21મી સદીનું વેર
પ્રકરણ-40
પ્રસ્તાવના
મિત્રો એક સામાન્ય કુટુંબ નો માણસ જ્યારે સંજોગોવસાત એક વેરના વમળમાં ફસાઇ જાય છે ત્યારે તેના વેર ને તે કેટલી ઉંચાઇ પર લઇ જઇ શકે અને એક વેરમાંથી શરુ થયેલી લડાઇમાં એક સામાન્ય માણસ કેટલો વીર અને વિચારશીલ નીકળે છે અને મહાન વિચાર પ્રગટાવી જાય છે તેની આ એક કથા છે. મિત્રો મારી આ પહેલી જ નવલકથા છે તેથી મારી આ નવલકથા તમને કેવી લાગી તેના સુચનો જરૂર મારા વ્હોટ્સ એપ નંબર પર મોકલજો.
***
કિશને કબાટના ખાનામાંથી પેકેટ કાઢ્યુ અને ખોલ્યુ એ સાથે તેને ઝાટકો લાગ્યો. પેકેટમાં રૂપિયાની નોટોના બંડલ હતા. કિશને બંડલને જોયુ અને ગણતરી કરી તો અંદાજે 3 લાખ જેવી રકમ હતી. કિશને બધા રૂપિયા પાછા પેકેટમાં મુકી દીધા અને વિચારવા લાગ્યો કે આટલા બધા રૂપિયા આવ્યા ક્યાંથી? મમ્મી દર મહિને પપ્પાનું પેન્સન આવે છે તે પણ ઉપાડતી નહોતી. અને હું દર મહિને રૂપિયા આપી જતો તે પણ એમનેએમ રાખેતો પણ આટલા રૂપિયા ના થાય. કિશને ઘણુ વિચાર્યુ પણ તેને પૈસા ક્યાંથી આવ્યા હોઇ શકે તે વિશે સમજ પડી નહી. ત્યાં અચાનક કોઇએ તેના ખભા પર હાથ મુક્યો એટલે કિશન ચમકી ગયો તેણે પાછળ ફરી જોયુતો બાજુવાળા મનસુખકાકા તેની સામે હસતા હસતા ઉભા હતા. આ જોઇને કિશને પુછ્યુ “અરે કાકા તમે કયારે આવ્યા?”
“હુ તો બે મિનિટથી અહી જ ઉભો છુ પણ તુ કંઇક વિચારમાં ખોવાયેલો હતો એટલે તને ખબર ના પડી. ”
“આ તો ઘરમાં આવતા મમ્મી-પપ્પાની બધી યાદો તાજી થઇ ગઇ. ” કિશને કહ્યુ.
“તું ક્યારે આવ્યો અહી? ચાલ ચા પાણી પીએ. તારી કાકીને તો ખબર પણ નથી કે તું આવ્યો છે. ” મનસુખકાકાએ હસતા હસતા કહ્યુ.
“ચાલો આ બધુ સરખુ બંધ કરીને આવ્યો. ” એમ કહી કિશન કબાટ બંધ કરવા લાગ્યો અને મનસુખકાકા તેના ઘરે ગયા. કિશને રૂમ અને મેઇન દરવાજો બંધ કર્યા અને પેલુ રૂપિયાવાળુ પેકેટ કારમાં મુકીને તે મનસુખકાકાના ઘરે ગયો.
કિશનને જોઇને ચંપાકાકી ખુશ થઇ ગયા અને બોલ્યા “અરે કિશન તું તો તારી કાકીને ભુલીજ ગયો કે શું? કેટલા સમયે આવ્યો આજે. ”
“અરે,કાકી તમારા હાથમાં તો હું મોટો થયો છું. તમને બધાને કેમ ભુલી શકાય?. પણ આતો હવે મમ્મી પણ અહી નથી એટલે આ તરફ આવવાનું થતુ નથી. ” કિશને જવાબ આપ્યો.
“મા નથી તો શું થયુ આ તારી ચંપાકાકી તો છેને? ક્યારેક મળવા આવતુ રહેવાય. શું તારા મમ્મીની તબીયત કેમ છે?. તે ગયા પછી તો મને અહી ગમતુ નથી. ” ચંપાકાકી એ લાગણીશીલ થઇ કહ્યુ.
