વેર વિરાસત
ભાગ - 45
પેરીસથી મુંબઈની ફ્લાઈટ જેટલેગ લાગે એટલી લાંબી હોતી નથી છતાં માધવીને લાગી હતી.
મુંબઈ આવ્યાને બે દિવસ થવા આવ્યા છતાં શરીરનો થાક જાણે સાથ જ છોડવા માંગતો નહોતો તેમ અકારણે જ સુસ્તી વ્યાપી રહી હતી. એ થાક હતો કે મનમાં ચાલી રહેલાં ઘમાસાણનો સંતાપ ?
ન સમજાય એવી વાત માધવી માટે નહોતી કે ન તો આરતીમાસી માટે. વર્ષોથી એક તાંતણે જોડાયેલાં મન અચાનક જ જોજન દૂર થઇ ગયા હતા એની દાહ પણ પજવી રહી હતી.
'માસી, તમે એટલું તો માનશો ને કે જે પણ થયું તે યોગ્ય નથી થયું ??' માધવીએ જેટલીવાર પોતાની ખામોશી તોડવા કર્યો ત્યારે ન ચાહવા છતાં એ જ વાત બહાર આવી જતી અને એ સાથે જ માસી મૌનવ્રત ધારણ કરી લેતા.
માધવી સાથે ઘર્ષણ ટાળવું હોય તો પછી થોડા દિવસ આ અસ્ત્ર અપનાવે જ છૂટકો એવા કોઈક નિષ્કર્ષ પર પહોંચ્યા પછીસંયમ જાળવવો હોય તેમ ચૂપ રહેવું પસંદ કરી લીધું હતું.
'..... અને રિયાનું વર્તન તો જુઓ !! બે દિવસથી હું આવી છું, થાકી છું, ગેલેરી પર નથી ગઈ, છતાં છે એને કોઈ પરવા ? એ તો પોતાની જ દુનિયામાં વિહરી રહી છે ને ! મા હોય ન હોય શું ફરક પડે છે એને ?'
માધવીનો રોષ અસ્થાને પણ નહોતો.
ખરેખર તો માધવીની ખફગીનું સૌથી મોટું કારણ તો હતું કે રિયાએ સેતુમાધવન સાથે ફિલ્મ કરવાની જાણ સુધ્ધાં કરવી જરૂરી નહોતી સમજી . બાકી હોય તેમ માસી એમાં પણ એની તરફદારી કરતાં હોય એમ એને પક્ષે ઉભા રહ્યાં હોવાનું માધવીએ માની લીધું હતું .
'રિયાને તો સાચી વાતની જાણ નથી. એનો શું વાંક કાઢવો ? પણ તમને હું શું કહું, માસી ? માધવીનો રોષ થોડીથોડી વારે બારૂદની જેમ ભડકતો રહ્યો હતો : જો હું તમારી સગી દીકરી હોત તો? તો તમે રિયાને આવું કરવા દેત ? ' માધવીના રોષે માઝા મૂકી દીધી હતી. અજાણે બોલાયેલાં શબ્દો આરતીને સોંસરવા ઉતરી લોહીલુહાણ કરવા પૂરતાં હતા.
ચૂપચાપ માધવીના વર્તનથી હતપ્રભ રહી ગયેલી આરતી માટે આ છેલ્લો ધક્કો હતો. વર્ષો સુધી જપતપ અને ધ્યાન સાધનાથી કેળવાયેલી સ્થિતપ્રજ્ઞતા ચલિત થઇ ચૂકી હતી અને દિલદિમાગનો પર કબજો કરી લીધો ઝંઝાવાતે.
માધવીને આવું બોલવા પૂર્વે એક ક્ષણ માટે વિચાર સુધ્ધાં ન આવ્યો ? આરતીના દિલનો ચચરાટ તેજ થઇ રહ્યો : શું નહોતું કર્યું માધવી માટે ?? છેલ્લાં અઢી દાયકા, પૂરેપૂરી રીતે વિસરી ગઈ હતી પોતાની દુનિયાને, જેને માટે ગુરુજીને કોલ આપ્યો હતો... મારી આરુષિમાંથી મારી માધવી ક્યારે થઇ ગયું એ તો ખ્યાલ જ નહોતો રહ્યો અને એમાં ઉમેરણ થયું વ્યાજનું, રિયાને રોમાનું.. અઢી દાયકામાં તો ગઈ હતી કે માધવી પોતાની કૂખે જન્મેલી નહીં બલકે આરુષિની દીકરી છે, પણ માધવી ? એને મન એ માસમાન જરૂર હતી પણ મા નહોતી એ તો આજે સમજાયું.
