21 mi sadi nu ver - 39 in Gujarati Fiction Stories by hiren bhatt books and stories PDF | 21મી સદીનું વેર - 39

Featured Books
Categories
Share

21મી સદીનું વેર - 39

21મી સદીનું વેર

પ્રકરણ-39

પ્રસ્તાવના

મિત્રો એક સામાન્ય કુટુંબ નો માણસ જ્યારે સંજોગોવસાત એક વેરના વમળમાં ફસાઇ જાય છે ત્યારે તેના વેર ને તે કેટલી ઉંચાઇ પર લઇ જઇ શકે અને એક વેરમાંથી શરુ થયેલી લડાઇમાં એક સામાન્ય માણસ કેટલો વીર અને વિચારશીલ નીકળે છે અને મહાન વિચાર પ્રગટાવી જાય છે તેની આ એક કથા છે. મિત્રો મારી આ પહેલી જ નવલકથા છે તેથી મારી આ નવલકથા તમને કેવી લાગી તેના સુચનો જરૂર મારા વ્હોટ્સ એપ નંબર પર મોકલજો.

***

કિશને મોબાઇલમાં મોહિતે આપેલી રમતોત્સવની ફાઇલ જોવા બેઠો. તેમાં PDFની ચાર ફાઇલ હતી. 2006 2007 2008 અને 2009 એમ દરેક વર્ષના રમતોત્સવની એક એક ફાઇલ હતી. કિશને પેલી ફાઇલ જોઇ તો પહેલા બે પાના તો રમતોત્સવના નિયમો અને ધારા ધોરણોના હતા પછી સ્પર્ધકોના નામનુ લીસ્ટ હતુ. લીસ્ટમાં ઘણી બધી કોલમ હતી દરેક સ્પર્ધકની સામે તેની શાળાનું નામ અને સાથે આવેલ શિક્ષકનું નામ હતુ. કિશને પહેલી ફાઇલ જોઇ પણ તેને કોઇ જગ્યાએ સપનાનું નામ દેખાયુ નહી. એટલે તેણે બીજી ફાઇલ ખોલી અને ચેક કરવા લાગ્યો તેમાં પણ તેને કોઇ જગ્યાએ જરૂરી માહિતી મળી નહી. ત્રિજી ફાઇલ જોવાની શરૂઆત કરી અને ચાર પાંચ પાના ફેરવ્યા ત્યાં તેને એક જગ્યાએ સપનાનું નામ દેખાયુ એટલે કિશને તેની સામેની વિગત જોઇ. તેની સામે સપનાની ઉંમર લખેલી હતી. પછીની કોલમમાં તેની શાળાનું નામ હતુ. પછીની બે ત્રણ કોલમ સપનાની ઉંચાઇ વજન અને જી. આર નંબર ના હતા. તે પછીની કોલમમાં શિક્ષકનું નામ લખ્યુ હતુ રમણીકભાઇ વાછાણી. કિશને તેની ડાયરીમાં આ બધી વિગત નોંધી લીધી. અને તે લીસ્ટમાં આગળ જોવા લાગ્યો. ત્યા એક બે નામ પછી જ કિશનને ડુંગરપુરની શાળાનું નામ દેખાયુ એટલે કિશને તેની માહિતી પણ નોંધી લીધી. અને પછી બધીજ ફાઇલ જોઇ ને જે જે અગત્યનું લાગ્યુ તે તેણે ડાયરીમાં નોંધી લીધુ અને પછી ડાયરી બંધ કરી અને ઉંઘી ગયો.

કિશન જ્યારે કોર્ટથી નીકળી ઓફીસ પહોંચ્યો ત્યારે નેહા આવી ગઇ હતી અને તેનુ કામ કરતી હતી. કિશને આવી કોર્ટમાંથી લાવેલુ આજનું કામ નેહાને સમજાવ્યુ એટલે નેહા પાછી કામ કરવા લાગી. કિશન પણ કામ કરવા લાગ્યો. ત્યાં ગગનનો ફોન આવ્યો એટલે કિશને કહ્યુ

“હા બોલ ગગન શું કંઇ જાણવા મળ્યુ?”

