Firki padhravo saavdhan in Gujarati Comedy stories by Ramesh Champaneri books and stories PDF | ફીરકી પધરાવો સાવધાન.....!

Featured Books
Categories
Share

ફીરકી પધરાવો સાવધાન.....!

હવામે ઉડતા જાયે મેરા લાલ ચાંદલિયા કાગઝકા..!

વાત તો સીધી જ છે ને ? અહિંસાના માર્ગે ચાલી ચાલીને માણસ કંટાળે નહિ ? ક્યારેક તો ગાંધી મટી ગોડસે, કૃષ્ણ મટી કંસ, ઓબામા મટી ઓસામા ને આઠવલે મટી આતંકવાદી બનવાનું મન થાય કે નહિ....? આ મકરસક્રાંતિ....એમાંથી પેદા થઇ. બાકી સુરજ મકરમાં જાય કે, મગરના મોઢામાં એ જોવાનો લોકો પાસે સમય જ ક્યાં છે ? એના અહિંસક સ્વભાવને એક દિવસ માટે હિંસક બનાવવાનો દિવસ એટલે પતંગોત્સવ. એ દિવસે તલના લાડવાની ઓથમાં, ગળે લગાડી ગળા કાપવાની હરીફાઈ સિવાય બીજું હોય શું ? પતંગના માધ્યમ દ્વારા, થોડો ચેઈન્જ મળે એ હેતુથી આપણે મકરસક્રાંતિનો તહેવાર મૂક્યો. જેથી લોકો કાપાકાપી ને લુંટફાટનો ખેલ કરીને થોડાક હળવા તો થાય. ધરતી ઉપર આવ્યાં છે તો કોઈપણ શોખ વગર રહી ના જવા જોઈએ. શું કહો છો મામૂ....?

સાચી વાત છે, દાદુ....! એટલે તો ધાબે કાપાકાપી ચાલે, નીચે પતંગને લપેટમાં લેવા ઝંડુવાળા દૌડે. ટાંપીને ઉભાં જ હોય. તેઓ જાણે કે, પતંગ માટે ૧૦૮ કે શબવાહિની આવવાની નથી. પતંગના મડદા કે પેશન્ટ આપણે જ ઉપાડવાના છે....! જેમ ચૂંટણી આવે એટલે ઝંડા લઈને નીકળવાનું, ને મકરસક્રાંતિ આવે એટલે ઝંડુના પ્રદર્શન કરવાનું. આ બધું આપમેળે જ આવે. જે ચગાવતો હોય, એને પાડી દેવામાં મલાઈ દેખાય, ને નીચેવાળા ઝંડુબ્રધર્સને કપાય એમાં મલાઈ દેખાય...! બોલો હવે તો માનશો કે નહિ, માણસમા રહેલી, ગળાકાપ વૃતિને પતંગકાપ પ્રવૃત્તિ દ્વારા ઉંચે લઇ જવાનો મહાખે, એનું નામ પતંગોત્સવ...! પતંગના પ્રતિક દ્વારા કાપાકાપીનો ખેલ, આકાશમાં લઈ જાય, એનું નામ માણસ....! માણસ છે ભાઈ, માણસ છે....!!

એક વાત છે, જેમ માણસને ઉંચો લાવવામાં ‘ વાઈફ ‘ નો હાથ હોય, એમ પતંગને ઉંચો લઇ જવામાં ‘ ફીરકી ‘ નો ફાળો હોય. બંને નારી જાતિ. પછી ભલે દ્રૌપદીના વસ્ત્રાહરણની માફક ફીરકીનું ‘ દોરી હરણ ‘ કેમ નહિ થઇ જાય ? પણ પોતીકા માટે જાન પાથરી દે એનું નામ નારી. સ્ત્રી અને ફીરકીમા ફેર એટલો કે, ફીરકીને તો ખબર જ છે કે, પહેલાં તો પતંગે જ વિધુર થવાનું છે. ત્યારબાદ ક્યાં તો હું ત્યકતા બનીશ કે વિધવા થઈશ. છતાં છેલ્લા શ્વાસ સુધી, સ્ત્રીની માફક પતંગ માટે એ ઝઝૂમે. કોઈ ખાનદાન ઘરની દીકરી, બાપે ચીંધેલા મુરતિયાનો સિંદુર ચઢાવી, હાલતી થાય, એમ ફીરકી પણ કોઈપણ પ્રકારની આનાકાની વગર, પતંગ સાથે છેડાગાંઠી કરી લે. પડ્યું પાનું નિભાવી લે. આને કહેવાય નારી જાતની મહાનતા.

