Ane aapne fari vakhat madya in Gujarati Love Stories by Rohit Suthar books and stories PDF | અને આપણે ફરી વખત મળ્યા

Featured Books
Categories
Share

અને આપણે ફરી વખત મળ્યા

ઋણ સ્વીકાર

મારો મિત્ર પ્રિતેશ હિરપરા કે જેણે મને આ સ્ટોરીનો આઈડિયા આપ્યો, જ્યારે અન્ય મિત્ર ભાવિક રાદડિયાએ સ્ટોરી એડિટ કરી આપી.

★★★

હું રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં. ચાર પર પહોંચ્યો. ભીડ સારા એવા પ્રમાણમાં હતી. થોડી વારે ડી-૩ ના કોચ પાસે પહોંચ્યો. અંદર પ્રવેશીને મારી બર્થ શોધી, બેગ ઉપર મૂકી અને સીટ પર ગોઠવાયો. મારી સામેની બર્થ ઉપર યુવાન કપલ બેઠું હતું. જ્યારે મારી બાજુમાં કાકા બેઠા હતા. સવારે ઘરેથી નીકળ્યો ત્યારે ચા નહોતી પીધી, એટલે ચા વાળાના આવતા જ એક કપ લીધો.. ગરમાગરમ ચાની ચૂસકીઓ માણ્યા બાદ હું થોડો ફ્રેશ થયો. નવ ને દસ થયા, ટ્રેન સ્ટાર્ટ થઈ.

હું એકલો જ માઉન્ટ આબુ ફરવા જઇ રહ્યો હતો. અમદાવાદથી આબુ રોડ બાય ટ્રેન અને પછી ટેક્સી કરીને માઉન્ટ આબુ પહોંચવાનું મેં નક્કી કર્યું હતું. સામેવાળું કપલ ખુશ જણાતું હતું. આખી દુનિયાને ભૂલીને બસ એકમેકમાં જ ખોવાયેલા હતા. એ બન્નેને જોઈને મારા મનમાં થોડી ઈર્ષ્યા જાગી ગઈ. કાશ! મારો પણ પરિવાર હોત.

★★★

બે વાગ્યે આબુ રોડ આવી ગયો હતો. હું મારા વિચારોની તંદ્રામાંથી જાગી ગયો. બેગ લઈને ટ્રેનમાંથી બહાર નીકળ્યો. સ્ટેશનમાંથી બહાર આવતા ટેક્ષીવાળાઓ ઘેરી વળ્યાં. બે વાગ્યા હતા, કડકડતી ભૂખ પણ લાગી હતી, એટલે બજારમાં જઈને પહેલા જમવાનું નક્કી કર્યું. ત્યારબાદ ફરી અહીં આવીને ટેક્ષી કરીને માઉન્ટ આબુ જવાનું નક્કી કર્યું. હોટલ તો મહિના પહેલા જ બુક કરાવી લીધી હતી, એટલે એની તો ચિંતા હતી જ નહિ. લગભગ અડધા કલાકમાં જમીને હું સ્ટેશન પરત આવ્યો. ટેક્ષી કરીને હું મારી મંજિલ તરફ ઉપડ્યો.

હોટલ સ્વસ્તિક પાસે ટેક્ષી આવીને ઉભી રહી, જ્યાં મારી રૂમ હતી. ત્યારે સાંજના ચાર વાગ્યા હતા. ટેક્ષીચાલકને ભાડું ચૂકવી હું રિસેપ્શન પર ગયો. જરૂરી પ્રોસેસ પતાવીને તેણે કોઈ યુવાનને ચાવી આપી. તેણે મારી બેગ ઉપાડી અને લિફ્ટમાં રૂમ તરફ જવા નીકળ્યા. હું થાકી ગયો હતો. બેડ પર પડતા જ સહેજ વારમાં નિદ્રા મને ઘેરી વળી.

સાંજે સાડા પાંચે ઉઠ્યો. ફ્રેશ થઈને હું બહાર નીકળ્યો. મને સનસેટ જોવાની અદમ્ય ઈચ્છા હતી. પ્રકૃતિને નજીકથી માણવાનો એક અનેરો લહાવો હોય છે આ પણ. આ માટે આપણા ગુજરાતથી નજીકનો પ્રવાસસ્થાન એટલે માઉન્ટ આબુ.

