'જરૂરત છે એક ઘરજમાઈની'
ઓફીસથી આવી ચેતનાએ કાર-કીને પર્સમાં સરકાવી, ફોન હાથમાં લીધો કે તરત ટાંપીને બેઠેલાં તેના મમ્મી રમાબા કણસતા હોય તેમ ધીમેથી બોલ્યા, 'ઓ બેટા, આ ખભો મૂઓ એવો પીડે છે કે,
આજ તો કૂકરમાં ખીચડી મૂકી દીધી છે.' એમનું એકમાત્ર કન્યારત્ન સવાયા દીકરા જેવું. ગૂગલની કમ્પનીમાં બહુ મોટી સાહેબ છે, એવું વાતવાતમાં તેમનાથી કહેવાય જાય.
ચેતના સોફામાં લાંબી થઈ, 'હાશ, એક દિવસ શાંતિ. રોજ રોજ હીંગ, લસણના વધારથી ઘરને નાતની વાડી જેવું કરી દે છે, બે -ત્રણ માણસ માટે નાત જમાડવા જેટલું રાંધી પાર વગરના વાસણો કરે છે. '
'વાસણો ધોવા કોકને ઇન્ડિયાથી લાવવું 'તું ને?'
ચેતના તને ક્યાં વાસણો ધોવાનો ટાઈમ છે? એના મમ્મી તાડૂક્યાં.
'રોજ ખીચડી જ કરજે, માથકૂટ નહિ '
'સાંજે ખીચડી હલકી, પેટને માટે--- રમણકાકાનું બોલવું પૂરું થયું નહિ, આખા સોફામાં વિસ્તરેલા રમાબાનો ગોદો પતિને એવો લાગ્યો કે સોફાને છેડેથી તેમનું સૂકલકડી શરીર નીચે ગબડી પડ્યું.
ઓફિસેથી આવી થાકીને ઢગલો થઈ આડી પડી ગયેલી એમની દીકરી માટે ઓફિસ અને ઘર સરખાં જેવાં જ હતાં. ગૂગલની કમ્પનીનો બોસ વર્કની સૂચનાઓ આપ્યા કરતો --
મોટા પગાર ખાતર કચકચ સહી લેતી, પણ જેવી તે ઘરમાં પગ મૂકે તેવી મમ્મી 'રામાયણ'ની સીરીયલ બન્ધ કરી તેનું પારાયણ ચલાવે. બિચારા પપ્પા લક્ષ્મણના રોલમાં નીચી નજરે કાર્પેટ પર મમ્મીના સ્લીપરને જોયા કરે.
સ્માર્ટ ફોનના પડદા પર મગ્ન ચેતના કાંઈ બોલી નહિ, એટલે રમાબા મોટા સાદે ઉવાચઃ 'હવે એક ઘરજમાઈ શોધી કાઢવો પડશે, ઘર સાચવે, ઘરડાં માં-બાપની સેવા કરે....'
રમણકાકા ગભરાટમાં બોલી પડ્યા, ' પછી મારું શું થશે?'રમાબાએ ઊંચા ડોળા કર્યા ને પતિ ભોંયભેગા થઈ ગયા.
ચેતનાને કરન્ટ લાગ્યો હોય તેમ સોફામાંથી કૂદીને ઉભી થઈ ગઈ, રુમમાં ચારે બાજુ જોવા લાગી ખરે જ કોઈ જમડો ઘરમાં ઘૂસી ગયો છે કે શું?
'અલી આમ સાપ કરડ્યો હોય તેમ કૂદે છે શું?' રમાબા તેમના દુઃખતા ખભા પર જમાઈ 'આઈસીહોટ’નું માલીશ કરતો હોય તેવું સપનું જોતા હતા. કહે, 'જો તારો મગજનો પારો ધખધખતા ઉનાળા જેવો 'હોટ'છે તો જમાઈ હિમાલયન પ્રોડક્ટ 'આઈસી' શોધીશું.
શું સમજી?'
