દુશ્મન
પપ્પા હંમેશા મને એક દુશ્મન જેવા લાગ્યા છે, હવે આટલી નાની ઉંમરે હું તમને દુશ્મનની વ્યાખ્યા તો નહી સમજાવી શકું, અરે, મારો પરિચય તમને આપવાનો તો ભૂલી જ ગયો, મારૂ નામ આશિષ, પ્યારથી બધા મને આશુ કહે છે, પરંતુ એ પ્યાર હવે ફકત નામ પૂરતો જ રહી ગયો છે! ગયા મહિને જ મારી બર્થ ડે ગઈ 16 તારીખે, છેલ્લા થોડા સમયમાં મારો બર્થ ડે જ એક ખુશી નો પ્રસંગ હતો મારા માટે, બાકી પપ્પા એ કંઈ બાકી જ ક્યાં રાખ્યુ છે..! તમને પણ આશ્ચર્ય થતુ હશે કે આ બાળક કેવી ગાંડીઘેલી વાતો કરી રહ્યો છે!? અરે.. મારી સાથે હમણા જે કંઈ થઈ રહ્યુ છે, એ અનુભવી મને પોતાને ય આશ્ચર્ય થાય છે ..!
સમજાવુ તમને, ગયા મહિને હું પાંચ વર્ષ નો થયો, અત્યાર સુધી બધુ બરાબર ચાલતુ હતુ, મમ્મી મને ખૂબ જ પ્યાર કરતી હતી, જે જોઈએ તે લાવી આપતી, બોબડુ બોલતો તો પણ મમ્મી બધુ સમજી જતી, પપ્પાને તો ટાઈમ જ ક્યાં હતો, ઓફિસ થી આવી બાથમાં ભરી એક પપ્પી કરે, બસ એ એમનો પ્યાર! મને એક અને મમ્મીને બે! તમે પણ કહેશો, કેવો ઘોર અન્યાય !!
પપ્પા ઘરે આવે એટલે મમ્મી મને ભૂલી જતી, મને ખોટુ તો લાગે જ ને..! હવે મને સમજાયું, મમ્મીને એક પપ્પી વધુ આપી ને એ મારાથી છીનવી લેવા માંગતા હતા..આ એમનો પ્રિપ્લાન હતો, પરંતુ હું રહ્યો પાંચ વર્ષનો બાળક, નાના અમથા મગજમાં કેટલુ આવે? પરંતુ ના, હવે હું સમજી ગયો છું, પપ્પા – મમ્મી ભલે મને નાનુ બચ્ચુ સમજે, પણ હું ચૂપ બેસી રહુ તેવો નથી, મેં પણ તોફાન વધારી દીધા, તોફાની તો હું છું જ, મમ્મી જેવો, એ પણ વાતે વાતે પપ્પાને ચૂંટી ખણે છે, પરંતુ પપ્પા મમ્મીને એક શબ્દ પણ ન કહે, તે દિવસે મેં એક ચૂંટી શું ખણી, મને તો દુશ્મન ની જેમ ધીબેડી જ નાખ્યો..!
હમણા થોડા દિવસથી મમ્મીએ મને પ્યાર કરવાનું જ બંધ કરી દીધુ હતુ, પપ્પા ઓફિસથી આવ્યા, બેગ મમ્મીનાં હાથ માં આપી, મમ્મીએ કંઈ કહ્યુ, અને પપ્પાએ અચાનક ખુશ થઈને મમ્મી ને પાંચ બચી કરી, મને એક પણ ન મળી, તે દિવસ થી મારા ગ્રહ પલટાઈ ગયા, મારી સૂવાની જગ્યા પણ બદલાઈ ગઈ, હમણા સુધી રાત્રે પપ્પા કે મમ્મી બંનેને વારાફરતી વળગીને સૂતો હતો, તે છીનવાઈ ગયુ..!
મને બીજા બેડરૂમમાં નાખી દીધો, મમ્મી મારી પાસે જ સૂવા આવી, સવારે ઉઠયો ત્યારે મમ્મી જુના રૂમ માં સૂતી હતી, મતલબ મમ્મીએ મને ઉલ્લુ બનાવ્યો હતો, મારા સુવા પછી એ જુના બેડરૂમમાં ચાલી ગઈ હતી, અને હું આખી રાત તકીયાને વળગી સુતો રહ્યો, મમ્મીનાં ભ્રમમાં.. મને જબરદસ્ત ગુસ્સો આવ્યો, મેં પણ નાટક ચાલુ કર્યા, સ્કૂલ – ટયુશન ન જવા માટે બહાના બનાવવા માંડ્યો, તે દિવસથી મમ્મી પણ મને ખિજાવા લાગી, પપ્પા સાથે રહીને એ પણ બગડી ગઈ હતી..! હવે પપ્પા અને મમ્મી સિવાય મારૂ બીજુ તો કોઈ છે નહિ, હા નાના-નાની છે, વેકેશનમાં જઈશ ત્યારે બંનેની ફરિયાદ કરીશ, તમે પણ સાથ આપજો..!
ઘરમાં જમવાનુ પહેલા જેવુ બનતુ છતા મમ્મી ખબર નહિ એકલી એકલી શું ખાતી હતી, એ દિવસે દિવસે જાડી થવા લાગી..! અને હું પતલો થવા લાગ્યો..! મારા રૂમનિકાલને ત્રણ મહિના જેટલો સમય થઈ ગયો હતો, હવે મમ્મીને વળગીને સુવુ મારા માટે એક સ્વપ્ન સમાન થઈ ગયુ હતુ, પપ્પાની તો વાત જ ન પૂછો તમે..! મમ્મી મને વહાલ કરવાનું જ ભૂલી ગઈ હતી, કોઈ વાર હું યાદ અપાવવા જતો તો વોમિટ કરવાનું બહાનું બનાવી મને દૂર કરી દેતી, આ બધુ પપ્પાનું જ કારસ્તાન હતુ, એટલે જ હું એમને દુશ્મન માનવા લાગ્યો હતો..!
બે દિવસથી કિટ્ટા ચાલે છે મમ્મી સાથે, ખરેખર મને મમ્મીનું દિવસે ને દિવસે મોટુ થતુ પેટ જોઈ નવાઈ લાગતી હતી, મને લાગ્યુ કે તરબૂચ જેવુ પેટ પર કંઈ બાંધ્યુ તો નથી ને? ટીશર્ટ ઉંચુ કરી જોવા ગયો, બસ એટલો જ મારો વાંક..! તમે જ કહો, આટલી નાની વાતમાં કોઈ તમાચો મારે? એણે મને તમાચો મારી દીધો..મેં પણ કિટ્ટા લઈ લીધા, ફરી બુચ્ચા કરવા પણ આવી, પણ આપણા કિટ્ટા એટલે એકદમ પાક્કા ! ઝટ માની જાઉં તો મારૂ નામ આશુ નહિ..!
પપ્પાએ પણ રાત્રે મને પટાવ્યો, કહે, “ આશુ બેટા, એવુ નહિ કરવાનુ.., ગુડબોય એવુ નહિ કરે!” મેં પણ કહ્યુ, “ મને એમ કે મમ્મી દરરોજ પેટ પર તરબૂચ બાંધે છે, એટલે હું જોવા ગયો, તો મમ્મીએ ધાડ દઈને તમાચો જ મારી દીધો, હું મમ્મી સાથે નથી બોલવાનો બસ..! પપ્પા એટલા જોરથી હસ્યા, કે હું પણ રડતો રડતો હસવા માંડ્યો, કિચનનાં દરવાજા પાસેથી મમ્મી પણ હસતી હસતી મારી પાસે બેસી ગઈ, પણ ના, મારે કિટ્ટા હતા, એટલે હું દૂર હટ્યો, પરંતુ એણે ખેંચીને મને વહાલ કર્યુ , મને બહુ સારૂ લાગ્યુ, પણ મેં મારૂ નાટક ચાલુ રાખ્યુ, પપ્પાએ મને ઉંચકી લીધો, અને કેટલા દિવસે આજે એક બચી કરી, કોઈ ખાનગી વાત કહેતા હોય તેમ મારા કાન પાસે મોં લાવી બોલ્યા, “ બેટુ, મમ્મીનાં પેટને હાથ નહિ લગાવવાનુ, તું હાથ લગાવે અને કંઈ વાગી જાય તો અંદર બહેનને વાગી જાય.”
“ અંદર બહેન કેવી રીતે આવે પપ્પા? એને કહોને કે બહાર આવી મારી સાથે રમે!”
“ આવશે બેટા, થોડા દિવસમાં બહાર આવશે, અને તારી સાથે જ રમશે.. ઓકે.. હેપ્પી?” પપ્પાએ પાછી એક બચી કરી મને સોફા પર બેસાડ્યો, આજે કેટલા સમય પછી બંનેએ મને વહાલ કર્યું હતું, મને એમ લાગ્યુ, મારા જૂના દિવસો પાછા આવી ગયા, પરંતુ ના, એ મારો ભ્રમ હતો, રાત્રે પપ્પા મને રૂમમાં સુવડાવવા આવ્યા, મેં સૂઈ જવાનું નાટક કર્યુ તો, ઊઠીને ચાલ્યા ગયા બાજુમાં બહેનને બહાર કાઢી એની સાથે રમવા ! મને ઉઠીને જોવાનું મન થયુ, પણ દરવાજો બંધ હશે, એમ માની સૂઈ ગયો, આજનો દિવસ એકંદરે સારો ગયો હતો, મમ્મીનાં એક તમાચા ની સામે પપ્પાની બે બચી મળી હતી, પણ બેવકૂફ તો મને બંને જ બનાવતા હતા..!
એ વાતને પંદરેક દિવસ થયા, આજે મને નાની પાસે મૂકી મમ્મી પપ્પા કશે ગયા છે, નાનીને બધી જ ફરિયાદ કરી, એ પણ હસ્યા, મને નવાઈ લાગી, બધા કેમ મારી ફરિયાદ પર હસતા હતા..! છોડો, કોઈને મારી વાત સમજમાં નથી આવતી, તમે સમજો છો એટલુ બસ છે.. દિલ ખોલી ને રમ્યો, મોડી રાતે પપ્પા એકલા જ લેવા આવ્યા, કારમાં પપ્પાએ કહયુ, “આશુ, તારી નાની બહેન, તારી ફ્રેન્ડ ઘરે આવી ગઈ, ”
“ વાવ, ખરેખર?” વેલ, મને ઘણી ખુશી થઈ કે હવે મારી સાથે કોઈ રમવા વાળુ તો મળ્યુ..
પપ્પાએ મને એક બચી કરી, “ યસ બેટુ”
“પપ્પા, જલ્દી ભગાડો, મારે એની સાથે રમવુ છે, ” મને અચાનક જ ઘણી બધી ઊતાવળ આવી ગઈ,
પરંતુ પપ્પાએ મારા ઉત્સાહ પર પાણી ફેરવી નાખ્યુ, “આશુ, બહેન હજુ નાની છે, એ ત્રણ ચાર મહિના પછી તારી સાથે રમશે.” ઓહ માય ગોડ, હજી ત્રણ ચાર મહિના?! આ ચાર મહિના જેવો સમય મેં એકલા રૂમમાં કેવી રીતે વિતાવ્યો, તે હું જ જાણુ છું..
અમે ઘરે આવ્યા, મમ્મીને જુના રૂમ માં ચાદર ઓઢી સૂતેલી જોઈ, બાજુમાં એક નાનુ બેબી, ઓહ.. તો આ છે મારી નાની બહેન! એને મમ્મી પાસે સૂતેલી જોઈ મને જલન થઈ, પહેલા પપ્પા એક જ દુશ્મન હતા, હવે એક વધુ નવા દુશ્મન ની ઘરમાં એન્ટ્રી થઈ, આ દુશ્મન પપ્પા કરતા ડેન્જર છે, એ મને આવતાવેંત જ ખબર પડી ગઈ, કારણ કે એણે પપ્પાને પણ મમ્મીથી દૂર કરી દીધા, હવે પપ્પા ક્યાં સુએ, એ એમનો પ્રોબ્લેમ ! મેં પહેલો ચાન્સ લેવાનું નક્કી કર્યુ, જીદ પકડી, “મારે અહીંયા જ સૂવુ છે, ” મમ્મી એ પ્યાર થી મને સમજાવ્યો કે બેટા, બહેન ને વાગી જાય, મને સમજ પડી ગઈ કે આ બધા ન સુવડાવવાનાં બહાના છે, હું ન માન્યો, છેવટે પપ્પાની લાલ આંખ જોઈ મારે હથિયાર હેઠા મૂકવા પડયા…
રિસાઈને અણગમતા રૂમમાં આવી સૂઈ ગયો, આમ જ એકલા સૂવાનું મારા નસીબમાં હતુ, પણ ના, કુદરત ને કંઈ અલગ જ મંજૂર હતુ, જૂના રૂમ માંથી નવી દુશ્મનનો વારેવારે રડવાનો અવાજ આવતો રહ્યો હું અડધો જાગતો જ પડયો હતો, થોડી વારે મારા રૂમનો દરવાજો ખૂલ્યો, નાઈટ લેમ્પનાં પ્રકાશમાં પપ્પા તકીયો લઈ આવતા દેખાયા, મારી બાજુમાં મને બાથ ભરી સૂઈ ગયા, હાશ, આજે શાંતિ થઈ, છેવટે પપ્પા એ મારી સાથે સમાધાન કર્યુ..
મને સમજાઈ ગયુ કે પપ્પાને પણ પેલી નવી દુશ્મન પસંદ નથી, મને તો હતી જ નહિ, એટલે જ તો એ મારી પાસે આવ્યા, અને આમ પણ દુશ્મનનો દુશ્મન દોસ્ત કહેવાય, એટલે આજ થી પપ્પા મારા પાક્કા દોસ્ત બન્યા…. તમે ટેન્શન ન લો, હવે પપ્પા મારી સાથે છે, પેલી નવી દુશ્મનને તો અમે બંને ભેગા મળી પહોંચી વળીશું..!!!
Solly Fitter