Valentine day in Gujarati Love Stories by Dr Jay Raval books and stories PDF | વેલેન્ટાઈન ડે

Featured Books
Categories
Share

વેલેન્ટાઈન ડે

14 મી ફેબ્રુઆરી- વેલેન્ટાઈન ડે. એટલે કે પ્રેમ નો તહેવાર. આજે લગ્નનાં 10 વર્ષ પછી પણ ધરતી આ દિવસને લઈને દર વર્ષ ની જેમ ખુબ જ ઉત્સાહી હતી. વેલેન્ટાઈન ડે તેના જીવનનાં સૌથી યાદગાર દિવસોમાં સૌથી પ્રથમ નંબર પર આવતો હતો. રોજની જેમ આજે પણ તે સવારે વહેલા ઉઠી નહિ-ધોઈ ને ભગવાનની પૂજા કરે છે અને પછી આકાશ માટે ટિફિન તૈયાર કરવા માટે રસોઈ બનાવવા લાગે છે. આજે સવારથી જ તેના ચહેરા પર એક અલગ જ પ્રકારની ખુશી છલકાતી હોય છે. આકાશ, ધરતી નો પતિ જે પોતાની પત્નીને જીવથી પણ વધારે ચાહે છે.

સવારના સાત વાગ્યાના ઘડિયાળમાં ટકોરા પડે છે.

ધરતી(મનમાં): "આકાશને ઉઠાડવાનો ટાઈમ થઇ ગયો છે. એને આઠ વાગે નીકળવાનું છે નહિ તો લેટ થઇ જશે. આજે એક અગત્યનાં કોન્ટ્રાક્ટ માટે જવાનું છે."

તે આકાશને ઉઠાડવા તેના બેડરૂમમાં જાય છે. બાજુમાં 9 વર્ષનો દીકરો વિહંગ સૂતો હોય છે. ધરતી ધીમેથી રૂમમાં દાખલ થાય છે અને પ્રેમથી આકાશને ઉઠાડે છે.

ધરતી: "આકાશ, સાત વાગી ગયા છે, ચાલો ઉઠી જાઓ."

આકાશ: "બસ, પાંચ મિનિટ વધારે. કાલે રાતે એક વાગ્યે ઉંઘ્યો છું."

ધરતી: "તો રાતે મોડા સુધી ટીવી જોવા ના બેસી રહીએ. ચાલો, ઉઠો હવે નહિ તો મોડું થઇ જશે." અને એમ કહીને તે આકાશે ઓઢેલી રજાઈ ખેંચી લે છે. આકાશ અણગમા સાથે ઉઠી જાય છે અને આળસ મરડીને આંખો ચોળતા બાબડાટ શરુ કરે છે.

આકાશ: "પાંચ મિનિટ પણ વધારે ઊંઘવા દેતી ન...." વાક્ય પૂરું કરતા પહેલા એની નજર ધરતી પર પડે છે અને તે આશ્ચર્યચકિત થઈને ધરતીને નિહાળી રહે છે.

આકાશ: "શું વાત છે, આજે ચંદ્ર દિવસમાં કેવી રીતે ઉગ્યો અને એ પણ જમીન પર આવી ગયો. આજે કંઈ ખાસ છે કે શું?!"

ધરતી મનોમન મલકાય છે. તે જોવા માંગે છે કે આકાશને આજનો દિવસ યાદ છે કે નહિ એટલે તે કંઈ જ કહેતી નથી.

ધરતી: "હા, આજે મંગળવાર છે અને બપોરે મમ્મીને ત્યાં જવાનું છે."

આકાશ: "ઓહ શીટ! પ્લીઝ મને મારતી નહિ તો એક વાત કહું?"

ધરતી(આસ્ચર્યમાં): "આજે મારે બે મીટીંગ છે અને એ વાત હું કાલે રાતે તને કહેવાનું ભૂલી ગયો. સોરી, મારાથી મમ્મીને ત્યાં નહિ આવી શકાય." અને બે કાન પકડી લે છે.

ધરતી ગુસ્સો અને અણગમા સાથે કંઈપણ બોલ્યા વગર મોઢું માચકોડી ને પાછી રસોડા માં જતી રહે છે અને ચુપચાપ કામ કરવા લાગી જાય છે.

