Safarma madel humsafar - 7 in Gujarati Love Stories by Mehul Mer books and stories PDF | સફરમાં મળેલ હમસફર ભાગ-7

Featured Books
Categories
Share

સફરમાં મળેલ હમસફર ભાગ-7

સફરમાં મળેલ હમસફર

ભાગ-7

(ક્રમશઃ)

“તો કેવી છે ડાયરી, થોડી બોરિંગ, થોડી નાદાનીભરી, છે ને મારું પાગલપન!?” જિંકલે અચકાતા અચકાતા કહ્યું.

“ના, પાગલપન નહિ.. જે પોતાના વિચારોને આટલી સુંદરતાથી શબ્દોમાં ઉતારી શકે તેને પાગલપન ન જ કહેવાય. ” મેહુલે જિંકલ સામે જોઈ કહ્યું.

“તો આ ડાયરી પરથી એ પણ સમજાયું જ હશે કે હું મારા વિચારોની માલિક નહિ. ”

“કોણે કહ્યું?, તારા પાપાની વાત સમજે છો… તેનો મતલબ એમ તો નહિ ને કે તું તારા વિચારોની માલિક નહિ…તારી ડાયરી વાંચી મને મારી ભૂલ સમજાય છે. મારા પાપાને છોડી મુંબઇ આવી ગયો, સાવ નાના કારણ માટે?. ” મેહુલે પોતાને જ સવાલ પૂછ્યો.

“તો પાછો ચાલ્યો જા. ” જિંકલે મેહુલને સલાહ આપતા કહ્યું.

“છોડ ને એ બધું, મને એમ કહે તારા દીદી ક્યાં છે અને તેની સાથે શું થયું હતું. ? મેહુલે વાત બદલતા કહ્યું.

“દસ મહિના પહેલા તેઓએ સ્યુસાઇડ…. ” જિંકલ આટલું કહી અટકી ગયી.

“I’m Sorry, તેઓએ એવું કેમ કર્યું?” મેહુલે વાત જાણવાની ઉત્સુકતાથી ફરી પૂછ્યું.

“કૉલેજમાં તેઓ એક છોકરાને પ્રેમ કરતા હતા, તેમણે ઘરે વાત કહી અને પાપાએ પણ હા કહી દીધી હતી, કૉલેજ પુરી થયા પછી બંનેના લગ્ન થવાના હતા અને બધું જ ઠીક ચાલતું હતું. એક દિવસ તેણે મારી.. .. મારી દીદીને મળવા બોલાવી તેમના ઘરે અને ત્યાં.. ત્યાં તેના દોસ્તો સાથે મળી….. ” જિંકલની આંખોમાંથી અશ્રુધાર વહી ગયી અને તે ડુસકાં ભરવા લાગી.

મેહુલને લાગ્યું તેણે ન પૂછવાના સમયે પ્રશ્ન પૂછી લીધો. પોતાની ભૂલ સુધારતા તેણે કહ્યું “તારા દીદી ખૂબ જ સારા હશે અને તે અત્યારે જ્યાંથી પણ જોઈ રહ્યા હશે તેને કેટલું દુઃખ થતું હશે તું રડે છો એટલે…તું આમ રડ નહિ મને નહિ પસંદ તારું રડવું, જો હું પણ રડીશ હો…” જિંકલના ગાલ પરથી આંસુ લૂછી મેહુલે સાંત્વના આપી.

મેહુલે ફરી વાત બદલવાનો પ્રયાસ કરતા કહ્યું“તારી સાથે કોઈ આવું કરે તો, મિન્સ કે કોઈ…. ” મેહુલ કઈ આગળ કહે તે પહેલાં જિંકલે વાત કાપતા કહ્યું “મારી જ નાખું અને મારા પાપા આ ઘટનાને કારણે જ એટલી સખ્તાઈ રાખે છે નહિતર સ્વભાવે તેના જેવું કોઈ નહિ. ”

“ધારી લે મેં જ એવું કર્યું તો?” મેહુલે પૂછ્યું.

