Uttar Koria ane America in Gujarati Magazine by Kandarp Patel books and stories PDF | ઉત્તર કૉરિયા અને અમેરિકા : વસ્તુત: વૃદ્ધિ અને વાસ્તવ

Featured Books
Categories
Share

ઉત્તર કૉરિયા અને અમેરિકા : વસ્તુત: વૃદ્ધિ અને વાસ્તવ

ઉત્તર કૉરિયા અને અમેરિકા વચ્ચેના ઝઘડો: વસ્તુત: વૃદ્ધિ અને વાસ્તવ

*ઉત્તર કૉરિયા અને અમેરિકા વચ્ચેના ઝઘડો: વસ્તુત: વૃદ્ધિ અને વાસ્તવ*

  • કૉરિયન દેશોના વિભાજન અંગેનો સંક્ષિપ્ત ઈતિહાસ:
  • સન્ ૧૯૦૫માં રશિયા-જાપાન યુદ્ધમાં જાપાન જીત્યા બાદ, તેના દ્વારા આ પરાદ્વીપ પર કબજો કરાયો. આ પહેલા પરાદ્વીપ પર કૉરિયાઈ સામ્રાજ્યનું શાસન હતું. સન્ ૧૯૪૫માં દ્વિતીય વિશ્વ યુદ્ધની સમાપ્તિ પછી તેને સોવિયેત યુનિયન અને અમેરિકાના કબજા ધરાવતા ક્ષેત્રોમાં વહેંચી દેવાયું. ઉત્તર કૉરિયાએ સંયુક્ત રાષ્ટ્ર સંઘની બેઠકમાં સન્ ૧૯૪૮માં દક્ષિણ કૉરિયામાં થયેલ ચૂંટણીમાં ભાગ લેવાથી ઇનકાર કરી દીધો, જેના પરિણામ સ્વરૂપ બે કબજા ધરાવતા ક્ષેત્રોમાં અલગ કૉરિયાઈ સરકારોનું ગઠન થયું. ઉત્તર અને દક્ષિણ કૉરિયા બંનેએ પૂરા પ્રાયદ્વીપ પર હક્કનો દાવો કર્યો, જેને લીધે આ દાવો સન્ ૧૯૫૦માં કૉરિયાઈ યુદ્ધના રૂપમાં પરિણમ્યો. અમેરિકા અને ઉત્તર કૉરિયાનો આ ઝઘડો સૌથી પહેલા કૉરિયાઈ યુદ્ધ દરમિયાન શરુ થયો. કૉરિયાઈ યુદ્ધ ૧૯૫૦થી ૧૯૫૩ સુધી ચાલ્યું હતું. આ સમયે ઉત્તર કૉરિયાએ દક્ષિણ કૉરિયાની સીમારેખામાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. આ યુદ્ધમાં યુનાઈટેડ નેશન્સે અમેરિકાની મદદ લઈને દક્ષિણ કૉરિયાની મદદ કરી અને ચીને ઉત્તર કૉરિયાની મદદ કરી. સોવિયેત યુનિયને પણ ઉત્તર કૉરિયાનો સાથ આપ્યો. આ યુદ્ધ દરમિયાન અમેરિકાના વાયુદળે ઉત્તર કૉરિયા પર હુમલો કર્યો અને હવાઈ બોમ્બ હુમલો પણ કર્યો. જેને પરિણામે ઉત્તર કૉરિયાની ૨૦% સંખ્યા પણ ઓછી થઈ જવા પામી.

  • અમેરિકા અને ઉત્તર કૉરિયાનું પારસ્પરિક વલણ:
  • અમેરિકા અને ઉત્તર કૉરિયા, આ બંને દેશોના સંબંધ ઉત્તર કૉરિયાના પાંચ ન્યુક્લિયર પરીક્ષણો દ્વારા સંબોધિત કરી શકાય છે. જેમાં ઉત્તર કૉરિયાની લોંગ-રેન્જ મિસાઈલ પણ સામેલ છે. જે દક્ષિણ કૉરિયા અને અમેરિકા પર હુમલો કરી શકે છે. તેની આ ક્ષમતા પણ આ બંને દેશોમાં ભયની પરિસ્થિતિ પેદા કરવા સક્ષમ છે. જ્યોર્જ ડબલ્યુ. બુશે તેમના પ્રેસિડેન્ટ તરીકેના કાર્યકાળ દરમિયાન કહ્યું હતું કે, “પોતાની ન્યુક્લિયર ક્ષમતાને લીધે ઉત્તર કૉરિયા એક રાક્ષસી દેશ બની ચૂક્યો છે. જો કે, આ બંને દેશો વચ્ચે કોઈ મૈત્રીકરાર ન હોવાથી કિંગડમ ઓફ સ્વિડન, કે જે એક યુરોપિયન રાષ્ટ્ર છે તે અમેરિકાની તરફથી ઉત્તર કૉરિયામાં અમેરિકાના મુદ્દાઓ અને સમસ્યાઓની બાબતો અંગે વકીલાત કરે છે.”

