Ane aapne fari vakhat madya - 4 in Gujarati Love Stories by Rohit Suthar books and stories PDF | અને આપણે ફરી વખત મળ્યા-૪

Featured Books
  • શ્રાપિત પ્રેમ - 18

    વિભા એ એક બાળકને જન્મ આપ્યો છે અને તેનો જન્મ ઓપરેશનથી થયો છે...

  • ખજાનો - 84

    જોનીની હિંમત અને બહાદુરીની દાદ આપતા સૌ કોઈ તેને થંબ બતાવી વે...

  • લવ યુ યાર - ભાગ 69

    સાંવરીએ મનોમન નક્કી કરી લીધું કે, હું મારા મીતને એકલો નહીં પ...

  • નિતુ - પ્રકરણ 51

    નિતુ : ૫૧ (ધ ગેમ ઇજ ઓન) નિતુ અને કરુણા બીજા દિવસથી જાણે કશું...

  • હું અને મારા અહસાસ - 108

    બ્રહ્માંડના હૃદયમાંથી નફરતને નાબૂદ કરતા રહો. ચાલો પ્રેમની જ્...

Categories
Share

અને આપણે ફરી વખત મળ્યા-૪

અંતમાં ગાઈડ બધા યાત્રિકોને સૂર્યાસ્ત બતાવવા લઈ જઈ રહ્યો હતો, પણ જો અહીંથી સનસેટ પોઇન્ટ જઈએ તો ઘણું મોડું થઈ જાય. એટલે આગળ રસ્તા પર જ સાઈડમાં ગાડી ઉભી રાખી બધાને સનસેટ પોઇન્ટ બતાવતો. ત્યાં બે બસ બીજી પણ ઉભી હતી. જેમને રસ નહોતો એ લોકો ગાડીમાં જ બેઠા રહ્યા, બાકીના અમુક નીચે ઉતર્યા.

દૂર ગગનમાં કેસરી રંગનો સૂર્ય સુંદર લાગતો હતો. આકાશ કેસરી રંગોમાં રંગાયેલો હતો. "કાશ! જો મારી પણ વાઈફ હોત તો...તો હું અહી એકલું ફિલ ન કરત..." મારી આંખો સહેજ ભીની થઇ હતી. આસપાસના કપલને જોતો ત્યારે દર વખતે મને થોડી જેલસી ફિલ થતી. હું નક્કી કરી ચુક્યો હતો કે આ મારી છેલ્લી ટ્રીપ છે. આવી જગ્યાઓ પર આવીને ખુશ થવાને બદલે હું દુઃખી જ થઈશ.

હું વિચારોમાં ખોવાયેલો હતો, ત્યાં જ હિમાની ફરી મારી પાસે આવી. શું આ એ જ હિમાની છે કે જેની સાથે મેં લગ્ન કર્યા હતા. એ જ ઘમંડી, મારી સાથે ક્યારેય પ્રેમથી ન વર્તવાવાળી અકડું, અલ્લડ છોકરી.

હું જે વિચારી રહ્યો હતો એનું કારણ એ હતું કે હું અત્યારે જે હિમાનીને જોઈ રહ્યો હતો તે ખુશમિજાજી, મેચ્યોર અને થોડી ચાપલી ટાઇપની યુવતી હતી. તેનામાં અજીબ પરિવર્તન આવ્યું હતું.

"આ કુદરતી નજારાઓ પણ કેટલા શાંત અને સુંદર હોય છે, કાશ! આની જેમ બધાની જિંદગી પણ એટલી જ ખુબસુરત હોત..." હિમાનીએ કહ્યું.

"જો કોઈ અજાણ્યા માણસો દુઃખ આપે, તો એટલું દર્દ ન થાય, પણ...જો કોઈ પોતાના જ દુઃખ આપી જાય તો એ દર્દ એવા નાસુર બની જાય છે કે જિંદગીભર ભરાતા નથી..." મેં સહેજ ગુસ્સામાં કહ્યું.

"એ પણ આપણા જ હાથમાં હોય છે. એ દુઃખોને યાદ કરવા કે એમાંથી બહાર નીકળવું..." તેણે કહ્યું.

"મતલબ..." મેં કહ્યું.

