Bhadram Bhadra - 19 in Gujarati Comedy stories by Ramanbhai Neelkanth books and stories PDF | ભદ્રંભદ્ર - પ્રકરણ - 19

Featured Books
Categories
Share

ભદ્રંભદ્ર - પ્રકરણ - 19

ભદ્રંભદ્ર

રમણભાઈ મ. નીલકંઠ

૧૯.વલ્લભરામના દાવા

લોકહિતાર્થ પ્રયત્નમાં આજની મહેનતથી ભદ્રંભદ્ર થાકી ગયા હતા અને તેમના મનમાં અંધકાર વિરુદ્ધ કંઈ ભાવ થયો હતો. વળી અકસ્માતને નસીબ મારફત કપાળ જોડે સંબંધ છતાં તેથી તૃપ્ત ન થઈ આજના અકસ્માતે ભદ્રંભદ્રના પગ અને વાંસા સાથે સંબંધ કર્યો હતો. વિધાત્રીના લેખ સરખા ઊંડા લિસોટા ત્યાં પ્રગટ કર્યા હતા અને ભવિષ્ય પડતું મૂકી તાત્કાલિક વેદના ઉત્પન્ન કરી હતી. આ કારણોથી ઘેર જવા તરફ ભદ્રંભદ્રની વૃત્તિ મંદ હતી. પરંતુ વલ્લભરામ સાથે અમારે ઓળખાણ છતાં એટલો પરિચય નહોતો કે ભોજન કરાવે. ’ભોજન તો કરવું નથી માટે રાત્રે અહીં જ રહીએ તો કેમ.’ એવું અને એવી મતલબનું ભદ્રંભદ્રે મને એક-બે વખત પૂછ્યું. પણ વલ્લભરામે ભોજન કરવાની વિનંતી કરી નહિ તેમ રાત્રે રહેવાની સૂચના વિશે પસંદગી પણ બતાવી નહિ. વલ્લભરામ આર્યપક્ષના સમર્થક હોવાથી ભદ્રંભદ્રને તેમને માટે પૂજ્યવૃત્તિ હતી તે નીચી પડી જવાની ધાસ્તીમાં હતી. પણ રાત્રે તારાના ભારથી વળી જઈ પૃથ્વી પર તૂટી પડતા આકાશને દિવસે સૂર્ય આવીને ટેકવી રાખે છે તેમ આ પૂજ્યવૃત્તિનું અધઃપતન થતાં પહેલાં ત્રવાડી આવી પહોંચ્યા અને તેમણે તે વૃત્તિને ઊંચી રાખી. ’કેમ વલ્લભ શોખી ! શી તરકીબ ચાલે છે ?’ એમ બોલતાં તેમણે પ્રવેશ કર્યો પણ અમને જોઈ તે બોલતાં અટક્યા. નમસ્કાર કર્યા અને પાસે આવીને બેઠા અને બધી હકીકત ટૂંકમાં સાંભળી લીધી. વલ્લભરામ અને ત્રવાડી બીજા ઓરડામાં જઈ મસલત કરી આવ્યા અને અમને ભોજન કરવાનો તથા રાત્રે રહેવાનો બહુ આગ્રહ કર્યો. હરકત જેવું નહોતું તેથી અમે કબૂલ કર્યું.

ભોજન કરી પરસ્પરને સંતુષ્ટ કરી અમે ચાર જણ આર્યપક્ષના વિજયની વાતો કરવા બેઠા. ત્રવાડી કહે, ’વલ્લભરામ, આજકાલ તો ગુજરાતમાં આર્યપક્ષ તમારા વડે જ દીપી રહ્યો છે, બોલનારા, લખનારા બીજા છે, પણ વિદ્વત્તા ભરેલી દલીલો આપી આર્યપક્ષનું સમર્થન તમે જ કરી શકો છો.’