“બને જ નહિ, મને તારા પર વિશ્વાસ છે.. અને એક મિનિટ, તું તો કહેતો હતો ને કે આપણી વચ્ચે કઇ થઈ શકે તેમ નહિ તો કેમ પૂછે છે?” જિંકલે કહ્યું.

“અત્યારે કઇ યાદ આવતું ન હતું કે તને શું કહું એટલે પૂછ્યું, તારું ધ્યાન ભટકાવવાના ઈરાદાથી…તારા દીદીનું નામ?” મેહુલે ફરી ગલત સવાલ કર્યો.

“પૂર્વી!!” જિંકલે કહ્યું.

“ખૂબ જ સુંદર નામ છે, તેઓના માટે હું દુઃખી છું, આજનો દિવસ તેના માટે…અને હા તેઓ એવું જ ઇચ્છતા હતા કે તું ખુશ રહે, ના કે આમ રોતળું. ” જિંકલના ગાલ પર આવતા આંસુ લૂછતાં ફરી મેહુલે ભૂલ સુધારી લીધી.

“તો આજ નો શું પ્લાન છે. ” મેહુલે આળસ મરોડતા પૂછ્યું.

“તે જ કાલે મોટી મોટી વાતો કરી હતી અને આજે તું જ પૂછે છે?” રડતા આવજે જિંકલે કહ્યું.

“પહેલા તો એક કાતિલ સ્માઈલ આપ પ્લીઝ, અને બીજું હું શ્યોર કરતો હતો કે તારો કોઈ પ્લાન નહિ ને.. હવે નવ વાગ્યે તૈયાર થઈ જજે…પૂરો પ્લાન સેટ છે. ” મેહુલે જિંકલના ગાલ ખેંચતા કહ્યું. આ સાંભળી જિંકલે સાચે કાતિલ સ્માઈલ આપી, તેને જોઈ મેહુલે ફરી એક ડગલું આગળ વધાર્યું. પાર્કમાં ખીલેલા ફૂલોમાંથી એક પિંક રોઝ લઈ, તેણે જે કાલે રાત્રે કાગળ લખ્યો હતો તે આપ્યો અને ઘરે જઈ વાંચવા કહ્યું.

જિંકલના ચહેરા પર ન જોઈ શકાય તેવા એક્સપ્રેશન હતા.. ” થેન્ક યુ” કહી જિંકલે બંને વસ્તુ ડાયરીમાં મૂક્યું. ઘરે આવી જિંકલે તે કાગળ વાંચ્યો.

“યાદોની વણઝારમાં આપ આવીને વસ્યા,

જાણે વર્તમાનની પળોમાંથી અમે ખસ્યા.

અંતર-અંતર વચ્ચે નહિ અંતર,

જાણી જોઈને નયન અમારા હસ્યા.

  • - આપણી મુલાકાત.
  • તમે નજદીક આવતા અમે થોડા ખસ્યા,

    નજદીક બેસી તમે પણ થોડું હસ્યાં.

    અપેક્ષાના વાદળોમાં ચરણ અમારા ડગ્યા,

    ખરેખર અમારા હોવા છતાં તમે અમારા ન થયા.

    - આપણી વાતો

    તમારી શેરીમાં આવતા કૂતરા અમારા પર ભસ્યા,

    પતલી ગલી પકડી અમે ત્યાંથી પણ ખસ્યા.

    પાછળની શેરીએ આવીને તમે અમને જોયા,

    તમને જોઈ આવરણ અમે અમારા ખોયા.

    - ટ્રેનનું સફર

    નજદીક આવીને તમે નયનના તીરે કઇક બોલ્યા,

    સાંભળી તમારી વાતો સાતમા આસમાને અમે ડોલ્યા.

    તિર તમારા નયનના દિલમાં અમારા પણ વાગ્યા,

    લોહી નીકળે તે પહેલાં સપનામાંથી અમે જાગ્યા.

    - આપણી પહેલી સવાર

    અજીબ ખુશી હતી અમારા ચહેરા પર જાણે,

    આવું કહી મમ્મી અમારા પર હસ્યાં.

