Redlite Bunglow - 1 in Gujarati Fiction Stories by Rakesh Thakkar books and stories PDF | રેડલાઇટ બંગલો ૧

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

રેડલાઇટ બંગલો ૧

રેડલાઇટ બંગલો

પ્રકરણ-૧

રાકેશ ઠક્કર

રૂપવતી અર્પિતા ખુશ હતી. સામાન્ય પરિવારની અર્પિતાને શહેરની જાણીતી કોલેજમાં એડમિશન મળી ગયું હતું. આખા જિલ્લામાં તેના જેટલી હોંશિયાર વિદ્યાર્થીનીઓ ઘણી હતી પણ ટ્રસ્ટી મેડમ રાજીબહેનની ભલામણથી તેને સરળતાથી પ્રવેશ મળી ગયો હતો. એટલું જ નહીં તેમણે તેના રહેવાની વ્યવસ્થા પણ ગોઠવી દીધી હતી. તે પોતાની માતા સાથે રાજીબહેનના બંગલે તેમની કારમાંથી ઉતરી ત્યારે બંગલાની ભવ્યતા જોઇ નવાઇ પામી હતી. આજુબાજુમાં પણ મોટા બંગલાઓની હારમાળા હતી. કોલેજથી થોડે દૂર જ્ગ્યા હતી. પહેલાં તે આ જગ્યાએ રહેવા આવવા માટે બે કારણથી ખચકાઇ હતી. એક તો જગ્યા દૂર હતી અને બીજું રાજીબહેને જ્યારે તેના રહેવાના સ્થળનું નામ આપ્યું ત્યારે ભયનું લખલખું તેના શરીરમાંથી પસાર થઇ ગયું હતું.

ચાર દિવસ પહેલાં શહેરની ગર્લ્સ કોલેજમાંથી અર્પિતાને જ્યારે એડમિશન માટે ઇન્ટરવ્યુનો કોલ આવ્યો ત્યારે અડધી સફળતા મળી ગઇ હોય એવું લાગ્યું હતું. છતાં તે જાણતી હતી કે આખા જિલ્લાની છોકરીઓ સાથે તેની ટફ કોમ્પીટીશન હતી. તે ડિસ્ટીંકશન માર્કસ ધરાવતી હતી. પણ તેનાથી વધુ માર્કસ મેળવનાર ઘણી હતી. એ જ્યારે ઇન્ટરવ્યુ માટે કોલેજ પર પહોંચી ત્યારે કેમ્પસમાં મોટી ભીડ હતી. સતત ચાર દિવસ સુધી દરરોજ ઇન્ટરવ્યુ ચાલવાના હતા.

પોતાનો નંબર આવતાં પ્રિન્સીપલ અને ત્રણ ટ્રસ્ટી સામે તેણે સ્થાન લીધું ત્યારે પૂરા આત્મવિશ્વાસ સાથે હતી. તેણે એક જ નજરમાં જોઇ લીધું કે ચારેયમાં એક જ મહિલા હતી. અને એ તેની સુંદરતાથી બધાને પ્રભાવિત કરતી હતી. ચમકતા વાળ અને ચહેરાવાળી એ મહિલાએ તેને જોઇ અને તેના લાલચટ્ટક હોઠ પર મંદ હાસ્ય રેલાયું. કેમકે ગ્રામ્ય વિસ્તારમાંથી આવતી હોવા છતાં અર્પિતા સુંદરતામાં કોઇથી કમ ન હતી, તેનું કમનીય શરીર પુરુષો જ નહીં મહિલાઓ પણ બેઘડી જોઇ રહેતી હતી. તે ઉંમરથી પહેલાં યુવાન થઇ ગઇ હતી. અર્પિતાને ખ્યાલ આવી ગયો કે તેની સુંદરતાથી રાજીબહેન ખુશ થયા હતા. અન્ય ત્રણ પુરુષો પણ તેના યૌવનની વસંતથી અસર પામ્યા હોય એમ આખા શરીર પર બે વખત અછડતી નજર નાખી ચૂક્યા હતા. પ્રિન્સીપલ રવિકુમારે ઝડપથી પોતાનો અને ત્રણ ટ્રસ્ટીઓ રાજીબહેન, વિવેકભાઇ અને કનુભાઇનો પરિચય આપ્યા પછી પહેલો જ પ્રશ્ન પૂછ્યો કે અર્પિતા બે ક્ષણ માટે જવાબ ના આપી શકી.