લગ્નની વાતથી ફૂગ્ગામાંથી સૂ.. સૂ કરતી હવા નીકળે તેમ ચેતનામાંથી ચેતન ગાયબ થઈ જતું. તેને માથે જમાઈનું વાદળ ફાટ્યુ તો તેની દશા નાની શી છોકરીને દેડકે તાણી જેવી થવાની, કારણ પછી તો મમ્મીની પાર્ટીમાં ડેલિગેટ્સની સઁખ્યા વધી જવાની. પ્રેસીડન્ટ મમ્મીની એકહથ્થુ સત્તા - ઘરમાં મમ્મીની પાર્ટીનું રાજ - ચેતના ચેતનવન્તી થઈ ગઇ, તાત્કાલિક ફોન બાજુમાં મૂકી દીધો. આગ લાગે તે પહેલાં કૂવો ખોદવા વિચારે ચઢી.
રમાબા ખુશ થયાં. દીકરી તો જાણે ફોનને પરણી હતી. 'હની'ને સ્હેજેય આઘો નહોતી કરતી. પણ જમાઈની વાતથી ગલીપચી થઈ હશે, આ જોબની લ્હાયમાં પાંત્રીસની થઈ ગઈ, બાકી મનમાં કે 'દાડાનું પૅણુ પૅણુ થયું હોય. પત્નીના હાસ્યથી રમણકાકાને હિંમત આવી, ધીરે રહી ફરી પત્નીની સોડમાં બેઠા. રમાબા છણકો કરી બોલ્યાં,
'જરા લાજ રાખો, કાલ ઉઠીને જમાઈ ઘરમાં આવશે, આવા ને આવા કાલાવેડા કરીને મને પૅણી ગયા. '
ચેતના મૂળમાંથી મમ્મીની વાત કાપી નાખતા બોલી, 'મારા જન્માક્ષરમાં મંગળ છે, જમાઈનું અમંગળ થવાનું નક્કી, તમે એ વિચાર મનમાંથી કાઢી નાંખજો, હું તમારા માટે ટિફિન મઁગાવીશ. '
રમણકાકા ગેલમાં આવી ગયા, ટાઢા પાણીએ જમાઈની ખસ ગઈ, ઉપરથી ટિફિનનું તૈયાર જમવાનું.
'ચેતના તેં ખરેખરો રસ્તો કાઢ્યો, જીવહત્યાના પાપમાં પડવું એના કરતા શાંતિથી જોબ કરવી ----'
રમાકાકીએ કૂકરની વિસલ જેવી ચીસ પાડી 'છોકરીના બાપ છો કે કોણ છો? કુંવારી છોકરી સાપનો ભારો એને ઠેકાણે પાડવાની દીકરીના માં-બાપની ફરજ ભૂલી ગયા?'
ચેતના, 'જમાઈનો ભારો તમે બે માથે ઉપાડવાના છો ? મારે માથે નોકરી, ઘર મા, બાપ બઘાનો ભાર --હું તો બેવડ વળી ગઈ છું. ઘરમાં કંઈનું કંઈ પારાયણ તેમાં જમાઈની વાત આ જનમમાં ભૂલી જજો '
ચેતના ગુસ્સામાં ખભે પર્સ લટકાવી ગરાજમાં જતી હતી ત્યાં રમાબા 'બેટા, મારો હાથ ઝાલીને ઊભી તો કર. '
ચેતનાએ મમ્મીનો એક હાથ પકડ્યો ને રમણકાકાએ પાપડતોડ પહેલવાનની અદાથી બીજો હાથ પકડ્યો, સોફામાં ગુંદર હોય તેમ રમાકાકીના પાછળના બે તુંમડા કેમે કરી ઊઠવાનું નામ લેતા નહોતા. પપ્પા ધમણની જેમ હાંફતા દૂર ફેંકાઈ ગયા. રમાકાકીએ તક ઝડપી લીધી, ચેતનાને પટાવતા હોય તેમ કહે,
'બેટા, એટલે કહું છું જમાઈ હોય તો તારે અમારી, ઘરની ચિંતા ઓછી. '
ચેતનાનું મગજ ફટક્યું તેણે મમ્મીની ઝાટકણી કાઢી, 'તમે શું સમજો છો ? જમાઈ વેક્યુમક્લીનર છે તે ચાંપ દાબો એટલે ચાલુ --
રમણકાકાને જોર આવ્યું કહે, 'જોજે ને વોશરની જેમ સાસુની ધુલાઈ કરી દેશે. '
રમાકાકી પતિનો હાથ પકડી બોલ્યા'હું તમને હમણાં ડીશ વોશરમાં ધોઈ નાખું છું '
'અરે આ શું માંડ્યું છે? મારી ફ્રાઈડેની સાંજનું કચુંબર કરી નાખ્યું
'ચેતના પગ પછાડતી બહાર ગઈ એટલે રમાકાકીએ બોમ્બનો ધડાકો કર્યો, 'કાલે સવારે મનુપ્રસાદ જોશી છોકરાના જન્માક્ષર લઈને આવવાના છે. '?