    કૉરિયાઈ યુદ્ધ પછીથી અમેરિકાએ દક્ષિણ કૉરિયામાં ખૂબ મજબૂત અને સશક્ત સૈન્ય તૈનાત કરી રાખ્યું છે. બી.બી.સી.ના એક સર્વે અનુસાર, ૯૦% અમેરિકનો ઉત્તર કૉરિયા અંગે નકારાત્મક વલણ ધરાવે છે. આમ, ઉત્તર કૉરિયા પ્રત્યે નકારાત્મક વલણ દર્શાવતો સૌથી મોટો દેશ અમેરિકા છે.

  • ઉત્તર કૉરિયાની સ્થાપના:
  • ૯ સપ્ટેમ્બર, ૧૯૪૮માં કિમ-ઉલ-સંગે ડેમોક્રેટિક પીપલ્સ ઓફ રિપબ્લિક કૉરિયાની સ્થાપના કરી. જેને આજે આપણે ઉત્તર કૉરિયાના નામે ઓળખીએ છીએ. આ સ્થાપનાને સોવિયેત યુનિયને માન્યતા આપી. પરંતુ, અમેરિકાએ તેને માન્યતા આપવાનો ઇનકાર કર્યો. ત્યારથી લઈને આજ સુધી અમેરિકાએ કદી પણ ઉત્તર કૉરિયાને મૈત્રીપૂર્ણ રાષ્ટ્રની માન્યતા આપી નહીં. જ્યારે ૧૯૪૮ બાદ અમેરિકાએ કૉરિયામાંથી પોતાનું સૈન્ય પાછું ખેંચવાની શરૂઆત કરી ત્યારે કિમ-ઉલ-સંગે એવું માન્યું કે, અમેરિકા પણ જાપાનની જેમ કેપિટલિસ્ટ દેશ છે. ડિસેમ્બર, ૧૯૫૦માં અમેરિકાએ ‘ટ્રેડિંગ વિથ એનિમી એક્ટ’ મુજબ આર્થિક સંબંધો શરુ કર્યા. જે ૨૦૦૮ સુધી શરુ રહ્યા.

    દુશ્મનાવટનો તવારીખવાર કાર્ડિયોગ્રામ:

  • ૨૩ જાન્યુઆરી, ૧૯૬૮માં ઉત્તર કૉરિયાએ અમેરિકાના એક જહાજને કબજામાં લઈ લીધું, જેને પ્યુબ્લો ઇન્સિડેન્ટના નામે પણ ઓળખવામાં આવે છે.
  • ૧૫ એપ્રિલ, ૧૯૬૯માં અમેરિકન લોકહિડ EC-121 વોર્નિંગ સ્ટાર એરક્રાફ્ટને ઉત્તર કૉરિયાએ જાપાનના મહાસાગરમાં બોમ્બ વડે ફૂંકી માર્યું. જેમાં અમેરિકાના ૩૧ કર્મચારીઓ માર્યા ગયા.
  • ઓગસ્ટ, ૧૯૭૬માં અમેરિકાના આર્મી કેપ્ટન લેફ્ટનન્ટની ઉત્તર કૉરિયાના આર્મી દ્વારા હત્યા કરી નાખવામાં આવી. આ લેફ્ટનન્ટ દક્ષિણ કૉરિયાના પ્રદેશમાં વૃક્ષોની દેખરેખ અને તેના નિરીક્ષણ હેતુ આવ્યા હતા. થોડા સમય બાદ ઉત્તર કૉરિયાએ પોતાના ડગ પાછા ખેંચી લીધા અને ઔપચારિક રીતે પોતાના તરફથી માફી પણ માંગી.
  • ૧૯૯૪માં ઉત્તર કૉરિયાએ આંતરરાષ્ટ્રીય ઇન્સ્પેકટરને તેના ન્યુક્લિયર પ્લાન્ટની ચકાસણી કરતા અટકાવ્યા, જે ન્યુક્લિયર નોન-પ્રોલિફરેશન ટ્રીટીનું ઉલ્લંઘન હતું. પ્રેસિડેન્ટ બિલ ક્લિન્ટનનું એવું માનવું હતું કે, ઉત્તર કૉરિયા ન્યુક્લિયર પ્લાન્ટનો ઉપયોગ પરમાણુ બોમ્બ બનાવવા માટે કરી રહ્યું છે. અમેરિકન આર્મીના પેન્ટાગોન હેડક્વાર્ટરમાંથી એવી વાત સામે આવી કે, ક્લિન્ટન સરકારે ઉત્તર કૉરિયામાં યોંગબ્યોનમાં સ્થાપિત ન્યુક્લિયર પ્લાન્ટ પર હવાઈ હુમલો કરવાની પૂરી રચના કરી હતી.
  • ડિસેમ્બર, ૧૯૯૪માં ઉત્તર કૉરિયાએ અમેરિકન હેલિકૉપ્ટરને ફૂંકી માર્યું, જેમાં પાઈલટ માર્યો ગયો અને એક કર્મચારી પકડાયો. આ કર્મચારીને ૧૩ દિવસ સુધી બંદી બનાવવામાં આવ્યો.
  • ડિસેમ્બર, ૨૦૦૨માં અમેરિકાના કહેવા મુજબ સ્પેનિશ નૌકાદળે ઉત્તર કૉરિયાનું એક જહાજ તેના તટ પર રોકી લીધું. આ જહાજ મિસાઈલ લઈને યમન રાષ્ટ્ર તરફ જઈ રહ્યું હતું. બે દિવસ બાદ અમેરિકાએ જહાજ પરથી બંધી હટાવી લીધી અને તેને આગળ જવાની અનુમતિ આપી. તેને લીધે અમેરિકા અને ઉત્તર કૉરિયા વચ્ચેના સંબંધો ખૂબ જ વણસ્યા.
  • સપ્ટેમ્બર, ૨૦૦૫માં ઉત્તર કૉરિયા પર અમેરિકાએ વાર્ષિક ૧૫ મિલિયન ડૉલરની નકલી અમેરિકન ચલણી નોટ છાપવાનો ગંભીર આરોપ લગાવ્યો અને મકાઉના બેંગકોકને ઉત્તર કૉરિયા સાથે આર્થિક સંબંધો કાપવા માટે મજબૂર કર્યું. જો કે, બાદમાં એક સંસ્થાએ તેનું પરીક્ષણ કર્યું અને તેમાં સાબિત થયું કે ઉત્તર કૉરિયાએ નકલી નોટો છાપી નથી.