“હા,તમે કહેલી બધીજ માહિતી મળી ગઇ છે. હું બોલુ છું તમે લખી લેજો. ”

“હા,બોલ હું લખુજ છું”

એટલે ગગને કહ્યુ “સપના સાથે જે શિક્ષક રમતોત્સવમાં ગયા હતા તેનુ નામ રમણીકભાઇ વાછાણી છે. અને બીજી છોકરી અમારી બાજુના ગામ ડુંગરપુરની હતી તેનુ નામ ઝંખના ત્રાંબડીયા હતુ અને તેની સાથે એક શિક્ષિકા હતા જેનુ નામ કાંતાબેન વસોયા હતુ. અને તમે પેલુ સર્ટીફીકેટનુ કહેતા હતા તે મારા ઘરે છે. ”

ગગન બોલતો બંધ થયો એટલે કિશને કહ્યુ

“ સારૂ આ બધુ મે લખી લીધુ છે. આ સિવાય કંઇ જાણવા મળ્યુ?”

“ના બસ અત્યારે તો આટલીજ માહિતી મળી છે. હજુ હું સપના સાથે વાત કરીશ જો કંઇ જાણવા મળશે તો તમને ફોન કરીશ. ”

ત્યારબાદ કિશને ફોન મુકી દીધો અને ગગને લખાવેલી માહિતી ફરીથી વાંચવા લાગ્યો ત્યાં તેને કંઇક યાદ આવતા તેણે ડાયરી કાઢી અને રાત્રે લખેલી માહિતી જોઇ તો ડાયરીમાં ડુંગરપુરના શિક્ષકનું નામ મોહનભાઇ વાળા લખેલુ હતુ અને ગગને જે માહિતી લખાવી તેમાં ડુંગરપુરના શિક્ષિકા કાંતાબેન વસોયાનુ નામ લખાવ્યુ હતુ.

કિશન બન્ને શિક્ષકોને ઓળખતો હતો. કેમકે તે બન્ને શિક્ષકો પાસે ભણેલો હતો. કાંતાબેનનો તો કિશન ફેવરીટ વિદ્યાર્થી હતો. કિશનના પપ્પા શાળાનાં આચાર્ય હતા. એટલે આ બધા શિક્ષકો સાથે કિશનનાં પપ્પા-મમ્મીને ફેમીલી રીલેશન હતા. એટલે કિશન વિચારવા લાગ્યો કે આવુ કેમ થયુ હશે કે લીસ્ટમાં નામ અલગ છે અને ત્યાં અલગ શિક્ષક ગયા હતા. કિશન વિચાર કરતો ઘણી વાર સુધી બેસી રહ્યો. કિશનને થયુ કે હવે તે જ્યાં સુધી આ બન્ને શાળાએ જઇ આ શિક્ષકોને નહી મળે ત્યાં સુધી આ કેસમાં આગળ વધી શકશે નહી. એટલે કિશન બધાજ કામ પતાવવામાં પડી ગયો. પછી તેણે નેહાને કહ્યુ “જો કાલે હું મારા ગામ થોડા કામ માટે જવાનો છું. એટલે કાલે તું અહીં બધુ સંભાળી લેજે અને આ તું ટાઇપ કરે છે તે કાગળ કોર્ટના ક્લાર્ક પ્રજાપતિભાઇને પહોંચાડી દેજે. ”

નેહાને પણ અચાનક ગામ જવાની વાત સાંભળી થોડી નવાઇ તો લાગી પણ તેણે કંઇ પુછ્યુ નહી. કિશન હજુ ઓફીસેથી નીકળતોજ હતો ત્યાં પાછો ગગનનો ફોન આવ્યો અને કહ્યુ “સાહેબ એક વાતતો રહીજ ગઇ કે આ ઓપરેશન પછી થોડા દિવસ બાદ ડુંગરપુરના પ્રિંસિપાલ કોઇ પંડ્યા સાહેબ અમારે ઘરે આવ્યા હતા અને તેણે સપનાને ઘણા બધા પ્રશ્નો પુછ્યા હત. અને તે પછી તે સપનાની શાળાએ ગયા હતા. ”

આ સાંભળી કિશનને થોડુ આશ્ચર્ય થયુ પણ તે તેણે દેખાવા ના દીધુ અને કહ્યુ “તેણે સપનાને શું પુછ્યુ હતુ?”

