“પ્લીઝ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ મેડમ વી ડોન્ટ હેવ એની સ્પેર રૂમ ટુ ગીવ યુ.”“બટ માય કાર ઈઝ નોટ વર્કિંગ એન્ડ ધેર ઈઝ સ્નો એવરીવેર, આઈ કેન નોટ સ્ટે આઉટ”“મેડમ વી આર રીઅલી સોરી બટ વી કાન્ટ હેલ્પ યુ” લગભગ ૨૦ મિનીટ થી તે આ સંવાદ સાંભળી રહ્યો હતો. “ધ રોયલ” હોટેલ ના રીસેપ્શન પર એક ૨૩-૨૪ વરસ ની છોકરી કોઈ પણ રૂમ આપવા માટે રીસેપ્શનીસ્ટ ને વિનંતી કરી રહી હતી. પણ હોટેલ ફૂલ હોવાથી તે એક પણ રૂમ આપી શકે તેમ નહોતી. ઘણીવાર સુધી આ દ્રશ્ય જોયા પછી તેને લાગ્યું કે હવે આમાં તેણે જ કંઇક બોલવું પડશે.
“મે આઇ હેલ્પ મેડમ?” તેણે સલુકાઇ થી પેલી છોકરી ને પૂછ્યુંતે જવાબ આપે તે પેહલા જ રીસેપ્શનીસ્ટે કહ્યું “હર કાર ઈઝ બ્રોકન એન્ડ ધેર ઇઝ સ્નો એસ વેલ બટ વી ડોન્ટ હેવ એની રૂમ ટુ ગીવ હર” રીસેપ્શનીસ્ટ આટલું બોલી ત્યાં જ પેલી છોકરી બબડી“નાલાયક, આટલી મોટી હોટલ છે પણ એક રૂમ ય નથી રાખતા.”તેના ચેહરા પર નાનકડું સ્મિત રમી ગયું. તેણે છોકરી સામે જોઈ પૂછ્યું, “ગુજરાતી?”આ સાંભળી તે છોકરી ના ચેહરા પર પણ સ્મિત આવી ગયું “યસ અમદાવાદ થી છુ”તે પણ વિદેશ માં ગુજરાતી છોકરી જોઈ ખુશ થઇ ગયો “હું પણ ગુજરાતી જ છુ, અર્જુન પટેલ” તેણે હાથ લંબાવ્યો“ગરિમા તન્ના” તે હાથ મિલાવતા બોલી.બેય ની ખુશી થોડી ઓછી થઇ પછી અર્જુને પૂછ્યું “તને વાંધો ના હોય તો તું મારો રૂમ શેર કરી શકે છે.”ગરિમા ના ચેહરા પર થોડી વ્યાકુળતા છવાઈ ગઈ એટલે અર્જુન તરત જ તેના મન ના ભાવ કળી ગયો અને બોલ્યો “ડોન્ટ વરી મે ૨ બેડરૂમ વાળો સ્વીટ જ બુક કરાવેલો છે એટલે આપણા રૂમ તદ્દન અલગ હશે અને આમેય પરદેશ માં તો ગુજરાતીઓ એ એકબીજાની મદદ કરવી જ જોઈએ.”ગરિમા પાસે બીજો કોઈ વિકલ્પ પણ નહોતો અને અર્જુન સિવાય કોઈ બીજા પર ભરોસો કરવું પણ તેને યોગ્ય નહોતું લાગતું. હકાર માં માથું હલાવી તે અર્જુન સાથે જવા તૈયાર થઇ ગઈ.
*
અર્જુને જેમ કહ્યું હતું તેમ જ તેનો સ્વીટ બે રૂમ વાળો અને ભવ્ય હતો. સ્વીટ માં એન્ટર થતા જ સીટીંગ એરિયા આવતો ત્યાં અર્જુને ગરિમા ને સોફા પર બેસવાનું કહ્યું અને પોતે સામેની તરફ ની કોઝી ચેર પર બેસી ગયો. ગરિમા થોડી સંકોચાતી હતી એટલે વાતાવરણ હળવું કરવા અર્જુને તેના ટીવી ઓન કરી દીધું.
ટીવી પર ન્યુઝ ચેનલ્સ માં સ્વીડન માં બધી જ જગ્યાએ બરફ ને લીધે રસ્તા બંધ હોવાના જ સમાચાર આવતા હતા. તે જોઈ ગરિમા વધારે બેચેન થઇ ગઈ. અર્જુને પાણી નો ગ્લાસ ધરતા પૂછ્યું
“સ્વીડન માં ફર્સ્ટ ટાઇમ?”“એક્ચ્યુલી સ્ટોકહોમ માં ફર્સ્ટ ટાઇમ, હું સ્વીડન માં જ મેડીકલ સ્ટુડન્ટ છુ વિસ્બી માં”“તો અહીં કાર કઈ રીતે પહોંચી?” અર્જુને રમુજ સાથે પૂછ્યું“મારી ફ્રેન્ડ ના મેરેજ માં ગોથનબર્ગ ગઈ હતી.” ગરિમા એ જોયું તો અર્જુન વિસ્મયતા થી તેને તાકી રહ્યો હતો. એટલે તેણે ધીમે થી ઉમેર્યું. “સેલ્ફ ડ્રાઈવ કરીને.” અને તે ભોળપણ ભર્યું હસી પડી.“આવું કરાય? અમદાવાદ થી રાજકોટ નહોતું જવાનું, વિસ્બી થી ગોથનબર્ગ જવાનું હતું મેડમ” અર્જુન પણ હસી પડ્યો.
