Lala Lajapat Ray in Gujarati Motivational Stories by MB (Official) books and stories PDF | Lala Lajapat Ray

Featured Books
Categories
Share

Lala Lajapat Ray

લાલા લાજપત રાય

સિદ્ધાર્થ છાયા



© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

લાલા લાજપત રાય

લાલા લાજપત રાય મૂળત્વે તો એક લેખક જીવ હતા, પરંતુ તેઓને આપણે ભારતની આઝાદીનાં ચળવળકાર તરીકે વધુ ઓળખીએ છીએ. પોતે પંજાબના હોવાને લીધે લાલા લાજપત રાયને ‘પંજાબ કેસરી’ ના હુલામણા નામે પણ ઓળખવામાં આવે છે અને આપણે તેમને ભારતની આઝાદીની ચળવળના ભિષ્મ પિતામહ પણ કહી શકીએ. લાલા લાજપત રાય એ લોકમાન્ય બાળ ગંગાધર તિલક અને બિપીનચંદ્ર પાલને મેળવીને બનેલી ‘લાલ બાલ અને પાલ’ ની સ્વતંત્રતા સેનાનીઓ ની એ પ્રસિદ્ધ ત્રિપુટીના એક મુખ્ય સભ્ય પણ હતા. આવો જાણીએ ભારતનાં આ એક ઔર સપૂત વિશે જેણે દેશની આઝાદી ખાતર પોતાનાં પ્રાણ પણ ત્યજી દીધા હતા.

લાલા લાજપત રાયનું શરૂઆતનું જીવન

૨૮ જાન્યુઆરી ૧૮૬૫માં હાલનાં ભારતમાં આવેલા પંજાબના મોગા જીલ્લામાં આવેલા ધુડીકે ગામમાં લાજપત રાયનો જન્મ એક અગ્રવાલ પરિવારમાં થયો હતો. પંજાબીમાં ‘લાલા’ શબ્દ માનાર્થે વપરાય છે જે લાજપત રાયનાં કુટુંબ સાથે આપોઆપ જોડાઈ ગયો હતો. લાલા લાજપત રાયનું પ્રાથમિક શિક્ષણ હાલનાં હરિયાણામાં આવેલા રેવાડીમાં થયું હતું. આ જ શાળામાં લાજપત રાયના પિતા લાલ રાધા ક્રિષ્ન ઉર્દુના શિક્ષક પણ હતાં. લાલા લાજપત રાયને પહેલેથીજ હિંદુ ધર્મ અને સિદ્ધાંતો પ્રત્યે ખુબ આકર્ષણ હતું, તેમણે લેખનકાર્ય કરતાં કરતાંજ ભારતીય રાજકારણમાં આવવાનું નક્કી કરી લીધું હતું. લાહોરમાં પોતે જ્યારે કાયદાનું શિક્ષણ લઈ રહ્યા હતા ત્યારેજ લાલા લાજપત રાયના મનમાં એક વાત સ્પષ્ટ થઈ ચુકી હતી કે હિંદુત્વજ એક એવી વ્યવસ્થા છે જેના સિદ્ધાંતો પર આવનારા ભારતની ઈમારત ચણી શકાય છે. લાલા લાજપત રાયના મતે હિંદુત્વની મદદથી જ સમગ્ર માનવજાતીને સુખ અને શાંતિની અનુભૂતિ કરાવી શકાય તેમ છે. આ એક જ એવી પદ્ધતિ એવી છે કે જેનાથી ભારત આઝાદી મળ્યાં બાદ એક બિન સેક્યુલર દેશ બની શકે છે પરંતુ તેમછતાં તેમાં સર્વધર્‌મ સમભાવનું સ્થાન આપોઆપ સહુથી ઊંંચું હશે.

