O Basanti pawann pagal in Gujarati Comedy stories by Ramesh Champaneri books and stories PDF | ઓ બસંતી પવન પાગલ

Featured Books
Categories
Share

ઓ બસંતી પવન પાગલ

ઓ બસંતી પવન પાગલ....!!

કેળાં, ચીકુ, કેરી, ને તેજાનો વગેરે દુધમાં ભળી જાય, પછી એ બધાં પોતાની ઓળખ ગુમાવી નાંખે. પોતાની જાતને ફ્રુટ સેલાડમા ખપાવે. દુનિયાનો આ ‘ હોમ મેઇડ ચોકલેટ ‘ જેવો ક્રેઝ છે. એમ ઋતુઓ, લાગણીઓ, સંવેદનાઓ વગેરે સમયચક્રો સાથે મેળાપીપણું કરીને એક રસ થઇ જાય, ત્યારે એ મૌસમ વસંતઋતુ બંને. ખુદ લીમડાઓ કે બાવળિયાઓ પણ કેસૂડો બનવા થનગનવા માંડે. બાકી ગોખલામાં કેસૂડો નાંખવાથી કે, પાંજરામાં કોયલને પુરીને ટટળાવવાથી વસંત નહિ આવે, વાવાઝોડાં જ આવે. વાત અભરાઈએ ચઢાવવા જેવી નથી, પણ. જે લોકો હાથના કાંડામા ગીટારનું ટેટુ ચિતરાવીને સંગીતની સુરાવલી ઝંખે છે, એ લોકોને ટેટુ ખંજવાળવાથી ‘ ઓ બસંતી પવન પાગલ ‘ ની ધૂન સંભળાવાની નથી. નક્શામા દેશને માત્ર શોધી શકાય, ત્યાની કાફે ટેરીયનમાં બેસીને એસ્પ્રેસો કોફીના ટેસડા નહિ મરાય...!

મગજમાં ભરપુર પાનખર ભરેલી હોય, ગળામાં કાગડાઓ બાંધીને કૂઉઉઉ કૂઉઉંઉની અપેક્ષા રાખનારની તો દયા જ ખાવાની. વસંતને પામવી હોય તો, પાનખરને તગેડવી પડે. મગજના દરવાજા ખુલ્લા રાખવા પડે. તો વસંત આવે, ને મઘમઘાટ પણ આવે. પેલાં ખરેલા પાંદડાઓ ડાળીએ આવીને પાછાં જોડાઈ જાય. ને માથે બગીચો લઈને ફરતા હોય, એવો આનંદ આનંદ થઇ જાય. બાકી જેને કાળી મુસળી ને ધોળી મુસળીના ભેદની જ ખબર ના હોય, એની તો દયા જ ખાવાની મામૂ....! એને નાગ પંચમી પણ શું ને વસંત પંચમી પણ શું ? બધું જ સરખું. એવાં રજનીગંધા રાતે જ ખીલે. બાકી દિવસના તો ઘુવડની જેમ ઝાડવે જ ચોંટેલા રહે. ભૂલમાં પણ આવાં ને ઘર વસંત ડોરબેલ વગાડવા ગઈ, તો એને છુટ્ટા ઓશિકા મારે....! યાર....વસંત બેઠીની જેને કોઈ ગલીપચી જ થતી ના હોય, એની આગળ વસંત રાગમા સિતાર વગાડીએ તો પણ એને પ્રદુષણ લાગે. એવાની આગળ મરશિયા જ ગવાય દાદુ...! જેનું મોઢું જોઈને ઝાડવાંઓ પાન ખેરવી નાંખતા હોય, કોયલો રસ્તો કાપીને વટી જતી હોય, ચકલાઓને બદલે બારણે કાગડાઓ સંસદ ચલાવતાં હોય, ને મંદ મંદ પવનને બદલે, અગન લાગે એવી લ્હાય પજવતી હોય, ત્યાં કોયલ કૂઉઉઉ...કૂઉઉઉ નહિ કરે, ભીંડી બજારની માફક કાગડા જ કોલાહલ કરતાં હોય. પછી ઘરની વરણી ઉપર બેસીને જો “ ઓ બસંતી પવન પાગલ, ના જા રે ના જા, રોકો કોઈ..... ! “ ગાવા જઈએ, તો ભુંડ ભરાય ગયાં હોય, એવાં ભૂંડા લાગીએ....! સંત અને વસંતને પામવું હોય દોલમા વસંત જોઈએ. ડોલમાં કેસુડાં નાંખવાથી વસંત નહિ આવે. એમ આઈ કરેક્ટ ચમનિયા....?

