કુવો રડ્યો
રોજના ક્રમ મુજબ આજેય હીરુ સુરજ ઉગે એ પહેલા કૂવે પાણી ભરવા પહોંચી ગઈ પણ આજે એ કૂવો અને સવાર રોજ જેવા ન લાગ્યા. કુટુંબીઓએ એને પાણી ભરવા જવાની ના પડી હતી.
સમુદ્ર કિનારે દ્વીપ સમાન વસેલું એક નાનું ગામ. ગામની પશ્ચિમે અરબી સમુદ્ર અને બાકી ત્રણે દિશાઓ સમુદ્રની ખાડીથી ઘેરાયેલી. ગામના સ્મશાનના કમ્પાઉન્ડથી થોડાક અંતરે આવેલ હતો દાદાભાઉના વાડામાંનો એક કૂવો. ગામમાં મીઠા પાણીનો એકમાત્ર શ્રોત. આખું ગામ આ કૂવાનું પાણી પીવે, પણ કોઈ દિવસ કોઈ ઋતુમાં કુવામાં પાણી ઘટે નહિ. કુવામાં એક કુદરતી ઝરણાંને લીધે પાણીની
સપાટી કાયમ ઊંચી રહેતી. જાણે જળદેવતાનો આશીર્વાદ !
વહેલી સવારથી મોડી સાંજ સુધી ગામનીબધી જ ઉંમરની સ્ત્રીઓ ત્યાં પાણી ભરવા આવે. હીરુ પણ નાનપણથી એની માં સાથે આ કુવા ઉપર પાણી ભરવા આવતી. રેંટના અવાજની સાથે પોતાની કવિતા અને ગીતોને લયબદ્ધ કરી ગાવાની એને ખુબ મઝા આવતી, જાણે સવારની પહોરમાં સંગીતથી ઉષાને જગાડીએના કિરણોને આમંત્રણ દેતી હોય ! હીરુની બહેનપણીઓ પણ એની કવિતાઓ અને ગીતોમાં ખોવાઈ જતી.
આજે એનું મન ખિન્ન હતું. ઘરનાં વડા સભ્યોએ પાણી ભરવા ન જવું એવી તાકીદ કરેલ હતી પણ રોજની આદત મુજબ ભૂલથી એ પાણી ભરવા નીકળી આવી હતી. ચેક અપ બાદ ડોક્ટરે પ્રેગ્નનસીની ટ્રીટમેન્ટ ચાલુ કરી હતી. કૂવે પાણી ભરવા જવું
એની તબિયત માટે નુકસાનકારક હતું. માથે અને કમર ઉપર બેડાં ઉંચકવાની ડોક્ટરે ના પાડી હતી. ઘણા લાંબા સમય બાદ પરિવારમાં પારણું બંધાય એવી આશા જાગી હતી.ઘરમાં બધા સભ્યો ખુબ જ આનંદમાં હતાં, તેથી જ એની બંને જેઠાણીઓએ પાણી
ભરવાની જવાબદારી પોતાના માથે લઇ લીધી હતી.
હીરુનું કુટુંબ એટલે દસ સભ્યોનું માછીમાર સમાજનું સંયુક્ત કુટુંબ.ઘરના બધાજ સભ્યો કુટુંબના ધંધામાં રોકાયલા રહેતા.
કુટુંબની પોતાની માછલીઓ પકડવાની બે મોટી હોડીઓ હતી. ઘરના વડીલો માછલીઓ પકડવા જતા.કુટુંબની સ્ત્રી સભ્યો નહિ
વેચાયેલ માછલીઓને એક નિયત જગ્યાએ સુકવતાં અને પછીથી એનુંવેચાણ કરવાનાં કામમાં રોકાયેલા રહેતા.બચપણથી મનુ અને હીરુ એક બીજાને પસંદ કરતાં. ઘણી વાર ફળિયામાં આવતાં-જતાં કે સ્કૂલમાં ભેગા થતા. બંનેના કુટુંબ માછીમારીમાં હોવાતી એમની
મુલાકાત દરિયા કિનારે માછલાં સૂકવવાની નિયત જગ્યાએ થતી. હીરુને સાહિત્યમાં ખાસ રુચિ હતી. બંને ભેગાં થાય ત્યારે હીરુ
મનગમતા સાહિત્યની કૃતિ દ્વારામનુ જોડે પ્રેમનો વાર્તાલાપ કરતી. એને કવિતાઓ અને ગીતો ગાવાનાં ખુબ ગમતા.
