સુખ હેપ્પીનેસ - ૭
(છૂટાછેડા)
છુટાછેડા.. કેવો ભયંકર શબ્દ છે ! છુટા થવું કે બે છેડાઓથી છુટા થવું. બે છેડાઓ કંઈ છુટા થઇ શકે ? છુટા થયા પછી પણ શું એ છેડાઓનું અસ્તિત્વ નાબૂદ થઇ શકે ? ના.. કદાપિ નહિ જેને બે છેડા છે એને નાબૂદ ના કરી શકાય, શક્ય ક્યારે ? જયારે એનું વજૂદ જ ના રહે તો. જે અસ્તિત્વમાં છે એ દૂર થઇ શકે, પરંતુ છેડાઓ ફક્ત છેટાં થાય !
લગ્ન જેવો પ્રસંગ દરેકના ઘરે જિંદગીમાં એક કે બે વાર ઉજવાતો પ્રસંગ છે. એક તો દીકરીનાં લગ્ન અથવા દિકરાનાં લગ્ન. દિકરાનાં લગ્નની શરૂઆત ખુબજ અભરખાથી થાય છે. દિકરાની મા એમજ ઇચ્છતી હોય કે આવનારી વહુ સુંદર સુશીલ સર્વગુણ સંપન્ન હોય અને એની વહુ જેવી આખા ગામમાં કે કુટુંબમાં બીજી કોઈ હોય જ ના શકે. અને હા.. ખરેખર કન્યા ગોતવાની શરૂઆત પણ એજ રીતે થાય. કન્યા સારામાં સારા ખાનદાનની હોય, સમાજમાં કુટુંબનો મોભ્ભો હોય, મોસાળ પણ ઉત્તમ હોય, કન્યા સુશિક્ષિત હોય, સુંદર તો હોવી જ જોઈએ. બીજી બધી કલાઓમાં પારંગત હોય વગેરે વગેરે. સંપૂર્ણ ખાતરી બાદ કન્યા ની પસંદગી થાય. અને આવનાર વહુ માટે સાસુમા એમ કહે કે સૌથી સારી કન્યા હવે મારી વહુ બનશે. કન્યાના ફોટાઓ કુટુંબીઓને બતાવાય. સારામાં સારી વહુ મળ્યાનો આનંદ મા ને હોય અને એ પોતાના સિલેક્શનનો બધો યશ પોતાને નામે કરી લે. એક નાનો ફોટો દિકરા પાસે અચૂક આવી જાય, મિત્રોને બતાવવા માટે.
એજ રીતે પોતાની દીકરી માટે યોગ્ય મુરતિયો શોધવાની જવાબદારી સામાન્ય રીતે પપ્પાની હોય છે. મુરતિયો સારી કંપનીમાં નોકરી કરતો હોય કે ધંધો કરતો હોય, ઉંચી પોસ્ટ કે બાપ દાદાનો ધંધો કરતો હોય. ખાનદાની કુટુંબ હોય. પોતાની જાણમાં હોય તો સારામાં સારું. ચરિત્ર સારું હોય, વ્યસન ના હોય વગેરે, વગેરે.
ટૂંકમાં બંને પક્ષો સંપૂર્ણ છાનભીન કરી લગ્ન ગોઠવે છે. બે છેડાઓ જોડાય છે, લગ્નવિધિ સંપન્ન થાય છે કોઈપણ મીનમેખ વગર. અત્યાર સુધી બધું જ બેસ્ટ હતું. એટલે કે ઉત્તમ સિલેક્શન ઉત્તમ રિલેશન. બધું સારું સારું અને લગ્નના અમુક મહિનાઓ સુધી ઉત્તમ ઉત્તમ.
