ચાલ મન જીતવા જઈએ
ફિલ્મ રિવ્યુ
મનન બુધ્ધદેવ
ક્રિકેટની મેચમાં જીતવા માટે ઇન્ડિયા હોટ ફેવરિટ હોય અને તમે બહુબધી આશા સાથે મેચ નિહાળો.... ને નર્વસ નાઇન્ટીસમાં ટીમ ફસકી પડે, મેચ ફિક્સ થયો હોય જાણે ; આવું જ કૈંક થયું ગુજરાતી ફિલ્મ 'ચાલ મન જીતવા જઈએ જોઈને'.... કદાચ મારી અપેક્ષાઓ વધારે હશે, એમ માની લઈ તોયે મને ગુસ્સો આવે છે, આ ફિલ્મ વિશે (કદાચ પેઈડ!) રિવ્યુ લખનાર કહેવાતાં ફેમસ ફિલ્મ ક્રિટિક્સ પર.
(એક વાત તમે નોટિસ કરી હશે, જેણે આ મૂવી વિશે લખ્યું એણે ક્યાંક નબળાઈઓ તો લખી જ છે કે લખાઈ ગઇ હશે!)
ફિલ્મના પોસ્ટરમાં ટેગલાઈન આવે છે, 'One Problem, One Family, One Decision' જે ઘટનાને લીધે પ્રોબ્લેમ થયો એ તો આપણને બબ્બે કલાક સુધી ફિલ્મ જોવા છતાં ખબર જ ન પડે. હવે, એમ કહો કે જેના લીધે પ્રોબ્લેમ થયો એના કરતાં કેવી રીતે પ્રોબ્લેમ હેન્ડલ કર્યો એના પર ફિલ્મ બનાવી છે, તો ભાઈ મારે એટલું જ કહેવાનું કે, "પ્રેક્ષકોનું મન તર્કશક્તિથી ભરેલું હોય છે.''
ટાઈટલમાં ગુજરાતીમાં આવતાં ક્રેડિટ્સ મનને ગમી ગયા. પણ ગુજરાતી મૂવી મ્યુઝિક વિનાનું બનાવવું એ હિમ્મતનું કામ છે. નો કોમેડી, નો ટ્રેજેડી, નો ફાઇટીંગ એન્ડ નો નો લોજીક ઇસ ઘેર ઇન ધ મુવી.
શરૂઆત થાય છે, પોતાનાં સપનાઓ દીકરા પર થોપનાર બાપ સૂર્યકાન્ત સંઘવી - રાજીવ મહેતા (ખીચડી ફેઈમ પ્રફુલ્લ)થી. એના ઓવરકેરિંગ એટીટ્યુડને લીધે એનું સંતાન 'દેવ' નિરાત્મવિશ્વાસી બની જાય છે, મનને હારી જાય છે અને એની મનને જીતવાની સફર શરૂ થાય છે....
બિઝનેસમાં દેવાળું ફૂંકનાર કંપનીના માલિકો પોતાના પરિવારને નાદારી નોંધાવવા માટે સમજાવે છે અને એમાં જ ફિલ્મ પૂરી થઈ જાય છે. નથી કોસ્ચ્યુમ બદલાતા, નથી સેટસ કે નથી કોઈ ખાસ ફ્લેશબેક! બસ, લોકોને ચૂનો લગાડવાનો પ્લાન બનાવનાર ત્રણ ભાઈઓને તેમના જ સંતાનો 'આ ખોટું થાય છે' - એવો ઉપદેશ આપે છે. ફર્સ્ટ હાફમાં ચર્ચા જામે છે. ગુજરાતી ફિલ્મોની પોલીસ તો હિન્દી ફિલ્મોની પોલીસ કરતાંય મોડી પડે છે. ફિલ્મની શરુઆતમાં સંઘવી બંધુઓને એરેસ્ટ કરવા નીકળી પડે ને છેક એન્ડમાં પહોંચે છે. કોઈ વ્યાપારી પેઢી બિઝનેસમાં ઉઠી જાય અને લોકોના પાઈ પાઈ ચૂકવી દે એવું ગુજરાતમાં બહુ ઓછું જોવા મળે, ને આવું કરવું જોઈએ - એ બાપને બેટાઓ સમજાવે! જરીક વધુ પડતું છે.
