સાંજના સાત વાગ્યા હશે, અંધારું જાણે આકાશ ને ઘેરી રહ્યું હતું, અજવાળું પોતાનું અસ્તિત્વ બચાવવા જજુમી રહ્યું હોય તેમ આકાશ ની એક દિશામાં નહિવત માત્રામાં હાજરી દર્શાવતું હતું. રસ્તામાં જંખું અજવાળું પડતું હોવાથી કંઈ સ્પષ્ટ જોઈ શકાય તેમ નહોતું. મલય પોતાની મારુતિ અલ્ટો કર લઈને અમરેલી થી રાજકોટ પાછો ફરી રહ્યો હતો. મલય રાજકોટમાં રહેતો એક 22 વર્ષીય યુવાન હતો. રાજકોટ માં તે કમ્પ્યુટર ક્લાસીસ ચલાવતો હતો. હમણાં હમણાં જ પૂરું કરી ને તે રાજકોટમાં રહેવા આવ્યો હતો. પોતાના માંબાપનુ એક નુ એક સંતાન મલય બહું લાડકોડ માં તો નહોતો ઉછર્યો પણ દુનિયા બહું નાની ઉંમરે ઓળખી ગયો હતો. પિતા બે વર્ષ પહેલા હૃદય રોગ ના હુમલા થી અવસાન પામ્યાં હતાં. પિતાના અવસાન પછી મલય ની જીદ હતી કે પોતે માતાની સાથે રાજકોટ રહે, પણ તેની માતાને પોતાના ગામમાં જ રહેવું પસંદ હતું, વળી ત્યાં તેના ઘર ખેતરનું ધ્યાન રાખવા કોઈક તો જોઈએ ને!! વળી ગામમાં તેના કાકા કાકી પણ હતાં જે તેની માતા નું બહુ ધ્યાન રાખતાં હતાં. આથી મલય ને ત્યાંની કોઈ ચિંતા ન હતી. બસ ચિંતા હતી તો પોતાના કેરિયરની, રાજકોટ જેવા શહેર માં સેટ થવાની, પોતાનું ઘર લેવાની, પોતાનો ધંધો કરવાની. અને બે વર્ષ માં તેણે પોતાનો નાનો એવો કલાસીસ નો બિઝનેસ ઉભો કરી લીધો, કાર પણ ખરીદી લીધી અને ઘર ના પણ હપ્તા લગભગ પુરા જ થવા આવ્યાં હતાં.
અમરેલી મલય પોતાના મિત્રોને મળવા અને તેની સાથે એક નાનકડી ત્રિપમાં ગયો હતો ત્યાંથી પાછો રાજકોટ તરફ ફરી રહ્યો હતો. રસ્તો સાફ છતાં સાવ નિર્જન અને અંધારો લાગતો હતો. નાનાં નાનાં તીદડાં-ફૂદડાં લાઈટ તરફ આકર્ષાયને ઉડી ઉડી કારના કાંચમાં અથડાતા હતાં. કાંચની બારીમાંથી અથડાતા પવન નો અવાજ જાણે એક ભયંકર વાતાવરણ ઉભું કરતો હતો. મલયે આ અવાજના ત્રાસથી બારી બંધ કરી દીધી અને કારનું ટેપ ચાલુ કર્યું. પહેલું ગીત વાગ્યું – “ આપકી નજરો ને સમજા પ્યાર કે કાબીલ મુઝે...” તંગ વાતાવરણ આ સાથે થોડુંક હળવું બન્યું. થાકેલો મલય આ ગીતના બોલ ઝીલતો ડ્રાઈવ કરવા લાગ્યો, એક પછી એક ગીત સમય ને પણ પોતાની સરગમમાં વહાવતાં ચાલવાં લાગ્યાં. એકાદ કલાક આમ પસાર થયો હશે, આકાશમાં ઘેરું અંધારું છવાય ગયું હતું. તીદડાં-ફૂદડાંનો મારો કાંચ પર