આરતીએ આંખો મીચી દીધી. આંસુ સાથે તો કદી દોસ્તી રહી નહોતી, એ વરદાનથી કાયમ બાકાત રહી ગઈ હતી.
રણ જેવી શુષ્કતા વ્યાપી રહી તનમનમાં...
માધવીના મનમાં પોતાની સાથે રમત રમાઈ ગઈ એ વિચાર આવ્યો એ જ વાતે માસીભાણેજ વચ્ચે માદીકરી જેવા સંધાનને એક ક્ષણમાં જામગરી ચાંપી દીધી હતી.
માધવીને તો આ વિષે હવે કોઈ વધુ વાત નહોતી કરવી અને રિયા પોતાની ધૂનમાં મસ્ત હતી.
રિયાના શિડ્યુલ જ ભારે ટાઈટ હતા. આર. સેતુમાધવનના નામને ભલે થોડો ઘસારો પડ્યો હોય પણ એ ડૂબે એવું જહાજ નહોતું. જેમ જેમ માધવન અને મધુરિમાના બ્રેકઅપની ગુસપુસ ઇન્ડસ્ટ્રીમાં ચર્ચાતી થઇ હતી ત્યારથી માધવનના માથે ટેન્શન પણ વધી ગયું હતું. એ સંજોગોમાં શક્ય એટલી ઝડપથી ફિલ્મ પૂરી કરવાની હતી. ન તો શિફ્ટ જોવાની હતી ન બ્રેક. એ બધી વાતોની અસર ફિલ્મ સાથે સંકળયેલા સહુકોઈ પર પડ્યા વિના થોડી રહેવાની હતી?
ડબલ શિફ્ટમાં શૂટિંગ ચાલતું અને ક્યારેક તો એવું પણ બનતું કે સવારે સહુ કોઈ ઉઠે એ પહેલા રિયા નીકળી ચૂકી હોય.
'તમે જોજો હજી તો રિયાને ખબર નથી કે આ આર સેતુમાધવન છે કોણ ? એને જે દિવસે ખબર પડી કે.....' માધવી આગળ વધુ ન બોલ્યા વિના ચૂપ થઇ ગઈ.
'ખબર પડશે તો ખરી ને એક ને એક દિવસે...., દુનિયા તું ધારે છે એથી ઘણી નાની છે મધુ....'
માસીની વાત ખોટી નથી એમ માનતી હોય તેમ માધવીએ એક ઊંડો શ્વાસ ભર્યો : એનું જ તો દુઃખ છે ને... તમે મારાથી દુભાયા છો એનો મને ખ્યાલ છે માસી પણ કારણ નથી સમજાતું પણ ન જાણે કેમ મનમાં કોઈક અજંપો ઘર કરતો ચાલ્યો છે. આવું તો ક્યારેય નથી અનુભવ્યું... કશુંક અમંગળ....મને રહી રહીને ફડક લાગ્યા કરે છે. રિયાને જયારે જાણ થશે કે એ કોની દીકરી છે ત્યારે એ એના બાપને તો નહીં જ બક્ષે પણ આખી વાત તમને ખબર હતી છતાં સત્યથી એને અજાણ રાખવા માટે એ તમને પણ નહીં માફ કરે...
માધવીનો ઉશ્કેરાટ નીકળી જાય ત્યારે મંદ થતો પણ ફરી દરિયામાં ભરતી આવે એમ થોડાં કલાકમાં જામવો શરુ થઇ જતો હતો.
કોઈ પ્રતિક્રિયા દર્શાવ્યા વિના ચૂપચાપ વાત સાંભળી લીધા સિવાય વિકલ્પ પણ ક્યાં બચ્યો હતો આરતી પાસે ? ઘડીભર ઈચ્છા થઇ આવી સાચી વાત કહી દેવાની, રિયા જાણશે ત્યારે ? અરે !! રિયા જાણી ચૂકી છે, માત્ર એના પિતા વિષે જ નહીં એના નાના નાની, ને મારા વિષે પણ....
આરતીએ હોઠે આવેલાં શબ્દો ગળી જવા પડ્યાં.
માધવીના મનની સ્થિતિ જોઇને પરિસ્થિતિ સાચવી લેવાની હતી.
