વિવિધ પરોઠા
મિતલ ઠક્કર
સ્ટફડ પરોઠા બધાને ભાવે છે પરંતુ બનાવવામાં સમય અને શક્તિ સારા એવા ખર્ચાય છે. ત્યારે અહીં થોડી સરળ રીતે નવીન પરોઠા બનાવી શકાય તેવી રીતો રજૂ કરી છે. તેમાં બાળકોને ભાવે તેવા પૌષ્ટિક સ્વીટ પરોઠા અને આલુ પરોઠા પણ છે. એ ખાસ ધ્યાનમાં રાખો કે છીણેલું ફ્લાવર તથા બટાકાનો માવો કે છીણેલું ગાજર તથા બટાકાનો માવો લોટમાં ભેળવી પરોઠા બનાવી શકાય છે. અને મૂળાની સિઝનમાં સફેદ ભાગનું છીણ તથા મૂળાની ભાજીને ઝીણી સમારી, લોટમાં ભેળવી પરોઠા બનાવી શકાય. આ પરાઠા કૅલ્શિયમ અને વિટામિનોથી ભરપૂર છે અને ટિફિનમાં લઇ જવા માટે આદર્શ નાસ્તો છે. પાલકનું તાજગીભર્યું લીલું રંગ પાલક પરોઠાને પનીર સાથે દેખાવમાં આકર્ષક બનાવે છે અને સાથે સ્વાદિષ્ટ પણ બનાવે છે. તેમાં મેળવવામાં આવેલું કોબી, કોથમીર, લીલા મરચાં અને આદૂનું પૂરણ આ પરોઠાને મજેદાર બનાવે છે. આ સાથે પરોઠા માટે ટિપ્સ આપી છે. તેનો પણ ઉપયોગ કરીને પરોઠાને સ્વાદિષ્ટ બનાવી શકો છો.
ટિપ્સ
* મૂળાના પરોઠા બનાવવાનું પૂરણ ઢીલું થઇ ગયું હોય તો થોડો ચણાનો લોટ ભેળવવો.
*પાલકને બાફી તેને વાટી લોટમાં ભેળવી તેમાં સ્વાદાનુસાર મસાલો નાખી પરોઠા બનાવવા. સ્વાદિષ્ટ તેમજ પૌષ્ટિક પરોઠા બનશે.
* જો શાક વધ્યું હોય તો તેને ફેંકી ન દેતા સવારે તેનાં સ્ટફડ પરોઠા બનાવી દો. તેને વધુ સ્વાદિષ્ટ બનાવવા તેમાં આદુ, કોથમીર અને ફુદીનો ભરપૂર માત્રામાં ઉમેરો.
* બટાકાના પરોઠા બનાવતી સમયે તે મિશ્રણમાં થોડી કસૂરી મેથી નાંખો. તેનાથી પરોઠા સ્વાદિષ્ટ બને છે.
* પરોઠા બનાવતી વખતે લોટમાં એક બાફેલું બટાકું અને ચમચી અજમો નાંખશો તો તે સ્વાદિષ્ટ બનશે.
* પરોઠા માખણથી શેકશો તો તે કુરકુરા અને સ્વાદિષ્ટ બનશે.
* મેથીના પરોઠા બનાવતી વખતે તેમાં થોડું દહીં નાખવાથી પરોઠા મુલાયમ બનશે.
* રાજગરા લોટમાં પરોઠા સવારે બનાવેલા હોય તે સાંજે પણ ખાતાં ચવડ લાગતા નથી.
વિવિધ નવીન પરોઠા
ફુદીના પરોઠા
સામગ્રી : ૧ વાડકી ઘઉંનો લોટ, ૧।। ટેબલ સ્પૂન તેલ, ૧ મોટો બાફેલો બટાકો, ૧ કાંદો, ૧૫ પાન ફુદીનો, મીઠું, ૦।।। ટી-સ્પૂન ચાટ મસાલો, ૧ ટી-સ્પૂન વાટેલા આદુ-મરચાં
તળવા માટે તેલ.
રીત: બટાકાને છોલીને માવો કરવો. કાંદાને છોલવો. તેને તથા ફુદીનાના પાનને ઝીણાં સમારવા. લોટમાં તેલ ભેળવી મીઠું, ચાટ મસાલો, આદુ-મરચાં, ફુદીનો તથા બટાકાનો માવો નાખવા. ૧ ટી-સ્પૂન તેલ ગરમ મૂકી કાંદાને ફક્ત થોડીવાર માટે જ સાંતળી લોટમાં ભેળવવો. જરૂર પાણી લઈ પરોઠાની કણીક તૈયાર કરવી. લૂવા પાડી તેના પરોઠા વણી તવી ઉપર બંને બાજુએ શેકવા. ૧ ટી-સ્પૂન તેલ મૂકી આછા ગુલાબી તળવા.