વસંત પંચમી એટલે મા સરસ્વતીનો આરાધનાનો દિવસ. નિસર્ગનું યૌવન. વેદકાલીન પર્વ. પ્રકૃતિના વૈભવનું દર્શન અને પ્રદર્શન. માણસને જ્યારે પ્રકૃતિનો ઉત્સવ મનાવવાની તલપ લાગે, ત્યારે કેસૂડો પ્રગટે. પંચાગમાં પણ વસંત આવે ને, પ્રકૃતિની ઓથમાં પણ વસંત કેકારવ કરે. થયું એવું કે, જ્યાં જ્યાં માણસ બગડ્યો, ત્યાં ત્યાં પ્રકૃતિએ પણ ઋતુ સાથે છેડા ફાડવા માંડ્યા. કોથળામાંથી બિલાડાં નીકળે એમ, કઈ ઋતુમાંથી કઈ ઋતુ નીકળે એનો આજે કોઈ ભરોસો જ નથી. પંચાંગમાં હોય વસંત, ને ખુદ વસંતભાઈના છાપરે જ વરસાદ પડવા માંડે. ઝાડવાઓ ‘ વેન્ટીલેટર ‘ ઉપર લાગે. બહારગામ જઈએ તો, છત્રી-સ્વેટર-રેઇનકોટ-મફલર સહિતનો એક અલગ બિસ્તરો સાથે જ લઈને નીકળવું પડે. હવા ખાવા હિલ સ્ટેશનો ઉપર જઈએ તો, માવા મળે, પણ હવા નહિ. જાણે ડુંગરાઓ પણ માણસની માફક કાળાબજાર કરતાં શીખી ગયાં હોય એવું લાગે. કોને ખબર સમય જતાં, પાણીની માફક હવા ના પાઉચ પણ ખરીદવા પડે...! આવું બંને તો નવાઈ નહિ પામવાનું દાદુ....!

એક્ચ્યુલી....વસંતને માણવી હોય તો, કોયલનું હૃદય, ને ભમરાનું ગુંજન પણ બારમાસી અનાજની માફક ભેજામાં ભરવું પડે. ઋતુના ખભા ઉપર હાથ મુકીને એની સાથે ચાલવું પડે. કારણ મોબાઈલની એપ્સ ક્યારેય વસંત આપવાની નથી. કદાચ વસંતભાઈ નામ રાખવાથી, રેશનકાર્ડમાં વસંત આવે, બાકી ઘરમાં તો નહિ જ આવે. સિવાયકે એના ભાગ્યમાં કેસુડાં ખીલતા હોય....! બાકી ભાગ્ય વગરના વસંતડા તો, ઓટલે બેસીને વાવાઝોંડા જ ફૂંકતા હોય. નામ પાડનારી ફોઈને તે વખતે દેવ થોડાં આવે કે, , આ કાનખજુરો મોટો થઈને વાવઝોડાનું જ એપી સેન્ટર બનવાનો છે...? ત્યારે તો બરમુડો ઝભલા ટોપીમાં હોય, ને આ બધી કમાલ ખિસ્સાં આવ્યા પછી થાય. જેવાં ખિસ્સાંવાળા કપડાં પહેરવાના શરૂ થયાં, એટલે ધાંધીયા ચાલુ...! વસંતને બદલે એવી ફસલનો નીકળે કે, ફોઈનું નામ પણ બોળે....! વાસ્તવિકતા એ છે કે, થેપલા ઉપર બટર કે ચીઝ લગાવવાથી એ થેપલા પીઝા નથી કહેવાતા. એ થેપલું જ કહેવાય...!