    આટલી વેદના સહી પણ કહે હજી ‘મેહુલ’

    તમે અને માત્ર તમે જ દિલમાં અમારા વસ્યા. – મેહુલ

    તારી ડાયરી પરથી લખવાનો પ્રયાસ કર્યો છે, હું કદાચ તારી સાથે વાત કરીને તારી ડાયરી વિશે નહિ સમજાવી શકું એટલે મેં મારી ફીલિંગ્સને શબ્દોમાં ઉતારી છે, આઈ હોપ તને પસંદ આવી હશે. અને બીજી વાત, સિગરેટ તો છોડવાની મને પણ ઈચ્છા હશે પણ અત્યાર સુધી કોઈ કારણ નહિ મળ્યું. ”

    જિંકલે કાગળ બીજીવાર વાંચ્યો, ત્રીજીવાર વાંચ્યો, શબ્દો સમજવા તે પત્રને વારંવાર વાંચ્યો. થોડું થોડું સમજતા તે મુસ્કુરાઈ નવી ડાયરી લઈ એક લાઈન ટપકાવી. “હું જ છુ તે સિગરેટ છોડવાનું કારણ. ” કાગળ ડાયરીમાં છોડી તૈયાર થવા ચાલી ગયી.

    સુહાનીના કહેવાથી મેહુલે સ્કાઇ બ્લુ ડેનિમ જીન્સ પર પ્લેઇન વાઇટ શર્ટ પહેર્યો, સાથે પોતાના ફેવરિટ ગોગલ્સ અને બ્લેક વૉચ પહેરી. વાઇટ શર્ટ પર પરફ્યુમ અને રાખોડી મોજડી ટાઈપ લોફર પહેરી મેહુલ તૈયાર થઈ ગયો. એક દિવસ માટે કાર હાયર કરી, એક બુકેઇ લઈ બાજુની સીટ પર રાખ્યો અને ટેડ્ડી ડિક્કીમાં છોડ્યું.

    “આજ ઉનસે મિલના હૈ હમેં…. ” ગીતો સાંભળતા સાંભળતા નવ વાગ્યે નક્કી કરેલી જગ્યાએ પહોંચી ગયી કાર. હજી સુધી જિંકલ આવી ન હતી તો કારના બોનેટ પર બેસી મેહુલ રાહ જોઈ રહ્યો હતો. ‘ઓહહ, સામેથી કોઈ પરી જ આવી રહી હતી, સંપૂર્ણ વાઇટ ટ્રેડિશનલ ડ્રેસ, મેચિંગ ઈયરિંગ, સંપૂર્ણ નેઇલ પોલિશ, ગોરા ચહેરા પર લહેરાતી ઝુલ્ફો, ગળામાં નેકલેસ અને હાથમાં એક બોક્સ. મેહુલે બારીકાઈથી બધું નિરીક્ષણ કર્યું. બોનેટ પરથી ઉતરી બાજુની સીટ પરથી બુકેઈ લઈ જિંકલને આપ્યો. “You are looking soo beautiful dear. ” મેહુલે તારીફમાં બે શબ્દો ઉમેર્યા, “Thank you dear. ” કહી જિંકલે નજરો ઝુકાવી લીધી અને પેલી લટ…આહ.. જ્યારે તે શરમાઈને પોતાની ઝુલ્ફો સાથે રમત કરે ત્યારે તે મેહુલના સપનનાની મહારાણી જ લાગે છે. દરવાજો ખોલી જિંકલને બેસારી, બુકેઈ પાછલી સીટ પર છોડી કાર ચલાવી.

    “ક્યાં જઈ રહ્યા છીએ આપણે?” જિંકલે પૂછ્યું.

    “તારે કઇ જ નહિ પૂછવાનું, સવારે કહ્યું હતું ને મેં મોટી મોટી વાતો કરી છે, તો હવે હું જ્યાં લઈ જઉં ત્યાં આવવાનું.. સમજી ગયા મેડમ??. ” મેહુલે મજાકમાં પણ ઊંચા અવાજે કહ્યું.

    “જો હુકમ જહાંપનાહ.. ” જિંકલે હસતા હસતા કહ્યું.