"તમારા માર્ક્સ અન્ય છોકરીઓ કરતાં ઓછા છે તો અમે કયા કારણથી તમને પ્રવેશ આપીએ એ જણાવશો?"

અર્પિતાએ સ્વસ્થ થઇને જવાબ આપ્યો:"સાહેબ, હું ગામડામાં ભણી છું એટલે ત્યાં શિક્ષણની બહુ સુવિધા અને માર્ગદર્શન ન હતા. પણ આ કોલેજની પ્રતિષ્ઠા બની રહે એવો પ્રયત્ન કરીશ. મને જો પ્રવેશ આપશો તો મારા પર મોટો ઉપકાર થશે. હું ખૂબ ગરીબ પરિવારમાંથી આવું છું. મારા પિતા ત્રણ વર્ષ પહેલાં અમને છોડી વિદેશ જતા રહ્યા હતા. અને હવે કોઇ સંબંધ રાખ્યો નથી. મારી માતા પરચૂરણ કામો કરીને મને ભણાવે છે. હું વધારે ભણીગણીને મારા પરિવારને સુખી કરવા માગું છું. મારી પાછળ મારી નાની બહેન અને ભાઇ પણ છે. તેમના સોનેરી ભવિષ્ય માટે મને તક મળે એવી વિનંતી છે."

અર્પિતાને લાગ્યું કે તેનો જવાબ બધાંને અસર કરી ગયો છે. રાજીબહેન થોડા વધુ પ્રભાવિત થયેલા લાગતા હતા. તેની ગરીબી તેમને સ્પર્શી ગઇ લાગતી હતી. બીજું કોઇ બોલે એ પહેલાં રાજીબહેન બોલી ઉઠ્યા:"અર્પિતાને પ્રવેશ માટે મારી ભલામણ છે. અને તેની આર્થિક નબળી સ્થિતિ જોતાં એની ફી પણ આ પ્રકારની વિદ્યાર્થીનીઓના અનામત ભંડોળમાંથી ભરવામાં આવે એવી મારી લાગણી છે."

અર્પિતાએ જોયું કે તેમની વાતને બાકીના ત્રણેય જણ હુકમ માનીને સંમત થઇ ગયા. રાજીબહેનનો પ્રભાવ બધાં પર હોવાનું તેણે અનુભવ્યું. પ્રિન્સીપલ રવિકુમારે ત્યારે જ અર્પિતાના ફોર્મ પર પ્રવેશની ભલામણનો શેરો મારી અભિનંદન આપતાં કહ્યું:"તમને પ્રવેશ આપવામાં આવે છે. પણ આ તકનો યોગ્ય ઉપયોગ કરી કોલેજનું નામ રોશન કરશો એવી અપેક્ષા છે."

પ્રિન્સીપલ રવિકુમારની વાતમાં બધાએ સંમતિ આપી. અર્પિતા આભાર માનીને ઊભી થવા જતી હતી ત્યારે રાજીબહેને તેને કહ્યું:"અર્પિતા.... તું એક કલાક બહાર રોકાજે, મને ઓફિસમાં મળીને જજે."

અર્પિતા "જરૂર મેડમ" કહી માથું નમાવી હા પાડીને નીકળી.

અર્પિતાએ બહાર આવીને માતા વર્ષાબેનને આ ખુશ ખબર આપ્યા ત્યારે તેમની આંખમાંથી હર્ષાશ્રુ સરી પડ્યા.