"જો આપણી સાથે કોઈ ખરાબ કરે તો આપણે તેને યાદ કર્યા કરીએ અને વારંવાર દુઃખી થયા કરીએ, પણ એની જગ્યાએ જો એને ભૂલી જઈએ એક નોર્મલ વસ્તુ ગણીને તો....? તો એ ભૂલી જવાય છે." તેણે કહ્યું.

"અમુક દુઃખોને ભૂલવા આસાન નથી હોતા..." મેં કહ્યું.

"તને ખબર છે સૌથી મોટું દુઃખ ક્યુ?"

"કયું?"

"ઈચ્છા..."

"હેં... ઇચ્છા…?!" હું સહેજ કટાક્ષમા હસ્યો.

"આપણે હંમેશા સુખની ઈચ્છાઓ જ રાખીએ છીએ. હંમેશા બધું સારું જ થવું જોઈએ એવી ઈચ્છાઓ રાખીએ છીએ, પણ એની વધારે પડતી આશાઓ સેવવી એ જ આપણા દુઃખોનું કારણ બને છે, જ્યારે થોડી પણ કંઈક પ્રોબ્લેમ થાય એટલે દુઃખ માની લઈએ, અને એમાં દુઃખી થઈએ..."

"તો...આપણે શું કરવું જોઈએ...?" હું થોડો લહેકાથી બોલ્યો.

"કંઈ નહિ...બસ જે થાય એમા ખુશ રહેવાનું...જેટલું આપણને મળે છે એ આપણા કર્મ અનુસાર જ મળે છે, એટલે એમાં તૃપ્ત રહેવાનું...દુઃખ મળે તો એવું તો નથી ને કે એ દુઃખ હંમેશા આપણી પાસે જ રહેશે, થોડા ટાઈમમાં એ પ્રોબ્લેમ સોલ્વ થશે ને આપણે ફરી હેપ્પી થવાના છીએ ને…? તો પછી ટેન્સન શુ કામ કરવાનું…? શાંતિથી હરો ફરો... મોજ મજા કરો...લાઈફ જીવો મજાની...." હાથ પહોળા કરીને તેણે ઊંડો શ્વાસ ભર્યો. સંધ્યાના સમયે તે મસ્ત લાગતી હતી. અહીંના આહલાદક વાતાવરણ વચ્ચે હું એક ખુબસુરત બલાને જોઈ રહ્યો હતો. સૂર્યાસ્ત થયા બાદ બધા ફરી ગાડીમાં ગોઠવાયા.

થોડીવાર બાદ તે ગાઈડ ફરી સામેના રસ્તા તરફ આંગળી ચીંધીને બોલ્યો, "યહાઁ સામને દેખ રહે હો, રાત કો યહાઁ ભાલું લોગ આતે હે પાની પીને, અગર કિસી કો ઈચ્છા હો દેખને કી તો રાત કો આના, ભાલું લોગ કા બડા મેલા દિખેગા... લેકિન સુનો જરા...આઓગે અપની મરજી સે, પર અપની મરજી સે વાપસ નહિ જા પાઓગે, યહાં કે ભાલું તુમ્હારી બડી ટનાટન ખાતીરદારી કરેંગે...સમજે કયા...?"

બધા લોકો એની વાતો સાંભળીને હસી રહ્યા હતા.

"અભી મસ્ત ઠંડી પડ રહી હે, તો પહેલે હોટલ જાઓ, ફ્રેશ હો જાઓ, ફિર કહી સે એક બોટલ કા ઇન્તેજામ કર લો, દો પેગ મારોગે, તુમ્હારી રાત સુધર જાયેગી...લેકિન સુનો જરા...અપને હેડ ઓફીસ સે પરમિશન લે લેના...અગર પૂછે બીના લિયા ઔર રૂમ સે નિકાલ દિયા તો...ખામખા... મુજે ગાલી દોગે... કી ઉસ બુઢેને ગલત પટ્ટી પઢા દી..."