શુભ પ્રસંગ માટે, માટે આપણે ત્યાં વસંત પંચમી એટલે બ્રાન્ડેડ મૂહર્ત કહેવાય. લોકો ઓન આપીને પણ આ મુહરત કઢાવે. પણ કરમનો પડિયો એવો કાણો નીકળે કે, લગનના માંડવે જ વાવાઝોડું ફેણ કાઢવા નીકળે. વાઈફ કદાચ બગડે તો પરણ્યા પછી બગડે, એ પહેલાં ઋતુ બગડે. મહિનાઓ પહેલાં મૂહર્ત બુકિંગ કરાવેલું હોય, એટલે લગન ફોક પણ નહિ થાય. માંડવે બેસીને ગાવું પડે કે, ‘ દિલકે અરમા આંસુઓ મે બહ ગયે.....! ‘ ને પૈણવા તો જવું જ પડે. વરસાદના ઝાપટાં પડવાથી એક બાજુ બધે કાદવ કાદવ થઇ ગયો હોય. જાન કાઢતાં પહેલાં એવાં ગાંડા ગાંડા થઇ જઈએ, કોઈ વાત નહિ સુઝે. એવો પણ વિચાર આવે કે, આપણે તો કન્યા લેવા જઈએ છીએ કે, કાદવ કાઢવા....? સાલા વાદળાં પારખવા જઈએ, વરસાદ જોવા જઈએ કે, હરખથી નવવધુને લાવવા જઈએ ? ધારો કે હિંમત રાખીને પૈણવાનું કદાચ પાર પણ ઉતારીએ પણ હનીમુન તો ધોવાઈ જ જાય ને ? હનીમૂનનું ભલે મુહરત નહિ હોય, પણ હનીમુન કંઈ વરસ દહાડા પાછળ થોડું ઠલવાય ? ‘ હિમતે મર્દા તો મદદે ખુદા ‘ કરીને એકવાર તો નીકળી જ જવું પડે. પછી ભલે ને ત્યાં જઈને જનકલ્યાણ, અખંડ આનદ, કે જલારામ જ્યોતના ચોપડાં જ વાંચવા પડે....! વાત સાચી છે કે, ભર વસંતે છત્રી રેઇનકોટના હથિયાર સાથે હનીમુન કરવા જવાનું સારૂ તો નહિ લાગે, પણ બીજું કરી પણ શું લઈએ...? માળા જપવા જાય તો ચિત હનીમુનમાંથી હટીને માળામાં થોડુંચોંટે ? નહિ સાલું સાધુ થવાય, નહિ સંસારી રહેવાય, ને નહિ સંત થવાય...! મૌસમ બગડે ત્યારે ઘરમાં બેસીને કુકરની સીટીઓ જ ગણવાની આવે....!

અલબત.....! જે કવિઓએ વસંતને વાઘા પહેરાવીને આ ઋતુને ખુબ ચગાવી છે, એના આત્માને કેટલું દુઃખ થતું હશે...? સલામ કરવી પડે, આ શબ્દોના યોદ્ધાઓને....! કેમ કે, આવાં કવિઓ લેખકો ને ફિલ્મી ગીતોએ એમના શબ્દોમાં ને એમની ધૂનમાં વસંતને જીવતી રાખી છે, નહિ તો નિશાળવાળાએ પરીક્ષામાં પૂછાતા વસંત ઋતુના નિબંધ પણ અભરાઈએ ચઢાવી દીધાં હોત. શું કહો છો મામૂ....? આપણી પાસે એવાં કવિઓ ને એવાં ગીતોનો બફર સ્ટોક છે કે, સાવ સુકા ઝાડની ડાળીએ બેસીને જો કોઈ કવિ કવિતા લખે, કે કોઈ કવિ ‘ ઓ બસંતી પવન પાગલ ‘ નું મધુર સ્વરે ગીત ગાય, તો એ સુકી ડાળીમાંથી પણ લીલી કુંપણ ફૂટવા માંડે. એનું નામ ભારત છે.

ટચકડું :-

હનીમુન ઉપર ગયેલાં કપલને એની વાઈફે પૂછ્યું, ‘ મારાં સોગંદ ખાયને કહો જોઈએ, લગન પહેલાં તમને કોઈ છોકરી સાથે અફેર હતું કે ?

સવાલ સાંભળીને પેલા કાનખાજુરાની હવા નીકળી ગઈ....!

થોડી મીનીટ સુધી તો એ જવાબ ના આપી શક્યો.

પેલી કહે, ‘કેમ બોલતાં બંધ થઇ ગયાં ?

પેલો કહે, ‘ શાંતિથી ગણવા તો દે....! ‘

એના કપાળમાં કાંદા ફોડું....!!

***