આફત
કનુ ભગદેવ
8: લાશ ગુમ.....!
બરાબર અઢી વાગ્યા હિરાલાલની કાર ભૂપગઢ ખાતે પોતાની વાડીનાં ફાટક પાસે પહોંચીને ઊભી રહી ગઈ.
વાડીના અંદરના ભાગમાં એણે ખાસ રજા ગાળવા માટે જ પાકું મકાન બનાવડાવ્યું હતું.
ફાટકની બાજુમાં જ ચોકીદારની કેબિન હતી.
કારના એન્જિનનો અવાજ સાંભળીને એ પોતાની કેબિનમાંથી બહાર નીકળ્યો.
હિરાલાલની મોટરને ઓળખીને એણે તરત જ ફાટક ઉઘાડ્યું.
કાર રાજેશ ચલાવતો હતો. એણે તરત કારને અંદર લઈ જઈને પાકાં મકાન પાસે ઊભી રાખી દીધી.
સુનિતાના દેહને તેમણે સીટની નીચે રાખી દીધી હતો એટલે ચોકીદાર તેને જોઈ શકે તેમ નહોતો.
‘સાહેબ...’ ચોકીદાર નજીક આવીને બંને હાથ જોડતો આદર ભર્યા અવાજે બોલ્યો, ‘આપ સહકુટુંબ આવ્યા છો? મને અગાઉથી સમાચાર આપી દીધાં હોત તો...’
‘બોલ, ભાઈ બહાદુર... કેમ છે?’ હિરાલાલે તેની વાતને વચ્ચેથી જ કાપી નાંખીને નીચે ઉતરતાં કહ્યું, ‘હમણાં મધુને અઠવાડિયાની રજા છે. એટલે તે અહીં આવવાની જીદ લઈ બેઠી. અને પણ ઘણાં દિવસથી આરામ કરવાનું મન થયું હતું. આખો દિવસ કામ....કામ ને કામ જ! હું તો ખરેખર ખૂબ જ થાકી ગયો હતો.’
‘આરામ ફરમાવવાનો વિચાર કરીને આપે ખૂબ જ સારું કર્યું છે સાહેબ...! કામ તો આખી ઉંમર ખૂટશે જ નહીં. કામ તો કામની રીતે થવા જ કરવાનું છે.’
‘હું....’ હિરાલાલના ગળામાંથી હુંકાર નીકળ્યો, ‘તારી પત્નિ બીમાર હતી, એને હવે કેમ છે?’
જવાબમાં બહાદુરનો ચ્હેરો એકદમ ઉદાસ બની ગયો.
‘શું કહું સાહેબ...?’ એ ઉદાસ અને દુ:ખી અવાજે બોલ્યો, ‘એ તો અત્યારે હોસ્પિટલમાં છે. કાલે અચાનક જ તેની તબીયત ખૂબ લથડી ગઈ. પરિણામેં મારે તાબડતોબ તેને હોસ્પિટલમાં દાખલ કરવી પડી.’
‘એ હોસ્પિટલમાં છે છતાં પણ તું અહીં જ રોકાયો છે? ત્યાં એનું ધ્યાન રાખવા વાળું કોણ છે?’ હિરાલાલના અવાજમાં મીઠો ઠપકો હતો.’
‘સાહેબ....અહીં વાડીનું ધ્યાન રાખવું પણ જરૂરી છે એટલે...’
‘ખરે, હવે તો અમે આવી ગયા છીએ. તું નિરાંતે તારી પત્નિની સારવાર કરાવ. અમે હજુ ત્રણ-ચાર દિવસ અહીં રોકવાનાં છીએ.’ કહીને હિરાલાલે પોતાના ગજવામાંથી સો રૂપિયાવાળી ત્રણ નોટો કાઢીને તેની સામે લંબાવી, ‘આ ત્રણસો રૂપિયા તારી પાસે રાખ અને તું હમણાં જ તારી પત્નિ પાસે હોસ્પિટલ જા. ત્યાં તેને દવા-દારૂની જરૂર હશે. અને સાંભળ, તું તારે નિરાંતે સવારે આવીશ તો પણ ચાલશે. અત્યારે ધક્કો ખાવાની જરૂર નથી. રાત્રે અમે લોકો વિશાળગઢની જમીને જ નીકળ્યા છીએ. તને ટાઈમ મળે તો સવારે ચા-પાણી બનાવવા માટે આવી જશે.’
‘ભલે સાહેબ....’ બહાદુરે તેનાં હાથમાંથી નોટો લઈને રૂંધાયેલા અવાજે કહ્યું, ‘આપ માણસ નહીં પણ દેવતા સમાન છો સાહેબ..! આપ ગરીબોનાં બેલી છો. બાકી અત્યારના જમાનામાં તો કોઈ આપની જેમ મદદ કરે નહીં. ઈશ્વર આપને હંમેશા સુખી રાખે.’ એની આંખોમાં આંસું ધસી આવ્યા હતા.
આ દરમિયાનમાં રાજેશ વિગેરે પણ નીચે ઊતરી આવ્યા હતા.