બધા એ ગાઈડની વાતો સાંભળીને હસતા હતા. મને એની વાતમાં કોઈ રસ નહતો. હું બારીની બહાર જોઈ રહ્યો હતો. અંધારું થઈ ચૂક્યું હતું. લોકોની ભીડ વચ્ચે પણ હું એકલો હતો. મનમાં વિચારી રહ્યો હતો કાલે સાંજે તો હું ઘરે પહોંચી જઈશ. ફરી દરરોજની ભાગદોડ...રાતે ઘરે આવવું...અને આખા ઘરમાં હું એકલો. ઘણી વાર તો આ સુની રાત મને કરડવા આવતી હતી. જાણે આ મને ડંખ દેતી હતી. હું એક નીરસ જીવન જીવી રહ્યો હતો.

"સાંજે સાથે ડિનર કરીએ...?" બાજુમાં બેસેલી હિમાનીએ પૂછ્યું.

"ના..." મેં ટૂંકમાં જવાબ આપ્યો.

"પણ કેમ....?"

"તમે મારામાં વધારે રસ નથી લઈ રહ્યા?"

"અરે! એ તો હું પણ એકલી ને તું પણ, એટલે જ...."

"તો અહીં આવવાથી પહેલા ના વિચાર્યું?"

"હું મારી બે ફ્રેન્ડસ સાથે આવવાની હતી, બધું નક્કી હતું ને લાસ્ટ ટાઈમે એ બન્ને સ્ટુપીડ્સ એ પ્લાન કેન્સલ કર્યો. હું આ ટ્રીપની મજા નહોતી બગાડવા માંગતી, એટલે એકલી આવી ગઈ."

હું થોડીવાર ચૂપ રહ્યો એટલે ફરી એ બોલી, "તો..."

"ઓકે...સાડા આઠે ઓનેસ્ટમાં મળીએ..." નજાણે કેમ પણ મને તેની સાથે સમય પસાર કરવાની ઈચ્છા થઈ.

"ઓકે ડન..."

લગભગ સાડા સાત વાગ્યે અમે પરત આવ્યા હતા. અમુક લોકો એ ગાઈડ સાથે મશ્કરી કરી રહ્યા હતા. ટનાટન, ટંટૂ-બંટુ, સુનો જરા...વગેરે વાક્યો બોલીને તેને ચીડવતા હતા. પણ એ તો ઉપરથી ખુશ થતો હતો.

અમે બન્ને સાથે જ હોટલ પર આવ્યા. થોડીવાર હું બેડ પર સુઈ ગયો, બાદમાં સ્નાન કર્યું. હવે હું ફ્રેશ ફીલ કરતો હતો. સવા આઠે કોઈએ બારણું ખખડાવ્યું. મેં ખોલીને જોયું તો સામે હિમાની ઉભી હતી. વાઇટ કલરનું સ્લીવલેસ ટોપ અને બ્લુ કલરનું જીન્સ તેણે પહેર્યું હતું. ઉપરથી બ્લેક કલરના જેકેટમાં તે શોભી રહી હતી. ખભા સુધી આવતા તેના વાળ, તેમાની એક લટ, વારંવાર તેના ગાલને છંછેડતી હતી. સિમ્પલ મેકઅપમાં તે ક્યૂટ લાગતી હતી. આજે આખરી વાર તેની પાસે રહેવાની ઈચ્છા થઈ. કાલે સવારે દસ વાગ્યાની બસ હતી. પછી પાછું હું અને મારું અમદાવાદ.

હું અને હિમાની એક કોર્નરના ટેબલ પર ગોઠવાયા. અમે બન્નેએ પંજાબી ડીસ ઓર્ડર કરી. સવા નવ સુધી જમ્યા બાદ બિલ પે કર્યું.

"નક્કી લેક પર જઈશું?" મેં પૂછ્યું.

"યા...શ્યોર..." તેણે હસીને કહ્યું.

દસેક મિનિટમાં અમે બન્ને ત્યાં હતા. એક પાળીએ અમે બન્ને બેઠા. થોડીવાર સુધી એ બોલતી રહી.

"તો તમે કર્મ વિષે કહેતા હતા..." મેં કહ્યું.

"હા...તો…?!" તેણે કહ્યું.

"આપણે કોઈને પ્રેમ કરીએ પણ એ ઇગ્નોર કરે આપણને, તો એ પણ આપણા જ ખરાબ કર્મ...?" મેં પૂછ્યું.

"એમાં આપણો નહિ પણ એનો જ વાંક હોય છે. એ સાચા પ્રેમને ઓળખી ના શક્યા, એમાં આપણે શું કરી શકીએ?" તેણે કહ્યું.