વલ્લભરામને હા કે ના કહેવાનો પ્રસંગ નહોતો તેથી ઐતિહાસિક વૃત્તિ ધારણ કરી તેમણે કહ્યું :

’એક વખત એવો હતો કે ઊંચી ઇંગ્રેજી કેળવણી પામેલા તો સુધારાવાળા જ હોય એમ મનાતું અને સભામાં તે જ અગ્રેસર હતા. જૂની પદ્ધતિના જનોને એથી ભારે મુશ્કેલી થઈ પડી હતી. સુધારાવાળાની દલીલો છતાં તેમને પોતાના વિચાર તજી દેવા નહોતા ગમતા. ઇંગ્રેજી કેળવણીનો ઉપયોગ સુધારા વિરુદ્ધ કરી તેમના મનને રુચતી પુષ્ટિ આપનારની આકાંક્ષા હતી અને તે જ પ્રમાણે કેળવણી પામેલા વર્ગને આર્યપક્ષમાં ભળવામાં શાસ્ત્રીઓને શરણે જતાં લજ્જા લાગતી હતી અને તેથી સંકોચ થતો હતો. તે કારણથી તેમને પણ પોતાના વર્ગના કોઈ ગુરુની જરૂર હતી.’

હવે પછી કહેવાનું વાક્ય બોલતાં વલ્લભરામને ગૂંચવણ પડે એ જાણે ધ્યાનમાં એકદમ ઊતરી ગયું હોય તેમ ત્રવાડી બોલી ઊઠ્યા, ’તે પુષ્ટિ આપનાર અને તે ગુરુ તે તમે જ.’

ભદ્રંભદ્રની મુખમુદ્રા પર અભિમાનવૃત્તિ કંઈક ખંડિત થયાની રેખા જણાઈ, પણ સ્વપ્રતિષ્ઠાની સૂચના ન કરતાં તેમણે એટલું જ કહ્યું, ’શાસ્ત્રીઓની અવગણના થાય એ ઇષ્ટ પરિણામ નથી, તેમ પાશ્ચાત્ય વિદ્યાની સહાયતાથી આર્યપક્ષનો ઉત્કર્ષ થાય એ સંભવતું પણ નથી.’

વલ્લભરામ કહે, ’આર્યધર્મનું સનાતન સ્વરૂપ તો આપ કહો છો તે પ્રમાણે જ છે. પણ એવાં વચનો કહ્યાથી આપણા પર મતાંધતાનો આક્ષેપ થવાની ભીતિ રહે છે. માટે હું બહારથી તો એમ જ કહું છું કે જ્યાં હોય ત્યાંથી સત્ય લેવાને અમે તૈયાર છીએ. જૂનું કે નવું, આ દેશનું કે બીજા દેશનું, જે સત્ય હોય તે ગ્રહણ કરતાં અમને બાધ નથી. ત્યારે જ સત્યના શોધક તરીકે માથું ધરી શકાય છે. પછી જ્યારે અમુક નવી પાશ્ચાત્ય વાત સત્યને ઠરીને ગ્રહણ કરવાની આવે ત્યારે ક્યાં આપણે નથી કહી શકતા કે "તે અમારા સનાતન ધર્મથી વિરુદ્ધ છે ? વેદ ઈશ્વરપ્રણીત અને તેને આધારે થયેલાં સ્મૃતિપુરાણ પણ તેવાં જ શબ્દપ્રયાણ એટલે તેનું ઉલ્લંઘન અમારાથી થાય નહિ. વેદવ્યાસાદિ ઋષિઓથી અમે પોતાને વધારે ડાહ્યા સમજતા નથી." એમ કહી બીજી જ તકરાર ઉઠાવીએ એટલે સત્યના રૂપરંગની અવગણનાનો ઉપલો સ્વીકાર પ્રતિપક્ષીના મનમાંથી ખસી જાય. આ દેશનું જે સર્વ જૂનું તે જૂનું છે એટલા માટે જ ખરું છે એમ એક નિબંધમાં દર્શાવી મેં અંતે એમ જ લખ્યું છે કે અમારે તો જૂનું ને નવું બધું સરખું છે. જે સત્ય હોય તે ગ્રહણ કરવું છે તેથી સુધારાવાળા ગૂંચવાઈ ગયા છે અને ઉત્તર આપી શકતા નથી, કેમકે જૂના માટેનો આગ્રહ સત્યશોધક વૃત્તિથી ઊલટો છે એમ કહે તો ઉપલું અંત્ય વાક્ય હું બતાવી શકું. આ દેશનું જે અસત્ય ઠરે તે ત્યાજ્ય છે એમ કહેવાઈ ન જાય એટલી સંભાળ રાખું છું.’