હોટલથી બહાર નીકળ્યા બાદ ખબર પડી કે ગુજરાત કરતા અહીં ઠંડી વધુ છે. હું ક્યારેય વધારે પ્રવાસ કરતો નથી એટલે મને આ વિષે વધુ ખબર પણ નહોતી. ન જાણે કેમ પહેલી વાર અંદરથી અવાજ આવી હતી, "બહુ ભાગદોડ થઈ યાર, હવે થોડો સમય ખુદને પણ આપ ને." એ અવાજ સાંભળીને મેં નક્કી કર્યું કે નવેમ્બરમાં હું ક્યાંક જઈશ જ. અને અહીં આવી પહોંચ્યો. ગુજરાતમાં આજકાલ ખૂબ સામાન્ય ઠંડી પડે છે, એટલે એ મુજબનું વાતાવરણ માનીને જ હું અહી જેકેટ કે ખાસ વસ્તુ લાવ્યો નહતો.

સનસેટ પર પહોંચીને મારો આનંદ બેવડાઈ ગયો. આસપાસના પહાડો અને એની વચ્ચે સૂર્ય. એક અલગ જ દ્રશ્ય સર્જાઈ રહ્યું હતું. અહીં ઘણા સહેલાણીઓ આવ્યા હતા, તો ઘણા પરિવારોની સાથે આવ્યા હતા. હું પણ વર્ષો પહેલા મારા મમ્મી-પપ્પા સાથે આવ્યો હતો. ત્યારે હું લગભગ 14 વર્ષનો હોઈશ. તેમને યાદ કરીને આંખોના કિનારાઓ ભીના થઈ ગયા. રૂમાલથી આંખો લૂછી હું ડૂબતા સૂરજને જોઈ રહ્યો, સાથે મોબાઈલમાં આ સુનેહરા દ્રશ્યને કેદ પણ કરી રહ્યો હતો. આસપાસ ફરતા ફરતા મને એક સ્ત્રી દેખાઈ. માત્ર બે ક્ષણોમાં હું તેને ઓળખી ગયો અને હું બસ તેને જોતો રહ્યો. મારી સામે મારો ભૂતકાળ ઉભો હતો, "હિમાની"

★★★

હિમાની આજે પણ એટલી જ ખુબસુરત લાગતી હતી. બસ થોડો જ ફેરફાર આવ્યો હતો. કેમેરાથી તે સનસેટના જ ફોટાઓ પાડી રહી હતી. પિસ્તા રંગના ડ્રેસમાં તે શોભતી હતી. સનગ્લાસ તેણે માથા પર ભરાવ્યાં હતા. આસપાસ શું છે, તેની એને પરવાહ નહોતી. ખુદના કામમાં વ્યસ્ત રહેવું એને ગમતું હતું.

હું બસ તેને તાકી રહ્યો હતો. બે મિનિટમાં મારો આખો ભૂતકાળ આંખોની સમક્ષ તરી આવ્યો. મારા ઝખ્મ ફરી તાજા થઈ ગયા. કહેવાય છે કે, "સમયની સાથે ઝખ્મો તો ભરાઈ જાય છે, પણ નિશાન રહી જાય છે."

હું જતો જ હતો કે અચાનક પાછળથી કોઈએ સાદ પાડ્યો, "હેયયય.... આરવ..." એ જ પરિચિત અવાજ વર્ષો પછી મારા કાને ફરી અથડાયો.

"શું કરું? એની સાથે વાત કરું કે ઇગ્નોર કરીને જતો રહું?" વધુ કઈક વિચારું એ પહેલાં તે મારી સામે આવી ગઈ.

"હાય...આરવ..." હિમાનીએ હાથ આગળ ધર્યો.

યંત્રવત જ મારો હાથ ક્યારે તેના માખણ જેવા મુલાયમ હાથ સાથે મળી ગયો તેની મને ખબર જ ન રહી. એને જોઈને મારી આંખો અપલક રહી. ખાસ તો એ ચહેરાને, જેને જોઈને હું ક્યારેક તેના પ્રેમમાં પડ્યો હતો.

"એકલો જ આવ્યો છે અહીં?" મારી આસપાસ કોઈ ન દેખાતા કદાચ અંદાજો લગાવ્યો હશે. મેં હકારમાં માથું ધુણાવ્યું.