આકાશ(મનોમન): "યાર, સવાર સવારમાં આજે આનો મૂડ બગાડી નાખ્યો. સાલુ કાલે રાતે હું ભૂલી કેવી રીતે ગયો." એમ આત્મચિંતન કરતા કરતા તે તૈયાર થઇ જાય છે અને ઓફિસે જવાની તૈયારી કરે છે. તે રસોડા માં દાખલ થાય છે અને કહે છે

આકાશ: " વો હૈ ઝરા ખફા ખફા, તો નૈન યું ચૂરાયે હૈ કે હો,હો,હો."

ધરતી મનોમન ખુશ થઇ જાય છે પણ બતાવતી નથી. તે આકાશ ને દૂર હડસેલીને..

ધરતી: " પ્લીઝ, અત્યારે મને કામ કરવા દે. લોડ નહિ લે."

આકાશ: ( અચાનક તેનો હાથ પકડીને પોતાની તરફ ખેંચે છે અને કપલ ડાન્સ કરવા લાગે છે.) " હમે તુમસે પ્યાર કિતના યે હમ નહિ જાનતે મગર જી નહિ સકતે તુમ્હારે બિના."

(બંને જણા એકબીજાને વળગી પડે છે.)

આકાશ: "સોરી બાબા, માફ કરી દે. ભૂલ થઇ ગઈ."

વિહંગ: "આ સવાર સવારમાં શું નૌટંકી ચાલુ કરી છે. ઊંઘવા દો ને."

ધરતી અને આકાશ એકબીજા સામે જોઈ રહે છે અને હસવા માંડે છે.

આકાશ: "ચાલ, હું જાઉં છું. મારે મોડું થાય છે. સોરી, મમ્મીને ત્યાં નહિ આવી શકાય. બાય."

ધરતી તેને કારમાં બેસીને જતા જોઈ રહે છે. દરવાજા પાસે ઉભા ઉભા તે મનોમન બોલે છે.

ધરતી(મનમાં): "પાગલ, તારી આ જ હરકતો પર તો હું ફિદા છું. તારે માફી માંગવાની જ ના હોય. પણ આ શું સ્ત્રી જાતિના ભાગ રૂપે ભાવ ખાવો એ મારો જન્મસિદ્ધ અધિકાર છે." અને મનોમન હસતા હસતા અંદર જતી રહે છે. વિહંગ

તે વિહંગ ને તૈયાર કરે છે. જમવાનું પતાવીને બપોરે 12 વાગે તે પોતાની મમ્મીને ત્યાં જવા નીકળે છે. તે વિહંગને લઈને બસમાં બેસી જાય છે. દર વર્ષે 14 ફેબ્રુઆરી ના દિવસે તે તેના મમ્મીના ઘરે જાય છે. એટલામાં તેની બસ તેની કોલેજ કે જેમાં તે અભ્યાસ કરતી હતી ત્યાં આગળથી પસાર થાય છે અને તે ભૂતકાળમાં સરી પડે છે. તે આંખો મીંચી દે છે.

***

21 વર્ષની ધરતી. યુવાનીના પગથિયે ઉભી રહેલી એ એક અવસ્થા જેમાં વ્યક્તિ માં ગમા-અણગમા, આત્મસન્માન, ઈગો પરાકાષ્ઠા પર હોય છે. જો કોઈ વસ્તુ ના મળે અથવા કોઈ વ્યક્તિ કંઈક કહી જાય, સંભળાવી જાય તો તેની ખુબ ઊંડી અસર થતી હોય છે.

ધરતી એક તદ્દન સામાન્ય દેખાવ ધરાવતી, ઘઉંવર્ણની છોકરી હતી. જે ભણવામાં સૌથી અવ્વલ, ડાન્સ, નાટ્યસ્પર્ધા, વક્તૃત્વસ્પર્ધા વગેરેમાં પણ એકદમ પાવરધા. પરંતુ તે સુંદર ન હતી, તે વાત ને લીધે તે લઘુતાગ્રંથી અનુભવતી હતી. આ ઉંમર એવી છે કે છોકરીઓ સાજ શણગાર કરે, પોતાની જાત બીજા કરતા વધારે કેવી રીતે ચડિયાતી દેખાય તે માટે પ્રયત્નો કરે. પરંતુ ધરતી જયારે પણ અરીસા પાસે જતી ત્યારે તેની આંખોમાં આંસુ આવી જતા. તેને થતું ભગવાને મને બધું જ આપ્યું, બસ ખાલી રૂપ નહિ આપ્યું. સ્વભાવે પણ તે એકદમ સરળ, કોઈનું ખરાબ કરે નહિ અને થવા દે પણ નહિ. એકદમ સાફ અને પવિત્ર દિલની.