અર્જુન અને ગરિમા ક્યાંય સુધી સ્કુલ ની, કોલેજ ની, ફેમીલી ની અને કરિયર ની વાતો કરતા રહ્યા જાણે વર્ષો થી એકબીજાને ઓળખતા હોય. ગરિમા નો સંકોચ હવે બિલકુલ દુર થઇ ગયો હતો. તેણે અર્જુન ની આંખ માં આંખ પરોવી પૂછ્યું“તું તો એકલો આવે છે બીઝનેસ માટે તો પછી ડબલ રૂમ સ્વીટ કેમ?”“કોઈ બ્યુટીફૂલ ને રાત રોકાવા રૂમ ની જરૂર પડે તો વાંધો ના આવે ને એટલે” અર્જુન હસ્યો“સાચું કહે ને”“અરે કહ્યું તો ક્યારેક સાંજ ની એકલતા વધારે સતાવે અને કોઈ રૂપ ની રાણી કમ્પની આપવા આવે તો તે આ રૂમ માં સુઈ શકે ને એટલે.”“એટલે જે તારા બેડ પર તારી સાથે બધું કરી શકે તે તારી સાથે સુઈ ના શકે? ફિફ્ટી શેડ્સ ના મિસ્ટર ગ્રે જેવું કંઈ લોજીક છે કે?”“ના એવું કંઈ એક્સ્ટ્રીમ તો નથી પણ જેને પ્રેમ ના કરો તેના બાહુપાશ માં હું ઊંઘવામાં નથી માનતો. દરેક મનુષ્ય ની જેમ મારી જરૂરતો છે. જે હું પૂરી કરું છુ બસ આટલું જ”“એટલે જે તારી સાથે બધું કરે તેની સાથે તું પ્રેમ ના કરે?”“હજી સુધી મે કોઈપણ સ્ત્રી ની આંખ માં કે સ્પર્શ માં પ્રેમ અનુભવ્યો નથી. એટલે જ તે અલગ પોતાની રીતે બીજા રૂમ માં સુઈ શકે અને હું મારી રીતે. જે દિવસે અનુભવીશ ત્યારે સીધા લગ્ન નો જ પ્રસ્તાવ મૂકી દઈશ અને જીવનભર એની જ બાજુમાં ઊંઘીશ” અર્જુન ફિક્કું હસ્યો. ગરિમા થોડી ગુંચવાયેલી હતી હજી પણ પછી પોતાના રૂમ માં જઈ સુઈ ગઈ.
અર્જુન સવારે ઉઠ્યો ત્યારે ગરિમા હજી સુતી હતી. તેણે ધ્યાન થી ગરિમા ના ચેહરા સામે જોયું. એકપણ ડાઘ વગર ની તગતગતી ત્વચા, મુલાયમ ગાલ, આછા ગુલાબી હોઠ, સુરાહીદાર ગરદન અને નાના બાળક જેવું ભોળપણ. તે તેના આકર્ષણ માં ખોવાતો જતો હતો પણ પછી પોતાના જ માથા પર હળવી ટપલી મારી રૂમ ની બહાર નીકળી ટીવી ચાલુ કરી દીધું. સ્વીડન માં બરફ ના તોફાન ના કારણે હજી આખો દિવસ બધા રસ્તા રહેશે તેની બ્રેકીંગ ન્યુઝ ન્યુઝ ચેનલ પર ચાલતી હતી.
અર્જુન ને થોડી પોતાની બીઝનેસ મીટીંગ ની ચિંતા થઇ પણ તેનાથી ક્યાંય વધારે ગરિમા સાથે વધુ સમય મળશે તેની ખુશી થઇ. તે ફટાફટ નાહીને તૈયાર થયો. ત્યાજ ગરિમા પણ ઉઠી ગઈ. તેણે ગરિમા ને બ્રેકીંગ ન્યુઝ આપ્યા. ગરિમા થોડી વિચલિત થઇ પણ હવે તેને સંકોચ નહોતો કોઈ પ્રકારનો એટલે તેણે વધુ ટેન્શન ના લીધું.
દિવસ આખો બન્ને એ હોટલ ના જીમ, સ્પા અને ઇન્ડોર ગેમ ઝોન માં સમય વિતાવ્યો અને જુદા જુદા ક્યુઝીન્સ ટ્રાય કર્યા. ગરિમા ની કાર પણ હોટલ ના સ્ટાફ ને કહીને સર્વિસ માં અપાવી દીધી જે સાંજ સુધી આવી પણ ગઈ. ગરિમા અને અર્જુન બન્ને સાંજ સુધી એકબીજાની કમ્પની માણતા રહ્યા.સાંજે ગરિમા અને અર્જુન ક્યાંય સુધી સ્વીમીંગ ની મજા લેતા રહ્યા અને થાકીને રૂમ માં આવ્યા. ગરિમા ફ્રેશ થવા બાથરૂમ માં ગઈ અને અર્જુન ટુવાલ થી પોતાના શરીર ને કોરું કરી રહ્યો હતો.ગરિમા બહાર આવી ત્યારે અર્જુન ની પીઠ તેની તરફ હતી. તે ઘડીભર સ્તબ્ધ થઇ ગઈઆરસ માંથી કંડાર્યું હોય તેવું તેનું સૌષ્ઠવ હતું. વી શેપ ની બેક, સિહ જેવી કેડ, ભીના નાના કેશ અને છ ફૂટ ની હાઈટ. ગરિમા થી અનાયાસે જ પોતાના હોઠ પર બચકું ભરાઈ ગયું. તેને ખબર નહોતી કે અર્જુન આ બધું જ સામેના અરીસા માંથી જોતો હતો. તેણે ગરિમા તરફ ચેહરો કરી તેની આંખ માં આંખ નાખી રમતિયાળ સ્મિત આપ્યું. “શું જોવે છે?”ગરિમા નુ હ્રદય ધબકારો ચુકી ગયું પણ તેણે અર્જુન ની લગોલગ આવી જવાબ આપ્યો.“એ જ જે તું આજે સવારે જોતો હતો.”“તું જાગતી હતી?” અર્જુને ગરિમા ની કમર ખેંચતા પૂછ્યું“હમ્મ” ગરિમા એ તેના વાળ માં હાથ નાંખ્યો. અને અર્જુને તેના ગળા પર હોઠ મૂકી દીધા. તેના હાથ ગરિમા ના સ્વીમસુટ પર ચાલતા રહ્યા અને રાત ઓગળતી રહી.