ભદ્રંભદ્ર કહે, ’એ યુક્તિ ઠીક છે, પણ કેટલાક આર્યોનું કહેવું છે કે શાસ્ત્ર અને તર્કને ભેળવ્યાથી શાસ્ત્રને હાનિ થાય છે. શાસ્ત્રવચનોને પણ તર્કની આવશ્યકતા છે એમ ભ્રાંતિ થતાં શાસ્ત્રની અવમાનના થાય છે,’

વલ્લભરામ કહે, ’એ હું સમજું છું; પણ એટલું કબૂલ કરીએ તો તો પછી સુધારકોનું કહેવું જ સ્વીકાર્યું કહેવાય. સત્યનો અમારે નિષ્પક્ષપાત રીતે નિર્ણય કરવો છે એમ કહ્યા વિના તો ન ચાલે. પણ તેથી પ્રાચીન કંઈ મૂકી દેવું પડશે એવા સંશયનું કારણ નથી. "અનાદિસિદ્ધ વ્યવસ્થા" નામે પુસ્તકમાં મેં સિદ્ધ કર્યું છે કે આ દેશમાં અને યુરોપ-અમેરિકામાં હાલ જે કેટલાં વિદ્વાન હિંદુસ્તાનના પ્રાચીન પુસ્તકોમાં આજ સુધી અજ્ઞાત રહેલાં રહસ્ય ખોળી કહાડીને બતાવે છે તેમનો મત ઋષિઓએ કરોડો વર્ષથી સંગ્રહ કરેલાં શાસ્ત્રમાંના ધર્મનો જ અમૂર્ત રૂપે અવતાર છે. પૂર્વકાલમાં પણ કેટલાક ધર્મોપદેશકોએ આપણા ઋષિઓના સરખા કેટલા મત પ્રદર્શિત કર્યા છે તે પરથી એ જ સિદ્ધ થાય છે કે આપણો સનાતન ધર્મ ફરી ફરી અધર્મ દૂર કરવા અવતરે છે, ધર્મ તો દરેક પ્રજાના ઇતિહાસના આરંભથી જોવામાં આવે છે, માટે સર્વનો મૂળ આર્યધર્મ અનાદિ હોવો જોઈએ એ જ સિદ્ધાંત થાય છે. આ પ્રમાણે હાલની પાશ્ચાત્ય પદ્ધતિને અનુસરીને કરાતા તર્ક આપણાં શાસ્ત્રોનો જ અવતાર છે તો પછી શાસ્ત્રો સાથે તેનો સંયોગ થતાં હાનિ નથી. એ અવતારને હું "રહસ્યાવતાર" કહું છું.’

કંઈ સંતોષનું કારણ મળ્યું હોય તેમ ઉત્સાહિત થઈ ભદ્રંભદ્ર બોલ્યા, ’ધર્મ મૂર્ત રૂપે નહિ પણ અમૂર્ત રૂપે અવતર્યો હોય તો પછી કોઈ અમુક વ્યક્તિ ધર્મોદ્ધારકની કીર્તિને યોગ્ય કેમ કહેવાય ? અવતારમાં તો કોઈ મનુષ્ય નાયક કહેવાય જ નહિ.’

આક્ષેપ સહન થઈ શક્યો ન હોય તેમ અધીરા થઈ ત્રવાડી નસકોરાં ફુલાવી બોલી ઊઠ્યા, ’વલ્લભરામે હજી પોતાનો સિદ્ધાંત પૂરેપૂરો આપને કહ્યો નથી. જેમ બીજા દેશોમાં જ્યારે વિષ્ણુનો અવતાર થયો ત્યારે સર્વાત્મા વિષ્ણુએ મલેચ્છના સંસર્ગથી દૂર રહેવા પોતે ન અવતરતાં ધર્મ સમજાવનાર પોતાના અંશવાળા પેગંબરો ઉત્પન્ન કર્યા તેમ આ "રહસ્યાવતાર"માં પણ કૃષ્ણ પરમાત્માએ જાતે અવતાર ન લેતાં ધર્મને અમૂર્ત અવતાર આપી તેનું પ્રકાશન કરનાર પેગંબર તરીકે વલ્લભરામને મોકલ્યા છે. વિનયને લીધે વલ્લભરામ આ પરમ સિદ્ધાંત સ્પષ્ટ રીતે કહેતા નથી તેથી ઘણી વાર ગેરસમજણ થાય છે. પણ અવતારી પુરુષોને માટે આત્મપ્રશંસા એ દોષ નથી. નહિ તો શ્રીમદ્‌ ભગવદ્‌ગીતામાં શ્રીકૃષ્ણ કહે છે કે "હું આવો છું ને મેં આમ કર્યું" તે આત્મપ્રશંસાદોષ ન કહેવાય ? એ દોષ તો પામર મનુષ્યોને લાગે છે.’