“બસ એવુજ છે કંઇ ફેર પડ્યો નથી. કોઇ સાથે બોલતા નથી. અચાનક કેમ આવુ થઇ ગયુ તેજ સમજાતુ નથી?” કિશન બોલતા બોલતા ઉદાસ થઇ ગયો.
“અરે તું ચિંતા નહી કર. ઉપરવાળો સૌ સારાવાના કરશે. લે તું તારા કાકા સાથે વાતો કર હું ચા બનાવી લાઉ છું” એમ કહી ચંપાકાકી રસોડા તરફ ગયા. એટલે કિશને મનસુખકાકાને કહ્યુ
“કાકા,આપણા ગામમા ઝંખના ગોપાલભાઇ ત્રાંબડીયા નામની કોઇ છોકરી છે?”
આ સાંભળી મનસુખકાકા વિચારવા લાગ્યા અને બોલ્યા ”હા, ગોપાલભાઇ ત્રાંબડીયા તો છે પણ તેની કોઇ છોકરીનું નામ ઝંખના તો લગભગ નથી. કેમ તેનુ શુ કામ છે તારે?”
ત્યાં ચંપાકાકી ચા લઇને આવ્યા એટલે મનસુખકાકાએ કહ્યુ “ હે,આપણા પેલા મનસુખભાઇ ત્રાંબડીયાની કોઇ છોકરીનું નામ ઝંખના છે?”
“હા, તેની સૌથી મોટી છોકરી જેને આપણે મુની કહીએ છીએ તેનુ સાચુ નામ ઝંખના છે. કેમ તેનું વળી અત્યારે શું છે?” ચંપાકાકી એ ચાની રકાબી ભરતા કહ્યુ.
“આ કિશન તેના વિશે પુછતો હતો. ” મનસુખકાકાએ ચાની રકાબી ઉપાડતા કહ્યુ “ લે ભાઇ ચા ઠરી જાશે. ” કિશને પણ ચાની રકાબી ઉપાડી અને પીવા લાગ્યો. ચા પી લીધા બાદ ચંપાકાકીએ પુછ્યુ
“કેમ કિશન તેનુ વળી તારે શું કામ પડ્યું?”
“કાકી મારે એક કેસ બાબતે તેનુ થોડુ કામ હતુ. મારે તેને મળવુ છે. ” કિશને કહ્યુ.
“પણ તેના તો લગ્ન થઇ ગયા છે. જો કે તેને હમણા થોડા સમય પહેલા જોઇ હતી. જો હોયતો તપાસ કરી લાવુ. ” એમ કહી ચંપાકાકી બહાર જવા લાગ્યા એટલે કિશને કહ્યુ.
“કાકી, તે અહીના મળે તો તેના સાસરાના ઘરનું સરનામુ લેતા આવજો. ”
ચંપાકાકી બહાર ગયા એટલે કિશને મનસુખકાકાને પુછ્યુ
“કાકા,તમને એક પ્રશ્ન પુછવો છે. ”
“હા બોલને દિકરા શું પુછવુ છે?” મનસુખકાકાએ કહ્યુ.
“કાકા,મારી ગેરહાજરીમાં મારી મમ્મીને કોઇ મળવા આવતુ હતુ?” કિશને ધીમેથી પુછ્યુ.
મનસુખકાકાને કંઇ સમજાયુ નહી એટલે તેણે કહ્યુ “ તું શું પુછવા માગે છે તે હું સમજ્યો નહી?”
“કાકા,મે હમણા ઘર ખોલ્યુતો કબાટમાંથી આશરે ત્રણેક લાખ રૂપિયાનું બંડલ નીકળ્યું. મારી મમ્મી પાસે આટલા બધા રૂપિયા ક્યાંથી આવ્યા તે મને સમજાયુ નહી. એટલે તમને કંઇ ખબર છે કે મારી ગેરહાજરીમાં મમ્મીને કોઇ મળવા આવતુ હોય?” કિશને પુછ્યુ.