"એમ? પણ આ વાતોનો કોઈ મતલબ નથી, કેમ કે આપણી વચ્ચે ક્યારેય પ્રેમ હતો જ નહીં. આપણે એકબીજાને ન તો સમય આપી શક્યા કે ન તો સમજી શક્યા. તું હંમેશા મારી સાથે ઓછું બોલતી, ઉદાસ જ રહેતી. કામમાં ખોવાયેલી રહેતી. કઈ પણ જાણ કર્યા વિના ગમેં ત્યાં ઉપડી જતી. ઘણીવાર લાગતું કે તે આ લગ્ન મજબૂરી કે કોઈના દબાવમાં આવીને કર્યા છે." આડકતરી રીતે બોલ્યા વિના હવે હું સીધો એને ઉદ્દેશીને કહેવા લાગ્યો.

"તું મને ગમતો હતો, પણ..." તેણે કહ્યું.

પોણા દસ થવા આવ્યા હતા. ઠંડીને કારણે લોકોની અવરજવર ઓછી થઈ ગઈ હતી. હું પણ થથરી રહ્યો હતો. આ હિમાનીના ચક્કરમાં હું જેકેટ ખરીદવાનું જ ભૂલી ગયો હતો. ખેર, રૂમમાં ગરમ ધાબળો હતો. રૂમ પર જવા માટે હું ઉભો થઇ રહ્યો હતો, ત્યાં જ તેણે હાથ પકડ્યો. "બેસ ને થોડી વાર, પ્લીઝ..."

"મને ખૂબ ઠંડી લાગી રહી છે." મેં કહ્યું.

"તો રૂમ પર જઈને વાત કરીએ?" તેણે પૂછ્યું.

"ના...કાલે વહેલુ ઉઠવું છે. અમદાવાદ પાછું જવું છે." મેં કહ્યું.

"હું તારી રાહ જોઇશ, આજે મને ઊંઘ એમ પણ નહીં આવે."

અમે બન્ને ઉભા થયા. હોટલ પર પહોંચવા અમે ચાલતા ચાલતા જઇ રહ્યા હતા. અમુક વાર મારી અને એની આંખો મળી જતી. પણ અમે બન્ને ખામોશ હતા.

રૂમ પર પહોંચ્યા બાદ તે મારી રાહ જોશે એમ ફરી કહ્યું હતું. હું બેડ પર આડો પડ્યો. ગરમ ધાબળાની અંદર ગરમાશને કારણે શરીર તો સારૂ મહેસુસ કરતું હતું, પણ મારું આ મન હિમાનીમાં જ ખોવાયેલું હતું. આખરે મનની સામે હાર માનીને હું રૂમની બહાર નીકળ્યો અને તેના બારણા પર નોક કર્યું.

★★★

હિમાનીએ આછા સ્મિત સાથે આવકાર આપ્યો. નાઈટ ડ્રેસમાં તે સુંદર લાગતી હતી. અંદર પ્રવેશીને અમે બન્ને બેડ પર જ બેઠા. પણ એકબીજાથી દૂર. થોડી વાર સુધી બન્ને ચૂપ જ રહ્યા.

"આપણે ક્યારેય એકબીજા સાથે પ્રેમથી ન રહ્યા, નહીં...?" મેં પૂછ્યું.

"સોરી...." તેની આંખો ગમગીન થઈ ગઈ. હું બસ તેને જોઈ રહ્યો.

"કેમ...?" મેં પૂછ્યું.

"હું ક્યારેય મારા દિલની વાત ન જાણી શકી. લગ્ન શું છે, એનું મહત્વ શું છે, એ સમજી ન શકી. બસ...બધા લગ્ન કરે છે, એમ મેં પણ કરી લીધા. મમ્મી-પપ્પાની ઈચ્છા હતી તો હું પણ પરણી ગઈ. વિચાર્યું હતું કે હું મારી મેરેજ લાઈફ અને પ્રોફેશનલ લાઈફને હેન્ડલ કરી લઈશ. પણ એવું ના થયું. ફેશન ડિઝાઈનીંગની દુનિયામાં તો મારું નામ થતું ગયું, પણ...આ દિલની દુનિયામાં પ્રેમ નામના પુષ્પોની જમીન બંજર બની ગઈ. એકદમ સૂકી, સુની અને વેરાન...." કહીને તે થોડી વાર સુધી મૌન જ રહી.

