Love password in Gujarati Love Stories by Darshna books and stories PDF | પ્રેમ નો પાસવર્ડ

The Author
Featured Books
Categories
Share

પ્રેમ નો પાસવર્ડ

પ્રેમનો પાસવર્ડ

સંધ્યા સમયે લાકડાની ચિતા પર અનુના શબને અગ્નિદાહ આપવાની તૈયારીઓ કરાઇ રહી હતી. આદિત્ય માટે એ માનવું અશક્ય હતું કે અનુ થોડા કલાકો પેહલા જ આ દુનિયામાંથી વિદાય લઈ ગઈ. આદિત્યનું મન શૂન્યમન્શ્ક બનીને જલતી ચિતાને અનિમેષ તાકી રહ્યું. ક્યારેક ભૂતકાળ ને વાગોળી રહેલા આદિત્યની કલ્પના બહાર હતું કે આજે અનુ પોતે જ એક ભૂતકાળ બની ગઈ. અંતિમવિધિ સમયે બોલાતા શ્લોકોનો ગુંજારવ વાતાવરણમાં છવાયો... ’મૃત્યોર્મોક્ષીય માં મૃતાત’ બ્રાહમણના સ્વરો લોકોના રુદન સાથે ભળ્યા.

***

“મિસ્ટર દેસાઇ બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ પણ ફેઇલ થઈ ગયું લ્યુકેમિયા એ ટાઇપનું બ્લડકેન્સર છે જેમાં શ્વેતરક્તકણોની સંખ્યા અમર્યાદિત માત્રામાં વધતી રહે છે.. અને અનુના કેસમાં તો .... નો રેમેડી. ” ડોક્ટર પ્રોફેસનલી બોલી ગયા.

મિસ્ટર દેસાઇના ગળામાં ડૂમો ભરાયો, ”ડોક્ટર કોઈપણ ઉપાય અજમાવો મારી દીકરીને બચાવી લો પ્લીઝ. ”

“લુક મિ. દેસાઇ અનુનું કેન્સર ફોર્થ સ્ટેજ પર છે તેણીના બ્લડપ્લેટલેટ્સ ખૂબજ ઝડપથી ઘટી રહ્યાં છે હું તમને કોઈ ખોટા આશ્વાસનો આપવા નથી માગતો બસ તમે અનુને ખુશ રાખવાનો પ્રયત્ન કરો અને સત્યને સ્વીકારવાની હિમ્મત રાખો અને હા અનુ કોઈ આદિત્ય નામના વ્યક્તિને ખૂબજ યાદ કરે છે શક્ય હોયતો તેને બોલાવી લો. ” ડોક્ટરે મિઠાશપૂર્વક સમજાવવાનો પ્રયત્ન કર્યો.

હોસ્પિટલના સ્પેશિયલ ક્રિટિકલકેર રૂમમાં અનુ બેડ પર સુતી હતી મીંચાયેલી આંખો, હાથમાં ભરાવેલી સિરિંજો બાજુમાં રાખેલું લેપટોપ અને હૃદયમાં એક જ નામ આદિ.

આદિત્ય અને અર્ચનાનો પરિચય કોલેજના યૂથફેસ્ટિવલ પ્રસંગે થયેલો જેમાં આદિત્યને સંગીતસ્પર્ધામાં પરિતોષિક મળેલું અને અહી ચાર નેત્રો વચ્ચે સ્નેહનો સેતુ રચાયો અને થઈ ગઈ શરૂઆત પ્રિતસંબંધોની. મુલાકાતોનો સિલસિલો વધતો ચાલ્યો કોઈવાર કોફીશોપ, કોઈવાર કોર્નર કાફે તો કોઈવાર એરપોર્ટ ગાર્ડન. ટૂંક સમયમાં આ યુવાન હૈયાઓએ પોતાના નામના ટૂંકા સંબોધન પણ શોધી કાઢ્યા. ક્યારે આદિત્ય આદિ બન્યો અને ક્યારે અર્ચના અનુ બની કઇ ખ્યાલ જ ના રહ્યો.

એકવાર બન્નેએ ગાર્ડનમાં મળવાનું નક્કી કર્યું. અર્ચના આદિત્યની રાહ જોઈ રહી હતી આ એક એક પળ કેમ તેને વર્ષો જેવી લાગી રહી એટલામાજ તેને આદિત્યને બાઇક પાર્ક કરતાં જોયો અને અનુના ચેહરા પર આનંદની આભા પથરાઈ ગઈ.

