Ay vatan - 3 in Gujarati Fiction Stories by Vijay Shah books and stories PDF | અય વતન ૩ ઈકબાલને સજા.

Featured Books
Categories
Share

અય વતન ૩ ઈકબાલને સજા.

પ્રકરણ - ૩

ઈકબાલની સજા

સવજી અને સવિતાના લગ્ન લેવાયા ત્યારે કેશુ મામા અને શાંતા મામી રાજી હતા. રંગે ચંગે પરણી ઉતર્યા અને વરઘોડિયા સાથે સુમિમામી પણ કરાંચી આવવા નીકળ્યા ત્યારે અમુલખ અને સમુબહેન દ્રવતા હતા. નાનો નાગજી પણ વ્યથિત હતો. માંડવી કરાંચીની મુસાફરી લાંબી હતી. પણ કેશુ મામાની જીપ અને એમ્બેસેડરમાં બધાં કરાંચી પહોંચ્યા.

કેશુ મામાનાં ઘરથી થોડે દૂર સોસાયટીમાં દીકરીનું ઘર હતું. જેમાં ઘર સંસાર શરુ થયો. વાતાવરણ બદલાયું. તેથી સુમિ ભાભી પણ સ્વસ્થ થતા લાગ્યા.

તેમના મોં ઉપર ચમક ત્યારે આવી જ્યારે સવિતાએ મહીનો ચૂકી ગયાનાં શુભ સમાચાર આપ્યા. તેમણે મૂક મને પ્રભુને પ્રાર્થના કરી, હે પ્રભુ વંશજ આપજે

દુકાન પર કેશુ મામા તેને ઘરાકોની ઓળખાણ આપતા અને ઉઘરાણીએ પણ લઈ જતા. ચોપડે ઈકબાલનું નામ જોયું ત્યારે સવજીએ મામાને કહ્યું, “મામા આ ઘરાક વ્યાજ સમયસર આપે છે. પણ મૂડી ત્રણેક વર્ષથી અપાઈ નથી. સીઝનમાં મૂડી પાછી લેવી રહીં.”

કેશુ મામા બોલ્યા - હા તે વાયદાએ આપીને ફરી જાય છે. કપાસ આ વખતે સારો પાક્યો છે. ચાલ વહેલી સવારે કાલે તેના ખેતરે જઈશું.

વહેલી સવારે આછુ પાતળુ અજવાળુ હતું. ત્યારે જીપમાં બે નાળી લઈને મામા અને સવજી ડ્રાઈવરને લઈને નીકળ્યા. વહેલી સવારે ખેતર ઉપર રૂ ભરાતુ હતું. તેના ઉપર ટાંચ મારી અને પોલિસ ઈન્સપેક્ટરને જાણ કરી.

ઈકબાલ ધૂંઆ ફૂંઆ થતો આવ્યો ત્યારે પહેલા નમ્રતાથી કહે - શેઠ તમને વ્યાજ તો આપું છું ને ?

“જો વ્યાજની જેમ અમને મૂડી પણ સમયસર જોઈતી હોય છે. સમજ્યો. તું સીઝનનો માલ જીનમાં ભરે અને મને અંગૂઠો બતાવે તે ચાલે જ ના.”

“અરે પણ તમને વ્યાજ નિયમિત આપું છું અને બજારધારા કરતાં વધુ.”

“વ્યાજ આપે ધીરાણ કરેલા પૈસાની મુદત લંબાઈ જાય તેવું તને કોણે કહ્યું ?”

બે નાળી હાથમાં લઈને સવજીએ ઈકબાલ સામે ધરી તો ઈકબાલ એકદમ જ છળી ગયો... કાફીર તને હું જોઈ લઈશ.

“આમેય સીઝનમાંથી ૯૦ % રકમો જમા લેવાની હોવાથી તેના હાથમાં કશું રહેતું નહોતું.”

“જો સમજ ! ધિરાણનાં નિયમ મુજબ અમને મૂડી સમયસર ના મળે તો મૂડીની અવેજીમાં પાક અમે જપ્ત લેતા હોઈએ છે. તારું ઘર ચાલે તેટલા ૧૦% છોડીને બધું જ રૂ જીનમાં ભરીને હું પૈસા લઈ લેવાનો છું.”