આને અગનખેલ નહિ કહેવાય, કહેવાય તો પવનખેલ કહેવાય. મકરસક્રાંતિ આવે એટલે, પવનમાં પણ જાણે પવન ભરાય. એકવાર બેસ્ટમાં બેસ્ટ પવન ફુંકાવો જ જોઈએ એટલે ચગાવવાવાળો કે ચગાવવાવાળીને જાણે દશામા આવી જાય....! પેલું ધાબું પણ હાલે ને એ પણ આખો હાલે. પતંગ ચગાવવા માટે એને આકાશ નાલ્લું લાગવા માંડે. પતંગ ભેગો જાણે પોતે આકાશમાં ઉડાન કરવાનો હોય, એમ યુધ્ધે ચઢે. પવનમા આ તાકાત છે. એકવાર પવન ભરાયો, એટલે માણસ સીમાડા પણ તોડી નાંખે. પછી એ પવન કોઈપણ પ્રકારનો હોય. સારો પવન હોય તો એ લહેરખી, ને બગડેલો હોય તો વાવાઝોડું....! ‘ ન ઉનસે દોસ્તી અચ્છી ન ઉનસે દુશ્મની અચ્છી...! મકરસક્રાંતિનો તહેવાર હોય, ઘરમાં પતંગ/ફીરકીનો ખજાનો પડ્યો હોય, પછી જોઈએ શું ? ધાબે ધમાધમી શરુ જ થઇ જાય. ઘરમાં લગનનો પ્રસંગ આવ્યો હોય એમ, વાજાં-પીપા-ઢોલ-નગારાને ઊછળકૂદના ગાયનો સાથે એવી ચીસાચીસ ચાલુ થઇ જાય કે, અવાજથી આખું ગામ ફાટવા માંડે. ફેર એટલો કે, લગનમાં માંડવો નીચે હોય, ને આમાં ધમાધમી ધાબે થાય....! કોણ કોને કહેવા જાય કે.......

મીઠું બિન સાંભળીને હરણ તું દૌડી ના જા

મઝા છે દુર રહેવામાં વીંધાવું બાણથી પડશે

વાંક તો પીનારાનો છે, બાકી શરાબની બાટલીને ક્યાં નશો ચઢે છે ? આ બધી આપણે જ ચાગવેલી સિસ્ટમ છે ને ? પતંગ રસિયાના ઘરમાં ગયાં હોય તો, જોવા મળે કે, રેલના પાણી ઘરમાં ઘુસી ગયાં હોય એમ, આખા ઘરમાં પતંગ ને ફિરકા જ હોય. ચારેય બાજુ બકરી ઇદના બકરાની માફક, પતંગ કન્ના બાંધીને તૈયાર પડ્યા હોય. ભલે ને ઘરનું નામ આનંદદ્વાર હોય, પણ ઉતરાયણમા આખું ઘર પતંગદ્વાર બની જાય....! ફીરકીઓ એવી લાગે કે જાણે, જાણે પતંગયુદ્ધ માટે સજ્જ થઈને રાણી લક્ષ્મીબાઈની સેના નહિ બેઠી હોય...? એમાં અમુક પતંગ તો આપણને એવાં લાગે કે, જાણે વૃદ્ધાવસ્થા સાથે જ જન્મ્યા ના હોય ? કોઈની કમર ભાંગી ગયેલી હોય, તો કોઈના ચામડા ફાટી ગયેલા હોય. કોઈની કમાન છટકેલી હોય તો, કોઈને જાણે ચાલુ નોકરીમાંથી બરતરફ કરેલો હોય, એવા ઉંધા માથે ઉદાસ પડ્યા હોય...! તોજાણે દરેક પતંગ પેલું ગાયન નહિ ગાતાં હોય કે, ‘ મેરી કિસ્મતમે નહિ તું શાયદ, કયું તેરા ઇન્તેજાર કરતાં હું....! ‘ અમુક તો પરણીને પસ્તાયા હોય, એમ ટૂંટિયું વાળીને ખૂણે સડતાં હોય. આપણને દયા આવે મામૂ....!

એમાં કોઈ ચીલ હોય, ચાંદેદાર હોય, ચાંદલીયો હોય, ઢાળીયો હોય, ધેંસીયો હોય, આંચીયો હોય, પાંખિયો હોય, આંખીયો હોય, કે ફૂદ્દી કે લેપળી હોય...! પણ એ બધાં આતંકવાદીની ખુમારીમાં પડ્યા હોય. એમનું એક જ મિશન, ડુ ઔર ડાઈ, જે લપેટમાં આવ્યો એને પાડી દેવાનો...! બસ ખલ્લાસ.....! કદાચ વિધવા કે ત્યકતા બનેલી ફીરકી જો એના પતંગને પ્રેમપત્ર લખે તો કેવો લખે ? આવો એની ગમ્મત જોઈએ....!