“હાય... !! આદિ..... શું આજે પણ લેઇટ કર્યું.. ?. ”અનુની પ્રતિક્ષા આદિનો ઉત્તર લેવા મથી રહી.

“અરે ના યાર ટ્રાફિક જોને રસ્તા પર ... અને આ શું અનુ આજે પણ તારું લેપટોપ સાથે ને સાથે.. ? ભગવાન જાણે શું છે આ તારા લેપટોપમાં.. શું લખ્યા કરે છે તેમાં…?” અનુના હાથમાં લેપટોપ જોઈ આદિ ગુસ્સે થયો.

“તને નહીં સમજાય આદિ તું સાથે ના હો ત્યારે તારી કલ્પનાના સાહચર્યમાં જીવી લઉં છું બસ તેની એક એક ક્ષણ હું માણી લઉં છું, થોડું લખતી પણ જાવ છું અને યાદોને સંભાળીને સાચવું છું. ”

“હા .. યાર થોડું વધુ પડતું જ સાચવે છે જોને લેપટોપમાં પાસવર્ડ પણ રાખ્યો છે શું છે પાસવર્ડ બોલ અનુ ... બોલ તો …શું સીક્રેટ છે... અને મારાથી સીક્રેટ!!?”આદિ એ જબરદસ્તી લેપટોપ છીનવવા પ્રયત્ન કર્યો.

“ના નહીં આપું મારા લેપટોપમા લેટર્સ છે ચલ તું પાસવર્ડ ગેસ કર. ”અનુની બાળસહજ જીદ અને નિર્મળ હાસ્ય હમેશા આદિનું દિલ જીતી લેતું.

“શું હોય શકે તારો પાસવર્ડ.. અમ.. મ.... મે બી મિરેજ તું મૃગજળ વિષે બહુ વાતો કરતી હોય છે એ જ હશે અથવા તો કલ્પનાની વાતો પણ બહુ કરે છે યાનેકી ફેન્ટસિ હોય શકે. ”આદિએ કલ્પના કરતાં કહ્યું.

“ના આદિ... ઓહ.. !!કમ ઓન.., હું ઘણી બધીવાર બોલી ચૂકી છુ આ પાસવર્ડ..... ચલ જવા દે હું જીવું છું ત્યાં સુધીમાં ગેસ કરી લે નહિતો આ મારૂ લેપટોપનું ડ્બ્બુ તું સાચવજે મારી યાદીરૂપે... હા હા... હા... !!” અનુએ નિખાલસ મજાક કરી.

“ખબરદાર અનુ આજ પછી ક્યારેય આવી વાત કરી છે તો મોત પણ આપણને અલગ નહીં કરી શકે અનુ તું મારી આત્મપ્રિયા છે મજાકમાં પણ આવી વાત નહીં કરતી ..... અને રહી વાત પરિવારના સભ્યોની તો હું તેઓને મનાવી લઇશ અનુ. ”અનુની મજાક આદિને આકરી લાગી.

આદિત્યના શબ્દો સાંભળીને અનુની આંખો જૂકી ગઈ. આદિત્યએ અનુની કમર ફરતે હાથ વિટાળ્યો અને તેને નજીક ખેચીને હળવું ફૂલ જેવુ ચુંબન કર્યું. યુવાનીના ઉંબરે પહોચેલાઑને મન તો આ એક સહજ આકર્ષણ માત્ર હતું પરંતુ અહી આ પ્રેમીયુગલોના હોઠ મળતા પહેલા વિચારજગત મળી ચુક્યા હતા.

“અનુ એક વાત કહેવાની છે..... દુબઈની મ્યૂજ઼િક અકેડેમીમાં એક મ્યૂજ઼િકટીચરની જોબ ઓફર આવી છે. કદાચ એક જ મહિનામાં જોઇન કરવું પડશે. જો અનુ હું તને પ્રોમિસ કરું છું કે ત્યાં સેટેલ થઈને તરતજ આપણી વાત પપ્પા સમક્ષ મૂકી દઇશ અને આપણે લગ્ન કરી લઈશું. ”આદિત્યના શબ્દોમાં વાત ઓછી ને વિનવણી વધુ હતી.