“એ હું સપનાને પુછવાનોજ હતો પણ ત્યાં ડૉક્ટર વિઝિટ માટે આવી ગયા એટલે પછી તે રહી ગયુ પુછવાનું”

“ઓકે પછી તે મને જણાવજે. ”એમ કહી કિશને ફોન મુકી દીધો. અને વિચારવા લાગ્યો કે પપ્પા શા માટે સપનાને મળવા ગયા હશે? શુ તો ત્યાંથીજ પપ્પા આ વાત સાથે સંકળાયા હશે? અને શું તેને લીધેજ મારે આ વાત સાથે સંબંધ હશે? તો શું પપ્પાનુ મૃત્યુ થયુ તેમા કોઇ રહસ્ય હશે? આમને આમ એક સાથે કેટલાય પ્રશ્નો કિશનના માનસપટ પર આવ્યા. તે આમને આમ ઘણો સમય બેઠો રહ્યો અને પછી. નેહાને કહીને ત્યાંથી નીકળી ગયો.

કિશનની કાર માણાવદર જતા રસ્તા પર થી જમણી તરફ વળાંક વળી. અહીથી ઝાંપાગઢ અને ડુંગરપુર ગામ તરફ જવાતુ હતુ. કિશને ત્રણ કિલોમીટર કાર ચલાવી એટલે ઝાંપાગઢ આવ્યુ. કિશને કાર સીધી શાળા તરફ જવા દીધી. શાળાના ગેટ પાસે કાર પાર્ક કરી કિશન શાળામાં દાખલ થયો. સામેજ આચાર્યની ઓફીસ હતી. કિશને અંદર આવવા પરવાનગી માગી એટલે આચાર્યનું ધ્યાન કિશન પર ગયુ. તેણે કહ્યુ “કમ ઇન”

કિશન અંદર દાખલ થયો અને કહ્યુ “મારૂ નામ કિશન પંડ્યા છે હું એડવોકેટ છું. ”

એટલે આચાર્યે તેને સામે પડેલી ખુરશીમાં બેસવા કહ્યુ . કિશન ખુરશીમાં બેઠો એટલે આચાર્યે બેલ મારી પટાવાળાને પાણી લઇ આવવા કહ્યુ. અને પછી કિશન સામે જોઇ બોલ્યા “ હા બોલો શું કામ હતુ. ”

“મારે અહીના શિક્ષક શ્રી રમણીકભાઇ વાછાણીને મળવુ છે. ”

આ સાંભળી આચાર્ય થોડીવાર તો કિશન સામે જોઇ રહ્યા પછી કહ્યુ “રમણીકભાઇએ તો લગભગ પાચેક વર્ષ પહેલા સ્વૈચ્છીક નિવૃતિ લઇ લીધી હતી. તમારે તેનુ અત્યારે શું કામ પડ્યુ?”

આ સાંભળી કિશન વિચારમાં પડી ગયો કે શું જવાબ આપવો? એટલે તેણે કહ્યુ “મારા પપ્પા ડુંગરપુરની શાળામાં આચાર્ય હતા. તેના થોડા અગત્યના કાગળો માટે મારે રમણીકભાઇને મળવુ હતુ. ”

આ સાંભળી આચાર્યના ચહેરા પર ચમક આવી અને તે બોલ્યા “તમે કૃષ્ણકાંત પંડ્યા સાહેબ ના દિકરા છો?”

“હા, કેમ તમે તેને ઓળખો છો?” કિશને પુછ્યુ.