રિયાને ન કહેવાની રાઝભરી વાતો કહી નાખી ને પોતે ભારે ભૂલ કરી નાખી એવા સંતાપથી આરતીનું મન ભરાઈ ગયું. એ હવે માધવીને કહી દેવાથી વચ્ચે પડી ચુકેલી ખાઈ વધુ ઊંડી થવાની છે એમ કેમ લાગતું હતું ?
પહેલીવાર એવું બની રહ્યું હતું કે કોઈ અજ્ઞાત ભય આરતીના મનમાં ઘર કરતો ચાલ્યો હતો.
એ સંજોગોમાં સૌથી શ્રેષ્ઠ વિકલ્પ એકમાત્ર હતો, અહીંથી ખસી જવાનો, વધુ નહીં તો થોડા સમય માટે પણ. માધવી આવી જાય પછી આશ્રમ આવીશ એવું મન તો બનાવી જ લીધું હતું. કુસુમ એ જ આશ્વાસન સાથે ગઈ હતી, તો પછી.....
'મધુ, તને જણાવવું તો હતું જ પણ થયું કે તું એકદમ સ્વસ્થ થાય, કામે લાગી જાય પછી કહું....' આરતીએ સવારે ચા પીતાં પીતાં વાત છેડી દીધી.
માધવીની નજર એ સાથે જ સામે લાગેલા ટાઈમપીસ પર ગઈ. સવારના સાડા નવ થઇ રહ્યા હતા. માસીની પૂજા પછીનો ચાનો સેકન્ડ રાઉન્ડ, સામાન્યપણે એ વખતે પોતાનો ગેલેરી જવા માટે તૈયાર થવાનો સમય પણ પેરીસથી આવ્યા પછી તો જાણે શિડયુલ જેવી કોઈ સિસ્ટમ જ રહી નહોતી.
નહાવા જવાનો વિચાર કરીને ઉભી થવા ગયેલી માધવી બેસી જવું પડ્યું માસીની વાત સાંભળીને.
'હા, બોલો, સાંભળું છું. ' માધવીના વર્તનમાં અજબ ખારાશ ઘોળાઈ ચૂકી હતી.
રાતથી મનમાં ઘૂમતી રહેલી વાત હવે કહી દીધા વિના છૂટકો નહોતો. આરતીએ મનને સાબૂત કરવું હોય તેમ એક ઊંડો શ્વાસ ભર્યો.
' તું ને રિયા પેરીસ ગયા તે ગાળામાં કુસુમ આવી હતી.... આપણી વાત થઇ હતી ફોન પર, જો તને યાદ હોય તો ?'
'હા, યાદ છે ને, પણ એનું શું ? એ તો ગઈ ને હવે.... ' માધવીએ જરા કંટાળાથી કહ્યું. કુસુમનું નામ સાંભળીને જ એના ચહેરા પર અણગમો દેખીતી રીતે છતો થયો હતો.
'હા, પણ મેં તને એ પણ કહ્યું હતું કે એ આવી હતી મને લેવા. એ થોડી મુસીબતમાં છે, એને મારી મદદની જરૂર હતી... પણ...'
'પણ શું માસી ? આવી ગયા કે એ ચોરટીની વાતોમાં ? એને તમારી સાથે શું કર્યું હતું બધું ભૂલી ગયા ? પણ તમે ભલે ભૂલ્યા હો, હું નથી ભૂલી... ન તો ભૂલીશ.
'મધુ, બોલે એ પહેલા વિચાર... જે થઇ ગયું તે.. પણ અપશબ્દો ન વપરાય, એ સંન્યસ્ત જીવનમાં છે.'
'સોરી માસી, હું નથી માનતી આ પ્રકારના સંયમ અને સંન્યસ્ત જીવનને. બધું સંસાર જેવું તો છે. જયારે જમી જવું હતું ત્યારે તો.....!!'
'એ બધી જૂની વાતો દોહરાવવાનો કોઈ અર્થ ? મધુ, હું તો તારા પાછા ફરવાની રાહ જ જોતી હતી. મારે એકવાર તો જવું જોઈએ. આખરે તો આશ્રમની જવાબદારી ગુરુજીએ મારી પર મૂકી હતી. એ નિભાવવામાં હું પાછી પડી... '
'એટલે ? તમે કરવા શું માંગો છો ? ' માધવીના ચહેરા પર અકળામણ છતી થઇ આવી.
માસી હવે જિંદગીનો એ હિસ્સો બની ચૂક્યા હતા કે એમનું પાછું આશ્રમમાં જવું એ વિચાર જ માધવીને ખળભળાવી મૂકવા પૂરતો હતો.