‘જો બહાદુર...હું તો ગરીબ અને તવંગરમાં જરા પણ ફર્ક નથી જોતો. માણસ ગરીબ હોય તો શું થઈ ગયું.? પણ છેવટે તો તે માણસ જ છે ને? ભગવાને ગરીબ કે શું પૈસાદાર...બધાંના જીવો એકસરખા જ બનાવ્યા છે. પૈસો તો હાથના મેલ જેવો છે પૈસા તો આજે છે ને કાલે નથી. કિંમત તો માણસની જ હોય છે. એને હું માણસની તથા માણસાઈની કિંમત જાણું છું, મારે મન તો શું ગરીબ કે શું પૈસાદાર, બધાં સરખાં જ છે. ગરીબો માટે તો હું મારો જીવ આપતાં પણ અચકાઈશ નહીં. ખેર, તું હવે સમય બગાડ્યા વગર સીધો જ હોસ્પિટલે પહોંચી જા અને સવાર સુધી તારી પત્ની પાસે જ રેહશે. સવારે શક્ય હોય તો ચા-પાણી બનાવવા માટે આવી જજે. અને ન અવાય તો કંઈ નહીં. મધુ બનાવી નાંખશે.’
અને બહાદુર મનોમન હિરાલાલના માયાળુ સ્વભાવનાં વખાણ કરતો હોસ્પિટલે પોતાની પત્ની પાસે જ જવા માટે રવાના થઈ ગયા.
જતી વખતે તે બધાને રામ-રામ કહેવાનું ભૂલ્યો નહોતો.
‘પિતાજી....’ સહસા રાજેશે કહ્યું.
‘બોલ...’
‘બહાદુરને તમે વિદાય કરી દીધો એ સારું જ કર્યું છે. હવે આપણને સુનિતાના મૃતદેહને ઠેકાણે પાડવામાં સરળતા રહેશે.’
‘હાં....હું તો હંમેશા સારું જ કરું છું. પરંતુ હવે ઈશ્વર આપણુ સારું કરે ત્યારે થાય ને? મારે તો બહાદુરની પત્નિનો આભાર માનવો જોઈએ. એ બિમાર થઈને હોસ્પિટલમાં પડી છે. તો હું બહાદુરને વિદાય કરી શક્યો ને? એ બિમાર ન હોત તો તેને વિદાય કરવા માટે મારે કોઈક બીજો ઉપાય શોધવો પડત. ખેર, જે થયું છે તે સારું જ થયું છે.’
‘હવે આપણે ફક્ત એક જ કામ કરવાનું બાકી રહ્યું છે.’ કમલાએ કહ્યું, ‘ અને એ કામ છે ખાડો ખોદીને સુનિતાનાં મૃતદેહને દાટી દેવાનું....?’
ત્યારબાદ તેમણે મકાનના એક કઠોરરૂમમાંથી ખાડો ખોદવા માટેનાં કોશ, કાદાળી, પાવડો વિગેરે શોધી કાઢ્યા.
પછી બધાં બહાર નીકળીને મોટર પાસે આવ્યા.
‘મોટરભાઈ...’ રાજેશે કારની પાછલી સીટનું બારણું ઉઘાડતાં કહ્યું., ‘ તમે મને સુનિતાનો મૃતદેહ ઊંચકવામાં મદદ કરો....’
‘ના, ભાઈ....ના...!’ અમર ધ્રુજતા અવાજે બોલ્યો,
‘એમ કામ તું એકલો જ કરી નાંખ. મારાથી નહીં થાય. મેં તો આજ સુધી કોઈ મૃતદેહને સ્પર્શ પણ નથી કર્યા તો પછી ઉંચકાવાની વાત જ ક્યાં રહી.’
‘સ્પર્શ ન કર્યો હોય તો આજે કરી લે...!’ કમલા, અમર પર વિફરી પડતાં બોલી, ‘લાખો રૂપિયાનું કરિયાવર કંઈ એમને એમ ઊડીને આપણાં ઘરમાં નહીં આવી જાય સમજ્યો? એ મેળવવા માટે થોડી મહેનત કરવી જોઈએ. પરસેવો પાડવો જોઈએ. અને આમાં કયાં તારે મોટો ડુંગર ખોદવાનો છે તે તું આમ આનાકાની કરે છે?’
‘ઠીક છે...’ અમરે નમતું આપતાં કહ્યું. ‘લાખો રૂપિયાનું કરિયાવર મેળવવા માટે હું એક તો શું., દસ લાશ પણ ઊંચકી શકું તેમ છું. પણ એમ મિનિટ ઊભાં રહો. પહેલાં મને વ્હીસ્કીની બે-ચાર ઘૂંટડા ભરીને ગળુતર કરી લેવા દો નહીં તો લાશ જોઈને જ હું બેભાન થઈ જઈશ.’
એણે પોતાના કોટના ગજવામાંથી વ્હીસ્કીની નાની સીલપેક બોટલ કાઢીને તેનું ઢાંકણુ ઉઘાડ્યા બાદ તેમાંથી ઉપરાઉપરી ચાર-પાંચ ઘુંટડાઓ ભર્યા.
હિરાલાલે ટોર્ચના અજવાળામાં મકાનથી થોડે દુર સુનિતાન મૃતદેહને દાટવા માટે એક સ્થળ પસંદ કરી લીધું હતુ.
રાત સમ્ સમ્ કરતી પસાર થતી હતી.