આ સાંભળી મનસુખકાકા વિચારમાં પડી ગયા. અને પછી બોલ્યા “ ના, આમતો કોઇ આવતુ નહોતુ. પણ ક્યારેક ક્યારેક શાળાનાં આચાર્ય પ્રતાપભાઇ ઓઝા તારી મમ્મીની ખબર પુછવા આવતા. ”
તે લોકો હજુ વાતો કરતા હતા ત્યાં ચંપાકાકી આવ્યા અને બોલ્યા
“એ તો તેના સાસરે કાલેજ જતી રહી. લે આ કાગળમાં તેનુ સરનામુ લખેલ છે. ”
ત્યારબાદ કિશને કહ્યુ “ચાલો કાકી હવે હું નીકળુ. ”
“ અરે આજે હવે રોટલા ખાધા વગર જવાતુ હશે? કેટલા સમયે આવ્યો છે. જા તુ અને તારા કાકા ગામમાં આંટો મારી આવો ત્યાં હુ રસોઇ બનાવી દઉ. ” ચંપાકાકીએ એટલા આગ્રહથી કહ્યુ કે કિશન ના પાડી શક્યો નહી. એટલે કિશન અને મનસુખકાકા ગામમાં ફરવા નીકળ્યા.
કિશન ત્રણ વાગ્યે પોતાની કારમાં વંથલી થી જુનાગઢ તરફ જઇ રહ્યો હતો. કિશન ચંપાકાકીને ત્યાં જમીને થોડીવાર આરામ કરીને પછી જુનાગઢ આવવા નીકળ્યો. રસ્તામાં ઝાંપાગઢ આવતા કિશનને ફરીથી શાળાએ જવાની ઇચ્છા થઇ પણ પછી તેણે વિચાર્યુ કે આજનેઆજ પાછો જઇશ તો કોઇને શક જશે અને રમણીક ભાઇએ તો સ્વૈચ્છીક નિવૃતિ લઇ લીધી છે એટલે શાળાએ જવાનો પણ કોઇ અર્થ નથી. તેના કરતા ફરીથી એકાદ દિવસ આવીશ. અને તેણે કારને જુનાગઢ તરફ જવા દીધી. વંથલી પહોંચી તેણે ચા પાણી પીધા અને હવે તે જુનાગઢ તરફ જઇ રહ્યો હતો. સાથે તેની વિચારયાત્રા પણ ચાલી રહી હતી. કિશનને એકવાતની ખુબજ નવાઇ લાગી કે રમતોત્સવ સાથે સંકળાયેલ ત્રણેય શિક્ષકોએ સ્વૈચ્છીક નિવૃતી લઇ લીધી હતી. એવુ તે શુ હશે કે આ ત્રણેય શિક્ષકોએ નોકરી છોડી દેવી પડી હશે. કિશનને ઝાંપાગઢના આચાર્ય પર પણ ગુસ્સો આવ્યો કે તેણે આખી વાત સાંભળ્યા વિનાજ તેને શાળાની બહાર મોકલી દીધો. આમનેઆમ વિચાર કરતા કરતા જુનાગઢ ક્યારે આવી ગયુ તે કિશનને ખબર પડી નહી.
કિશને કાર સીધી ઓફીસ પર જ જવા દીધી. તે ઓફિસ પર પહોંચ્યો ત્યારે નેહા રોજની જેમજ કામ કરતી હતી. એટલે તે પોતાની ચેર પર બેસી વિચારવા લાગ્યો કે હવે શું કરવુ? અચાનક તેને યાદ આવતા તેણે ખીસ્સામાં મુકેલો કાગળ બહાર કાઢ્યા તેમાં એક કાગળ પ્રતાપભાઇએ આપેલ મોહન સાહેબ અને કાંતાબેનના એડ્રેસનો હતો અને બીજો કાગળ ચંપાકાકી લાવેલા તે હતો. કિશને બન્ને કાગળના એડ્રેસ તેની ડાયરીમાં નોંધી લીધા. કિશને ત્રીજો કાગળ ખોલ્યો જે તેને ઝાંપાગઢના આચાર્ય પ્રદિપભાઇએ આપ્યો હતો. તેમાં એક એડ્રેસ લખ્યુ હતુ.
