Ek Zaad ni vedna in Gujarati Magazine by Hitesh Bhalani books and stories PDF | એક ઝાડ ની વેદના

Featured Books
Categories
Share

એક ઝાડ ની વેદના

ઝાડવા ની વેદના

રખડતા રખડતા ખૂબ થાકી ગ્યો, ધગધગતો ઉનાળો હતો, એમ કેવાય કે હુરજ નારાયણ બરોબર માથે તપતા તા ને થયું કે હવે કોઈ ગામ આવે, કોઈ લીલૂડાં ઝાડ હોઈ, ઇ ઝાડ ની નીચે છાંયડી થી ઠંડી થયેલી ધરા હોઈ તો થોડો પોરો ખાવ. ન્યા કોઈ પાણી નું પૂછનારું મઈલશે.

નેણ ઉપર નેવા માંડી જોયું તો દૂર ઝળઝળતી ઝાર માં કોઈ ગામ ઝાડ થી વિટળાયેલું પડ્યું હોઈ એવું લાઈગુ. ધીમે ધીમે ડગ માંડતો ઇ ગામ નજીક આઇવો, ગામ ની બારોબાર ઘેઘુર ઝાડ દેખાણું, ઇ ઝાડ પાહે ગ્યો પણ ન્યા છાંયડી નો વરતાણી ને વળી માં ધરા તો જાણે તાવ આઇવો હોઈ એમ ધગતી હતી. મને કૈક અઝૂગતું લાઈગુ.

એટલે મારા થી રેવાનું નઈ તો મેં ઝાડ ને પુઈચ્છું કે

આયખે અઝૂગતું આવીયું, ધરા ધગી ગઈ;

આંસુ ઓછા નઈ, ઝૂરિયેલ શીદ ઝાડવા.

હે.... ઝાડ, કેમ આજ મારી આઇખ ને કાંઈક અઝૂગતું લાગે છે. આ તારી શીતળ છાંય મા પણ ધરા આમ તપતિ દેખાય અને એલા તુંય આંખ મા આહુડા લઈને ઝુરતો હોઈ એવું કેમ લાગે છે.

તો ઝાડ જવાબ આપે છે.....

જાવા દે હવે જીવડાં, જીભે ઝાઝા નઈ જોર;

કાપડા ની દિધી ન કોર, વાત હવે ન હેતલા

હે... હેત, મારી જીભે હવે ઝાઝું જોર રહ્યું નથી, હું બઉ ગલઢું થઈ ગ્યું છું ... કાપડા ની એક કોર દેવાનું તો ન્યા રયુ...... જાવા દે હવે જીવ મારા થી ઇ વાત નહિ થાય.

એમ કેતુ ઝાડ ધ્રુસકે ધ્રુસકે રોવા લાઈગુ, ધરતી તો જાણે હમણાં અંગાર ઓકશે એવી ધગવા લાગી.

કાપડા ની વાત આવી એટલે એમ થયું કે કોઈ દીકરી હમણાં જ આ ગામ માંથી પરણી ને સાસરે વળાવી હઈશે એટલે ગામ ના ઝાડ ને માં જેવી ધરણી ને દુઃખ થાતું હઈશે.

એટલે મેં દિલાસો દેવા કીધું....

દિવે જ્યોત જળકતી, દિવેલ હુધી દેખાય;

દીવે દુઃખ ન દેખાય, વાટ જાયે ઇ ઝાડવા.

મેં કીધું "એલા ઝાડ ભાઈ... દિવા માં દિવેલ ખૂટી જાય પછી વાટ ને બીજા દિવા માં મુકો, તોય પેલા દિવા ને એનું ઝાઝૂ દુઃખ નથી થાતું કારણ કે ઇ જાણે છે કે મારે ઘેર ઉછરેલ ઇ વાટ નું દિવેલ મારે ઘેર ખૂટી ગ્યું છે, હવે તો એને બીજા ઘેર જઇ ને ન્યા જબકવાનું છે એને આંગણે ઉજાસ પાથરવાનો છે."