માસીના આશ્રમ જવાની વાતને કારણે થઇ રહેલો ઉદ્વેગ ભારે બોલકો હતો. રોમા પેરીસ ગઈ કે રિયાએ ફિલ્મોમાં પ્રવેશ કરવાની મનમાની કરી ત્યારે જેવો ચચરાટ ન થયો તે હવે થઇ રહ્યો હતો.
એને સમજતાં વાર ન લાગી કે છેલ્લાં થોડા દિવસથી ઉંચા થઇ ગયેલા મન જવાબદાર હતા માસીના આશ્રમ પાછા જવાના નિર્ણયને માટે...માસી કદાચ કાયમ માટે આશ્રમમાં રહી જવાનું નક્કી કરી ચૂક્યા હોય તો ? અંધારકુવામાં ઝાંકતી વખતે જેવી દહેશત લાગે તેવી ગરગડી માધવીના પેટમાં ફરી ગઈ.
'માસી, મને તો યોગ્ય નથી લાગતું તમારું ત્યાં જવું.....'માધવીએ બની શકે એટલી કોશિશ તો કરી જોઈ પણ માસીએ જવાબ ન આપતા મૌન જ સેવ્યું. એનો એક જ અર્થ નીકળતો હતો.
રાત્રે રિયા શૂટિંગ પરથી આવી ત્યારે ઘરનું વાતાવરણ જોઇને જ પરિસ્થિતિ પામી ચૂકી હતી.
'શું વાત છે ? આજે તો કોઈ જાણે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ કરવાની હોય એવા મૂડમાં સહુ છે ને, ઈઝ એવરીથિંગ ઓકે ? રોમા તો ઠીક છે ને !!' રિયાએ મજાક કરીને વાતાવરણ હળવું બનાવવાનો વ્યર્થ પ્રયત્ન કર્યો. એથી પણ ન તો માધવીના તંગ ચહેરા પરની રેખાઓ હળવી થઇ ન નાનીનું મૌન તૂટ્યું. રિયા શાવર લઈને ટેબલ પર ગોઠવાઈ. શકુબાઈ એના માટે સૂપ લઇ આવી.
સૂપ પી રહેલી રિયાના ધ્યાનબહાર નહોતું ગયું કે શાંત ચિત્તે બેઠેલા મમ ને નાની ખરેખર તો પોતે વાત માંડે એની જ રાહ જોઈ રહ્યા છે.
' તને ઘરના લોકો માટે કોઈ સમય હોય તો વાત કરે ને !! તને ક્યાં એ બધામાં રસ છે ?' માધવીની જીભ પર વધુ કડવાશ છલકાય એ પહેલા જ આરતીએ એને અટકાવી.
'તું પતાવી લે રિયા, ને અહીં આવીને બેસ...' દૂર કાઉચ પર બેઠેલાં આરતીએ મામલો જાળવી લેવો હોય એમ વાત સાચવી લીધી પણ પોતે જમે ત્યારે સામે બેસીને કંપની આપતાં નાની સામે આવીને બેઠાં નહીં એ વાત નોંધાયા વિના ના રહી .
રિયા ડાયેટ પર હતી. સૂપ પછી બે ક્રેકર્સ ખાવાથી ડિનર પતી ગયું, એટલે આવીને બેસી ગઈ હતી મમ ને નાનીની વચ્ચે.
'નાની તો જવા માંગે છે હિમાચલ.... ' શરૂઆત માધવીએ કરી.
'અચ્છા ? નાની, તમે પહેલા તો ના કહેતા હતા ને ?' રિયાએ નિર્દોષરીતે પૂછ્યું .
'એટલે ? પહેલા આ વાત ચર્ચાઈ ચૂકી છે ? 'માધવી ઉછળી.
'અરે મધુ !! રિયા પેરીસથી આવી ત્યારે કુસુમ અહીં જ હતી. રિયા આવી એટલે એ ઉછળકૂદ કરવા લાગી કે હવે શું સમસ્યા છે ? હવે ચલો ને ચલો .'
'હા, નાની ઈઝ રાઈટ...' રિયાએ માથું ધુણાવ્યું.; પણ નાનીએ કુસુમ આંટીને ના પાડી દીધી કે તમે આવશો પછી જ વાત.'
માધવી જરા છોભીલી પડી ગઈ હોય તેમ નીચે જોઈ રહી.
પોતે એક નાની સરખી વાતમાં માસી સાથે કેવી છેડાઈ ગઈ, એ માસી સાથે જેને આખી જિંદગી પોતાને નામે લખી આપી હતી.