એકાકાર થવાની અનુભુતી બાદ અર્જુન ની છાતી પર ગરિમા માથું ટેકવીને સુતી હતી.થોડીવાર બાદ ગરિમા ઉભી થવા ગઈ ત્યાં જ અર્જુને તેને હાથ ખેંચીને રોકી“ક્યાં જાય છે?”“મારા રૂમ માં”“અહીં જ સુઈ જા ને, મારી પાસે”“અર્જુન!!”“હા ગરિમા, જે તરસ મારી આંખો માં તારા માટે છે એ જ મે તારા માં મેહસૂસ કરી છે, તારા સ્પર્શ માં મે પ્રેમ અનુભવ્યો છે. મારી પ્રેમની શોધ તારા સુધી આવીને પૂરી થાય છે ગરિમા.”“કદાચ આ આકર્ષણ પણ હોય અર્જુન”“જીવન વિતાવવું નહી જીવવું ગમે છે તારી સાથે, કેમ માની લઉં આ પ્રેમ નહી આકર્ષણ છે? તું બોલ લગ્ન કરીશ મારી સાથે? મારે જીવવું છે તારી સાથે ગરિમા આઇ લવ યુ”“આઇ લવ યુ ટુ અર્જુન.” ગરિમા એ અર્જુન ના ગાલ પર હાથ મૂકી તેને ચૂમી લીધો.
*
બીજા દિવસે સવારે ગરિમા વિસ્બી જવા નીકળી પડી. અર્જુન પણ પોતાના કામ પતાવી ઇન્ડિયા પાછો આવતો રહ્યો. તેણે વચ્ચે એક વાર ગરિમા ને ફોન કર્યો પણ તે આઉટ ઓફ સર્વિસ આવ્યો. તેને લાગ્યું કે ગરિમા કદાચ બીઝી હશે.
ઘેર આવી તે સીધો પોતાની મોમ સોનાલી ના ખોળા માં પડ્યો.“આવડો મોટો થયો પણ નાનપણ નથી ગયું.” સોનાલી એ ઠપકો આપ્યો“હા તારા દીકરા ના લગ્ન કરાવ તો નાનપણ જાય.”“હા તો કરાવી દઉં અત્યારે જ.” સોનાલી એ લાડ કર્યા.“ગરિમા નામ છે, અમદાવાદ ની જ છે, મેડીકલ સ્ટુડન્ટ” “ક્યારે જવું છે માગું નાખવા? તે પસંદ કરી છે ચોક્કસ સરસ જ હશે, તારા ડેડ પણ માની જ જશે”“યુ આર ધ બેસ્ટ” અર્જુને ખુશ થઇ ગરિમા ને ફરી ફોન લગાડ્યો પણ હજી ફોન લાગતો નહોતો. તેણે ગરિમા એ જે યુનિવર્સીટી નુ નામ આપ્યું હતું તેનો નંબર ગુગલ પર શોધવાની ટ્રાય કરી પણ તે નામ ની કોઈ યુનિવર્સીટી જ બતાવતા નહોતા.
અર્જુન ના હ્રદય માં હવે ફાળ પડી. તેણે પોતાના અમદાવાદ માં રહેતા ફ્રેન્ડ આયુશ ને ગરિમા ના ઘર નુ એડ્રેસ આપ્યું. આયુશે જણાવ્યું કે ગરિમા ના બતાવેલા એડ્રેસ પર કોઈ તન્ના ફેમીલી રહેતું જ નહોતું.
ગરિમા એ આપેલા નંબર, નામ, એડ્રેસ બધું જ ખોટું હતું. તેણે કહેલી એક પણ વાત સાચી નહોતી. અર્જુન નુ મગજ સાવ બહેર મારી ગયું હતું.
*
અર્જુને આયુશ ની મદદ થી ગરિમા ની શક્ય તેટલી શોધ મેળવવાની કોશિશ કરી પણ દરેક વખતે તેને નિષ્ફળતા જ મળી. વિસ્બી તેમજ અમદાવાદ માં હતી તેટલી બધી જ ઓળખાણ તેણે લગાવી લીધી પણ ગરિમા ની નજીક ના જ પહોંચી શક્યો.