ઈકબાલ ઝનૂને ભરાઈને ગાળા ગાળી કરવા માડ્યો ત્યારે સવજીએ હવામાં ગોળીબાર કર્યો. જે જમાદારને સૂચિત ઈશારો હતો. તેથી પોલિસ તરત જ આવી ગઈ.

જમાદારને પોતાની હકીકત સમજાવવા ઈકબાલે વ્યાજ ભરૂ છું. વળી દલીલ કરી પણ જમાદારે એક જ પ્રશ્ન કર્યો. પૈસા ધિરાણથી લીધા છે ને ?

“હા”

બીજો પ્રશ્ન હતો

“મુદત પૂરી થઈ ગઈ છે ?”

જવાબ હા માં હતો ત્યારે કહ્યું, તે તબક્કામાં કેશુ શેઠ મૂડી પાછી લઈ શકે છે.

આખા ગામમાં ફજેતી થઈ તેથી એલફેલ બોલતા ઈકબાલને જેલમાં પૂરી દીધો.

“આ શેઠ તમે સારૂ નથી કરતા. હું તમને જોઈ લઈશની ધમકી તેના વિરુદ્ધ ગઈ.

ગામ આખામાં ફજેતી થઈ તેનું દુઃખ તેને હતું અને આ શેઠ લોકોને તો પૈસા મેળવ્યા પછી દાદાગીરીથી પૈસા લઈ લેવાય તેવી વાત ઉપર તે ખોટો પડ્યો કારણ કે સામે કેશુ શેઠ હતા.

તે મનોમન બબડ્યો... “જોઈ લઈશ !” તમને પણ... ગામની વચ્ચોવચ્ચ ભૂંડો કર્યો છે તો તને પણ જોઈ લઈશ.

જાણે તેનું મનમાં બોલાયેલ વાક્ય કેશુ શેઠે સાંભળ્યું હોય તેમ બોલ્યા, “તારા જેવા મગતરાથી હું ડરું તેવો નથી શું ? પૈસા આપું છું તો કઢાવવાનું પણ જાણું છું. જો જાત બતાવ્યા વિના રહેવાનો હોય તો જ મારા પગથિયા ચઢજે.”

પ્રો. ઈન્સ્પેક્ટર પાછા વળતા કેશુમામા પાસેથી હજાર રૂપિયા લઈ ગયો પણ તેણે સોટો પાડી દીધો.

આ પ્રસંગની સીધી અસર ધિરાણ ઉપર પડી. ઉઘરાણી કરવાની જરૂર ન રહી... લોકો પૈસા પરત કરી જતા અને બીન જરૂરી પૈસા લઈ જનારાને ખબર પડી કે કેશુ શેઠ તો પોલિસને લઈને પણ આવે છે.

સવિતા ત્યારે ચોથા મહીનામાં બેઠી હતી. નવેક વાગ્યે સવજી અને કેશુ મામા જાણે કશું જ બન્યું નથી તેમ ઘરે આવ્યા. બે નાળી તેની જગ્યાએ મૂકી અને રૂપિયા ૩૦,૦૦૦ શાંતા મામીનાં હાથમાં મૂક્યા.

ઉષા મામી પામી ગયા કે જરૂર કંઈક નવાજૂની થઈ છે. પણ સવિતા ડરી ન જાય તેથી તે મૌન રહી. સવજીને કહ્યું, સવિતાને ડોક્ટરને ત્યાં બતાવી આવો આજે ચોથો મહિનો બેઠો છે.

સવજી બહુ ઠંડકથી મામીની સાથે ઉભો રહ્યો હતો પણ તે જાણતો હતો કે મામા આ પ્રસંગે ડગી ગયા હતા. તેમની ધારણા હતી કે ઉઘરાણી કરવા જઈશ ત્યારે પૈસા મળી જશે પણ બળનો પ્રયોગ પહેલીવાર કરવો પડ્યો હતો.

સવિતાને લઈને સવજી ડોક્ટરને બતાવવા નીકળ્યો ત્યારે મામીએ કહ્યું,

“કોની ઉઘરાણી લાવ્યા ?”

“ઈકબાલ ઘોરીની.”