દહીં સાથે પરોઠા સર્વ કરવા.
ફરાળી આલુ પરાઠા
સામગ્રી: 1 નંગ મોટો બાફેલું બટાટું, 2 ટેબલસ્પૂન મોળું દહીં, ટેબલસ્પૂન તેલ, 4થી 5 નંગ લીલાં મરચાં, 1 ટેબલસ્પૂન કોથમીર, 1 ટેબલસ્પૂન તલ, 1 ટેબલસ્પૂન મોળી શેકેલી શીંગનો ભૂકો, 1 ટીસ્પૂન લાલ મરચું, 1 ટીસ્પૂન ખાંડ, સિંધાલૂણ સ્વાદાનુસાર, રાજગરાનો લોટ જરૂર મુજબ, તેલ તળવા માટે.
રીત: ફરાળી આલુ પરાઠા બનાવવા માટે સૌ પ્રથમ બટાકાને બાફીને છીણી લો. લીલા મરચાંને ઝીણા સમારી લો. શેકેલી શીંગનો ભૂકો કરી લો. બટાકાના છુંદામાં તેલ, દહીં, સ્વાદ પ્રમાણે સિંધાલૂણ, તલ, શેકેલી શીંગનો ભૂકો, ઝીણી સમારેલી કોથમીર, લીલું મરચું અને લાલ મરચું નાખી બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં જરૂર પ્રમાણે રાજેગરાનો લોટ નાખી તેમાંથી પરોઠા જેવો લોટ બાંધો. હવે લોટમાંથી લુવા કરી ઉપર અને નીચે પ્લાસ્ટિક મૂકી પરોઠું વણી લો. તૈયાર પરોઠાને તવી પર તેલ લઇ શેલો ફ્રાય કરી લો. ગરમ-ગરમ ફરાળી આલું પરાઠા મસાલા દહીં સાથે સર્વ કરો.
ખમીરી પરોઠા
સામગ્રી: ૧ વાડકી ઘઉંનો લોટ+ ૧ ટેબલ સ્પૂન મેંદો, ૧ ટી-સ્પૂન ડ્રાય યીસ્ટ, મીઠું, ૦।। ટી-સ્પૂન ખાંડ, ૧ ટેબલ સ્પૂન તેલ. ૨ ટેબલ સ્પૂન સમારેલી કોથમીર, ૦।। ટી-સ્પૂન-ચીલી ફ્લેકસ, ૦।। ટી-સ્પૂન ઓરેગનો, ચપટી મરી, તળવા માટે તેલ, સર્વ કરવા માટે મસાલા દહીં.
રીત: ઘઉંનો લોટ તથા મેંદો ભેગા કરી મીઠું તથા તેલ નાંખવા. કોથમીર, ચીલી ફ્લેકસ, ઓરેગનો તથા મરી લોટમાં ભેળવવા. ૦।। કપ હૂંફાળા ગરમ પાણીમાં ખાંડ ઓગાળવી. કપમાં યીસ્ટ મૂકી ધીરેથી આ પાણી રેડવું. ચપટી મેંદો તેના ઉપર ભભરાવી ઢાંકી દેવું. ૧૦ મિનિટ બાદ ઢાંકણ ખોલી ફીણ વળેલા યીસ્ટના પાણીથી પરોઠા માટેનો લોટ બાંધવો. થોડીવાર મસળ્યા બાદ ૦।। કલાક માટે ઢાંકીને રાખવું. આથો આવી ગયેલા લોટને બરાબર મસળી તેમાંથી લૂવા પાડવા. જરૂરી અટામણ લઈ નાના જાડા પરોઠા વણવા. તવી ઉપર શેકી, થોડું તેલ મૂકીને ગુલાબી તળવા. દહીંમાં મીઠું નાંખી તેલ, રાઈ, હિંગનો વઘાર કરવો. ઉપર લાલ મરચું ભભરાવવું. પરોઠા સાથે મસાલા દહીં સર્વ કરવું.