    મેહુલે કાર મંદિર તરફ વાળી, મૅપની મદદથી કાર મંદિર તરફ ચાલતી હતી. કારમાં મનમોહક ખુશ્બુ આવતી હતી જે જિંકલના અને મેહુલના ડિયો સાથે પાછલી સીટ પર રહેલા બુકેઈના ફૂલોમાંથી આવતી હતી. મેહુલે પહેલેથી જ રોમેન્ટિક સોંગનો ટ્રેક સેટ કર્યો હતો જે વાતાવરણને વધુ મનમોહક બનાવતો હતો. મંદિરની બહાર કાર પાર્ક કરી બંને દર્શન કરવા ગયા.

    દર્શન કરી બહાર આવતા મેહુલે પૂછ્યું “શું wish કરી મહાદેવ પાસે?”

    “એ તો મને અને મહાદેવને જ ખબર, તે શું wish કરી. ” જિંકલે પૂછ્યું.

    મેહુલે જિંકલ સામે જોઈ પેલો ડાયલોગ મારતા કહ્યું “એજ કે તે જે wish કરી તે મહાદેવ માની લે. ” જેમ કોઈ ફિલ્મમાં રોમેન્ટિક સીનમાં બેગ્રાઉન્ડ સાઉન્ડ સંભળાતું હોય તેમ બંનેના કાનમાં આવાજ અથડાતો હતો, થોડીવાર બંને એકબીજા સામે જોઈ રહ્યા.

    “ઓહ, તો તારી કોઈ wish નહિ?” જિંકલે ફરી પૂછ્યું.

    “છે જ ને, અને સૌની હોય જ…પણ હું અહીં wish માંગવા નહિ આવતો, જેમ એક દોસ્તને મળવા જઈએ તેમ મળવા આવું છું. ” મેહુલે ખુલાસો કરતા કહ્યું. બંને મંદિરની લોનમાં જઈ બેઠા, શિયાળાની સવાર સોળે કળાએ ખીલી ઉઠી હતી, સૂર્યના કુણા કિરણો જમીનને સ્પર્શીને વાતાવરણને હૂંફ આપી રહ્યા હતા.

    સાડા દસ વાગ્યે મેહુલના મોબાઈલમાં રિમાઇન્ડર પૉપ-અપ થયું. બંને કારમાં બેસી ફરી રવાના થઈ ગયા. ફરી નવા સોંગ, નવું વાતાવરણ મુંબઈથી દુર દરિયા કિનારા તરફ કાર આગળ વધી રહી હતી. ત્યાં પહોંચતા સુધીમાં સાડા બાર થઈ ગયા હતા, મુંબઈના ટ્રાફિકને કારણે મેહુલ તેના પ્લાનથી અડધી કલાક લેટ હતો. હકીકતમાં તેણે બાર વાગ્યે પહોંચવાનું હતું.

    દરિયાકિનારે બેસવાની મજા જ કંઈક અલગ હોય છે, ન તો વાહનોનો આવાજ, ન તો માણસોની કચકચ…માત્રને માત્ર પથ્થરો સાથે અથડાતા મોજાઓનો આવાજ અને દરિયા ઉપરથી આવતો ઠંડો પવન વાતાવરણમાં ઠંડક પ્રસરાવતો સીટી તરફ વળે.

    જિંકલને એક પથ્થર પર બેસારી મેહુલ કારમાંથી ટેડ્ડી અને મોટી ચોકલેટ કેક લઈ આવ્યો. જિંકલનો ચહેરો દરિયા તરફ હતો, પાછળથી ટેડ્ડીની આડ લઈ મેહુલે જોરથી બૂમ પાડી “સરપ્રાઇઝ. ”

    પાછળ ફરી જોયું તો જિંકલે ચોંકી ગયી, “અત્યારે?? આપણે તો સાંજ સુધી સાથે રહેવાના છીએને. !!” મેહુલના હાથમાં કેકનું બોક્સ જોતા જિંકલે પૂછ્યું.

