Ane aapne fari vakhat madya - 3 in Gujarati Love Stories by Rohit Suthar books and stories PDF | અને આપણે ફરી વખત મળ્યા-૩

Featured Books
Categories
Share

અને આપણે ફરી વખત મળ્યા-૩

હિમાનીએ બોટલ કાઢીને પાણી પીધું. તેની લીસી ગોરી ગરદન જાણે પારદર્શક હોય તેમ તેના ગળાની નીચે ઉતરતું પાણી હું જોઈ રહ્યો. તેણે મારી સામે જોયું ને મેં બારી તરફ નજર ફેરવી લીધી. નજાણે કેમ હું તેને ઘુરવા લાગ્યો હતો. ફરીવાર તેની ખૂબસુરતીના મોહમાં હું ડૂબી રહ્યો હતો.

"પાણી પીવું છે...?" તેણીએ પૂછ્યું. મેં ના માં જવાબ આપ્યો. ચિપ્સનું પેકેટ કાઢીને તે ખાવા લાગી. મને ઓફર કરી ને ફરી મેં ના પાડી.

"ચિંતા ના કર, આમા બેહોશીની દવા નથી ઉમેરી, તને કિડનેપ નહિ કરું..." હિમાનીએ હસીને કહ્યું. તે હજુ લપાલપ વેફર ખાઈ રહી હતી. આચરકૂચર ખાવાની તેને પહેલેથી જ ટેવ હતી. મેં બે ચિપ્સ લઈને થેન્ક્સ કહ્યું.

હિમાની કંઈક બોલવા જતી હતી, ત્યાં જ બાજુમાં બેસેલા કાકા જોરથી છિંક્યા. અવાજ સાંભળીને જ હિમાની ખડખડાટ હસી પડી. હું તેના એકસમાન મોતી જેવા સફેદ દાંતોને જોઈ રહ્યો હતો. તેની મુસ્કુરાહટ ખૂબ પ્યારી હતી. મોગરાના ફૂલની જેવી મહેકતી તેની ગોરી ત્વચા, અણિયાળુ નાક, તેના ગુલાબની પાંખડી જેવા ધનુષ આકારના હોઠ. તેના ચહેરાને ખૂબસૂરતી બક્ષતા હતા. જે હું આજે પહેલી વાર જોઈ રહ્યો હતો. કારણ કે જ્યારે અમે સાથે હતા, ત્યારે લડાઈ અને ઇગ્નોર કરવા સિવાય અમે કંઈ કર્યું જ નહોતું. પણ આજે લાગી રહ્યું હતું કે જો એક ક્ષણ વધુ જોઇશ તો ફરી હું એના પ્રેમમાં પડી જઈશ. મેં નજર બારી તરફ ફેરવી લીધી.

"તું પ્લીઝ મને બારી પાસે બેસવા દઈશ...?" હિમાનીએ પૂછ્યું.

"નહીં...." મેં કહ્યું.

"પણ કેમ...?" તેણીએ પૂછ્યું.

"આ મારી સીટ છે..." મેં કહ્યું.

"ઓહો! ઘરેથી જ લઈને આવ્યો છે. એમ ને. તો તો તું બેસ યાર...આ સીટ પર તારો જ હક છે..." તે એકદમ ભોળી બનીને બોલી, પણ હું સમજી ગયો હતો કે તે મારી ટાંગ ખેંચી રહી છે. પણ હું કંઈ ના બોલ્યો. તેની સામે જોવું મને ઠીક નહોતું લાગતું. આ દિલ અથવા તો ભોળું છે અથવા તો બદમાશ. ખબર છે કે તેની સાથે મારા ડિવોર્સ થયેલા છે તે છતાંય તેની તરફ કેમ ખેંચાઈ રહ્યો છે. તે તો પરણી પણ ગઈ હશે. ઓહ...હા...આ વિચાર તો મને આવ્યો જ નહીં...સાત વર્ષ સુધી કોઈ સિંગલ થોડી રહે...કોઈક જ હોય મારા જેવો પાગલ...

★★★

"સુનો જરા...અભી યહા અર્બુદા દેવી કા મંદિર આયા હૈ, તો ગાડી એક ઘંટા ખડી રહેગી...મસ્ત ટનાટન મંદિર હે, તો મા કે ચરણો મેં સર જુકાઓ ઔર જલ્દી ઇધર આવો...ઔર સુનો જરા...અપને ટંટું-બંટું કા ખ્યાલ રખના, કહી ખો ના જાયે..." તે અમુક લોકો જે તેમના બાળકો સાથે આવ્યા હતા એમના માટે કહેતો હતો. તેના અમુક શબ્દોથી બધાને રમૂજ ઉપજતી હતી. અમુક હસતા હતા. એક તો મારી બાજુમાં જ બેઠી હતી.