હું બસ દિગ્મૂઢ થઈને તેને સાંભળી રહ્યો હતો. "તારા સ્વભાવમાં ઘણો પરિવર્તન આવ્યો છે. પહેલા કેટલું ઓછું બોલતી હતી ને હવે..."

"જીવન બધું શીખવાડી દે છે. હું આજથી બે વર્ષ પહેલાં ખૂબ ડિપ્રેશનમા રહી હતી."

"કેમ...?"

"આ કોમ્પિટિશનના જમાનામાં હું ટકી ન શકી, આખરે મારું કરિયર પતી ગયું એટલે. એક સમય એવો પણ આવ્યો કે જીવન ચલાવવા માટે પૈસાની જરૂર હતી. આખરે એ બધું છોડીને મેં જોબ કરવાનું સ્ટાર્ટ કર્યું." તે ઉદાસીન સ્વરે બોલી.

"તે ફરી લગ્ન કેમ ના કર્યા?" મેં પૂછ્યું.

"એક વારમા જ આટલો કડવો અનુભવ થઈ ગયો, બીજી વાર ઈચ્છા જ ના થઇ. પણ તે કેમ ના કર્યા?" જવાબ આપીને વળતો સવાલ પૂછ્યો.

"સેમ હિયર..." મેં કહ્યું.

હિમાનીએ મારી સામે જોયું અને મંદ સ્મિત ફરકાવ્યું. હું બસ તેને જોઇ રહ્યો હતો.

"આજે આખો દિવસ આટલી જ્ઞાનની વાતો તે કરી, ક્યાંથી મેળવ્યું આટલું બધું?" મેં પૂછ્યું.

"ખૂબ એકલું ફિલ કરતી હતી, એક ફ્રેન્ડની સલાહથી ફિલોસોફીકલ નોવેલ્સ વાંચવાનું સ્ટાર્ટ કર્યું એટલે મારી પણ ફિલોસોફી વધતી ગઈ...." તેણે કહ્યું.

"અહીં આવીને કેવું ફીલ થઈ રહ્યું છે?" મેં પૂછ્યું.

"સાચું કહું? મને લાગતું હતું કે અહીં આવીને સારું ફીલ થશે, પણ બધા લોકોને એમના પરિવાર સાથે જોઈને, અમુક કપલ્સને જોઈને, મને જાણે ઈર્ષ્યા થાય છે. કાશ! મારો પણ કોઈ હમદમ હોત. યાર એકલા એકલા નથી ગમતું હવે, મનને કોઈ જોઈએ જે મને ખુબ પ્રેમ કરે..." તેની આંખોમાંથી અશ્રુઓના મોતીબિંદુ સરી પડ્યા.

હું તેને રડતા ન જોઈ શક્યો. તેની નજીક જઈને તેની આંખોના આંસુ લૂછયા. તે મને વળગી પડી. મને તેની બાહોમાં સમાવી લીધો. વર્ષોથી તે પણ એકલી હતી અને હું પણ.

"સોરી, મેં તને બહુ ઇગ્નોર કર્યો..." તેણે કહ્યું.

"વાંક માત્ર તારો નથી, હું પણ જવાબદાર છું જ. હું મારા બિઝનેસમાં વ્યસ્ત રહેતો. ક્યારેય તને જાણવાનો મેં પ્રયાસ જ ન કર્યો. એ દિવસે જ્યારે મેં શક કર્યો ત્યારથી જ આપણી વચ્ચે અંતર વધ્યું હતું ને." મેં કહ્યું. હું તેના સિલ્કી વાળમાં હાથ ફેરવી રહ્યો હતો. તેણે તેનો ચહેરો મારી છાતી પર ટેકવ્યો હતો.

"શું આપણે બે ફરી એક થઇ શકીએ?" થોડીવાર મારી બાહોમાં જ રહ્યા બાદ તેણે પૂછ્યું.

"એટલે ફરી ઉદાસ રહીશ, ખુદની મનમાની કરીશ, મને હેરાન કરીશ." મેં મોઢું મચકોડતા કહ્યું.

