Bhikhari in Gujarati Short Stories by jadav hetal dahyalal books and stories PDF | ભિખારી

Featured Books
Categories
Share

ભિખારી

સરસપુર શહેરની અંદર કરસનભાઇ જીવારામ નામે એક મોટી હોસ્પિટલ આવેલ છે. જ્યા઼ ગરીબોનો નજીવા ભાવે અને મફત માં ઇલાજ થાય છે. ગરીબો માટે તો એ સંજીવની રુપ જ છે. અને આ હોસ્પિટલ એક દીકરી એ પોતાના પિતા ની યાદ માં બંધાવી છે. એ પિતા કે જેને એ રોજ મળતી ,રોજ જોતી રોજ જેનો ઈલાજ કરતી પણ જેને એ ઓળખી ના શકી. અને પોતે જ જાણે અજાણે એના મ્રુત્યુ નું કારણ બની. તમે સમજંયા નહિ. તો ચાલો આ હોસ્પિટલ બનવા પાછળ નો ઇતિહાસ કહું.

નામ હતું એનું સુલેખા મહેતા. રંગે ઉજળી અને સ્વભાવે બધાને પોતાના બનાવનારી. એ સુલેખા. બાવીસ વરસ ની ઉમરે જ્યારે એને કોલેજ પુરી કરી. ત્યારે એની મા એ એના લગ્ન એક સારા ઘરમાં કરાવી દીધા. એની મા એ એટલા માટે કેમકે એના પરિવાર મા માત્ર બે જ જણ સુલેખા અને એની મા. પિતા ને તો સુલેખા એ માત્ર તસવીર માં જ જોયા હતા. કેમકે એ નાની હતી ત્યારે જ એના પિતાજી એક અકસ્માત માં મ્રુત્યુ પામ્યા હતા. એવું એની મા એ કહ્યું હતુ. એટલે એની મા જ એના માટે સર્વસ્વ હતી.

એના સાસરીમાં પણ બધા જ એને બહુ જ પ્રેમ કરતા હતા. કેમ કે સુલેખા પોતાના સ્વભાવ થી બધાનું મન જીતી લીધું હતું. લગ્ન ના બીજા વરસે જ એક પુત્રી ને જન્મ આપ્યા પછી તો એનું માન ઘણું વધી ગયું હતું.

બધું સરસ જ ચાલી રહ્યું હતું કે એક દિવસ સુલેખા જ્યારે સવાર ના દસેક વાગ્યા ના સમય માં જમવા નું બનાવવા ની તૈયારી કરતી હતી ત્યાં ઘરના રસોડાની9 બારીમાંથી એક વ્રુદ્ધ માણસ ને જોયો. જેના માથા પર વાગેલા ઘા માં થી લોહી નીકળતુ હતુ. તો ય એ માણસ ને કંઇ પડી જ નહોતી. એની ઘરડી આંખો માં કોઇકને શોધી રહી હતી. સુલેખા ને એને જોઇને કંઇક વિચિત્ર લાગણી થઈ. એ પોતાને રોકી ના શકી. અને ઘા પર લગાડવા ની દવા ,પાટો અને સવાર ના બનાવેલા નાસ્તામાં થી થોડો નાસ્તો લઇને એની પાસે પહોંચી ગઇ. એ વ્રુદ્ધના ઘા પર પાટા પિંડી કરી. પેલો વ્રુદ્ધ પણ મુંગા મોએ પોતાની આંખો થી જાણે આશિર્વાદ વરસાવી રહી હતી. એ પછી એને નાસ્તો આપ્યો એટલે એ ત્યાંથી જતો રહ્યો.