અહીં અર્બુદામાતાનું વર્ષો જૂનું પ્રાચીન મંદિર હતું. ૩૬૫ પગથિયાઓ હતા. આ કારણે મંદિર જવાને બદલે અમુક યાત્રીઓ બજારમાં જ ફરી રહ્યા હતા. હું બજારને ક્રોસ કરતો પગથિયાઓ સુધી પહોંચ્યો. મારી પાછળ હિમાની પણ આવતી હતી. હું ફટાફટ ઉપર તરફ ચડવા લાગ્યો. બહુ સામાન્ય પગથિયાઓ હતા. લગભગ દસેક મિનિટમાં જ હું ઉપર ચડી ગયો. દર્શન માટે લાંબી લાઈન લાગી હતી. થોડી વાર રાહ જોયા બાદ મારો વારો આવ્યો. દર્શન કરીને બહાર તરફ ધાબુ હતું. ત્યાંથી સામે તરફ બધી પહાડીઓ દેખાતી હતી. મેં મોબાઈલથી અમુક ફોટાઓ કેપ્ચર કર્યા. ત્યાર બાદ ફરી નીચે જવા ઉતર્યો, ત્યારે હિમાની લાઈનમાં જ ઉભી હતી. તેણીએ મારી સામે જોઇને આછું સ્મિત આપ્યું. હું નીચે ઉતરવા લાગ્યો.

એક કલાક બાદ બધા યાત્રિકો પાછા આવી ગયા હતા. બસ ફરી શરૂ કરવામાં આવી. ગાઈડે કહ્યું એ મુજબ હવે અમારી બસ દેલવાડાના દેરા તરફ જઈ રહી હતી. નામ સાંભળતા જ મારા ચહેરા ઉપર રોનક આવી ગઈ. આજ સુધી એ જગ્યા વિષે ખૂબ સાંભળ્યું હતું. જ્યારે આજે તો એ જગ્યાની મુલાકાત લેવાની હતી.

દેલવાડાના દેરા પહોંચવા આવ્યા ત્યારે ગાઈડ ફરી બોલ્યો, "અભી ખુદ કી ઓડિયો ટેપ બંધ કરો, ઔર મુજે સુનો જરા, અભી એક બજને આયા હૈ તો પહેલે કરલો મમ ઔર ઉસકે બાદ મંદિર મેં જાકે કરો ભમ..." એ દેહાતી માણસની બોલી સાંભળીને બધા મરક મરક હસી રહ્યા હતા.

એક હોટલ પર એ ગાઈડ અમને બધાને લઈ ગયો. એની બાજુની ગલીએથી જ મંદિર તરફ જવાતું હતું, એટલે એ દર વખતે બધા યાત્રીઓને અહીં જ લાવતો હશે, સાથે હોટલવાળા જોડે સેટિંગ હોય તો એને તો ફ્રી માં જ જમવાનું મળે ને?

હું એક ટેબલ પર ગોઠવાયો. સહેજ વારે હિમાની મારી સામેની ખુરશીએ ગોઠવાઈ. મને એ ના ગમ્યું. "શું તમે કોઈ બીજા ટેબલ પર જઈને બેસશો?" મેં પૂછ્યું. અલબત્ત, મેં ઓર્ડર જ કર્યો હોય એમ બોલ્યો.

"અરે આસપાસના બધા ટેબલ ફૂલ છે, એટલે..." હિમાનીએ આસપાસ નજર ફેરવતા કહ્યું.

મેં પણ બધી તરફ જોયું, એની વાત સાચી હતી. વેઈટર થાળી લઈને આવ્યો અને થોડા અણગમા સાથે મેં જમવાનું શરૂ કર્યું. પંદરેક મિનિટમાં જ હું જમી રહ્યો અને બિલ પે કરીને બાજુની ગલીએથી મંદિર તરફ જવા નીકળ્યો.

મંદિરમાં પુજારીએ સારું એવું જ્ઞાન આપ્યું. અહીં કુલ પાંચ મંદિરોનું બાંધકામ થયેલું હતું. બેજોડ અને બેનમૂન કહી શકાય એવા અહીં પ્રાચીન સ્થાપત્ય કલાના જૈન મંદિરો આવેલા છે. તમારી આંખો પાંપણો જબકાવાનું ભૂલી જાય, મોંઢા ખુલ્લા ને ખુલ્લા રહી જાય એવું કોતરણીકામ અહીં કરવામાં આવેલા છે. ફોટા પાડવાની મારી સખત ઈચ્છા હતી, પણ મોબાઈલ તો બહાર જ જમા કરાવવા પડે.

દર્શન કરીને બહાર નીકળ્યો ત્યારે બપોરના ત્રણ વાગી ગયા હતા. થોડી વારે બસ સ્ટાર્ટ થઈ અને અમે અચલગઢ જવા રવાના થયા. ત્યાં મહાદેવનું મંદિર આવેલું છે. ભારતના મહાદેવના બધા મંદિરોમાં શિવલિંગની કાં તો મૂર્તિની પૂજા થાય છે. પરંતુ અહીં તેમના અંગુઠાના નિશાન છે, એની પૂજા થાય છે. એ જગ્યાએ પહોંચીને દર્શન કર્યા બાદ હું સહેજ આશ્ચર્યમાં હતો.