વાડીમાં ચારે તરફ દિલો-દિમાગને કોરી ખાતો ભયંકર સન્નાટો છવાયેલો હતો. શાંત વાતાવરણમાં તમરાનો અવાજ ગુંજતો હતો. દૂર દૂર ખેતરોમાંથી શિયાળની લારી સંભળાતી હતી. આકાશમાંથી, વાદળોની વચ્ચેથી ચંદ્રમાં ક્યારેય ડોકિયું કરી લેતો હતો.
વાતાવરણ ખૂબ જ ભયંકર બની ગયું હતુ.
એક નિર્દોષના મૃત્યુ સામે પોતાનો આક્રોશ વ્યક્ત કરતો હોય તેમ જોરશોરથી પવન ફૂંકાતો હતો. ગરમ વસ્ત્રો પહેર્યા. હોવા છતાં પણ ઠંડી હવાના સપાટાથી તેમનાં દાંત કકડતા હતા. વૃક્ષોની ડાળીઓ એક બીજાં સાથે અથડાઈને ભયંકર શોર મચાવતી હતી.
વ્હીસ્કીનાં ઘૂંટડા ભર્યા પછી અમર સ્ફૂર્તિ અનુભવતો હતો.
એણે તથા રાજેશે સુનિતાના દેહને કારમાંથી બહાર કાઢ્યો. પછી અમરે તેના દેહને પોતાના ખભા પર ઉંચકી લીધો.
‘હવે....?’ એણે હિરાલાલ સામે જોઈને પૂછ્યું.
‘હવે મારી પાછળ પાછળ ચાલ્યો આવ.’ કહીને હિરાલાલ એક તરફ આગળ વધ્યો. એના હાથમાં ટોર્ચ સળગતી હતી.
અમર પડતો-અખડતો તેની પાછળ ચાલ્યો.
રાજેશ, કમલા અને મધુ પણ તેની સાથે જ હતા.
હિરાલાલ આગળ ટોર્ચ ચમકતો તેમને રસ્તો બતાવતો જતો હતો.
આ વાડીમાં માત્ર એક ચોકીદાર જ રહેતો હતો, અને તેને પણ હિરાલાલ વિદાય કરી ચુક્યો હતો એટલે હવે ત્યાં કોઈ કરતાં કોઈ જ નહોતું.
છેવટે નક્કી કરેલી જગ્યાએ પહોંચીને હિરાલાલ ઊભો રહ્યો.
‘આપણે સુનિતાનાં મૃતદેહને અહીં જ દાટવાનો છે.’ એણે કહ્યું, ‘અહીંની જમીન સ્હેજ પોચી છે એટલે ખાડો ખોદવામાં સરળતા રહેશે.’
‘ઠીક છે...’ કમલા બોલી. પછી તે અમર તરફ ફરી,
‘અમરે, તું લાશને હવે નીચે મૂકી દે!’
‘એ તો તમે નહીં કહો તો પણ મૂકી દઈશ. કમબક્ત, મારો તો વાંસો જ દુ:ખી ગયો છે તેને ઊંચકીને...!’ કહીને અમરે સુનિતાના મૃતદેહને નીચે જમીન પર મૂકી દીધો. તે હાંફતો હતો. મૃતદેહને ઊંચકીને હવે વધારે તેનાંથી ચલાય તેમ પણ નહોતું. એનાં પગ ધ્રુજતા હતા. હૃદયના ધબકારા એકદમ વધી ગયા હતા. કપાળ પરથી પરસેવાની ધાર નીતરતી હતી. પછી એણે ગજવામાંથી વ્હીસ્કીની બોટલ તેમાંથી ચાર-પાંચ ઘૂંટડા ગટગટાવ્યાં.
‘રાજેશ....’ હિરાલાલે કહ્યું. ‘તું હવે તારું કામ શરૂ કરી દે!’
‘ભલે...’ રાજેશ કોદાળી ઊંચકાતા બોલ્યો. પરંતુ ઊંચકતી વખતે તેના હાથ ધ્રુજતા હતા. હાથમાં જાણે મણ મણનો બોજો ઉંચક્યો હોય એમ તે અવારનવાર નીચા નમી જતા હતા. હમણાં પોતાના હાથમાંથી કોદાળી છટકી જશે એવું તેને લાગતું હતું.
પછી અચાનક કોદાળીને નીચે મૂકીને એણે અમરના હાથમાંથી વ્હીસ્કીની બોટલ આંચકીને પોતાના મોં પર મૂકી દીધી. ત્યારબાદ મોં પરથી એણે બોટલ ખસેડી ત્યારે એ બિલકુલ ખાલી થઈ ગઈ હતી. તેમાં વ્હીસ્કીનું એક ટીપું પણ બાકી નહોતું રહ્યુ.
એણે ખાલી થઈ ગયેલી બોટલને એક તરફ ફેંકી દીધી. પછી કોદાળી ઉંચકીને પોતાના કામે વળગી ગયો.
‘અરે, અકક્લનાં ઓથમીર,,,!’ હિરાલાલ એની સામે જોઈને ક્રોધિત અવાજે બોલ્યો, ‘ભગવાન ન કરે ને જો કાલે અહીંથી અહીંથી સુનિતા લાશ મળી આવશે અને તેની સાથે સાથે આ ખાલી બોટલ પણ મળશે તો આપણે બધાં તરત જ જેલના સળીયા ગણતા થઈ જશું. એર મૂરખ, આ બોટલ પર તારા તથા અમરના આંગળાની છાપો પડી ગઈ હશે એનુંય તને ભાન નથી....? આવી નાની નાની ભૂલોથી જ ગુનેગાર પકડાઈ જાય છે સમજ્યો?’