અનુના મુખ પર વિષાદના વાદળો ઉમટ્યા. સંધ્યાના આછા ઉજાસમાં આદિત્ય નો ચેહરો નીરખી રહી॰

“આદિ હું તારી કોઈ વાતનો ઇનકાર નહીં કરી શકું બસ ડર છે કે તારા મનથી હું દૂર ના થઈ જાઉં. વરસો વરસ પ્રતિક્ષા કરવા પણ હું તૈયાર છુ મારા હૃદયમાં તારી છબી અંકિત છે અને એ સ્થાન હું બીજા કોઈ પુરુષને નહિ આપી શકું” આટલું કહતા અનુની આંખો છલકાઈ ગઈ અને આદિત્યના ખભા પર માથું ઢાળી દીધું.

“રડ નહીં. અનુ તને મારામાં શ્રધ્ધા છે ને.. ?તો બસ થોડો સમય આ વિદાય જીરવી લે. ”આદિત્યે અનુને આશ્લેષ માથી મુક્ત કરતાં કહ્યું.

થોડો સમય મૌન આ પ્રેમીઓની ભાષા બની રહી. ”ચલ હવે જઈશું .. ”આદિત્યે મૌન તોડતા કહ્યું. અનુએ હકાર માં માથું હલાવ્યું. તેના ગળા માથી શબ્દો નીકળી શકે એવી સ્થિતિ નહોતી તે આટલી વિકટ પરિસ્થિતીનો સામનો કરવા માટે તૈયાર નહોતી. આદિ અને અનુ છૂટા પડ્યા.

આખરે એ દિવસ આવ્યો જ્યારે આદિત્ય દુબઈ જવા રવાના થયો. આગલે દિવસે અનુ તેણે ગાર્ડનમાં મળવા આવી હતી કોઈ ખાસ વાતો કર્યા વગર આંખોની લાગણીથી જ સઘળું કહી દીધું.

દુબઈ જઈને આદિત્ય પોતાના રોજિંદા કાર્યોમાં અને મ્યૂજ઼િકએકેડેમી ના ક્લાસીસમાં વ્યસ્ત રહ્યો પરંતુ અનુ ને હમેંશા યાદ કરી લેતો. ક્યારેક વ્હાટ્સપ્પ પર તો ક્યારેક ફેસબુક પર અનુને ઓનલાઇન જુએ તો તરત જ તેની સાથે ચેટિંગ માં લાગી પડતો. ફોન પર વાત થાય શકે એવી તકો બહુ ઓછી આવતી.

થોડા દિવસો બાદ આદિત્યને અનુનો અવાજ સાંભળવાનું મન થયું તેણે અનુને કોલ કર્યો પરંતુ અનુએ કોલ ના ઉઠાવ્યો. આખા દિવસમાં આદિત્યે અનુને ત્રણ થી ચાર વાર પ્રયત્ન કરી જોયા પરંતુ નો રિસ્પોન્સ. આદિત્યે આખા સપ્તાહ દરમિયાન અસંખ્ય કોલ કર્યા પરંતુ એક પણ વખત વાત ના થઈ શકી. હવે તો અનુ ફેસબુક કે વોટસેપ કે ફેસબુક માં પણ ઓનલાઇન જોવા ના મળતી. આદિત્યનું મન બેચેન બનતું.

એક દિવસ અચાનક જ આદિત્યના ફ્રેંડ સંજય નો ફોન આવ્યો અને તેને જણાવ્યુ કે અનુને હોસ્પિટલાઇઝડ છે અને તેની હાલત બહુજ ગંભીર છે તેમજ આદિત્યને શક્ય હોય તો જલ્દી ઈન્ડિયા આવવા માટે કહ્યું. આદિત્યે તે જ દિવસથી ઈન્ડિયા આવવાની તૈયારીઓ આરંભી પોતાની પ્રિયતમાની ગંભીર હાલતની મનોમન કલ્પના માત્રથી પણ તે ધ્રૂજી ઉઠ્યો.

આ તરફ અનુની સ્થિતિ દિવસેને દિવસે કથળી રહી પરંતુ આદિત્ય ઈન્ડિયા આવે છે એ જાણીને અત્યંત વિકરાળ વિષાદમાં પણ સુખની કોઈ ક્ષણ તેના બહિરંતરમાં ઝગારા મારી રહી.