ભદ્રંભદ્ર કંઈ ક્ષુબ્ધ થઈને બોલ્યા, ’મારું આર્યત્વ તો એવું છે કે "પેગંબર" સરખા મલેચ્છ શબ્દના ઉચ્ચાર કે શ્રવણથી તે ભ્રષ્ટ થાય. તો પછી તેની કલ્પના તો તે કેમ જ સહન કરી શકે ? એ માટે કંઈ શાસ્ત્રાધાર છે ?’

વલ્લભરામે ત્રવાડીને બદલે ઉત્તર દીધો, ’સ્વિટ્‌ઝરલૅન્ડના પ્રખ્યાત ડૉક્ટર નોબૉડિએ પૃથ્વીના એકેએક દેશમાં બારીક શોધ કરી "ધિ રાઇઝિંગ પૉકેટ" નામે એક ગ્રંથ હમણાં પ્રગટ કર્યો છે, તેમાં -’

ભદ્રંભદ્ર અધીરા થઈ બોલ્યા, ’હું તો શાસ્ત્રના આધાર વિષે કહું છું અને વળી એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે પ્રસન્નમનશંકર સરખા આર્ય આપની પાશ્ચાત્ય પ્રમાણો ઉતારવાની પદ્ધતિને યોગ્ય ગણતા નથી. આપનાં પુસ્તકો પરથી જણાય છે કે આપને તો તેમને માટે બહુ પૂજ્ય વૃત્તિ છે.’

વલ્લભરામે કંઈક સંકોચ સાથે કહ્યું, ’પારમાર્થિક સાધનમાં એ વૃત્તિ નિરુપયોગી છે અને આખરે ત્યાજ્ય છે; માટે એવી વૃત્તિથી ભૂલ થવી ન જોઈએ. પ્રસન્નમનશંકરભાઈ ધનસામર્થ્ય પ્રવર્તાવે છે અને બહુ સારા માણસ છે. પણ પોતાની વિદ્વત્તાની પરીક્ષા શી રીતે કરવી એ ધોરણ વિષે મારો મત તેમનાથી કંઈ ભિન્ન માર્ગે ચઢી ગયેલો છે. એમનો મત હું જાણું છું પણ, કેળવણી પામેલો વર્ગ શાસ્ત્રનાં પ્રમાણથી સંતુષ્ટ થાય છે તે કરતાં પાશ્ચાત્ય વિદ્વાનો પણ આપણા શાસ્ત્રમાં છે તેવું જ કહે છે એમ કહ્યાથી વધારે સંતુષ્ટ થાય છે એમ આપને નથી લાગતું ? એટલો પાશ્ચાત્ય મોહ તો છે જ, પરંતુ શાસ્ત્રો તો પૂજ્ય છે એટલું કહીને પાશ્ચાત્ય વિદ્વાનોનાં પ્રમાણો આપ્યાથી "રહસ્યાવતાર" વધારે સારી રીતે થઈ શકશે એમ આપ નથી ધારતા ?’

ચમક્યા હોય તેવી મુખાકૃતિને સ્થિર કરવાનો નિષ્ફળ પ્રયત્ન કરતા ભદ્રંભદ્ર બોલ્યા, ’આપનાં પુસ્તકોમાંથી પ્રમાણ મેં ઘણી વાર મારાં ભાષણોમાં આપ્યાં છે, પણ એ પ્રમાણોનું પરિણામ "રહસ્યાવતાર"નું સમર્થન કરવા ભણી છે એમ મારા લક્ષમાં નહોતું આવ્યું. પાશ્ચાત્ય સંસર્ગની બીકથી હું એ અવતાર ગ્રહણ કરતાં સંકોચ પામું છું. હું જાણું છું કે થિયૉસૉફીના મતના યુરોપી અનુયાયીઓ આપણા દેશના શાસ્ત્રોનો મહિમા વધારવા પ્રયત્ન કરે છે, પણ તે સાથે તેઓ કોઈ કોઈ વાર "બધા" દેશનાં શાસ્ત્રના રહસ્યની વાતો કરે છે ત્યારે વળી મારું મન પાછું હઠી જાય છે. અને પાછું મને સાંભરી આવે છે કે મ્લેચ્છઓને અને યવનોને તો આપણાં શાસ્ત્ર જાણવાનો અધિકાર જ નથી.’