‘ઓહ....મારા દિમાગમાં તો આ વાત આવી જ નહોતી. હું હમણાં જ એ બોટલ...
‘રાજેશ...’ તું એ બોટલની વ્યવસ્થા કર! લાવ, કોદાળી મને આપી દે...’ કહીને, હિરાલાલે આગળ આગળ વધીને તેના હાથમાંથી કોદાળી લઈ લીધી. પછી ધૂંધવાયેલા અવાજે બોલ્યો, ‘તમારા બંનેથી કંઈ જ નહીં થાય. તમે બંને સાવ નકામા છો. હું નાહક જ તમારી પાસેથી મોટી આશા રાખીને બેઠો છું. તમારાથી કાચો પાપડ પણ ભંગાય તેમ નથી. તારૂ પીધા વગર તો તમે એક ડગલું પણ ચાલી શકતા નથી. મારે જે કરવું છે, તે હવે હું જ કરીશ’કહીને હિરાલાલ ખાડો ખોદવા લાગ્યો.
કમલા અને મધુ તેમની નજીક ઉભાં ઊભાં ભયથી અથવા તો ટાઢથી ધ્રુજતા હતા.
ત્યારબાદ લગભગ બે કલાકની અથાગ મહેનત પછી ખાડો ખોદાઈ ગયો. કમલા અને મધુને પણ ખાડો ખોદવામાં મદદ કરવી પડી હતી, હિરાલાલ, રાજેશ અને અમરે તો ઘડીભર પણ આરામ નહોતો કર્યો.
ખાડો ખોદાઈ ગયા પછી હિરાલાલે કોદાળીને એક તરફ મૂકીને ખમીસની બાંયથી પોતાનું મોં લૂંછ્યું.
બધા પરસેવે રેબઝેબ બની ગયા હતા.
‘ઓહ....’ હિરાલાલ હાંફતા અવાજે બોલ્યો, ‘આ ખાડો ખોદવાનું તો ખૂબ મુશ્કેલ કામ છે. મારા તો હાથ છોલાઈ ગયા.’
‘અને આ જ હાથેથી તમારે તમારા દિકરા અમરના લગ્ન ભાનુશંકરની દિકરી કિરણ સાથે કરીને લાખો રૂપિયાનું કરિયાવર લેવાનું છે. એ વાત તમે શા માટે ભૂલી જાઓ છો?’ કહીને કમલાએ રાજેશ તથા અમર સામે જોયું. ‘હવે તમે આમ ઊભા ઊભા મારું મોં શા માટે જુઓ છો? તમે બંને આ કમજાતની....’ એણે જમીન પર પડેલા સુનિતાના મૃતદેહ તરફ સંકેત કર્યો,
‘લાશને ઊંચકીને ખાડામાં પધરાવી દો. ત્યારબાદ ખાડાને ફરીથી બૂરી દેજો...!’ એના અવાજમાં કઠોરતા અને ઘૃણા હતી.
પછી બંને સિગારેટના ઠૂંઠાને એક તરફ ફેંકીને સુનિતાના મૃતદેહ તરફ આગળ વધ્યા. ભયના અતિરેકને કારણે ચાલતી વખતે તેમના પગ લથડતા હતા.
‘તમે બંને એકદમ બેવકૂફ છો... અકકલના દુશ્મન છો... તમારામાં બુદ્ધિનો છાંટો ય નથી.’ હિરાલાલે ક્રોધથી સળગતી નજરે તેમની સામે જોતા કહ્યું.
‘ કેમ...? શું થયું?’ અમરે આશ્ચર્ય અને મુંઝવણ ભર્યા અવાજે પૂછ્યું, ‘તમે શા માટે અમને આવા પશેષણેથી બોલાવો છો?’
‘એવા વિશેષણોથી ન બોલાવું તો શું તમારી પૂજા કરું?’ હિરાલાલે ક્રોધથી ઉછળતા અવાજે જવાબ આપ્યો, ‘તમે સિગારેટના ઠૂંઠા કર્યાં ફેંક્યા છે એનું તમને ભાન નથી?’ કહીને એણે બંને ઠૂંઠાં ઊંચકીને પોતાના ગજવામાં મૂકી દીધાં, ‘સિગારેટ તમે ફૂંકો અને તેના ઠૂંઠા મારે ઉપાડવા! મેં હમણાં થોડીવાર પહેલા પણ રાજેશે જ્યારે ખાલી બોટલ ફેંકી હતી ત્યારે તેનું નાક કાડ્યું હતું કે નાની નાની ભૂલે કે વસ્તુઓ પણ ક્યારેય ગુનેગારને જેલના સળીયા ગણાવી દે છે. કાલે ચોકીદાર આ ઠૂંઠા જોઈ લેત અને તાજો જ ખોદેલો ખાડો જોત તો શું વિચારત?’
‘તમારી વાત સાચી છે પિતાજી!’ રાજેશ બોલ્યો, ‘તમે દરેક પગલું સમજી-વિચારીને જ ભરો છો તેમાં શંકાને કોઈ સ્થાન જ નથી. સુનિતાની પહેલા પણ તેમે એકાદ-બે ખૂનો કરી નાખ્યા હોય એવું મને લાગે છે. અને એટલે જ આટલી નાની નાની ભૂલ પ્રત્યે પણ તમારું ધ્યાન તરત જ જાય છે. કહીને અમર હો...હો... કરતો હસી પડ્યો. શાંત વાતાવરણમાં તેનું હાસ્ય ખૂબ જ ભયંકર લાગતું હતું.
