(આપણે આગળના ભાગમાં વાંચ્યું કે, લેખક અને તેમના પિતાને, બીજા કેદીઓ સાથે કડકડતી ઠંડીમાં, અન્ય સ્થળે લઇ જવામાં આવે છે. રસ્તામાં ઠંડી અને સૈનિકોના દમનને કારણે ઘણા કેદીઓ મૃત્યુ પામે છે. હવે, આગળ વાંચો...)
હું અને મારા પિતા ઈંટોની ફેકટરીના પડી ગયેલા છાપરામાં હજારો કેદીઓ સાથે સુતા હતા. જેમાંના ઘણા મૃત્યુ પામ્યા હતા. મૃત્યુ પામેલા અને થાકેલા શરીરો એકસાથે એક જ છાપરા નીચે પડ્યા હતા. તેમના પર તૂટેલી છતમાંથી બરફ વરસી રહ્યો હતો. દરવાજે એક પોલેન્ડનો પાદરી ઉભો હતો. તેની મૂછો પર બરફ જામેલો હતો. તે મહાપ્રયત્ને ઉભો હતો.
કેમ્પમાં બધા આ પાદરીને માન આપતા. આ એક જ એવો પાદરી હતો જેનું કેદીઓ અને અધિકારીઓ એકસરખું સન્માન કરતા. તે હંમેશા લોકોથી ઘેરાયેલો રહેતો. તેના બોલાયેલા શબ્દો હંમેશા લોકોને શાંતિ આપતા.
આ પાદરી હજારો કેદીઓ વચ્ચે પોતાના પુત્રને શોધી રહ્યો હતો. તેનો પુત્ર અમારી "મોતની દોડ" દરમ્યાન તેનાથી છૂટો પડી ગયો હતો. પાદરીએ તેને બહાર બરફમાં પડેલી લાશો વચ્ચે શોધ્યો પણ ત્યાં તે નહોતો. તે અંતે અંદર અમારી વચ્ચે તેના પુત્રને શોધવા આવ્યો હતો.
"કોઈએ મારા પુત્રને જોયો છે?" તે ધ્રુજતા અવાજે બોલ્યો.
સુતેલી લાશો અને અર્ધજાગૃત મનુષ્યોના અંબાર વચ્ચેથી કોઈનો જવાબ ન આવ્યો.
પાદરી અને તેનો પુત્ર છેલ્લા ત્રણ વર્ષથી કેમ્પમાં સાથે હતા. તેમણે એકસાથે દુઃખો અને માર સહન કરેલા. ત્રણ વર્ષ સુધી બન્ને એકબીજાનો આધાર બનીને રહ્યા હતા. ભઠ્ઠી માટે પસંદગીની અનેક પ્રક્રિયાઓ માંથી બચી ગયા હતા. બન્નેએ એક સાથે અનેક યાતનાઓ સહન કરી હતી. આજે ત્રણ વર્ષ પછી બન્ને અલગ થઇ ગયા હતા.
પાદરી મારી પાસે આવ્યો અને બોલ્યા,"છોકરા, તે મારા દીકરાને જોયો? હું મારી ઉંમરના કારણે, બધા દોડતા હતા ત્યારે પાછળ રહી ગયેલો. કદાચ મારા દીકરાએ મને નહીં જોયો હોય. હવે, તે મને નથી મળી રહ્યો. તે ક્યાંય જોયો તેને?"
"ના, મેં તેને નથી જોયો."
મને અચાનક એક વિચાર આવ્યો. મેં તેના પુત્રને મારાથી આગળ દોડતા જોયો હતો. તેના પિતા ધીરે ધીરે દોડવામાં પાછળ રહી ગયા હતા. પુત્રએ પણ, મારી જેમ જ, તેના પિતાને પાછળ પડી જતા જોયા હતા પણ તે તેમની સાથે દોડવાને બદલે પોતાની દોડવાની ઝડપ વધારવા લાગ્યો. તે પોતાની અને પોતાના પિતા વચ્ચે અંતર વધારતો ગયો હતો. કદાચ તે પોતાના વૃદ્ધ પિતાની જવાબદારી ઉઠાવીને થાક્યો હતો. કદાચ તેને લાગ્યું હશે કે તેની જીવિત રહેવાની શક્યતા તેના પિતાની જવાબદારીના કારણે ઘટી રહી હતી. તે પોતાના વૃદ્ધને છોડી દેવા માંગતો હશે.