વલ્લભરામે સમજણ પાડવા સારુ સ્વસ્થ આકૃતિ ધરી કહ્યું, ’બીજા દેશોનાં શાસ્ત્રનું નામ તો સત્યશોધક વૃત્તિ દર્શાવવા સારુ દેવું પડે છે. બધા દેશોનાં શાસ્ત્રોમાંથી રહસ્ય ખોળવાનો બહારથી ઉદ્દેશ છતાં અંદરથી નિશ્ચય તો ખરો જ કે બીજા દેશોનાં શાસ્ત્રોમાંથી જેટલું આ દેશનાં શાસ્ત્રોને મળતું ગમે તે રીતે ઠેરવી શકાતું હોય તેટલાને જ રહસ્ય ઠરાવવું. તેથી, આપણાં શાસ્ત્રો માટે ભીતિ રાખવાનું કારણ નથી. મ્લેચ્છો અને યવનોના અધિકાર સંબંધમાં આપણા શાસ્ત્રકારોનું કહેવું અક્ષરશઃ સત્ય છે અને તેઓ ત્રિકાલજ્ઞાની હતા એ અનાદિકાલથી સિદ્ધ છે, કેમ કે હાલ પણ તેમનાં કેટલાંક વચન ખરાં પડે છે, તેથી એ અધિકાર સંબંધી તેમનો નિષેધ હાલ પણ અસત્ય કહેવાય નહિ. પરંતુ આપણાં શાસ્ત્રોને ઉન્નતિ વધારવામાં પાશ્ચાત્ય વિદ્વાનો સહાયતા આપે તેનો સ્વીકાર કરવો એ શાસ્ત્રોને પ્રતિકૂળ કેમ કહેવાય ? બાલ પાસેથી પણ સુભાષિત ગ્રહણ કરવું એવું વચન આપણા શાસ્ત્રમાં જ છે.’

ભદ્રંભદ્ર ગૂંચવાઈ રહ્યા હતા તે એકદમ બોલ્યા, ’તે બાલ તે તો આપણાં આર્યબાલ, સ્ત્રી અને બાલક પણ ગુણવાળાં હોય તો પૂજ્ય છે એવું જ્યાં કહ્યું છે ત્યાં તે આર્યસ્ત્રી અને આર્યબાલકો માટે જ કહ્યું છે એમ સમજવું એ વેદધર્માનુસારીનું કર્તવ્ય છે.’

ત્રવાડીએ વચમાં પડી પૂછ્યું, ’એમ માનવા માટે કંઈ આધાર છે ?’

ત્રવાડીનાં નસકોરાં ક્રોધના આવિષ્કારથી કે ઉચ્ચારણના પ્રયત્નથી કે સ્વાભાવિક અભ્યાસથી ફૂલતાં હતાં તે નક્કી કરવા સારુ હું તેમના વધારે બોલવાની વાટ જોઈ તેમના તરફ જોઈ રહ્યો હતો તેવામાં વલ્લભરામ બોલ્યા, ’વેદવેદાંગાદિ સર્વ શાસ્ત્રોનું હું અધ્યયન કરી ગયો છું પણ એવો આધાર મેં કોઈ સ્થળે દીઠો નથી. પણ, હું કહું છું તેનાં પ્રમાણ તો સહેજે મળશે. તો "રહસ્યાવતાર" પ્રમાણ તરીકે સિદ્ધ કરી શકાય છે. વળી, આ વિષયમાં તો અધિકારીઓને એક ખાસ સિદ્ધાંત જણાયેલો છે તે એ છે કે સ્ત્રી અને બાલકમાં આકર્ષણ કરનાર જે મોહ છે તે માયાનું રૂપ છે અને બ્રહ્મમય વિશ્વમાં ભ્રમ કરાવનાર માયા મોહિનીસ્વરૂપ સ્ત્રી વગેરે જે અનેક રૂપ ધારણ કરે છે તેમાં આર્ય-અનાર્ય, બ્રાહ્મણ-મ્લેચ્છ, ઇત્યાદિનો ભેદ રહેતો નથી, સર્વ સરખી સંભાવનાને યોગ્ય થાય છે. તેથી શાસ્ત્રવચનોમાં આર્ય સ્ત્રી અને આર્ય બાલકોના જ ગુણને પૂજ્ય કહ્યા છે એમ આપ ધારો છો તે રહસ્યવિરુદ્ધ છે. ગુણનું જ્ઞાન એ જ ભેદનું અને અજ્ઞાનનું મૂળ છે, તેથી સ્ત્રીઓમાં જે પૂજ્ય અંશ જણાય છે તે આખરે માયા જ છે એમ પારમાર્થિક દૃષ્ટિએ જાણવાનું તો છે જ પણ તે માટે એ માયા સેવ્ય નથી એમ નથી; કેમકે બ્રહ્મ અને માયાનો પણ અભેદ છે અને બ્રહ્મ જાણ્યા પછી માયાની સેવા કરવાથી જ એ અભેદનું જ્ઞાન દૃઢ થાય છે. માત્ર ’આ નિજ’ અને "આ પર" એવી ગણના દૂર થવી જોઈએ.’