અર્જુને તેની ઝીંદગી માં પહેલી વાર કોઈ સ્ત્રીને હ્રદય માં સ્થાન આપ્યું હતું. તેના માટે માનવું અશક્ય હતું કે ગરિમા એ તેની સાથે છલ કર્યું છે. અર્જુન ને રહી રહીને ગરિમા ની આંખો જ યાદ આવતી હતી જેમાં તેણે પોતાના માટે પ્રેમ ની તરસ જોઈ હતી. દિવસો વિતતા ગયા પણ અર્જુન નુ ધ્યાન બીઝનેસ માં પણ લાગતું નહોતું. સોનાલી ને પણ અત્યંત ચિંતા થતી હતી પણ આ સમસ્યા નુ કોઈ નિવારણ તેની પાસે પણ નહોતું.
જયારે સૌએ ગરિમા ના મળવાની આશા છોડી દીધી ત્યારે અચાનક જ એક રસ્તો મળ્યો જે સીધો ગરિમા સુધી પહોચતો હતો. અર્જુન તેની ઓફીસ માં બિલ્સ ની સામાન્ય વિગતો જોતો બેઠો હતો ત્યાં જ તેની નજર “ધ રોયલ” ના બીલ પર પડી. અન્ય ખર્ચાઓ સાથે તેમાં કાર રીપેરીંગ ખર્ચ પણ સામેલ હતો.અર્જુન નુ મગજ બમણી ઝડપે દોડવા લાગ્યું. તેને યાદ આવ્યું કે ગરિમા ની કાર ની નંબર પ્લેટ પરથી ગરિમા નો પતો અવશ્ય મળી શકે. તે સ્ટોકહોમ માં આવેલી “ધ રોયલ” હોટલ નો રેગ્યુલર કસ્ટમર હતો એટલે કાર ની વિગતો મળવામાં તેને જરાપણ મુશ્કેલીઓ ના પડી. લગભગ ૨ દિવસ ની મહેનત પછી કાર માલિક નુ નામ અને સરનામું મળ્યા. તે કાર ઉપ્સાલા માં રહેતી સાયકોલોજીસ્ટ મિરાન્ડા બ્રાઉન ના નામે રજીસ્ટર્ડ હતી. અર્જુન પહેલી ફ્લાઈટ પકડી ઉપ્સાલા જવા નીકળી પડ્યો.
*
મિરાન્ડા ના એડ્રેસ પર પહોચીં અર્જુને તરત ગરિમા વિષે પૂછ્યું. પણ મિરાન્ડા એ જણાવ્યું કે ગરિમા નામ ની કોઈ જ છોકરી તેને ત્યાં નહોતી. અર્જુન ના હ્રદય પર આ વધુ એક પ્રહાર હતો પરંતુ છતાં તેણે અંગ્રેજી માં વાત ચાલુ રાખી.
“તો આ કાર તમે કોને આપી હતી?”“મારી કાર મારી આસિસ્ટન્ટ રાધિકા પાસે થોડા દિવસ માટે હતી. તે ગોથનબર્ગ ગઈ હતી.”“હું રાધિકા ને મળી શકું?”“ગયા મહીને જ તેણે રીઝાઈન કરી દીધું. આઇ ડોન્ટ નો તે ક્યાં છે હવે.”“તેનો કોઈ પણ ફોટોગ્રાફ હશે પ્લીઝ?” અર્જુન રડમસ અવાજે વિનંતી કરતો હતો.મિરાન્ડા આમ તો કોઈને પોતાના સ્ટાફ ની માહિતી ના આપતી. પણ અર્જુન ની આંખો ની તડપ જોઈ તે પોતાની જાતને રોકી ના શકી. તેના લેપટોપ માં રાધિકા નો ફોટો વાળો રીઝ્યુમે હતો જે તે ઈન્ટરવ્યું આપવા આવી ત્યારે લીધેલો હતો.
મિરાન્ડા એ અર્જુન ને તે રીઝ્યુમે બતાવ્યો. અર્જુન થી અનાયાસે લેપટોપ ની સ્ક્રીન પર દેખાતા ફોટા પર હાથ ફરી ગયો અને અશ્રુબિંદુ તેની આંખ માંથી ટપકી ગયું. “આ જ ગરિમા છે.”“આઇ એમ સોરી બટ મને નથી ખ્યાલ હવે તે ક્યાં છે તે” મિરાન્ડા એ આત્મીયતા થી કહ્યું.“તેની કોઈ પણ નાની થી નાની ડીટેલ મને આપી શકો? તેનું ઇન્ડિયા નુ ઘર કે તેની યુનીવર્સીટી કંઇ પણ પ્લીઝ. આઇ નીડ ટુ ફાઈન્ડ હર”“મને ખ્યાલ છે તે બધી જ વિગતો અહીં છે.” કહી મિરાન્ડા એ એક ફાઈલ પાસ કરી.ફાઈલ માં રાધિકા નુ એડ્રેસ અને યુનીવર્સીટી ની માહિતીઓ જોઈ અર્જુન ફક્ત આંખો થી થેંક્યું કહ્યું અને ચાલી નીકળ્યો.
અર્જુન ને એક તરફ ગુસ્સો આવતો હતો અને એક તરફ છેતરાયા ની અસહ્ય પીડા થતી હતી. તેણે પોતાની કેબ માં બેસી ફરી ફાઈલ ખોલી તેમાં નામ જોયું ‘રાધિકા શાસ્ત્રી’. મગજ ગુમવ્યા વગર તેણે આયુષ ને ફોન જોડ્યો અને સઘળી હકીકત જણાવી દીધી.
આયુશે સાંજ સુધીમાં રાધિકા ના ઘર ના એડ્રેસ પર તપાસ કરાવી લીધી. રાધિકા શાસ્ત્રી નો પરિવાર ૧ વર્ષ પેહલા અલાસ્કા શિફ્ટ થઇ ગયો હતો. રાધિકા ૩ વર્ષ પેહલા ગોથનબર્ગ યુનીવર્સીટી માં ભણવા ગઈ હતી. અર્જુને ફાઈલ જોઈ તો તેમાં પણ ગોથનબર્ગ યુનીવર્સીટી જ બતાવતા હતા.
રાધિકા કે ગરિમા સુધી પહોચવાના બધા જ રસ્તા બંધ થઇ ચુક્યા હતા. ફક્ત એક ગોથનબર્ગ યુનીવર્સીટી જ બચી હતી જ્યાંથી કંઇક જવાબ મળવાની સંભાવના હતી.
બીજા દિવસે અર્જુન ગોથનબર્ગ જવા કેબ માં નીકળી તો પડ્યો પણ તેનું હ્રદય અતિશય વિહ્વળ થતું હતું. કોઈ એવા જવાબ સાંભળવાની તેની માનસિક તૈયારી જ નહોતી જેમાં તેનો વિશ્વાસ તૂટી જાય. રહી રહી ને તેને એક જ વિચાર આવતો હતો કે તેણે જે ગરિમા ની આંખોમાં અને સ્પર્શ માં અનુભવ્યું તે બધું જ ખોટું? બધું જ છલ હતું? અને છલ હતું તો શું કામ હતું?
તેના આ બધા વિચારો વચ્ચે તે ક્યારે યુનીવર્સીટી ઓફ ગોથનબર્ગ ના વિશાળ કેમ્પસ માં પ્રવેશી ગયો તેની ખબર તેને પણ ના રહી. તે પૂછતો પૂછતો સાયકોલોજી ડીપાર્ટમેન્ટ માં પહોંચ્યો અને કોઈ એવી વ્યક્તિ શોધવા લાગ્યો જે તેની મદદ કરી શકે. તે વિહ્વળ નજરે આમતેમ જોયા કરતો હતો અને તેનાથી આદતવશ બોલાઈ ગયું “આટલા મોટા કેમ્પસ માં કોને પૂછવું?”ત્યાં જ પાછળ થી એક ભારતીય અવાજ આવ્યો “કોને શોધો છો?”અર્જુને તે દિશામાં જોયું તો એક ૨૪-૨૫ વર્ષ ની અસલ ભારતીય દેખાતી છોકરી ઉભી હતી. અર્જુન બીજા કોઈને તો ઓળખતો નહોતો એટલે તેણે આ છોકરી સાથે જ વાત શરુ કરી.“હાઈ હું અર્જુન પટેલ છુ. અહી ની એક એક્સ સ્ટુડન્ટ વિષે ડીટેલ્સ મેળવવા આવ્યો છુ.”“ઓકે હું પાયલ ઉપાધ્યાય છુ. અહી સાઈકોલોજી પર સ્ટડી કરું છુ. કદાચ હું ઓળખતી હોઉં.”“રાધિકા શાસ્ત્રી, ઓળખો છો એને? આ એનો ફોટો છે.” અર્જુને ઉતાવળે તેને ફાઈલ માંથી ફોટો બતાવ્યો.પાયલ ના ચેહરા ના હાવભાવ પૂરી રીતે બદલી ગયા. “તમે કેવી રીતે ઓળખો છો રાધિકા ને? ક્યાં મળી આ તમને” પાયલ ના ચેહરા પર ચિંતા મિશ્રિત આશ્ચર્ય હતું.“મતલબ તમે ઓળખો છો રાધિકા ને?” અર્જુન પાયલ ના મનોભાવ કળી ગયો.“હા, તે મારી બેસ્ટ ફ્રેન્ડ હતી.”
*“વાઉ દુનિયા કેટલી નાની છે નહી પાયલ! મારે કોઇપણ કિમતે રાધિકા ને મળવું છે. તમે મદદ કરશો ને?” અર્જુન નવાઈ થી પૂછી રહ્યો.
“જરૂર” રાધિકા ફિક્કું હસી અને થોડું વિચારીને ઉમેર્યું “અહી થોડે દુર એક કોફીશોપ છે ત્યાં જઈને વાત કરીએ?”
અર્જુને હકાર માં માથું હલાવી હા પાડી અને બન્ને કેબ માં કોફીશોપ જવા નીકળી પડ્યા.
કેબ માં અર્જુન એકીટશે પાયલ સામે જોતો હતો તેથી પાયલે જ વાત શરુ કરી
“અર્જુન હું અને રાધિકા નાનપણ ની સહેલીઓ, એકજ સ્કુલ અને એકજ સોસાયટી માં રહેવાનું. સ્વીડન પણ અમે સાથે જ આવેલા. પણ છેલ્લા દોઢ વર્ષ થી રાધિકા ક્યાં છે તે કોઈ નથી જાણતું. તું ક્યાં મળ્યો રાધિકા ને?”
“બહુ અઘરી પઝલ છે તમારી સહેલી રાધિકા. મને ઘાયલ કરીને ખબર નહી ક્યાં ખોવાઈ ગઈ.” અર્જુન બારી તરફ ચેહરો ફેરવી ગયો.
થોડી ક્ષણો બન્ને વચ્ચે મોંન તોળાતું રહ્યું અને ત્યાં જ કોફીશોપ આવી ગયું.
પાયલ પ્રશ્નભરી નજરે અર્જુન સામે બેઠી હતી. અર્જુને ઇતિ થી અંત સુધી ની ગરિમા ની વાત પાયલ ને જણાવી. પાયલ ના હાવભાવ સમગ્ર વાતચીત દરમ્યાન ફરતા રહ્યા હતા તેનાથી અર્જુન સમજી ગયો હતો કે પાયલ ચોક્કસ કંઈક એવું જાણે છે જે તેના પ્રશ્નો નું સમાધાન કરશે.
બધી વાત સાંભળી લીધા પછી પાયલે કોફી ની સીપ લેતા કહ્યું”તમે દુનિયા ના પહેલા પુરુષ નથી જેની સાથે રાધિકા એ આ રમત રમી છે.””મતલબ?””પ્રેમ માં પાડવું તેનો શોખ છે, અને દિલ તોડવું તેનો નશો.””હું કઈ સમજ્યો નહી.””તમે જે રીતે રાધિકા ને શોધતા આવ્યા તે પર થી જ હું સમજી ગઈ તી કે તમે તેના નવા શિકાર હતા. તેથી જ હું તમને અહી લઇ આવી. પાયલ થોડી અટકી અને કેશ કાઉન્ટર પર બેઠેલા ભારતીય યુવાન તરફ નજર કરી બોલી
“તે તુષાર છે. કદાચ રાધિકા ની જીદ નો પ્રથમ શિકાર. રાધિકા અહી અવારનવાર આવતી. તેની તુષાર સાથે દોસ્તી થઇ ગઈ. તુષાર કોઈ પ્રેમ જેવી વસ્તુઓ માં નહોતો માનતો પણ રાધિકા ની આસક્તિ માં તે એવો રંગાયો કે રાધિકા સિવાય તેને કોઈ દેખાતું જ નહી. હું પણ એમજ સમજતી હતી કે રાધિકા ભૂતકાળ ભૂલી નવી ઝીંદગી શરુ કરવા તૈયાર હતી. તુષાર રાધિકા ના પ્રેમ માં પાગલ થઇ જતો હતો. તેણે અહીં જ કોફીશોપ વચ્ચે રાધિકાને લગ્ન નો પ્રસ્તાવ મુક્યો. અને રાધિકા એ સહર્ષ સ્વીકારી પણ લીધો. પણ બીજા જ દિવસે રાધિકા ક્યાં ચાલી ગઈ કોઈને ખબર ના રહી. યુનિવર્સીટી માંથી ખબર પડી કે તેણે તો ૨ મહિના પહેલા ટ્રાન્સફર સર્ટીફીકેટ માટે અરજી આપી દીધી હતી જે ૩ દિવસ પહેલા મંજુર થઇ હતી. દોઢ વર્ષ થી રાધિકા ક્યાં છે તે કોઈ નથી જાણતું અર્જુન. અને તુષાર આજે પણ તેની રાહ જોવે છે.”
અર્જુન સંપૂર્ણપણે ડઘાઈ ગયો હતો. તેના માનવામાં જ નહોતું આવતું કે આ બધું જ સત્ય હતું.
“પછી રાધિકા વિષે કોઈ જાણકારી મળી?” અર્જુન રડમસ અવાજે આટલું જ પૂછી શક્યો.
“હા, ૮-૯ મહિના પેહલા વિશાલ કરીને એક છોકરો તેને શોધતો આવેલો વિસ્બી થી. રાધિકા એ તેને પોતાનું નામ શિવાની કહેલું.” પાયલે જોયું કે અર્જુન પૂરી રીતે તૂટી ગયો હતો આ બધું સાંભળીને. તે મનોમન વિચારી રહી કે એક પાવરફૂલ બીઝનેસમેન પણ એક છોકરી ના પ્રેમ આગળ કેટલો લાચાર થઇ ગયો.
તેણે ધીમેથી અર્જુન ના હાથ પર હાથ મુકતા કહ્યું
“જે રાધિકા સાથે થયું તેની સજા તે સમગ્ર પુરુષ જાત ને આપી રહી છે. તેની એક પેટર્ન છે. જે પુરુષ પ્રેમ માં ન માનતો હોય તેને પ્રેમ માં પાડવો. તેને વિશ્વાસ દેવડાવવો કે તે તેને ખુબ પ્રેમ કરે છે. તેને લગ્ન માટે પૂછવા મજબુર કરવો અને પછી હંમેશા માટે તેને જવાબ માટે તરફડતો મૂકી ત્યાંથી ભાગી જવું. અર્જુન બની શકે તો ભૂલી જાવ એને. તમે જેને સ્ટોકહોમ માં મળ્યા તે સત્ય નહી છલાવો જ હતો.”
અર્જુન કોફીશોપ ની બહાર નીકળી ગયો. થોડી ક્ષણો એમજ અન્ય્મસ્ક રસ્તા પર ચાલતા વાહનો ની અવરજવર જોતો રહ્યો.
“શેની સજા આપે છે તે? શું છે રાધિકા નો ભૂતકાળ?” અર્જુને બીજી કોફી ઓર્ડર કરતા પૂછ્યું.
પાયલ સામે તેનો ભૂતકાળ તરવરી ગયો.
*
૧૭ વર્ષની બે છોકરીઓ ફૂલ સ્પીડ માં એકટીવા પર જઈ રહી હતી”હજી જલ્દી ચલાવ. સર મારી નાખશે.””અરે ૨ જ મિનીટ પહોચી ગયા.” અને નાની ચીચીયારી સાથે બ્રેક મારી પાર્કિંગ ની ચિંતા કર્યા વગર બન્ને છોકરીઓ દોડતી દોડતી સૃષ્ટિ કોમ્પલેક્ષ ના દાદરા ચડવા લાગી.
“મેં આઈ કમ ઇન સર?” બન્ને છોકરીઓ હાંફતી હાંફતી બોલી”પાયલ રાધિકા આ અઠવાડિયા માં ત્રીજી વાર મોડા છો.” ”સર ટ્રાફિક” પાયલ હાંફતા હાંફતા એટલું જ બોલી શકી.”સર હવે નેક્સ્ટ વીક સુધી કમ્પ્લેન નહી આવવા દઉં. પ્લીઝ આજે જવા દો.” રાધિકા એ ભોળપણ ભરી રીક્વેસ્ટ કરી અને સર પીગળી ગયા.
“ઓકે બેસો”
રાધિકા એ બેંચ પર બેસતા એક વિજેતા ની મુસ્કાન પાયલ સામે કરી.”કીધું તું ને હું સંભાળી લઈશ.” પાયલ પણ તેની સામે મસ્તી થી સેલ્યુટ કરી રહી.”હા, સંભાળવામાં તો તમે એક્સપર્ટ જ છો દેવી.” પાછળ ની બેંચ થી એક પુરુષ અવાજ બોલ્યો
“હા દેવી તો દેવી છે નઈ સૌમ્ય?” પાયલે સુર પુરાવ્યો પણ રાધિકા ના ગાલ લાલ થઇ ગયા. તે આગળ કઈ બોલી નહી ફક્ત તીરછી નજરે સૌમ્ય ને જોયા કર્યું.
સૌમ્ય, રાધિકા ને પાયલ ત્રણેય એકજ કલાસીસ માં સાઈન્સ ના ટ્યુશન લેવા જતા. સૌમ્ય અમદાવાદ માં રાધિકા ની જ સોસાયટી માં પીજી તરીકે રહેતો. તે મૂળ વેરાવળ નો હતો. નામ પ્રમાણે જ ગુણ હતા. સહેજ ભીને વાન કસાયેલું તેનું શરીર અને ચેહરા માંથી ઝરતી સૌમ્યતા. રાધિકા પેહલા તો ધ્યાન ના આપતી તેના પર પણ તેની સાથે ની મિત્રતા અને તેનું શાલીન વર્તન તેને તેની તરફ ખેંચવા લાગ્યું. લગભગ આખું કલાસીસ જાણતું હતું કે રાધિકા સૌમ્ય ને પ્રેમ કરતી હતી અને સૌમ્ય ની આંખો માં પણ રાધિકા માટેની આસક્તિ સાફ દેખાતી હતી. અલબત્ત બન્ને વચ્ચે હજી કોઈ કમીટમેન્ટ નહોતું કે પ્રેમ નો એકરાર પણ કર્યો નહોતો.
પાયલ, રાધિકા અને સૌમ્ય અવારનવાર ફરવા જતા. રાધિકા ના ઘરે વાંચવા ભેગા થતા.૧૨ સાઈન્સ ની એક્ઝામ ને હવે એક અઠવાડિયા ની જ વાર હતી અને રાધિકા જાણતી હતી કે એક્ઝામ પછી સૌમ્ય ને ફરી મળી શકાશે તેવી શક્યતાઓ નહિવત હતી.
આજે પણ સૌમ્ય, પાયલ ને રાધિકા વાચવા ઘરે ભેગા થયા હતા. રાધિકા ના મમ્મી પપ્પા કોઈ કામસર રાજકોટ ગયા હતા અને ત્યાં જ પાયલ નો ફોન વાગ્યો અને તેને ઘરે જવું પડ્યું.
થોડી ક્ષણો તો ચુપચાપ નીકળી પછી રાધિકા એ પૂછ્યું.”તું કેહતો હતો આજે કે હું બધું સાચવવામાં એક્સપર્ટ છુ. સાચે?””હા, તું બધું સારી રીતે મેનેજ કરી લે છે.””તું મેનેજ નથી થતો એનું શું?” રાધિકા એ સૌમ્ય ની બુક દુર મુકતા કહ્યું”એટલે?” સૌમ્ય પણ રાધિકા ની લગોલગ જઈ બોલ્યો.”એટલે એમ કે...” રાધિકા થોડી વધુ નજીક આવી આમન્ત્રણ માં હોઠ ખુલ્લા મૂકી આપ્યા. સૌમ્ય એ પણ તેના ગાલ પર હાથ મૂકી રાધિકા ના હોઠ પર હોઠ મૂકી દીધા. રાધિકા ની ઝીંદગી નું આ પહેલું ચુંબન હતું. તે ક્યાય સુધી સૌમ્ય ને કિસ કરતી રહી. અને પછી શરમાઈને નજરો ઝુકાવી ગઈ. સૌમ્ય કંઇક બોલવા જતો હતો પણ પછી એમજ ઉભો થઇ રાધિકા ના કપાળે ચુંબન કરી ત્યાંથી નીકળી ગયો.
પછી ના દિવસો માં રાધિકા અને સૌમ્ય મળી જ ના શક્યા અને પરીક્ષા આવી ગઈ. છેલ્લા પેપર સુધી સૌમ્ય અને રાધિકા એક જ સોસાયટી માં રહેવા છતાં મળી નહોતા શક્યા. અંતે પેપર પૂરું કરી રાધિકા સીધી સૌમ્ય ના રૂમ પર જ ગઈ. સૌમ્ય પેકિંગ કરતો હતો.
“હવે ક્યારે આવીશ મને મળવા?” રાધિકા એ સૌમ્ય ના રૂમ ના દરવાજે ઉભા ઉભા પૂછ્યું”ખબર નહીં યાર.” સૌમ્ય એ તદ્દન સ્વસ્થતા થી કહ્યું.”કેમ તારા લવ ને મળવા નહી આવ?” રાધિકા એ લાડ માં પૂછ્યું.”કોણ લવ?” સૌમ્ય એ ફિક્કો ઉત્તર આપ્યો.”હું, તું મને લવ નથી કરતો?” રાધિકા ને લાગ્યું સૌમ્ય મજાક કરે છે એટલે તેણે પણ મસ્તી માં કહ્યું.”તું મને ગમે છે. તું બહુ સારી છે પણ લવ ની તો કોઈ વાત જ નથી. મેં ક્યારે તને કહ્યું કે હું તને લવ કરું છુ?” સૌમ્ય બેરુખી થી બોલ્યો અને રાધિકા નો ચેહરો પીળો પડી ગયો.
“તું મજાક કરે છે ને?””ના, હું સાચું કહું છુ. હું તને પ્રેમ નથી કરતો.””મેં તારી આંખો માં જોયું તે શું હતું? તારા સ્પર્શ માં મેહસૂસ કર્યું તે શું હતું? મને જવાબ દે સૌમ્ય” રાધિકા એ ત્રાડ નાખી.
“તે ઉન્ધો મતલબ કાઢ્યો રાધિકા, તારો વાંક છે.”
રાધિકા ત્યાં જ ફસડાઈ પડી. સૌમ્ય તેના બેગ્સ લઇ ચાલી નીકળ્યો. તેણે રાધિકા તરફ નજર સુદ્ધા ના કરી. રાધિકા કેટલાય મહિનાઓ રડતી રહી. પાયલ એકમાત્ર વ્યક્તિ હતી જે બધું જાણતી હતી. રાધિકાને ઘુટન થવા લાગી હતી આ જગ્યા એ. એવા જ સમયે ગોથનબર્ગ યુનિવર્સીટી માંથી સ્કોલરશીપ નો મેઈલ આવ્યો. અને પાયલ અને રાધિકા ભારત છોડી સ્વીડન ના ગોથનબર્ગ માં જ સેટલ થઇ ગયા.
*
પાયલે પોતાનો પૂરો ભૂતકાળ અર્જુન ને જણાવ્યો અર્જુન હજી સ્તબ્ધ હતો. તેને ઘણું કહેવું હતું પણ શબ્દો નહોતા નીકળતા.
અર્જુને પાયલ ના હાથ પર હાથ મુક્યો.”હું શોધીશ તેને, હું વિશ્વાસ અપાવીશ મારા પ્રેમ નો. હું જીતીશ તેનો પ્રેમ ફરીથી, તું મારી મદદ કરીશ?””અર્જુન તમે મૃગજળ પાછળ દોટ મુકો છો. વિશાલ મળ્યો હતો રાધિકા ને ફરી એક વખત. પણ રાધિકા એ તેને ઓળખવાનો પણ ઇનકાર કરી દીધો. વિશાલે પોતાના પ્રેમ ની લાખ દુહાઈ આપી પણ રાધિકા એક જ વસ્તુ કેહતી રહી કે તમે જેને પ્રેમ કર્યો તે શિવાની હતી, હું નહી, હું તો તમને ઓળખતી પણ નથી.” થોડું અટકી તેણે જોયું તો અર્જુન ની આંખ માં આંસુ બાઝી ગયા હતા.
“અર્જુન જેમ સૌમ્ય એ તેને તરફડતી મૂકી છે. તે સમગ્ર પુરુષ જાતને તેમ તડપાવવા માંગે છે. તુષાર નો લગ્ન નો પ્રસ્તાવ સ્વીકારતી રાધિકા ને જોઈ કોઈ કલ્પી જ ના શકે કે તે બીજા જ દિવસે ગાયબ થઇ જવાનું પ્લાન કરે છે.””તે રમી છે મારા હ્રદય સાથે, હું બદલો તો લઈશ.” અર્જુન ના રડમસ અવાજ માં ખીજ ભળી હતી.”કોના થી બદલો? જેનું અસ્તિત્વ જ નથી તેનાથી? ગરિમા નું પોતાનું કોઈ અસ્તિત્વ જ નથી અર્જુન. ભૂલી જાવ અને ઇન્ડિયા પાછા ચાલ્યા જાવ.””પાયલ શું એક ક્ષણ માટે પણ તેણે મને પ્રેમ કર્યો હશે? શું તે આંખો માં કઈ પણ સાચું હશે?” અર્જુને સ્વસ્થ થઇ પૂછ્યું”આનો જવાબ કદાચ આ કાગળ આપી શકે. યુનિવર્સીટી થી ખબર પડી કે રાધિકા એ ટ્રાન્સફર લઇ લીધું છે તેના પછી રૂમ માં તેના ઓશિકા નીચે થી ફોર પાયલ લખેલું કવર મળ્યું હતું જેમાં આ નોટ હતી.”અર્જુને કાગળ હાથ માં લઇ વાંચ્યો”છ્લાઈ તી હું કોઈ દોષ વિના નજરો ને સ્પર્શ ના ભ્રમ થીછ્લાશે સમગ્ર જાત એની જોઈ તરસ મારી આંખો ની.”
અર્જુન કોઈ શબ્દ બોલ્યા વિના ત્યાંથી ઉભો થયો અને બહાર નીકળી કેબ માં બેસી “ટેક મી ટુ એરપોર્ટ” બોલી ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો.
(૦૧.૧૦.૨૦૧૭)
-Darshita Jani