તેનાલીરામા ફેઈમ ક્રિષ્ના ભારદ્વાજ (ફિલ્મમાં 'દેવ') જે પોસ્ટરમાં હીરો છે, ફિલ્મમાં છેક છેલ્લે સેન્ટરમાં આવે છે. જો કે એ સૂત્રધાર તરીકે શરૂઆતમાં આવે છે, ત્યારે જબરદસ્ત પર્ફોમન્સની આશા બંધાવી જાય છે, પણ એના રોલને અન્યાય થયો છે, એવું લાગે! જોકે ફેસિયલ એક્સપ્રેશનમાં કાબિલ-એ-દાદ કલાકાર! ફિલ્મમાં એ રોજનીશી લખે છે. ખૂબ જ વિચારે છે. (કાયમી સરસ રીતે ગોઠવાયેલા જ રહેતાં☺) પુસ્તકો વાંચે છે. (વર્ષા અડાલજાને વાંચતો જોઈને આપણી તો છાતી ફૂલી ગઈ'તી.)
ફિલ્મનું એક કેરેક્ટર છે વિરેન (હેમેન ચૌહાન), ડાયલોગ ડિલિવરી અને ટાઇમિંગ સરસ. ફિલ્મમાં આવતી ચર્ચા એકલે હાથે હેન્ડલ કરે. ખુદ પોતાના પિતા વસંત સંઘવી (ધર્મેન્દ્ર ગોહિલ) સાથે તાર્કિક ચર્ચા કરે ને આ બંન્નેની બૌદ્ધિક ચર્ચામાં મનને જીતનાર 'દેવ' દેવની જેમ જ નિરાકાર
અને અદૃશ્ય જ હોય! - દેવ સપોર્ટિંગ એક્ટર બની જાય છે ક્યારેક ક્યારેક... આમ, પૂરતી માવજત થતી નથી આ અંતર્મુખી કેરેક્ટર દેવની.
ફિલ્મ આખી એક પ્લોટ (પિતાનું સંતાન પરનું દબાણ)માંથી બીજા પ્લોટ(દેવની આત્મજાગૃતિ)માં અને બીજા પ્લોટમાંથી ત્રીજા પ્લોટમાં (બેન્ક કરપ્સી) આવ-જા કર્યા કરે છે.
ફિલ્મ બનાવવામાં જે ખર્ચ બચાવ્યો છે એ બધો એના પ્રમોશન (જો મેં પેઈડ નથી લખ્યું હોં!) માં ખર્ચાયો હશે. ફિલ્મના અંતમાં ફિલ્મ વિશે કેટલાંક લોકોના અભિપ્રાય આવે છે, એ બધાં જ આના પાર્ટનર હોય એવું લાગ્યું!
(વરને વખાણે કોણ?) ને આજકાલ કેટલાંક શહેરોમાં તો ચોક્કસ કમ્યુનિટી માટે શો બુક થવા માંડ્યા છે. આખું મુવી એક લાં....બુ એકાંકી નાટક હોય એવું લાગ્યા કરે.... મુવી અધૂરી મૂકીને જનાર લોકોને પણ નજરે જોયાં, તો આખ્ખું જોઈને નિરાશ થનાર પણ મળ્યાં. 40 મિનિટના નાટકને 122 મિનિટના ફિલ્મ સ્વરૂપે જોવાનું સાહસ એકાદવાર કરવા જેવું ખરું.... ખબર પડે ને આપણી સહનશક્તિની!!
ગુજરાતીમાં મુવી બનાવવા માટે 'ચાલ, મન જીતવા જઈએ'ની ટીમને અભિનંદન ને એથીયે વધુ અભિનંદન ફિલ્મની પ્રમોશનલ ટીમને. પાંચમું સપ્તાહ ચાલે છે ને શો ઓલમોસ્ટ ફૂલ પણ હોય છે. બનાવનારને આ વાંચવું ન ગમ્યું હોય તો....
.... તો કાંઈ નહીં થઈ શકે. સોરી!
ગમતો_શેર :
આ જિંદગીના પર્વતોની સામે બાથ ભીડીને,
ચાલ મન જીતવા જઈએ,
ઉન્નત વિચારોથી વિરોધીઓનાં હોઠ સીવીને,
ચાલ મન જીતવા જઈએ.
- સ્વરચિત.