વધવા લાગ્યો હતો. રસ્તાની આસપાસ આવેલા ઝાંડી-ઝાંખરા માંથી અસંખ્ય જીવો તીખું અને તીણું સંગીત વગાડી રહ્યા હતાં. સત કેસર નૂર દરબારની દરગાહ ની લીલી ધજા અને લાઈટ મલય ને બારીમાંથી દેખાઈ, તેણે માથું નમાવી ને સજદા કરી થોડોક આગળ ચાલ્યો હશે ત્યાં રાજકોટ 18 કીમી લખેલા માઈલસ્ટોનનાં પથ્થર પર કોઈકને બેઠેલું તેને બે ધ્યાન પણે જોયું. તેનું ધ્યાન હજું ગીતમાંજ હતું. ગીત પણ શું ક્લાસિકલ વાતાવરણને ભાવવિભોર કરીદે તેવું વાગતું હતું,-“ બે પનાહ પ્યાર હૈ આજા… તેરા ઇન્તેજાર હૈ આજા…” પણ ગીત ગાતાં ગાતાં તેનું ધ્યાન અરીસા પર પડ્યું, જેમાં પોતે ચુકી ગયેલી માઈલ્સટોન પર બેઠેલી આકૃતિ દેખાઈ, સફેદ ડ્રેસ, લાલ ચુંદડી, ખુલ્લા પણ વ્યવસ્થિત વાળ, ચેહરો તો સ્પષ્ટ ન દેખાયો. મલયે કાર સાઈડમાં કરી, રિઅર મીરરમાં તેને પેલી છોકરીને જોવાનો પ્રયત્ન કર્યો. આખો રસ્તો નિર્જન વેરાન, ખાલી સ્મશાન જેવો લાગતો હતો. પેલું તીણું સંગીત હવે વધુ તીવ્ર બની ગયું. માઈલ્સટોન પર બેઠેલી એ છોકરી જાણે કોઈ આવવાનું હોય તેમ રસ્તાં ને તાકી રહી હતી, જાણે કોઈ નો ઇન્તેઝાર કરતી અહીંયા બેઠી હોય. મલયે કાર રિવર્સ કરી ને બરાબર માઈલ્સટોનની સામે જ ઉભી રાખી, પણ પેલી છોકરી હજુ રસ્તો જ તાકી રહી હતી. મલયે બારી નો કાચ ખોલીને તેને જોઈ, 22 વર્ષની કુંવારી, યૌવન માં પગલાં માંડતી, અત્યંત સુંદર આંખો વાળી, સ્થિર અને તેજસ્વી નેત્રો સાથે તે રસ્તાને મીટ માંડીને જોઈ રહી હતી. કારમાં ગીત હજુ સુધી ચાલું જ હતું, આ ગીત સાંભળીને કે કેમ પેલી છોકરીનું ધ્યાન મલય તરફ ગયું, ક્ષણિક તારામેત્રક બાદ ફરી પાછી પેલી રસ્તો તાક્વામાં મસગુલ થઈ ગઈ. મલય હવે કારમાથી ઉતર્યો અને તેની પાસે ગયો. મળીને હ્રદયના ધબકારા કાનમાં સંભળાવા લાગ્યાં હોય તેવું લાગ્યું, મનમાં એક સાથે હજારો સવાલો ના બાણ ચાલી રહ્યા હતાં, આ છોકરીના અહીંયા હોવા માટે ન તો આ સ્થાન યોગ્ય હતું, ન તો સમય, “તો પછી આ છોકરી અહીં શું કરતી હશે? અહીં કેમ બેઠી હશે? કોની રાહ જોતી હશે? કોને તેને આમ અડધે રસ્તે છોડી હશે? કોણ હશે? ક્યાંથી આવી હશે? ક્યાં જવું હશે? કોઈ પાગલ તો નહીં હોય ને?” આ સવાલોનો જવાબ મન જ સ્વગત આપી રહ્યું હતું “ના ના, પાગલ તો નથી દેખાતી, જોતા તો પાગલ નથી દેખાતી.”