હું મનોમન પ્રાર્થના કરી રહ્યો કે મને ક્યારેય મારા પિતા સાથે આવું કરવાનો વિચાર ન આવે.
રાત પડતા બહારથી અવાજો આવવાનું શરૂ થયા. એસ.એસ.ના સૈનિકો અમને ફરીથી લાઈન બનાવવા હુકમો આપી રહ્યા હતા.
અમારી કૂચ ફરીથી શરૂ થઇ. મૃત્યુ પામેલાઓના શરીર ત્યાં જ પડ્યા રહ્યા. કોઈએ તેમના પાછળ છેલ્લી પ્રાર્થના પણ ન કરી. દીકરાઓ એક પણ આંસુ સાર્યા વગર પોતાના પિતાઓના મૃતદેહોને રઝળતા મૂકીને ચાલતા થયા.
રસ્તામાં અમારા પર બરફવર્ષાનો કોપ ચાલુ રહ્યો. બરફવર્ષા સતત ચાલુ જ હતી. અમે હવે દોડી નોહતા રહ્યા. અમારા ગાર્ડ પણ થાકી ચુક્યા હતા. અમારી આગળ વધવાની ગતિ એકદમ ધીમી થઇ ગઈ હતી. મારા પગની પીડા શમી ગઈ હતી. તે જામી ગયો હતો. મને એવું લાગી રહ્યું હતું જાણે કોઈ વાહનમાંથી પૈડું છૂટું પડી જાય તેમ મારો પગ મારા શરીરથી છૂટો પડી ગયો હતો. મને વિશ્વાસ આવી ગયો હતો કે હું મારો પગ ગુમાવી ચુક્યો હતો. એક પગ વગર જીવવાનો વિચાર જ મને ધ્રુજાવી દેતો હતો. ત્યારે મને માત્ર ને માત્ર ગમે તે સંજોગોમાં જીવતા રહેવાના જ વિચાર આવી રહ્યા હતા. મારો પગ મારી ચિંતાઓની યાદીમાં કદાચ સૌથી છેલ્લે હતો.
અમારી કતાર ધીરે ધીરે પોતાનું સ્વરૂપ ગુમાવી ચુકી હતી. લોકો પોતાની મરજી મુજબ લાઈન તોડીને ચાલી રહ્યા હતા પણ હવે કોઈ પર ગોળીબાર કરવામાં નહોતો આવતો. ગાર્ડ કોઈને ફટકા પણ નોહતા મારી રહ્યા. ગાર્ડસ પણ કાતિલ ઠંડીના કારણે થાક્યા હતા.
જો કે મૃત્યુને હવે ગાર્ડસની મદદની જરૂર નહોતી. કાતિલ ઠંડીના કારણે દરેક ડગલે લાઇનમાંથી કોઈ જમીન પર પડતું અને આ યાતનામાંથી મુક્તિ મેળવતું. મૃત્યુ તેને મુક્તિ આપતું.
થોડી થોડી વારે ગાર્ડસ પોતાના મોટરસાયકલ આગળ કરીને, અમને ચાલવા માટે પ્રોત્સાહન આપતા.
"આપણે ગ્લેવિચના કેમ્પમાં પહોંચવાની તૈયારીમાં જ છીએ. થોડી હિંમત રાખો." તેઓ અમને કહેતા.
સવારે અમારા પર ગોળીઓ વરસાવનારાઓ ત્યારે અમને પ્રોત્સાહિત કરી રહ્યા હતા.
તેમના શબ્દોએ સાચે જ અમને પ્રોત્સાહન આપ્યું હતું. અમે તે સમયે હારવા નહોતા માંગતા. અમે ઘણું લાબું અંતર કાપ્યું હતું. અમારે જલ્દી ગ્લેવિચના કેમ્પમાં પહોંચવું હતું. અમારી આંખો ક્ષિતિજમાં ગ્લેવિચના કેમ્પની કાંટાળી વાડને શોધી રહી હતી.
રાત પડી ગઈ હતી. બરફવર્ષાએ વિરામ લીધો હતો. અમે કેમ્પના મુખ્ય દ્વારે પહોંચ્યા ત્યારે જ અમને કેમ્પ દેખાયો.