'નાની, પણ તમે આશ્રમ જશો તો પણ પંદર વીસ દિવસ માટે ને ? વધુમાં વધુ એકાદ મહિનો , તો શું થઇ ગયું ? ' રિયા માધવી તરફ વળીને બોલી : હું તો કહું છું મમ, તમે પણ જાવ સાથે, તમને પણ એક ચેન્જની જરૂર છે.'
રિયાના ખુશમિજાજ મૂડથી ઘણાં દિવસોથી વાતાવરણમાં તરી રહેલા ભારેખમ ટુકડાં અચાનક જ વેરવિખેર થઇ ગયા હોય તેમ માહોલ ફરી ગયો.
ક્ષણ માટે આરતીને ફડકો પેઠો હતો કે ક્યાંક રિયા કોઈક ફિલ્મને લગતી વાત છેડશે તો થઇ રહ્યું, મહામહેનતે થયેલું સંધાન તૂટી પડશે પણ એવી કોઈ પરિસ્થિતિ જ ઉભી ન થઇ. ન રિયાએ કોઈ વાત કાઢી, ન માધવીએ જાણવા માગી.
એ દિવસની વાતચીતે વાતાવરણમાં રહેલો હિમ જરૂર પીગળાવી દીધો હતો છતાં, દિવસ વીતી ગયા પણ એક છત નીચે રહેલી ત્રણ સ્ત્રીઓ વચ્ચે કોઈ અદ્રશ્ય દીવાલ રચાયેલી રહી. જેનું કારણ અન્ય કોઈ નહીં ને આરતી જ હતી.
આરતીના મનનો ભાર હતો રિયાને કરેલી રાઝની વાત, અજાણતાં જ થઇ ગયેલા માધવીના દ્રોહ જેવો લાગી રહ્યો હતો. માધવીનો ભાર એના મનમાં ધૂંધવાઈ રહેલો રોષ હતો. પોતાની ગેરહાજરીમાં રિયાને સેતુમાધવનની ફિલ્મ કરતાં માસીએ વારી કેમ નહીં ?
ને રિયાના મનમાં તો એક માત્ર ભાર હતો. પોતે હાથે ધરેલા અભિયાનને પાર કેમ પાડવું ?
આરતીના લાખ ચાહવા છતાં એ માધવીને કહી ન શકી કે રિયા બધું જાણી ચૂકી છે. ન તો રિયાની સાથે દિલ ખોલીને કોઈ વાત કરવાનો મોકો મળ્યો ને
આશ્રમ જવાનો નક્કી કરેલો દિવસ તો આવી ગયો .
આરતી પાસે સામાન નહીવત હતો છતાં દિલ પર લદાયેલાં બોજનું વજન ભારેખમ હતું.
પહેલા તો વિચાર એવો થયેલો કે માધવી પણ માસી સાથે હિમાચલ જાય, બે ચાર દિવસ રહી ને પછી આવે પણ પછી માસીની ના પર જ એ પ્રોગ્રામ ફેરવાયો.
માધવીની તબિયત નરમગરમ રહેતી હતી ને માસીએ ક્યાં વધુ રહેવાનું હતું ? એના કરતા તો ડ્રાઈવર કિશોરને જ માસીની સંગાથે જાય ને મૂકી ને પાછો આવે.
એરપોર્ટ પર ફ્લાઈટની રાહ જોતાં જોતાં આરતીને જે પૂર્વાભાસ થયા હતા એ વધુ ન સતાવે એ માટે આરતીએ બાજુમાં બેઠેલા કિશોર પાસે રહેલું અખબાર હાથમાં લઇ વાંચવામાં મન પરોવ્યું. અખબારના ચમકી રહેલા એક સમાચારે તેનું ધ્યાન ખેચ્યું, એ સમાચાર હતા આર સેતુમાધવનના વળતાં પાણીના. જેમાં ઉલ્લેખાયેલી વાત હતી માધવન અને મધુરિમાના બ્રેક અપની, માધવનના નવા આવાસની, નવા પ્રોજેક્ટ હેઠળ બની રહેલી નાના બજેટની ફિલ્મની, જેની હિરોઈન હતી રિયા, અને રિયાવાળી આ ફિલ્મ પર અવલંબતી હતી માધવનની કારકિર્દી ને એની જિંદગી.