    “એ તો આપણે સાથે જ રહીશું, પણ આ વાતાવરણ મને ખૂબ જ પસંદ છે સો મેં અત્યારે કેક કાપવાનું વિચાર્યું અને હા રાત્રે પણ કેક કાપીશું બસ.. ” મેહુલે હસતા ચહેરે કહ્યું. સામે જિંકલના પણ તેવા જ એક્સપ્રેશન હતા. સવારથી જિંકલના ચહેરા પર એક અજીબ સ્માઈલ હતી જે સ્માઇલનો મેહુલ દીવાનો બની ગયો હતો.

    “હવે જ્યારે પણ તને એકલતા મહેસુસ થાય ત્યારે જો હું તારી સાથે ના હોઉં તો આ હું જ છું તેમ માની બધી વાત આને કહી દેજે. ” જિંકલના હાથમાં ટેડ્ડી આપતા મેહુલે કહ્યું.

    “થેન્ક યુયુ…” જિંકલે શબ્દો પર ભાર મુકતા વાત આગળ ધપાવી “તો આનું નામ પણ મેહુલ જ રાખીયે. ” મેહુલ શબ્દ બોલતા જિંકલના ચહેરા પર બ્લેશીંગ આવી જતી.

    “ના, મેહુલ નહિ ગુરુ…સૌ મને ગુરુ કહીને પણ સંબોધે છે. ”

    “હમમ, તો નાઇસ ટુ મીટ યુ ગુરુ” જિંકલે ટેડ્ડીને છાતી સરસુ ચાંપી લીધું.

    મેહુલે ફોન પર ‘બાર બાર દિન યે આયે, બાર બાર દિલ યે ગાયે. ’સોંગનું ઇન્સ્ટ્રુમેન્ટલ લગાવ્યું. દરિયાના ઘૂઘવાતા અવાજે કેક કપાઈ અને મેહુલે પોતાના NIKON કેમેરામાં આ બધી જ યાદોની તસ્વીર કેદ કરી લીધી. દરિયા કિનારે જિંકલના એઝ અ મૉડેલના પોઝમાં ફોટા લીધા. મેહુલે લીધેલી તસ્વીરો જોઈ જિંકલ અભિભૂત થઈ ગયી.. પોતાની આટલી સુંદર તસવીરો તેણે પહેલા ક્યારેય જોઈ ન હતી.

    “શું તાકી તાકીને જુએ છે, તારી જ તસ્વીર છે. ” લગભગ પોતાના જ ફોટામાં ખોવાયેલી જિંકલને બહાર લાવતા મેહુલે કહ્યું.

    “હા એ મારી જ છે.. અને મને પણ ખબર છે તારે કહેવાની જરૂર નહિ, પણ આટલી સુંદર મેં તસ્વીર મેં કોઈ દિવસ નહિ જોઈ એટલે…

    “કોણે ખેંચી છે એ તો જો ગાંડી. ” મેહુલે પોતાના જ વખાણ કરતા કહ્યું.

    “એકવાર ફરી તસ્વીર જોઈ લો સાહેબ તેમાં પોઝ આવો ના મળ્યો હોત તો આ તસ્વીરનું કઇ જ મૂલ્ય ન મળ્યું હોતઉં. ” કોઈ ક્વોટ કહેતી હોય તેવા અંદાજમાં જિંકલે કહ્યું. બંનેએ સામસામી આરગ્યુમેન્ટ કરી રહ્યા હતા. ત્યાંજ પાછળથી અવાજ આવ્યો.

    “ડિસ્ટર્બ તો નહિ કર્યા ને અમે. ” સામે સુહાની હતી, તેની સાથે એક યંગ, ડેશીંગ, મોર્ડન લૂક, જીન્સ અને બ્લુ ટી-શર્ટમાં એક છોકરો હતો જે કદાચ નિખિલ હતો.

    “ના, જરાય નહિ.. તું અહીં.. આવો બેસો ને.. ” મેહુલે જિંકલનો પરિચય આપ્યો અને સામે સુહાનીએ પણ નિખિલનો ઇન્ટ્રો આપ્યો, સુહાનીએ જિંકલને જન્મદિવસની વિશ કરી.

    “કોલેજ નહિ?” મેહુલે ફરી પૂછ્યું.

    “સ્ટુપીડ, ઘડિયાળમાં જો બાર વાગ્યે લેકચર પુરા થઈ જાય અને અત્યારે 1:02 થઈ છે, અમને ખબર ન હતી કે તું અહીં આવવાનો નહિતર અમે અહીં ના આવેત. ” સુહાનીએ પોતાના મજાકીય સ્વભાવે કહ્યું.

    “અચ્છા ઠીક છે તમે બંને અમને જોઈન કરી શકો છો. ” મેહુલે નિખિલનું એક નજરે નિરીક્ષણ કરતા કહ્યું.

    થોડી ઔપચારિક વાતો થઈ ત્યાર બાદ સૌ લંચ સાથે કરવા ગયા. મેહુલે બધી જ જિંકલની ફેવરિટ વાનગીઓ ઑર્ડર કરી જેનો જિંકલે પોતાની ડાયરીમાં ઉલ્લેખ કર્યો હતો. મેહુલે જ્યારે ઓર્ડર આપ્યો ત્યારે જિંકલની આંખો પોહળી પડી ગયી, મેહુલ સામે એકીટશે જોઈ રહી અને એક હલકી સ્માઈલ આપી નજર ઝુકાવી લીધી. જમીને સૌ બહાર આવ્યા, જિંકલ અને સુહાની બંને કાર તરફ ગયા, મેહુલ અને નિખિલ બિલ પે કરી વાતો કરતા હતા.

    “તુમ સુહાનિસે પ્યાર કરતે હો?” મેહુલે પૂછ્યું.

    “જાન સે ભી જ્યાદા. ” નિખિલે ફુલ્લિ કોન્ફિડન્સથી કહ્યું.

    “ઉસસે શાદી ભી કરોગે?” મેહુલે ફરી પૂછ્યું.

    “અભિ સોચા નહીં હૈ બટ વી લવ ઈચ અધર. ”

    “તુમ્હારે દોસ્ત ઉસે પરેશાન કરતે હે તો કુછ કરતે ક્યુ નહિ?”

    “મેં ઉનલોગો સે બાત કર રહા હું, ક્યોંકી વો મેરે બેસ્ટ ફ્રેન્ડ હૈ તો એક લડકી કે લિયે મેં ઉન લોગો સે ઉલજના નહીં ચાહતા, મેં સમજા દુગા તુમ ટેંશન મત લો. ”

    મેહુલનો મગજ ફરી ગયો, ત્યાં જ બે લાફા મારી દેત જો સાથે સુહાની અને જિંકલ ના હોત.

    “હા, સમજા દેના…વરના મુજે સમજાના પડેગા, તુમ સમજ રહે હો ના…” મેહુલે કટાક્ષમાં આંખો લાલ કરતા કહ્યું.

    “હોવ.. હોવ.. ચિલ યાર…વો તેરી કોઈ નહિ લાગતી…ઔર વો મેરી ગર્લફ્રેન્ડ હૈ…મુજે માલુમ હૈ ક્યાં કરના હૈ. ”

    “દોસ્ત હું મેં ઉનકા, અગર ઉસે કુછ હુઆ તો તુમ લોગો કી…” મેહુલે વાત અધૂરી છોડી દીધી અને કાર પાસે આવી ગયો.

    “મળી લીધું?. ” સુહાનીએ ઉત્સુકતાથી મેહુલ સામે આંખો ઊંચી કરતા પૂછ્યું.

    “હા મળી લીધું, સાંજે વાત કરીશું.. અત્યારે તું ઘરે જા…મોડું થઈ જશે. ”

    સુહાની અને નિખિલ બાઈક પર બેસી છુમંતર થઈ ગયા…જતા જતા નિખિલ મેહુલ સામે એવી રીતે ઘુરીને ગયો જાણે હવે પછીની મુલાકાત જંગના મેદાનમાં જ થવાની હોય.