ખરેખર તો આ બધા બંધનોમાં સ્વાર્થ છે. સ્વાર્થને લીધેજ બધાં એક બીજા જોડે બંધાયેલા છે, છેડાઓ જોડાયેલાં છે. એના પ્રતીક રૂપે લગ્નમાં વરવધૂના વસ્ત્રોના છેડાઓ બાંધવામાં આવે છે. એ બંધન બે વ્યક્તિઓનું હોય પણ બંધાય છે બે અલગ અલગ પરિવારો અને એમની સાથે વ્યવહારમાં બંધાય છે બીજા સગાઓ. કેટલી દૂરદર્શી છે આપણી ભારતની આ પરંપરા જેની છાપ પ્રથમ ચરણે કંકોત્રી ઉપરના છેડા-છેડી ના પ્રતીકથી દર્શાવાય છે. એક કંકોત્રી દ્વારા આમંત્રણ અપાય છે અને કંકોત્રી જોઈને તરતજ સગાઓનું જાળું ગૂંથાવા માંડે છે, આ મારો ફલાણો છે, આ નજીકનો છે, આ દૂરનો છે પણ સાગો તો ખરો જ. બસ ! બંધાયા બધાં. ઘણાં બધાં છેડાઓ જોડાયા.
અત્યાર સુધી જે બધું સારું સારું હતું તેમાં થોડીક કડવાશ ઉભી થાય છે, કેમ ફક્ત મતભેદથી. ટૂંકી સમજણથી. સામાન્ય રીતે આ મતભેદની વાતો આપણે કોઈ ત્રીજી વ્યક્તિ જોડે કરતા હોઈએ છીએ, એના કરતા કંઈક એવું કરીયે કે વાત એ વ્યક્તિ જોડે કરીએ. એને સમજીએ અને ખુદની ઓળખાણ પણ સહજ રીતે આપીએ. જિંદગીમાં એક બીજાને સમજવાનો પ્રયત્ન કરવો, પારખવાનો નહિ. એ હૃદયના દરવાજા બંધ કરે છે. હૃદયના દરવાજા લાગણીઓથી ખુલે છે. મતભેદ એક ઉધઈ જેવી છે તે મન ઉપર કાબુ કરી લાગણીઓને કોતરી ખાય છે. અંતે નુકસાન બંનેને. અહં ઘવાય એ કોઈને ના પોષાય અને જન્મે છે બદલો લેવાની ભાવના. સામાને નીચો દેખાડવાની ઈચ્છા. એક ક્રૂર ભાવના. પરંતુ જો સારી ભાવના કરીએ અને બદલો લેવા કરતા એને બદલવાની કોશિશ કરીએ તો ? ભાઈ ... ભાઈ.... ઘણું બધું શુભમાં પરિણામે. સંબંધોનું આયુષ્ય વધી જાય. બે પરિવારોમાં કે બે વ્યક્તિઓમાં ક્યારેય અંતર ના વધે.
છુટાછેડામાં સામાન્ય રીતે જીદ એક અહં ભાગ ભજવે છે. જીદ એટલે અહંકારથી ભરપૂર બરફની મોટી શીલા. એ ઓગળે તો પણ નુકસાન અને ના ઓગળે તો પણ નુકસાન કારણ એને પાણીમાં પોતાનો હક જમાવ્યો છે. જયારે હક ની વાત આવે ત્યારે એની બીજી બાજુ જવાબદારી પણ હોય છે. જયારે તમે એકબીજા ઉપર હકની વાતો કરો ત્યારે જવાબદારીઓ પૂર્ણ રીતે પાળવાની જવાબદારી પણ તમારી છે. જયારે પતિ પત્ની બંને સર્વિસ કરતા હોય ત્યારે હક અને જવાબદારી ખુબ જ મોટો ભાગ ભજવે છે. કારણ ચકમક એમાંથી જ જન્મે છે. ઝરેલી ચક્મકમાં પુરુષ કદાચ કોઈને સામેલ ના કરે, પરંતુ સ્ત્રીએ પણ કોઈને સામેલ કરવું નહિ. આ બંને વચ્ચેની વાત છે અને નિકાલ પણ બંને એ જ લાવવાનો છે. ત્રીજી વ્યક્તિની મધ્યસ્થિ એટલે એ બળતામાં તેલ નાખ્યા જેવું છે. બંને વચ્ચેનું અંતર વધારી શકે છે.
તાજેતરમાં પૂનામાં એક મહિલા સંઘટનના કાર્યક્રમમા એક મહિલા વકીલ જે છૂટાછેડાના કેસો કોર્ટમાં લડે છે એમણે પોતાના વક્તવ્યમાં કહ્યું કે " છૂટાછેડાના વધુ પડતા કેસોમાં દીકરીની માતાનો હસ્તક્ષેપ હોય છે ". સાંભળવામાં કદાચ સારું ના લાગે, પરંતુ આ એક એનાલિસિસ છે. દરેક પરિણીત આ વાતને સમજે. પોતે માંડેલા સંસારમાં કોઈનું માર્ગદર્શન લઇ શકાય પરંતુ કોઈના હસ્તક્ષેપને નહિ.