“302-અલકનંદા એપાર્ટમેન્ટ, ઝાંઝરડા રોડ જુનાગઢ”
કિશને આ એડ્રેસ પણ તેની ડાયરીમાં નોંધી લીધુ અને વિચારવા લાગ્યો આ કોનુ એડ્રેસ હશે? પ્રદિપભાઇએ શું કામ તેને આ એડ્રેસ આપ્યુ હશે? તે વિચારતોજ હતો ત્યાં ઇશિતાનો ફોન આવ્યો. હમણા થોડા સમયથી ઇશિતા સાથે સરખી વાત નહોતી થઇ. એટલે વાત કરી ફોન મુક્યો ત્યાં અડધો કલાક થઇ ગયો. ઇશિતા ખોટી ચિંતા કરશે એમ વિચારી આ આખો મામલો કિશને ઇશિતાથી છુપાવ્યો હતો. માત્ર ગામ ગયો હતો અને ત્યાં તેની મમ્મીનાં કબાટમાંથી પૈસા મળ્યા એ વાતો કરી અને પછી બીજી આડા અવળી વાતો કરી ફોન મુકી દીધો. ત્યારબાદ નેહા થોડુ કામ લઇને કિશન પાસે આવી. કામ પતાવીને કિશન ફ્રી થયો ત્યાં 6 વાગી ગયા.
કિશન નેહાને કહી ઓફીસેથી નીકળી ગયો અને ઝાંઝરડા રોડ પર અલકનંદા એપાટેમેંટ પર ગયો. ત્યાં જઇ કિશન ત્રીજા માળ પર ગયો અને બ્લોકનંબર 302 ની ડોરબેલ વગાડી. બે મિનિટ બાદ દરવાજો ખુલ્યો અને સામે ઉભેલ વ્યક્તિને જોઇ કિશન ચોંકી ગયો. સામે ઝાંપાગઢના આચાર્ય પ્રદિપભાઇ હસતા હસતા ઉભા હતા. તેણે કહ્યુ
“કેમ મને જોઇને ઝટકો લાગ્યોને? ” કિશનને એમને એમ ઉભેલો જોઇને આગળ બોલ્યા
“હવે અંદર તો આવ. ”
કિશન ફ્લેટમા દાખલ થયો અને સામે પડેલા સોફા પર બન્ને બેઠા એટલે પ્રદિપભાઇના પત્ની પાણી લઇને આવ્યા. કિશને પાણી પી લીધુ એટલે પ્રદિપભાઇએ કહ્યુ
“શું કિશન ચા ચાલશે ને?”
કિશને હા પાડી એટલે પ્રદિપભાઇએ તેના પત્નીને ચા બનાવવાનું કહ્યુ અને પછી કિશન સામે જોઇને બોલ્યા
“તું એવુ વિચારતો હશે કે મે મારૂજ સરનામુ તને કેમ આપ્યુ,બરાબરને?”
કિશન તરતજ સતર્ક થઇ ગયો. કેમકે સામેનો માણસ પોતાના વિચાર જાણીલે તે રીતે વર્તન કરવુ તેને ભારે પડી શકે એમ હતુ . કિશન કંઇ બોલ્યો નહી. એટલે પ્રદિપભાઇ આગળ બોલ્યા
“હા,મે મારૂજ સરનામુ તને આપ્યુ હતુ. અને તે એટલા માટે કે તારા પ્રશ્નો અને રમણીકભાઇ વિશેની પુછપરછ પરથી મને તારા સ્કુલમાં આવવાનો અસલી મકશદ સમજાઇ ગયો હતો. અને એટલેજ મે તને ઝડપથી સ્કુલમાંથી વિદાય કરી દીધો હતો. મને ખબર છે કે તુ તારા પિતાના મોત વિશે જાણકારી મેળવવા માટે રમણીકભાઇને મળવા માંગતો હતો. બરાબરને?”
“ના મને તો મારા પિતાના મોત વિશે કોઇ ખબર નથી. કેમકે ત્યારે હું ખુબ નાનો હતો. પણ આતો ગામમાંથી વાતો સાંભળી એટલે જાણવાની ઇચ્છા થઇ એટલે રમણીકભાઇને મળવા આવ્યો હતો. ”
કિશને ગપ્પુ માર્યુ.