    મેહુલે ગુસ્સામાં જ ત્યાંથી કાર ભગાવી, મૂવી જોવા જવાનો પ્લાન હતો…ત્યાં જ અચાનક મેહુલે કાર થોભાવી.. જ્યાં તેણે અને નિખિલે વાતો કરી હતી ત્યાં નજર થંભી, ત્યાં કોઈક ચાલીસથી પિસ્તાલીસ વર્ષના એક જેન્ટલમેન ફોર્મલ સૂટમાં મેહુલ તરફ જોઈને બેઠા હતા, બન્નેની નજર મળી…. મેહુલે ફરી કાર ચલાવી…

    “જિંકલ અત્યારે આપણે મુવી જોવા જવાના હતા, , બટ…”

    “બટ શું મેહુલ??” છેલ્લી દસ મિનિટથી મેહુલના મૂડમાં થતા બદલાવને જોતી જિંકલે પૂછ્યું.

    “મારે એક કામ આવી ગયું છે…ઇફ યુ ડોન્ટ માઈન્ડ…હું તને ઘરે છોડી જાવ અને ઇવનિંગ ટાઈમે પિક કરી જઈશ. ”

    “એ કઈ પૂછવાનું હોય, હું તને સમજુ છું…તું તારું કામ પતાવ હું અહી થી જ ઓટો કરી લઈશ. ” જિંકલે શાંત ચિત્તે કહ્યું.

    “ના હું ડ્રોપ કરી જાઉં છું.. અને સૉરી.. ”

    “એમાં સૉરી શેનું??? ચાલ જલ્દી મને ડ્રોપ કરી જા એટલે તારું કામ પતાવી જલ્દી મને પિક કરવા આવી શકે. ”

    મેહુલ જિંકલને તેના ઘરે ડ્રોપ કરી ફરી તે રેસ્ટોરન્ટમાં આવ્યો. હજી તે જેન્ટલમેન ત્યાં જ બેઠા હતા. મેહુલ સીધો તેની સામે જઈ ઉભો રહી ગયો. “આપ મેરા પીછા કયો કર રહે હો?” જોરથી ટેબલ પર હાથ પછાડતા મેહુલ ગરજયો.

    “પહેલા બેસ અહીં. ” સામેથી જેન્ટલમેને તેના ઘેરા અને પહાડી આવાજમાં કહ્યું. તેના શબ્દોમાં શિષ્ઠતા હતી, વિવેકપૂર્વક નીકળેલા શબ્દોની મેહુલ પર રતિભર અસર ન થઈ. મેહુલ સામેની ખુરશી પર બેસી ગયો. “હા તો અબ બોલો આપ મેરા પીછા કયો કર રહે હો?” મેહુલ ફરી ગરજયો.

    “પહેલી વાત તો એ કે તું મારી સાથે હિન્દીમાં વાત કરવાનું ટાળ, બેય ગુજરાતી છીએ યાર. ” તે જ શાંત અવાજમાં જેન્ટલમેને કાહ્યુ.

    “હા તો ગુજરાતીમાં કહો, ગમે તે ભાષામાં કહો.. બસ મને ગુસ્સો ના અપાવો, માત્ર એટલું કહો છેલ્લા ત્રણ દિવસથી તમે મારો પીછો કેમ કરો છો?”

    “ઓહ તો તને ખબર જ છે એમ ને, મને લાગ્યું નહિ ખબર પડે…. મારી ચોઇસ પરફેક્ટ છે. ”

    “હેલ્લો, મને જે ખબર હોય તે…મેં તમને પાર્કમાં, કૉફીહાઉસમાં, સવારે મંદિરે અને અત્યારે અહીંયા જોયા છે…. મારા પર નજર રાખતા.. હવે જલ્દી બકો નહિતર બીજો રસ્તો પણ છે. ” મેહુલે શર્ટની બાય ચડાવતા કહ્યું.

    “હોવ.. હોવ મેહુલ ગુસ્સો ના કર.. હું બધુ જ કહું છું. ” મેહુલના ગુસ્સાથી ડરી ગયા હોય તેવું નાટક કરતા જેન્ટલમેન બોલ્યા.