"નહિ...હું તને ખૂબ પ્રેમ કરીશ. આપણે બે બેસ્ટ ફ્રેન્ડ બનીશું. બેસ્ટ કપલ..." તેણે કહ્યું. રડવાનું તો તેણે બન્ધ કર્યું હતું. પણ ડૂસકાઓ ભરતા તે બોલી રહી હતી. તેની સુંદર આંખો ભીંજાયેલી હતી.

હું તેને જોઈ રહ્યો હતો. કંઈ જ ના બોલ્યો એટલે ફરી બોલી, "તે મારી વાતનો જવાબ ના આપ્યો..."

હિમાનીને જવાબ આપવા માટે મેં એના ગુલાબની પાંખડી જેવા હોઠ પર ખુદના હોઠ મૂકી દીધા. મેં તેને બાહોમાં સમાવી લીધી. તે મારી છાતી પર માથું ઢાળીને સૂઇ ગઈ. અમે આખી રાત ખૂબ વાતો કરી. આજે એકબીજા વિષે અમે ઘણું જાણ્યું, જે લગ્ન બાદ પણ નહોતા જાણી શક્યા. અલબત્ત નાનામાં નાની પસંદ-નાપસંદ વિષે પણ. અમે બન્નેએ એકબીજા પર ચુંબનોનો વરસાદ વરસાવી દીધો હતો. એકમેકની પનાહમાં વર્ષો સુધી ધરબાઈને રહેલી એકલતા ક્યાંય ગાયબ થઈ ગઈ હતી.

હું અને હિમાની અહીં આવ્યા હતા ત્યારે જાણતા નહોતા કે કુદરત અમને આટલી સુંદર ગિફ્ટ આપશે. કુદરતે હિમાની સાથે મારી મુલાકાત વર્ષો બાદ કરાવી. 'અને અમે ફરી વખત મળ્યા'. મને મારો હમસફર મળી ગયો હતો. મારા મનમાં રહેલા અંધકાર પર કોઈએ ફરી પ્રેમની દસ્તક આપી અને ફરી ગુલાબી પ્રેમની રોશની આમાં છવાઈ ગઈ.

જીવનમાં પતિ-પત્ની એકબીજાને જાણે, સમજે, યોગ્ય સમય આપે, એ જરૂરી છે. જો સંબંધમાં પ્રેમ અને વિશ્વાસ હોય તો જ એ જીવનભર ટકે છે. આ એક નાજુક દોર હોય છે. એને આપણે કેટલા પ્રેમથી સંભાળીએ છીએ એ મહત્વનું છે.

ઝઘડો અને લડાઈ કરવાથી પતિ-પત્ની વચ્ચે માત્ર અંતર વધે છે. આના કરતાં જો મતભેદ થાય તો પ્રેમથી સાથે બેસીને ચર્ચા કરવી જોઈએ. એનો નિકાલ લાવવો જોઈએ. પણ એકબીજાનો સાથ ક્યારેય ન છોડવો જોઈએ.

જીવનમાં હંમેશા એક વસ્તુ યાદ રાખો, "ઉંમરના એક પડાવ બાદ કોઈનું સાથે હોવું ખૂબ જરૂરી છે, નહિતર એકલતા કોરી ખાય છે."

હવે જો આગળ મારી વાત કરું તો બીજા દિવસે અમદાવાદ જવાનું કેન્સલ કરી નાખવામાં આવ્યું. હું મારી પ્રિયતમા 'હિમાની' સાથે ફરી માઉન્ટ આબુ ફરવા માંગતો હતો. મીઠી યાદો ભેગી કરીને જ અહીંથી જવા માંગતો હતો. ઘણી મસ્તીઓ કરવા માંગતો હતો. કેમેરામાં દરેક ક્ષણોને કેદ કરવા માંગતો હતો.

જ્યારે અમે અમદાવાદ પરત ફર્યા હતા, ત્યારે માત્ર મન જ નહીં, તન પણ એક થઈ ચૂક્યા હતા. આ વખતે બે આત્માઓનો એવો મિલન થયો હતો કે 'હું' અને 'તું' મટીને 'અમે' થઈ ચૂક્યા હતા.

સમાપ્ત...

રોહિત સુથાર 'પ્રેમ'