Kismat Connection - 5 in Gujarati Love Stories by Rupen Patel books and stories PDF | કિસ્મત કનેકશન , પ્રકરણ ૫

Featured Books
Categories
Share

કિસ્મત કનેકશન , પ્રકરણ ૫

આ નવલકથાના તમામ પાત્રો અને ઘટનાઓ કાલ્પનિક છે.

પ્રકરણ ૫

નીકી વિશ્વાસ સાથે ગાઢ અને અતુટ સબંધ બનાવવા પ્રયાસ કરવા મથતી પણ વિશ્વાસ નીકી સાથે માપનો અને કામનો સંબંધ રાખતો હતો. વિશ્વાસને ક્યારેક ક્યારેક નીકીની વધુ પડતી નિકટતા ખટકતી. એકવાર કેન્ટીનમાં વિશ્વાસના ફોન પર તેની મમ્મીનો ફોન આવ્યો અને વિશ્વાસ હેન્ડ વોશ કરવા ગયો હોવાથી ટેબલ પર પડેલો ફોન નીકીએ ઉપાડી વાત કરી હતી. વિશ્વાસનો ફોન કોઈ છોકરીએ ઉપાડ્યો તેનાથી એકપળ માટે વિશ્વાસની મમ્મીને થોડું આશ્ચર્ય થયું પણ સાથે સાથે વિશ્વાસને ગર્લ ફ્રેન્ડ બની તેનો આનંદ પણ થયો. વિશ્વાસે નિકીને પોતાના ફોન પર વાત કરતાં જોઈ ગુસ્સો આવ્યો પણ ફોનમાં તેની મમ્મીની વાતો પરથી ગુસ્સો ભુલાઈ ગયો. હવે જયારે જયારે વિશ્વાસ સાથે ફોન પર તેની મમ્મી નીકીની વાત કરતી તે તેને ગમતું નહિ પણ કમને વાત કરી લેતો યા ગોળ ગોળ વાત કરી વાત બદલવાનો પ્રયાસ કરી લેતો. એક દિવસ કંટાળીને વિશ્વાસે જ નીકીનો ફોન નંબર તેની મમ્મીને આપ્યો અને કહ્યું, “મમ્મી, તારે બકબક કરતી નીકી અંગે જે કંઇ જાણવું હોય તે તેની પાસેથી જ જાણી લે જે અને મને તેના વિશે રોજ રોજ પુછ પુછ કરીને કન્ફયુઝ ના કરીશ.” વિશ્વાસની મમ્મી માટે નીકી સાથે વાત કરવું સરળ થઇ ગયું. વિશ્વાસની મમ્મીએ નીકીને ફોન કરી પોતાનો પરિચય આપ્યો અને નીકી ખુશ થઇ ગઈ. નીકીએ પણ ફોન પર કહ્યું, “મારે પણ આંટી તમારી સાથે વાત કરવી હતી પણ વિશ્વાસ ક્યારેય પોતાની વાત કે પોતાના પરિવારની વાત ખોલીને કરતો નથી અને હંમેશા ભણવામાં અને કોઈના કોઈ વિચારોમાં જ ખોવાયેલ રહેતો હોય છે. આંટી અમારી દોસ્તી તો એક જ શહેરના અને કેન્ટીનમાં સાથે જમતાં હોવાથી થઇ બાકી કોલેજ કે કેન્ટીનમાં વિશ્વાસ કોઈ સાથે દોસ્તી કે કામ સિવાય વાત પણ નથી કરતો.”

વિશ્વાસની મમ્મી અને નીકી ફોન પર નિયમિત અને લાંબી લાંબી વાત કરતાં થઇ ગયા અને વિશ્વાસની મમ્મી વિશ્વાસ કરતાં નીકી જોડે ફોન પર વધુ વાતો કરતાં થઇ ગયા હતાં. વિશ્વાસની મમ્મીને હવે નીકી જેવી ફ્રેન્ડ બનવાથી વિશ્વાસની ચિંતા ઘટી ગઈ હતી. નિકીને ઘરે આવે ત્યારે પોતાના ઘરે આવવા વિશ્વાસની મમ્મીએ આમંત્રણ પણ આપ્યું હતું અને નીકી પણ વિશ્વાસની મમ્મીને મળવા આતુર હતી.