હવે એ વ્રુદ્ધનો રોજ નો આ ક્રમ થઇ ગયો. એ વ્રુદ્ધ રોજ એ સમયે ત્યાં આવી જતો અને રોજ એના શરીર ના કોઇક ને કોઇક ભાગ પર થી લોહી વહેતુ જ હોય. અને સુલેખા પણ એને જોતા પોતાના બધા જ કામકાજ છોડીને એની સારવાર કરીને એને જમવા નું આપ્યા પછી જ બીજા કામો કરતી. હવે તો રસોઇ પણ એ વહેલી તૈયાર કરી દેતી જેથી કરીને એ વ્રુદ્ધ ને સારુ જમવાનુ આપી શકાય. ધીમે ધીમે સોસાયટીની બીજી સ્ત્રીઓ ની નજરમાં એ ખટકવા લાગ્યો. લોકો એને હડધુત કરતા જતા રહેવા માટે તો પણ જ્યાં સુધી સુલેખા આવીને એની સારવાર ના કરે ત્યાં સુધી એ ખસતો નહિ. બધી જ પડોશણો સુલેખા ની સાસુ ને સંભળાવવા લાગી કે આ તો સુલેખા એની સારવાર કરે છે એટલે નહિ તો હમણા જેલભેગો કરી દેત. આવા રોજ અવરજવર કરવા વાળા તો મોટાભાગે ચોર ના જાસુસ જ હોય છે. તમારે સુલેખા ને સમજાવવી જોઇએ કે આવા ભિખારીઓની પાટા પિંડી કરવામાં રોજ નો સમય ના બગાડે. સમય જોઇને સમજાવી દઇશ એમ વાત પતાવી ને એ ઘરમાં જતા રહ્યાં.

એના થોડા દિવસ પછી સુલેખા ના ઘરે કોઇક પ્રસંગ હતો. સુલેખા ની નણંદના સાસરીવાળા આવ્યા હતા અને બધાનું જમવાનું રાખ્યું હતુ. હજુ તો સુલેખા કંસાર રાંધવા ની તૈયારી કરતી હતી ત્યા એની નજર બારીમાંથી પેલા વ્રુદ્ધ પર પડી. આજે ફરી પાછું એની ચગદાયી ગયેલી આંગળીમાંથી લોહી વહેતુ હતું. સુલેખા જલ્દીથીધવા લઇ એની પાસે જવાની જ હતી ત્યાં એની સાસુ એ કહ્યું ,’અત્યારે જમવા નું બનાવવા ની જલ્દી છે ત્યાં તુ એની સારવાર કરવામાં સમય ક્યાં બગાડે છે. રોજ ઉઠી ને કંઇક ને કંઇક વગાડીને હાલ્યો આવે9 છે. જા જઇને રુપિયા આપીને કહી દે કે દવાખાને જાય. ષને હવે પછી અહિં આવે નહિ. નહિ તો અમારે એને જેલભેગો કરવો પડશે. ’

સુલેખા ને એની સાસુ ના આ શબ્દો કાળજે વાગ્યા. એને દુખ થયું અને એ દુખ ના લીધે એને પેલા વ્રુદ્ધ પર ગુસ્સો આવ્યો. અને એ ગુસ્સામાં પેલા વ્રુદ્ધ ની ઝાટકી નાખ્યો ,’શું તમે ય રોજ ઉઠીને ક્યાંક ને ક્યાંક વગાડીને હાલ્યા આવો છો ? આટલી ઉંમર થઇ તો ય પોતાની કાળજી રાખતા નથી આવડતું? પછી એની તરફ દસ રુપિયા ફેંકતા બોલી,’લો આ દસ રુપિયા ક્યાંક સારી જગ્યાએ સારવાર કરાવી આવો. આજે મારી પાસે સમય નથી. અને કાલ થી અહિં આવતા નહિ. નહિ તો અમારે પોલીસ બોલાવવી પડશે. ’

એટલું બોલી એ ઘરમાં જતી રહી. અને પોતાના કામકાજ માં લાગી ગઇ. પેલો વ્રુદ્ધ ઉદાસ થઈ ને ત્યાંથી જતો રહ્યો. એ પછી તો આખો પ્રસંગ સરસ રીતે પતી ગયો. બધાએ સુલેખા એ બનાવેલા ભોજન ના ભરપેટ વખાણ કર્યા અને સુલેખા ના પણ

પણ સુલેખા ને તો એ વખાણ સાંભળીને ખુશી થતી નહોતી. કંઇક વિચિત્ર પ્રકાર ના અજંપા થી એનું મન ભરાઇ ગયું હતું. રાત્રે એના પતિ એ એની ઉદાસીનતા નું કારણ પુચ્છ્યુ તો કામ કરીને થાક લાગ્યો છે એમ કહીને વાતને ટાળી દિધી.