“અરે તમે કેવી વાત કરો છો. પંડ્યા સાહેબને કોણ ના ઓળખતુ હોય? તે તો અમારા બધા માટે રોલ મોડલ હતા. ”

પછી થોડુ રોકાઇને તે બોલ્યા “ તેના અચાનક મોતથી અમને બધાને ખુબજ દુ:ખ થયુ હતુ. ”

“હા, ત્યારે હું ખુબ નાનો હતો. ”

ત્યારબાદ કિશને પુછ્યુ “ આ રમણીકભાઇએ કેમ અચાનક સ્વૈચ્છીક નિવૃતિ લઇ લીધી. તેની તબિયત ખરાબ હતી?”

થોડુ રોકાઇને આચાર્યે કહ્યુ “ તમે જે કામ માટે આવ્યા છો તે આ એડ્રેસ પર જજો એટલે થઇ જશે. એમ કહી આચાર્યે એક કાગળ કિશનના હાથમાં મુક્યો અને ઉભા થતા બોલ્યા “સારૂ ચાલો મળીએ ત્યારે. ”

કિશનને હજુ ઘણુ પુછવુ હતુ પણ આચાર્યેતો તેને જવા માટે મજબુર કરી દીધો. એટલે કિશને આચાર્ય સાથે હાથ મિલાવ્યા અને દરવાજા તરફ આગળ વધ્યો. કિશનને ફરીથી પાછુ વળીને થોડા પ્રશ્નો પુછવાનુ મન થયુ પણ તેણે વિચાર્યુ કે અત્યારે જઇશ તો તે સરખી રીતે વાત નહી કરે. કિશનને આચાર્ય પર શક ગયો કે જરૂર આ આચાર્ય પણ બધુ જ જાણે છે એટલેજ મારી વાતનો જવાબ ના આપ્યો. ફરી એકાદ વાર અહી પાછો આવીશ અને આચાર્ય સિવાયના સ્ટાફ સાથે વાત કરીશ. એમ વિચારતો કિશન કારમાં બેઠો અને કારને ફરીથી મેઇન રોડ પર લઇ ને ડુંગરપુર તરફ જવા દીધી. વચ્ચે સોમનાથ મહાદેવનું નાનુ મંદિર આવતા કિશને દુરથીજ જય સોમનાથ બોલી અને નમસ્કાર કર્યા અને આગળ વધ્યો. એકાદ કિલોમીટર આગળ જતા બે રસ્તા આવ્યા એક સીધો જતો હતો અને બીજો ડાબી બાજુ ડુંગરપુર તરફ જતો હતો. કિશને કારને ડાબીબાજુ વાળી. ત્યાં તે ત્રણ રસ્તા પરજ થોડી ઉચાઇ પર એક આશ્રમ છે ગામના લોકો તેને ટીંબા તરીકે ઓળખાવે છે. ત્યાં આશ્રમમાં રાંદલ માતાજીનું મંદિર,શંકરભગવાનનું મંદિર અને હનુમાનની ડેરી છે અને આશ્રમના મહંતમાટે એક મકાન છે. મહંત આ આખા આશ્રમનું સંચાલન કરે છે. આજુબાજુના ગામડાના લોકોને આ મહંતમાં ખુબ શ્રધ્ધા છે. કિશન નાનો હતો ત્યારે તેના પપ્પા સાથે ઘણી વખત આશ્રમમાં આવતો. તેની યાદોમાં કિશન ખોવાઇ ગયો. ત્યાં ડુંગરપુર આવી ગયુ. ડુંગરપુરના પાદરમાંજ એક મોટુ મહાદેવનું મંદિર છે અને તેની બાજુમાંજ શાળા આવેલી છે. કિશને શાળા પાસે જઇને કાર પાર્ક કરી અને કિશન શાળામાં દાખલ થયો. શાળામાં નાનું મેદાન હતુ જે વૃક્ષોથી ભરેલુ હતુ. મેદાન પછી અંગ્રેજી “L” આકારનું શાળાનું મકાન હતું જેમા 8 ઓરડા હતા. પહેલો ઓરડો આચાર્યની ઓફીસનો હ્તો અને પછી. ધોરણ 3 થી 7 સુધીના વર્ગખંડો હતા. ત્યારબાદ આ ઓરડાઓના કાટખુણે ધોરણ 1 અને 2ના વર્ગો હતા. શાળામાં સ્વચ્છતા અને લીલોતરી એટલી સરસ હતી કે કોઇ પણ આગંતુક તેનાથી આકર્ષિત થયા વિના રહે નહી. કિશનનું બાળપણ આજ શાળામાં વિત્યુ હોવાથી કિશનની આંખ સામે ઘણી સ્મૃતિ જીવંત થઇ ગઇ. કિશન સીધોજ આચાર્યની ઓફીસમાં ગયો તેને જોઇને આચાર્ય પ્રતાપભાઇ ઓઝા પોતાની ખુરશીમાંથી ઉભા થઇ ગયા અને બોલ્યા “અરે કિશન તું અહી ક્યારે આવ્યો. ”