"હું પણ...તું તો જાણે છે ને? હું ક્યાંય પણ એકલી ફરવા ઉપડી જાઉં છું." હિમાનીએ કહ્યું.

"તો હજુ સુધી આદત બદલાઈ નથી.એકલા ફરવાની..." મેં મનોમન કહ્યું.

"તું કઈ બોલીશ કે નહીં...?" તેણીએ પૂછ્યું.

હું ચૂપ જ હતો. શું બોલવું એ સમજ નહોતી પડતી.

"ઓકે...સી યુ લેટર..." હાથ હલાવતી તે જતી રહી.

જ્યાં સુધી એ મારી આંખોની સામેથી ઓઝલ ન થઈ ત્યાં સુધી હું બસ તેને જોતો રહ્યો.

બજારમાં ઘણી ભીડ હતી. ઘણા લોકો ગુજરાતી ભાષામાં જ વાત કરતા હતા. એટલે હું જાણે ગુજરાતમાં જ હોઉં એવી લાગણી થતી હતી. અહીં શરાબના અમુક બાર અને દુકાનો પણ હતા. પરંતુ હું એ બાજુ નજર સુદ્ધા પણ નહોતો કરતો. મને પહેલેથી રસ નહોતો. “નક્કી લેક”ની મુલાકાત લીધા બાદ રેસ્ટોરન્ટમાં જમીને હું હોટલે પાછો ફર્યો, ત્યારે રાતના સાડા નવ થયા હતા.

હું અડધા કલાક સુધી ધાબળામાં જ ભરાયેલો રહ્યો. કારણ કે બહાર મને ખુબ જ ઠંડી લાગતી હતી. કાલે જ હું અહીથી નવું જેકેટ અને મફલર ખરીદી લઈશ એવુ વિચારી લીધું. નજાણે કેમ પણ માથું અને હાથ-પગ ખૂબ દુખી રહ્યા હતા. આંખો પણ બળી રહી હતી. મને તાવ આવશે તેવું લાગતું હતું. હજુ બહુ મોડું થયું નહતું, એટલે વિચાર્યું કે મેડિકલ પરથી ગોળી લઈ આવું. હું મારી સાથે અહીં કઈ લઈને આવ્યો નહતો. ભૂલી જવાને કારણે મને ખુદ પર જ ગુસ્સો આવી રહ્યો હતો.

રૂમની બહાર નીકળતા જ મને સ્ટાફનો માણસ દેખાયો. મેં એને ઉભો રાખીને આસપાસ મેડિકલ ક્યાં છે, એ વિષે પૂછ્યું. એણે મને કહ્યું કે છે તો ખરી પણ અહીંથી થોડે દુર છે અને નવ વાગ્યે બંધ થઈ જાય છે.

મારી પાછળથી કોઈનો અવાજ આવ્યો. જોયું તો હિમાની બે રૂમ છોડીને ઉભી હતી. તેણે નજીક આવીને શું થયું એ વિષે પૂછ્યું. મારી તબિયત વિષે મેં તેને જણાવ્યું અને તેણે મને એના રૂમ પર આવવા માટે કહ્યું. હમણાં મને ગરજ હતી, મેડિકલ પણ બંધ થઈ ચૂકી હતી અને જો ચાલુ હોત તો પણ ત્યાં જવાની મારામાં શક્તિ નહોતી. પરિણામે હમણાં હિમાનીની જ મદદ લેવું યોગ્ય લાગ્યું. હું તેની પાછળ ગયો. હું તેના દરવાજા પાસે જ ઉભો રહ્યો.

"અંદર આવ ને..." હિમાનીએ આવકાર આપ્યો.

હું સહેજ અંદર ગયો. તેણે મને પાણી અને પેરાસીટામોલની ટેબ્લેટ આપી. ગોળી લીધા બાદ મેં તેનો આભાર વ્યક્ત કર્યો.

"રાતે કંઈક મદદ જોઈએ તો બેફિકર થઈને કહેજે." તેણીએ કહ્યું.

હકારમાં માથું ધુણાવી હું મારા રૂમમાં પરત આવ્યો. દરવાજા પાસે ઉભો રહીને એના કમરા તરફ નજર કરી તો એ પણ દરવાજાના ટેકે ઉભેલી મને જોઈ રહી હતી. બે ક્ષણ મેં પણ એની આંખોમાં આંખો મિલાવી અને અંદર આવ્યો.

બેડ ઉપર સુઈ તો ગયો પણ ઊંઘ જ ના આવી. દિલ બેચેન થઈને બસ હિમાનીની યાદોને વાગોળી રહ્યું હતું.

★★★

મારા પરિવારમાં કહેવા માટે મારુ કોઈ જ નથી. વર્ષો પહેલાં મમ્મી-પપ્પા એક કાર અકસ્માતમાં મૃત્યુ પામેલા. એ વખતે હું ખૂબ તૂટી ગયેલો. મારા માતા-પિતાનો હું એકમાત્ર સંતાન હતો. પપ્પાનો બિઝનેસ પાછળથી મારા મામાએ જ સંભાળ્યો. સ્ટડી પત્યા બાદ હું પણ બિઝનેસમાં જોડાયો. આજથી લગભગ સાત વર્ષ પહેલાં લગ્ન થયેલા. પણ માત્ર આઠ જ મહિના બાદ અલગ થઈ ગયેલા. દોઢેક વર્ષમાં ડિવોર્સ પણ થઈ ગયેલા. બસ ત્યારથી સિંગલ જ છું. બીજી વાર લગ્ન કરવાનો વિચાર જ ના આવ્યો. જાણે કે લગ્નના નામથી જ નફરત થઈ ગઈ છે.

મારા મામાના નિકટતમ સંબંધીના ઓળખાણ દ્વારા મારો સંબંધ નક્કી થયેલો. એનું નામ હિમાની હતું. તે ફેશન ડિઝાઈનર હતી. એક ખ્યાતનામ વ્યક્તિ હતી એ. તેના ક્લાયન્ટ્સ પણ સારા એવા પ્રમાણમાં હતા. પહેલી જ નજરે એ મારી આંખોમાં વસી ગઈ હતી. ખૂબ સુંદર હતી, બેશક દેખાવે હું પણ સુંદર જ હતો. અમારી જોડી ખૂબ સોહામણી લાગશે, એમ અમારા બન્નેના પરિવારોનું માનવું હતું. હું ત્યારે ૨૫ વર્ષનો અને તે ૨૪ વર્ષની હતી.

હું બિઝનેસમાં વધુ પડતો વ્યસ્ત રહેતો, જ્યારે તે પણ એના કામોમાં વ્યસ્ત રહેતી. આ કારણે અમે બન્ને એકબીજા સાથે વધુ વાત ન કરી શક્યા. એકાદ મહિના બાદ અમારા લગ્ન થઈ ગયેલા. અમારી પહેલી રાત સામાન્ય જ રહી. થોડી વાતથી વધુ કઈ થયું જ નહીં. કારણ અમે હજુ એકબીજાને જાણતા નહોતા. પહેલા મનથી મન તો મળવા જોઈએ ને, જો એ મળી જાય તો તન એક થતા વાર ન લાગે. પતિ-પત્ની માટે તન કરતા મન પહેલા મળવા જોઈએ. જો એમ થાય તો લોહચુંબકની જેમ તન ખેંચાઈ જ આવે. એમ અમારું માનવું હતું.

હું અંતર્મુખી સ્વભાવ ધરાવતો વ્યક્તિ છું. જલ્દી કોઈ સાથે હળીમળી શકતો નથી. આ કારણે મારા ક્યારેય વધારે મિત્રો પણ નથી રહ્યા. મને નોવેલ્સ વાંચવાનો ખૂબ જ શોખ છે. આ જ કારણે કવિતા અને લેખનમાં પણ ખાસ રૂચી પહેલાથી જ રહી છે. સામે હિમાનીને દૂર દૂર સુધી સાહિત્ય પ્રત્યે જાણે કોઈ ઓળખાણ જ નહતી.

લગ્ન બાદ અમે હનીમૂન માટે ગોવા ગયેલા. ત્યાંથી પરત આવી ગયા હતા, છતાંય અમે એકબીજાની નજીક નહોતા આવી શક્યા. તન તો મળી ગયા હતા, પણ મન હજુ નહોતા મળી શક્યા. બે શરીર તો એક થયા હતા, પણ બે આત્માઓ એક ન થઈ શકી. હિમાની પણ મારી સાથે ઓછું જ બોલતી હતી.

