અંદાજે ત્રીસ બત્રીસ વર્ષનો યુવક આપણે તેને ગોપાલના નામે ઓળખીશું, જે આજના જમાનાનો છે પણ ગરીબ અને અશિક્ષિત છે, માટે તેની જીવનશૈલી દેખીતી રીતે જ આપણી જેવી નથી. માબાપે વારસામાં ગરીબી આપી છે, જે આ યુવક ભોગવી રહ્યો છે. તેની પત્ની મીરા પણ તેના જેવી જ અશિક્ષિત છે. અને બંનેને એક ઢીંગલી જેવી રૂપાળી ત્રણ વર્ષની પુત્રી લક્ષ્મી છે. હાઈવેની બાજુમાં પ્લાસ્ટિક બાંધીને ઘર જેવી ચાર દીવાલ બાંધીને જીવન જીવે છે. ગોપાલ ઘર ચલાવવા ગાય પાળે છે. તે પ્રેમથી ગાયને સોનકી કહીને બોલાવતો. ગમાણના માલિક પાસેથી ગાયને મંદિર પાસે ઉભી રાખે. ભક્તો દાનધરમ કરવા ગાયને ઘાસ ખવડાવે. ગોપાલ ખુબ જ ભલો હતો તે ભક્તોને ગાયને રોટલી પણ ખાવાની હા પડતો જયારે ઈતર ગાયવાળા પોતાનું વેચાતું ઘાસ જ ખાવા આપતા તેથી ગોપાલને ત્યાં રોજે ઘણા લોકો ગાયને રોટલી, મેથીની ભાજી, વધેલા શાકભાજી ખવડાવતા. ભૂખ શું છે એ ગોપાલ સારી પેઠે જાણતો હતો, એટલે ગાયની ભૂખ ભાંગવા તે હંમેશા તતપર રહેતો
ઘાસથી થતી આવક ગોપાલે ગમાણના માલિકને આપી દેવાની. જેટલું ઘાસ વેચાયું હોય તે પ્રમાણે નફો રાખી વધેલા પૈસા માલિક ગોપાલને આપે. આ પૈસામાંથી ગોપાલે ઘર ચાલવાનું. મીરા જ્યાં ત્યાંથી કચરામાંથી પ્લાસ્ટિક વીણી આવે અને ભંગારમાં વેચી દે. આમ તેનાથી થતી મદદ તે કરે. ઘરમાં. દેખીતી રીતે જ પ્રાથમિક લક્ષ્ય લક્ષ્મી માટે બે ટાણાની રોટલી જ હોય. ગોપાલનું કે વ્રત છે કે રોજની જે પણ કમાણી હોય તેમાંથી મંદિરની બહાર બેઠેલા ભિખારીના પેટની આગ ઓલાવવી. માટે રોજે મંદિર બહાર બેઠેલા ભિખારીઓમાંથી એક બે જણને યથાશક્તિ નાસ્તો આપતો જ.
ગોપાલ જે મંદિર પાસે ઉભો રહેતો તે ખુબ જ પ્રખ્યાત મંદિર હતું, અને લોકો માનતા હતા કે અહીં દર્શન લેવાથી લેવામાં આવતી માનતા પુરી પણ થાય છે. દેખીતી રીતે જ તેથી મંદિરમાં ભક્તોનો ધસારો વધુ રહેતો. મંદિર હતું તો નાનું જ. ગર્ભમાં ભગવાન વિષ્ણુજી લક્ષ્મી સાથે બિરાજમાન હતા અને પ્રવેશદ્વાર પર ગણપતિ બાપ્પા!!! જેવા ચાર પાંચ પગથિયાં ચડિયે એટલે આરસથી ઠંડી લાદીથી ચિત્તને ટાઢક આપતી . પ્રાંગણમાં વિવિધ પ્રકારના વૃક્ષો વાવ્યા હતા. પંખીઓનો કલરવ વાતાવરણને આનંદમય બનાવી દેતું. બેસવા માટે ચાર પાંચ બાંકડા હતા. એક તુલસી ક્યારો હતો જ્યાં સુહાગણ સ્ત્રીઓ નિત્ય આવીને દીવો કરતી. વૃદ્ધો પોતાના નાના નાના બાળકોને લઈને આવતા અને તેમને પા પા પગલી શીખવતા. દડાથી રમતા આ જોઈને ગોપાલનું મન દ્રવી ઉઠતું. તેને પણ મન થતું કે તેની પુત્રી લક્ષ્મી પણ આમ સુંદર વસ્ત્રો પહેરીને આમ રમકડાં રમે!!!!! પણ તેનું એવું નસીબ ક્યાંથી
મંદિરના દરવાજા પાસે એક બાંજુમાં ફૂલવાળી બેસતી. એક બાજુએ વૃદ્ધા કાશીબહેન ઘરમાં બનાવેલા શુદ્ધ નાસ્તા જેમ કે ઉપમા, બટાકા પૌવા , થેપલા, ખમણ ઢોકળા લઈને બાંકડા પર બેસતા . ભક્તો દર્શન કરીને અહીંનો નાસ્તો જરૂર કરતા કારણ કે આવો શુદ્ધ , વ્યાજબી દરે નાસ્તો બહુ જ ભાવતો. કોઈ કોઈને તો તેમાં પ્રસાદ જેવી સાત્વિકતા પણ અનુભવાતી લોકો દર્શન કરવા આવતા કે નાસ્તો કરવા આવતા એ કહેવું થોડું મુશ્કેલ હતું. આ નાસ્તો અગિયાર સવા અગિયાર વાગ્યા સુધીમાં વેંચાઈ જતો ગોપાલ રોજની આવકમાંથી કાશીબહેન પાસેથી નાસ્તો ખરીદતો. એક ભાગ ભિખારીઓમાં વહેંચતો અને બીજો ભાગ ઘરે લઇ જતો. લક્ષ્મી જેવો પિતાનો ચહેરો જોતી કે ખુશ થઇ જતી. હાશ પપ્પા આવ્યા હવે કંઈક જમવા મળશે. નાનકડું પેટ ભરાઈ જાય અને વધે તેમાંથી ગોપાલ અને મીરાએ ધરાઈ રહેવું પડતું. કેટલીક વાર તો ઘરની ઈતર જરૂરિયાત પુરી કરવી પડે એમ હોય તો ગોપાલ કાશી બહેન પાસેથી ઉધાર નાસ્તો પણ લઇ લેતો. ગોપાલને ઘણું મન થાય કે આજ તો ધરાઈને ખાવું છે, પણ એમ થતું જ નહિ.