હિંદુત્વ પ્રત્યેની લાલા લાજપત રાયની ઊંંડી લાગણી હોવાથી તેઓ હિંદુ મહાસભા સાથે થોડો સમય જોડાયા હતા. તેમના આ જોડાણની ભારત સભા દ્વારા ખુબ આકરી ટીકા કરવામાં આવતી હતી, કારણકે તે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે અપનાવેલા ધર્મનિરપેક્ષ સિદ્ધાંતોની તદ્દન વિરૂદ્ધ હતી. પરંતુ લાલા લાજપત રાયની માન્યતા અનુસાર હિંદુત્વની પ્રણાલીજ માત્ર ભારતમાંજ નહીં પરંતુ સંપૂર્ણ ભારતીય ઉપમહાખંડમાં શાંતિ લાવવા માટે સમર્થ હતી. હિંદુ જીવન પદ્ધતિને અનુસરવાથી કોઈ અન્ય ધર્મનું અપમાન થતું નથી એવું લાલા લાજપત રાય સ્પષ્ટપણે માનતા હતા. પોતાનાં આ સિદ્ધાંતના એક ભાગને અનુસરીને જ લાલા લાજપત રાયે અંગ્રેજો સામે પણ શાંતિપૂર્ણ ચળવળ ચલાવવાની હિમાયત કરી હતી. લાલા લાજપત રાય આર્યસમાજી પણ હતા. તેઓ એકસમયે આર્ય ગેઝેટના એડિટર પણ રહી ચુક્યા હતા. આ મેગેઝીન તેમના વિદ્યાર્થીકાળમાં બહાર પડતું હતું. લાહોરની ગવર્મેન્ટ લો કોલેજમાં ભણ્‌યા બાદ લાલા લાજપત રાયે હિસ્સાર અને લાહોરમાં વકિલાત કરી હતી અને અહીંજ તેઓ રાષ્ટ્રવાદી એંગ્લો-વૈદિક સ્કુલના પરિચયમાં આવ્યા અને છેવટે દયાનંદ સરસ્વતીના વિચારોના તેઓ અનુયાયી બની ગયા.

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સાથે જોડાયા બાદ અને તેની પ્રવૃત્તિઓમાં અગ્રગણ્‌ય હિસ્સો લીધા બાદ અંગ્રેજ સરકારે લાલા લાજપત રાયને કોઈપણ સુનાવણી વગર બર્મા (હાલનું મ્યાનમાર) મોકલી આપ્યા. જોકે બાદમાં લોર્ડ મિન્ટો જ્યારે વાઈસરોય બનીને આવ્યાં ત્યારે તેમણે લાજપત રાયને પૂરતા પૂરાવાના અભાવમાં પંજાબ પાછા આવવાની છૂટ આપી. આ સમયે લાલા લાજપત રાયના કેટલાંક ટેકેદારોએ તેમને કોંગ્રેસના પ્રમુખ બનાવવાની કોશિશો પણ શરૂ કરી દીધી હતી. પરંતુ બ્રિટીશ સરકાર સાથે મળીને કામ કરવાની કોંગ્રેસની નીતિ હોવાને લીધે ૧૯૦૭ના સુરત અધિવેશનમાં લાલા લાજપત રાય કોંગ્રેસના પ્રમુખપદની રેસમાં હારી ગયા.

આ ઘટના બાદ લાલા લાજપત રાયે પોતાની લાહોર નેશનલ કોલેજના વિદ્યાર્થીઓનું એક ગ્રુપ બનાવ્યું અને લાહોરના બ્રડલાફ હોલમાં તેની મિટીંગો કાયમ આયોજિત થતી. આ મિટીંગોમાં ભગતસિંહ પણ એક કાયમી મુલાકાતીના રૂપમાં આવતા. સુરત અધિવેશનમાં નિષ્ફળતા મળ્યા બાદ ૧૯૨૦ના કોંગ્રેસના વિશેષ કલકત્તા અધિવેશનમાં છેવટે લાલા લાજપત રાયને પક્ષ પ્રમુખ તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા હતા. પ્રમુખ બન્યાના એક વર્ષ બાદ લાલા લાજપત રાયે લાહોર ખાતે સર્વન્ટ્‌સ ઓફ ધ પિપલ સોસાયટી નામની એક સામાજીક સંસ્થા શરૂ કરી જે આજે પણ ભારતના વિવિધ ભાગોમાં કાર્યરત છે.