ધરતીને તેની મમ્મી સાથે ખુબ બનતું. કેટલીક વખત તે માં ને પૂછી બેસતી.

ધરતી: "માં, ભગવાને મને આટલી બધી આવડત, આટલું કૌશલ્ય બક્ષ્યું છે. પરંતુ મને રૂપની સુંદરતા, ચહેરાનું સૌંદર્ય કેમ નથી આપ્યું?!"

(આટલું બોલતા તે ગળગળી થઇ ગઈ.)

ધરતીની માં: "દીકરા, જીવનમાં દરેક માણસને બધું જ નથી મળતું. તારી પાસે રૂપની સુંદરતા નથી તો શું થયું, તારી પાસે બીજી ઘણી બધી આવડતો છે. તું ભણવામાં, બીજી ઇતર પ્રવૃતિઓમાં પાવરધા છે. બધાના નસીબમાં આવું નથી હોતું."

ધરતી: "હા, માં એ જ. બધાના નસીબ મારા જેવા ખરાબ નથી હોતા. (નિરાશ થઈને રડવા લાગે છે.) આના કરતા તો ભગવાને મને એક પણ ગુણ ન આપ્યા હોત તો સારું."

ધરતી ની માં: " તું ભાગ્યશાળી છે દીકરા કે તને આ બીજી અવડતોનું વરદાન મળ્યું છે. અને કોણે કીધું તું સુંદર નથી. મારી દીકરી ભલે ઘઉંવર્ણની છે, પરંતુ તું ઘાટીલી છે અને તારું વ્યક્તિત્વ તેમાં છલકાય છે. અને ચામડીનો રંગ એ તારી સુંદરતા નક્કી નથી કરતા દીકરા. તારી આંતરિક સુંદરતા તારું વ્યક્તિત્વ અને ચારિત્ર્ય નક્કી કરે છે. ધોળા તો ગધેડા પણ હોય છે." (આમ કહીને બંને માં-દીકરી એકબીજાને ભેટીને હસવા માંડે છે.)

***

અચાનક ડ્રાઇવર બસને બ્રેક મારે છે.

કંડકટર: "જેને ચા-પાણી કરવું હોય કરી લો, ગાડી ખાલી 10 મિનિટ માટે જ ઉભી રહેશે."

અને ધરતીની એ ભૂતકાળની યાત્રામાં વિરામ પડે છે અને તે આંખો ખોલીને જાગી જાય છે. ફરી વખત બસ શરુ થાય છે અને ધરતી ફરી આંખો મીંચીને તેની ભૂતકાળની વિરામ પામેલી યાત્રા ફરી શરુ કરે છે.

***

કોલેજમાં યુનિવર્સિટીમાં હંમેશા ધરતી પ્રથમ ક્રમાંક પર જ ઉત્તીર્ણ થતી. તેની કોલેજમાં તેનું એક પઢાકુ છોકરી તરીકેનું નામ હતું. તે પોતાની જાતને કોઈ સાથે સરખાવતી ન હતી, પરંતુ તેનાં ક્લાસમાં સરિતાને ધરતીની ખુબ જ ઈર્ષ્યા થતી. સરિતા તેના ક્લાસની સૌથી સુંદર છોકરી હતી. તે પણ ભણવામાં હોશિયાર હતી, પરંતુ હંમેશા બીજા નંબરે જ આવતી. આખો દિવસ બળેલી ને બળેલી જ રહેતી. તે બહારથી જેટલી સુંદર લાગતી હતી અંદરથી એટલી જ કદરૂપી હતી. તે ધરતી ને હેરાન કરવાનો , હડધૂત કરવાનો એક પણ મોકો છોડતી ન હતી. તેના જ લીધે ધરતી લઘુતાગ્રંથી અનુભવતી, બધું સાંભળી લેતી અને મૂંગા મોઢે સહન કરતી અને કોલેજના એક ખૂણામાં જઈને રડી લેતી. ધરતી ભોળી હતી, તેને સામો જવાબ આપતા નહોતું આવડતું, તેથી તે રિબાઈ રિબાઈ ને જીવતી હતી.