પ્રિય ચાંદલિયા....!

કેવાં કેવાં અરમાન સાથે, તારી જોડે સ્નેહથી બંધાયેલી ? પણ મારો હાથ અને સાથ છોડીને, તેં મારા અરમાનનું કચુંબર કરી નાખ્યું...! બહુ મોટા ઉપાડે કહેતો હતો, કે, આપણે તો જનમ જનમની મકર સક્રાંતિ સુધી જોડે રહીશું. એવી કઈ લેપળીના રવાડે ચઢ્યો કે તેં મને ભરદોરીએ ત્યકતા બનાવી દીધી ? જ્યારે તને બીજી જ કોઈ ફીરકીના છેડે બંધાયેલો જોયો, ત્યારે તો મારૂ કાળજું કપાય ગયું ચાંદલિયા....! તું તો માણસ કરતાં પણ સાવ સ્વાર્થી નીકળ્યો ચાંદલિયા..!

તારા કુળની પૃચ્છા વગર, તારી સાથે મે છેડો બાંધેલો, એનો આવો બદલો લીધો ? મને મુઈને એમ કે, દુકાનદારને ત્યાં તારી ઈજ્જત પંજામા છે, એટલે હું તો પાંડવ ઘરાનામા જ જાઉં છું ને ? અપરણીતાના મેળામાં આવી હોય, એમ હું દુકાનદારને ત્યાં, લટકીને તને જોયાં કરતી. પણ દ્રૌપદી બનવાના મારાં સ્વપ્ના તેં ચકનાચૂર કરી નાંખ્યા. તું તો પાંડવના વેશમાં દુર્યોધન નીકળ્યો ચાંદલિયા.....! તારાં માટે ચીર પૂરનારના જ તે ચીર ખેંચી કાઢ્યા....! શીઈઈઈટ નપાવટ....?

ક્યાં ગઈ તારી ૫૬ ની છાતી ? આકાશમાં તું બાથડતો, ત્યારે હું મૂઈ હરખપદુડી થઇ જતી....? તેં કાપેલા પતંગથી હું એવી હરખાય જતી. ‘ વાહ મારાં ચાંદલિયા વાહ....! ‘ ની ચીસ પણ મારાથી નંખાય જતી. એને જ તું કારમી ચીસ પાડતો કરી ગયો ? તું તો સાવ ‘ લપ્પુક ‘ નીકળ્યો રે.....! વીજળીના તારમાં તું ભેરવાતો, ઝાડની ડાળીઓમાં ખીલવાતો, પાણીની ટાંકીઓમાં ફસાતો, ત્યારે મારું દિલ કેટલું કપાય ઉઠતું, એની તેં દરકાર પણ નહિ કરી. તેં મને ક્યાંયની નહિ રહેવા દીધી. તું ભૂલી ગયો કે, તારી ઉડાન તો તારી ફીરકીને આભારી છે. ઉતરાયણ જેવા સ્નેહના દિવસે તેં તારી સ્નેહગાંઠનો જ દગો કર્યો....? ત્યકતા થવા કરતાં તો, મારો ચાંદલો નંદવાયો હોત તો સારૂ થાત. બીજી કોઈ લેપળી સાથે તને બંધાયેલા જોવાના દિવસો તો ના આવ્યા હોત..?

ખેર....! પાંડવો જેવા પાંડવો પણ જુગટું માં દ્રૌપદીને હારી ગયેલા, તો આ ફીરકી કયા ખેતરની મૂળી...? નારી જાતિના નશીબમાં તો આમપણ દુખ જ લખેલા હોય. લોકોને તો ટેવ છે ઉડતાં પતંગને જોવાની. તું કપાય છે ત્યારે પણ, એમ જ કહે કે, ‘ પતંગ કપાય ગયો.....! ‘ કોઈએ એવું કહ્યું કે, ફિરકીનો દોરો કપાયો ? અંતમાં એટલું જ કહેવાનું કે, આકાશનું આખ્ખું સામ્રાજ્ય હડપ કરવાની તારી તાલાવેલીને કારણે જ હું આજે નિરાધાર બની. જાલિમ....! મારા જેવી બીજી કોઈ ફીરકી સાથે તું આવો વિશ્વાસઘાત નહિ કરતો. નારીની આંતરડી જ્યારે કકળે છે, ત્યારે પવન પણ એની રૂખ બદલતો હોય છે, યાદ રાખજે....!

----------------------------------------------------------------------------------------------------------------------