લાલા લાજપત રાયની અમેરિકાની યાત્રા

લાલા લાજપત રાય ૧૯૦૭માં અમેરિકાની યાત્રાએ ગયા હતા અને ત્યાંના પશ્ચિમ કિનારે વસેલા શીખ પરિવારો સાથે તેઓ રહ્યા હતા. આ સમય દરમ્યાન તેઓ અલાબામાની તુસકેગી યુનીવર્સીટીની મુલાકાતે ગયા હતા. અહીં તેઓએ ફિલિપાઈન્સથી આવેલા કેટલાંક મજુરો સાથે પણ તેમને મળતાં અધિકારો વિશે ખાસ ચર્ચા વિચારણા કરી હતી. લાલા લાજપત રાયના અમેરિકાના રોકાણ દરમ્યાન જ પ્રથમ વિશ્વ યુદ્ધ ફાટી નીકળતા તેઓ અમેરિકામાં લગભગ અગ્િાયાર વર્ષ રોકાઈ ગયા હતા. એટલેકે છેક ૧૯૧૯માં લાલા લાજપત રાય ભારત પરત થયા હતા. તેમના અમેરિકાના રોકાણના સમય દરમ્યાન લાલા લાજપત રાયે અમેરિકા વિશે ખુબ લખ્યું હતું. ખાસ કરીને તેમની અમેરિકાના પ્રબુદ્ધો, જેમાં ડબ્લ્યુ ઈ બી દુ બોઈસ તેમજ ફ્રેડરિક ડગ્લાસ સાથેની મુલાકાતનો તેમણે વિશેષ ઉલ્લેખ કર્યો છે. આ ઉપરાંત તેમના અમેરિકા વિશેના લેખોમાં અમેરિકામાં તે સમયે પ્રવર્તમાન રંગભેદ વિશે લખતા તેમણે આ રંગભેદની નીતિને ભારતમાં પ્રવર્તમાન જાતિપ્રથા સાથે તુલના કરી હતી. ૧૯૧૯માં અમેરિકાથી પરત થયા બાદ લાલા લાજપત રાય કોંગ્રેસની અસહકારની ચળવળમાં જોડાઈ ગયા હતા અને તેઓ ૧૯૨૧થી ૧૯૨૩ સુધી જેલમાં પણ રહ્યા હતા. જેલમાંથી છૂટકારો થયા બાદ તેઓ પંજાબ લેજીસ્લેટીવ એસેમ્બલી માટે પણ ચૂંટાયા હતા.