કોલેજનું સેકન્ડ યર આવે છે અને તેમના ક્લાસમાં આકાશનું એડમિશન થાય છે. આકાશ એકદમ હેન્ડસમ, ચર્મિંગ પર્સનાલિટી વાળો અને જ્યાં જાય ત્યાંનું વાતાવરણ આકાશમય બનાવી દેવાની ક્ષમતાવાળો હોય છે. તે પાક્કો નિરીક્ષક હોય છે. પોતાના ક્લાસની તમામ હિલચાલની તેને ખબર હોય છે. તેના પર કોલેજની તમામ છોકરીઓ મઆરતી હોય છે. ધરતી પણ તેમાંની જ એક હોય છે. પણ તે મનોમન વિચારી લે છે કે હું તેને લાયક નથી. ધોળા દિવસે આવા સપનાનાં મહેલો ના બંધાય. એટલા માટે તે પોતાની લાગણીઓને અંદર દબાવી રાખે છે. બીજી તરફ સરિતાને પણ આકાશ ગમતો હોય છે. 14 મી ફેબ્રુઆરી આવે છે. સરિતા આકાશ ને પ્રપોઝ કરવાની હોય છે, તેના માટેની પ્રક્રિયા પુરજોશમાં ચાલી રહી હોય છે. તે દિવસે સવારે સરિતા જેવી કોલેજમાં દાખલ થાય છે અને તેને ધરતીના સૌપ્રથમ દર્શન થાય છે.

સરિતા: " આજે સવાર સવારમાં ક્યાં કાળી બિલાડીના દર્શન થયા. અપશુકન થઇ ગયા યાર." આમ બોલીને મોઢું માચકોડીને આગળ વધી જાય છે.

ધરતી આ બધું સાંભળે છે અને એક ખૂણામાં જઈને રડવા લાગે છે. પછી જાતને સંભાળી કલાસરૂમ તરફ જવા આગળ વધે છે. બીજી તરફ સરિતા આખા ક્લાસ વચ્ચે આકાશની આગળ જઈને..

સરિતા (આકાશને): " આ કાર્ડ અને આ ગિફ્ટ તારા માટે લાવી છું જાતે બનાવીને. વિલ યુ બી માય વેલેન્ટાઈન?"

આકાશ: (તેનું કાર્ડ હાથમાં લે છે અને ફાડીને ટુકડા કરી નાખે છે અને કહે છે.) "ના."

બધા જ આંખો પહોળી કરીને તમાશો જોઈ રહે છે. આકાશ ક્લાસરૂમની બહાર જતો રહે છે.

સરિતા: (આકાશનો હાથ પકડીને) "તને એક છોકરી ની લાગણી નથી દેખાતી? છોકરી સામેથી તેના દિલની વાત તારી આગળ કરે છે. તું તેનું આવું અપમાન કરે છે."

આકાશ: (હાથ છોડાવીને) "તારા મોઢા પર અપમાન જેવા શબ્દો શોભતા નથી. પહેલા તું બીજા લોકોનું માં જાળવતા શીખ પછી તારા અપમાનની વાત કરજે. વેલેન્ટાઈન માય ફૂટ. તારી અંદર ઝાંકી ને જોઈ લે જે કેટલી સુંદર છે તું." અને તે કલાસરૂમ છોડીને જતો રહે છે. સરિતા રડવા માંડે છે. એટલામાં ધરતી ક્લાસમાં દાખલ થાય છે. સરિતા રડતા રડતા તેનો ગુસ્સો ધરતી પર ઉતારે છે.

સરિતા: "આ બધું તારા લીધે થયું છે, કાળી બિલાડી. સવારે રસ્તો કાપ્યો. મારો વાલેન્ટાઇન ડે બગાડ્યો. મનહુસ અત્યારે મારી નજરો આગળથી દૂર થઇ નઈ તો હું કંઈક કરી બેસીશ."