એની વાત સાંભળીને હિરાલાલનો ચ્હેરો ધોળો પૂણી જેવો થઈ ગયા. પરંતુ એણે પોતાના મનના ભાવ ચ્હેરા પર કળાવા દીધા નહી.
ત્યારબાદ રાજેશ તથા અમરે સુનિતાના મૃતદેહને ખાડમાં પધરાવીને ખાડો પૂરી દીધો.
બધાના હૃદય ધોઈને ડ્રોઇંગ રૂમમાં પહોંચ્યા. તેમના ચ્હેરા પર થાક વર્તાતા હતા. પરંતુ તેમની આંખોમાં ઊંઘનું નામો-નિશાન પણ નહોતું.
કમલા અને મધુએ ગરમ ધાબળા ઓઢ્યા હોવા છતાં પણ રહી રહીને તેમના દેહ ધ્રુજતા હતા.
હિરાલાલ, રાજેશ તથા અમરનાં હાથમાં વ્હીસ્કીના ગ્લાસ જકડાયેલા હતા. તેમના ચ્હેરા પર આનંદના હાવભાવ છવાયેલા હતા.
‘વાહ....ઈશ્વરનો ઉપકાર....!’ હિરાલાલ બોલ્યો, ‘થોડો થાક લાગ્યો પણ બધું હેમખેમ પતી ગયું. ‘
‘તમે તમારો થાક તો દૂર કરી જ રહ્યા છો!’ કમલાએ હિરાલાલની ખાલી થઈ ગયેલા ગ્લાસમાં વ્હીસ્કી રેડતાં કહ્યું. પછી હિરાલાલના આગ્રહથી એણે પોતાને માટે તથા મધુ માટે પણ એક એક પેગ બનાવ્યા. કોણ જાણે કઈ જાતનું હતું આ કુટુંબ કે જયાં નાન-મોટા વચ્ચે કોઈ જ ફર્ક નહોતાં. સ્ત્રીઓ ક્યારેય શરાબ નથી પીતી એનો પણ તેમને ખ્યાલ નહોતો. કમલાએ ઔપચારિકતા ખાતર તેનો વિરોધ કર્યો તો એણે કહ્યું-લઈ લે થોડી, અને મધુને પણ આપ નહીં તો સવાર સુધીમાં તો તમે બંને બરફની જેમ થીજી જશો. આમે ય આજે આપણે માટે આનંદનો દિવસ છે. આપણે એક ઓછું કરિયાવર લાવેલી વહુને નિરાંતે, ઠંડો કલેજે, કોઈને ય શંકા ન આવે એ રીતે ઠેકાણે પાડી દીધી છે, એટલે આપણે આવો મજાનો દિવસ સાથે મળીને જ ઉજવવો જોઈને ને?’
અને મા-દિકરી પણ પોતાની ઠંડી ઉડાડવા માટે ઘુંટડા ભરવા લાગ્યા. આમે ય પૈસાદારોની ઠંડી માત્ર ગરમ ધાબળાથી જ કયા દૂર થાય છે? તેમને તો ઠંડી ઉડાડવા માટે શરાબ જોઈએ છે. આ દેશમાં જ હજારો-લાખો ગરીબ માણસો ઉપર આકાશ અને નીચે ખુલ્લી જમીન હોય એવી જગ્યાએ ફાટેલોતૂટેલો ધાબળો ઓઢ્યા વગર શિયાળાની એક રાત નહીં પણ આખો શિયાળો વિતાવી દે છે. એ જોવાની કે જાણવાની આવા પૈસાદાર માણસોને ફુરસદ જ ક્યાં મળે છે? એ તો પોતાની ધૂનમાં જ મસ્ત હોય છે. પોતાના નામની તકતી જયાં મૂકાય, લોકો બબ્બે મોંએ પોતાના વખાણ કરે ત્યાં આવા માણસો લાખો રૂપિયા આપતા પણ નહીં અચકાય. પરંતુ ગરીબોને ધાબળા આપવાનું તેમને નહીં જ સૂઝે.
હિરાલાલે કમલાના હાથમાંથી પોતાનો ગ્લાસ લઈ લીધો. પછી તેમાંથી બે-ત્રણ ઘૂંટડા ભરીને ગ્લાસ ટેબલ પર મૂકી દીધો.
‘કમલા..’ એ ઉત્તેજીત અવાજે બોલ્યો, ‘મારો સાચો થાક તો, લાખો રૂપિયાના કરિયાવર સાથે ભાનુશંકરની દિકરી કિરણ, અમર સાથે લગ્ન કરીને મારા ઘરમાં આવશે પછી જ ઉતરશે.’