કિશન આગળ વધીને પ્રતાપભાઇને પગે લાગ્યો એટલે પ્રતાપભાઇ કિશનને ભેટી પડ્યા અને બોલ્યા “કેટલા સમયે મળવા આવ્યો. તારા સાહેબને ભુલી ગયો કે શું?”

કિશન પ્રતાપભાઇ નો ખાસ ચાહીતો હતો. પ્રતાપભાઇ અને કિશનના પપ્પા સહ કાર્યકર કરતા મિત્રો વધુ હતા. કિશનને પણ પ્રતાપભાઇ માટે ખુબ આદર હતો. એટલે તેણે કહ્યુ “અરે પ્રતાપકાકા તમને કોઇ દિવસ ભુલાતા હશે. આ તો હવે મમ્મી પણ અહી નથી. એટલે ગામ આવવાનું થતુ નથી. ”

“હા, તારા મમ્મીની તબીયત કેમ છે હવે?”

“ કંઇ ફેર પડતો નથી. કોઇ સાથે વાત કરતા નથી. ” કિશને કહ્યુ.

કિશનને ઉદાસ થયેલો જોઇ પ્રતાપભાઇએ વાત બદલતા કહ્યુ “શુ કેમ અચાનક આવ્યો?કંઇ કામ હતુ કે બસ એમજ આવ્યો છે?”

“હા,થોડુ કામ હતુ. મારે મોહન સાહેબ અને કાંતાબેન ને મળવુ હતુ. ”

આ સાંભળી પ્રતાપભાઇ ચમકી ગયા પણ તેણે તરતજ હાવભાવ બદલી નાખ્યા અને પુછ્યુ “એલા તને ખબર નથી. તે બન્ને એતો સ્વૈચ્છીક નિવૃતિ લઇ લીધી છે. ?”

આ સાંભળી કિશનને ઝટકો લાગ્યો કે તે જેને જેને મળવા આવ્યો હતો તે બધા એ સ્વૈચ્છીક નિવૃતિ લઇ લીધી છે. આવુ કેમ?”

“કેમ સ્વૈચ્છીક નિવૃતિ લઇ લીધી?”

“મોહનભાઇને તો પક્ષઘાતનો હુમલો આવ્યો હતો એટલે તેણે નિવૃતિ લીધી હતી. પણ કાંતાબેનેતો એમજ નિવૃતિ લઇ લીધી હતી. તેનુ કારણ તો ખબર નથી. ”

આ સાંભળી કિશન વિચારમાં પડી ગયો અને બોલ્યો “તે બન્ને અત્યારે કયાં છે?”

“કાંતાબેન તો રાજકોટ તેના મોટા દિકરા સાથે રહે છે. અને મોહનભાઇ તો અહી જુનાગઢમાંજ છે. પણ તારે તે બન્નેનું શું કામ પડ્યુ?”

