(આગળના પ્રકરણમાં આપણે વાંચ્યું કે રશિયન સેના નજીક આવવાને કારણે જર્મનો બુનાનો કેમ્પ ખાલી કરવાનો નિર્ણય લે છે. લેખક હોસ્પિટલમાં રહેવાને બદલે બીજા કેદીઓ સાથે કેમ્પ છોડવાનો ભૂલ ભરેલો નિર્ણય લે છે. હવે, આગળ વાંચો...)
ઠંડા, કાતિલ પવનો ફૂંકાઈ રહ્યા હતા. અમારી કૂચ આગળ વધી રહી હતી. એસ.એસ.ના સૈનિકો અમને ગતિ વધારવા બરાડા પાડીને આદેશ આપી રહ્યા હતા. થોડીવારમાં અમે ચાલવાને બદલે દોડી રહ્યા હતા. દોડવું અમારા માટે સારું હતું કેમ,કે દોડવાને કારણે અમારી નસોમાં લોહીનું પરિભ્રમણ વધી જતું જેના કારણે હાડ થીજાવતી ઠંડી સામે થોડે અંશે અમને રક્ષણ મળતું.
"ડુક્કરો, જલ્દી દોડો. તમારા પગમાં જોર નથી શું?" ઓફિસરો બરાડી રહ્યા હતા.
અમે ઘાયલ કુતરાના ટોળાની જેમ દોડી રહ્યા હતા. ઓફિસરો પણ અમારી સાથે દોડી રહ્યા હતા. થોડી થોડી વારે ગોળીબારના અવાજ સંભળાતા હતા. ઓફિસરોને આદેશ હતો કે કોઈ પાછળ રહી જાય કે પડી જાય તો તેને ગોળીએ દેવો. ઓફિસરોની આંગળી બંદૂકોના ટ્રીગર પર જ હતી. તેઓ કોઈને પડતા અથવા પાછળ રહી ગયેલો જોતા કે તરત તેના પર ગોળી ચલાવતા. મારી આસપાસ જો કોઈ જમીન પર પડી જતું તો તરત ગોળીબાર દ્વારા તેનો નિકાલ કરી નાખવામાં આવતો.
એ કાળી અંધારી રાતમાં હું યાંત્રિક રીતે મારા દુખતા પગની પરવાહ કર્યા વગર દોડી રહ્યો હતો. દરેક ગોળીનો અવાજ અમારા માંથી એક વ્યક્તિ ઓછો કરી રહ્યો હતો. હું જીવ ઉપર આવીને દોડી રહ્યો હતો. મારુ હલકું શરીર કાતિલ ઠંડીમાં પોતાની તમામ તાકાત જીવતા રહેવા માટે લગાવી રહ્યું હતું.
મારી બાજુમાં પોલેન્ડનો એક કિશોર દોડી રહ્યો હતો. તે ઇલેક્ટ્રોનિક વસ્તુઓના કારખાના માટેની ટુકડીનો સભ્ય હતો. તે આખો દિવસ પ્રાર્થના કર્યા કરતો.
તે દિવસે મારી બાજુમાં દોડતા તેને અચાનક પેટમાં દુખાવો ઉપડ્યો.
"મને પેટમાં દુખે છે. હું બેસી જાવ છું." તેણે મને દોડતા દોડતા કહ્યું.
"થોડીવાર રાહ જો. બેસતો નહિ. આપણે હમણાં પોહંચી જઈશું. તેઓ આપણને આવી રીતે આખી રાત થોડા દોડાવશે." મેં તેને હિંમત આપવાનો પ્રયત્ન કર્યો.
"મારાથી દુખાવો સહન નહીં થાય. મારું પેટ ફાટી જશે." તે બોલતા બોલતા પોતાનું પેન્ટ ખોલવા લાગ્યો.
"થોડીવાર સહન કરી લે." મેં તેને સમજાવવાનો છેલ્લો પ્રયત્ન કર્યો.
"મારાથી સહન નહીં થાય..." તે આટલું બોલીને પોતાનું પેન્ટ ખોલીને નીચે બેસી ગયો.
આ મારા મગજમાં અંકાયેલી તેની છેલ્લી છબી હતી. તેને મારવા માટે એસ.એસ.ને ગોળી ચલાવવાની જરૂર ન પડી. તેની પાછળ આવતા હજારો પગ તેને રગદોળીને આગળ વધી ગયા. તે પોતાના સાથીઓના પગ નીચે કચડાઈને મૃત્યુ પામ્યો.
હું જલ્દી તેને ભૂલી ગયો. ફરીથી હું મારી જાત વિશે વિચારવા લાગ્યો. મારો પગ મને ભયંકર પીડા આપી રહ્યો હતો. દરેક ડગલે હું પીડાના કારણે ધ્રુજી રહ્યો હતો. મને એવું લાગી રહ્યું હતું કે હું થોડા મીટરથી વધુ નહીં દોડી શકું. મને લાગ્યું કે હું પણ પડીશ અને એક ગોળી આવીને મને મૃત્યુની ભેંટ આપશે. તે રાત્રે મને મૃત્યુનો વિચાર વધુ સુંદર લાગ્યો. મેં વિચાર્યું કે હું આ અસહ્ય પીડા માંથી મુક્તિ મેળવી શકું છું. મને તે રાતે મૃત્યુ, જીવન કરતા ઘણું સુંદર લાગ્યું. હું જાણે મૃત્યુને સ્પર્શી શકતો હતો. મને હરોળ તોડીને ઉભા રહી જવાનું મન થયું. મારી બાજુમાં દોડી રહેલા મારા પિતાના કારણે હું તેમ કરતા અટકી ગયો.
મારા પિતા હાંફી રહ્યા હતા. તેમનું શરીર પોતાનું તમામ જોર બીજા સાથે રહેવા લગાવી રહ્યું હતું. તેઓ મારા વગર શું કરશે? અમે બન્ને જ એક બીજાના આધાર હતા.
આવા વિચારો વચ્ચે પણ મારું શરીર દોડી રહ્યું હતું. હું મારા ખોટા પડી ગયેલા પગને ભૂલીને દોડી રહ્યો હતો. હું અને મારું શરીર બન્ને અલગ ચીજ હોય તેમ લાગી રહ્યું હતું.
મેં મારી ગતિ ઘટાડવાનો પ્રયત્ન કર્યો પણ એ અશક્ય હતું. પાછળ આવતા હજારો શરીરો મને એક કીડીની જેમ કચડીને આગળ વધી જાય તેવી શક્યતા વધુ હતી.
હું ધીરે ધીરે ઊંઘમાં દોડી રહ્યો હોય તેમ લાગી રહ્યું હતું. હું મારી આંખો પણ ક્યારેક બંધ કરી દેતો હતો. ત્યારે કોઈને કોઈ પાછળથી મને લાત મારીને ઉઠાડતું.
"જલ્દી દોડ અથવા અમને આગળ થવા દે."
એ હજારોના ટોળામાં પાછળ રહી જવું એટલે મોતને આમંત્રણ હતું.
રસ્તો જાણે અનંત હોય તેમ લાગી રહ્યું હતું. એસ.એસ.ના અધિકારીઓ થાકતા ત્યારે તેમનું સ્થાન બીજા અધિકારીઓ લેતા હતા પણ અમારું સ્થાન અચળ હતું. હાંફી રહેલા શરીરો સાથે અમે દોડી રહ્યા હતા.
અમે જાણે બધા જ દુઃખોથી આગળ નીકળી ગયા હોય તેમ લાગી રહ્યું હતું. ઠંડી, બંદુકો અને ભૂખ અમે બધાની અસર હેઠળથી મુક્ત થઇ ગયા હોય તેમ લાગતું હતું.
અંતે સવારનો તારો આકાશમાં દેખાયો. સૂર્યના કિરણોએ ધરતીને સ્પર્શવાની શરૂઆત કરી. અમે હવે થાકી ચુક્યા હતા. મારા પગ યાંત્રિક રીતે ચાલી રહ્યા હતા. અમારા પગ જાણે અમારા વગર પણ આગળ વધી જશે તેમ લાગી રહ્યું હતું.
અમને જણાવવામાં આવ્યું કે અમે વીસ કિલોમીટર કાપી ચુક્યા હતા. અમે એક ગામમાં પહોંચ્યા. ગામ આખું યુદ્ધના કારણે ખાલી કરાવવામાં આવેલું હતું. ગામના બધા જ ઘર ખાલી હતા. અમારા માંથી ઘણા હરોળ તોડીને એસ.એસ.ની નજર ચૂકવીને ખાલી પડેલા મકાનોમાં સંતાવા માટે ઘુસ્યા.
એક કલાક પછી અમને ઉભા રહેવાનો હુકમ મળ્યો.
અમે બધા જ જમીન પરના બરફ પર ઢળી પડ્યા.
મારા પિતાએ મને ઢંઢોળ્યો."અહીંયા ન સૂતો. ઉભો થા. ત્યાં થોડે દૂર એક છાપરું છે ત્યાં સુધી ચાલી નાખ."
હું ઉભો રહી શકું તેમ નહોતો તેમ છતાં હું તેમના ટેકે ઉભો થયો. તે છાપરું નહોતું પણ એક ઈંટોની ફેક્ટરીની પડી ગયેલી છત હતી. અંદર સેંકડો કેદીઓ ઘુસી ગયા હતા. અમે બન્ને પણ મહા પ્રયત્ને અંદર પ્રવેશ્યા. એક ખૂણો શોધીને હું બરફ પર સુઈ ગયો.
મારા શરીરમાં શક્તિ બચી નહોતી. મને તે સખ્ત બરફ એક ગાદલા જેવો લાગી રહ્યો હતો. હું તેના પર કેટલી વાર સૂતો તે મને ખ્યાલ નથી. મને કોઈ જગાડી રહ્યું હતું. મેં આંખો ખોલી તો તે મારા પિતા હતા.