સાયમન કમીશનનું ભારતમાં આગમન અને લાલા લાજપત રાયની શહિદી

૧૯૨૮માં બ્રિટીશ સરકારે ભારતની રાજકીય પરિસ્થિતિનું આકલન કરવા અને કોઈ નિરાકરણ લાવવા માટે સર જ્હોન સાયમનની અધ્યક્ષતામાં એક કમિશનની રચના કરી હતી. આ કમિશનમાં એકપણ ભારતીય ન હોવાથી ભારતની તમામ રાજકીય પાર્ટીઓએ આ કમિશનનો વિરોધ કર્યો હતો. કમિશનના વિરોધમાં દેશભરમાં ખુબ પ્રદર્શનો થઈ રહ્યા હતા. આવે સમયે સાયમન કમિશન જ્યારે લાહોરની મુલાકાતે આવવાનું હતું ત્યારે લાલા લાજપત રાયે કમિશન વિરૂદ્ધ પ્રદર્શન કરવાનું નક્કી કર્યું. ૩૦ ઓક્ટોબર ૧૯૨૮ના દિવસે લાલા લાજપત રાયની આગેવાનીમાં લાહોર ખાતે એક મૌન રેલી નીકળી. કોઈપણ જાતની તકલીફ વગર આ રેલી જી રહી હતી તેમ છતાં પોલીસ સુપ્રિટેન્ડેન્ટ જેમ્સ સ્કોટે લાઠીચાર્જનો હુકમ આપ્યો. સ્કોટે જાતે લાલા લાજપત રાય પર લાઠીઓ વરસાવી. પોતાને લાઠીઓ પડી હોવા છતાં, ઘાવ અને અતિશય તકલીફ સાથે લાલા લાજપત રાયે રેલીને સંબોધિત કરી હતી અને તેમણે કહ્યું હતું કે “પોતાને આજે પડેલી લાઠી એ અંગ્રેજ સરકારના ભારત પરનાં રાજના કોફીનમાં છેલ્લા ખીલ્લા તરીકે કામ કરશે.” લાલા લાજપત રાય પોતાની ઈજાઓથી સંપૂર્ણરીતે બહાર નહોતા આવી શક્યા અને ૧૭ નવેમ્બર ૧૯૨૮ના દિવસે હાર્ટએટેકથી તેમનું અવસાન થઈ ગયું. ડોક્ટરોના માનવા અનુસાર મોટી ઉંમરને લીધે અને પોતાને મારવામાં આવેલી લાઠીઓના આઘાતથી લાલા લાજપત રાય બહાર ન આવી શક્યા અને તેઓને હાર્ટએટેક આવી ગયો હતો. ડોક્ટરોનું આ વિષ્લેષણ બહાર આવતાંજ લોકોનો અંગ્રેજ શાસન વિરૂદ્ધ રોષ ફાટી નીકળ્યો અને તેમણે લાલા લાજપત રાયના મૃત્યુ પાછળ સીધેસીધી અંગ્રેજ સરકારને જ દોષી ઠેરવી. પરંતુ લંડનમાં અંગ્રેજ હકૂમતે લાલા લાજપત રાયના મોતમાં તેનો સીધો કે આડકતરો હાથ હોવાથી બિલકુલ મના કરી દીધી.

કોંગ્રેસ પાર્ટી તેમજ લાલા લાજપત રાયના સમર્થકો તો અહિંસક વિરોધમાં માનતા હતા, પરંતુ ભગતસિંહથી બ્રિટીશ સરકારનો ખુલાસો સહન ન થયો. તેમણે, રાજગુરૂ, સુખદેવ અને ચંદ્રશેખર આઝાદે લાલા લાજપત રાયના અપમૃત્યુનો બદલો લેવાનું નક્કી કર્યું. પરંતુ ખોટી ઓળખને લીધે તેઓએ જેમ્સ સ્કોટને બદલે જ્હોન સોન્ડર્સની હત્યા કરી દીધી. આ સમયેતો તમામ ભાગી જવામાં સફળ થયા પરંતુ બાદમાં પંજાબ લેજીસ્લેટીવ એસેમ્બલીમાં બોંબ ફોડવાના કાર્યને લીધે તમામની ધરપકડ થઈ અને ભગતસિંહ, સુખદેવ અને રાજગુરૂને સોન્ડર્સની હત્યાના બદલામાં ફાંસી પણ થઈ. જ્યારે આઝાદને અલ્હાબાદમાં પોલીસે ઘેરી લેતાં તેમણે જાતેજ પોતાના માથામાં ગોળી મારીને શહીદી વ્હોરી લીધી હતી. ભગતસિંહની દિવાનગી છેવટેતો લાલા લાજપત રાયના નેતૃત્વના કદની તેમજ તેમની અભૂતપૂર્વ લોકપ્રિયતાની જ સાક્ષી પૂરે છે. ભારતની આઝાદીની ચળવળમાં લાલા લાજપત રાયનો ફાળો નાનોસૂનો નહોતો. તેમણે અલગ મત ધરાવતાં હોવા છતાં કોંગ્રેસની અધ્યક્ષતા કરી હતી અને ચળવળને સબળ નેતૃત્વ પણ આપ્યું હતું. લાહોરની રેલીમાં પણ તેમણે જાતેજ નેતૃત્વ પૂરૂં પાડીને અંગ્રેજી હુકમતને પડકાર ફેંક્યો હતો અને બદલામાં તેમની લાઠીઓ પણ ખાધી હતી.