મંદિરની બહાર પૂજાની દુકાને હું રુદ્રાક્ષની માળા જોઈ રહ્યો હતો. મારી પાસે હિમાની આવી અને એ બધી વસ્તુઓને જોવા લાગી. હું તેને જોઈ રહ્યો હતો. સ્કાય બ્લુ સલવાર કુર્તીમા તે ખરેખર સુંદર લાગી રહી હતી. બધા બસમાં બેસી ગયા હતા. માત્ર હું ને હિમાની જ બહાર હતા.

બસનો ગાઈડ અમને શોધતા ત્યાં આવ્યો, "અરે સાહબ, જલ્દી ચલો દેરી હો રહી હે. આગે ઘુમના હે કી નહિ?. યહ કપલીયે લોગ કે ભી યહી વાંધે હોતે હે." હું કંઈ કહેવા જઉં, તે પહેલાં તે જતો રહ્યો. અમે પણ જલ્દી બસ તરફ દોડ્યા.

સવારથી બધાને ઇન્તેજારી હતી એ જગ્યા હવે આવવાની હતી "ગુરુશિખર". લગબગ સો પગથિયાઓ ચડીને અમે ભગવાન દતાત્રેયના દર્શન કર્યા અને બસો જેવા વધુ પગથિયાંઓ ચડો એટલે તમે ટોચ ઉપર પહોંચી જાઓ.

હું પણ થોડીવારમાં ટોચે પહોંચી ગયો. સામે દેખાતા પહાડો, એટલા સુંદર, મનોરમ્ય નજારાઓ જોઈને હું અભીભૂત થઈ ગયો. છેલ્લા ઘણા સમયથી હું ડિસ્ટર્બ હતો, દુઃખી હતો. અહીં આવીને હું એ બધું ભૂલી ગયો. હું ખૂબ ફ્રેશ ફિલ કરતો હતો. બસ, આ હિમાની અહીં ના મળી હોત, તો ખૂબ સારું રહેત. વર્ષો જુના મારા ઝખ્મ ફરી તાજા થયા હતા. પરંતુ એ બધાને અવગણીને હું ખુશ થવાના પ્રયાસ કરી રહ્યો હતો.

"કેટલું સુંદર દ્રશ્ય છે ને...? મસ્ત...." હિમાનીએ મારી પાસે આવીને કહ્યું.

"અહીં બધા કપલ્સ કેટલા ખુશ દેખાય છે ને..." તે ફરી બોલી.

"હમમમ...તો તમે ખુશ નથી?" મેં પૂછ્યું.

"અંદરથી એકલું ફિલ થાય છે યાર..." તેણે કહ્યું.

"તો પછી એકલા કેમ આવ્યા? હસબન્ડને સાથે લાવવા હતા ને? કે પછી કહ્યા વગર જ આવ્યા છો?" મેં તેને ફરી ટોન્ટ માર્યો.

"હું સિંગલ છું..." તેણે મારી આંખોમાં આંખ પરોવતા કહ્યું. બાદમાં તે સામેના સુંદર નજારાઓ જોઈ રહી હતી.

"કોઈના પ્રેમમાં રહેવું પણ કેટલી સુંદર ફીલિંગ્સ હોય છે નહીં..." તે સહેજ વાર બાદ બોલી.

"એકતરફી પ્રેમ હંમેશા દુઃખ જ આપે છે, એના સિવાય કશું જ નહીં..." મેં કહ્યું.

"હમમમ...જો પ્રેમ બન્ને તરફથી હોય, તો એકબીજાના સાનિધ્યમાં, હસી ખુશી જીવવાની મજા જ કંઈક અલગ છે યાર, સ્વર્ગથી પણ વધુ સુંદર..." તેણે જવાબ આપ્યો.

કંઈ કહ્યા વગર હું ત્યાંથી જવા લાગ્યો. કારણ કે લગભગ ચાર ને ચાલીસ થઇ ચુક્યા હતા. પાંચ વાગ્યે બસ નીકળવાની હતી. હિમાની પણ મારી પાછળ આવી. થોડી વારમાં અમે નીચે ઉતર્યા હતા. તેણે મને સાથે ચા પીવાની ઓફર કરી. આમ પણ ચા વિના મારે ચાલતું નથી, માથું જાણે ફાટવા લાગે છે. અમે બન્નેએ સાથે ચા તો પીધી પણ હું ચૂપ જ રહ્યો. તે ઉટપટાંગ વાતો કરતી રહી. ત્યારબાદ અમે બસમાં બેઠા અને પાંચેક મિનિટમાં બસ ઉપડી.

ક્રમશઃ

રોહિત સુથાર 'પ્રેમ'