લઝીઝ લસણ-ચીઝ પરોઠાં
સામગ્રી : 300 ગ્રામ લોટ, 20 ગ્રામ લસણ, 250 ગ્રામ ચીઝ, બે કાપેલા લીલા મરચાં, સ્વાદ મુજબ મીઠું, સ્વાદ મુજબ લાલ પીસેલું મરચું, સ્વાદ મુજબ અજમો, જરૂર મુજબ પરોઠા બનાવવા માટે તેલ.
રીત : ચીઝને બારીક છોલી નાખો. એમાં અજમો, બારીક કાપેલું લસણ, મીઠું, મરચાંને સારી રીતે મેળવી લો. લોટ બાંધી પરોઠાનું મેળવણ તૈયાર કરી એના ચાર ભાગ પાડી નાખો. ગૂંદેલા લોટના લૂઆમાં એક-એક કરીને મિશ્રણ ભરી લો. એ પછી તેલ લગાવીને ગરમ તવા પર માખણ અથવા દહીં સાથે પીરસો.
સ્વીટ પરોઠા
સામગ્રી: ૧ વાડકી ઘઉંનો લોટ, ૧ ટેબલ સ્પૂન ઘી+ ૧ ટી-સ્પૂન તેલ. ૦।। વાડકી ઘેર બનાવેલું પનીર, ૨ ટેબલ સ્પૂન દળેલી-ખાંડ, ૨ ટેબલ સ્પૂન ખમણેલું નાળીયેર, ૮ થી ૧૦ નંગ ખજૂર, ચપટી ઈલાયચીનો ભૂકો. તળવા માટે તેલ તથા ઘી, ૦।।-વાડકી દૂધ.
રીત: ઘઉંના લોટમાં તેલ તથા ઘીનું મોણ નાંખી દૂધ+પાણીથી લોટ બાંધવો. ઢાંકીને રાખવો. ખજૂરને ધોઈને ઝીણું સમારવું. તેમાં ૧ ટેબલ સ્પૂન દૂધ નાંખવું. ખજૂર, પનીર, કોપરું, ખાંડ તથા ઈલાયચી ઔભેગા કરી બ્લેન્ડરમાં મિશ્રણને હલાવીને પલ્પ તૈયાર કરવો. ઘી વાળા હાથ વડે પલ્પમાંથી નાના ગોળ વાળવા. બાંધેલા લોટમાંથી નાના લૂવા પાડવા. લૂવાને પૂરી જેટલો વણી વચ્ચે પૂરણનો ગોળો મૂક્વો. ધાર ઉપર પાણીવાળી આંગળી ફેરવી કચોરી વાળી લેવી. તેને વણીને નાના પરોઠા તૈયાર કરવા. ઔતવી ઉપર શેકી ઘી-તેલ ભેગા કરી તેમાં આછા ગુલાબી તળવા. ઉકાળેલા ગળ્યા દૂધને ઠંડું કરી તેની સાથે પરોઠા સર્વ કરવા.
મશરુમ પરોઠા કોન
સામગ્રી : ૮-૧૦ તાજાં મશરુમ, બે મોટી ડુંગળી, ૧/૨ વાટકી વટાણાના દાણા, ૧ ચમચી મીઠું, ૧/૨ ચમચી મરીનો પાવડર, બે વાટકી મેંદો, પૂરતા પ્રમાણમાં તેલ, ઋતુ પ્રમાણેનું સેલડ, ૧ ચમચો મલાઈ.
રીત : મશરુમને લંબાઈમાં સમારો અને તેમાંથી ૪-૬ ટુકડા જુદા કાઢી લો. ડુંગળીની પણ પાતળી લાંબી ચીરીઓ કરો. પેનમાં ૧ ૧/૨ ચમચો તેલમાં સમારેલી ડુંગળી સાંતળો. તેમાં સમારેલાં મશરુમ અને લીલા વટાણા નાખી મધ્યમ આંચે સતત હલાવતાં રહો. જ્યારે ડુંગળી અને મશરુમ બફાઈ જવા આવે, ત્યારે તેમાં મીઠું અને મરીનો પાઉડર નાખો. મેંદામાં બાકીનું મીઠું અને ૧ ચમચો તેલ નાખી પાણીથી લોટ બાંધવો. તેમાંથી મશરુમવાળાં પરોઠાં બનાવો અને સેલડ કે સોસ સાથે ખાવ.
આલુ પરોઠા
સામગ્રી : 250 ગ્રામ બટાકા, લીલા મરચાં 4-5, સમારેલી કોથમીર અડધો કપ, વરિયાળી એક ચમચી, અજમો અડધી ચમચી, ખાંડ એક ચમચી, એક લીંબુનો રસ, હળદર અને સ્વાદમુજબ મીઠુ.