આ સાંભળી પ્રદિપભાઇ થોડીવાર કિશન સામે જોઇ રહ્યા. તેની વેધક આંખો કિશનને કહેતી હતી કે તું ખોટુ બોલે છે તે મને ખબર છે. કિશન વધુ સમય પ્રદિપભાઇ સામે જોઇ ના શક્યો તેણે આજુબાજુ જોવાના બહાને મો ફેરવ્યુ. એટલે પ્રદિપભાઇએ કહ્યુ
“જો,કિશન તને જેમ ખબર પડી હોય તેમ પણ મને ખબર છે કે તું કંઇક જાણે છે બાકી તું રમણીકભાઇની તપાસ કરવા આવેજ નહી. ”
પછી થોડુ રોકાઇને તેણે આગળ કહ્યુ “પણ તને એક વાત કહી દઉ કે તું સાચા રસ્તા પર છે. ”
પ્રદિપભાઇ હજુ આગળ વાત કરે ત્યાં ચા આવી ગઇ એટલે બન્ને ચા પીવા લાગ્યા અને રમણીકભાઇએ વાત આગળ ચલાવતા કહ્યુ
“ પણ તું એક વાત યાદ રાખજે કે તુ જે રસ્તે જાય છે ત્યાં ખુબ રીસ્ક રહેલુ છે. એટલે સાવચેત રહેજે. મને આમાં મોટા માથા પડેલા લાગે છે. એટલેજ મે તને શાળામાંથી મોકલી દીધો હતો. ”
પછી પ્રદિપભાઇ થોડુ અટક્યા એટલે કિશને કહ્યુ “મને ખબરજ નથી આમાં શુ છે એટલે થોડુ રીસ્ક તો લેવુજ પડશે. એકવાર મારા હાથમાં કોઇ એક છેડો આવી જાય પછી તો હું છોડીશ નહી. ”
આ સાંભળી પ્રદિપભાઇએ કહ્યુ “જો કિશન હું જેટલુ જાણુ છું એટલી વાત તને કરીશ. કેમકે પંડ્યા સાહેબના મારા પર ઘણા અહેસાન છે. ”
એમ કહી પ્રદિપભાઇએ વાત કરવાની શરૂઆત કરી “આજથી લગભગ આઠ નવ વર્ષ પહેલા અમારી શાળાની એક છોકરી અને તારા પપ્પાની શાળાની એક છોકરી જુનાગઢ જીલ્લા કક્ષાના રમતોત્સવમાં ભાગ લેવા માટે ગઇ હતી. ત્યાં અચાનક અમારી શાળાની છોકરીને પેટમાં દુખાવો શરૂ થયો અને તેને હોસ્પીટલમાં દાખલ કરવી પડી. ત્યાં તેનુ ઓપરેશન કરવુ પડેલુ. આ ઓપરેશન થયા બાદ થોડા દિવસો પછી તારા પપ્પા અમારી સ્કુલમાં આવેલા અને તેને રમણીકભાઇ સાથે કોઇ બાબતમાં જોરદાર ઝગડો થયેલો. ત્યાંથી તારા પપ્પા પેલી ઓપરેશન કરેલુ તે છોકરીને મળવા ગયેલા. એ પછી થોડા દિવસો પછી એક દિવસ તારા પપ્પા મને મળવા આવેલા તેણે પેલી છોકરીના ફરીથી રીપોર્ટ કરાવેલા. ત્યારે તેણે જે મને કહેલુ તે મને હજુ પણ યાદ છે. તેણે કહેલુ “પ્રદિપ, આ ઓપરેશનમાં ખુબ મોટુ ષડયંત્ર છે. થોડા સમયમાં સબુત મારી પાસે આવી જશે પછી હું કોઇને છોડવાનો નથી. ”
પણ અઠવાડીયા પછી મને તેના મૃત્યુના સમાચાર મળ્યા હતા. મને પણ તેના મૃત્યુ પાછળ કોઇનો હાથ હોય તેવુ લાગેલુ પણ પછી કોઇ તપાસ થઇ નહી. તારા પપ્પાના મૃત્યુ પછી રમણીકભાઇ ખુબ અસ્વસ્થ રહેતા અને એકાદ બે વર્ષમાં તેણે કોઇ પણ કારણ વગર સ્વૈચ્છીક નિવૃતિ લઇ લીધી હતી. અને તેની આર્થિક સમૃધ્ધી પણ એકાએક વધી ગઇ હતી. ત્યારે મને વિશ્વાસ થઇ ગયો હતો કે તારા પપ્પા કહેતા હતા તે વાતમાં કંઇક તો તથ્ય હશેજ. પણ પછી તે વાત પર પડદો પડી ગયો. ”
આ વાત સાંભળી કિશનને વિશ્વાસ થઇ ગયો કે તેના પિતાનું મોત કોઇ અકસ્માત નહોતુ પણ એક પ્રકારની સમજી વિચારીને કરવામાં આવેલી હત્યા હતી. આ વિચાર આવતાજ તેની આંખોમાં લોહી ધસી આવ્યુ તેના જડબા તંગ થઇ ગયા અને હાથની મુઠી વળી ગઇ અને તે બોલ્યો
“હું કોઇને છોડીશ નહી. દરેકને તેના કરેલા પાપની સજા અપાવીશ. ”
કિશનને ઉશ્કેરાયેલો જોઇને પ્રદિપભાઇએ કહ્યુ “ એમ ઉશ્કેરાવાથી કામ નહી ચાલે તારે જો આમાં આગળ વધવુ હશે તો એકદમ ચાલાકીથી જ કામ કરવુ પડશે. તે જે કોઇ પણ છે તે ખુબ પહોંચેલા છે. ”
કિશનને પ્રદિપભાઇની વાત સાચી લાગી એટલે તે થોડો શાંત થયો અને તેણે કહ્યુ “તમને શું લાગે છે આમાં કોણ કોણ હોઇ શકે?”