વલ્લભરામે ત્રવાડી ભણી જોઈ નયનચાપલ્યથી ઇશારો કર્યો તેથી ભદ્રંભદ્રનો ગૂંચવાડો વધ્યો, તોપણ ઉત્તર દેવાની તેમની શક્તિ ક્ષીણ થઈ નહિ. એક ક્ષણ વલ્લભરામ તરફ સ્થિર દૃષ્ટિથી જોઈ રહી ભદ્રંભદ્ર બોલ્યા, ’આપના કહેવા પ્રમાણે તો સ્ત્રીઓ અને બાલકો, ઉત્તમ અને અધમ, પૂજ્ય અને અપૂજ્ય; માન્ય અને અમાન્ય, જ્ઞાની અને અજ્ઞાની, બંને સિદ્ધ થાય છે. આપ હાસ્ય નથી કરતા માટે પૂછું છું કે બેમાંથી કયું સિદ્ધ કરવાનો આપનો આશય છે ? આપ પણ ખરા અને હું પણ ખરો એમ હોય તો પછી વાદનું કારણ શું રહ્યું ? અને આવા વિષયમાં નિજ અને પરની ગણના ન કરીએ તો પછી આપણું આર્યત્વ ક્યાં રહ્યું ? આ દેશનું અને પરદેશનું, આર્ય અને પાશ્ચાત્ય એ બેમાં ભેદ ન ગણાવો જોઈએ એમ તો સુધારાવાળાનું કહેવું છે, આપણું નહિ.’

ત્રવાડીનાં ધમણ પેઠે વિકાસ પામતાં નસકોરાં ઉપર આવેલી બે આંખો ગણપતિની દૂંદની બે તરફ હાલહાલ થતી છાયા ઉપર ઊભેલી રિદ્ધિસિદ્ધિ જેવી દીપતી હતી, તે જ જાણે માયારૂપ હોય તેમ તે તરફ નયનચાપલ્ય ફરી ચલાવી વલ્લભરામે ભદ્રંભદ્રને ઉત્તર દીધો, ’નિજ અને પરના એ અભેદનું જ્ઞાન તો અધિકારીને થઈ શકે. સુધારાવાળા તો ભેદભ્રમમાં ગોથાં ખાય છે, એને સારું-નઠારું, પાપ-પુણ્ય, અનીતિ-સુનીતિ ઇત્યાદી યુગ્મ વ્યાવહારિક જ્ઞાનથી કલ્પે છે તે વેદાંતને કબૂલ નથી. આપ જે વિરોધથી વિસ્મય પામો છો તેમાં પણ આશ્ચર્યકારક કાંઈ નથી. વિરોધ પરથી જ અવિરોધ થાય છે. આપનું મત અને મારું મત કંઈ ભિન્ન નથી. આપણ બંને આર્યપક્ષવાદી છીએ. આ તો સહજ આપને રહસ્યલીલા દેખાડી.’