અને ધરતી રડતા રડતા ઘરે જતી રહે છે અને રૂમમાં પુરાઈને રડ્યા કરે છે. તેની માં તેના રૂમમાં જાય છે અને સમજાવે છે.

ધરતી: "માં, મારી સાથે જ કેમ આવું થાય છે? શું હું મનહુસ છું?" (અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગે છે.)

ધરતીની માં: " ના, દીકરા. કેમ આવા વિચારો કરે છે? કેમ આવું બોલે છે? શું થયું બેટા?"

ધરતી તેની માં ને તે દિવસ ની બધે બધી વાત કહી દે છે.

ધરતીની માં: "બેટા, દુનિયામાં બધા જ લોકો સુંદર નથી હોતા. પણ દરેક માણસ પોતપોતાની રીતે સુંદર હોય છે. Everyone is beautiful in their own way, it will take a right person to see the beauty in them. દરેક વ્યક્તિ સંપૂર્ણ નથી હોતી, પણ દરેકના માટે એ એક વ્યક્તિ બનેલું જ હોય છે જે તેની સાચી સુંદરતાને પરખે છે, તેનો સાથ આપે છે અને હંમેશા માટે તેનો હાથ પકડે છે."

ધરતી: "પણ માં, અત્યારે બાહ્ય સુંદરતા જ લોકો જોવે છે."

ધરતીની માં: "દીકરા, બાહ્ય સુંદરતા નો નશ્વર છે. આજે છે અને કાલે નથી. સમય જતા આ સુંદરતા તો ઢળી જશે. ત્યારે તે માણસ શું કરશે. આંતરિક સુંદરતા જ તમારી જાતને વ્યાખ્યાયિત કરે છે. અને એવું નથી કે બધા જ બાહરી સુંદરતા જ જોવે છે. તારો પણ સમય આવશે અને તને પણ ત્યારે જ સમજાશે જયારે તને કોઈક મળશે. તેથી હવે તું નક્કી કર આજે વેલેન્ટાઈન ડે પર કે આજ પછી આ વિષય પર ક્યારેય તું દુઃખી થઈશ નહિ કે રડીશ નહિ."

ધરતી: "હા માં, હું તને વચન આપું છું આજે કે હવેથી ક્યારેય આવું નહિ થાય.

તે દિવસથી ધરતીમાં જાણે નવી હિમ્મત આવી ગઈ હતી. તે એકદમ મજબૂત થઇ જાય છે. જે વાતનો તેને ડર હોય છે એ વાત હવે દૂર થઇ ગઈ હોય છે. તેનામાં નવો આત્મવિશ્વાસ છલકાતો હોય છે. અને આ વસ્તુ તેની પર્સનાલિટી માં ચાર ચાંદ લગાવી દેતું હોય છે.

એક વર્ષ વીતી જાય છે અને ફરી વેલેન્ટાઈન ડે આવે છે. ફરીથી પ્રેમીઓ માહોલ બનાવે છે. ધરતી માટે તો આ દિવસ પણ રોજ ની જેમ રૂટીન જેવો જ હોય છે. તે કોલેજમાં દાખલ થાય છે. બધા કપલ ને જોવે છે અને એ બધાને ખુશ જોઈને તે મનોમન ખુશ થઇ જાય છે અને આગળ વધે છે. તે કલાસરૂમ તરફ આગળ વધે છે. ક્લાસરૂમનો દરવાજો બંધ હોય છે. તે જેવી દરવાજો ખોલીને અંદર દાખલ થાય છે, ઉપરથી તેના ઉપર ગુલાબની પાંખડીઓની વર્ષા થાય છે. પાછળથી આકાશ આગળ આવે છે અને ધરતીનો હાથ પકડી લે છે અને કહે છે,

આકાશ: "આ કોલેજમાં મારે આવ્યે બે વર્ષ થયા. કોલેજની તમામ હિલચાલ પર મારી નજર હોય છે. પણ જે વસ્તુએ મને રસ દાખવવા પ્રેરણા આપી એ તું છે. બે વર્ષથી તારી તમામ હિલચાલ પર મારી નજર છે.તું તારી જાત ને જેટલું નથી ઓળખતી એનાથી વધારે હું ઓળખું છું અને આજે આખા ક્લાસ વચ્ચે કહેવા માગું છું કે આ ક્લાસમાં તારા જેવી સાફ હૃદયની છોકરી મળે તો આ મારુ માથું અને તારું સેન્ડલ. ધરતી, તારી આ સાદાઈએ જ મને પ્રેમ કરતા શીખવ્યું છે. તારી સુંદરતા એ તારું હૃદય છે. આવા લોકો દુનિયામાં ખુબ ઓછા હોય છે."