કિશનને પ્રતાપભાઇને આગળ ખોટુ બોલવાનુ મન ના થયુ એટલે તેણે કહ્યુ “કાકા, એ હું તમને પછી કહીશ. પણ મારે આ બન્નેનું થોડુ કામ છે તમે મને આ બન્નેનુ એડ્રેશ એક કાગળ પર લખી આપોને. ”

પ્રતાપભાઇએ બન્નેનુ એડ્રેસ લખી આપ્યુ અને બોલ્યા “જો કિશન હું તને વધારે પુછતો નથી. પણ તારે કંઇ પણ કામ હોય નિસંકોચ કહેજે. તારો પ્રતાપકાકો હજુ બેઠો છે ત્યાં સુધી મુંઝાતો નહી. ”

કિશન પ્રતાપભાઇની વાત સાંભળી લાગણીશિલ થઇ ગયો અને બોલ્યો “કાકા તમારા સિવાય હવે મારે વડીલ છે પણ કોણ?”

ત્યારબાદ થોડી આડા અવળી વાતો કરીને કિશન ત્યાંથી નીકળી ગયો.

કિશન જેવો શાળાની બહાર નીકળ્યો કે તરતજ પ્રતાપભાઇએ તેના મોબાઇલમાં એક નંબર ડાયલ કર્યો અને કહ્યુ “તે અહી આવ્યો હતો. મોહનભાઇ અને કાંતાબેન વિશે પુછપરછ કરતો હતો. ”

સામેથી કંઇક કહેવાયુ એટલે પ્રતાપભાઇ એ કહ્યુ “ના,ના હજુ તેની પાસે કોઇ વધારે માહિતી હોય તેવુ લાગતુ નથી. તે મોહનભાઇ અને કાંતા બહેનના એડ્રેસ લઇ ગયો છે. ”

ત્યારબાદ સામેથી ફરીથી કંઇક કહેવાયુ જે સાંભળી પ્રતાપભાઇએ ફોન મુકી દીધો.

કિશન શાળામાંથી નીકળી કારમાં બેઠો અને કાર ડુંગરપુર ગામમાં લીધી આખુ ગામ વટાવીને ગામને છેડે આવેલા તેના ઘર પર ગયો. તેણે ઘરનુ તાળુ ખોલ્યુ ત્યાંજ બંધ ઘરની દુર્ગંધ તેના નાકમાં આવી. ઘર ઘણા સમયથી બંધ હોવાથી ચારે બાજુ ધુળ અને કરોળિયાના જાળા થઇ ગયા હતા. કિશન અંદર ગયો અને તેણે રૂમ ખોલ્યો. અંદર જઇ લાઇટ ચાલુ કરી અને બધેજ નજર ફેરવી. અચાનક તેની નજર તેની મમ્મીના કબાટ પર પડી. કિશને ઘરમાંથી ચાવી શોધી અને કબાટ ખોલ્યો. કબાટમાં તેની મમ્મીની સાડીઓ અને કપડા હતા. કિશને બીજા અંદરના નાના ખાનામાં ચાવી લગાવી અને ખોલ્યુ. કિશને ખાનામાં હાથ નાખ્યો તો તેનો હાથમાં એક પેકેટ આવ્યુ. પેકેટ બહાર કાઢી તેને જોવા લાગ્યો તો પ્લાસ્ટીકમાં પેક હતુ એટલે કિશને પેકેટ ખોલ્યુ અને તેની નજર અંદરની વસ્તુ પર પડી એ સાથે જ તે ડઘાઇ ગયો અને ક્યાંય સુધી તે પેકેટ સામે જોઇ રહ્યો.

***

કિશને ખોલેલા પેકેટમાં શું હશે? પ્રતાપભાઇએ કોને ફોન કર્યો? કિશન અને ઇશિતાની લવ સ્ટોરીનું શું થશે? શિતલ અને રૂપેશ હવે શું કરશે? કિશનનો શું છે? આ બધુ જાણવા માટે આગળના પ્રકરણ વાંચતા રહો.

***

મિત્રો તમે બધા મારી નવલકથા વાંચો છો અને મને રીવ્યુ પણ મોકલો છો તે માટે તમારા બધાનો ખુબ ખુબ આભાર. મિત્રો આ મારી પહેલી નવલકથા છે તેથી તમારા પ્રતિભાવ મારા whatsapp no જરૂર મોકલજો.

હિરેન કે ભટ્ટ - whatsapp no - 9426429160