અમને તરત જ બ્લોક ફાળવી દેવામાં આવ્યા. થાકેલા શરીરોએ તરત જ બેરેકો તરફ જવા માટે ધસારો કર્યો. નાની એવી જગ્યામાં ઘુસવા અને પથારી મેળવવા ધક્કા મુક્કી થઇ. કેદીઓ એકબીજા પર પડ્યા. હું અને મારા પિતા બન્ને થાકેલા શરીરો વચ્ચે દબાયા. અમારા પર શરીરોના ઢગ ખડકાયા. મારી નીચેથી અવાજ આવ્યો," મહેરબાની કરીને દયા કરો. મને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે."
મને એ અવાજ જાણીતો લાગ્યો. મેં એ અવાજ પેહલા ક્યાંક સાંભળેલો હતો. અમારી પર હજુ લોકો પડી રહ્યા હતા. મારો શ્વાસ રૂંધાઇ રહ્યો હતો. લોકો એકબીજાના શરીરો પર પગ મૂકીને આગળ વધવાનો પ્રયત્ન કરી રહ્યા હતા.
મારી નીચેથી ફરી અવાજ આવ્યો,"મહેરબાની કરીને દયા કરો."
મેં આ અવાજ સાંભળ્યો હતો. કદાચ કેમ્પમાં જ સાંભળ્યો હતો. હું તેને દબાવી રહ્યો છું એમ લાગતા મેં તેના પરથી ઉભા થવાનો પ્રયત્ન કર્યો પણ મારી ઉપરના બીજા શરીરોના વજનને કારણે હું ઉભો ન થઇ શક્યો. મારો શ્વાસ રૂંધાવા લાગ્યો. મારી નીચે દબાયેલા વ્યક્તિની પણ એવી જ હાલત હતી.
મને અચાનક ઝુલેક યાદ આવ્યો. તે અમારી સાથે ફેકટરીમાં કામ કરવા આવતો.
"ઝુલેક, તું જ છે ને??"
"એલિઝાર, પચીસ કોરડાની સજા...મને યાદ છે તું." એ ધીરા અવાજે બોલ્યો.
પછી એ શાંત થઇ ગયો. થોડી ક્ષણો વીતી.
"ઝુલેક, તું સાંભળે છે ને?"
"હાં…" એ દર્દભર્યા અવાજે બોલ્યો.
મને તે હજું જીવતો છે એ જાણીને હાશકારો થયો.
"તું બરોબર તો છે ને, ઝુલેક?" મેં પૂછ્યું.
"હું બરોબર છું. શ્વાસ લેવા માટે હવા નથી. મારા પગ સુજી ગયા છે. મને બહુ પીડા થઇ રહી છે. મારે આરામ કરવો છે. મારુ વાયોલિન..." એ મહાપ્રયત્ને બોલ્યો.
મને એવું લાગ્યું કે જાણે તે પોતાનું માનસિક સંતુલન ગુમાવી ચુક્યો હોય. વાયોલિન? આ સમયે?
"હું મારુ વાયોલિન મારી સાથે લાવ્યો છું. આ બધાના વજનને કારણે કદાચ એ તૂટી જશે."
હું જવાબ આપી શકું તેમ નહોતો. મારી ઉપર અર્ધમરેલા કેદીઓના શરીરનું વજન વધતું જતું હતું. મારો શ્વાસ રૂંધાઇ રહ્યો હતો. મારી આંખો સામે અંધારું છવાઈ રહ્યું હતું. મને મારો અંત નજીક લાગ્યો. આટલું સહન કર્યા પછી મારો અંત આ રીતે આવવાનો હશે. હું મારા મૃત્યુને સ્વીકારવા તૈયાર થઇ ગયો પણ મારી અંદર રહેલી જીજીવિષા હજુ સાબૂત હતી. મેં મારી આસપાસ અને ઉપર રહેલા શરીરોમાં મારા નખ અને દાંત ખૂંપાવવાનું શરૂ કર્યું. લોકો ચીસો પાડવાને બદલે માત્ર ઉંહકારા કરી રહ્યા હતા. હું મહાપ્રયત્ને એ મરી ગયેલા અને મરી રહેલા શરીરોના અંબાર વચ્ચેથી નીકળ્યો.
મને મારા પિતા યાદ આવ્યા. આ શરીરો વચ્ચે તેમની શું હાલત થઇ હશે? હું તેમને શોધવા લાગ્યો. મારી આસપાસના શરીરો વચ્ચે, મેં તેમને શોધવા સાદ પાડ્યો. મને બીક હતી કદાચ મને જવાબ નહીં મળે.
(ક્રમશ:)