ધરતી આ બધું સાંભળીને અવાક થઇ જાય છે.

"તારી આ સાદગી પર જ હું ફિદા થઇ ગયો છું." તે તેના ઘૂંટણ પર બેસી જાય છે અને ધરતીનો હાથ પકડીને ધરતીને કહે છે, "વીલ યુ બી માય વેલેન્ટાઈન?"

ધરતી કશું જ બોલતી નથી. આખા ક્લાસમાં સન્નાટો છવાઈ જાય છે.

ધરતી: (આકાશ નો હાથ પકડીને તેને ઉભો કરે છે) "હું તારા લાયક નથી આકાશ. હું ક્યાં ને તું ક્યાં. આવું રૂપનું કજોડુ ન કરાય અને એમ પણ ધરતી અને આકાશ કેયારે પણ ભેગા થતા નથી."

આકાશ: "આઆ વાક્ય કદાચ મારે કહેવું જોઈએ કે હું તઅરા લાયક નથી. આને હા ક્ષિતિજ એક એવી જગ્યા છે જ્યાં ધરતી અને આકાશ એક થતા દેખાય છે. હું તને સાચા દિલથી ચાહું છું. બીજા કોઈને ક્યારેય હું આટલું નહી ચાહી શકું."

ધરતીની આંખ માં આંસુ આવી જાય છે. તેને તેની માં ની એક વર્ષ પહેલાંની વાતો યાદ આવી ગઈ.

આકાશ ફરી ધરતીને પૂછે છે, " વીલ યુ બી માય વેલેન્ટાઈન?" આને ધરતી માથું હલાવીને હા પાડે છે અને કહે છે, "આઈ લવ યુ, આકાશ. કોલેજમાં તું જે દિવસથી આયો તે દિવસથી તઅને ચાહવા લાગી છું પણ કહેતા તને ડરતી હતી. પણ આજે કહી દીધું." અને આમ એક સંબંધની શરૂઆત થાય છે અને બરાબર એક વર્ષ પછી 14 ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઈન ડે ના દિવસે બંને જણા લગ્ન કરી લે છે.

***

ધરતી તેની આંખોના ખૂણા લૂછે છે અને વર્તમાનમાં પાછી ફરે છે. આજે તેના લગ્ન ને દસ વર્ષ વીતી ગયા છે અને એક સમયે જેને પોતાના નસીબ પર ગુસ્સો આવતો હતો તે ધરતીને આજે પોતાના નસીબ પર માન થતું હતું.

બસ ઉભી રહે છે. માં-દીકરો ઉતરે છે. અને તે તેની માં ના ઘર તરફ પ્રયાણ કરે છે. સાંજના સાત વાગી ગયા હોય છે. તેની માં નું ઘર અંધકારમય હોય છે. ઘર માં કોઈ જ હલચલ નથી હોતી.

ધરતી(મનમાં): "આજે મમ્મીના ઘરની લાઈટો કેમ બન્ધ છે?! ના ઘર માં કોઈપણ પ્રકારની હલચલ છે."

તએ ઘરમાં દાખલ થવા ઘરનો દરવાજો ખોલે છે અને અચાનક ઉપરથી તેના માથા પર ગુલાબની પાંખડીઓનો વરસાદ થાય છે અને તરત લાઈટ ચાલુ થાય છે. તેના આસ્ચર્યનો વચ્ચે તેની સામે આકાશ બે હાથ ફેલાવીને પોતાના ઘૂંટણ પર બેઠેલો હોય છે અને કહે છે, " વીલ યુ બી માય વેલેન્ટાઈન?" અને ફરી એક વખત ધરતી એ વર્ષો જૂની ક્ષણને ફરીથી જીવે છે. આકાશ તેને ગળે લગાડી દે છે અને તેના કાન આગળ જઈને કહે છે, "જોયુંને મેં કહ્યું હતું ને ક્ષિતિજ નો નજારો એકદમ સુંદર હોય છે."

***