‘તમે કરિયાવરમાં ભાનુશંકર પાસે ઓછામાં ઓછા દસ લાખ માંગજો. અને સુનિતાના લગ્ન વખતે કરી હતી, એવી ભૂલ આ વખતે કરશો નહી. આ વખતે તો તમે કરિયાવરના રૂપિયા રોકડા હાથમાં આવી જાય પછી જ અમરના લગ્ન થવા દેજો સમજ્યાં? ક્યાંક એવું ન બંને કે સુનિતાની માની જેમ ભાનુશંકર પણ તમને પાછળથી રૂપિયા આપવાનું કહે એને તમે માની જાઓ. સુનિતાને તો આપણે જેમ તેમ કરીને ઠેકાણે પાડી દીધી છે. પરંતુ હવે ભવિષ્યમાં બીજા કોઈને ય ઠેકાણે પાડવાની મારામાં હિંમત કે શક્તિ નથી. એટલે આ વખતે રોકટા ગણ્યા પછી જ આગળ વધજો.’ કમલા નશાથી લથડતા અવાજે બોલી.
‘અરે ડાર્લિંગ...!’ હિરાલાલ પણ હવે નશાના પ્રભાવમાં આવી ગયો હતો, ‘એક જ પથ્થરતી બે વાર ઠોકર ખાઉં એવો મૂરખ હું નથી! તું જોજે તો ખરો! આ વખતે કરિયાવરના પૈસા પહેલાં મારા હાથમાં આવશે અને વહુ તો ત્યાર પછી જ આપણા ઘરમાં પગ મૂકશે. અને તું તો દસ લાખની વાત કરે છે. ને? પરંતુ મારી ગણતરી તો પંદર લાખ લેવાની છે. અને એ હું ભાનુશંકર પાસેથી લઈને જ રહીશ. કરિયાવરનો બાકીનો સામાન તો જુદો! આપણે આટલું મોટું જોખમ ઊઠાવ્યું છે તો પછી આપણને તેનું પૂરું વળતર તો મળવું જોઈએને!’
વાતો થતી રહી.
શરાબની બોટલો ખાલી થવા લાગી.
બધા પોત પોતાની ધૂનમાં મસ્ત બની ગયા હતા.
પછી અચાનક મધુ સોફા પરથી ઊભી થઈને ખુશીના આ અવસર પર નાચવા લાગી. રાજેશે પણ તેને સાથ આપ્યો. પરંતુ વિદેશી ડાન્સ સ્ત્રી કે પુરુષ વગર પૂરો જ કયાં થાય છે? હવે એ વાત અલગ હતી કે સ્ત્રી-પુરૂષ સ્થાને એક ખાનદાન કુટુંબના બે સગા ભાઈ-બહેન બેશરમ બનીને નાચતા હતા. પોતાની ભાભીના મૃત્યુનો આનંદ માણતા હતા. અને તેનાં મા-બાપ તેમની આ હરકત જોઈને શરમ અનુભવાને બદલે જોર જોરથી આનંદભેર તાળીઓ પાડતા હતા! અને દુનિયામાં અવારનવાર આવું થતું જ હોય છે.
જેમની પાસે પૈસા હોય છે. તેમની પાસે ઈજ્જત આબરૂ જેવી કોઈ ચીજ નથી હોતી. તેઓ પૈસાના અભિમાનમાં બધું જ ભૂલી જાય છે. સંબંધોની પણ તેમને મન કોઈ કિંમત નથી હોતી. પછી એ સંબંધ ભલેને ભાઈ-બહેન વચ્ચેનો હોય! તેઓ આ સંબંધ ભૂલીને એકબીજાના હાથમાં હાથ પકડીને ડાન્સ કરતાં પણ અચકાતાં નથી. સાસુ-સસરા વહુ પર જુલમ કરીને તેને મારી નાખવામાં જરા પણ ખમચાટ નથી અનુભવતા!
અમર વિશાળગાઢથી પોતાની સાથે શરાબની જેટલી બોટલો લાવ્યો હતો, એ બધી ખાલી થઈ ચૂકી હતી. રાજેશ તથા મધુ પણ ડાન્સ કરવાનું છોડીને સોફા પર બેસી ગયા હતા.
હવે એ લોકો એક કાગળ પર, અમરના બીજા લગ્ન વખતે ભાનુશંકર પાસેથી કરિયાવરમાં કઈ કઈ વસ્તુઓ લેવી, તેનું લિસ્ટ બનાવવા લાગ્યા. આ વખતે કરિયાવર લેવાની બાબતમાં હિરાલાલ કોઈ જ કસર બાકી રાખવા નહોતો માંગતો.
અચાનક હિરાલાલની નજર વારંવાર પોતાની કાંડા ઘડિયાળને કાન પાસે લઈ જતાં અમર પર પડી.
‘શું થયું...?’ એણે પૂછ્યું.
‘કંઈ નહી.... મને લાગે છે. કે ખાડો ખોદતી વખતે મારી ઘડિયાળ બગડી ગઈ છે.’
‘તો બગડી જવા દે! એમાં શું થઈ ગયું? હું કરિયાવરમાં ઘડિયાળ પણ લખી નાંખુ છું.’ હિરાલાલ બોલ્યો, ‘હું નહી લખું તો પણ ભાનુશંકર આપશે જ! અને કદાચ નહીં આપે તો હું સામેથી માંગી લઈશ અને જેવી તેવી ઘડિયાળ નહીં હું તો રાડોની જ અને એ પણ સોનાના પટાવાળી જ માંગીશ. ભાનુશંકર કરોડપતિ છે. એટલે તેને મન આવી ઘડિયાળની કઈ જ કિંમત નહી હોય, તુ જોજે, હે હસતા મોંએ, ખુશીથી તને ઘડિયાળ આપશે. ગમે તેમ તો પણ તું તેનો જમાઈ જ હોઈશને?’