લાલા લાજપત રાયનું લેખનકાર્ય

આપણે આગળ ચર્ચા કરી તેમ લાલા લાજપત રાય મૂળતો એક લેખક જ હતા. તેઓએ પોતાની અમેરિકાની યાત્રા દરમ્યાન ખુબ લખ્યું છે. પ્રથમ વિશ્વયુદ્ધ દરમ્યાન ભારતીયો જેરીતે બ્રિટીશ સરકારની મદદ કરી રહ્યા હતા તેના વિરૂદ્ધ તેમના પુસ્તકમાં લાલા લાજપત રાયે ખુબ આકરી ટીકા પણ કરી છે. તેમના કહેવા મુજબ છેલ્લા બસો વર્ષથી જે બ્રિટીશરો આપણા પર રાજ કરી રહ્યા છે તેમને માટે આપણે શું કરવા જર્મનો સામે લડવું જોઈએ? જો કે તેઓના આ પુસ્તકમાં ભારતીયોનો વાંક ઓછો કાઢતા હોય તેવું લાગે છે પરંતુ અંગ્રેજોને તેમણે ખુબ ચાબખા માર્યા છે. પોતાના અમેરિકાના રોકાણ દરમ્યાન લાલા લાજપત રાયે પોતાના લખાણો દ્વારા અમેરિકન પ્રજા તેમજ સરકારનું ધ્યાન ભારતની ગુલામી તરફ દોરવાની કોશિશ કરી હતી. તેઓ એક બાબત પર જરૂર ભાર મુકતા કે કોઈપણ દેશને ગુલામ બનાવીને તેના પર અત્યાચાર કરનાર બ્રિટીશરોને ટેકો આપીને અમેરિકન સરકાર સારૂં કાર્ય નથી કરી રહી. આ સમયે લાજપત રાયે ભારતીયો કોઈપણ હિસાબે બ્રિટીશ સરકાર સામે હિંસા અપનાવવા નથી માંગતા એ બાબતે પણ ભાર મુક્યો હતો. લાલા લાજપત રાયે અમેરિકનો સમક્ષ ભારતીયોની આત્મનિર્ભરતા ની વકિલાત કરી હતી અને તેને એક આઝાદ રાષ્ટ્ર બનાવવામાં મદદ કરવાની અપીલ પણ કરી હતી.

પોતાની કલમના જોરને પણ લાલા લાજપત રાયે ખુબ સારીરીતે આજમાવ્યું હતું અને યંગ ઈન્ડિયાની સ્થાપના કરી હતી. યંગ ઈન્ડિયા ધીરેધીરે ભારતના તમામ સ્વતંત્રતા સેનાનીઓનું મુખપત્ર બની ગયું હતું. યંગ ઈન્ડિયાનો એકમાત્ર મકસદ એ હતો કે ભારતને અંગ્રેજો અને તેમના દ્વારા મોકલતા વાઈસરોયની ચુંગાલમાંથી છોડાવવાનો હતો. યંગ ઈન્ડિયાનો એક અન્ય હેતુ એ પણ હતો કે તે દુનિયામાં ભારતીયોની જે છબી હતી તેને કેમ બદલવી તેના પર કાર્ય કરવું. ભારત કેવીરીતે બ્રિટીશરોએ ઉભી કરેલી તેમની છબીથી અલગ કે ઉપર છે તે બાબત માટે યંગ ઈન્ડિયાએ ખુબ કાર્ય કર્યું હતું. આ ઉપરાંત યંગ ઈન્ડિયાના વાચકોને તે સમયે ચાલતી ચળવળ વિશે પણ અવગત કરવામાં આવતાં હતા તેમજ ભારતે કેમ આઝાદ થવું જોઈએ તે સમજાવવાની કોશિશ પણ કરતું હતું. પોતાના જીવનકાળ દરમ્યાન લાલા લાજપત રાયે નીચે પ્રમાણેના પુસ્તકો અને લેખો પણ લખ્યા હતા.