બીજા દિવસે સુલેખા એના પિયર ભાવનગર એની માને મળવા ગઇ. ત્યાં એની મા તો પોતા ની પુત્રી અને પોતાની દોહિત્રીને આવેલા જોઇને રાજી ના રેડ થઈ ગઇ. સુલેખા ને પણ મા ને મળી ને સારુ લાગ્યુ. એ બંન્ને જણા વાતો એ વળગ્યા.. થોડી વાર પછી સુલેખા એ કહ્યું ,’મા તારા હાથે બનાવેલા ગળ્યા પુડલા ખાવા ની બહુ ઇચ્છા થઈ છે. મને બનાવી આપ ને. ’

‘હા હા એ જ બનાવી દઇશ. મારી દીકરી આટલા દિવસો પછી ઘરે આવી છે તો હું એના માટે એટલું ય ના કરી શકું. ’એમ કહીને સુલેખા ની મા રસોડામાં જઇને તૈયારી કરવા લાગી. અને સુલેખા ઘરમાં ફરી ફરીને પોતા ની જુની યાદો ને વાગોળવા લાગી. એક પછી એક વસ્તુઓને જોતા જોતા એની નજર એક તસવીર પર પડી જે. એના પિતાજી ની બહુ જુની તસવીર હતી. જેના પર સુખડ નો હાર ચડાવેલો હતો. એણે ધારી ધારીને એ તસવીર ને જોયા કર્યું. પછી અચાનક બુમ પાડી,’મા,ઓ મા,જલ્દીથી અહિં આવ. ’

‘આવુ છું પહેલા મને આટલુ કામ પતાવી લેવા દે. ‘

‘બીજુ બધું પછી કરજે. તુ અત્યારે ને અત્યારે અહિં આવ. ’

‘ શું થયું તે આટલી બુમો પાડીને ગામ ગજવે છે. ’એમ બોલતા બોલતા સુલેખા ની મા બહાર આવીને જુએ છે તો સુલેખા એના પિતાજીની તસવીર હાથમાં પકડીને ઉભી હતી. સુલેખાની મા ના ચહેરા પર જે ખુશી ના ભાવ હતા તે તરત જ બદલાઇ ગયા. અને એના સ્થાને ચિંતા અને ગભરામણ ના ભાવ આવી ગયા. તો ય કંઇ ના બન્યુ હોય એ રીતે પુછ્યું ,’શું થયું કેમ મને આ રીતે બોલાવી લીધી. ? ‘

‘મારે તને એક પ્રશ્ન પુછવો હતો. ’સુલેખા ની મા એ કહ્યું.

‘બચપણ થી લઇને આજ સુધી તે મને હંમેશા કહ્યું કે મારા પિતાજી હયાત નથી. અને મે માની લીધું. પણ તે ક્યારેય એ વાત નો ઉલ્લેખ નથી કર્યો કે એ કેવી રીતે મ્રુત્યુ પામ્યા હતા. કેમ? ’

‘ એવું થોડી હોય કર્યો હશે પણ તને યાદ નહિ હોય. ’સુલેખા ની મા એ કહ્યું.

‘સારુ ,તુ કહે છે તો એ પણ માની લઉં છું કે મને યાદ નહિ રહ્યું હોય. હવે કહી દે કે એ કેવી રીતે ગુજરી ગયા હતા? ‘લ

‘એ તો એક બસ એક્સિડન્ટ માં મ્રુત્યુ પામ્યા હતા. હવે તું એમના વિશે પ્રશ્રો પુછીને મને હેરાન ના કરીશ.. અને મને મારુ કામ કરવા દે. ’એમ કહીને સુલેખા ની મા રસોડા માં જવા લાગી. પણ સુલેખાએ માનો હાથ પકડીને એને રોકી લીધી અને કહ્યું , ‘મને એવુ લાગે છે કે પિતાજી વિશે તુ કંઇક છુપાવે છે. તને મારા સમ છે મા. એમના વિશે સત્ય નહિ કહે તો તું મારુ મરેલું મો જોઇશ. ’

આ સાંભળીને સુલેખા ની મા રડવા લાગી. અને કહ્યું, ‘એવું ના બોલ, અમારા માટે જે કંઇ છે એ તુ જ છે. તારા સિવાય અમારુ બીજું કોણ છે ? અમે બંન્ને એ જે કંઇ પણ કર્યું એ તારા માટે જ કર્યું છે. ’