લોટ બાંધવા માટે : 2 કપ ઘઉંનો લોટ અને મીઠુ.
રીત : બટાકાને બાફીને છોલી લો. ચમચીથી મસળીને તેમા સમારેલા લીલા મરચા, વરિયાળી, અજમો, ખાંડ, લીંબુનો રસ, કોથમીર અને સ્વાદ મુજબ મીઠુ તેમજ હળદર નાખીને મસળી લો. હવે ઘઉના લોટમાં મીઠું નાખીને મધ્યમ લોટ બાંધી લો. એક લોઈ બનાવી નાની પૂરી વણો તેમા બટાકાનો તૈયાર મસાલો થોડો ભરીને દબાવી દો અને તેને હલકા હાથે રોટલી જેટલો વણી લો. જેટલો મસાલો વધુ ભરશો તેટલો સ્વાદ સારો લાગશે. આ પરાઠાને ગરમ તવા પર નાખો અને તેલ અથવા ઘી વડે બદામી રંગના સેકી લો. આ રીતે બધા આલૂના પરાઠાં બનાવી લો. આ પરાઠાંને સોસ કે લીલી ચટણી સાથે સર્વ કરો.
હરિયાલી લચ્છા પરોઠા
સામગ્રી: 1 કપ મેંદો, 1 કપ ઘઉંનો લોટ, 11/2 ટેબલસ્પૂન ઘી (મોવણ માટે), 11/2 ટેબલસ્પૂન તેલ (મોવણ માટે), 1 ટેબલસ્પૂન ઝીણી સમારેલી પાલકની ભાજી, 1 ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર, 2 ટેબલસ્પૂન દહીં, 1 ચપટી સોડા, મીઠું સ્વાદપ્રમાણે, ઘી વચ્ચે લગાડવા માટે, ચોખાનો લોટ ભભરાવવા માટે, બટર- પરોઠા પર લગાવવા માટે, ગાર્નિશિંગ માટે- છીણેલી ચીઝ.
રીત: સૌપ્રથમ ઘઉંનો લોટ અને મેંદો ભેગા કરી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, તેલ, ઘી, કોથમીર, પાલક, દહીં અને સોડા નાખી બરોબર મિક્સ કરો. હવે પાણીની મદદથી પરોઠાનો લોટ બંધો. બાંધેલા લોટને ભીના કટકાથી ઢાંકીને હુંફાળી જગ્યા પર મુકો. એક કલાક માટે રહેવા દો. તૈયાર લોટને કેળવી તેના લુવા પાડો. લુવામાંથી ૬” મોટો રોટલો વણો. તેની પર ઘી ચોપડો અને પછી તેની પર ચોખાનો લોટ ભભરાવો. હવે રોટલાને એક સાઈડથી શરૂ કરી બીજી સાઈડ સુધી રોલ કરી લો. તૈયાર રોલ પર ફરી વાર ઘી લગાવીને ચોખાનો લોટ ભભરાવો. તેને વ્હીલના શેપમાં વાળી લો. આવી રીતે બધા વ્હીલ તૈયાર કરી લો. તૈયાર થયેલા વ્હીલને વણીને તવી પર મીડીયમ તાપે શેકી લો. બદામી રંગના શેકાઈ જાય એટલે નીચે ઉતારી બટર લગાવી સબ્જી કે કરી સાથે સર્વ કરો. ઉપરથી થોડી છીણેલી ચીઝ પણ ભભરાવી શકાય.
લચ્છા ફુદીના પરોઠા
સામગ્રી: 100 ઘઉં ગ્રામ લોટ, ફુદીના પાઉડર, મીઠુ સ્વાદ અનુસાર
રીત: લોટમાં મીઠું મેળવી તેની બરાબર કણક બાંધી લો. પછી તે લોટના થોડા મોટા લુવા પાડી લો. લુવાને બે વેલણ મારી તેના પર ફુદિનાનો જીણો પાઉડર પાથરી ફરી ગોળ કરી તેને બે વેલણ મારો. ફરીએક વખત તેના પર ફુદિનાનો જીણો પાઉડર પાથરો અને બે વેલણ મારો. તમે વચ્ચે કોરો લોટ લઈ શકો છો. આમ ચાર-પાંચ વખત કરો અને અંતે તેને આખો ત્રિકોણાકાર શેપમાં વણી લો. તમે તેને તંદુરમાં શેકી માખણ લગાવી ગરમ ગરમ સર્વ કરો. તંદુર ન હોય તો તવા પર શેકી શકો છો.
