Gharna bhagla in Gujarati Short Stories by Rakesh Thakkar books and stories PDF | ઘરના ભાગલા

Featured Books
Categories
Share

ઘરના ભાગલા

ઘરના ભાગલા

રાકેશ ઠક્કર

"હાશ ! ઘરના ભાગલા થતા બચી ગયા..." શંકરલાલે રાહતના શ્વાસ લેતાં પોતાના ખાસ મિત્ર રોહિતભાઇને કહ્યું.

"પણ તું અત્યારે આવી એક નાની ઓરડીમાં આવી ગયો એને શું કહીશ?" રોહિતભાઇને શંકરલાલની વાત પર નવાઇ લાગતી હતી. "ઘરમાં બે દીકરાને અલગ થતા રોકી શક્યો પણ તું અલગ થઇ ગયો એને નજરઅંદાજ કરી રહ્યો છે."

"ના ભાઇ ના, હું એમની નજીક જ છું. એમના સારા માટે અહીં આવ્યો છું."

રોહિતભાઇએ માત્ર નિસાસો નાખ્યો. એ જાણતા હતા કે શંકરલાલ જે કંઇ બલિદાન આપતા હતા એ પરિવારની ભલાઇ માટે હતું.

શંકરલાલના બે પુત્ર છે. ધર્મેશ અને નરેશ. ધર્મેશના લગ્ન થયા અને બાળકો થયા ત્યાં સુધી બધું બરાબર હતું. પણ નરેશના લગ્ન થયા પછી ઘરમાં દેરાણી-જેઠાણી વચ્ચે ખટપટ શરૂ થઇ ગઇ હતી. અને એમની દુશ્મની બંને દીકરાને અલગ કરી દે એમ હતી. ધર્મેશને એક દીકરી હતી. પણ નરેશને ત્યાં દીકરો આવ્યા પછી ઘરમાં નરેશની પત્ની નુપુરનો વટ વધી ગયો હતો. શંકરલાલ તો ક્યારેય દીકરા- દીકરી વચ્ચે ભેદ કરતા ન હતા. મોતા ઘરની નુપુર વાતને મુદ્દો બનાવી અલગ રહેવાનું વાતાવરણ બનાવી રહી હતી. તેઓ બંગલામાં રહેતા હતા. એ બંગલો શંકરલાલના નામ પર છે. એટલે તે અલગ ફ્લેટ રાખીને રહેવાની વાત કરી રહી હતી.

શંકરલાલે એક દિવસ બધાને સાથે બેસાડીને એક ઉકેલ જાહેર કરી દીધો. તેમણે બંગલાના નીચેના ભાગમાં મોટા પુત્ર ધર્મેશને અને પહેલા માળે નરેશના પરિવારને રહેવાનો હુકમ ફરમાવી દીધો. અને સમાજમાં ખરાબ ના લાગે એ માટે ઘરમાં એક જ રસોડું રાખવાનો અને તેમાં રસોઇ બનાવવા રસોઇયણ રાખવાનું નક્કી કરી દીધું. હવે પ્રશ્ન તેઓ ક્યાં રહે એનો હતો. તે જાણતા હતા કે બંને દીકરા તેમને વારાફરતી પોતાના પરિવાર સાથે રહેવાનું ગોઠવશે. એ મૂંઝવણ દીકરાઓના મનમાં ઉદભવે એ પહેલાં જ તેમણે બંગલાના પાછળના ભાગમાં વોચમેન માટે બાંધેલી અને ખાલી પડી રહેતી ઓરડીમાં પોતાનો રહેવાનો રૂમ તૈયાર કરી દીધો હતો.

પિતાનો પોતાનો બંગલો હોવા છતાં તેમણે નાનકડી ઓરડીમાં રહેવું પડે એ વાત પુત્રોને ખટકી. તેમણે રૂમમાં રહેવાની પિતાને ના પાડી. પણ શંકરલાલે તેમને સમજાવ્યા કે આખો દિવસ તો આપણે બધા એક જ ઓફિસમાં બેસીએ છીએ અને રાત્રે બંગલામાં ભેગા થતા રહીશું. શંકરલાલની વાત પરિવારની શાંતિ અને સંબંધ વધુ ના વણસી જાય એ માટે ધર્મેશ અને નરેશને બરાબર લાગી.

અને ગોઠવાયેલી વ્યવસ્થા પ્રમાણે જીવન ચાલવા લાગ્યું.

આ વાતની રોહિતભાઇને ખબર પડી ત્યારે તેમને ગમ્યું નહીં. તેમણે શંકરલાલ સામે દલીલો કરી. "આ બધું લાંબું નહી ચાલે. ભલે બંને જુદા માળે રહે છે પણ એક જ છત હોવાથી વાસણ તો ખખડવાના જ..."

શંકરલાલે કહ્યું:"આગળ જે થાય તે જોયું જશે."