‘ તમે બંન્ને એ ? તુ કહેવા શું માગે છે સાફ સાફ કહેને. ’

‘શું થયું હતું એ હું તને સમજાવું છુ. હું અને તારા બાપુજી પરણીને શાંતિપુર માં ગયા હતા. ત્યાં તારા બાપુજી શિક્ષક હતા. તારા બાપુજી મને ખુબ જ પ્રેમ કરતા હતા. ત્રણ વરસ પછી તારો જનમ થયો. એટલે તારા બાપુજી ને તુ બહુ વ્હાલી હતી. બધું સરસ ચાલી રહ્યું હતું. જીવન એક શાંત નદીની જેમ વહી રહ્યું હતું. ત્યાં એક દિવસ એ ગામ ના માથા ભારે જમીનદાર દુર્જનસિંહની નજર મારા પર પડી. એ ગામ ની ઘણી બધી સ્ત્રી ઓની આબરુ લુંટી હતી. પણ એની સરપંચ અને બધા સાથે પહોંચ હોવાથી કોઇ એનું કંઇ બગાડી જ નહોતા શકતા. પોલીસ પણ એમની વિરુધ્ધ ક્યારેય કોઇ ફરિયાદ લેતી નહોતી.. મને અને તારા પિતાજીને ખબર હતી. અને એટલે જ હું ઘરની બહાર ઓછું નીકળતી. પણ તો ય કમનસીબે એક દિવસ એની નજર મારા પર પડી. અને ત્યાર થી એ એજ લાગમાં રહેતો હું ક્યારે ઘરે એકલી પડું. એ દિવસોમાં તું બહુ બિમાર થઈ ગઇ. અને એમને એ દિવસે શાળા ના કામકાજે થી આવતા ઘણું મોડું થઈ ગયુ. હું ઘરે એકલી હતી. અને ખબર નહિ ક્યાં થી ખબર પડી ગઇ.

દુર્જનસિંહ ઘરમાં ઘુસી આવ્યો અને મારી પર બળાત્કાર કરવાનો પ્રયત્ન કરવા લાગ્યો. અને એ જ સમયે તારા બાપુજી આવી ગયા. મારી સાથે બળજબરી કરતા એમણે જોયુ અને એમણે મને બચાવવા માટે થઈ ને દુર્જનસિંહ ને ચાકુ મારી દિધું. અને ત્યાં સુધી એના પર ઘા કરતા રહ્યાં જ્યાં સુધી એના પ્રાણ ના જતા રહ્યાં પણ જ્યારે એમને ભાન થયું કે એમણે શું કરી નાખ્યું છે ત્યારે એમણે મને કસમ આપીને કહ્યુંખે હું ગામ છોડીને જતીરહું. અને જ્યાં પણ જઉં ત્યાં લોકો ને મારી ઓળખ વિધવા તરીકે જ આપુ. કે જેથી કરીને તારુ ભવિષ્ય ના બગડે. અને એની વહેલી સવાર ની આવતી ટ્રેન માં હું બેસી ગઇ. અને એ ટ્રેન થી હું રાજકોટ થઇને ભાવનગર આવતી રહી.. કડવા ચોથ ના દિવસે તને મુકીને હું જતી રહેતી તને યાદ છે તુ મને પુછતી પણ ખરી પરંતુ હું વાત નો જવાબ આપવા નું હંમેશા ટાળી દેતી. હું તારા પિતાજીને મળવા જતી.

હમણાં એક મહિના પહેલા એ જેલમાંથી એમની સજા પુરી કરીને અહિં આવ્યા હતા. સાવ નખાઇ ગયા હતા. તારો ફોટો અને સરનામું લઇ ગયા હતા. મને એમણે ના પાડી દીધી હતી જેથી મે તને કંઇ જણાવ્યું નહિ. મને એમણે કહ્યું હતું કે એકવાર તને જોઇને એ પાછા મને મળીને જશે પણ હજુ સુધી મને મળવા આવ્યા નથી. એટલે મને બહુ જ ચિંતા હતી પણ તારા આવવાથી મને ઘણું સારુ લાગ્યું હતું.. ’