    “હા તો જલ્દી કહો મારી પાસે ટાઈમ નહિ. ”

    “હા, આજે તો તારી ફ્રેન્ડ જિંકલનો બર્થડે છે ને…બોવ બિઝી હોઈશ આજે તો તું. ”

    “તો?”

    “તો કઈ નહિ, આજે તેની સાથે સમય પસાર કર, કાલે સાંજે કૉફીહાઉસમાં મળજે, તારે એક વર્ષમાં તારા પાપાને બતાવવું છે ને કે તારી પાસે પણ રૂપિયા કમાવવાની ક્ષમતા છે જ, તે સાબિત કરવાની ઉત્તમ તક છે. ”

    “તમે મારા વિશે આટલું બધું જાણો છો, તમે કોણ છો તે કહો.. તમને મારા પાપાએ તો નહીં મોકલ્યા ને. ” મેહુલે શાંત થતા કહ્યું.

    “CID ઓફિસર રણજીતસિંહ. ”

    “શું.. શું.. CID ઓફિસર???” મેહુલે ચોંકતા પૂછ્યું.

    “તું આટલું બધું ના વિચાર, તારી દોસ્ત જિંકલ તારી રાહ જોતી હશે, આજે તેની સાથે ટાઈમ સ્પેન્ડ કર, તેને સારું લાગશે. કાલે બધી જ વાત તને કહીશ વિસ્તારમાં.. અને હવે હું તારો પીછો નહિ કરું, તો જિંકલ સાથે તું ફ્રી માઇન્ડલી રહી શકે છો, બીજી વાત કે આ વાત જિંકલને ના કહેતો તેની સેફટી માટે કહું છું. ” રણજીતસિંહ આંખો પર ગોગલ્સ ચડાવી ત્યાંથી નીકળી ગયા.

    “કદાચ ત્યાં જ મેહુલની ભૂલ થઈ ગયી હતી બેટા. ” રાત્રીના અગિયાર વાગ્યે ભરતભાઈએ ડાયરીનું છેલ્લું પેજ તેના પૌત્રને સંભળાવી ડાયરી બંધ કરી.

    “શુ મિસ્તેક કલી હતી દેડીએ. ” છ વર્ષના રુદ્રએ પોતાની કાલીઘેલી ભાષામાં દાદાને પૂછ્યું.

    “બેટા આગળ તો તારા પાપાને ખબર, આગળની ડાયરી મારી પાસે નહિ બેટા.. ચાલો સુઈ જાઓ…ગુડ નાઈટ. ”

    “ઓકે, ગૂદ નાઈત દાદુ. ” ફરી રુદ્રએ તે જ ભાષામાં કહ્યું. ભરતભાઈએ તેના મસ્તક પર ચુંબન કર્યું અને રુદ્ર તેના મમ્મીના રૂમમાં ચાલ્યો ગયો.

    રૂમમાં આવતા જ જિંકલને છાતી સરસો લાગી રુદ્ર સુઈ ગયો. છેલ્લા એક વર્ષથી મેહુલ શ્લોક બંગલામાં આવ્યો ન હતો. લગ્નના આઠ વર્ષ થઈ ચૂક્યા હતા છતાં મેહુલ શું કામ કરી રહ્યો છે તે હજી ઘરમાં કોઈને ખબર ન હતી. મેહુલ કહેતો તેણે પોતાનો બિઝનેસ શરૂ કર્યો છે અને તેના માટે દિન-રાત બહાર રહેવું જરૂરી છે. ભરતભાઈને પણ મેહુલના બિઝનેસથી કોઈ પ્રૉબ્લેમ ન હતો અને પ્રોબ્લેમ પણ ક્યાંથી હોય?…ભરતભાઇ એક વર્ષમાં જેટલું ટર્નઓવર કરતા તેટલું મેહુલ એક મહિનામાં કરતો હતો.

    રુદ્રના સુઈ ગયા પછી જિંકલ મેહુલના ખ્યાલમાં ખોવાઈ ગયી.

    (ક્રમશઃ)

    -Mer Mehul