૧.ધ સ્ટોરી ઓફ માય ડીપોર્ટેશન (૧૯૦૮)

૨.આર્યસમાજ (૧૯૧૫)

૩.ધ યુનાઈટેડ સ્ટેટ્‌સ ઓફ અમેરિકાઃ અ હિંદુ ઈમ્પ્રેશન (૧૯૧૬)

૪.યંગ ઈન્ડિયા (૧૯૧૬)

૫.અનહેપ્પી ઈન્ડિયા (૧૯૨૮)

૬.ઈંગ્લેન્ડઝ ડેબ્ટ તો ઈન્ડિયા (૧૯૧૭)

૭.અન્ય આત્મકથાનક લેખો

આમ આરીતે લાલા લાજપત રાયે આઝાદીની ચળવળમાં પોતે તો હિસ્સો બન્યા જ હતાં, પરંતુ પોતાને જે લેખનની કળા હસ્તગત થઈ હતી તેનો ઉપયોગ પણ તેમણે આ ચળવળની સફળતા માટે કર્યો હતો. તેમના લખાણમાં અદભુત ખેચાણ હતું જેનેલીધેજ યંગ ઈન્ડિયા ખુબ પ્રસિદ્ધ અને લોકપ્રિય પણ થયું. ભારતના લોકોને આઝાદીની ચળવળની સાચી માહિતી આપીને તેમને આ ચળવળમાં જોડાવા માટે યંગ ઈન્ડિયા દ્વારા લાલા લાજપત રાયે કરેલું કાર્ય અનોખું તેમજ અપ્રતિમ પણ છે.

લાલા લાજપત રાયની યાદગીરી તેમજ વારસો

લાલા લાજપત રાયને ભારતીય રાષ્ટ્રવાદના સ્તંભ તરીકે ઓળખવામાં આવે છે. ૧૯૫૯માં લાલા લાજપત રાયની જન્મ શતાબ્દીની પૂર્વસંધ્યાએ ‘ધ લાલા લાજપત રાય ટ્રસ્ટ’ ની સ્થાપના કરવામાં આવી હતી. આ ટ્રસ્ટના ટ્રસ્ટીઓમાં આર પી ગુપ્તા અને બી એમ ગ્રોવર જેવા મોટા દાનવીરોનો પણ સમાવેશ થતો હતો. આ ઉપરાંત હરિયાણામાં આવેલા હિસ્સાર ખાતે વેટરનરી તેમજ પશુ વિજ્જ્ઞાનની યુનીવર્સીટીને પણ લાલા લાજપત રાયનું નામ આપવામાં આવ્યું છે. લાલા લાજપત રાયના મૃત્યુ પછી લાહોર ખાતે તેમનું એક મોટું પુતળું મુકવામાં આવ્યું હતું. આઝાદી પછી ભારત અને પાકિસ્તાનના ભાગલા પડયા બાદ આ પુતળાને લાહોરથી શિમલા લાવવામાં આવ્યું હતું અને આજે પણ આ પુતળું શિમલા શહેરની બિલકુલ વચ્ચે વિદ્યમાન છે. દેશની રાજધાની દિલ્હીમાં પણ લાજપત નગર વિસ્તાર આવેલો છે, અહીની લાજપત નગર માર્કેટ ખુબ પ્રખ્યાત છે. આ ઉપરાંત દિલ્હીના પ્રખ્યાત ચાંદની ચોક વિસ્તારમાં આવેલી એક માર્કેટને પણ લાલા લાજપત રાય માર્કેટને નામે ઓળખવામાં આવે છે. ઈન્ડિયન ઈન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી કાનપુર અને ખડગપુરમાં લાલા લાજપત રાય ના નામે હોલ પણ બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત લાજપત રાયનો જ્યાં જન્મ થયો હતો તે મોગા શહેરમાં લાલા લાજપત રાય ઈન્સ્ટીટયુટ ઓફ ઈન્જીનીયરીંગ એન્ડ ટેક્નોલોજી પણ આવેલું છે. લુધિયાણા જીલ્લાનાં જગ્રાન શહેરમાં જે લાલા લાજપત રાયનું વતન પણ છે ત્યાં પણ તેમના નામે કેટલીએ સંસ્થાઓ સ્કૂલો તેમજ લાઈબ્રેરીઓ આવેલી છે. જગ્રાન શહેરનો બસ ડીપો પણ લાલા લાજપત રાયના નામેજ ઓળખાય છે. કાનપુરની સિવિલ હોસ્પિટલ લાલા લાજપત રાય હોસ્પિટલ તરીકે જાણીતી છે. આ ઉપરાંત દેશનાં કેટલાય શહેરોમાં લાલા લાજપત રાય માર્ગ આવેલા છે. લાલા લાજપત રાયે તેમની શરૂઆતની કારકિર્દી લક્ષ્મી ઈન્ષ્યોરન્સ કંપની સાથે શરૂ કરી હતી. કરાંચીના લક્ષ્મી બિલ્ડીંગમાં આજે પણ લાલા લાજપત રાયની ટૂંકા કદની મૂર્ત્િા જોવામાં આવે છે.