પાલક અને પનીર પરોઠા
સામગ્રી: કણિક માટે- ૧ ૧/૨ કપ મોટી સમારેલી પાલકની ભાજી, ૧/૨ ટીસ્પૂન લીંબુનો રસ, ૧ કપ મેંદો, ૧ કપ ઘઉંનો લોટ, મીઠું , સ્વાદાનુસાર, ૧ ટેબલસ્પૂન ઘી.
મિક્સ કરીને પૂરણ તૈયાર કરવા માટે- ૩/૪ કપ ખમણેલી ફૂલકોબી, ૩/૪ કપ ભૂક્કો કરેલું પનીર, ૨ ટેબલ સ્પૂન ઝીણી સમારેલી કોથમીર, ૧ ટેબલસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં, મીઠું સ્વાદાનુસાર,
બીજી જરૂરી વસ્તુઓ- ઘઉંનો લોટ , વણવા માટે, તેલ , તળવા માટે
કણિક માટે: પાલક, લીબુંનો રસ અને ૧ ટેબલસ્પૂન પાણી મેળવી મિક્સરમાં સુંવાળી પ્યુરી તૈયાર કરી બાજુ પર રાખો. એક બાઉલમાં મેંદો, ઘઉંનો લોટ, મીઠું, ઘી અને તૈયાર કરેલી પાલકની પ્યુરી મેળવી થોડા જરૂરી પાણી સાથે બહુ કઠણ નહીં અને બહુ નરમ નહીં એવી કણિક તૈયાર કરો. આ કણિકને ઢાંકીને ૧૦ થી ૧૫ મિનિટ માટે બાજુ પર રાખો.
આગળની રીત: તૈયાર કરેલી કણિક અને તૈયાર કરેલા પૂરણના ૬ સરખા ભાગ પાડો. કણિકના એક ભાગને ૧૫૦ મી. મી. (૬”)ના ગોળાકારમાં ઘઉંના લોટની મદદથી વણી લો. તે પછી પૂરણનો એક ભાગ તેના અડધા ભાગ પર મૂકી બીજો અડધો ભાગ વાળીને અર્ધગોળાકાર રીતે વાળી લો. એક નૉન-સ્ટીક તવા ને ગરમ કરી તેમાં થોડા તેલની મદદથી પરોઠા બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો. રીત ક્રમાંક ૨ થી ૪ પ્રમાણે બાકીના ૫ પરોઠા તૈયાર કરો. દહીં અથવા મનપસંદ અથાણાં સાથે તરત જ પીરસો.
મુળાના પરાઠા
સામગ્રી: ૨ કપ ઘઉંનો લોટ, ૩/૪ કપ ખમણેલો સફેદ મૂળો, ૧/૪ કપ સમારેલા મુળાના પાન૩/૪ કપ તાજું લૉ ફેટ દહીં, ૧/૨ ટીસ્પૂન હળદર, ૧ ૧/૨ ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર, ૧ ટીસ્પૂન તેલ, મીઠું , સ્વાદાનુસાર, ઘઉંનો લોટ, વણવા માટે, ૩ ૩/૪ ટીસ્પૂન તેલ, શેકવા માટેપીરસવા માટે: લૉ ફેટ દહીં.
રીત: એક બાઉલમાં બધી સામગ્રી ભેગી કરી, સારી રીતે મિક્સ કરી, જરૂર પડે તો થોડું પાણી ઉમેરી, મસળીને નરમ કણિક બનાવો. કણિકના ૧૫ સરખા ભાગ પાડી દરેક ભાગને ઘઉંના લોટની મદદથી ૧૨૫ મી. મી. (૫”) વ્યાસના પાતળા ગોળાકારમાં વણી લો. એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી દરેક પરાઠાને ૧/૪ ટીસ્પૂન તેલની મદદથી બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય તે રીતે શેકી લો. બાજુ પર રાખી ઠંડું પડવા દો. એલ્યૂમિનિયમ ફોઇલમાં લપેટી લૉ ફેટ દહીં સાથે ટિફિનમાં પૅક કરો.
નોંધ: તમે ઉપરની રીતમાં સફેદ મુળો અને મુળાના પાનની બદલે ૧ કપ સમારેલી મેથીના પાન વાપરી મેથીના પરાઠા બનાવી શકો છો.
***