રમણકાકા ડરતા ડરતા બોલ્યા :'સાસુના દર્શન થતાં અલોપ થઈ જશે !!!.
ચેતના ખડખડાટ હસતી શુક્રવારની સાંજ મિત્રો સાથે મઝા કરવા ઉપડી ગઈ.
રમાકાકીએ રમણકાકાને ઝપટમાં લીધા :'કેમ અમેરિકાનું પાણી ચઢ્યું છે? બકરી આદુ ખાતા શીખી. પત્નીનું મોં જોઈને રોજ તો શેર લોહી ચઢે છે.. '
'પણ હું એક તો ઘરજમાઈ છું બીજાનું શુ કામ છે?' રમણકાકા બોલ્યા તેવા જ ન્યુક્લિઅર બૉમ્બ જેવા રમાકાકી તેમના પર હુમલો કરવા ઊઠ્યા એટલે રમણકાકા પત્નીના રણચંડીના સ્વરૂપને જોતા બીકના માર્યા બાથરૂમમાં અલોપ થઈ ગયા.
***
બારણા પર ખખડાટ થતાં ચેતના ભરઉંઘમાંથી અનિચ્છાએ જાગી, તેવી જ ગુસ્સે થઈ :
'આજે રજાના દિવસે જંપો, શું ધાડ આવી છે?'
બને એટલા મીઠા અવાજે 'જાગને જાદવા.. 'ભજન ગાતી હોય તેમ તેની મમ્મી બોલી :
'ચેતુ, બેટા જરા તૈયાર થઈને બહાર આવજે '
ચેતનાએ બારણું ખોલ્યું. આરપાર દેખાતા રોબમાંથી ચેતનાની આળસ મરડતી કાયા અંદરની ગુલાબી નાઇટીમાં ભરપૂર ડોકાતી હતી. બહારના રૂમમાં માણસોનો જમેલો જોઈ તેનો પિત્તો ઉછળ્યો : ''વોટ ઇઝ ધીસ મમ્મી ? મારે કોઈને મળવું નથી '
એણે જોરથી પછાડીને બેડરૂમનું બારણું બન્ધ કરી દીધું.
જોશીના હાથમાં જન્માક્ષરની પોથી ધ્રૂજી રહી હતી. તેમણે વિદાયની તૈયારી કરી
"રમાબેન આજે મંગળનો પ્રતાપ છે, જરા વિધિ કરાવીને ફરી કોઈક વાર ગોઠવીશું. '
'આ તો ગાજ્યા મેધ વરસે નહીં, મારી દીકરીનું મન મીણ જેવું, બહારથી ઘડીક ઊભરાય ' રમાબેને તેમની લાલ સાડીનો છેડો સરખો કરતાં કહ્યું.
'એવું છે ને કાલે રાત્રે એને બહુ મોડું થઈ ગયેલું એટલે સવારમાં આવું થાય, '
કહ્યાગરા દીકરા જેવો જોશીની સંભાળ રાખતો પરેશ બોલ્યો :: 'કાકા આપણું કામ ફતેહ થશૅ, હિમતે મર્દા તો મદદે ખુદા '.