માતાએ જ્યારે ઘરે જવાની તૈયારી કરી ત્યારે અર્પિતાએ રાજીબહેને મળવા માટે રોકાવાની વાત કરી હોવાનું કહ્યું. બંને તેમની ઓફિસની રૂમ શોધી ત્યાં બહારના બાંકડા પર જઇને બેઠા. અર્પિતા રાજીબહેનના વખાણ કરતાં થાકતી ન હતી. તેની માતાને થયું કે રાજીબહેન તેમના માટે દેવી બનીને ઉતર્યા છે.

અર્પિતા વિચારતી રહી કે રાજીબહેનને શું કામ હશે કે પોતાને રોકાવા કહ્યું છે. શું ફી માફ કરી તેનું કમિશન માગશે? પણ પછી તેને થયું કે તેમના લાગણીશીલ સ્વભાવને જોતાં તો એવું લાગતું નથી. તેમણે મારી ગરીબીની દયા ખાઇને એડમિશન આપ્યા પછી ફી માફીની પણ ભલામણ કરી હતી.

"બેટા, હવે અહીં રહેવાની વ્યવસ્થા પણ ગોઠવવી પડશે ને?" માતાના સવાલથી તે વિચારોમાંથી વાસ્તવિક સમસ્યા પર આવી ગઇ.

"હા મા, ગામથી રોજ અપડાઉન તો થશે નહીં. અહીં કોલેજમાં હોસ્ટેલ પણ નથી."

"તારા પપ્પા હોત તો કોઇને કોઇની ઓળખાણથી રહેવાનું ગોઠવી દીધું હોત. તું છોકરીની જાત એટલે વહેલી સવારે આવી ના શકે. અને આવે તો પણ આખો દિવસ આવવા-જવામાં જતો રહે તો ભણવાનો સમય જ ના રહે. અને તારા પર મેં મોટી આશા રાખી છે..."

"મા, આપણે રાજીબહેનને જ પૂછીએ તો કેવું! એ તો અહીં ટ્રસ્ટી છે. બીજી છોકરીઓ પણ આ શહેરમાં રહીને ભણતી જ હશે. તે આપણને કોઇ જગ્યા જરૂર બતાવશે."

માતાને પણ અર્પિતાનો વિચાર ગમી ગયો. "હા બેટા, એમની ભલામણ હશે તો સસ્તામાં રહેવાની જગ્યા મળી જશે અને તારી સલામતિની ચિંતા પણ ઓછી થઇ જશે. બળ્યું તારું આ કામણગારું રૂપ જ મારા માટે ચિંતાની સૌથી મોટી વાત છે. આખા ગામના છોકરા તને ટીકી ટીકીને જુએ ત્યારે મારું લોહી બળી જતું હતું. આ શહેર મોટું છે. તું સાવધાન રહેજે બેટા."

"મા! તું ફરી એ જ ચિંતાની રામાયણ લઇને બેસી ગઇ! તું માને છે એવું આ શહેર ખરાબ નથી. સંસ્કારી શહેર તરીકે આખા રાજ્યમાં ગણાય છે. અડધી રાતે પણ છોકરીઓ બિંદાસ આવ-જા કરે છે. લોકો પણ કેવા સારા છે. આ રાજીબહેનને જ જોને, ના કોઇ ઓળખાણ કે ભલામણ હતી છતાં કેટલી મદદ કરી રહ્યા છે. "

"પણ માને તો ચિંતા થાય ને!" વર્ષાબેને પોતાની ચિંતા ફરી વ્યક્ત કરી.

"અને જો મા! હું અહીં કોઇ પાર્ટટાઇમ જોબ પણ શોધી લઇશ. એટલે રહેવાનો ખર્ચ નીકળી જશે. તારે વધુ કામ કરવાની જરૂર નથી."