નિકીને સામાજીક કારણસર કોલેજમાંથી રજા લઇ ઘરે જવાનું થયું ત્યારે તે ઘરે જતાં પહેલાં વિશ્વાસને મળીને કહે છે, “વિશ્વાસ, હું તારા ઘરે જવાની છું, આંટીએ મને ખાસ આમંત્રણ આપી ઘરે આવવા કહ્યું છે. તારે કોઈ મેસેજ ઘરે આપવો હોય તો કઈ દે.” જવાબમાં વિશ્વાસ હસી ને બોલ્યો, “હું ફોન પર મમ્મીને જે મેસેજ આપવો હશે એ આપી દઈશ અને મને ખબર જ હતી કે તને મારી મમ્મી ક્યારેક તો ઘરે બોલાવશે જ. મારી મમ્મીને તારા જેવી બોલ બોલ કરતી છોકરીઓ જોડે વાત કરવી બહુ ગમે અને મારી મમ્મી પણ તારા જેવા સ્વભાવની જ છે એટલે તમારી જોડી જામશે. મને એ પણ ખબર છે તમારી ચર્ચાનો વિષય પણ હું જ હોઈશ.ચલો બાય ડીયર અને ટેક કેર.” નીકી પણ ટેક કેર અને બાય કહી થોડી નર્વસ થઇ કોલેજમાંથી ઘરે જવા નીકળે છે.

હવે વિશ્વાસ થોડો એકલો પડી ગયો હતો પણ તે એકલો પડતો ત્યારે સોમા જોડે ગપ્પા મારી લેતો અને ક્યારેક મોબાઈલમાં તેના ફેવરીટ જુના ગીતો સાંભળી ટાઈમ પાસ કરી લેતો. વિશ્વાસને નીકીના ગયા પછી મમ્મીના ઓછા થઇ ગયેલા ફોન પાછા વધી ગયા હતાં અને વધારામાં નીકીના ય ફોન આવતાં થઇ ગયાં હતાં. નીકી કોલેજનું વર્ક ફોન પર જાણી ને ઘરે કરતી એટલે ફોન પર લાંબી લાંબી વાતો થતી તે વિશ્વાસને ગમતું નહિ પણ કમને કરી લેતો.

નીકીએ ઘરે જઈને તેના મમ્મી પપ્પા ને મળીને પછી તરત વિશ્વાસની મમ્મીને ફોન કરીને તેના ઘરે આવ્યાના સમાચાર આપ્યા અને બીજા દિવસે તેમના ઘરે મળવા જવા માટે પણ ફાયનલ કરી લીધું. નીકીએ તેની મમ્મીને પોતાની સાથે કોલેજમાં ભણતા વિશ્વાસનો ટુંકો પરિચય આપી તેની મમ્મીની વિશેની વાત કરી. વિશ્વાસ આપણા જ શહેરમાં રહે છે અને તેની મમ્મીએ ઘરે મળવા બોલવી છે તે વાત પણ કરી.

નીકીએ ઘણા દિવસે પોતાની બાલ્કની બહાર સોનેરી રંગનો તડકો ચારેકોર પથરાયેલો જોઈ ખુશ થઇ ગઈ અને ત્યાં તેને વિશ્વાસની મમ્મીને મળવા જવાનું યાદ આવ્યું. નીકી ઝડપથી તૈયાર થઇ તેની મમ્મીને ગુડબાય કહીને વિશ્વાસના ઘરે જવા રવાના થઇ. ડોર બેલ વાગતાં જ વિશ્વાસની મમ્મીએ ડોર ખોલ્યું અને સામે દેખાઈ પિંક કલરના ટી શર્ટ અને જીન્સમાં નીકી, સ્માઈલીંગ ફેસ, નાની નાની કાજળ આંજેલી અણીયારી આંખો, આંખોમાં અદભુત પ્રસન્નતા, ગુલાબી ગાલ, કર્ર્લી હેર, પાંચ ફૂટની બાર્બી ડોલ. પહેરવેશમાં ફેશનેબલ, મોર્ડન અને સ્વભાવે સંસ્કારી,સદાય હસ્તી રહેતી, ખુશમિજાજી. નીકીએ ડોર ખુલતાં જ આંટીને પગે લાગી હરખભેર બોલી ઉઠી, “આંટી, ગુડ મોર્નિગ. હું નીકી, તમે કેમ છો?” વિશ્વાસની મમ્મી નીકી ને પોતાના ઘરે આવેલી જોઈ ખુશ થઇ ગયા અને તેનું હાથ પકડીને ઉમળકાભેર સ્વાગત કર્યું.

નીકી અને વિશ્વાસની મમ્મી બારી પાસેના સોફામાં ગોઠવાયા અને પોતપોતાના સ્વભાવ મુજબ વાતોના વડા ચાલુ કર્યા. વિશ્વાસની મમ્મીએ પોતાનો ટુંકમાં પરિચય નિકીને આપતાં કહ્યું, “બેટા મારું નામ મોના છે અને વિશ્વાસ મારો એકનોએક દીકરો છે. હું અને મારા પતિ અહી એકલાં રહીએ છીએ અને વિશ્વાસના સ્વભાવ અને તેના ભવિષ્ય માટે થઈને બહુ ચિંતીત છીએ. વિશ્વાસનો સ્વભાવ થોડો અતડો અને બીજા છોકરાઓ જેટલો મિલનસાર નથી તેથી તેની અમને બહુ ચિંતા થતી હતી પણ બેટા વિશ્વાસના તારા પરિચયમાં આવવાથી અમારી થોડીઘણી ચિંતા ઓછી થઇ છે. તારી મિત્રતાથી વિશ્વાસના સ્વભાવમાં થોડો બદલાવ થયો તેવું મને લાગે છે અને તેનો આનંદ પણ છે.”