  • ૩ ફેબ્રુઆરી, ૨૦૦૭માં છ દેશો વચ્ચે એક કરાર થયો. જેમાં અમેરિકા, બંને કૉરિયાઈ દેશો, જાપાન, ચીન અને રશિયા સંકળાયેલા હતાં. આ કરારમાં ઉત્તર કૉરિયાની શાંતતા અને ન્યુક્લિયર જોખમની ચર્ચા થઈ. ફલશ્રુતિરૂપે દરેક દેશોએ ઉત્તર-પૂર્વીય રાષ્ટ્રોમાં શાંતિ સ્થાપિત કરવાનો નિર્ણય કર્યો. ઉત્તર કૉરિયા અમેરિકા પાસેથી નિયમિત ઓઈલ સપ્લાયના બદલે યોંગબ્યોન ન્યુક્લિયર પ્રવૃત્તિ બંધ કરવા તૈયાર થયું. અમેરિકાએ પણ નિયમિત ઓઈલ સપ્લાયનો વાયદો કર્યો. આની સાથે જ અમેરિકાએ ઉત્તર કૉરિયાનું નામ આતંકી દેશોની યાદીમાંથી હટાવવા અંગે વિચારવાનો ભરોસો આપ્યો. જૂન, ૨૦૦૮ના શરૂઆતમાં અમેરિકા ઉત્તર કૉરિયાનું નામ આતંકી દેશોની યાદીમાંથી હટાવવા સહમત થયું. પરંતુ, પ્રેસિડેન્ટ બુશે એક શર્ત રાખી. જેમાં તેમણે ઉત્તર કૉરિયાની ન્યુક્લિયર પ્રવૃત્તિઓ સંબંધિત લેખિત લખાણ માંગ્યું. જેના થોડા જ સમય પછી ઉત્તર કૉરિયાએ પોતાના યોંગબ્યોન ન્યુક્લિયર પ્લાન્ટને નષ્ટ કરતી વખતનો વિડિયો અમેરિકાને સોંપ્યો. આ બદલ અમેરિકાએ ઉત્તર કૉરિયાની ખૂબ વાહવાહી કરી. પરંતુ, અમેરિકાના ઘણાં નેતાઓ અને અધિકારીઓ તેનાથી સંતુષ્ટ નહોતા. તેમનું કહેવું હતું કે, આ જાણકારી પર્યાપ્ત નથી.
  • ૪ નવેમ્બર, ૨૦૦૭ના રોજ સોમાલિયાના લૂંટેરાઓએ ઉત્તર કૉરિયાના જહાજ પર હુમલો કર્યો. આ દરમિયાન અમેરિકન નૌકાદળનું જહાજ આ જ વિસ્તારમાં પરીક્ષણ કરી રહ્યું હતું. આ જહાજ તેની મદદ માટે આગળ આવ્યું. જેમાં ૨૨ કૉરિયાઈ ઓફિસરો ૮૦૦ સોમાલી ડાકૂઓ સામે લડ્યા. અમેરિકન જવાનો અને તેના હેલિકૉપ્ટરની મદદથી ઉત્તર કૉરિયાઈ જહાજને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યું. ઉત્તર કૉરિયાઈ જવાનોનો ઈલાજ પણ અમેરિકાએ જ કર્યો. આ સમયે ઉત્તર કૉરિયાઈ મીડિયામાં અમેરિકાની ખૂબ પ્રસંશા પણ થઈ.
  • પરંતુ, અમેરિકા અને ઉત્તર કૉરિયાના સંબંધો ફરી વણસ્યા, જ્યારે ૨૦૦૯માં અમેરિકી પત્રકારોને ઉત્તર કૉરિયાએ ગિરફ્તાર કર્યા. આ બંને પત્રકારોને ઉત્તર કૉરિયાની સીમા પાસે પકડવામાં આવ્યા. ઉત્તર કૉરિયા અનુસાર, તે બંને પત્રકારો મહિલાઓનું વેચાણ અને તેની સ્મગલિંગ પર ડૉક્યુમેન્ટરી ફિલ્મ બનાવી રહ્યા હતા. ઉત્તર કૉરિયાએ ૧૫ વર્ષ માટે આ પત્રકારોને કારાવાસની સજા આપી. આ વલણની અમેરિકાએ ખૂબ નિંદા કરી.
  • બે વર્ષ બાદ, ૧૬ માર્ચ, ૨૦૧૨માં ઉત્તર કૉરિયાએ તેના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ કિમ-ઉલ-સંગની શતાબ્દી વર્ષની ઉજવણી પર અંતરિક્ષમાં પોતાનો પ્રથમ સેટેલાઈટ છોડવાની ઘોષણા કરી. તેને લીધે અમેરિકા થોડું વધુ ગંભીર બન્યું. કારણ કે, મિસાઈલ અને સેટેલાઈટ છોડવાની તકનીક બંનેમાં લગભગ સરખી જેવી જ હોય છે. પરંતુ, ૧૧ ડિસેમ્બર, ૨૦૧૨માં ઉત્તર કૉરિયાએ પોતાની મિસાઈલ સફળતાપૂર્વક લોન્ચ કરી. અમેરિકાએ નિંદા કરતા કહ્યું કે, ‘ઉત્તર કૉરિયા લાંબી રેન્જની મિસાઈલ બનાવીને દૂર સુધી હુમલો કરવાની યોજના બનાવી રહ્યું છે.’