વિચારોની માળા તોડી મલયને મન થયું કે માનવતાને ખાતર પૂછીએ તો ખરા કે તેને ક્યાં જવું છે? કોઈ તકલીફ તો નથી ને? દિલ માં એક અજાણ્યો ડર પેસી ગયો હોય એમ દિલ ભારે ભારે લાગતું હતું, તેનું ગળું સુકાતું હતું, પણ તે એક હિંમતવાન છોકરો હતો, તેણે આવી કેટલીય માધરાતની મુસાફરી એકલી ખેડી હતી. તેણે પેલી છોકરીને પૂછ્યું-
મલય:- “ ક્યાંય છોડી દઉં? ક્યાં જવું છે?”
પેલી છોકરીની નજર હજુ રસ્તાં પર જ હતી. મલયના શબ્દોનો તેણે નજર મિલાવ્યા વગર જ રહસ્યમય જવાબ આપ્યો- “ મનેય નથી મારે ક્યાં જવું છે. ખબર પડે એટલે કહું.”
મલયને આ જવાબ વિચિત્ર લાગ્યો અને તેથીય વિચિત્ર તેનો વર્તાવ લાગ્યો. ચેહરા પરની મૃદુતા, અવાજ તીણો પણ મીઠો છતાં ડરાવણો લાગ્યો. પણ મલયે આગળ વધાર્યું,-
મલય:-“ કોણ છો તમે? તમારું નામ??”
પેલી છોકરીએ હવે મલય તરફ જોયું, તેનો ચેહરો સુંદર પણ જાણે સુકાય ગયો હોય તેવો ભાવવિહીન, રેખાહિન, આંખોમાં એક તેજ, એક મોહિની, ઓન ઊંડું ગરકાવ થયો ગયેલું જીવન હોય એવી નિષ્પ્રાણ આંખો. આવો વિચિત્ર ચેહરો મલય નિહાળી રહ્યો હતો, ત્યાં પેલી એ જવાબ વાળ્યો,-“ સ્ત્રી છું. નામ તુલસી… તુલસી ગોર…”
મલય:- “ ક્યાંથી આવો છો?”
તુલસી:- “ લાખાંપર”
મલય:- “ તો અહીંયા કેમ બેઠા છો? ક્યાં જવું છે?”
તુલસી:- “ જ્યાં જવાનું હતું તેના માટે હવે બહું મોડું થઈ ગયું છે.”
મલય:- “ કેમ?! મોડું થઈ ગયું એટલે હું કય સમજ્યો નહીં.!”
તુલસી:- “ એ તમે સમજશો પણ નહીં.”
મલય:- “ હું રાજકોટ જઇ રહ્યો છું, તમારે આવવું હોય તો હું પહોંચાડી શકું.”
તુલસી:- ( નિઃસાસો ખાતા) “ હવે બહુ મોડું થઈ ગયું છે. તમે તમારા રસ્તે જાવ, હું મારા રસ્તે…”
મલય “ ભલે સારું.” આટલું બોલીને ત્યાંથી પોતાની કાર તરફ ચાલવા લાગ્યો. તેને આ વર્તન અને વાર્તાલાપ વિચિત્ર લાગ્યો, દિલમાં રહેલો ડર વધવા લાગ્યો. તેને કારનો દરવાજો ખોલ્યો ત્યાં તુલસી કારની પાસે ઉભી દેખાઈ, મલયનું હ્રદય જાણે એક ધબકારો ચુકી ગયું હોય એમ થંભીને પાછું ગતિમાન થયું. તુલસીના ચેહરા પર એક ભેદક રહસ્યમયી સ્મિત હતું. મલયની નજર તેની સાથે મળતા તેને મલયને કહ્યું,
તુલસી:- “ મારું એક કામ કરશો?”
મલય:- “હા” (બહું મોડું થયો ગયું આ વાક્ય હજુ તેના મગજમાં ટંકારવ કરી રહ્યું હતું, અનેક શંકાઓ જન્માવી રહ્યું હતું એટલામાં આ છોકરીને વળી મારુ શું કામ હશે?)
તુલસી:- “ આ કવર મારા ભાઈ સુધી પહોંચાડી દેશો?”
મલય:- (કવર હાથમાં લેતાં) “શું છે આ?”
તુલસી:- “સંપેતરૂ”
મલય:- “ક્યાં રાજકોટમાં રહે છે તમારો ભાઈ?”
તુલસી:- “સરનામું પાછળ લખેલું છે.”
આટલું બોલી તે ચાલતી થઈ અને માઈલ્સટોન વટાવી ઘેરી અંધારી સીમમાં જતી રહી. મલય થોડીવાર ત્યાં જ ઉભો ઉભો તેને શોધતો રહ્યો પણ તે ન દેખાઈ એટલે તે કારમાં બેઠો અને કાર સ્ટાર્ટ કરી રાજકોટ તરફ ગતિમાન થયો. પેલું કવર તેને કારના ડેસ્કમાં મૂકી દીધું અને કાલ સવારે ઓફિસે જતાં પહેલાં પોતે તે એડ્રેસે પહોંચાડી દેશે એમ નક્કી કર્યું. તુલસીના પેલા શબ્દો હજુ તેના કાનમાં ગુંજી રહ્યા હતાં. રાતનું અંધારું, તીદડાં-ફૂડદાનું તીણું સંગીત, પવનના સૂસવાટા અને કારમાં વાગતું ટેપ આ બધા વચ્ચે ખોવાયેલો મલય ક્યારે ઘરે પહોંચી ગયો કોઈ ખ્યાલ જ ન રહ્યો. આખા રસ્તે ફરી ફરીને તુલસીના જ વિચાર આવતા હતાં, ‘ કેવી વિચિત્ર છોકરી હતી, અડધી રાતે આમ અડધે રસ્તે એકલી બેઠી કોણ જાણે કોણ હશે, કોની રાહ જોતી હશે, અને આ સંપેતરૂ… શું હશે આ સંપેતરૂ!!? કોના માટે હશે?!’ મલય ઘરે પહોંચી ગયો, જમવાનું બનાવીને જમ્યો, સુવાં માટે બેડરૂમમાં ગયો પણ તેના મનમાં આવા વિચારો ના વમણાં જ ચાલી રહ્યા હતાં. વારે વારે તેના કાં માં પેલું વાક્ય ગુંજતું હતું ‘હવે બહું મોડું થઈ ગયું છે.’ વિચારને વિચાર માં તેને ક્યારે ઊંઘ આવી ગઈ ખબર જ ન પડી.
સવારનાં સાડા સાતનો એલાર્મ રાડો પાડી પાડીને મલયની ઊંઘને તોડવા લાગ્યો. મલયે આંખો ખોલી તો બારી માંથી આવતાં અજવાળાને લીધે ફરીથી મિચાઈ ગયી, માથું ભારે ભારે લાગતું હતું, જાણે કેટલીય રાતનો ઉજાગરો હોય અને આજ રાત તે સૂકુંનથી સૂતો હોય. તે જાગ્યો, નાહ્યો, નાસ્તો કર્યો અને ઓફીસ માટે જવા માટે તૈયાર થતો હતો ત્યાં તેને પેલું કવર યાદ આવ્યું. પોતે રાતે વિચાર વિચારમાં કવર પરનું એડ્રેસ તો વાંચતા ભૂલી જ ગયો. તે ઘરમાંથી બહાર નીકળ્યો અને કાર પાર્ક કરી હતી ત્યાં ગયો, કારમાંથી પેલું કવર લઈને કાર લોક કરી તે પાછો ઘરમાં આવ્યો અને સોફા પર લંબાવી તેને કવર પર લખેલું સરનામું વાંચ્યું- ‘ “ચિત્રકૂટ”, શિવાજી પાર્ક, સ્ટ્રીટ નં-૩, એરપોર્ટ મેઈન રોડ, રાજકોટ.’ કવર પરનાં અક્ષર આછાં થઈ ગયા હતાં, માનો કેટલાય વર્ષો પહેલાં લખાય ગયા હોય. પણ વધુ વિચાર આવે તે પહેલાં સામે દિવાલપર ટાંગેલી ઘડિયાળે સાડા આઠ વાગી ગયા છે એમ કહ્યું. મલય ફટાફટ પોતાનું બેગ લઈ, પેલું કવર પોતાના ખિસ્સામાં રાખી ને ઘર લોક કરી કાર તરફ આગળ વધ્યો. કારમાં બેસી તેને પેલું કવર ફરી એકવાર જોયું અને તેને ડેસ્કમાં મુક્યું. કાર ચાલવા મંડી, રાજકોટના વિશાળ પણ ભરચક રસ્તા પર મલયની કાર અને વિચારો બન્ને દોડી રહ્યાં હતાં. કાર એરપોર્ટ રોડ પર પહોંચી ત્યારે મલયે સ્ટ્રીટ નં-3 શોધવા માંડ્યું, ભવ્ય વૈભવશાળી બંગલાઓની હરમાળાના છેડે આવેલાં એક સાઈનબોર્ડ પર સ્ટ્રીટ નં-3 લખેલું જોઈ તેને કાર તે રસ્તે વાળી. અંદર પ્રવેશતા તેને જોયું કે બધાં બંગલાઓ ભવ્ય અને વૈભવથી છલકાતાં એક જ સરખાં બાંધકામવાળા પણ અલગ અલગ રંગેલાં હતાં. તેણે કાર રસ્તાની બાજુએ પાર્ક કરી ને ચિત્રકૂટ બંગલો શોધવા લાગ્યો. થોડી દૂર ચાલ્યાં પછી તેણે લોખંડના દરવાજાની બાજુમાં અને નાઈટ લેમ્પની નીચે ગોઠવાયેલી નેમપ્લેટ પર ‘ચિત્રકૂટ’ લખેલું વાંચ્યું, નીચે બંગલોના માલીકનું નામ પણ લખેલું હતું- ‘સંપત ગોર’. મલયને હવે વિશ્વાસ થઈ ગયો કે આ તુલસીના ભાઈનું જ ઘર છે. તેણે ગેટ પરની ડોર બેલ વગાડી. થોડી ક્ષણો બાદ ઘરની કામવાળી બાઈએ ગેટ ખોલ્યો અને પૂછ્યું – “કોનું કામ છે ભાઈ?”
મલય:- “આ સંપત ગોર નું જ ઘર છે ને?”
પેલીએ હાં માં માથું ધુણાવી અંદર આવવાં કહ્યું. મલય ગેટ બંધ કરી તેની પાછળ ચાલવાં લાગ્યો, ઘરનાં હોલમાં પહોંચી પેલી સ્ત્રીએ સોફાને દર્શાવીને કહ્યું,- “ અહીં બેસો, હું બોલાવું છું સાહેબને”, આટલું બોલી તે અંદર જઈ દાદરા ચડતી ઉપર જતી રહી. મલય બેસતાં અચકાયો પણ તેની નજર ઘરની સજાવટ પર ફરવાં લાગી, છત પર રહેલી પ્લાસ્ટર ઓફ પેરિસની ભાત, લટકેલું અદભુત ઝુંમર, નાઈટલેમ્પસ, LED ટીવી, સોફા, ટેબલ વગેરેને નીરખી નીરખીને તે જોવા લાગ્યો. તેને પોતાના ઘરમાં પણ આવા શણગારનાં સપનાં આવ્યાં. વિચારોની આ શ્રેણી દાદરાં પરથી ઉતરતી આવતી વ્યક્તિના પગરવના અવાજ સાથે તૂટી. મલયે દાદરા તરફ જોયું, એક 45 વર્ષનો વ્યક્તિ, દેખાવે સામાન્ય, વૃધ્ધાવસ્થાનો પ્રવેશ દેખાડતાં સફેદ વાળની કિનારીઓ, મજબૂત શરીર, ચેહરા પર તેજસ્વી શૂન્યતા, ધીમી ચાલ સાથે તે તેમની તરફ આવી રહ્યા હતાં. પાસે આવી પોતાનો હાથ આગળ કરીને તે વ્યક્તિ બોલ્યો,-“ હા, હું પોતે જ સંપત ગોર. આપને મારું કશું કામ હતું? આવો બેસીને વાત કરીએ.”
મલય:- (સોફા પર બેસીને આડકતરો સવાલ પૂછે છે) “સંપતભાઈ, તમે કોઈ તુલસીને ઓળખો છો?”
સંપત:- (આશ્ચર્ય સાથે) “હા, તુલસી મારી નાની બહેન હતી. પણ તેનું શું? ”
મલય:- (પોતે સાચી જગ્યાએ આવ્યો છે એવી નિરાંત થી) “ગઈકાલે રાતે હું અમરેલી થી રાજકોટ આવતો હતો ત્યારે તે મને રસ્તામાં મળ્યાં હતાં, તેમણે મને તમને એક સંપેતરૂ આપવાં કહ્યું છે.”
સંપતની આંખો ફાટી રહી, તેને સુ બોલવું તે સુજ્યું જ નહીં, શબ્દો ગળા માં જ અટવાય ગયા હોય તેમ તે બોલ્યો,- “શું વાત… કરો છો!!! એવું બની જ ન શકે…”
મલયને હવે સંપતનું વર્તન વિચિત્ર લાગ્યું, પણ તેને આગળ વધાર્યું,
મલય:- “અરે, કાલે રાતે સાડા આઠ આસપાસ એમને મને એક કવર આપ્યું, તેમાં તમારું એડ્રેસ લખેલું હતું, એટલે જ તો હું તમારા સુધી પહોંચ્યો.”
સંપત:- (થોડો સ્વસ્થ થઈને) “પણ એ કઈ રીતે બની શકે!! મારી બહેન તુલસીનું તો પાંચ વર્ષ પહેલાં જ એક રોડ અકસ્માતમાં મૃત્યું થઈ ગયું હતું. રક્ષાબંધનમાં તે મારી પાસે લાખાપરથી અહીં આવી રહી હતી અને રસ્તામાં આ ઘટના બની હતી, અને તમે કહો છો કે એ કાલે રાતે તમને મળી.!! સવાર સવારમાં કેમ અમારી મજાક કરો છો સાહેબ.”
મલય:- (આઘાતથી બેબકળો થઈ ગયો હોય તેમ) “પણ… તેને મને કવર..
પેલું કવર યાદ આવતાં તે પોતાને સાચો સાબિત કરવાં ઘરની બહાર દોડ્યો, સંપતભાઈ પણ તેની પાછળ ઘરની બહાર આવ્યાં. મલય દોડીને પોતાની કાર પાસે પહોંચ્યો અને ડોરલોક ખોલી તેને પેલું ડેસ્ક ખોલ્યું ક જેમાં સવારે તેને પેલું કવર-પેલું સંપેતરૂ રાખેલ હતું. ડેસ્ક ખુલતા જ તે સ્તબ્ધ થઈ ગયો, આખો દેહ જડ થયો ગયો, ધબકારા-શ્વાસ બધું જ જાણે થંભી ગયું. ડેસ્ક ખાલી હતું, તેમાં કોઈ કવર – કોઈ સંપેતરૂ ન હતું. કારમાં ગીત વાગવા લાગ્યું,-“બે પનાહ પ્યાર હૈ આજા… તેરા ઇન્તેઝાર હૈ આજા…”
***