“આટલા બધા પૈસા સાથે આપ્યા ?”

“હા, જરા ભડકાવ્યો એટલે પૈસા હલકા કર્યા.”

“તમારી બે નાળીનો દારુ ગંધાય છે.”

“હા - હવામાં ભડાકો કર્યો હતો જમાદારને બોલાવવા.”

“હેં !”

“હં ! પહેલો બળપ્રયોગ”

આખું ગામ ભેગું થઈ ગયું હતું.

“હા. એલફેલ બોલતો હતો.”

“દુશ્મનાવત નોંતરી.”

“હા, પહેલો દુશ્મન.”

“બળથી કામ કાઢ્યું તેથી.”

“હા, પણ મથરાવટી તેની મેલી થઈ હતી.”

વ્યાજ આપીને મૂડી હજમ કરવી હતી.

હવે ભલે વ્યાજ આપે પણ ફરીથી ઓટલે ના ચઢાવશો...

“ભલે ધંધો નીતિથી કરવો.”

હિંચકે બેઉ ઝૂલતા હતા. મામી ચિંતા કરતા હતા. જમ ઘર ભાળી ના જાય તેની. જયારે મામા તેને ચિંતા કરતી ભાળીને ચિંતા ન કરવા સમજાવતા હતા. આ મૌન સંવાદને હિંચકો જાણે સાંભળતો હોય તેમ હોંકારો પુરાવતો.

સવિતા સાથે સવજી ઘરે પહોંચ્યો અને પહેલુ જ વાક્ય બોલ્યો, “આજે બે નાળીનો ધડાકો કરી પહેલી ગુરુદક્ષીણા આપી.”

“હેં”

“હા, કેશુ મામા સાથે જઈને આજે ઉઘરાણીનો પહેલો પાઠ શીખ્યો.”

સવિતાનું મોં તંગ હતું. શાંતા મામીની જેમ ચિંતાગ્રસ્ત. પછી પ્રશ્નોની વણઝાર ચાલી. મામાએ બેનાળી કેમ તમને આપી ? તમે તે ફોડી શક્યા ? બીક ના લાગી ? સામેવાળા પાસે હથિયાર હોય તો તમારા ઉપર તે હલ્લો ના બોલાવે ?

સવજી હળવેકથી બોલ્યો. ના એવું કશું જ નહોતું. જમાદાર સાથે નક્કી કરેલ કે જો બંદુક ફોડીયે તો તરત આવી જવાનું. જો ઈકબાલ બહુ આડો અવળો થાય ત્યારે તેને ડરાવવાની બે નાળી વાપરવાની હતી. કંઈ કોઈ માણસ ઉપર તાકવાની નહોતી. વળી આ તો ધંધાની જરૂરિયાત. રાઈફલ જોઈને જ હાજો ગગડી જાય. અને મામાએ કહ્યું હતું કે ઈશારો કરે એટલે હવામાં ગોળીબાર કરવાનો હતો.

જુઓ મારો ગાત્રો તો ધ્રૂજે છે. બંદૂક વાપર્યાની વાતથી...

“અરે ખાલી ફટાકડો ફૂટે તેમ અવાજ જ થાય અને આપણું ધાર્યું કામ થાય. મામાને માટે પણ આ પહેલો અનુભવ હતો. ઈકબાલ તેની જાત ઉપર આવી ગયો હતો. હું વ્યાજ આપું છું ને ? પણ મામા કહે તુ બોલી ને ફરી જાય છે. મને વ્યાજનાં ટુકડામાં રસ છે. પણ સાથે સાથે મારી મૂડીમાં પણ રસ છે. ”

અવાજ એનો જેમ ઊંચો થતો ગયો તેમ મામા પણ ગુસ્સે થતા ગયા. મોટું ટોળું થઈ ગયું અને ઈકબાલનું ભૂંડું દેખાવાનું ચાલુ થયું ત્યારે ગાળો બોલવાની શરૂઆત કરી ત્યારે મામાએ મને ઈશારો કર્યો અને મેં આકાશમાં નાળ ધરી ધડાકો કર્યો અને ફોજદારની જીપ તરત આવી ગઈ.