‘ એ તો બધું ઠીક છે...!’ હિરાલાલની વાત સાંભળીને અમરે આનંદભર્યા અવાજે કહ્યું., ‘પણ અત્યારે કેટલાં વાગ્યા છે એ મારે જાણવું હતું.
‘કેમ...? તારે વળી ક્યા કોષ પછાડવા જવી છે? તારા પિતાએ ક્યાંય, કોઈ જગ્યાએ કશું યે દાટ્યું નથી કે એ ખોદવા જવા માટે તારે જવું પડે સમજયો?’ કમલા ધૂંધવાઈને બોલી.
‘તું શા માટે એનાં પર ગુસ્સે થાય છે? મેં ક્યાંય કંઈ દાટ્યું છે અને એ ખોદવા જવું છે, એવું અમરે ક્યાં કહ્યું છે? એ તો માત્ર કેટવા વાગ્યા છે. એજ જાણવા માંગતો હતો. એ બિચારાની ઘડિયાળ બગડી ગઈ છે. ખેર, હું જ મારી ખીસ્સા ઘડિયાળમાં જોઈને કહું છું ‘કહીને હિરાલાલે પોતાના કોટના ગજવામાં હાથ નાંખ્યો. પરંતુ તેમાં ઘડિયાળ નહોતી. ત્યારબાદ એણે બધાં ગજવાઓ જોઈ નાંખ્યા. પરંતુ ઘડિયાળનો પત્તો લાગ્યો નહીં. એના ચ્હેરાનો રંગ ઉડી ગયો. તે ધ્રુજતા અવાજે બોલ્યો, ‘અરે... મારી ખિસ્સા ઘડિયાળ ક્યાં ગઈ? ક્યાંક એ....’ એનો નશો કપૂરની જેમ ઉડી ગયો હતો.
‘ધ્યાનથી જુઓ... તમારા ગજવામાં જ પડી હશે’કમલાએ શાંત અવાજે જવાબ આપ્યો. પછી એણે હિરાલાલના પરેશાની ભર્યા ચ્હેરા સામે જોયું. અને આમેય તેની નજરમાં ખિસ્સા. ઘડિયાળ ખોવાઈ જવાનું ખાસ કોઈ મહત્વ નહોતું.
‘મેં બધાં ગજવાઓ તાપસી લીધાં છે. પરંતુ ઘડિયાળ એકેયમા નથી.’
‘ તો એમાં આટલાં ગભરાઓ છો શા માટે? નવી લઈ લેજો! ક્યાંક ખોવાઈ ગઈ હશે. અને આમેય તે જૂની થઈ ગઈ હતી. હું તમને કેટલા દિવસથી કહેતી હતી કે નવી લઈ લો. પણ તમે માનતા જ નહોતાં એટલે તમારી આ ઘડિયાળ ખોવાઈ ગઈ, તે એક રીતે સારૂ જ થયું છે. હવે તમે તમારી ગરજે નવી ઘડિયાળ લઈ લેશો. મારે કહેવાની પણ જરૂર નહીં પડે.’ કમલાએ કહ્યું.
‘બકવાસ બંધ કરે તારો...!’ હિરાલાલ તેના પર વીફરી પડતાં બોલ્યો, ‘હું ઘડિયાળના પૈસાને નથી રોતો મને લાગે છે કે મારી ઘડિયાળ ખાડો ખોદતી વખતે કાં તો ખાડામાં અથવા તો તેની આજુબાજુમાં ક્યાંક પડી ગઈ હશે. અને એ ઘડિયાળ મને ફાંસીના માંચડે પહોંચાડી શકે તેમ છે.’
‘ માત્ર તમને જ નહીં પિતાજી...!’ અમર બોલ્યો, ‘તમારી સાથે સાથે અમે પણ ફાંસો નહીં, તો કંઈ નહીં, કમસે કમ જેલનાં સળીયા ગણતા તો જરૂર થઈ જઈશું. તમારે પહેલાંથી જ ધ્યાન રાખવું જોઈતું હતું.’
‘હું એકલો કેટલું ધ્યાન રાખું?’ હિરાલાલ ક્રોધથી તમતમતાં અવાજો બોલ્યો, ‘તમે દારૂપીઓ તેની ખાલી બોટલ મારે ઉપાડવી! તમે પીધેલી સિગારેટનાં ઠૂંઠા મારે ઉપાડવાં. તમે બંને તો દારૂ પીવામાંથી જ ઊંચા નહોતાં આવતાં! અને પાછો મારો વાંક કાઢો છો? હું તમારાંથી ઊંચો આવું તો મારું કામ સંભાળુને...?’
‘ હવે આમે એકબીજા પર ગુસ્સો કરવાથી કે બૂમો પાડવાથી. કંઈ જ વળવાનું નથી.’ કમલાએ હિરાલાલને શાંત કરતાં કહ્યું, ‘શું કરવું છે, એનો વિચાર કરો! આમ સામ-સામે કૂતરાં-મીંદડાની જેમ લડવાથી કંઈ જ નથી વળવાનું સમજ્યો?’