દરેક વસ્તુ નિભાવવાની હોય છે. જો નિભાવવાની તીવ્ર ઝંખના હોય, ભાવ હોય તો દુનિયાનો કોઈ સંબંધ ક્યારેય તૂટતો નથી. પુરુષની પણ જવાબદારી મોટી છે. પરણીને આવનાર સ્ત્રી એને આશ્રિત હોય છે. એની દરેક જવાબદારી સારી રીતે પાર પાડવી જરૂરી છે. કોઈક વ્યસન ને આધીન થવું કે લંપટપણું એ હસતા રમતા ઘરને ઉકરડા જેવું બનાવી દે. રીસામણા અને મનામણાં એ બંને વચ્ચે એક યમ્મી ટેસ્ટ છે. ક્યારેક જ એ સારો લાગે કારણ એ ફક્ત ફાસ્ટ ફૂડમાં જ હોય છે. દાળભાતમાં નહિ એટલેકે રોજની જિંદગીમાં નહિ.
જિંદગીમાં પ્રેમ એ બહુ મોટી વસ્તુ છે. પ્રેમની શરૂઆત જોવું, ગમવું, ચાહવું, પામવું છે અને નિભાવવું એ એની અંતિમ પરીક્ષા છે. આ બધામાં ક્યારેય શંકા અને શકને સ્થાન આપવું નહિ. એ ઝેર છે. શંકાથી પ્રેમ નબળો પડતો જાય છે. એક વાર ઉભી થયેલ શંકા મનમાં બહુ મોટું ઘર ઉભું કરી લે છે. શંકાથી ઝુઠાણુ જન્મ લે છે. એક ઝુઠાણુ પકડાય એટલે તે દરેક વખતે દરેક સત્યમાં શંકાને વ્યક્ત કરે છે. સત્યમાં પણ જયારે ક્રોધ આવે ત્યારે જીભ મનથી પણ વેગીલી બની જાય છે. ન બોલવાનું બોલાઈ જાય છે અને બંને વચ્ચેનો ફાંસલો વધતો જાય છે. એ ફાંસલો કે અંતર ગૃહ જીવનમાં કદી વધવા ના દેશો. એને પરિણીત જીવનમાં સ્થાન ના દેશો. જેના હૃદયમાં પ્રેમ હોય તે જ તકરાર કરી શકે (મીઠી અને ટૂંકી) કારણ એ વ્યક્તિ જ પ્રેમને નિભાવવાની તાકાત રાખે છે, બાકી જે દિવસે તમારો પાર્ટનર ગુસ્સો કરવાનો છોડી દે તો સમજવું તમે કંઈક ખોઈ રહ્યાં છો. તકરાર અને ગુસ્સાને શાકના વઘારમાં વપરાતા રાઈ અને જીરા જેવું સમજો. તેલમાં તતડે અને શાક નાખો એટલે શાંત થઇ. આપણામાં ઈગો-અહંકર છે એટલે ચકમક થશે પરંતું એને જીદની હવા આપવી નહિ. વાતચીત ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તે પહેલાં એને શાકની જેમ પોતાની સમજનો ઉપયોગ કરી એને શાંત કરવું હિતાવહ છે. જેમ રસોઈ બનાવામાં આપણે તકેદારી રાખીએ તેમ પોતાના ગૃહ સંસારમાં તકેદારી જરૂરી છે. સ્વાદ અનુસાર વાપરતા મસાલા જ રસોઈને એક જુદી જ સોડમ અને સ્વાદ આપે તેમ જિંદગીની રસોઈ ઉત્તમ બનાવીએ !
ચાલો પરસ્સ્પર વિશ્વાસ કરીએ. ક્યારેય છુટા ના પાડીએ અને છુટા પડ્યા હોઈ તો હવે અજમાવી જુઓ !
“ જીદ છોડી, જિંદગી જીવીએ !”
(ફરી મળીશું એક નવા વિષય સાથે.... વાંચતા રહેશો માતૃભારતી દોટ કોમ ઉપર......)