ત્રવાડી આકૃતિની વિકૃતિ દસ્તુર મુજબ કરીને બોલ્યા, ’વલ્લભરામનું "રહસ્યલીલા" નામે કાવ્ય આપે વાંચ્યું જણાતું નથી. તેમાં અજવાળાની અંધારાની નામે સ્તુતિ કરી છે અને અંધારાની અજવાળાને નામે નિંદા કરી છે. વળી અંધારાની અજવાળાને નામે સ્તુતિ કરી છે અને અજવાળાની અંધારાને નામે નિંદા કરી છે અને આખરે બંનેનો અભેદ ગાયો છે.’

ભદ્રંભદ્રની રસિકતા જાગ્રત થઈ અને પ્રથમની કટુતા ભૂલી જઈ તે બોલ્યા, ’ધન્ય છે. એ તો અનુપમ કાવ્ય હોવું જોઈએ.’

ત્રવાડીને વલ્લભરામની સ્તુતિ ગમી પણ ભદ્રંભદ્રની પરીક્ષાશક્તિમાં ભૂલ કહાડવામાં આનંદ થતો હોય તેમ તે બોલ્યા, ’એ તો મેં આપને એ કાવ્યનું રહસ્ય કહ્યું, લીલા તો જુદી જ છે. ’લીલા’ અને ’રહસ્ય’ નામે કાવ્યના બે ભાગ છે. ’લીલા’ અને ’રહસ્ય’ ટીકારૂપમાં છે. અધિકારીઓને ’રહસ્ય’માં આનંદસ્થાન છે અને વલ્લભરામને પોતાને ’લીલા’માં આનંદસ્થાન છે. માટે વલ્લભરામની કૃપા હોય તો બંનેમાં છે.’

વલ્લભરામે રોષમાં અને રમતમાં ત્રવાડી પર પ્રહાર કર્યો તે પ્રસાદ પેઠે સ્વીકારી લઈ ત્રવાડીએ ભદ્રંભદ્રને કહ્યું, ’"લીલા"ની ખૂબી તો ઓર જ છે, એ કાવ્યદેવી છે.’

કંઈ સ્મૃતિ થતી હોય તેમ વિચારોને મધ્ય ભાગમાં વહી આવવાની બીક જોવા ખાડા કપાળમાં પાડી ભદ્રંભદ્ર બોલ્યા, ’આપ તો લીલાને કાવ્યદેવીરૂપે વર્ણવો છો, પણ મેં તો એ નામની દેવીનું ખરેખરું મંદિર જોયું છે. કાળિકાનું નામ "લીલા" કદી સાંભળ્યું નથી, પણ ત્યાં જે અદ્‌ભુત ચમત્કાર મેં જોયા તેની આગળ એ નામની અપૂર્વતા તો કંઈ નથી. આપની ઇચ્છા હોય તો એ સર્વ ચમત્કારોનું વર્ણન કરું. નિદ્રાનું સામ્રાજ્ય હજી મારા પર તો થવા માંડ્યું નથી.’

ત્રવાડીએ ઇંગિતથી વલ્લભરામની સંમતિ મેળવી કહ્યું, ’થવા માંડ્યું હોય તો તે દૂર કરતાં અમને આવડે છે તો આપ વાત કહોને.’

ભદ્રંભદ્ર કહે, ’ભૂંડ ને પાડામાં ફેર છે તેટલો વાત અને વર્ણનમાં ફેર છે. પણ એ વર્ણન હજુ સુધી કોઈને કહેવાનો પ્રસંગ મને મળ્યો નથી, તેથી એ ભેદનાં કારણ તથા પરિણામ વિષેના શાસ્ત્રાનુસાર વિસ્તાર કરવા રોકાવું હું યોગ્ય ધારતો નથી અને નિદ્રાનું સામ્રાજ્ય મારા પર થવા માંડ્યા પછી તો આપ શું, બ્રહ્મા પણ તે અટકાવી શકે તેમ નથી. લગુડાદિના પ્રહારથી જેમને નિદ્રા આવતી અટકે અથવા આવેલી ખંડિત થાય તેમને મહારોગી જાણવા એમ ધન્વંતરિ કહી ગયા છે. તેથી એ સંબંધમાં આપની આશા મિથ્યા છે, નિદ્રા આવે છે ત્યારે હું એકાએક ગબડી પડું છું અને તેના સાટામાં નિદ્રા જાય છે ત્યારે હું એકાએક ઊભો થઈ જાઉં છું, માટે શયનમાં બેસીને હવે વધુ ભાષણ કરવું એ ભયરહિત છે.’

***