‘આપણે એ ઘડિયાળ શોધવી પડશે’હિરાલાલ સ્હેજ નરમ પડતાં બોલ્યો, ‘જો એ ઘડિયાળ ખાડાની આજુબાજુમાં ક્યાંયથી મળી જાય તો ઠીક છે. નહીં તો પછી ન છૂટકે આપણે ફરીથી એ ખાડો ખોદવો પડશે.’
‘બાપ રે...’ અમરે ભયથી ધ્રુજતા અવાજે કહ્યું., ‘હવે.... હવે....મારે ફરીથી એ લાશનાં દર્શન કરવા પડશે...? ના, ભાઈ... લાશને ફરીથી જોવાની કલ્પના માત્રથી પણ મારું કાળજું થરથરે છે.’
‘મારું કાળજું પણ થરથરે છે. મોટાભાઈ! રાજેશ બોલ્યો.
‘અને મારું પણ...!’ મધુએ કહ્યું, ‘જેમનું ખૂન થઈ ગયું. હોય છે તેઓ પાછળથી ભૂત બની જાય છે. એવું મેં તો સાંભળ્યું છે. અને આપણે સુનિતાભાભીનું....’
‘તું ચૂપ મરીશ....?’ કમલા તેને ધમકાવતાં બોલી, ‘ પછી જાણે પોતાનાથી કોઈક ભયંકર ગુનો થઈ ગયો હોય એમ એણે હિરાલાલ સામે જોયું, ‘સાંભળો, તમારી ઘડિયાળ મળે કે ન મળે પણ આપણે ખાડો તો ખોદવો જ પડશે.’
‘કેમ...? શા માટ....? હિરાલાલે પ્રશ્નાર્થે નજરે તેની સામે જોતાં પૂછ્યું.
‘જે કબાટમાં સુનિતાના સીત્તેર-એંશી હજારના દાગીના પડ્યા છે. એ કબાટની ચાવી હું તેની સાડીનાં છેડામાંથી કાઢતાં ભૂલી ગઈ છું.’
‘તારું નખ્ખોર જાય...!’ હિરાલાલ ક્રોધથી કાળઝાળ અવાજે તડુક્યો, ‘હિરાલાલ ક્રોધથી કાળઝાળ અવાજે તડુક્યો, ‘તારાં હાથ ભાંગી ગયા હતા કે શું? તું એની સાડીના છેડે બાંધેલી ચાવી કાઢી શકતી નહોતી? આપણે તેના મૃતદેહને દાટી દઈએ છીએ એની પણ તને ખબર હતી.
‘મ...મારી ભૂલ થઈ ગઈ...’ કમલા નીચું જોઈ જતાં બોલી.
‘તો હવે ભોગવ તારી ભૂલનું પરિણામ....! ચાલો, બધાં...! મારી સાથે ચાલો...! હવે આપણે એ ખાડો ખોદવો જ પડશે.’ કહી, ઊભા થઈને હિરાલાલ બહાર નીકળી ગયો.
અમર, રાજેશ, કમલા અને મધુ પણ તેમની જ હતા. બધાં થોડા વાર પહેલાં તેમણે જે જગ્યાએ સુનિતાને દાટી હતી, ત્યાં આવી પહોંચ્યા.
પંરતુ ત્યાં પહોંચીને એમણે જે ર્દશ્ય જોયું તેનાથી તેમનો શ્વાસ ઉડી ગયો. આંખો નર્યા-નિતર્યા ભય, ગભરાટ અને આશ્ચર્યથી જાણે કે ફાટી પડી.
એમણે થોડી વાર પહેલા જે ખાડામાં સુનિતાના મૃતદેહને કાપ્યો હતો, તે અત્યારે ફરીથી ખોદેલો હતો અને તેમાંથી સુનિતાનો મૃતદેહ ગુમ થઈ ગયો. ખાડામાં સુનિતાનાં મૃતદેહનાં સ્થાને એક પત્ર પડ્યો હતો.
અમર ખાડામાં ઉતારીને એ પત્ર લઈ આવ્યો. પછી મોટેથી તેનું લખાણ વાંચવા લાગ્યો. એ પત્ર સુનિતાના હાથેથી જ લખાયેલો હતો. અમરે તેના અક્ષરને બરોબર ઓળખતો હતો. તેમાં લખ્યું હતુ.
‘દહેજના લોભી શયતાનો... તમે સ્ત્રીને તમારી ગુલામ માની બેઠાં છો? પરંતુ હવે હું તમને દેખાડી દઈશ કે સાસરીયા પક્ષના જુલમનો શિકાર બનેલી એક કમનસીબ વહુ, એક દુ:ખીયારી સ્ત્રી જ્યારે પોતાની જાત પર ઊતરી આવે છે ત્યારે તે શું શું કરી શકે છે! સ્ત્રી કઠપુતળી નથી. એ ધારે તો ગમે તે કરી શકે છે. એ હવે હું તમને પુરવાર કરી બતાવીશ. હું તમને એક એકને વીણી વીણીને કૂતરાંના મોતે મારીશ. સાવધાન....’
નીચે સુનિતાની સહી હતી.
‘નહિ...’ હિરાલાલના મોંમાંથી ભયની એક ચીસ નીકળી પડી, ‘એક....એક મૃતદેહ આ બધું કઈ રીતે લખી શકે...? કઈ રીતે....?’
અને વળતી જ પળે તે બેભાન થઈને જમીન પર ઢળી પડ્યો.
***