આરતીએ અખબાર બાજુએ મૂકી દીધું. આ બધા પૂર્વાભાસમાંથી છૂટવા તો અખબાર હાથમાં લીધું હતું ત્યાં તો એની એ જ વાત. એટલીવારમાં જ બોર્ડીંગ અનાઉન્સમેન્ટ શરુ થઇ એ ભારે રાહતરૂપ લાગી.
***
માસીના ગયા પછી પણ માધવી લિવિંગ રૂમની દરિયા તરફ પડતી વિન્ડો પાસે રોકિંગ ચેરમાં ઝૂલતી રહી. કોઈ અજબ ઉદાસી મનને ભરતી ચાલી. માસીના જવાને કલાક પણ નહોતો થયો કે અજબ સુનકાર ઘેરી વળ્યો હતો ઘર ને, મનને.
માધવીએ બેડરુમમાં જઈ પડતું મુક્યું. સવારના સમયે આવી સુસ્તી તનમને અનુભવી હોય એવું પહેલીવાર બન્યું હતું .
ફ્લાઈટ ઉપડવાની તૈયારીમાં હશે.... માધવીએ વિચાર્યું. શરીર વિના કોઈ કારણ કળી રહ્યું હતું. મન ઉદાસ હોય તો એની અસર શરીર પર પડ્યા વિના ન જ રહેવાની. એવું જ કંઇક થઇ રહ્યું હતું માધવી સાથે. આ કળણમાં વધુ ન સરકી જવાય એવી સાવધાની સાથે માધવીએ પોતાની જાતને સંભાળી લીધી. ગેલેરી પર એક ચક્કર મરવું જરૂરી હતું. માધવી તૈયાર થઈને નીચે ઉતરી. ડ્રાઈવર કિશોર તો માસીની સાથે હિમાચલ ગયો હતો એટલે નીચે ઉતરીને માધવી ટેક્સીમાં ગોઠવાઈ. એક હળવા ઝટકા સાથે ટેક્સીએ ગતિ પકડી અને દરિયા પરથી વહીને આવતી ખારી હૂંફાળી હવા ખુલ્લા કાચમાંથી અંદર ધસી આવી. ટેક્સીવર્ષો સુધી એસીની ઠંડી હવામાં શ્વાસ લેવાની આદતે દરિયાની હવાની ખુશ્બુ તો સાવ વિસારે પાડી દીધી હતી. વર્ષો પછી એ ખરી હવાની લહેરખીઓ મનમાં રાજાની યાદ તાજી કરી ગઈ.
જિંદગી પણ શું અદભૂત કેલિડોસ્કોપ હોય છે !! માધવી વિચારી રહી. એક હળવો સ્પર્શ ને અંદર આખી ભાત ફેરવાય જાય. !!
સડસડાટ દોડી રહેલી ટેક્સી સાથે મનમાં ચાલી રહેલા વિચારો સ્પર્ધામાં ઉતર્યા હતા.
એ પણ કેવી અજબ વાત હતી કે બાપ દીકરી એક સાથે કામ કરી રહ્યા હતા. જેની જાણ ન તો દીકરીને હતી ન પિતાને !!
શું માસ્ટરપ્લાન હશે નિયતિનો ?
ધારો કે એવું કંઇક બને ને રાજ ને રિયા સામે એ રાઝ ખુલી જાય તો ? તો બંનેના પ્રતિભાવ શું હોય શકે ?
જે કોઈ કાળે શક્ય ન હોય તેવી અતરંગી કલ્પના કરવામાં પહેલીવાર ન કોઈ ચચરાટ હતો,વર્ષો સુધી સંઘરી રાખેલી કડવાશમાં તો હવે કોઈ લિજ્જત પણ નહોતી રહી. એટલે આ નવી કલ્પના થોડું ઇંધણ બની રહી.
અચાનક જ ધ્યાનસમાધિ તૂટી, ટેક્સી ટ્રાફિકમાં રેડ સિગ્નલ પર રોકાઈ.
એ સાથે જ બપોરના અખબાર વેચતો ફેરિયો બારી સુધી ધસી આવ્યો અને ખુલ્લા કાચમાંથી ટેબ્લોઈડ પેપર આગળ ધર્યું.
'નહીં ચાહિયે...' માધવીએ કંટાળાપૂર્વક કહ્યું તો ખરું પણ એની નજર પહેલે પાને છપાયેલાં ન્યુઝ પર ચોંટી ગઈ.
ન્યુઝ હતા સેતુમાધવનના હોસ્પિટલભેગાં થવાના....