“મોના આંટી વિશ્વાસ નાનપણથી જ આવો અતડા સ્વભાવનો હતો કે કોઈ કારણસર આમ બન્યું” નીકી એકીસ્વરે બોલી ઉઠી.

“ ના બેટા, વિશ્વાસ નાનપણમાં બહુ મિલનસાર અને મજાકિયા સ્વભાવનો હતો. તેનું સ્કુલમાં, સોસાયટીમાં મોટું ગ્રુપ પણ હતું અને તે ગ્રુપનો લીડર હતો. તે નવા મિત્રો તરત બનાવી લેતો અને મિત્રો બનાવા તેને ગમતા. પણ ૧૨માં ધોરણના વેકેશનમાં વિશ્વાસે અને તેના મિત્રોએ ભેગા મળીને ગોવા ફરવા જવાની ટુર ગોઠવી હતી અને તેનું આયોજન વિશ્વાસે કર્યું હતું. બધા મિત્રો ટ્રેનમાં ગોવા જવા નીકળ્યા અને...” બોલતાં બોલતાં વિશ્વાસની મમ્મીનો અવાજ રુંધાયો અને તેમને ડુમો ભરાઈ આવ્યો.

નીકી તરત દોડી રસોડામાં જઈ પાણીનો ગ્લાસ ભરી લઇ આવી અને સાંત્વના આપતાં આપતાં ધીમા સ્વરે બોલી, “આંટી શાંત થઇ જાવ, આ પાણી પી લો. તમે સ્વસ્થ થઇ જાવ. તમને આમ દુઃખી કરીને મારે આગળ નથી જાણવું.”

નીકી વિશ્વાસની મમ્મીનો હાથ પોતાના હાથમાં લઇ સાંત્વના આપી રહી હતી અને પોતાના બોલ બોલ કરવાના સ્વભાવ મુજબ તેની કોલેજ, હોસ્ટેલ, મેસ, કેન્ટીન ની વાતો કરી રહી હતી. મેસના જમવાના થર્ડ ક્લાસ ટેસ્ટ અને કોલેજ કેન્ટીનના ઘર જેવા ટેસ્ટની વાત કરી. કેન્ટીનમાં તેના અને વિશ્વાસના મિત્ર સોમાની પણ વાતો કરી. કેન્ટીનમાં સોમો તેની અને વિશ્વાસની પસંદનું જમવાનું બનાવડાવતો અને સર્વ કરતો તે પણ વાત કરી. વિશ્વાસ અને તેની દોસ્તી કેવી રીતે થઇ તેની પણ વાત કરી.

નીકીની મજાની વાતો સાંભળી સ્વસ્થ થઇને વિશ્વાસની મમ્મી બોલી, “નિકી, આજે તારે આખો દિવસ અહીં જ મારી સાથે જ રહેવાનું છે અને આપણે બહુ બધી વાતો કરવાની છે. ચલ બેટા, તું તારી મમ્મીને ફોન કરીને જાણ કરી દે એટલે તે ચિંતા ના કરે. બેટા, મમ્મીને કેટલી, કેવી ચિંતા થાય તે મને ખબર છે અને ખાસ કરીને છોકરીની મમ્મીને ઘણી ચિંતા થાય.”

નીકીએ તરત તેની મમ્મીને ફોન કરીને આખો દિવસ વિશ્વાસના ઘરે મોના આંટી સાથે રહેવાની વાત કરી અને મોના આંટીને પણ પોતાની મમ્મી જોડે વાત કરવા ફોન આપે છે. વિશ્વાસની મમ્મી અને નીકીની મમ્મીએ પણ પોત પોતાના પરિચય અને છોકરાઓની વાત કરી. નેક્સ્ટ ટાઈમ નીકીની મમ્મીએ વિશ્વાસની મમ્મીને તેમના ઘરે આવવા આમંત્રણ પણ આપ્યું.

ફોન પુરો થયે નીકી પાછી મોના આંટી જોડે વાતે વળગી ....

પ્રકરણ ૫ પુર્ણ

પ્રકરણ ૬ માટે થોડી રાહ જુઓ અને જોડાયેલ રહેજો ...

આપના પ્રતિભાવ અને રેટિંગ પણ આપજો.