આખરે આદિત્ય ઈન્ડિયા આવ્યો ઘેર જવાને બદલે તે સીધોજ હોસ્પિટલે જ પહોચ્યો. અનુની દયનીય સ્થિતિ જોઈને પોતાના જીવનના વિપરીત વળાકોનો ઉકેલ શોધવા મથતો રહ્યો અને અનુ જાગે તેની રાહ જોઈને બહાર બેઠો. થોડીવાર બાદ મિ. દેસાઇએ તેને અનુના રૂમમાં જવા ઈશારો કર્યો.

“આદિ.... આદિ... તું આવી ગયો.... ”કણસતા સ્વરે અનુ બોલી. એના શબ્દોમાં અપાર કરુણતા છલકાતી અને કંઠ માથી ડૂસકું છૂટી ગયું.

“અનુ... ” આગળ કઈ બોલવાને બદલે મોકળા મને રડી પડ્યો. અનુની હૂંફાળી હથેળીઑ નો સ્પર્શ જાણે સ્વસ્થ થવાનું કહી રહ્યો આજે પણ અનુની બાજુમાં પેલાં લેપટોપને ઇશારાથી બતાવીને આદિ રડતી આંખે હસ્યો. થોડીવાર અગાધ મૌન જળવાઈ રહ્યું .. સ્પર્શની ભાષાથી જ જાણે અધૂરા સંવાદો પૂર્ણ થયાં.

“આદિ... સાચો પ્રેમ ક્યારેય મૃત્યુના અંધકારમાં વિલીન નથી થતો ... આઇ લવ યુ આદિ.. ” બાકીના શબ્દોને અનુ એ બહાર આવવા ના દીધા અને પોતાનું લેપટોપ આદિના હાથ માં સોપ્યું. શું ખરેખર અનુનું મોત નજીક આવ્યું હતું આ પ્રશ્ન આદિત્યના અસ્તિત્વમાં ઉઠતાંજ ડરથી થરથરી રહ્યો. તેણે અનુની આંખ પર અને હોઠો પર પતંગિયાની પાંખ જેવુ ચુંબન કર્યું. થોડી ક્ષણો એમજ વીતી ગઈ.

ડોક્ટરની ઇન્સટ્રક્શન મુજબ એક નર્શે અનુના હાથમાંથી સિરિંજ કાઢી ગઈ.

એકાદ કલાક વિત્યા બાદ અનુના શ્વાસ વેગીલા બન્યા... ગળામાંથી કોઈ અવાજ કાઢવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો તેની કાયા ધ્રુજી રહી હતી ... આંખો થોડીવાર ખોલી ફરી બંધ થઈ ગઈ અને થોડી પળોમાં તો તેનું મુખ ફાટી ગયું. આદિ ચીસ પાડી ઉઠ્યો. ડોક્ટરે અનુને સફેદ ચાદર ઓઢાડી. અનુ સાથે જીવેલા અસંખ્ય પ્રસંગો આદિના માનસપટ પરથી પસાર થવા લાગ્યા. પ્રિયતમાને ગુમાવ્યા બાદ એકલવાયા જીવનની કલ્પના કરતાજ તેનું હૈયું ચિત્કારી ઉઠ્યું. પરિવારજનોએ તેની નિકટતમ વ્યક્તિ ગુમાવી. મિ દેસાઇ અને અનુના મમ્મી જાણે શાનભાન ગુમાવી બેઠા. હોસ્પિટલમાં રુદનના કોલાહલથી નીરવ શાંતિ ચિરાઈ ગઈ. અનુને અંતિમવિદાય આપવાની ઘડી નજીક આવી.

***

અનુની સ્મૃતિમાં સરી પડેલા આદિત્યના મન પરથી એક પછી એક ઘટનાઓ ફિલ્મના કોઈ સીન માફક પસાર થઈ ગઈ. અનુના લેપટોપ પાસે આવીને બેઠો. તેણે લેપટોપ હાથમાં લીધું, ખોલ્યું અને પાસવર્ડ ટાઈપ કર્યો ILUADI. અસંખ્ય પત્રો જેમાં અનુ જીવી રહી તે આદિત્યને મળ્યા. આદિત્યને એક કહેવત યાદ આવી,”મરનારને તે વળી ઉપાડનારની પીડા શી?”.

***