શંકરલાલનો ઇમ્પોર્ટ- એક્સપોર્ટનો ધંધો હતો. બંને દીકરા તેમની સાથે જ કામ કરતા હતા. તેમણે મુશ્કેલીથી બંગલો લીધો હતો. આ બંગલામાં રહેવાનું સદભાગ્ય તેમના પત્ની રસીલાબેન પામી શક્યા ન હતા. એક નાની બીમારીમાં તે શંકરલાલનો સાથે છોડી ગયા હતા. દીકરાઓ મોટા થઇ ગયા હતા અને પોતાની સાથે જ ધંધે લાગી ગયા હોવાથી તેમના લગ્ન કરાવીને ઠેકાણે પાડવામાં સમય લાગ્યો ન હતો. પરંતુ એમના લગ્ન પછી જ બધી સમસ્યાઓ શરૂ થઇ હતી. સ્ત્રીસહજ ઇર્ષા અને મોટા ઘરની દીકરી હોવાથી નરેશની પત્ની નુપુર વ્હેંત ઊંચી ચાલતી હતી. છતાં બંગલાના બે માળમાં બંનેનો સમાવેશ કરવામાં તે સફળ થયા હતા.

થોડા દિવસો પછી ધંધામાં સમસ્યા ઊભી થઇ. ધંધામાં હરિફાઇ વધી હતી. હવે વધારે રોકાણની જરૂરિયાત જણાવા લાગી હતી. શંકરલાલે બંને દીકરાને રોકાણ વધારવાની સૂચના આપી દીધી હતી. હાલની આવકથી ઘર સારી રીતે ચાલતું હતું. પણ ખાસ બચત થતી ન હતી. બંને ભાઇઓ ખર્ચા ઓછા કરવાનો પ્રયત્ન કરતા હતા. છતાં બચત વધતી ન હતી.

શંકરલાલે એક દિવસ બંને પુત્રો સાથે બેઠક કરી અને ધંધાને કોઇ અડચણ ના આવે અને વિકાસ થાય એ માટેની ફોર્મૂલા મૂકી.

"જુઓ, આપણે હવે રોકાણ વધારી નહીં શકીએ તો બીજી કંપનીઓ મેદાન મારી જશે."

"પપ્પા, આપણે થાય એટલી બચત કરીને રોકાણ વધારી તો રહ્યા છે..." ધર્મેશ નિરાશાભર્યા સ્વરમાં બોલ્યો.

"બેટા, હવે વધુ સમય નથી. મેં એક આયોજન વિચાર્યું છે. મને વિશ્વાસ છે કે તમે એમાં સાથ આપશો. આ સિવાય ધંધો લાંબા સમય સુધી ચાલવાનો નથી."

બંને પુત્ર શંકરલાલની યોજના જાણવા તેમની સામે આતુરતાથી તાકી રહ્યા.

"જુઓ, મારી ગણતરી એવી છે કે આપણો બંગલો વેચી દઇએ તો એક કરોડથી વધુ આવે એમ છે. અને એમાંથી પચાસ લાખની આસપાસ એક મોટો ફ્લેટ લઇ લઈએ તો રહેવાની તકલીફ ના પડે. પાંચ બીએચકેનો ફ્લેટ આપણા શહેરની સીમા પાસેના કોઇ પ્રોજેક્ટમાં સરળતાથી મળી રહેશે." બોલીને શંકરલાલે બંને પુત્રોના ચહેરા પરના પ્રતિભાવ વાંચ્યા. બંને એક જ ફ્લેટમાં રહેવું પડશે એ માટે પત્નીઓ માનશે કે નહીં એ મુદ્દે વિમાસણમાં પડેલા દેખાયા.

શંકરલાલે પોતાની વાતને આગળ વધારી સમજાવતા કહ્યું:"જુઓ, ધંધાને ટકાવવા થોડો તો ભોગ આપવો પડશે. ધંધો ચાલતો રહેશે તો ભવિષ્યમાં એકના બે ફ્લેટ થશે. હું મારા બંગલાનો ભોગ આપવા તૈયાર છું ત્યારે તમારે પણ કંઇક તો સહાય કરવી પડશે. તમારે પૈસાની કોઇ મદદ કરવાની નથી. ઘરમાં પત્નીઓને સમજાવવાની છે. અને નવા ફ્લેટમાં દરેક માટે અલગ રૂમ હશે એટલે કોઇની સ્વતંત્રતા છીનવાઇ જવાની નથી. તમે આજે ઘરમાં ચર્ચા કરી લો..."

શંકરલાલની વાત બંને પુત્રો વિચારવા લાગ્યા. તેમને વાત યોગ્ય લાગી રહી હતી. ધંધાનો વિકાસ થાય તો તેમનું જીવનધોરણ ઊંચું આવી શકે એમ હતું. બંનેને પોતાની પત્નીઓને સમજાવવામાં તકલીફ પડી. પણ બંને ભવિષ્યના સપનાને કારણે માની ગઇ.