વર્ષાબેન ક્યારે અર્પિતા કોલેજમાં આવે અને શહેરમાં આવી જાય તેની રાહ જોતા હતા. ગામમાં તેના માટે જોખમ હતું. સોળ વર્ષે અર્પિતા કળીમાંથી ફૂલ બની રહી હતી. તેનું યૌવન કપડાંમાં સમાતું ન હતું. તેના ફાટફાટ થતા યૌવનને જોઇને ઘણાની આંખમાં સાપોલિયા રમતા હતા. પણ એ તો વિધુર દિયર હરેશભાઇ એવાને નાગ બની ડંખે એમ હતા એટલે કોઇએ અર્પિતા પર હાથ નાખવાની હિંમત કરી ન હતી. ગામમાં મજબૂત ખેડૂતપુત્ર તરીકે હરેશભાઇનું નામ અને હાક હતા. પતિ શૈલેષ તો ચારેયને ભગવાન ભરોસે છોડીને વિદેશ ઉપડી ગયો હતો. એક હરેશભાઇનો જ હવે સહારો હતો.

અર્પિતા મા જોડે વાત કરી રહી હતી ત્યારે રાજીબહેન આવી પહોંચ્યા. અર્પિતાએ નમસ્કાર કરી માની ઓળખ આપી. રાજીબહેને બંનેને અંદર આવવા કહ્યું.

રાજીબહેને પિયુનને બોલાવી ચા-પાણીની સૂચના આપી. પછી કહ્યું:"તમારે થોડી રાહ જોવી પડી. પણ તમારા માટે મારા દિલમાં બીજો એક વિચાર આવ્યો એટલે રોકાવા કહ્યું હતું. તમે પહેલાં એ બતાવો કે છોકરી અપડાઉન કરવાની છે કે અહીં રહેવાની છે?"

અર્પિતાની માએ તરત કહ્યું:"બહેન, અપડાઉન કરવાનું તો મુશ્કેલ છે. મેં એને અહીં ક્યાંક રોકાવાનું જ સૂચન કર્યું છે."

"કોઇ જગ્યા છે રહેવાની? હોય તો પણ મારી વાત માનજો." રાજીબહેને પ્રશ્ન પૂછીને જવાબની રાહ જોયા વગર જવાબ પણ આપી દીધો.

"બહેન, અમે રહેવાની જગ્યા માટે તમને પૂછવાના જ હતા."

"સરસ! મેં અર્પિતા માટે જગ્યા વિચારી લીધી છે. અને એ માટે તેણે કોઇ ભાડું પણ આપવાનું નથી."

"તો તો મારે નિરાંત થશે બહેન. મને હતું જ કે આ શહેરમાં ઘણા દાતા હશે." વર્ષાબેનને રાહત થઇ.

"જુઓ, જગ્યા શહેરથી થોડે દૂર છે... પણ રેડલાઇટમાં અર્પિતાના રહેવાની વ્યવસ્થા અન્ય છોકરીઓ સાથે કરાવી દઇશ...."

વર્ષાબહેનને તો રાજીબહેનના "રેડલાઇટ" શબ્દનો ખ્યાલ ના આવ્યો પણ સ્કૂલની લાઇબ્રેરીમાં નિયમિત રીતે અખબાર વાંચતી અર્પિતાને એ સમજતા વાર ના લાગી કે "રેડલાઇટ એરિયા" કોને કહેવાય છે અને ત્યાં કેવી સ્ત્રીઓ રહે છે...

રેડલાઇટ શબ્દથી અર્પિતાના શરીરમાં ભયનું લખલખું પસાર થઇ ગયું. તેની માતા વિસ્મિત ચહેરે તેની સામે જોઇને આંખોથી પ્રશ્ન પૂછી રહી હતી. માને શું જવાબ આપવો એ અર્પિતાને સમજાતું ન હતું.

શું રાજીબહેન અર્પિતાને કોઇ ખોટો રસ્તો બતાવી રહી હતી? રાજીબહેનના રેડલાઇટ શબ્દમાં શું અભિપ્રેત હતું? એ જાણવા હવે પછીનું પ્રકરણ અચૂક વાંચશો.…

***