“એતો મને ખબર નથી. ”પછી થોડુ રોકાઇને બોલ્યા “શાળામાં એવી વાતો થતી કે રમણીકભાઇને વિજયભાઇ વાઘેલાનો સપોર્ટ છે. પણ તે સાચુ હોય કે ખોટુ તે કહી શકાય નહી. ”
“પેલી છોકરીના રીપોર્ટસમાં શું હતુ તે કંઇ પપ્પાએ તમને કહેલુ?”
“ તે કંઇ બોલેલા નહી. પણ તેને ક્યાંકથી માહિતી મળેલી કે તેમાં ગડબડ છે. ” પછી કંઇક યાદ આવ્યુ હોય એમ તેણે કહ્યુ “હા, પણ તે કિડનીનો રીપોર્ટ કરાવ્યો છે એમ કહેતા હતા એટલે કિડનીને લગતુજ કંઈક હશે. ”
“રમણીકભાઇને ક્યારેય કોઇ એવી વ્યક્તિ મળવા આવતી કે જે શંકાસ્પદ હોય?”
આ સાંભળી પ્રદિપભાઇ વિચારમાં પડી ગયા પછી થોડી વાર રહી બોલ્યા “ના,એવુ તો ખાસ કંઈ યાદ નથી આવતુ”
ત્યારબાદ કિશને પ્રદિપભાઇનો આભાર માન્યો અને ત્યાંથી નીકળવા માટે ઉભો થયો એટલે પ્રદિપભાઇએ કહ્યુ
“તું મને મળવા આવ્યો છે તે વાત કોઇને કરતો નહી. બીજી કોઇ જરૂર હોય તો ફોન કરજે. આ મારૂ કાર્ડ છે” એમ કહી પ્રદિપભાઇએ કાર્ડ આપ્યુ તે લઇને કિશન ત્યાંથી નીકળી ગયો.
ત્યાંથી નીકળી કિશન ઓફીસ જવાનુ વિચારતો હતો ત્યાં તેને કંઇક યાદ આવતા તેણે કારને બસ સ્ટેશન તરફ જવા દીધી અને ત્યાથી મોતીબાગ પાસે આવેલ રાયજીબાગમાં આવેલ એક બંગલા પાસે કાર ઉભી રાખી. બંગલાના ગેટમાં દાખલ થઇ ડોરબેલ વગાડી.
***
કિશને ખોલેલા પેકેટમાં શું હશે? પ્રતાપભાઇએ કોને ફોન કર્યો? કિશન અને ઇશિતાની લવ સ્ટોરીનું શું થશે? શિતલ અને રૂપેશ હવે શું કરશે? કિશનનો શું છે? આ બધુ જાણવા માટે આગળના પ્રકરણ વાંચતા રહો.
***
મિત્રો તમે બધા મારી નવલકથા વાંચો છો અને મને રીવ્યુ પણ મોકલો છો તે માટે તમારા બધાનો ખુબ ખુબ આભાર. મિત્રો આ મારી પહેલી નવલકથા છે તેથી તમારા પ્રતિભાવ મારા whatsapp no જરૂર મોકલજો.
હિરેન કે ભટ્ટ- whatsapp no - 9426429160