રમાકાકી ખુશ થયાં, આવો જ કહ્યાગરો જમાઈ જોઈએ. એમણે રેશમી ઝભ્ભો અને લેધો પહેરી મહાલતા રમણકાકાને ઈશારો કરી કહ્યું :
'આને રસોડામાં મદદ માટે લઈ જાવ, ચા અને બટેટા -પૌઆ તૈયાર કરો. '
રમાબેને જોશીને પરેશ વિષે વિગતે પૂછતાં કહ્યું :
'તમે જન્માક્ષરની જોડે જમાઈને લઈને પધાર્યા, તે આ કોણ છે? કાંઈ ભણેલો છે કે નહિ ? ખોટો રૂપિયો તો નથી ને?'
'બહેન મારો ભત્રીજો છે, સો ટચનું સોનુ. અમેરિકા આવવાના અભરખામાં કુંવારો રહ્યો છે. હવે ચેતનાબેન જોડે ચોકઠું બેસે એટલે જંગ જીત્યા. '
રમાબેનનું શેર લોહી ચઢ્યું તેઓ સાસુની અદાથી મોં ભારે કરી બોલ્યાં :
'પરેશને રસોઈ, ઘરનું કામકાજ આવડે છે ને?'
'જોશીના છોકરાને બધું આવડે, તમે બેફિકર રહેજો '
પરેશ અને રમણકાકા રસોડામાં ખટપટ કરતા હતા. જોશી બાથરૂમમાં ગયા તે દરમ્યાન જીન્સ અને ટોપ પહેરી ફૂલફટાક તૈયાર થઈ ચેતના ખભે પર્સ લટકાવી બહારના રૂમમાં થઈને ગરાજમાં ગઈ. એની મમ્મી હાથમાંથી પતંગ કપાઈ ગઈ હોય તેમ તેની પાછળ હાંફતી દોડી :
'ચેતના ચા-નાસ્તો કરતી જા, તને ખબર પડે કે મૂરતિયાની રસોઈમાં ભલીવાર છે કે નહિ?'
'તમે જ જોઈ લેજો ને?'
'પરેશ ઊંચો, દેખાવડો છે, તારી નજરમાં આવ્યો?'
'મારે મોડું થાય છે, તમે ઉપાડો કર્યો છે તો હવે ઉકેલજો. '
રમાકાકી :'તો, મુહૂર્ત જોવડાવું ?'
ચેતનાની કાર ક્યારની ગરાજની બહાર જતી રહી હતી.
અંદર બધાના જીવ તાળવે હતાં. પરેશ જોશીના ધ્રજતા હાથને પકડીને ઊભો હતો.
રમાકાકી 'કરો કંકુના, હું અડીખમ બેઠી છું ને '
રમણકાકાએ ટાપશી પુરી 'ભલ ભલાને ઠેકાણે પાડી દેં '
***
બે મહિના પછી જોશીએ મંદિરમાં લગ્નની ચોરીમાં વર પધરાવો સાવધાનનો પોકાર કર્યો. કાકી વરનો હાથ ઝાલી વધુની પાસે બેસાડી ગયાં. સપ્તપદીના બધા જ ફેરામાં આગળ ચેતના અને પાછળ વર પગલા ભરતો હતો. મહેમાનોએ આનન્દની કિલકારી કરી.
વરવિદાયની પળ વખતે વર પક્ષના સગાઓને ખભે માથું મૂકી પરેશે રડી લીધું. જમાઈની પાસે આવી સાસુમા બોલ્યાં:
'અમારી ઘેર લીલાલહેર કરજો'
પરેશ ધીમી ચાલે વાટ જોતી ચેતના પાસે ગયો, ચેતનાએ ઇશારાથી બેગો વગેરે પાછળ ડિકીમાં મુકવા કહ્યું, પરેશે તે કામ પતાવી ચેતનાને કારનો દરવાજો ખોલી આપ્યો. પછી પાછલી સીટમાં સાસુ-સસરાને વિરાજમાન કરી દૂર ઊભેલાં સગાઓને વિદાય આપી. બન્ને પક્ષની મહિલાઓએ એને 'બ્રાવો' કહી તાળીઓથી વધાવ્યો!!..
***