ગોવાથી આવ્યા બાદ ફરી હું મારા બિઝનેસમાં વ્યસ્ત થઈ ગયેલો. એક વાર સાંજે આઠેક વાગ્યે ઘરે આવ્યો. હિમાનીને ન જોતા અમારા નોકર બાબુકાકાને પૂછ્યું, "કાકા, હિમાની ક્યાં છે?"

"આરવ બેટા, એ કહીને નથી ગયા." બાબુકાકાએ કહ્યું. હું નાનો હતો ત્યારથી બાબુકાકા અમારે અહીં કામ કરતા, એટલે મને આરવ કહીને જ બોલાવતા.

"ઠીક છે, કાકા." કહીને હું મારા રૂમમા ગયો.

મેં હિમાનીને ફોન લગાડ્યો ત્યારે ખબર પડી કે તે ક્લાયન્ટના કામ અર્થે મુંબઈ ગઈ છે. મને જાણ કરવી પણ એને યોગ્ય ન લાગી. મેં ફોન પર જ ગુસ્સો પ્રગટ કર્યો.

"અરે મને કંઈ પણ કીધા વિના અચાનક જ આમ કેમ જઇ શકે તું?" હું થોડા ગરમ મિજાજ સાથે બોલ્યો.

"હવે મારે ક્યાંય જવા માટે તારી પરમિશન લેવી પડશે?" હિમાનીએ કહ્યું.

"હું એમ નથી કહેતો, પણ....ઓકે... ઠીક છે જવા દે. તારું ધ્યાન રાખજે." હું વાતને વધુ ખેંચવા નહોતો માંગતો. આ કારણે લેટ ગો કરવાનું વિચાર્યું.

"પહેલી વાર થોડી નીકળી છું? હું મારી સંભાળ જાતે લઈ શકું છું." હિમાનીએ કહ્યું.

"હવે પાછી ક્યારે આવીશ?" મેં સવાલ તો કર્યો, પણ તેણીએ ફોન કટ કરી દીધો હતો.

આ અમારા વચ્ચે થયેલી પહેલી તકરાર હતી. દસેક દિવસ બાદ તે પાછી ફરી હતી. આ દિવસો દરમિયાન ન તો તેણે ફોન કર્યો કે ન મેં. હું નારાજ હતો, લાગતું હતું કે તે મને મનાવશે.

હિમાની જ્યારે પરત ફરી એ દિવસે લાગ્યું કે મને ગાઢ આલિંગન આપશે, મને મનાવશે. પણ એવું કંઈ થયું નહિ. તે થાકેલી હતી એટલે જમીને ઊંઘી ગઈ. હું તેને જોતો રહ્યો.

બે દિવસ પસાર થઈ ગયા હતા. હું તેનાથી નારાજ હોઉં, એવું જ વર્તન મેં કર્યું હતું. લાગતું હતું કે તે મને મનાવશે. અલબત્ત, તેને તો સોરી કહેવું પણ મુનાસીબ ના લાગ્યું. સાંજે મેં જ આગળથી વાત કરી.

"હિમાની, મારે તારી સાથે જરૂરી વાત કરવી છે."

"સોરી ડિયર, હું બીઝી છું હમણાં...પછી વાત કરીએ..."

હિમાની કોમ્પ્યુટરમાં કંઈક ડિઝાઇન બનાવતી હતી. આથી તે દિવસે અને તેના પછીના અમુક દિવસો સુધી વાત ન થઈ શકી.

આ લગ્ન જાણે માત્ર નામના જ હોય. લગ્ન બાદ તો કોઈ પણ વ્યક્તિની જિંદગી બદલાઈ જાય છે. કંઈક નવીનપણું જીવનમાં આવે છે. વ્યક્તિ પહેલા કરતા વધુ ખુશ રહેવા લાગે છે. મનમાં હરખ અને ઉમળકો હોય છે. જીવનસાથી સાથે વાત કરવાનો, બહાર ફરવા જવાનો, એકબીજા સાથે સમય વિતાવવાનો. શું આવી બધી લાગણીઓ હિમાનીની અંદર નહિ હોય? ઘણી વાર મને આ એક જ સવાલ થતો.

ક્રમશઃ

રોહિત સુથાર 'પ્રેમ'