"માત્ર નસીબના જોરે"
જ્યારે હું નાનો હતો ત્યારે ફ્રેન્ચ કવિ 'લા ફોન્ટેન'ની કેટલીક દ્રષ્ટાંતકથાઓ મને કંઠસ્થ કરાવવામાં આવી હતી અને તે દરેક દ્રષ્ટાંતકથાનો ઉપદેશ મને કાળજીપૂર્વક સમજાવવામાં આવેલો. જે દ્રષ્ટાંતકથાઓ હું શીખ્યો હતો તેમાં એક હતી "કીડી અને તીતીઘોડો". આ કથાનો હેતુ યુવાનોને એક ઉપયોગી બોધ આપવાનો છે. આ બોધ એ છે કે આ સંપૂર્ણ જગતમાં મહેનતનું વળતર મળે છે અને આળસ માટે શિક્ષા જ થાય છે. આ પ્રશંસનીય દ્રષ્ટાંતકથામાં કીડી શિયાળા માટે ખોરાકનો જથ્થો એકઠો કરવામાં ઉનાળા દરમિયાન પ્રવૃતિશીલ રહે છે. જ્યારે તીતીધોડાના રસોડાનું કબાટ સાવ ખાલીખમ છે. તે કીડી પાસે જાય છે અને થોડાક ખોરાકની માંગણી કરે છે. ત્યારબાદ કીડી તેને શિષ્ટ જવાબ આપે છે: "ઉનાળામાં તું શું કરતો હતો ?"
"માફ કર મને, હું ત્યારે દિવસ રાત માત્ર ગાતો જ રહ્યો."
"તું ગીતો ગાતો હતો. અરે, તો પછી જા અને નાચગાન કર ને..."
દ્રષ્ટાંતકથાના ઉપદેશ સાથે મારું મન ક્યારેય સમાધાન કરી શક્યું નહીં. તેના માટે મારા પક્ષે રહેલી કોઈ વિકૃતિને હું જવાબદાર ગણતો નથી, પરંતુ બાળપણથી કેળવાયેલું મારું મનોવલણ, જેમાં ઉપદેશનું તત્વ સ્વીકારવાની ખામી રહેલી છે. મારી સહાનુભૂતિ હંમેશાં તીતીઘોડા પ્રત્યે રહી હતી. તેથી જ્યારે જ્યારે મેં કીડીને જોઈ ત્યારે તેના પર પગ મૂક્યા વગર રહી શકતો નહોતો. ટૂંકમાં, શાનપણ અને કોઠાસૂઝ અંગે મારી અસંમતિ વ્યક્ત કરવાનો પ્રયત્ન કર્યો.
બીજે દિવસે જ્યારે જ્યોર્જ રામસેને એક રેસ્ટોરાંમાં એકલો ભોજન કરતો જોયો ત્યારે આ દ્રષ્ટાંતકથા વિશે વિચાર્યા વગર રહી શક્યો નહીં. મેં ક્યારેય કોઈનાં ચહેરા પર આટલી ઊંડી ગ્લાની જોઈ નહોતી. અનિમેષ નજરે તે અવકાશ ભણી તાકી રહ્યો હતો. તે એવો લાગતો હતો કે સમગ્ર જગતનો ભાર તેના ખભા પર આવી પડ્યો હતો. મને તેના માટે દિલગીરી થઈ. મને તરત જ શંકા થઈ કે તેનો કમનસીબ ભાઈ ફરીથી તેને ત્રાસ આપી રહ્યો હોવો જોઈએ. હું તેની પાસે ગયો અને મેં હાથ લંબાવ્યો.
"કેમ છે તું ?" મેં પૂછ્યું.
"મને કંઈ જ સારું લાગતું નથી." તેણે જવાબ આપ્યો.
"શું ફરીથી ટોમની તકલીફ છે ?"
તેણે નિસાસો નાંખ્યો.
"તું તેની સાથે સંબંધ કેમ તોડી નાંખતો નથી ? આ દુનિયામાં તે એના માટે બધું જ કર્યું છે. અત્યાર સુધીમાં તારે જાણી લેવું જોઈએ કે એ તદ્દન નકામો છે."