રોજે ગાયને ખીટીએ બાંધીને મંદિરમાં દર્શને જતો અને ભગવાનને પ્રાર્થના કરતો કે, “હે ભગવાન આજ ધંધો સારો થવા દે જે, જેથી પેટમાં શાંતિ વળે.” અને લક્ષ્મી માટે તો ભૂલ્યા વગર રોજે માંગતો કે, “ મારી પુત્રી લક્ષ્મીને મારે ભણાવવી છે એને સારા વર ઘર આપજો.” પણ ભગવાન તો જાણે કઈ સાંભળતા જ નહોતા. ક્યારેક ક્યારેક તો તે આંખો બંધ કરી ઉભો રહેતો, ત્યારે રોઈ પડતો આંખો છલકાઈ ઉઠતી. મંદિરના પૂજારી બહુ પ્રેમથી તેમને સાંત્વના આપતા અને કહેતા કે, “ બેટા શાંતિ રાખ, એક દિવસ તારે પણ સોનાનો દિવસ ઉગશે.” ગોપાલ મૂંગે મોઢે સાંભળીને ચાલ્યો જતો હા પણ એ શબ્દો તેને ખુબ જ સાંત્વના આપતા હતા.
એક દિવસ સુધરાઈ ના માણસો આવ્યા અને ગોપાલ જ્યાં રોજ ગાય લઈને ઉભો રહેતો ત્યાં એક છોડ વાવ્યો અને ગોપાલને ત્યાંથી જતા રહેવા કહ્યું,, જેથી ગાય એ છોડ ખાય ના જાય. ગોપાલ રોઈ પડ્યો અરે પોતે અહીં વર્ષોથી ઉભો રહેતો થોડી ઘણી પણ આવક તો થતી, અને રોજની હવે જો જગા બદલે તો એની આવક અટકી જાય. વળી ગોપાલ અભણ રહ્યો હોય જમાનાની ખબરે કેમ પડે કે બીજે ક્યાંય ઉભો રહે તો એ આવક તો થશે પણ થોડો સમય લાગશે. કે એ થોડો સમય પણ એની માટે કપરો જ સાબિત થાય કારણ કે એક એક દિવસની આવકથી તો એનું ઘર ચાલતું આપણે ભણેલા ગણેલા પણ એક નોકરી છોડતા દસ વાર વિચાર કરીયે ત્યાં ગોપાલનું કહેવું જ શું ?? જો. એટલે નાના અમથા પરિવર્તનથી એ રોઈ પડ્યો, “ના માલિક!! ના હું અહીંથી ક્યાંય નહિ જાવ મારી પર દયા કરો…… આ જગા મારી રોજી રોટી છે, આ મારુ ઘર છે, અહીંથી જાવ તો મારુ ઘર કેમ ચાલે ?“ તેને એટલો રોતો કકળતો જોયો એટલે સુધરાઈના માણસોએ કહ્યું કે હા હા ઠીક છે ચાલશે અહીં જ રહે પણ ખબરદાર જો તારી ગાયે આ છોડ ખાધો છે . ગોપાલમાં એટલી તો ગતાગમ હતી નહિ કે એ માણસોને છોડ ફરતે જાળી લગાડવાની ભલામણ કરી શકે અને જો કરી પણ શકે તો સુધરાઈના માણસોને મનાવવા પણ કેમ ?? આખરે તે કહે એમ તો થતું હોય છે. માણસો જતા જતા કહેતા ગયા કે અમે જઇયે છીએ પણ એક વાત નું ધ્યાન રાખજે જો ગાય આ છોડ ખાઈ ગઈ કે નાની મોટી હાનિ થઇ તો થશે દંડ પેઠે દસ હજાર રૂપિયા ભરવા પડશે. ” ઓ બાપરે!!!” કહેતા ગોપાલના આંખે અંધારું આવી ગયું. દસ હજાર રૂપિયા??? તેની નજર મંદિરના ગર્ભમાં પડી. પ્રભુ આ કેવી વિપદામાં તે પાડ્યો ?? ના કરે નારાયણ અને ગાય જો ખાઈ ગઈ તો ?? !! વિચાર માત્રથી તેના શરીરમાં લખલખું આવી ગયું.
( ક્રમશ)