મને મન માં થયું કે આ ઝાડવાવ ને આ લગન, વિદાય હૂ છે એની હુ ખબર હોઈ, આતો બધા ને રોતા જોઈ ને કદાચ એની પાપળોય પલળી જાતિ હઈશે. ત્યાં તો ઇ ઝાડવે પાછું કીધું કે...

પિયુ પરણી ને જાય, વહમી વેળા ઇ વિદાય;

(ઇ તો) વાયરે વાદળ જાય, આઘાત હૈયે ન હેતલા

"એ કવિરાજ... ભર ઉનાળે આભ માં રૂ ના ઓઢણા ઓઢીને રુડી લાગતી નાની નાની વાદળીયું હુરજ ના તાપ થી બચાવતી હોઈ, પણ જેવો એનો પિયુ કેતા પવન આવે એટલે એ એના ભેગી હાલી નીકળે છે એનું દુઃખ જરૂર થી હોઈ પણ આઘાત ના હોઈ, એમ દીકરી એના પિયુ ને પરણી ને સાસરે જાય ત્યાર ની, વિદાય સમય ની ઇ વેળા બઉ વહમી હોય ઇ તો હુંય જાણું છું. વિદાય નું ઇ વલોપાત હઉ ને હોઈ બાપ પણ મને તો આજ આઘાત લાઈગો છે."

આટલું કેતા કેતા ઝાડ ની આંખ માંથી દળ દળ આહુડા વહે છે. એનું રુદન જોઈ મારી આઇખ માંથી ય શ્રાવણ ના હરૂડા વહેવા લાઈગા. મને થયું નક્કી કાંઈક એવી વાત બની ગઈ છે જેનો ઝાડ ને મોટો આઘાત લાઈગો હશે.

એટલે મેં પાછું પૂછી લુધી...

ભણો ઝાડ ભડ થઈ, ભાંગો હૈયા કેરો ભાર;

આવી આહુડા ની ધાર, ઝાઝી વિગતે ઝાડવા

ઝાડ... હવે તો મારી આયખમાય આહુ ની ધાર થવા લાગી છે, તારું આ રુદન મારાથી જોવાતું નથી. ભાયડા થઈ ને વાત માંડો, શેનો એવો આઘાત લાઈગો છે?

પછી ઝાડે ધીમા અવાજે કીધું કે લે તો હાંભળ હવે...

ઝાડવા ઝણ ઝણ જુરીયા, ધરા તો ધણણણ ધ્રુજી ગઈ;

મોલ મોલાત ના નઈ, દામ દીકરી ના શીદ હેતલા.

"હેય... કવિડા.... અમારે પેટ પણ મોલાત એટલે કે ફળ આવે છે, એ પાકે એટલે અમે જગત ને આપી દઈએ છીએ, જેના નસીબ માં લખાણું હોઈ ને એને હોપી દઈએ છીએ પણ... અમે એને વેંચતા નથી, એના મોલ નથી લેતા"

ઝાડ ધ્રુસકે ધ્રુસકે રોતું જાય ને કેતુ જાય છે.

" અમારે પેટ પાઈકા હોઈ એને અમે કેમ વેચીએ. આજ મારે છાયે બે જણ આઈવાતા, એમાં એક તો બાપ હતો પણ બીજો કોણ ઇ ખબર નઈ. બીજો માણા બાપ ને કહે છે કે તમારી દીકરી જુવાન થઈ ગઈ છે. મારી પાહે હારા હારા ઠેકાણા છે, પરણાવવી હોઈ તો કેજો બે લાખ આપશે પણ."

લાંબો નિહાહો નાખતા ઝાડ કહે છે " ત્યારે એ બાપે જવાબ માં એવું કીધું કે ત્રણેક સુધી હોઈ તો કેજો. આ વાત નો આઘાત મને અંદર થી વલોવી રયો છે."

***