લાલા લાજપત રાયના માતા ગુલાબ દેવીનું અવસાન ટીબીથી થયું હતું. આથી તેમણે પોતે ૧૯૨૭માં એક ફંડ રચીને લાહોરમાં જ એક ટીબીની સ્પેશીયલ હોસ્પિટલ બનાવવાનું નક્કી કર્યું હતું. ૧૭ જુલાઈ ૧૯૩૪માં એટલેકે લાલા લાજપત રાયના અવસાનના છ વર્ષ બાદ લાહોરમાં જ ગુલાબ દેવી ચેસ્ટ હોસ્પિટલની શરૂઆત થઈ હતી. હાલમાં આ હોસ્પિટલ ફાતિમા જીન્ના મેડિકલ કોલેજ સાથે સંલગ્ન છે અને કાર્યરત પણ છે. અહીંથી ખુબ મોટી સંખ્યામાં પાકિસ્તાન માટે ડોક્ટરો પણ આવ્યા છે.

આમ પોતાના કર્મો દ્વારા લાલા લાજપત રાય ફક્ત આઝાદીની ચળવળના મુખ્ય નેતાઓમાંથી એક નહોતા બન્યા, પરંતુ સમાજ પ્રત્યે પણ તેમણે પોતાની જવાબદારી એવા સંજોગોમાં પણ અદા કરી હતી જ્યારે ભારત ગુલામીની બંદિશોમાં જકડાયેલું હતું. લાલા લાજપત રાય દેશનાં એવા નેતાઓમાં શુમાર થાય છે જેમણે પોતાના જીવની પણ પરવા ન કરીને પોતાનું સર્વસ્વ દેશની આઝાદી માટે સમર્પ્િાત કરી દીધું હતું. આપણે આગળ ચર્ચા કરી તેમ આજે લાલા લાજપત રાયને નામે આવેલી કેટલીબધી શૈક્ષણિક સંસ્થાઓ, વિસ્તારો, હોસ્પિટલો કે પછી માર્ગો હોવાનું એકમાત્ર કારણ તેમની દેશ પ્રત્યેની અભૂતપૂર્વ નિષ્ઠા જ છે. ભારતના એવા અસંખ્ય નેતાઓમાં જેમણે પોતાનું સર્વસ્વ હોમી દઈને દેશની આઝાદી માટે કાર્ય કર્યું હતું તેમાં લાલા લાજપત રાયનું નામ ગર્વથી લેવામાં આવે છે.

ભારતના આવા પનોતાપુત્રને આપણી લાખ લાખ સલામ!