ગોરા ફોજદારે આવીને તરત મારી પાસેથી રાઈફલ લઈ લીધી અને ઈકબાલને પૂછ્યું, કેમ શું વાત છે ?

બે નાળીનો ધડાકો અને ફોજદારની જીપ જોઈને તત ફફ કરવા માંડ્યો. કેશુમામા ગરજીને બોલ્યા, પૈસા પાક ઉતરશે પછી આપીશ કહીને ત્રણ વરસથી ધક્કા ખવડાવે છે. વ્યાજ આપું છું ને કહીને મૂડી ઘાલી પાડવાનો બદ ઈરાદો છે.

ગોરા ફોજદારે કડક નજરે પૂછ્યું :

“આ વાત સાચી છે ?”

“હા, પણ હું વ્યાજ આપું છું ને ?”

“તમને મુદત વધારી આપી હતી ?”

“ના, તેઅંગે વાત થયેલ નહીં.”

કેશુમામા કહે મુદત તો એક વર્ષની હતી. સારો ઘરાક સમજીને મેં બે વર્ષ રાહ જોઈ. આજે ખબર પડી કે પૈસા ચાંઉ કરી જવાની દાનત છે તેથી આજે સીલ કરીને જીનમાં લઈ જાઉં છું. તો ગાળાગાળી કરે છે. જમાદારે કડક અવાજે પૂછ્યું, “શું આ વાત સાચી છે ?”

ઈકબાલે જેવી હા ભણી કે તેને બેડી પહેરાવી ફોજદાર લઈ ગયા અને અમને રૂ લઈ જવા આદેશ કર્યો.

અમે તે રૂ જીનમાં આપી રોકડા કરીને લઈ આવ્યા.

જતા જતા તે બોલતો હતો કે કેશવ શેઠ આ સારું નથી કરતા તમે ... હું પણ તેનો બદલો લઈશ.

“અરરર ! આ સારું ન થયું.”

“પણ રકમ ખાસ્સી મોટી હતી અને મામા એ તને વારંવાર યાદ પણ કરાવેલ. પણ તેની દાનત ખરાબ હતી. તે જાણ્યા પછી કોઈ એકશન ન લે તો નબળા ભાળી જાય... ડોશી મરી જાય ને જમડા ઘર ભાળી જાય.”

જીનમાંથી લાખ રૂપિયા આવ્યા. હિસાબના સિત્તેર હજાર રાખીને બાકીનાં ત્રીસ હજાર તેના ઘરે પહોંચતા કરીને અમે આવ્યા. આખુ નાટક ચાલતું હતું ત્યારે ઈકબાલની વહુ રડતી હતી. તેના હાથમાં ૩૦,૦૦૦ આપીને આવ્યા ત્યારે તે પગે પડી ઈકબાલને છોડાવવા વિનંતી કરતી હતી. એટલે કેશુ મામાએ ફોજદારને કહ્યું કે કાગળીયા ના કરશો. ધમકાવીને છોડી મૂકજો અને હજાર રુપિયાનું કવર આપી અમે આવ્યા.

સવિતાની ધ્રુજારી હજી ઉતરી નહોંતી.

કદાચ ઇકબાલ ઘોરીએ સામે બંદુક ચલાવી હોત તો કદાચ સવજી કે કદાચ કેશુમામા ભોગ બન્યા હોત... તેનું અજ્ઞાત મન આ વસુલાતથી ઉભી થયેલ ભયજનક પરિસ્થિતિઓની કલ્પનાથી ડરવા માંડ્યુ.

આમેય પ્રસુતાવસ્થામાં સામાન્ય ભયો પણ બિહામણા થઈને સતાવતા હોય. સવજી આ સમજતો હતો અને તેથી જ સવીતાને કહેતો કે આવનારું બાળક પણ તેના સમય પ્રમાણે જંગ કરતા શીખી જ જાય છેઽને દરેક જંગ તેની સાથે જીત કે હાર અને જીવન કે મૃત્યુનાં પાઠો સાથે લાવેજ છે.તેથી મન મજબુત કર અને ભય જ્યારે સતાવે ત્યારે નિયંતા પર ભરોંસો કરી સ્વસ્થતા ધરવી તે નીડર અને બહાદુર માતાને શોભે.

***