ્તો કર્યો અને ચા પીધા પછી ઔપચારિક વાતો કરી મોક્ષે જવા માટે રજા માંગી તો વિનાદોબા કહે, “ના મારે અને શાંતાકાકીને સ્વાધ્યાયમાં જવાનું છે. રસોઈ તૈયાર છે. મનસા, એમને જમાડ્યા વિના ના મોકલીશ અને વાડી અંગે એમનું માર્ગદર્શન લઈને જમવાનું વસૂલ કરી લેજે.” એમ કહી હસવા લાગ્યા. મોક્ષે કહ્યું, “તમારી વાડીમાં તો સાક્ષાત પ્રકૃતિ સોળે કળાએ ખીલેલી છે. હું શું સલાહ આપવાનો ?” વિનાદાબા કહે, “છતાંય તમારો વિષય છે એટલે એમને સારું માર્ગદર્શન મળશે. મનસા, કેશુબાપાને પણ સાથે રાખજે જેથી એમને પણ લાભ મળશે.” એમ કહી તેઓ બન્ને સ્વાધ્યાયમાં જવા નીકળી ગયા.
મોક્ષ અને મનસા બન્ને વરંડામાં હીંચકા પર જ બેસી રહ્યા. એક વાચાળ મૌન હતું. હોઠ કંઈ બોલી નથી રહ્યા પણ એમના દિલ એકબીજા સાથે વાતો કરી રહ્યા હતાં. બન્નેની સ્થિતિ સરખી જ હતી. બન્ને બાજુ પ્રણયની એકસરખી આગ લાગી હતી, કોઈ કંઈ કહી નથી રહ્યું છતાં ઘણુંબધું કહેવાઈ રહ્યું હતું. મોક્ષને પણ સમજાઈ નથી રહ્યું હું શું કરું છું, મને આ શું થઈ રહ્યું છે ? આ મારી વિદ્યાર્થિની છે. મારું મન હદય કાબૂમાં કેમ નથી ? મનસાની સ્થિતિ એનાથી વધારે કફોડી હતી. એનાં શરીરમાંથી જાણે શક્તિ જ હણાઈ ગઈ હતી. એ પગના અંગૂઠા પર આંગળીઓ ચઢાવી રહી છે. ન સમજાય એવી લાગણીઓ થાય છે. હદય ખૂબ ઝડપથી દોડી રહ્યું છે. ધબકી રહ્યું છે. હદયમાં લાગણીઓનાં ઘોડાપૂર ઉમટ્યા છે. શું બોલવું એ બંનેમાંથી કોઈને સૂઝી નથી રહ્યું. પ્રો. મોક્ષે સ્વસ્થ થતાં મનસાને કહ્યું, “હું હવે જાઉં ? મને મારી નોટ્સની ફાઈલ આપશો ?”
મનસાએ કહ્યું, “પણ બા કહીને ગયા છે તમને જમાડ્યા વિના ના જવા દેવા.” પ્રો. મોક્ષે કહ્યું, “ના આજે હવે મારે વધુ રોકાવાય એમ નથી. હું ફરીથી ચોક્કસ આવીશ. વાડી અને એનાં વૃક્ષો બધું ફરી ફરીને જોઈશું. ચર્ચા કરીશું મને આ વાડીનું ખૂબ આકર્ષણ થયું છે.” તરત મનસાએ મલકીને કહ્યું, “ફક્ત વાડીનું જ ?” મોક્ષ મનસાની સામે જોઈ રહ્યો, કંઈ જવાબ ના આપી શક્યો. બસ એટલું જ કહ્યું, “આકર્ષણ વાડી અને વાડીની દીકરી બન્નેનું થઈ ગયું છે.” અને પછી ફાઈલ લઈ ઝડપથી વરંડાના પગથિયા ઊતરી ગયો. ત્યાં સામેથી કેશુબાપા આવ્યા અને થોડાં ફળ પ્રો. મોક્ષને આપ્યા. આ અમારી વાડીનાં મીઠાં ફળ છે. આપના માટે લાવ્યો છું. મોક્ષ ખુશ થઈ ગયો અને કહ્યું, “હવે હું નીકળું ? અહીંથી જવા માટે પગ નથી ઉપડતા. જવાનું નક્કી કર્યા પછી ઘણો સમય વીતી ગયો પણ ગાડી તરફ પગ જ નથી જતાં.” એટલામાં સુરેશ પણ આવી ગયો. એણે પ્રો. મોક્ષને ગાડી તરફ જતાં જોયા. કેશુબાપા કહે, “અરે સાહેબ, આ બધા રસ્તા લાંબી લાંબી સડકો ન જાણે ક્યાં ક્યાં રસ્તો લઈ જાય છે. બધાને દૂરદૂર પહોંચાડે છે પરંતુ રસ્તા ત્યાંને ત્યાં જ રહે છે.” મોક્ષે હસતા હસતા કહ્યું, “હા કાકા ! જીવનમાં પણ એમ જ થાય છે ને ? શરીર એનું એ જ પણ મન હદય જાણે ક્યાં ને ક્યાં પહોંચીને પરાકાષ્ઠાઓ ઓળંગે છે.” એમ કહેતા મોક્ષ અને સુરેશ ગાડીમાં ગોઠવાયા અને ગાડી હંકારી દીધી. મોક્ષને લાગ્યું, હવે પાછળ નહીં જોવાય મારાથી. મોક્ષની ગાડી વાડીમાંથી દૂર ને દૂર જઈ રહી છે. મનસાને લાગ્યું એનાં શરીરમાંથી જાણે પ્રાણ દૂર જઈ રહ્યો છે. મોક્ષે ગાડીમાં રેડિયો ઓન કર્યો અને સ્થિતિ-પરિસ્થિતિ પ્રમાણે જ જાણે ગીત ગૂંજી ઉઠ્યું, “અભી ના જાઓ છોડકર કે દિલ અભી ભરા નહીં અભી નહીં અભી નહીં...” .... મોક્ષનું દિલ ઉદાસ થઈ ગયું. એ ગાડી ચલાવતો જ રહ્યો.