સુલેખા એ પોતાની મા ને શાંત કરતાં કહ્યુ ,’રડ નહિ મા. અને તારે માફી માગવા ની જરુર નથી. તે જે કંઇ પણ કર્યું છે એ મારા માટે કર્યું છે. પણ હું એમને ઘરે લઇ આવીશ. અને હવે થી તમે બંન્ને સાથે જ રહેશો. મને ખબર છે એ ક્યાં હશે? હું અત્યારે જ પાછી મારા સાસરે જાઉં છું. કદાચ હજુ ય એ મારી રાહ જોતા હશે. ’

સુલેખા એ દિવસે જ પોતા નો સામાન પેક કરીને પાછી સરસપુર પહોંચી ગઇ. ત્યાં એને જોઇને બધા રાજી રાજી થયા ગયા. સુલેખા તો આતુરતા પુર્વક બીજા દિવસ ની સવાર પડવા ની રાહ જોઇ. આખી રાત પડખા ઘસવા માં જ કાઢી નાખી. બીજા દિવસે સવાર થી જ એ વ્રુદ્ધ ભિખારી ની રાહ જોવા લાગી. પણ સવાર ના દસ વાગ્યે તો સુલેખા બારીમાં જ મીટ માંડી ને ઉભી રહી. પણ ધીમે ધીમે અગિયાર વાગ્યા તોય એ ના દેખાવાથી સુલેખા બેચેન બની ગઇ. બપોરના એક વાગ્યે બધું કામ પતાવી ને સુલેખા બાજુ ના ઘરે કોકિલાબેન ને ત્યાં ગઇ. અને વાત વાતમાં પુછી લીધું કે પેલા વડીલ જે ની હું રોજ સારવાર કરતી હતી એ આજે ક્યાંય દેખાયા નહિ. ક્યાંક વધુ બિમાર તો નથી થઈ ગયાને. ? કે પછી એ દિવસે મે કાઢી મુક્યા એટલે નારાજ થઈ ને ક્યાંય ચાલ્યા ગયા છે. તમને કંઇ ખબર છે? ’

કોકિલા બેને અફસોસ કરતા કહ્યું , ‘અરે ,એ બિચારા વ્રુદ્ધ સાથે તો બહુ ખરાબ થયું. તે એ દિવસે કાઢી મુક્યા એમને પણ એ બહુ દુખી થઈ જતા હતા ત્યાં કાળકામાના મંદિર આગળ થી જે વળાંક આવે છે ને ત્યાં ના હાઇવે ઉપર એક ટ્રક વાળાએ એમને હડફેટે લીધા. ને એ બિચારા તો ત્યાં જ મ્રુત્યુ પામ્યા. મરતાં મરતાં કંઇક કહેવા માગતા હતા પણ કહી ના શક્યા. એમના હાથમાં થી એક નાની બાળકીનો ફોટો મળ્યો હતો. કદાચ એમની દીકરી હોય. પણ મને બહુ દુખ થયું હતું એટલે મે એ ફોટો સાચવી લીધો. ’એમ કહી કબાટ ખોલીને એ ફોટો સુલેખાના હાથમાં મુકી દીધો.

સુલેખા આ સાંભળીને જોરજોરથી રડવા માંડી. એને રડતા જોઇને બધા ભેગા થઇ ગયા. સુલેખા એ રડતા રડતાં બધાને સત્ય જણાવ્યુ. ત્યારે બધાની આંખમા આંસુ હતા.

સુલેખા ની ઇચ્છા ને માન આપીને જ એના સાસુ સસરા એ સુલેખા ના પિતા ની યાદ માં આ હોસ્પિટલમાં બંધાવી જેથી કરીને દરેક ગરીબ દર્દીને સારવાર મળે અને સુલેખા ના પિતાજી ની આત્મા ને શાંતિ. આજે પણ હોસ્પિટલ ના પ્રાગણમાં જ સુલેખા ના બાપુજી ની પ્રતિમા છે અને પ્રતિમા ની નીચે સુલેખા ની જીવન કથા. જેથી કરીને બધાને પિતા ના પુત્રી માટે ના પ્રેમ અને બલિદાન ની ખબર પડે. સુલેખા અચુક આ હોસ્પિટલમાં આવે છે ને પહેલા એ કથા વાંચે. અને પછી દર્દીઓ ની સેવા માં લાગી જાય છે.

***