શંકરલાલે પોતાના આયોજનનો ઝડપથી અમલ કર્યો અને બંગલો વેચીને એક મોટો ફ્લેટ ખરીદી લીધો. શરૂઆતમાં થોડી અનબન રહી પણ પરિસ્થિતિ સ્વીકારીને દેરાણી-જેઠાણીએ થોડી સમજણથી કામ લેવાનું શરુ કર્યું. હવે ઘરમાં શાંતિ અને સમજદારી જોવા મળતા હોવાથી શંકરલાલના જીવને ચેન હતું. તે વધુ ખુશ રહેવા લાગ્યા.

શંકરલાલે બંગલાના વેચાણમાંથી આવેલી તમામ રકમને ધંધામાં લગાવી દેવાને બદલે થોડી રકમનું રોકાણ કર્યું. અને બંને પુત્રોને સમજાવ્યું કે રોકાણ ધીમે ધીમે વધારીને પહેલાં જોઇએ કે લાભ થાય છે કે નહીં.

એક દિવસ રોહિતભાઇ શંકરલાલ સાથે લાંબો સમય બેઠા અને કહેવા લાગ્યા:"શંકર, તેં આટલો સારો બંગલો વેંચીને ખોટું કર્યું. હવે આ ભાવમાં બંગલો મળશે નહીં."

"રોહિત, જે થાય તે સારા માટે થાય છે."

એક-બે વર્ષમાં શંકરલાલનો ધંધો વધી ગયો હતો. બંને પુત્રો પણ વધુ મહેનત કરવા લાગ્યા હતા.

શંકરલાલને હવે કોઇ ચિંતા ન હતી. અને કોઇ કાર્ય બાકી ના હોય એમ અચાનક એક દિવસ કાયમ માટે આંખો મીંચી દીધી. બંને પુત્રો પર આભ તૂટી પડ્યું. પિતાની ગેરહાજરીમાં ધંધો ચલાવવાનું સરળ ન હતું. પણ પિતાની શિખામણો તેમની સાથે હતી.

શંકરલાલના અવસાન પછી તમામ વિધિઓ પૂર્ણ થયા બાદ એક દિવસ રોહિતભાઇ આવ્યા. તેમણે કહ્યું કે તેમની પાસે શંકરલાલનું વસિયતનામુ છે.

ધર્મેશ અને નરેશને નવાઇ લાગી. પિતાએ તેમને ક્યારેય આ વાત કરી ન હતી.

રોહિતભાઇ કહે:"બેટા, તમને નવાઇ લાગશે પણ એક વર્ષ પહેલાં તેમણે આ વસિયતનામુ તૈયાર કરાવીને બધી જવાબદારી મને સોંપી હતી. મને ખબર ન હતી કે શંકર આટલો જલદી આપણાને છોડી જશે. ભગવાનને ગમ્યું તે ખરું..."

રોહિતભાઇએ વસિયતનામુ વાંચવાનું શરૂ કર્યું.

તેમાં લખ્યું હતું કે તેમની મિલકતો બંને પુત્રોના સહિયારા નામ પર કરવાની રહેશે. અને ફ્લેટમાં બંને પુત્રો સાથે રહેશે તો જ તેમના નામ પર રહેશે. જો એક અલગ થઇને બીજે રહેવા જશે તો આ ફ્લેટ અનાથાશ્રમ કે વૃધ્ધાશ્રમને દાન કરી દેવાનો રહેશે."

પિતાની આ વાત બંને પુત્રોને અટપટી લાગી. પણ અલગ રહેવાનો વિચાર તેમણે ઘણા સમયથી માંડી વાળ્યો હતો. એટલે તેમને આ બાબતે ચિંતા કરવા જેવું ન હતું.

વસિયતનામું વાચીને રોહિતભાઇ મનોમન બોલી ઊઠ્યા :"શંકર, તું જીવતો હતો ત્યાં સુધી ઘરના ભાગલા ના પડે એ માટે પ્રયત્ન કરતો રહ્યો. મને ખબર છે કે બંને પુત્રોને સાથે રાખવા જ તેં વહાલો બંગલો વેચીને આ ફ્લેટ લીધો હતો. હવે મૃત્યુ બાદ પણ ઘરના ભાગલા ના પડે એનું ધ્યાન રાખ્યું છે તેં..."

બંને પુત્રો પણ મનોમન સમજી ગયા કે પિતાની ઇચ્છા પરિવારની એક્તાની જ રહી હતી. ઘરના ભાગલા ના પાડે એ માટે તેમણે ઘણો ભોગ આપ્યો છે. હવે ઘરના ભાગલા ક્યારેય ના પડે તેની જવાબદારી તેમની રહેશે.

***