માધવીએ ઝડપભેર પેપર ખેંચી લીધું. બોલ્ડ અક્ષરોમાં લખાયેલી વાત તો એક જ સૂર કહેતી હતી, સેતુમાધવનને આવેલો બ્રેઈન સ્ટ્રોક જીવલેણ સાબિત થઇ શકે છે . રીપોર્ટરે કાળજીથી ઝીણી ઝીણી વાતો એકથી કરીને બે ત્રણ પૂરક સ્ટોરીઓ પણ લખી હતી. પર્સમાં હાથ નાખીને હાથમાં આવી તે નોટ થમાવી માધવીએ પેપર લઇ એક શ્વાસે વાંચવા માંડ્યું.
ગ્રીન સિગ્નલ થયું ને ટેક્સી સ્ટાર્ટ થઇ એ સાથે જ માધવીના મનમાં કશુંક ઉગ્યું.
' અરે ભાઈ, ટેક્સી જસલોક હોસ્પિટલ લે લો.....' પોતાનો જ અવાજ માધવીને કંપી ગયેલો લાગ્યો.
સમય મન સાથે વિવાદ કરવાનો નહોતો, એમ કરવામાં પણ આખરે જીતવાનું તો દિલ જ હતું.
જે માણસે પોતાની કિંમત એક પથ્થર જેટલી ન કરી એ આજે આમ હોસ્પિટલમાં પડ્યો છે તેને જોવા જઈ પોતે શું કરવા ચાહે છે ? માધવીએ એકનો એક પ્રશ્ન પોતાની જાતને ત્યાં સુધી પૂછ્યા કર્યો જ્યાં સુધી હોસ્પિટલના પોર્ચમાં ટેક્સી આવીને ઉભી રહી ગઈ.
રીસેપ્શન પર તપાસ કરવાથી ખબર તો પડી કે રાજ આઈસીયુમાં છે, માધવીને થયું કે એ પછી ફરી જાય પણ પગ સાથ જ નહોતા આપી રહ્યા.
પોતાને અહીં આમ આવેલી જોઇને મધુરિમા કોઈ તોફાન ન ઉભું કરી દે... માધવીને પહેલો વિચાર એ સ્ફૂર્યો હતો પણ છતાં મન ખસવાની ના પાડતું રહ્યું.વિઝીટર્સ અવર્સ હતા એટલે એવી શક્યતા તો ઓછી હતી છતાં હળવી ધાસ્તી અનુભવતી રહી.
આઈસીયુની બહારની લોબીમાં જે થોડાં લોકો હતા એમની વચ્ચે થઇ રહેલી વાત પરથી માધવી એટલું તો પામી શકી કે એક તો હતો શમ્મી, ને બીજો હતો રાજેશ, રાજના ડાબા જમણાં હાથ. માધવીની દહેશતભરી નજર ખરેખર તો શોધી રહી હતી મધુરિમાને, પણ ન તો મધુરિમા દેખાઈ ન તો કોઈ ઓળખીતું,
ભાગી છૂટવાની તીવ્ર ઈચ્છા થતી હોવા છતાં માધવી એક તરફ જઈ ઉભી જ રહી. માત્ર બે ફૂટના અંતરે ઉભેલાં ચારેક વ્યક્તિઓ ગહન ચર્ચામાં હતા.
'સર, મારું માનો તો મેડમને જાણ કરો, શક્ય છે એમને આ વાતની જાણ જ ન હોય !!'
'અરે ભાઈ, તું સમજતો જ નથી..રાજેશ... એવું બને કે મેડમને અત્યાર સુધી ખબર ન પડી હોય ? કોઈ પેપરે કશું બાકી નથી રાખ્યું, ને સહુને વધુ રસ પડે કારણકે સર ને મેડમ છૂટાં પડી ગયા છે એ જ તો આ પેપર માટે મસાલો છે. જે સાથે થઇ રહ્યું છે એમની જિંદગીનો સંક્રાતિકાળ, જેને કારણે આ હાઈપર ટેન્શન ને સ્ટ્રોક... સરની જિંદગી અને મોતનો સવાલ છે તે પ્રેસ માટે એક ચટાકેદાર સ્ટોરીથી વિશેષ કંઈ નહીં !! શમ્મીના અવાજમાં ગમગીની હતી.
'હા, પણ તારી વાત સાચી પણ ખરી, એક શક્યતા છે , મેડમ આ ન્યુઝ્થી બેખબર હોય શકે, એ તો એમના નવા હસબંડ સાથે હનીમૂન પર ક્રુઝ પર ગઈ છે ને !!