હું માનું છું કે દરેક કુટુંબમાં એક કુપાત્ર હોય જ છે. વીસ વર્ષ સુધી ટોમ તેનાં ભાઈ માટે ખુબ જ તકલીફનું કારણ બની રહ્યો હતો. જિંદગીની શરુઆત તેણે ખુબ સુંદર રીતે કરી હતી :
તે ધંધામાં જોડાયો, લગ્ન કર્યા અને બે બાળકોનો પિતા બન્યો. રામસે કુટુંબના સભ્યો સંપૂર્ણપણે આદરપાત્ર લોકો હતા અને એવું માનવા માટે પૂરતું કારણ હતું કે ટોમની કારકિર્દી પણ ઉપયોગી અને માનપાત્ર રહેશે. પરંતુ એક દિવસ ચેતવણી આપ્યા વગર તેણે જાહેર કર્યું કે તેને કામ કરવું ગમતું નહોતું અને તે લગ્ન માટે યોગ્ય નહોતો. તે પોતાની રીતે જિંદગી જીવવા માંગતો હતો. મિત્રોના કોઈપણ પ્રકારના મીઠા ઠપકાને પણ તે સાંભળવા તૈયાર નહોતો. પોતાની પત્ની અને કામ તેણે છોડી દિધાં. તેની પાસે થોડાઘણાં પૈસા હતા એટલે તેણે યુરોપના જુદાં જુદાં મોટાં શહેરોમાં બે વર્ષ મજા થી વિતાવ્યા. થોડાઘણાં સમયે તેનાં કરતૂતોની અફવાઓ તેનાં સગાંવહાલાંને પહોંચતી અને તેઓને પ્રચંડ આંચકો લાગતો. તેનાં સગાંવહાલાં તેમનાં માથાં ધુણાવતાં અને કહેતાં, "જ્યારે તેની પાસે પૈસા ખૂટી જશે ત્યારે શું કરશે ?" તેઓને થોડા સમયમાં જ ખબર પડી કે તે પૈસા ઉધાર લેતો. તે આકર્ષક પણ સિદ્ધાંત વિહોણો હતો.
હું ક્યારેય એવા વ્યક્તિને મળ્યો નથી, જેને પૈસા ઉધાર આપવાની ના પાડવું અઘરું લાગતું હોય. મિત્રો પાસેથી તેણે નિયમિત આવક ઉભી કરી. તે મિત્રો સહેલાઈથી બનાવી લેતો, પરંતુ તે હંમેશા કહેતો કે, "જરુરિયાતો માટે તમે જે પૈસા વાપરો એ કંટાળાજનક હોય છે, પરંતુ જે પૈસા તમે મોજશોખમાં વાપરો એ પૈસા વાપરવામાં વધારે મજા આવતી હોય છે." આના માટે તે પોતાના ભાઈ જ્યોર્જ પર આધાર રાખતો.
જ્યોર્જ ગંભીર પ્રકૃતિનો માણસ હતો. આવાં પ્રલોભનો પ્રત્યે અસંવેદનશીલ હતો. જ્યોર્જ આદરણીય હતો. એક-બે વાર તો પોતે સુધરી જશે એવાં ટોમનાં વચનોને તે શરણે થયો અને તેને ઘણાં રુપિયા આપ્યા, જેથી તે જિંદગીની શરુઆત ફરીથી કરી શકે. પણ તે પૈસાથી ટોમે એક સરસ મજાની કાર અને ઝવેરાત ખરીદ્યા. પરંતુ પછીથી સંજોગોએ જ્યોર્જને એ વાતનું ભાન કરાવવાની ફરજ પાડી કે તેનો ભાઈ ટોમ ક્યારેય ઠરીઠામ થશે નહીં અને તેણે પોતાના ભાઈથી હાથ ધોઈ નાંખ્યા. કોઈપણ પ્રકારના ખચકાટ વગર ટોમે પોતાના ભાઈ પાસેથી પૈસા પડાવવાનું શરું કર્યું. પોતાના ગમતા રેસ્ટોરાંના બારમાં પોતાનો ભાઈ એક વેઇટર તરીકે નોકરી કરે એ કોઈપણ આદરપાત્ર વકીલ માટે સારું નહોતું અથવા તો ક્લબની બહાર ટેક્સિ ડ્રાઈવર તરીકે પેસેન્જરની રાહ જોતો બેઠો હોય. ટોમ કહેતો કે વેઇટર તરીકે નોકરી કરવી કે ટેક્સિ ચલાવવી એ ખૂબ જ શિષ્ટ વ્યવસાય હતો, પરંતુ કુટુંબની પ્રતિષ્ઠા માટે જો જ્યોર્જ તેને બસો પાઉન્ડ આપે તો તેને આવું કામ છોડી દેવામાં કોઈ જ વાંધો નહોતો. જ્યોર્જે નાણાં ચૂકવ્યાં.
એક વખત ટોમ જેલમાં જતાં રહી ગયો. જ્યોર્જ ખૂબ જ વ્યથિત બની ગયો. બદનામી ભર્યા આ આખાયે કિસ્સામાં તેને સંડોવાવું પડ્યું. ખરેખર ટોમ ખૂબ જ આગળ નીકળી ચૂક્યો હતો. તે જંગલી, અવિચારી અને સ્વાર્થી હતો. પરંતુ તેમણે ક્યારેય અપ્રામાણિકતા આચરી નહોતી, જેનો અર્થ જ્યોર્જ ગેરકાનૂની સમજતો હતો અને જો તેના પર મુકદ્દમો ચલાવવામાં આવે તો તે ચોક્કસપણે ગુનેગાર સાબિત થવાનો હતો. પરંતુ તમે તમારા એકના એક ભાઈને જેલમાં ન જવા દો. ટોમે 'ક્રોંશો' નામનાં માણસને છેતર્યો હતો. ક્રોંશો વેરવૃતિ પ્રકૃતિવાળો માણસ હતો. સમગ્ર મામલાને કોર્ટમાં લઈ જવા તે કૃતનિશ્ચયી હતો. તેણે કહ્યું કે ટોમ બદમાશ હતો અને તેને સજા થવી જ જોઈએ. મામલો પતાવવા જ્યોર્જને ખૂબ જ તકલીફ પડી અને પાંચસો પાઉન્ડ ચૂકવવા પડ્યા. મેં તેને ક્યારેય આટલો બધો ગુસ્સામાં જોયો નહોતો. જ્યારે તેને જાણવા મળ્યું કે જે ઘડીએ ટોમ અને ક્રોંશોએ, જ્યોર્જે આપેલો ચેક વટાવ્યો કે તરત જ બંને જણા 'મોન્ટ કાર્લો' ભણી રવાના થઈ ગયાં. બંને જણાંએ એક મહીનો મોજશોખમાં વિતાવ્યો.
વીસ વરસ સુધી ટોમે ઘોડારેસનો સટ્ટો અને જુગાર ખેલ્યો, અનેક સ્ત્રીઓ સાથે પ્રણયના ફાગ ખેલ્યા, નાચ્યો કૂદ્યો, મોંઘામાં મોંઘી રેસ્ટોરાંમાં ભોજન આરોગ્યાં અને સરસ મજાનાં કપડાંય પહેર્યા. તે હંમેશાં રુઆબદાર અને સુઘડ લાગતો હતો. તે છેંતાલીશ વર્ષનો હતો, પરંતુ તમે તેને છત્રીસથી વધારે ક્યારેય માની ના શકો. મિત્ર તરીકે તે ખુબ જ મોજીલો હતો અને ભલે તમે જાણતા હો કે એ તદ્દન નકામો હતો, છતા પણ તેની સંગતમાં તમને મજા ના પડે એવું ન બને. તે ખુબ જ ઉત્સાહી હતો. મારી પાસેથી તે નિયમિત રીતે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા પૈસા ઉઘરાવતો તેની મને ક્યારેય ફરિયાદ નહોતી. હું તેના દેવામાં હતો એવી લાગણી અનુભવ્યા વગર મેં તેને ક્યારેય પચાસ પાઉન્ડ આપ્યા નહોતાં. ટોમ દરેકને ઓળખતો હતો અને દરેક વ્યક્તિ ટોમને ઓળખતી હતી. તમે તેને સ્વિકારી ન શકો, પરંતું તે તમને ન ગમે તેવું તો બને જ નહીં.
બિચારો જ્યોર્જ, પોતાના કલંકિત ભાઈ કરતાં ઉંમરમાં એક વર્ષ જ મોટો હતો. છતા પણ સાઠ વર્ષનો લાગતો હતો. છેલ્લાં પચ્ચીસ વર્ષમાં, વર્ષ દરમિયાન તેણે ક્યારેય પંદર દિવસથી વધારે રજાઓ લીધી નહોતી. દરરોજ સવારે સાડા નવ વાગ્યે તે પોતાની ઓફીસમાં આવી જતો અને છ પહેલાં ક્યારેય ઘેર જતો નહીં. તે પ્રામાણિક, મહેનતું અને યોગ્યતા ધરાવતો હતો. તેને સારી પત્ની હતી, જેને તે વફાદાર હતો અને ચાર પુત્રીઓ માટે શ્રેષ્ઠ પિતા હતો. પોતાની એક તૃતીયાંશ આવકની તે બચત કરતો અને તેની યોજના પંચાવન વરસે નિવૃત બનીને ગ્રામ્ય વિસ્તારમાં એક મકાનમાં સ્થાયી થવાની હતી. જ્યાં તે બાગાયતનું કામ કરવાની અને ગોલ્ફ રમવાની ઈચ્છા ધરાવતો હતો. તેની પત્ની પણ સાફ મનની હતી. તેને આનંદ એ વાતનો હતો કે તે હવે વૃધ્ધ થઈ રહ્યો હતો, કારણ કે ટોમની પણ ઉંમર વધતી જતી હતી. તેણે પોતાના હાથ ઘસ્યા અને કહ્યું :
"ટોમ, યુવાન અને દેખાવડો હતો ત્યાં સુધી તો બધું બરાબર હતું, પરંતુ તે મારાથી એક વર્ષ જ નાનો છે. ચાર વર્ષ પછી તેની ઉંમર પચાસ થશે. એ પછીથી તેને જિંદગી સરળ નહીં લાગે. હું પચાસ વર્ષનો થઈશ ત્યાં સુધીમાં મારી પાસે પચાસ હજાર પાઉન્ડ હશે. પચ્ચીસ વર્ષથી હું કહેતો આવ્યો છું કે ટોમ એક ભિખારીની જેમ મરશે અને પછી આપણે જોઈશું કે એ વાત તેને કેવી રીતે પસંદ પડે છે. આપણે જોઈશું કે, આળસુ બનવાથી કે મહેનત કરવાથી શ્રેષ્ઠ વળતર મળે છે."
બિચારો જ્યોર્જ ! મને તેનાં પ્રત્યે સહાનુભૂતિ થઈ. હું જ્યારે તેની બાજુમાં બેઠો ત્યારે મને એ વાતનું આશ્ચર્ય થયું કે ટોમે હવે કેવા પ્રકારની બદનામી ભર્યું કામ કર્યું હશે ! જ્યોર્જ દેખીતી રીતે જ ખૂબ જ વ્યથિત હતો.
તેણે મને પૂછ્યું, "તમને ખબર છે હવે શું થયું છે ?!"
હું સૌથી ખરાબ સમાચાર સાંભળવા તૈયાર હતો. મને આશ્ચર્ય થયું કે છેવટે ટોમ પોલીસના હાથમાં સપડાઈ ગયો કે શું ? જ્યોર્જ માંડ બોલી શક્યો, "તું એક વાતનો અસ્વિકાર નહીં કરે; મારી આખી જિંદગી હું મહેનતું, સંસ્કારી, આદરને પાત્ર અને સીધો રહ્યો છું. ઉદ્યમ અને કરકસરની જિંદગી જીવ્યા બાદ સરકારી જામીનગીરીમાં રોકાણમાંથી મળતી નાની આવક પર હું નિવૃત થવા માંગું છું. ઈશ્વરે મને જે સ્થિતિમાં મૂક્યો છે તે સ્થિતિમાં મેં હંમેશ મારી ફરજ અદા કરી છે."
"સાચું." મેં કહ્યું.
"અને તું એ વાતનો પણ અસ્વિકાર નહીં કરે કે ટોમ આળસું, નકામો, દુરાચારી અને અપ્રામાણિક બદમાશ રહ્યો છે. જો ન્યાય જેવું હોત તો અત્યારે તે જેલમાં હોત."
"સાચી વાત."
જ્યોર્જનો ચહેરો લાલચોળ થઈ ગયો.
"થોડાં અઠવાડિયાં પહેલાં તેની માની ઉંમરની સ્ત્રી સાથે તેણે સગાઈ કરી. અને હવે તે સ્ત્રી મૃત્યુ પામી અને પોતાનું બધું ટોમનાં નામે મૂકીને ગઈ છે. પાંચ લાખ પાઉન્ડ, નાના કદની બોટ, લંડનમાં એક મકાન અને ગ્રામ્ય વિસ્તારમાં એક મકાન."
જ્યોર્જે પોતાની બંધ મુઠ્ઠી ટેબલ પર પછાડી : "આ સારું નથી, હું તને કહું આ યોગ્ય નથી, સત્યાનાશ જાય એનો."
મેં જ્યારે તેનાં ક્રોધિત ચહેરા સામે જોયું ત્યારે હું ખડખડાટ હસી પડ્યો. મારી ખુરશીમાં હું બેવડો વળી ગયો. લગભગ હું નીચે પડી જતા રહી ગયો. જ્યોર્જે મને ક્યારેય માફી ન આપી. પરંતુ મેફેરના ફેશનેબલ વિસ્તારમાં આવેલાં મકાન પર ટોમ મને ભવ્ય પાર્ટીઓમાં આમંત્રણ આપે છે અને જો પ્રસંગોપાત મારી પાસેથી ટેવના કારણે થોડી રકમ ઉધાર લે તો એ રકમ એક પાઉન્ડથી વધારે નથી હોતી.
( સમાપ્ત )