Shanka in Gujarati Short Stories by Hardik Kaneriya books and stories PDF | શંકા

Featured Books
Categories
Share

શંકા

શંકા

હાર્દિક કનેરિયા

“આજે પણ એ ઘરમાં ઝઘડો હતો, ત્યાં રોજનું છે...” માલતીબેન વાળુ કરતા કરતા પોતાના પતિને કહી રહ્યા હતા. થોડા દિવસો પહેલા જ પાસેના ઘરમાં ભાડે રહેવા આવેલા બત્રીસ વરસના યુગલ વિશે આ વાત હતી.

“કેમ? કઈ વાતમાંથી?” રાજેશભાઈએ ઝઘડાનું કારણ પૂછ્યું.

“એ તો ખબર નથી, પણ પુરુષ મોટેથી બરાડા પાડતો હતો, કદાચ એની બૈરીને ઝૂડતો હશે એવું લાગ્યું. બાઈ બહુ ઓછી બહાર નીકળે છે. વાતચીત તો ઠીક, મેં એને જોઈ જ એક બે વાર છે!”

“મને તો એ જ નથી સમજાતું ખીલે બાંધેલી ગાય પર અત્યાચાર કરવામાં શું બહાદુરી છે! બીચારી બાઈ જાય તો જાય ક્યાં? હું હોત તો જરૂર વચ્ચે પડત.”

“સારું થયું તમે ન્હોતા! બાપુજીની જેમ મને ય તમારું બીજાના ઝઘડામાં વચ્ચે પડવું પસંદ નથી.” માલતીબેને સંભળાવ્યું.

ચોત્રીસ વરસના રાજેશભાઈને પોતાની આજુબાજુ કંઈ પણ ખોટું થતું લાગે તો તેઓ કૂદી પડતા! આ સ્વભાવના કારણે તેમને પોતાના પિતા સાથે પણ બનતું નહીં. વડોદરામાં રહેતા પોતાના માતા-પિતાથી દૂર અહીં અમદાવાદ આવીને વસવાનું આ જ તો કારણ હતું.

જો કે લગ્નના દસ વરસ પછી પણ તેમના ઘરે શેર માટીની ખોટ હતી. માલતીબેનના ગર્ભાશયની રચનામાં કંઇક ખામી હતી, થાકી ગયા એટલી તપાસ અને દવા કરાવી પણ... પરિણામ શૂન્ય આવ્યું હતું!!! બધી રીતે સમજુ એવા માલતીબેન આ કારણે થોડા શંકાશીલ બન્યા હતા. થયુ એવું કે તેમની શારીરિક ખામીના કારણે ઘણા લોકો રાજેશભાઈને બીજા લગ્ન કરી લેવા કહેતા. જો કે રાજેશભાઈ આવી વાતોને દ્રઢતાથી નકારી દેતા. છતાં અસલામતી અનુભવતા માલતીબેન શંકાશીલ બન્યા હતા. તેઓ રાજેશભાઈના બીજી સ્ત્રીઓ સાથેના વ્યવહારને શંકાની નજરે જોતા. એનું બીજું કારણ પણ હતું... રાજેશભાઈ કોઈપણ સ્ત્રીનું અપમાન થતું જોઈ શકતા નહીં. તેઓ ગમે તેવી અજાણી સ્ત્રીને મદદ કરવા તૈયાર થઇ જતા.

જો કે રાજેશભાઈના આ વર્તન પાછળ એક ઘટના જવાબદાર હતી. સાત વર્ષની ઉંમરે રાજેશભાઈએ પોતાની બહેન ગુમાવી દીધી હતી. ખોવાઈ ગયેલી બહેન ઘણી શોધખોળ અને તપાસ કરવા છતાં મળી ન્હોતી... કોઈ કહેતું કે એને કોઈ ઉપાડી ગયું છે, તો કોઈ કહેતું કે હવે તે જીવતી નહીં હોય.... આટલા વરસો પછી પણ રાજેશભાઈ દરેક સ્ત્રીમાં પોતાની બહેનને શોધતા ફરતા હતા! કોઈ સ્ત્રીને થતો અન્યાય તેમને પોતાની બહેનને થતો અન્યાય લાગતો.

બીજા દિવસે રવિવાર હતો. રજા હોવાથી મોડે સુધી સૂઈને ઉઠેલા રાજેશભાઈ ઓશરીમાં યોગ કરવા બેઠા. ત્યાં તો ધમાચકડી સંભળાઈ... આજે ફરી બાજુના ઘરમાં આગ લાગી હતી. ચકમક સાંભળી રહેલા રાજેશભાઈને આશ્ચર્ય થયું, ખાલી પુરુષનો અવાજ સંભળાતો હતો. ‘પત્ની સામુ બોલે જ નહીં એવું તો ન બને...’ વિચાર કરતા તે ઊભા થયા. ત્યાં જ સ્ત્રીની દર્દભરી ચીસ સંભળાઈ. કદાચ પતિએ ધોલથપાટ કરી હશે. જાણે પોતાની બહેને ચીસ પાડી હોય એવું રાજેશભાઈને લાગ્યું. તેઓ રહી ન શક્યા અને પડોશીના ઘરે જઈ દરવાજો ખખડાવ્યો.

“શું છે?” દરવાજો ખોલનાર પુરુષે તોછડાઈથી પૂછ્યું.

“માફ કરજો, મારે તમારી અંગત બાબતમાં માથું ન મારવું જોઈએ, પણ...”

“પણ ને બણ... અમારા ઘરમાં અમે ગમે તે કરીએ, તું કોણ મને કહેવા વાળો?”

રાજેશભાઈને તે માણસ ખૂબ તોછડો લાગ્યો. પણ, તેઓ ઊગ્ર થાય અને તોછડા માણસની પત્ની પોતાના પતિનું ઉપરાણું લે તો? રાજેશભાઈને આવો અનુભવ થઇ ચૂક્યો હતો. તેઓ સમસમીને ઊભા રહ્યા પણ અંદરથી આવી રહેલા સ્ત્રીના ડૂસકાંઓના અવાજે તેમને બેચેન કરી મૂક્યા.

‘માલતીને લઈ આવું...’ વિચારી તેઓ પાછા ફર્યા. દરવાજો ધડામ કરતો બંધ થઇ ગયો. મારપીટ વધી હોય એવું લાગ્યું.

ફરી દરવાજો ખખડ્યો. દરવાજો ખોલતા જ પુરુષે, રાજેશભાઈ અને માલતીબેનને જોયા.

“હવે શું છે?” પેલાએ ટણીથી પૂછ્યું.

“ભાઈ, તમે તમારી પત્નીને ન મારશો. પતિ-પત્ની વચ્ચે ઝઘડો તો થાય, પણ એ મારામારી સુધી ન પહોંચે તો સારું! ઘરનો ઝઘડો ઘરમાં જ રહેવો જોઈએ...” માલતીબેને લાગણી બતાવી.

“મને શીખવવાની જરૂર નથી, તમે તમારું કામ કરો.”

“પણ...”

“એક વાર કહ્યું ને? ખબર નથી પડતી? ગેટ આઉટ!”

અને પુરુષના ગાલ પર જોરદાર તમાચો પડ્યો. ક્યારના પોતાના ગુસ્સા પર કાબૂ રાખી રહેલા રાજેશભાઈ બેકાબૂ બન્યા. પેલો તો ડઘાઈ જ ગયો.

“કેમ, મજા આવી? તું મારે ને ત્યારે તારી બૈરીને આવું જ વાગે, સમજ્યો?” રાજેશભાઈની બોલીમાં કડકાઈ અને તોછડાના વર્તનમાં નરમાશ આવી. દરમિયાન માલતીબેન અંદર ગયા. રાજેશભાઈ થોડા પ્રેમથી પુરુષને સમજાવવા લાગ્યા. રાજેશભાઈના ભાષણને કમને સાંભળી રહેલા પુરુષના ચહેરા પર ડર ડોકાતો હતો.

વાતને સાત દિવસ થઇ ગયા... હવે એ ઘરમાં ન તો ઝઘડો થતો કે ન તો મારપીટ. ક્યારેક સમજણ કરતા ડર વધારે કામ કરતો હોય છે! માલતીબેન પેલી સ્ત્રીને રોજ મળતા, તેનું નામ કામિની હતું. અતિશય સુંદર પણ અભણ કામિનીને તેના માતા-પિતા, પિયર, સંતાનો કે ભૂતકાળ વિશે પૂછતાં તે કંઈ કહેતી નહીં. હા, પેલા પુરુષનું નામ પરેશ હતું.

“આજે કામિની સામાન પેક કરતી હતી...” રાત્રે માલતીબેને કહ્યું.

“કેમ?”

“કાલે એ લોકો મકાન બદલે છે, તમારા લીધે!!! પરેશભાઈ તમારાથી ડરી ગયા છે....”

“બીચારા કામિનીબેન! પેલો જાનવર બીજે જઈ એમને રોજ ઢીબશે... મારા પરની બધી દાઝ એકસાથે ઉતારશે!” વાતને વિરામ આપી બંને આરામ કરવા લંબાયા.

“આટલું વહેલું કોણ હશે?” માલતીબેન બોલ્યા. વહેલી સવારમાં કોઈ જોરજોરથી દરવાજો ખખડાવતું હતું. દરવાજો ખોલતા જ માલતીબેને ડરેલી કામિની જોઈ.

“પરેશ મને મારી નાખશે, મને બચાવી લો.” હાંફતા હાંફતા તે બોલી.

“કેમ? શું થયું?”

“પરેશ કોઈ સાથે ફોન પર વાર કરતો હતો, ‘અહીંથી નીકળું એટલી જ વાર છે, સાલીને જીવતી સળગાવી દઈશ, બધી તૈયારી કરી લીધી છે...’ એ બહાર ગયો ને હું અહીં દોડી આવી.”

“શું? એ તો એવું બોલે.... બાકી પતિ એવું ન કરે...” માલતીબેન ઠાલું આશ્વાસન આપતા બોલ્યા. જો કે તેમને પણ થોડો ભય પેઠો.

“એ મારો પતિ નથી, મને ખરીદીને લાવ્યો છે. હું અનાથ છું, મારા મા-બાપને મેં જોયા નથી. હું દિલ્હીમાં અસ્લમના કોઠા પર મોટી થઇ છું. રોજ અલગ અલગ લોકો આવતા અને અમારે... (કામિનીની આંખો ભીની બની, તેના ગળે ડૂમો બાજ્યો.) જો અમે ના પાડીએ તો ભયંકર મારપીટ થતી, તે લોકો અમારી ચામડી ઉતરડી નાખતા... મેં જીવતા નરક જોયું છે. થોડા સમય પહેલા ત્યાં પરેશ આવ્યો અને ઊંચી કિંમત આપી મને ખરીદી લાવ્યો. મને એમ કે હું છૂટી, પણ પરેશ તો જલ્લાદ નીકળ્યો. કંઈપણ કારણ શોધી રોજ મારઝૂડ કરે છે! આ તો અહીં રમેશભાઈથી ડરી ગયો છે એટલે.... તેના આ સ્વભાવના કારણે તો અમે કોઈ એક મકાનમાં ઝાઝો સમય ટકી શકતા નથી. પડોશીઓની ફરિયાદ મકાનમાલિકને જાય અને મકાનમાલિક મકાન ખાલી કરાવી નાખે. હા, અહીં સાવ ઊલટું જ થયું. મને એમ કે શાંતિ થઇ ગઈ, પણ દાઝે ભરાયેલો પરેશ મને છોડશે નહીં.”

“આપણે સરકારી તંત્રની મદદ લઈએ.” રાજેશભાઈએ કહ્યું.

“એમાંના ઘણા નેતા અને અધિકારીઓ પણ અસ્લમને ત્યાં આવતા! મફતની ઐયાશી અને સમયે સમયે મળતા હપ્તાએ તે લોકોને આંધળા કરી નાખ્યા છે. આમેય મારું પોતાનું તો કોઈ છે જ નહીં, મને કોણ આશરો આપે?”

“એ વાત સાચી છે કે મોટાભાગનું તંત્ર ભ્રષ્ટ છે, પણ બધા કંઈ એવા નથી. કંઇક રસ્તો જરૂર નીકળશે... તમને કોઈ આશરો ન મળે ત્યાં સુધી તમે મારા ઘરે રહેજો, મને તમારો ભાઈ સમજજો.” રાજેશભાઈએ દિલથી કહ્યું.

એક તો પારકી અને તે ય આવી સ્ત્રીને પોતાના ઘરે રાખવાની વાત માલતીબેનને રૂચી નહીં, પણ તેઓ વિરોધ ન કરી શક્યા.

પહેલા તો એ ત્રણેય નજીકના પોલીસ સ્ટેશને ગયા. શરૂઆતમાં તો કોઈએ મચક ન આપી, પણ રાજેશભાઈએ ઓળખાણ લગાવતા એફ.આઈ.આર. દાખલ થઇ. બાદમાં પરેશની ધરપકડ થઇ.

કામિની હવે નિશ્ચિંત બની ગઈ હતી અને માલતીબેન ચિંતિત! રાજેશભાઈ કામિની માટે મહિલાકલ્યાણ સંસ્થાઓનો સંપર્ક કરવા લાગ્યા. પણ, આ તો ભારત છે! એમ કંઈ રસ્તો નીકળે? લોકો મદદના નામે ફાળો ઉઘરાવવામાં જેટલી ઉત્સુકતા બતાવે છે, એટલી ઉત્સુકતા મદદ કરવામાં નથી બતાવતા! ધીમે ધીમે સમય કપાવા લાગ્યો. રાજેશભાઈ કામિની સાથે લાગણીથી વર્તતા અને માલતીબેનને તે ખૂંચતું! આ જ કારણથી ધીમે ધીમે પતિ-પત્ની વચ્ચે બોલાચાલી થવા લાગી. આખી વાતને સારી રીતે સમજતી લાચાર કામિની અહીંથી નીકળી જવા માંગતી હતી પણ એય ક્યાં જાય? પોતાની પત્ની સાથેના મતભેદ, મનભેદ ન બની જાય એ માટે રાજેશભાઈએ કામિનીને એક મકાન ભાડે અપાવી પોતાના મિત્રની ફેકટરીમાં નોકરી અપાવી દીધી. આમાં પણ માલતીબેનને અવળું જ દેખાયું. શંકા માણસને ગાંડો કરી નાખે છે. માલતીબેન સતત ખોટા વિચારો કરતા રહેતા. ‘કામિનીના કારણે રાજેશભાઈ પોતાને છોડી તો નહીં દે ને?’ આ ડર તેમને ખાવા લાગ્યો.

થોડા અઠવાડિયા પછી રાજેશભાઈએ માલતીબેનને જણાવ્યું, “કામિની પરેશના બાળકની મા બનવાની છે!”

“તો એબોર્શન કરાવી નાખો!” કોઈ સામાન્ય માણસ આપે એવો જ જવાબ માલતીબેને આપ્યો.

“ના, આપણે તે બાળક દત્તક લઈશું...” રાજેશભાઈનો વિચાર ઉમદા હતો.

“શું? મારે કોઈના પાપને ઘરમાં લાવવું નથી. બાળક દત્તક જ લેવું હશે તો અનાથાશ્રમમાંથી લાવીશું.”

“કામિનીની કૂખે જન્મનારા બાળકને દત્તક લેવામાં શો વાંધો છે? આપણે અનાથાશ્રમમાંથી કોઈ બાળક લાવીએ કે આ જ બાળકને લઈએ, વાત તો એક જ છે ને? આમેય કામિનીમાં મને મારી બહેન દેખાય છે!”

દલીલથી શરૂ થયેલી ચર્ચા ઝઘડામાં પરિણમી...

“ભાઈ બહેનના પવિત્ર નામ હેઠળ તમે તમારો સંબંધ છુપાવી નહીં શકો.” માલતીબેને સીધો જ આક્ષેપ કર્યો.

“શું? તુ શું બોલે છે એનું તને ભાન છે?” ગુસ્સાથી તમતમી ઉઠેલા રાજેશભાઈ હાથ ઉપાડતા રહી ગયા. બાદમાં પોતાની જાત પર કાબૂ મેળવતા બોલ્યા, “તારે જે માનવું હોય તે માન, પણ એવું કંઈ જ નથી...”

હવે, માલતીબેનની શંકા વધુ મજબૂત બની. ‘કદાચ આ બાળક પણ રાજેશનું જ હશે! એટલે જ એ તેને દત્તક લેવાની જીદ કરી રહ્યો છે.’ વારંવાર ઉદ્ભવતા વિચારોએ માલતીબેનની ઊંઘ હરામ કરી નાખી. સમય પસાર થતો ગયો. પોતાના પતિને કામિનીએ પડાવી લીધો છે અને પોતે રસ્તા પર આવી ગયા છે એવા ભયાનક સપના તેમને દેખાવા લાગ્યા...

પૂરા મહિને કામિનીની કૂખે દીકરો જન્મ્યો. પોતાનો પતિ પોતાને કાઢી મૂકે એના કરતા પોતે જ સ્વમાનથી ચાલ્યા જવુ એવું માલતીબેને નક્કી કર્યું. પણ, આમ કરતા પહેલા પતિને દુનિયા સામે ઉઘાડો પાડવો જરૂરી હતું! તેમણે જન્મેલા બાળકનું ડી.એન.એ. ટેસ્ટ કરાવવાનું નક્કી કર્યું જેથી એ સાબિત થઇ જાય કે તે બાળક રાજેશભાઈનું છે. આ વાતની જાણ થતા રાજેશ ખૂબ ક્રોધે ભરાયો છતાં તે તેમ કરવા તૈયાર થયો. ‘કદાચ લેવાયેલા સેમ્પલની ફેરબદલી કરી રાજેશ કંઈ ગોટાળો કરે તો?’ એવી શંકાથી માલતીબેને બાળક, કામિની અને રાજેશભાઈ ત્રણેયના સેમ્પલ લેવડાવ્યા...

રિપોર્ટ આવ્યા... હા, રાજેશને તે બાળક સાથે લોહીનો સંબંધ હતો! પણ, તે બાળકનો પિતા નહીં, મામો હતો! જેનામાં રાજેશને પોતાની બહેન દેખાતી હતી એ કામિની જ રાજેશની ખોવાઈ ગયેલી બહેન હતી!

***