  • ૨૯ માર્ચ, ૨૦૧૩માં કિમ-જોંગ-ઉને અમેરિકાને ધમકી આપી કે, ‘અમારા રોકેટ અમેરિકા પર હુમલો કરવા તૈયાર છે.’ આ ઘોષણા ઉત્તર કૉરિયાના રસ્તે જતાં અમેરિકાના બે વિમાનોને ઉત્તર કૉરિયા દ્વારા ફૂંકી માર્યાના બરાબર એક દિવસ પહેલા કરવામાં આવી. જેના તુરંત બાદ, અમેરિકાએ ૩ એપ્રિલના રોજ મિસાઈલ પ્રતિકારક સિસ્ટમ લોન્ચ કરી દીધી. જેમાં અમેરિકાએ કહ્યું કે, ‘ઉત્તર કૉરિયા અમેરિકા માટે ખૂબ મોટો ખતરો બની રહ્યું છે. તેને લીધે જાપાન અને દક્ષિણ કૉરિયાને પણ ખતરો છે.’
  • ૨૬ એપ્રિલ, ૨૦૧૩ના રોજ ઉત્તર કૉરિયાએ કહ્યું કે, ‘તેમણે એક અમેરિકન નાગરિકને બંદી બનાવ્યો છે. જે દેશવિરોધી હરકત કરી રહ્યો હતો.’ તેને ૧૫ વર્ષની સજા સંભળાવવામાં આવી. ત્યારબાદ, ફરીથી બીજા બે અમેરિકન નાગરિકોને આ જ પ્રકારના કેસમાં સજા ફટકારવામાં આવી.
  • ત્યારબાદ, ૩ એપ્રિલ, ૨૦૧૭માં અમેરિકાએ સીરિયામાં મિસાઈલ હુમલો કર્યો. તે સમયે નવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઘમકીભર્યા સૂરમાં કહ્યું કે, ‘અમેરિકા ઉત્તર કૉરિયાની મિસાઈલના વિરુદ્ધમાં કોઈપણ પગલું લઈ શકે છે.’
  • એપ્રિલ, ૨૦૧૭ના બીજા સપ્તાહમાં દુનિયાભરના મીડિયામાં એક ખબર ખૂબ ચર્ચાઈ અને ફેલાઈ. એ ખબર મુજબ, અમેરિકાનું કાર્લ વિન્સન નામક લડાકું વિમાનવાહક જહાજ જાપાની સમુદ્રમાં થઈને ઉત્તર કૉરિયાની તરફ જઈ રહ્યું છે. આ ખબર પેન્ટાગોન અને વ્હાઈટ હાઉસની ગેરસમજને લીધે મીડિયામાં ફેલાઈ હતી. જેમાં એવું જણાયું કે, અમેરિકા ઉત્તર કૉરિયાને એક ખતરનાક યુદ્ધભૂમિ બનાવવા તરફ આગળ વધી રહ્યું છે. તેના જવાબમાં ઉત્તર કૉરિયાએ કહ્યું કે, તેઓ અમેરિકા પર હુમલો કરવા તૈયાર છે. પરંતુ હકીકતમાં ૧૮ એપ્રિલના રોજ કાર્લ વિન્સન જહાજ કૉરિયાથી ૩૫૦૦ માઈલ દૂર ભારતીય મહાસમુદ્રમાં ઓસ્ટ્રેલિયા સાથે નૌકાદળની કવાયતમાં ભાગ લઈ રહ્યું હતું.
  • એપ્રિલના છેલ્લા અઠવાડિયામાં ટ્રમ્પે કહ્યું કે, ઉત્તર કૉરિયા જોડે અમારો સંબંધ ખૂબ ખરાબ થઇ શકે છે. જાન્યુઆરી, ૨૦૧૬માં અમેરિકાના ૨૨-વર્ષીય વિદ્યાર્થી ઓટ્ટો વોર્મબિયરને ગિરફ્તાર કરી લીધો હતો. માર્ચ, ૨૦૧૬માં તેને ૧૫ વર્ષની સજા સંભળાવવામાં આવી. પરંતુ, જૂન, ૨૦૧૭માં તેને છોડી દેવામાં આવ્યો. પરંતુ, તે કૉમાની ખરાબ હાલતમાં હતો અને કેટલાંક દિવસોમાં જ તેનું મૃત્યુ થવા પામ્યું. તેના થોડાં જ દિવસોમાં ઉત્તર કૉરિયાએ લોંગ-રેન્જ મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું. જેના લીધે સમગ્ર દુનિયા ચિંતિત થઈ. ખાસ કરીને, અમેરિકા અને દક્ષિણ કૉરિયા.