મેં મારા પિતા સામે નજર કરી. એક જ રાતમાં તેમની ઉંમર વધી ગઈ હોય તેમ લાગતું હતું. તેમનું શરીર વાંકુ વળી ગયું હતું. તેમના ચેહરા પર અસહ્ય થાક દેખાઈ રહ્યો હતો. તેમના હોઠ સુકાઈ ગયા હતા. તેમની આંખો ઊંડી ઉતરી ગઈ હતી. તેમનો અવાજ બરફ અને આંસુઓના કારણે બેસી ગયો હતો.
"એલિઝાર, બરફમાં ન સુવાય, બેટા. ચાલ ઉભો થા. બરફ પર સુતો રહીશ તો ફરી ઉઠી નહીં શકે." તેઓ મને ટેકો કરતા બોલ્યા.
મને જાણે મારા પિતા આખી છત મારા ખભા પર ઉંચકવા માટે કહી રહ્યા હોય તેવું લાગ્યું.
"ઉભો થા, બેટા..."
મારા પિતાના શબ્દોએ મને ઉભા થવાની હિંમત આપી. હું દાંત કચકચાવીને તેમના ટેકે ઉભો થયો. અમે બન્ને એકબીજાના ટેકે બહાર નીકળ્યા. બહાર નીકળવું સહેલું નહોતું. સેંકડો શરીરો તે છાપરા નીચે બરફમાં વિખરાયેલા પડ્યા હતા. ઘણા અમારા પગ નીચે આવવા છતાંય હલન ચલન નોહતા કરી રહ્યા. તેઓ કાયમ માટે સુઈ ગયા હતા.
અમે બન્ને બહાર નીકળ્યા. ઠંડો પવન મારા મોં પર અથડાયો. હું મારો નીચલો હોઠને, ઠરી ન જાય એટલે ચાવી રહ્યો હતો. બહારનું દ્રશ્ય ભયાનક હતું. ચારે તરફ લોકો બરફમાં પડ્યા હતા. હું અને મારા પિતા જાણે લાશો વચ્ચે ઉભા હોય તેમ લાગી રહ્યું હતું.
મને ચક્કર આવી ગયા. અમે જાણે કબ્રસ્તાનમાં ચાલી રહ્યા હોય તેમ લાગી રહ્યું હતું. એ મૃત્યુનું ભયાનક નૃત્ય હતું. લોકો બરફમાં ચુપચાપ મોતના ખોળામાં સુઈ ગયા હતા. કોઈએ એકબીજાને મદદ માટે સાદ પણ નહિ પાડ્યો હોય. તે એક શાંત શરણાગતિ હતી. તેઓ મૃત્યુ પામ્યા હતા કેમ,કે તેમને મૃત્યુ જ મુક્તિ અપાવે તેમ હતું. તેઓ કોઈને પણ હેરાન કર્યા વગર મૃત્યુના ખોળામાં પહોંચી ગયા હતા.
મને એમ લાગ્યું કે જાણે હું પણ હમણાં તેમની જેમ લાશ બની જઈશ.
"મારે અંદર જઈને થોડીવાર સૂવું છે." મેં મારા પિતાને કહ્યું.
તેમણે જવાબ ન આપ્યો.
"આપણે એક બીજાનું વારાફરતી ધ્યાન રાખીશું. મહેરબાની કરીને મને સુવા દો." મેં આજીજી કરી.
તેઓ માની ગયા. અમે બન્ને લાશો અને શરીરો વચ્ચે જગ્યા કરતા અંદર પહોંચ્યા.
"હું તારું ધ્યાન રાખું છું. સુઈ જા." તેમણે મારા માથા પર હાથ ફેરવ્યો.
"તમે પેહલા સુઈ જાવ. હું તમારું ધ્યાન રાખીશ."
તેમણે ના પાડી. હું એક લાશ પાસે સુઈ ગયો. હું થોડીવાર સૂતો પણ મને અંદાજ આવી ગયો કે અહીં સુઈ જવું એટલે મોતના ખોળામાં સુઈ જવું. મારી આસપાસ લોકો પોતાના સ્નેહીઓને જગાડવાના નિષ્ફ્ળ પ્રયત્નો કરી રહ્યા હતા. મારામાં જીવવાની ઈચ્છા જાગી ઉઠી. હું મહા મહેનતે બેઠો થયો. મેં મારા પગ પાસે સુતેલા માણસને જગાડવાનો પ્રયત્ન કર્યો., "ભાઈ, ઉઠ. સુઈ જઈશ તો કાયમ માટે સુઈ જઈશ."
"તારું કામ કર. હું થાકી ગયો છું. મને સુવા દે." તે બોલ્યો.
મેં મારા પિતા સામે નજર કરી. તેઓ સુઈ ગયા હતા. મેં તેમને જોરથી હલાવ્યા. તે ઝબકીને જાગી ગયા. થોડીવાર તેમણે નાનકડા બાળકની જેમ આસપાસ નજર કરી. પછી તેઓ હસ્યા. તેમનું એ હાસ્ય મને આજે પણ યાદ છે. એ હાસ્ય મોતને હાથતાળી દીધા પછીનું હાસ્ય હતું.
(ક્રમશ:)