ખોબો ભરીને અમે એટલું હસ્યાં, કે કૂવો ભરીને અમે રોઈ પડ્યાં…
એ રચના બંનેની મનગમતી રચના. બંને સાથે બેસી કલાકો સુધી એ ગાતા. સાથે જીવવા-મરવાના કોલ એક બીજાને આપતાં.
નિરાગસ પ્રેમથી પાંગરેલો એ પ્રેમનો છોડ ક્યારે પક્વ થયો તે ખબર જ ના પડી. વિધિના લેખ એમને ભેગા રાખવાના હોય જ તેમ બંનેના લગ્ન થયા. પ્રેમ ગૃહસ્થીમાં પરિણમ્યો.
મનુને કુટુંબનો માછીમારીનો ધંધો ગમતો. દરિયામાં માછલીઓ પકડવાં જવાનું એને ગમતું, પરંતુ એને લાગતું હતું કે કંઈક વધારે
પૈસા કમાવીયે તો પાછલી જિંદગી આરામથી જીવાય. ઘણાં પ્રયત્નો બાદ મનુને એક બ્રિટિશ ફિશિંગ કંપનીના શિપમાં નોકરી મળી.
માછલી પકડવાના સીઝનમાં શિપિંગ કંપની તેને નોકરીએ બોલાવતી. વરસમાં આઠ મહિના તે શિપ ઉપર રહેતો. વિવિધ દેશોમાં
ફરવાનો એને આનંદ થતો. જયારે પણ શિપથી પાછો ફરે ત્યારે કુટુંબના બધામાટે વિવિધ ભેટ લઇ આવતો અને પૈસા પણ ખુબ કમાતો. બધું સારું હતું પણ હીરુને એનો વિરહ ખુબ સાલતો.
સ્કૂલના દિવસોથી લગ્ન સુધી અને લગ્ન પછીનો પ્રેમ અવિરત રહ્યો. ખટમીઠાં પ્રેમનો સ્વાદ જયારે મનુ શિપમાં જતો ત્યારે હીરુને મન એ ભાથું સમાન. દિવસે કેરાત્રે એ એકલી પડે ત્યારે એને યાદ કરી બચપણથી આજ સુધી ગુજારેલા દરેક ક્ષણની યાદોને એ વાગોળતી.
મનુ જયારે પણ શિપ ઉપર નોકરીએ જાય ત્યારે હીરુ એને દર વખતે જુદી જુદી ભેટ ચુપચાપ આપતી. ક્યારેક એ એને વીંટી આપતી
તો ક્યારેક પોતે ભરતકામથી ગૂંથેલ રૂમાલ આપતી. દરેક ભેટ એવી હોય જેમાં અંગ્રેજીના બે અક્ષર લખેલાં હોય એચ અને એમ -એટલે કે હીરુ અને મનુ. મનુ માટે પણ પ્રેયસી-પત્નીની એ ભેટ ખારાંદરિયામાં મીઠાં ઝરણાનાં પાણીનો ઘૂંટ સમાન લાગતો અને એ
પ્રેમ ઘૂંટ પીતાં-પીતાં એ નોકરીના દિવસો પુરા કરતો અને હીરુને મળવા આતુર રહેતો. બંનેનો પ્રેમ ગૃહસ્થીમાં પણ ખરે વખાણવા
જેવો હતો. એ પત્નીને પ્રેયસીની જેમ સાચવતો. હીરુને મન મનુ પણ એક પ્રિયકર જ હતો.
હીરુનું મન ખિન્ન થવાનું બીજું કારણ હતું - આજે મનુ ચાર મહિના બાદ શિપ ઉપર નોકરીએ જવાનો હતો. એનું વેકેશન પૂરું થયું હતું. હીરુ હવે માં બનશે એ વાત ચોક્કસ થઇ ગયી હતી. મનુ આઠ મહિના બાદ પાછો ફરશે, ત્યાં સુધીમાં તો હીરુની પ્રસુતિ થઇ
ગયી હશે એ ચોક્કસ હતું. આવાં સારા દિવસોમાં મનુએનાથી દૂર રહે તે એને ખટકતું. હીરુએ મનુને આ વખતે શિપ પર નોકરીએજવા
માટે ના કહી, પરંતુ કોન્ટ્રાકટ અનુસાર એ શક્ય નહોતું. હીરુ એમ ઈચ્છતી હતી કે મનુ એની સાથે જ રહે. ગર્ભમાં રહેલ બાળક જોડે
એ બંને વાતો કરે. ગર્ભને સંસ્કાર વિધિ કરાવે. આવનાર બાળક સુંદર સંસ્કારી જન્મે એમ એ ઈચ્છતી. માંબનવાનો આ એનો પ્રથમ
અવસર હતો જે એને ડરાવી રહ્યો હતો. પ્રસુતિ વેળા મનુ હાજર હોય એવી એની ઈચ્છા હતી .
મનુની ઈચ્છા નહોતી છતાં મનને મારી, મનુ શિપની નોકરીમાં હાજર થવા નીકળી ગયો. ફોનથી કોઈ વાર બંને વાતોકરતા ત્યારે હીરુ આંખના આંસુ રોકી નહિ શકતી.
આજે સવારથી હીરુની બેચેની વધી ગઈ હતી, તેથી એના પરિવારે એને શહેરના હોસ્પિટલમાં સમયસર એડમિટ કરી દીધી હતી. આખું
પરિવાર એની સાથે હતું. સમયસર હોસ્પિટલમાં દાખલ કર્યા તે માટે ડોક્ટરે કુટુંબને શાબાશી આપી. ડોક્ટર અનુસાર કદાચ ડિલિવરી માટેએને હજુ બે કે ત્રણ દિવસ વાર લાગશે એવું નિદાનકર્યું હતું. હીરુએ મનુને ફોન કરી જણાવવાં કહ્યું હતું. બાતમી મળતાં મનુએ એના શિપના કપ્તાનને વાત કરી અને કપ્તાને પણ તરત એને રજા આપી જેથી તે ગામ જઈ શકે. બાતમી મળી ત્યારે એમનું શિપ
ઓસ્ટ્રેલિયાના પોર્ટ ઉપર નાંગરેલું હતું. શિપના કપ્તાને એના હવાઈ સફરની બધીજ વ્યવસ્થા કરી આપી.
ડોક્ટરને થોડાક કોમ્પ્લિકેશનની જાણ થઇ, તેથી એ અંગેની સારવાર તેજ કરી દીધી હતી.
મનુનું પ્લેન મુંબઈ એરપોર્ટ ઉપર લેન્ડ થયું અને હીરુએ એક સુંદર દિકરીને જન્મ આપ્યો. પરંતુ હીરુના શારીરિક કોમ્પ્લિકેશનથી ડોક્ટર પરેશાન હતા. સતત ત્રણદિવસની ડોક્ટરોની મહેનત એળે ગઈ, દિકરીની ભેટ આપી હીરુએ વિદાય લીધી.
મનુ ટેક્સીથી સીધો હોસ્પિટલમાં પહોંચ્યો. રૂમની બહાર મોટા ભાભીના ખોળામાં બાળકી જોઈને ખુશ થયો. કુટુંબના બધા સભ્યો ત્યાં ભેગા થઇ ગયા. એમના ચહેરાઉપરની ગમગીની દુઃખદ ઘટનાને બયાન કરી રહી હતી અને મોટા ભાભીથી જોરમાં ડૂસકું લેવાઈ ગયું, બધાં રડી પડ્યા. મોટા ભાઈ એને હીરુના રૂમમાં દોરી ગયા. હીરુનો નિશ્ચેતન દેહ જોઈ મનુનાં આંખમાંથી ટપ ટપ આંસુઓ નીસરી પડ્યાં અને તે હીરુના પલંગ ઉપર ફસડાઈ પડ્યો.... અને તે જ ઘડીયે સાથે જીવવા-મરવાનો દીધેલ કોલ મનુએ પૂરો કર્યો.
આખું ગામ આજે હીરુ અને મનુના મૃત્યુથી શોકાતુર થઇ સ્મશાનમાં એકત્ર થયેલ હતું. આજે દાદાભાઉના કુવા ઉપર પાણી ભરવા કોઈ આવ્યું નહોતું. પાણી ન ઉલેચવાના કારણે કૂવાનું પાણી એની મેળે બહાર વહી રહ્યું હતું. જાણે કૂવો રડી રહ્યો હતો..!
***