સ્પેશિયલી રાઉન્ડ પર આવી રહેલા ન્યુમરોલોજીસ્ટ ડોક્ટરની રાહ જોતા ઉભા રહેલા શમ્મી ને રાજેશ વાતમાં મશગૂલ હતા. માધવીના કાન એમની વાતો પર હતા. પણ આ છેલ્લી વાત સાંભળીને એ ચમકી ગઈ. મધુરિમા સાથે રાજના ડિવોર્સ ક્યારે થયા ? એવું તો ન કશું જાણ્યું ન વાંચ્યું....મધુરિમાએ બીજા લગ્ન પણ કરી લીધા ?
ઘડીભર માટે તો થયું કે પોતે આ યુવકો પાસે જઈને વિઝીટર્સ પાસ માંગી અંદર જઈ રાજને જોઈ આવે પણ એવી હિંમત એકઠી ન કરી શકી માધવી. એણે ચૂપચાપ એક તરફ ઉભા રહેવું જ યોગ્ય માન્યું. દિમાગે તો એમાં પણ ઠપકો આપી દીધો હતો. ઘેલી ન બન, આ એ જ માણસ હતો જે પોતાને પેટમાં બાળકીઓ હતી ત્યારે મઝધારે છોડીને ભાગી ગયો હતો, પોતાની સફળતાના શોર્ટકટ ચૂકી ન જવાય એ માટે...
માધવીએ આસપાસ નજર દોડાવી. વિઝીટીંગ અવર્સ પૂરાં થવામાં ખાસ વાર નહોતી. લોબી ખાલી થઇ રહી હતી છતાં માધવન માટે રોકાયેલાં
બંને પોતાના બોસની ચિંતામાં હતા, લોબીમાં વિઝીટર્સ માટે રખાયેલી ચેર ખાલી પડી કે માધવી ત્યાં ગોઠવાઈ ગઈ. હવે એમની વાતો વધુ સાફ રીતે સંભળાઈ રહી હતી.
'નસીબ.... બીજું કંઈ નહીં.... રાજેશ ' માધવીએ જોયું કે બંનેમાં થોડો વધુ યુવાન લાગતો માણસ વધુ નાસીપાસ થયો હોય તેમ ઉદાસ નજર ઢાળીને ઉભો હતો.
'હાસ્તો, બીજું શું ? તમે માનો શમ્મીભાઈ, પણ મને એમને દીકરાની જેમ રાખ્યો, ભણાવ્યો.... બાકી હું તો અનાથ ન જાણે કઈ ગલીમાં ભટકતો હોત!!
માધવી ધ્યાનથી સાંભળી રહી.
'સાચી વાત., બાકી આ માણસે તો સહુ કોઈને તાર્યાં છે, પણ નસીબ જ એવું કે એ જેને ફૂલ આપે તે એમને બદલામાં કાંટા જ આપે . રાજેશ, આપણે તો આખી જિંદગી એમને જોયા છે, નામ દામ શોહરત બધું પણ દિલનો ખૂણો ખાલીખમ. અરે યાર !! સફળતાનો નશો પણ તો જ ચઢે જો એને કોઈ સાથે વહેંચી શકાય....' શમ્મી પોતાના બોસના પ્રેમવિહોણાં ભાગ્ય પર વસવસો કરી રહ્યો હતો.
' મેડમે આવું નહોતું કરવું જોઈતું.... સરની આ હાલત....' રાજેશનો અવાજ ગળગળો હતો.
'અરે ના રે...ભડ માણસ છે, એમ મેડમને કારણે તૂટી ન પડે પણ હા, એમના આ સંક્રાતિકાળમાં જે કંઈ થઇ રહ્યું છે..... 'શમ્મી સાંત્વન આપતો હોય તેમ બોલ્યો.: સરને મન જો કોઈ નશો હોય તો તે છે એનું કામ. જો બધું સીધું પાંસરું પત્યું હોય ને પેલી નખરાળીએ આમ પજવ્યા ન હોત તો સરની આ હાલત ન હોત, બે ફિલ્મ શું કરી માથામાં રાઈ ભરાઈ ગઈ, આજે લીધી ન હોત તો સરને આમ સ્ટ્રોક થોડો આવ્યો હોત?
સન્ન રહી ગઈ માધવી. આ બે વ્યક્તિઓ ક્યાંક રિયાની વાત તો નહોતા કરી રહ્યા ?
સ્ટ્રોક આવવાનું કારણ રિયા હતી ? કઈ રીતે?
ક્રમશ: